મારાં આત્મીય વાચકમીત્રો !
* નેટ પર લખતાં જે અનુભવો થયા તેમાંનો એક અનુભવ કહે છે કે, મૌલીક લખાણોની ગુણવત્તા ઘટે છે;
* બીજો અનુભવ કહે છે કે, આ કાર્ય એક વ્યસનસમ બની જતાં વાચનપ્રવૃત્તીને ઠેસ પહોંચે છે;
* નેટ પરનું મુખ્ય કાર્ય ભાષાસેવા હતું તેમાં મૌલીક સર્જનો આગળ નીકળી જતાં હોઈ મુળ કામને બાધા થતી અનુભવાય છે –
– આના અનુસંધાને હવે થાય છે કે ભાષાકાર્ય કે જેને ધર્મ ગણ્યો છે, ફક્ત એને જ હાથ પર રાખવો. ને તેય વળી કોઈને ઉપયોગી થવાતું હોય તે પુરતું જ; એટલે બ્લોગકામ સ્થગીત કરીને ફક્ત ને ફક્ત ઈમેઈલ મારફતે થતા રહેતા સંપર્કો જ રાખીને જ્યાં જરુર હોય ત્યાં ભાષા–સાહીત્યનાં કાર્યોમાં મદદરુપ કામગીરી જ હાથ પર રાખવી.
– એટલે મારા આ બ્લોગ પર કશું નવું ન આવે તો તેને સહજ ગણવું.
– મારાં આજ સુધીનાં લખાણોમાંનું કાંઈ કોઈને ઉપયોગી જણાય અને તેઓ તેનો ઉપયોગ કરવા ધારે તો મને જાણ કરીને પોતાની રીતે પ્રસીદ્ધ કરી શકે છે. ભાષા અને સાહીત્યની સેવા એ રીતેય થઈ શકે તો ગનીમત ગણીશ. (ઈમેઈલથી સંપર્ક તો રહે છે જ. <jjugalkishor@gmail.com>, )
– આપનો, – જુ.

“…ઈમેઈલ મારફતે થતા રહેતા સંપર્કો જ રાખીને”
આ વાત ગમી
આધુનિક સમયમાં સૌથી વધુ ઝડપે વકરતો કોઇ રોગ હોય તો એ છે સાયબર સિકનેસ.
યાદ આવી સંત વાણી. ત્યાગનો અર્થ જો કામ ક્રોધ જેવી ખોટી વસ્તુઓનો ત્યાગ હોય, મનની ચંચલતા, અહંતા-મમતા કે અશાંતિનો ત્યાગ હોય તો તેનો ત્યાગ કરવાનું કામ ખૂબ સારું છે. એની ઉપયોગિતા વિશે કહેવાનું હોય જ નહિ. પરંતુ ત્યાગનો અર્થ બાહ્ય ત્યાગ એવો હોય તો તે સારો નીવડશે કે ખોટો તે ત્યાગ કરનારની યોગ્યતા પર આધાર રાખે છે.
ત્યાગની સૌથી મહત્વની આવશ્યકતા વૈરાગ્ય છે. વૈરાગ્ય વિના ત્યાગ થઈ શકતો નથી. ને થાય તો તે ટકતો નથી. વિવેક દ્વારા માણસ જાણે છે કે આ સંસારમાં એક ઈશ્વર જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ને ઈશ્વરને મેળવવાથી જ જીવનમાં શાંતિસુખ મળી શકે છે. આ પછી ઈશ્વરમાં જ તેની પ્રીતિ થાય છે, ને દુન્યવી પદાર્થો પરથી આસક્તિ કે મમતા ઉઠતી જાય છે. આનું નામ વૈરાગ્ય. ઈન્દ્રિયોના વિષયો ને સંસારના પદાર્થોમાં તમને મમતા કે રસવૃત્તિ હોય ત્યાં લગી વૈરાગ્યથી તમે હજારો ગાઉ દૂર છે એ નક્કી માની લેજો. વૈરાગ્ય થશે એટલે ઈશ્વરને મેળવવા તમને આતુરતા થશે. સંસારના પદાર્થો પ્યારા નહિ લાગે ને એકાંતમાં આરાધના કરવાનું મન થશે. જ્ઞાનીને માટે પણ આ જ દશા છે. આ થશે એટલે ત્યાગ પણ થઈ જશે. આવો ક્રમિક ત્યાગ ઉત્તમ છે. તેથી લાભ થાય પણ જે ત્યાગ વૈરાગ્ય વિના ને દેખાદેખીથી કે કોઈ બીજા કારણથી થાય છે, તેને ઉત્તમ ત્યાગ કહી શકાય નહીં. તેને વખાણી પણ શકાય નહીં.
