તાજમહાલ પરનાં બે સંગેમરમરી કાવ્યોનો આસ્વાદ.
[ આસ્વાદ માટે સાથેની બીજી પોસ્ટ પર મુકેલાં બંને કાવ્યોને બીજી વીન્ડો પર રાખીને જોવા વીનંતી]
–જુગલકીશોર.
આજે શ્રી ઉશનસ્ નાં તાજમહાલ પરનાં બે કાવ્યો [સોનેટો]ને માણવાં છે. બંને સોનેટ છે, પણ પ્રથમ સોનેટમાં અંત્યાનુપ્રાસની યોજનાને જાળવીને સોનેટના સુક્ષ્મ નીયમોનું પાલન થયું જણાય છે. કાવ્યના પ્રથમ ખંડની પ્હેલી-બીજી, ચોથી-પાંચમી, ત્રીજી-છઠ્ઠી તથા સાત-આઠમી પંક્તીઓ પ્રાસથી જોડાઈ છે. ઉપરાંત બીજા ખંડમાંની પહેલી-ચોથી અને બીજી-ત્રીજી પંક્તીઓ અને છેલ્લે તેર-ચૌદમી પંક્તીઓ પ્રાસથી જોડાઈ હોઈ સોનેટનું માળખું ખુબ સચવાયું છે. બીજા કાવ્યને આ લાભ મળ્યો નથી.
પરંતુ કાવ્યની ખરી મઝા પ્રાસમાં ન હોય તે સ્વાભાવીક છે. આપણે બંને કાવ્યનાં અંતરંગનો પરીચય કરીએ :
ઉશનસ્ સૌંદર્યના કવી છે. એમણે પ્રથમ કાવ્યમાં આકાશના વાદળી રંગને અને તાજમહાલના શ્વેત રંગને એકબીજામાં મળી-ભળી જતા જોઈને આરંભમાં એક સુંદર કલ્પના આપી છે. કહે છે, આકાશી નીલમરંગી ગળી ઉપરથી નીચે ઉતેરીને તાજને સહેજ [જુઓ સહેજ કહીને તેમણે કેવો વીવેક જાળવ્યો છે !]ભુરો કરે છે અને એ સાથે જ તાજનો સંગેમરમરીયો શ્વેત રંગ આકાશની ભીંતને વીસ્ફુરી રહે છે !
નીલમની નશીલી અસરનો જાદુ પણ જુઓ, એમાં આરસપહાણ ઓગળી જાય એટલી હદે એની અસર છે.પહેલાં તેઓ ગળી જેવો ઘાટો રંગ આરસને ઓગાળનાર ગણાવે છે પણ ત્રીજી પંક્તીમાં પછી વાત ફક્ત આરસની નથી રહેતી, એ તાજની વાત બની જાય છે. આરસ એમાં ઓગળી જાય ભલે, તાજ ઓગળે નહીં. એનાં બે કારણ પણ છે : એક તો એ કે આ તાજ છે, એ ફક્ત આરસનો ટેકરો નથી કે ગળી એને ગળી જાય ! બીજું કે તાજ પાસે આવતાં આવતાંમાં તો એ ગળીને “નીર્મળ ઝાંય”માં પલટાઈ જવું પડે એવી તો તાજની અસર છે !
તાજની શુચીતા, શ્વેતતા અને પવીત્રતા આકાશની ભીંતને ફક્ત ધોળવાનું સ્થુળ કાર્ય કરતી નથી, એ આકાશની ભીંતને વીસ્ફુરી રહે છે. વીસ્ફુરીત કરવું એટલે કંપન આપવું, ધ્રુજારી આપવી, પહોળું કરવું-ફુલાવવું વગેરે. તાજની સફેદી આકાશને પણ અસર કરનારી બની રહે છે.
