– જુગલકીશોર.
શ્રી નરોત્તમ પલાણ દ્વારા લખાયેલી નવલકથા ‘હુહુ’ હમણાં જ પુરી કરી. જુનાગઢની સ્વાતંત્ર્ય ચળવળનો દર્દભર્યો ઈતીહાસ આલેખતી બહુ જ મજાની આ નવલમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત તે હીન્દુમુસ્લીમપારસી એમ બધી જ કોમો વચ્ચેની જુનાગઢી પ્રજાની એકતા છે. આખા દેશમાં આટલી એકતા બહુ ઓછી જોવા મળે એવું આ નવલ વાંચતાં થઈ આવે છે. આઝાદીની ચળવળ પહેલાં આ પ્રજાઓ વચ્ચે આશ્ચર્યજનક રીતે બેટી વહેવારો પણ હતા ! આટલો ને આવો સંપ સાંભળ્યો નથી. આઝાદીની ચળવળના છેલ્લા તબક્કામાં, કહો કે, મુસ્લીમ લીગે આકાશગામી બે મસ્ત ને મજાની પતંગો વચ્ચે પોતાનું અલગતાવાદી લંગસીયું નાખ્યું તે વરસોમાં, બે કોમો વચ્ચે જે ભેદ જુનાગઢની એકરસે જીવતી પ્રજાએ અનુભવ્યો તેની દર્દનાક કથા આ હુહુ છે !
એક અંગત રસની વાત કરું તો, આ કથામાંનાં કેટલાંક મહત્ત્વનાં પાત્રો પૈકીનાં બે પાત્રો મારાં સગાં માસીયાઈ ભાઈભાભી હોવાની જાણ થવાના કારણે જ કથા શોધીને વાંચવા લીધેલી, પણ વાંચ્યા પછી પેલા સગપણનું આકર્ષણ સાવ ગૌણ બની ગયું અને આ બે કોમ વચ્ચેના ઐક્યની વાત હૈયે વળગી રહી ! દીવસો સુધી આ એકતાએ અને છેલ્લે થયેલા વીચ્છેદે હૈયાને વલોવી નાખ્યું.
પણ જ્યારે રસપુર્વક વાંચી જ છે તો તેમાંનાં બીજાં પણ બેએક તત્ત્વોએ મને અહીં લખવા માટે પ્રેર્યો તે વળી બીજી જ વાત છે. આજકાલ મારા બ્લોગ પર લખો–લખો–લખો ચાલી રહ્યું છે ત્યારે આ છેલ્લા વાચનમાંથી મળી આવેલી બેએક નાનકડી બાબતોને વાચકો સમક્ષ મુકવાનો લોભ જાગી ગયો. સાહીત્યકારની બેએક ખુબીઓ કે જે સામાન્યતઃ કોઈ પણ સારા નવલકથાકારમાં હોય જ છે તે બતાવવાનો આ લોભ છે.
***** ***** *****
આ બેએક બાબતોમાંની એક તે લેખકની રસાળ ભાષાશૈલી અને ગદ્યની કંઈક ઝાંખી; બીજું તે એમનાં વર્ણનો અને કેટલીક ટૅકનીક્સ.
આ નવલકથા જેમ જુનાગઢની કોમી એકતાની વાત છે તેવી જ રીતે રાજકીય વાતાવરણને ઉપસાવનારી કથા પણ છે. કથાનાં ત્રણચાર હીન્દુમુસલમાન પાત્રોની આસપાસ ગુંથાયેલી આ કથા ગિરનાર, જૂનાગઢ અને ત્યાંના લોકજીવનને બહુ સરસ રીતે ઉપસાવે છે. ખાસ તો અનેક વાર કુદરતી હોનારતોનો ભોગ બનેલા આ પ્રદેશમાં માણસે સર્જેલી ભયાવહ સ્થીતીનો ચીતાર આમાં છે. કથાનો આરંભ જે રીતે થયો છે તેમાં લેખકે સામાન્ય લાગતા ગદ્યમાં જૂનાગઢને મળેલા ઉપરાઉપરી આઘાતોના વર્ણનથી નાંદીરુપ માંડણી કરી છે, ને પછી કથાનો ઉઘાડ કર્યો છે. આ માંડણી હુહુ નામના વીનાશક દરીયાઈ પવનના નામે થઈ છે. હુહુ એ એક બાજુ જૂનાગઢને વર્ષો સુધી ધમરોળતો રહેલો કુદરતી કોપ છે તો કથાનું શીર્ષક બની ગયેલો આ હુહુ સામાજીક વીનાશનો પણ પડઘો પાડનાર બન્યો છે. કથામાં બહુ ઓછો આવતો હોવા છતાં આ શબ્દ ‘હુહુ’ સમગ્ર કથામાં સતત ને સખત રીતે સુસવાટા મારતો સંભળાય છે !