દેવપ્રયાગમાં મારી પાસે એક સંન્યાસી આવ્યા.
મને કહે, તમારી પાસે રહીને સેવા કરવાની ઈચ્છા છે.
મેં કહ્યું, તમારાથી અહીં રહેવાનું નહિ બને, ને મારું માનો તો ઘેર જઈ લગ્ન કરી ધંધો કરતાં આનંદ કરો. તમારાથી સંન્યાસ સચવાય તેમ મને લાગતું નથી.
મારી વાત સાંભળીને તેને માઠું લાગ્યું. પણ બીજે જ દિવસે મને કહ્યા વિના તે ક્યાંય ચાલ્યા ગયા.
આ પછી ત્રણ-ચાર મહિને એક વાર હું સંગમ પર ફરવા ગયો. ત્યાં એક યુવાને મને ચરણમાં પડી નમસ્કાર કર્યા. કોટપાટલુનમાં સજ્જ તે યુવાનને મેં તરત ઓળખી કાઢ્યો.
મેં કહ્યું, કેમ ? હવે આનંદ છે ને ?
આ યુવાન પેલા સંન્યાસી જ હતા.
તેણે કહ્યું, હવે સારું લાગે છે. ઘેર રહું છું ને મજા કરૂં છું. યાત્રીઓને લઈ અત્યારે બદરીનાથ જઈ રહ્યો છું. પછી દર્શન કરવા આશ્રમ પર આવીશ.
મેં કહ્યું, મને બહુ આનંદ થયો. મન થાય કે તરત ત્યાગ કરીને ભગવું પહેરી લેવાની જરૂર નથી. ખૂબ વિચાર ને લાંબા અનુભવ પછી જ માણસે ત્યાગ કરવો જોઈએ. ને આવો ત્યાગ કર્યો એટલે ગંગા નાહ્યા એમ માનીને બેસી જવાનું પણ નથી. ત્યાગી તરીકે અણીશુદ્ધ જીવન જીવાય તે માટે જાગૃત રહેવાનું છે. તે ઉપરાંત, જે હેતુથી ત્યાગ કર્યો હોય તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ મન લગાડી પુરૂષાર્થ કરવાનો છે. જીવનનો આદર્શ ત્યાગ નહિ પણ ઈશ્વર પ્રાપ્તિ છે એ યાદ રાખીને ત્યાગનો ઉપયોગ બીજા પ્રપંચમાં નહિ પણ ઈશ્વર પ્રાપ્તિમાં થાય તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આવું મનોબળ ના આવે ત્યાં લગી બાહ્ય ત્યાગ કરવાને બદલે સંસાર વ્યવહારમાં રહીને અંદરનો ત્યાગ કરવા તરફ લક્ષ આપવું જોઈએ.
આ પછી તે યુવાને વિદાય લીધી.
એટલે સમજ્યા વિના જે ત્યાગ થાય છે તે ટકતો નથી. ત્યાગ સમજપૂર્વક થાય તે સારું છે.
