આપના બ્લોગ–હોમપેજને અંગ્રેજી જેવી કાળજીથી શોભાવો !

મારા બ્લોગ પરના છેલ્લા લખાણ પર શ્રી દીપકભાઈની કોમેન્ટ આવી એનો જવાબ ત્યાં જ આપવા માટે લખાણ તૈયાર કરી દીધું ને પોસ્ટીંગને જેવો ક્લીકવા ગયો કે થયું,  જે વાત મારે દાંડી પીટીપીટીને કરવી છે તેને શા માટે કોમેન્ટ–ખુણે મુકી રાખવી ? એને શા માટે પોસ્ટરુપ ન આપવું ?

એટલે એ લખાણ સૌ કોઈને માટે આજે અહીં મુકીને એને આપ સૌ તરફની મારી પ્રાર્થના રુપે મુકું છું. આશા છે મારી આ ધખના આપ સૌને પહોંચશે.

–––––––––––––––––––––––––––––––

ભુલ વગરનાં હોમપેજ

બન્યું પણ એવું ને, કે મેં બ્લોગને બદલે મેઈલથી સંપર્કમાં રહેવાનો ને ફક્ત ભાષાનું જ કામ કરવાનો નીર્ણય લીધો ને જેવો અમલમાં મુક્યો કે તરત જ ચાર ઠેકાણેથી કામ સોંપાયું !

૧) અશોકભાઈએ ભેટ આપેલાં પુસ્તકોનું રસદર્શન; ૨) ઉત્તમભાઈએ ગ્રુપ બનાવવાનું કહ્યું કે જે મારું ખાસ કાર્ય જ છે;  ૩) નીલમબહેને એમના એમ. એ.ના અભ્યાસમાં જરુરી એવા ચાર શબ્દો સમજાવવા માટે ઓરીસ્સાથી ફોન કર્યો ને ૪) “હવે પછી અમારા બ્લોગ ઉપર તમારાં લખાણો મુકજો” એવાં નીમંત્રણો પણ મળ્યાં !!

મારો વીચાર બ્લોગપોસ્ટને બંધ કરવાનો છે. પણ કોઈને ઉપયોગી થવામાંથી ભાગવાનો નહોતો. દીપકભાઈએ મને ઠીક ઠીક ઓળખી નાખ્યો જણાય છે. શીક્ષકત્વ તો આ વર્ષોમાં કરતો રહ્યો છું. એને કારણે ઠીક કહી શકાય એવું કામ થયું છે. એટલે જ તો મારાં લખાણોની યાદી મેં બ્લોગ પર છુટ્ટી મુકી દીધી છે. (આજે મારી પોસ્ટો પર પુષ્કળ વાચન થયાની જાણ મને થઈ છે.)

પણ મારે મારાં વાચકોને જ નહીં, નેટ પરનાં સૌ ગુજ. વાચકો–લેખકોને હાથ જોડીને વીનંતી કરવી છે કે –

દરેક બ્લોગર પોતાના બ્લોગ પરનું હોમપેજ શુદ્ધ ગુજરાતીમાં રાખે. અંગ્રેજી શબ્દોની જરુર હોય તે ભલે રાખે, પણ જેમ અંગ્રેજીમાં ભુલ વગરનું રાખવાનું ફરજીયાત છે તેમ ગુજ.નું પણ ફરજીયાત બનાવે.

મેં ઘણા બ્લોગરોનાં હોમપેજ સુધારી આપ્યાં છે. આજે પણ દાઝપુર્વક એ કામ કરી જ આપવું છે. મને “પ્રથમ દસ” બ્લોગમાં બેસાડનારાં વાચકોનું ૠણ હું એ રીતે ચુકવવા માગું છું.

મોડી રાત સુધી બેસીને હું આ કામ કરવા માગું છું. મને ઘણી વાર શરમ થાય છે, બ્લોગનાં હોમપેજો પર જ પારાવાર ભુલો જોવાની ! મીત્રો, ઓછામાં ઓછું તમારા બ્લોગ–હોમપેજને તો અંગ્રેજી જેવી નીષ્ઠાથી પ્રગટાવો !!! ત્યાંય ભુલભરેલા ગુજરાતીનું પ્રદર્શન આપણને શી રીતે પોસાય ?!