આપણે કેટલીક ભાષાકીય અને સાહીત્યીક બાબતોને ટુંકમાં જોઈએ –
(૧) આરંભની કથામાંડણી
“પોરબંદર–સોમનાથની દરિયાપટ્ટીથી જૂનાગઢ વચ્ચેનો ત્રિકોણ અતિવૃષ્ટિ, દુકાળ અને વાવાઝોડાંની ત્રિવિધ આપત્તિનો ભોગ સતત બનતો રહ્યો છે. છપ્પનિયાનો કઠિન દાયકો પૂરો થયો અને ઉંદરિયો આવ્યો ! ઉંદરિયાનાં ત્રણ વર્ષ વીત્યાં અને તીડોનાં ટોળાં શરૂ થયાં ! લીલાં વાદળાં જેવાં ટોળાં, અંધારું થતાં જ ઊડવાનું બંધ કરે અને જ્યાં બેસે ત્યાં ઊભો પાક ચાવી જાય ! સવાર સુધીમાં તો પાક કે પાંદડાંના નામે કંઈ રહે નહિ ! લાગલગાટ પાંચ વર્ષ તીડોનો ઉપદ્રવ રહ્યો અને એક વિચિત્ર પવન ફૂંકાવો શરૂ થયો ! અતિવૃષ્ટિ, દુકાળ અને ચારે બાજુ ઊભરાઈ નીકળતાં ઉંદર કે ઊડી આવતાં તીડ કરતાં પણ આ પવન વધુ ભયંકર હતો ! એક પછી એક લગભગ દરેક ચોમાસાની સાથે દરિયા ઉપરથી એક વિચિત્ર પવન ફૂંકાતો, સુસવાટા મારતા ખારા ઝેર જેવા આ પવનના વેગથી, પોરબંદર અને સોમનાથ વચ્ચે દરિયાને મળતી દરેક નદીનાં વહેણ અવળાં થઈ જતાં ! પવનની સાથે દરિયામાંથી ઊઠતા ખારા ઘોડા ઝપાટાબંધ નદીના મુખમાં પ્રવેશતા અને જોતજોતામાં નદીનાં મીઠાં જળ કડવાં ઝેર કરી નાખતા. કાંઠે ઊભેલી વનસ્પતિ અને ખેતરના પાક, શાકભાજી, ફળફૂલ એની ખારી કાતિલ ઠંડી ઝપટોથી એક–બે દિવસમાં કોકડું વળી ગંઠાઈ જતાં !…આ પવન જ્યાં ફૂંકાય ત્યાં બધું નકામું કરી નાખે ! રાત અને દિવસ ફૂંકાતા રહેતા આ પવનને લોકો ‘હુહુ’ના નામે ઓળખતા ! ‘હુહુ આવ્યો !’નો સાદ પડતાં જ નાસભાગ શરૂ થઈ જતી. ઢોરઢાંખરને સલામત જગ્યાએ બાંધી લોકો ઘરમાં ભરાઈ જતાં ! સૌ મીઠાં પાણી સંઘરી રાખતાં…
“બરાબર આ જ વર્ષોમાં એક મહાભીષણ ઘટના બની ! માંગરોળના પાદરમાં એક નાટકમંડળીના પડાવમાં લાગેલી ભીષણ આગમાં વિશાળ તંબુ સહિત ચાલીસ બળદો, એના વીશ ગાડાખેડૂ સાથે ખાખ થઈ ગયેલા….
“હુહુના આ ગાળાની આ કથા છે.”