“ત્યાગ ટકે નહીં રે વૈરાગ્ય વિના” આ કોની પંક્તી છે તે યાદ નથી…
પણ મારી વાતમાં વૈરાગ્ય જેવું નથી જણાતું, ને તેથી જ કદાચ ભગવાન વચ્ચે હજી તો આવતા નથી. મને તો સુક્ષ્મ નીવૃત્તી જેવું કશુંક સળવળતું હતું. પણ ભાષાકાર્યનું વળગણ તો છે જ. એ કામ ડીચેચ્ડ રહીને કરી શકાય ? એ સવાલને માથે રાખીને પ્રયત્ન કરવો છે. ભાગવાની વાત ગમતી નથી. છોડવું સહેલું નથી. ઈશ્વરમાં માનું છું પણ લગન નથી.
એટલે અત્યારે તો કેટલીક બહુ મજાની સામગ્રી વાંચવાની પડી છે તેમાં ધ્યાન આપવા મન છે. આ સામગ્રીમાં સાહીત્ય વીવેચન કરતાંય અધ્યાત્મનું વધુ છે. કદાચ એનાથી આપે બતાવેલા રસ્તે હેંડાય તો હેંડવાની દાનત ખરી.
આજે ’લાઈક’નું બટન નથી દબાવ્યું !
અમારાથી કશું જ ન બોલાય, બ્લોગપ્રવૃત્તિને કારણે વાચનપ્રવૃત્તિને થોડો ધક્કો પહોંચે છે તે તો સાવ ખરી વાત છે. મેઇલ દ્વારા પણ આપનું માર્ગદર્શન મળશે જ એ વાતથી સધિયારો મળે છે.
’ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ — નિષ્કુળાનંદજીનું પદ છે.
http://rdgujarati.wordpress.com/2006/01/24/tyg-viraj/
આભાર.
આપની વાત સાથે હું બિલકુલ સહમત છુ. જ્ઞાન મેળવવા અને મળેલું વહેંચવાની બ્લોગ યાત્રા અટકાવ્યા વગર બીજી કેટલીક અગત્યની બાબતો પર ધ્યાન આપી શકાતું નથી. આપનું માર્ગદર્શન મળતું રહેશે તેવી આશા!
૨૦૧૨ ની શરૂઆતમાં જ તમેતો આચકો આપ્યો… એક વિનંતી સમય મળ્યે બ્લોગ જગત ના ખબર અંતર પૂછતાં રહેજો.
શુભેચ્છાઓ!
આપનું માર્ગદર્શન મળતુ રહે એવી આશા …કોઇ આંગળી પકડી દોરવાવાળું પણ જોઈએને..અમારાથી ઘણી ક્ષતીઓ થતી હશે એનાં પર ધ્યાન દોરવા વિનંતી
ઈમેઈલ–વ્યવહાર તો છે જ, એટલે સાવ નીવૃત્ત તો નથી જ. સાભાર, – જુ.
અમે પણ ધીરે ધીરે સાયબર સમય મર્યાદિત કરીએ છીએ
શરુઆત વાંચવુ વધુ અને લખવુ ઓછું
આગે આગે ગોરખ જાગે!
મેં આ પહેલાં એક નીર્ણય આવો જ કરેલો, પણ ગોરખે જાગવાને બદલે મને જ સુવાડી દીધેલો !! આ વખતે તો મેં દીપકભાઈ સાથે લાંબી ચર્ચા કરી હતી. એમણેય જોકે મારા નીર્ણયને હકાર્યો નહોતો. છતાં શુભેચ્છાઓ પાઠવીને બળ આપ્યું છે.
આપની વાતનેય હું બળપુર્વક, બળ–પુરક ગણીશ. જોકે ચર્ચાના ચોતરે (કોમેન્ટબોક્સે) આપનું પ્રદાન અનન્ય અને બહુવીધ ઉપયોગી રહ્યું છે.
મારૂં તારણ એવું છે કે શ્રી જુગલભાઈ Opinion leader છે. આનો શાબ્દિક અનુવાદ તો ‘અભિપ્રાય-નેતા છે, જે મને પસંદ નથી). એટલે કે આવી વ્યક્તિઓ કોઈ સભામાં જાય અથવા આઠ-દસ જણ બેઠા હોય ત્યાં કશુંક બોલે તો એમના અભિપ્રાયની અસર પડે જ. You may love him or hate him but cannot ignore him.