આટલી કલ્પના આપીને પછી તેઓ બહુ જ મઝાની વાત મુકે છે. ગમે એટલું કહો પણ બે રંગોને પાસેપાસે મુકીએ ત્યારે બે વચ્ચે સાંધો તો આવે જ આવે. આ કાવ્યની કાવ્યાત્મકતા આ સાંધાનું એટલે કે અલગત્ત્વનું વીગલન સાબીત કરવામાં રહેલું છે. પ્રેમના પ્રતીક જેવાં તાજ અને આભનું અભીન્નત્ત્વ એ તો આ કાવ્યનું હાર્દ છે ! સોનેટની છેલ્લી બે ચોટરુપે આવનારી પંક્તીઓમાં જે કહેવાનું થશે એની પ્રસ્તાવના ઈંગીત રુપે અહીં કવી આ રીતે મુકી આપે છે : ” એ રેણ સાંધો ન કળાય રે ક્યહીં !” [ રેણ અને સાંધો ન દેખાય એનું જ તો મહત્વ છે ને પ્રેમમાં !]
આગળ બીજા ખંડમાં કવી પ્રેમની ફીલસુફી પોતાની વીશીષ્ટ બાનીમાં સમજાવે છે. કહે છે, તાજ એ કોઈ સંગેમરમરનું સ્મારક નથી. એ કોઈ બીલ્ડીંગ નથી કે જે આભના વાસણમાં જગ્યા રોકીને પડ્યું રહે. તાજ તો છે શાહજહાંના પ્રેમનું સ્વપ્ન માત્ર. [પ્રેમનું પ્રતીક કે સ્મારક કે મકાન નહીં પણ પ્રેમનું સ્વપ્ન !! જે સનાતનકાળની અંદર કૉળી ઉઠ્યું છે.]
સોનેટની છેલ્લી બંને પંક્તીઓમાં સોનેટની એક અનીવાર્ય શરત હોય છે. આ બંને પંક્તીઓ અંત્યાનુપ્રાસથી જોડાયેલી હોય છે અને સમગ્ર કાવ્યનું ચોટદાર રીતે સમાપન કરે છે. કવી મુમતાજ અને શાહજહાઁને અમર પાત્રો તરીકે એકબીજામાં મળી-ભળી જતાં બતાવીને આખા કાવ્યને ઉંચાઈ આપી દે છે. તેમણે તાજને શાહજહાઁ કહીને આકાશને મુમતાજરુપે દર્શાવી છે. શાહજહાઁ તાજરુપે આકાશી [જીન્નતનશીન] મુમતાજમાં લય પામી જાય છે એમ કહીને એમણે નારીના વીશાળ હૃદયને અને પ્રેમની અગાધતાને વર્ણવી છે. ‘લય’ શબ્દને અહીં એક વીશેષ પરીમાણ મળે છે. લયનો ચીલાચાલુ અર્થ કરવા જતાં અહીં જોખમ ઉભું થાય છે એ વાત વાચકો સમજી જ જાય એ જરુરી છે.
=======================
બીજું કાવ્ય હવે પછી…!
Filed under: રસાસ્વાદ :
જેટલા અદભુત કાવ્યો તેટલો જ સ–રસ તેનો રસાસ્વાદ. મઝા આવી ગઈ.
સોનેટ વીશે આટલી જાણકારી ન હતી.
ખુબ આભાર
કવીની કલ્પના તો એકદમ તરોતાજા છે જ.
શ્રી જુગલકિશોરજી,
આપના અભ્યાસપૂર્ણ સોનેટ વિષેની માહિતી જાણે અમને કોઈ ખજાનો ધરી રહ્યું છે.આપ સાહિત્ય ક્ષેત્રે એક વિશેષ ઉંચાઈએ છો.અમારા કવનમાં પણ રહેલી ઉણપો અને સારા તત્ત્વ બાબત કોઈક દિવસ દોરવણી આપશો,અમારી રચનાઓ લય આધારીત છે,તેથી બીજા પાસાઓ માટે ભવિષ્યમાં એક ડગલું આગળ વધી શકીએ.
રમેશ પટેલ(આકાશદીપ)