(૨) વાચકને બાહ્યપ્રસંગ સાથે રાખીને ભીતરી ઉંડાણે ખેંચી જતું ને શબ્દોનો અવનવો વીનીયોગ કરતું ગદ્યઃ
ભટ્ટજીએ રોશની (નવજાત મુસ્લીમ બાળકી)ને ઉપાડી ત્રાપજકરના ખોળામાં મૂકી.
“અભ્ ભુત !”
ત્રાપજકર મુગ્ધ બનીને રોશનીને જોઈ રહ્યો. કલ્યાણબાપુએ પેટીનો સૂર દબાવતાં ‘અદ્ ભુત’ શબ્દ ઉપાડી લઈને લાંબે રાગે સાખી મૂકી.
“અદ્ભુત પ્યાલા પ્રેમકા, અંતર લિયા લગાય,
રોમરોમમેં રમ રહા, ઔર અમલ ક્યા ખાય ?… …
“અદ્ભુત પંથ વરણિ નહીં જાઈ, ભૂલે રામ ભૂલે દુનિયાઈ”
બાપુએ મીઠી હલકમાં રવેણી ઉપાડી અને ધર્માલયના પટાંગણમાં જાણે સન્નાટો છાઈ વળ્યો. અંતરની ઊંડી અનુભૂતિમાં ઝબોળાઈને સૂર સૌની સૂરતાને એકતાન કરી રહ્યા હતા. ત્રાપજકરના ખોળામાં સૂઈ ગયેલી રોશનીને ભટ્ટજીએ પાતાના ખોળામાં લીધી અને એક હાથે એના મસ્તકને હળવે હળવે થપથપાવતાં ધ્યાનમાં પડી આંખો મીંચી ગયા. “જો ચેતહુ તો ચેતહુ ભાઈ, નાહી તો જીવ યમ લે જાઈ” રવેણી પુનરાવર્તન લેતી લેતી આગળ વધતી હતી. ભટ્ટજી આજે કોઈ અગમના ચોપડા ઉકેલતા હતા. ‘શબ્દ ન ચિન્હૈ, કથેય જ્ઞાના, તાતે યમ દિયો હૈ થાના.’ ભટ્ટજીના હોઠ ફફડતા હતાઃ “નર્યા જ્ઞાનથી શું ?” ફટાક કરતીને ભટ્ટજીની ભીતરી આંખ ખૂલી ગઈ….વીસ વર્ષ પહેલાંનું ભજવાયેલું ફારુક ગોરખીનું નાટક ભજવાતું હતું. દેહ છોડતા ફારુકને માટે હિન્દુમુસ્લિમપારસી સૌ કહેતા હતા કે ફારુક અમારા છે. ફારકે કહેલું…“લોટ અને મીઠું પાણીમાં એક થઈ ગયાં પછી એને શું કહેવાય ?” ‘આદમ આદિ સુધિ નહિ પાઈ’ કલ્યાણદાસજીનો સૂર વાતાવરણને ભરતો હતો. આરંભમાં માનું લોહી નોતું, બાપનું બુંદ નો’તું ત્યારે કોણ હિન્દુ,મુસલમાન,પારસી હતા ? ફારુક કહે, “ હું મરું ત્યારે મારાં કપડાં ઉતારીને જરૂરતમંદને આપી દેજો. મને કબરમાં નગ્ન જ સુવડાવજો.” કપડાંની માફક ધર્મ પણ ધારણ કરાય છે. જે ધારણ કરાય તેનું વારણ અને મારણ પણ થાય છે. “દરકી બાત કરો દરવેશા, બાદશાહ હૈ કૌને વેશા ?” …
“સહજ શૂન્ય મન સુમિર તે પ્રગટ ભઈ એક જ્યોત” કલ્યાણદાસજીનો સૂર પેટીની મંદ થતી સૂરાવલી સાથે વિરામ પામતો હતોઃ ‘જ્યોત પ્રગટી છે. ક્યાં ?’ કહેતા ભટ્ટજીની આંખો ખૂલી ગઈ. રોશની ! આવતી કાલની પેઢી જ ઈશ્વરને અવતારશે, ખુદાઈને નજરોનજર નિહાળશે. ધર્મ અને કોમનાં આવરણ હટવા માંડ્યાં છે. તેની જ નિશાની છે આ રોશની. ભટ્ટજી આ નવી પેઢીને બે હાથે ઊંચી કરીને મસ્તકે લગાડતા હતા.
