ખીસ્સાકોશ વસાવી, નુસખાઓને વાગોળીશું ?!

– જુગલકીશોર.

 

નુસખો આઠમો

ચાર કે તેથી વધુ અક્ષરોના શબ્દોમાં પહેલો અક્ષર ઇ કે ઉ હ્રસ્વ હોય છે.

નિરધાર, હિલચાલ, વિખવાદ, ઉતરાણ, ઇમારત, મિલાવટ, શિખામણ, ચુકવણું,

રિસામણી, રિબામણી, સુકવણી, બિહામણું,

ઉતરડ, ઉધરસ, કુદરત, ઉતરામણ, ઉકળાટ, ઘુરકાટ, ઉકરડો, ઉજવણી, ઉગમણું, ફુલણિયું, હુલામણું, ઉપજાવી, સુધરાવી, ઠુકરાવી, ઉપકરણ, ઉજળિયાત, ઉદાહરણ વગેરે.

આ બધામાં પ્રથમ અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ જોવા મળે છે.

નુસખો નવમો

ગળ આપણે જોયું હતું કે ત્રણ અક્ષરના શબ્દોમા પ્રથમ અક્ષર જો હ્રસ્વ ઇ–ઉ હોય તો વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય છે ને પ્રથમ અક્ષર જો દીર્ઘ ઈ–ઊ હોય તો વચ્ચેનો અક્ષર હ્રસ્વ/લઘુ હોય છે.

એવી જ રીતે ત્રણ કે ચાર અક્ષરના શબ્દોમાં જો પ્રથમ અક્ષર ઈ કે ઉથી શરુ થતો ન હોય તો તેવા શબ્દોનો વચલો અક્ષર દીર્ઘ હોય છે. (ચાર અક્ષરોમાં બીજો અથવા ત્રીજો.)

વજીર, કથીર, ગંભીર, જાલીમ, જાગીર, સમીર, વકીલ, વડીલ, અનોખું, અદીઠું, પડીકું, તંતીલું, નજીવું, ઘાટીલું, ઝેરીલું, અધૂરું, નશીલું, બડૂકો, બડીકો, હઠીલો, ઢબૂડી, લબૂક, કેસૂડો, ખજૂરો;

વહીવટ, હકીકત, નસીયત, તકલીફ, કબૂતર, ટચૂકડું, ટબૂકલું, અવધૂત, તરબૂચ, મજબૂત વગેરે.

કેટલીક ખાસ પરીસ્થીતીઓ હોય છે જેમાં આપણે આગળ જોયા તેવા નીયમોમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે –

બે શબ્દો મળીને કોઈ શબ્દ બનતો હોય ત્યારે તેના મુળ શબ્દના અક્ષરોની સંખ્યા વધી જાય છે. તેથી બે કે ત્રણ અક્ષરના શબ્દોને લાગુ પડતા નીયમોમાં બદલાવ આવતો જોવા મળે છે. દા.ત.

૧)  મુળ ક્રીયાપદને કે અન્ય કોઈ શબ્દની પાછળ પ્રત્યય લાગે ત્યારે પણ તે શબ્દના અક્ષરો મુળ શબ્દથી વધી જાય છે. જેમ કે, શીખવું પરથી શીખનાર કે શીખવનાર બનશે તથા મૂરખ પરથી મૂરખાઓ વગેરે. અહીં આગળ જોયેલો નીયમ “વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર લઘુ હોય છે” તે જળવાતો નથી.

૨)  વીશેષણ પરથી નામ બને ત્યારે મૂળ જોડણી બદલતી નથી. જેમ કે, મીઠું પરથી મીઠાશ, શીતળ પરથી શીતળતા, દૂબળું પરથી દૂબળાપણું વગેરે.

૩)  સમાસ બનતો હોય ત્યારે સમાસના શબ્દોથી બનેલા શબ્દના અક્ષરો વધે છે; આવે સમયે પણ મુળ નીયમ જળવાતો નથી. જેમ કે, ઊઠવું, બેસવું મળીને થતો શબ્દ ઊઠબેસ, ફૂલઝાડ, લીલીસૂકી વગેરે.

હવે છેલ્લે કેટલીક એવી પરીસ્થીતીઓ પણ જોઈએ જેમાં મુળ શબ્દની જોડણી બદલી જતી હોય.

૧)  નામ ઉપરથી વીશેષણ બને ત્યારે મુળ જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,

ખૂણો પરથી ખુણીયાળું, દૂધ પરથી દુધાળું, મૂછ પરથી મુછાળું, સૂતર પરથી સુતરાઉ, ખીચડી પરથી ખિચડિયુ વગેરે.

૨)  ક્રીયાપદ ઉપરથી નામ બને ત્યારે જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,

ઊતરવું પરથી ઉતારો; ચીતરવું પરથી ચિતારો કે ચિતરામણ; ઊછળવું પરથી ઉછળાટ, શીખવું પરથી શિખામણ, શિખવણી.

