‘નયા માર્ગ’ દર પખવાડીયે કાવ્યોમાં સાંપ્રત એવા શીર્ષકથી કાવ્યો પ્રગટ કરે છે. આ કાવ્યો નર્યા તણખા જ હોય છે. આજે કેટલાક તીખારા અહીં પ્રસ્તુત કરું છું. – જુ.
––––––––––––––––––––––––––––––––––—————————–
બે લઘુ કાવ્યો
૧)
દીવાનો પર્યાય બનવાની
મથામણ કરનારા લોકો
દીવાનો પર્યાય બને
તે પહેલાં દીવો
એમનો પર્યાય
બની જાય છે !
૨)
બધા અડકી શકે છે
પણ બધા
સ્પર્શી નથી શકતા;
બધા લોકો
બધા લોકોને
આકર્ષી નથી શકતા !
– મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’
––––––––––
શ્લોકત્વ
પારધીના છુટેલા બાણથી
ખંડીત થયું ક્રૌંચ યુગલ
શોકમાંથી શ્લોકત્વ
અને પછી
રચાયું રામાયણ
આજે…
છુટતી ગોળીઓ અનેક
બોમ્બમારા પણ વારંવાર
એસીડ બલ્બ ફેંકવા ન કંઈ નવી વાત
અને
અચાનક થતા સ્ટેબીંગ
ખંડીત થતાં કંઈ કેટલાંય યુગલો
અને સમગ્ર પરીવારો પણ
પરંતુ
શોકમાંથી શ્લોકત્વ ક્યાં ?
અરે, શોક જ ક્યાં ?
અને હા,
છે વાલ્મીકીયે ક્યાં ?
– કાલીન્દી પરીખ
––––––––––––
શક્યતા
મૃદુ આંગળીઓને કાપી શકો છો
પછી રક્ત બાળીને તાપી શકો છો
હું મૃત છું કે જીવંત, સરખું છે બંને
ગમે તે ખબર મારી છાપી શકો છો
મુબારક તમોને અષાઢી સરોવર
મને માત્ર જળપ્યાલી આપી શકો છો
હવે બુતપરસ્તીની દરકાર શાની
સ્મરણમુર્તી મનમાંહે સ્થાપી શકો છો
ખખડધજ ને બીસ્માર ભીંતોની ઉપર
ગઝલ નામનાં છાણાં થાપી શકો છો
હવે ‘રાહી’ ખુદ માટે કરશે દુઆઓ
તમે ક્યાં કોઈ મંત્ર જાપી શકો છો
– એસ. એસ. રાહી
––––––––––––
સુરજમાં, જગ હવે !
પુર્વવત્ થૈ જાવ મારા પગ હવે
જોઈ જોઈ રાહ થાક્યા નગ હવે !
શબ્દ–સીડી–સર્પની… જુગટે ચડી
બહુ થયું, ઝાઝો ન ખુદને ઠગ હવે !
લે, થયો ઉભો પડી ચુક્યો પવન,
આભ પણ ખુલ્લું થયું છે, ચગ હવે !
ચૈત્યને સંચાર વહેતી થઈ ફરી;
અધવચે અટકી ગયેલી રગ હવે.
લે, સમેટી સર્વ ગ્લાની સોડથી;
જગ રહ્યું જાગી સુરજમાં, જગ હવે.
– કીસન સોસા.
––––––––––––––––
નવવર્ષકી મંગલ કામનાઓં કે સાથ
સુરજકી હડતાલ ઢીંઢોરા પીટવા દો
જુગનુ હુએ દલાલ ઢીંઢોરા પીટવા દો
ચઢ રહે ગાલ પે ગાલ ઢીંઢોરા પીટવા દો
જીન્ના સે પરવેજ તલક હુઈ ગુટુર ગુટુર
સુલઝે નહીં સવાલ ઢીંઢોરા પીટવા દો
સંસદ સે પંચાયત તક મંડુક મીલે
સબ નેતા ઘડીયાલ ઢીંઢોરા પીટવા દો
ભીખ માંગ સત્તા કી સીઢી ચડ કર કે
હો ગયે માલામાલ ઢીંઢોરા પીટવા દો
જન સેવા ઔર દેશ ભક્તી કરને વાલે
સબ કે સબ દગ્ગાલ ઢીંઢોરા પીટવા દો
યે કર દેંગે વો કર દેંગે કહને વાલી
મછલી ફંસ ગઈ જાલ ઢીંઢોરા પીટવા દો
– રમેશ હઠીલા
––––––––––––
(ગુજરાતી પાક્ષીક ‘નયા માર્ગ’
http://nayaamaarg.googlepages.com/homepage
– ૧૬ ઓક્ટોબર, ૦૯ –માંથી સાભાર)
Filed under: પસંદગીનું પદ્ય
ખુબ વેધક કાવ્યો જુગલભાઇ માણ્યા ઘણુ કહી જાય છે…આપ પાસે ઘણું શીખવા મળે છે.
આભાર, દિલિપભાઈ,
આપનો હોંકારો નવી શક્તી આપી જાય છે.
આ બધાં જ તણખાં તો વીસ્ફોટક દારુગોળો છુપાવીને બેઠા છે… કાશ, કોઈનો સુતેલો આત્મવીશ્વાસ જાગે!
હા, ભાઈ ચીરાગ, કા…..શ !