(આ ફકરાઓમાં ‘અદ્ભુત’, ‘રોશની’, જ્યોત, સૂર–સૂરતા, વારણ–મારણ વગેરે શબ્દનો જે વીનીયોગ થયો છે તે અને જે ભાવજગત પ્રગટે છે તે ધ્યાન ખેંચે છે. બીજો ફકરો પણ જોઈ જઈએ –
“૧૯૪૭ની પંદરમી ઓગસ્ટે જેનું એક અંગ કપાઈ ગયું છે એવા દેશ ઉપર ત્રિરંગો લહેરાયો, જે દિશામાંથી સૂરજ ઊગે છે તે દિશાએ (પ. બંગાળ)આજે ગાંધીજીની સાથે દુઃખી થઈને ઉપવાસ કર્યો અને અહીં પશ્ચીમમાં, દશે દિશાનાં દ્વાર ખોલીને નિરંતર ખુલ્લો રહેતો ગિરનાર માનવીએ ઓઢાડેલા કાળા બુરખામાં ગૂંગળાતો રહ્યો. આ એ ગિરનાર છે, જ્યાં સદીઓથી કેસરી, સફેદ અને લીલા વાવટા* એકસાથે ઊડતા રહ્યા છે, ત્યાં હાય રે, નસીબ, આ ત્રણે રંગનો સંયુક્ત વાવટો ફરક્યો નહિ. હજારો હિન્દુ કુટુમ્બો જૂનાગઢમાંથી હિજરત કરી રહ્યાં છે અને ગિરનાર જેવો ગિરનાર ચૂપ છે. (*ધર્મસ્થળોએ ફરકતી ધજાઓ)
(૩) કેટલાંક વાક્યો –
“સંતોકબાએ પાસે બેઠેલા રામને કહ્યું, “બેય (પોતાનો પતી અને ત્રાપજકર)જૂના જોડીદાર છે. ત્રાપજકરની એક પછી એક ચાર (પત્નીઓ) હાલી ગઈ અને ભટ્ટજીને હું એક ગિરનાર જેવી; ખહે ઈ બીજા.”
*** *** ***
“ખીજથી હાથ લાંબો કરીને પોપટલાલે સીટી મારી, જૂનાગઢ–રાજકોટ લોકલ ઊપડી ત્યારે એન્જિનની વરાળ કરતાં ખીચોખીચ ભરાયેલા હિજરતીઓના ઉચ્છ્વાસથી જાણે રેલગાડી હાલી.”
*** *** ***
“સ્વામીજીએ જોરથી તાળી પાડી અને મોટેથી હસ્યા. રામે જોયું કે આ અવાજથી બાજુની વેલઘટામાં બેઠેલી ચકલીઓ ફુરરર કરતી ઊડી. સૌની નજર ચકલીઓ પાછળ આકાશમાં ગઈ. ઉનાળાની ખુશનુમા સાંજ ઢળતી હતી. અંબાજીની ટૂંક સાવ માથે આવી ગઈ હોય એમ અનુભવ થતો હતો.”
(આ વર્ણનની વીશેષતા એ છે કે ડાયરે બેઠેલા લોકોની નજરને લેખક તાળીના અવાજે ઉડેલી ચકલીઓની સંગે છેક આકાશ સુધી લઈ ગયા છે કે જે આકાશ વાચકને ઉનાળાની સાંજ બતાડતુંકને છે…ક અંબાજીની ટુંક સુધી લઈ જાય છે. ચીત્રોમાં ચીત્રકાર આવી યોજના કરતો હોય છે જેમાં કોઈ રેખા દર્શકને ચીત્રકારના મુખ્ય હેતુ તરફ લઈ જતો હોય છે.
પન્નાલાલનું મને બહુ ગમતું એક વાક્ય લઈને આપણે આ વીવીધ લખાણોની યાત્રા આવતા અંકે આગળ ચલાવીશું. અત્યારે અહીં અચ્યુતમ્ !
પ્રતીશબ્દ :