એક બીજી વાત, આત્મશ્લાઘા લાગે તો ભલે લાગે, પણ કહેવી જ છે કે, મારાં લખાણોમાંથી અનુસ્વાર સુદ્ધાંની ભુલ શોધીને મને બતાવો…

એનાથી બે ફાયદા થશેઃ એક, મને મારી ભુલો જાણવા મળશે અને બે, વાચકોને એટલી કસરત થશે જેનો લાભ ભાષાશુદ્ધીને જ થવાનો છે. સાર્થ જોડણીકોશ મુજબ જ આપ સૌ લખો ને એવું જ વાંચો તેવું ઈચ્છું છું. (મારાં લખાણોમાં હ્રસ્વ ઇ અને દીર્ઘ ઊ નથી હોતાં તે જણાવવાની ભાગ્યે જ જરુર છે…મને આટલા પુરતું ક્ષમા આપશો. અમે લોકો ભાષાવીજ્ઞાનને જ અનુસરી રહ્યાં છીએ. આ વાતનો પ્રચાર કરવો નથી…)

હું સાર્થ અને ઉંઝા બન્નેમાંથી કોઈ પણ લખાણને વાચક–લેખકની સુચના મજબ સુધારી આપીશ…પણ મહેરબાની કરીને કમસે કમ હોમપેજને તો ભુલ વગરનું જ રાખવાનો આગ્રહ રાખો અને એ માટે મારી મદદની જરુર હોય તો હુકમ કરો…સેવક હાજર હશે !!

Categories: આપણાં સૌનું | 58 Comments

Post navigation

58 thoughts on “આપના બ્લોગ–હોમપેજને અંગ્રેજી જેવી કાળજીથી શોભાવો !

  1. મારા બ્લોગના હોમ પેજમાં સુધારા સુચવશો તો આભારી થઈશ.

  2. મારા પણ :)

  3. pragnaju

    “…..મહેરબાની કરીને કમસે કમ હોમપેજને તો ભુલ વગરનું જ રાખવાનો આગ્રહ રાખો અને એ માટે મારી મદદની જરુર હોય તો હુકમ કરો…સેવક હાજર હશે !!”

    ઇર્શાદ

    ચોરીમાં જ ચચરાટ જેમ..અમારા બ્લોગના ‘નિરવે’ જ રવ રવ કરી મૂક્યો!

    અમારા એક પડોશી ખીજવાઇ જતા ત્યારે કહેતા- ‘ તને રવ રવ નરાક મળે ‘

    અને સામાવાળો ગભરાઇ વિચારમા પડી જતો !

    અમારા ઇજનેરભાઇના સસરાજી શિક્ષક તેથી ભાઇ કાગળ લખે અને સસરાજી

    લાલ પેનથી સુધારી મોકલે ! એક દિવસ મેં પત્ર લખી આપ્યો તો તે પત્ર

    મળતાં જ સાનંદાશ્ચર્યમા મૂકાયા કે નિરાશ થયા તે ખબર ન પડી.!

    અમારા એક સ્નેહી ચાર્ટર/કોસ્ટ વિ નિષ્ણાત.તેઓ ઈન્કમટેક્ષના રીટર્નમા એક

    ૨+૨=૫ જેવી ભૂલ કરે અને આવી ભૂલ સુધારવાની વાત આવે! તેઓ

    જણાવતા કે આ ભૂલ શોધવાથી સાહેબનો અહંકાર જળવાય અને કામ

    ઝડપથી થાય!

    અમારા સ્નેહીનો દિકરો એમ બી બી એસ ની પ્રેકટીકલ પરીક્ષામા સડસડાટ

    જવાબ આપે.પરીક્ષકનો અહંકાર ઘવાયો.તેણે એમ એસનાં પ્રશ્નો પૂછવા માંડ્યા

    તો અર્ધો કલાકે એક ઉત્તર ન આવડ્યો.પરીક્ષક ને આનંદની અનુભૂતિ

    થઇ. મૉટેથી બોલ્યા ,” મારું ચાલે તો તને ૨૦૦% માર્ક આપું!”