આ સંજોગોમાં શ્રી જુગલભાઈ માટે સંપૂર્ણ સંન્યાસ શક્ય નથી અને એ સંન્યાસ એમનું “સ્વભાવજમ્ નિયતમ્” કર્મ નથી. આમ છતાં એક્ઝિક્યૂટિવ કામોથી દૂર રહીને ‘શિક્ષક’ની ભૂમિકા ભજવી શકાય. (કદાચ opinion leaderનો સાચો અનુવાદ ‘શિક્ષક’ જ હશે, એમ હવે સૂઝે છે!). શિક્ષકત્વ જુગલભાઈનું સ્વાભાવિક કર્મ છે. એટલે એમનો બ્લૉગ ચાલુ રહે કે નહીં તેના કરતાં તેઓ એમની વાચનયાત્રામાં આગળ વધે અને આપણને સૌને લાભ આપતા રહે એમાં મારો વધારે સ્વાર્થ સધાતો જણાય છે. હવે તેઓ દરેકના વ્યક્તિગત સંપર્કમાં આવશે.એક ગુરુ અને એક શિષ્ય. આથી વધારે શું જોઇએ?
Pingback: » નવા વરસે એક નવી વાત » GujaratiLinks.com
વાચન જો માત્ર નિજાનંદનો શોખ હોય તો તેને મણવા માટે માત્ર સ્વ સાથે જ સંવાદ સાધવો પૂરતો થઇ પડે.
વાચન પરના વિચારો અન્ય સાથે વહેંચવામાટે વાંચન અને વહેંચણીની પ્રવૃતોમાટેના સમયનું આયોજન પણ કરવું જ પડે.
ઘટતી જતી તુષ્ટતાનો સિધ્ધાત [The Law of Diminishing Reurns] તો દરેક પ્રવૃતિને લાગુ પડી જ જતો હોય છે. એટલે કહેવાયું છે કે જીવનમાં વૈવિધ્ય રાખવું જોઇએ, નહીતર જીવન ધુંસરી હેઠળના બળદ જેવું થઇ જશે.
એવું પણ કહેવાયું છે કે સાંભળવું બધાનું પણ કરવું પોતાનું ઘાર્યું જ.
હા, બ્લૉગના ડાયરાનો એક ફાયદો એ પણ ખરો કે મળવા માટે appointment માગવાની જરૂર નહીં, આપણે કંઇ અભિપ્રાય આપીએ કે કંઇ કહીએ તો કોઇ મશ્કરી કરશે તેવો પણ ભય નહીં કારણ કે મોંયામોં તો થવું છે નહીં. અંતર્મુખી લોકોને અંતર્મુખી રહેવા યે મળે અને છતાં બહારની દુનિયામાં ભળી પણ શકાય તેવી સગવડપણ આ વ્યવસ્થામાં જ છે.
આ તો બ્લૉગને ચવટે બેઠા’તા અને સાવ હોંકારા પૂરવતા બેસી રહીએ તો ખરાબ લાગે એટલે એક સારા ‘અભિપ્રાય-અનુયાયી’ની ભાવનાથી ચર્ચામાં સુર પૂરાવ્યો [એમ માની ને કે બેસૂર તો નહીમ જ લાગે].જુગલકિશોરભાઇની હાજરી વગર અડવું તો જરૂર લાગશે.પણ આખરી નિર્ણ્ય તો તેમનો જ હોય ને.
આપનો અભીપ્રાય વાંચ્યો. મને એવું એવું થયું જ હતું ! છોડવાનું સહેલું તો નથી જ. બ્લૉગજગત મળવા માટેનો સરસ ડાયરો છે. આપ પણ નીવૃત્તી પછી આમાં ભળ્યા તે જાણ્યું. આપના બ્લોગની મુલાકાત લઈશ. કુશળતા ઈચ્છું છું. સાભાર.