૩)  ક્રીયાપદ પરથી વીશેષણ બને ત્યારે જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,

પીરસવું પરથી પિરસણિયો; ઊલળવું પરથી ઉલાળો કે ઉલાળ; ભૂલવું પરથી ભુલકણું.

૪)  ક્રીયાપદનાં પ્રેરક કે કર્મણી રુપો બને ત્યારે જોડણી બદલે છે. જેમ કે,

મૂકવું પરથી મુકાવવું, મુકાવું; ઊઠવું પરથી ઉઠાડવું, ઉઠાવું; શીખ પરથી શિખવાડવું, શિખવવું. (શીખવું ક્રીયાપદ આજે આપણે લગભગ બધા જ અપવાદોમાં જોયું છે !! અને દરેક સ્થળે તે અલગ દેખાય છે.)

ઉપર જ આપણે જોયું કે કેટલીક પરીસ્થીતીઓમાં મુળ શબ્દની જોડણી બદલી જાય છે, પણ હવે એક મોટો તફાવત પણ અહીં જ જોઈ લેવો જરુરી છે.

“સાનુનાસીક સ્વરોવાળા શબ્દોમાં મુળ જોડણી જેમની તેમ જ રહે છે. દા.ત. ઊંઘ, ગૂંથ, ફૂંક, લૂંટ, ખૂંચ, ખૂંદ.

ઊંઘ પરથી ઊંઘાડવું, ઊંઘાવું, ઊંઘાળ, ઊંઘણશી.

લૂંટ પરથી લૂંટાવવું, લૂંટાવું, લૂંટાઉં વગેરે.

છેલ્લે, કેટલાક પુછાયેલા સવાલોના ખુલાસા રુપે એક વાતની સ્પષ્ટતા કરવાની કે,

આ બધા નીયમો મોટે ભાગે તદ્ ભવ શબ્દોને માટેના જ છે. તત્સમને આપણા ઘણા નીયમો લાગુ પડતા નથી કારણ કે જોડણીકોશનો પહેલો જ નીયમ તત્સમ શબ્દોને અલગ ગણીને તેને તે જ્યાંથી (જે ભાષામાંથી) ઉતરી આવ્યા હોય તે તે ભાષાના નીયમો જ લગાડવાનું કહે છે.

સહપાઠીઓ !

કેટલાક નુસખા આપણે સહેલી જોડણી કરવાના જોયા. આના જ ભાગ રુપે કેટલાક નીયમોને હજી પણ જોવા જેવા છે. આ નીયમો અંગે હું સતત અભ્યાસ કરીને શીખી/સમજી રહ્યો છું. થોડા સમય પછી એ નીયમોને પણ આપણે સ્પર્શ કરીશું.

પરંતુ આ નાનકડા પ્રયાસને અંતે રજા માગવા કરતાં મને તો એક વચન સૌ પાસેથી લેવાની પ્રબળ ઈચ્છા છે !! આજથી જ સૌ એક સંકલ્પ કરે કે અમે સૌ શુદ્ધ ગુજરાતી લખવાનો ભરસક પ્રયત્ન કરીશું અને,

ખાસ તો એક નાનો ખીસ્સાકોશ તો જરુર વસાવીને એનો સતત ઉપયોગ કરતાં રહીશું.

સૌને શુભેચ્છાઓ સાથે વંદના.

3 Responses

  1. હવે તો સેલફૉનના જમાનામાં લેક્સીકોનની મોબાઈલ આવૃત્તી બને એટલે ભયો ભયો.

  2. નિયમો સાથે ભાષા હોય તો સુ-સંસ્ક્રુત લાગે.

    વ્યાકરણના રચયિતાઓ મોટા પંડિત ગણવામાં આવ્યા હતા. અને હવે તો દુનિયાએ પ્રગતી કરિ છે.

    સાચુ લખવાની ટેવ વિકસાવાનુ કઠીન નથી. માત્ર ઇચ્છા હોવી જોઇએ.
    એક વાર ટેવ પડી જાય તે પછી ભૂલભરેલું પોતાને જ ના ગમે.

    બિલ ગેટ્સે ગુજરાતીને ઈન્ટરનેટ પર મુક્યુ તો પછી જેની માતૃભાષા હોય તેમણે પ્રયત્ન કરવો જોઇએ – એમ લાગશે.

  3. જુગલકિશોરભાઈ, નમસ્કાર. આભાર.

    એક તો ગુજરાતી લખવામાં પહેલેથી જ ‘દે ધનાધાન’ હતું જ. હવે ટાઇપ કરવામાં પણ ‘દે ધનાધન.’ સાચુ ગુજરાતી ટાઇપ કરવું એ પણ આપણી પાસેથી કાળજી અને ધીરજ માંગી લે એવું કામ છે. નહીં તો ઇરાદો સાચું લખવાનો હોય તોય ખોટું લખાય એમ પણ બને! મતલબ કે બેવડી જવાબદારીની વાત છે.

    તમારી મહેનત એળે નહીં જાય એવી આશા રાખવા જેવી ખરી. આગળ લખવાનું ચાલુ જ રાખશો એવી વિનંતી.

Leave a Reply