    આવા તો અનેક દાખલા છે જેમાં ભૂલ સુધારવાથી પ્રસન્નતા થાય અને ભૂલ

    કરનારને પણ આનંદ આનંદ

    આમેય આપણે ભૂ્લા પડી ભવમા ભટકયાં જ કરીએ છે ને……………

    મર્જ બઢતા ગયા જ્યું જ્યું દવા કી…અમે પણ લખવાનું ઓછું કરી વાંચવાનું

    વધુનો વિચાર કર્યો અને રોગ વકરતો ચાલ્યો!

    અમારા વડીલ કહેતાં કે

    બિલાડીની રોગીષ્ટ પૂંછડી કાપવી જ છે તો મૂળમાંથી જ કાપવી કે રોજ એક

    એક ઇંચ કાપતા જવું ?

  4. jjkishor

    જરુર, એક પછી એક અને વહેલી તકે. – જુ.

  5. હા જરૂર થી. મારો જન્મ હમણાં થાત્યો છે. આપના માર્ગદર્શન ની જરૂર છે.હું ગુજરાતી બ્લોગ ની દુનીયા માં હમણાજ પ્રવેશ્યો છુ. આનંદ થયો.જય જય ગરવી ગુજરાત.

  6. ભાવતું’તું ને વૈદે બતાવ્યું!

    કદાચ આ જ છેઃ न माम् कर्माणि लिप्यन्ति, न मे कर्मफले स्पृहा

    આદરણીય પ્રજ્ઞાબેન વધારે ખુલાસો કરી શકશે.

    • अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम्‌।तत्र प्रयाता गच्छन्ति ब्रह्म बह्मविदो जनाः॥
      धूमो रात्रिस्तथा कृष्णःषणमासा दक्षिणायनम्‌ ।तत्र चान्द्रमसं ज्योति-योगी प्राप्य निर्वतते॥
      સૂર્યદેવ ઉત્તરાયણ થાય ત્યારે પૃથ્વી પ્રકાશમય થાય.આ સમયે સગુણાત્મક પરિવર્તન કરવાનુ મહત્વ છે.

      આધુનિક સમયમાં સૌથી વધુ ઝડપે વકરતો કોઇ રોગ હોય તો એ છે સાયબર સિકનેસ. આજનો માણસ હાઇટેક થવાની સાથે ઇલેકટ્રોનિક્સ ડિપેન્ડન્ટ થઇ ગયો છે.સાયબર વિડોનો મતલબ એવો થાય છે કે એવી સ્ત્રી જેનો પતિ આખો દિવસ કમ્પ્યુટર પર બેઠો રહે છે. આવી સાયબર વિધવાઓની સંખ્યા બહુ મોટી છે. ઇન્ટરનેટ ઉપર આવી સાયબર વિડોઝની ક્લબ છે તેઓ ચેટ કરીને પોતાના પતિઓ સામે બળાપો ઠાલવે છે. સાયબર વિડો ડોટ કોમ નામની વેબસાઇટ પણ છે. માત્ર સાયબર વિડોઝ જ છે એવું નથી સાયબર વિધુરોની સંખ્યા પણ ઘણી મોટી છે. આપણે ત્યાં હજુ લેડીઝને ટેલિવિઝન પર સિરિયલ્સ જોવાનો વધુ ક્રેઝ છે. યુરોપિયન કન્ટ્રીઝમાં આવો કોઇ ભેદ નથી, સ્ત્રી હોય કે પુરુષ, બધાં જ ઇલેકટ્રોનિક્સના આડે રવાડે ચડયાં છે.
      અમેરિકાના એક સાયબર રિહેબિલિટેશન સેન્ટરના વડા કહે છે કે લોકો જુદી જુદી રીતના સાયબર સિકનેસનો ભોગ બનેલા છે.બધા એડિક્ટ થઇ જાય છે ઇન્ટરનેટના કારણે લોકો કમ્પલઝિવ ડિસઓર્ડરનો ભોગ બની રહ્યા છે તેવું અમેરિકાના ડો. કિમ્બર્લી યંગનું કહેવું છે નેટ એડિક્શન વિષે તેણે અભ્યાસ કરી અમેરિકન સાયકોલોજિક્લ એસોસિએશન સમક્ષ પેપર રજૂ કર્યું હતું. ડો. કિમ્બર્લીનું કહેવું છે કે આજના સમયની સૌથી ખતરનાક બીમારી હોય તો એ સાયબર સિકનેસ છે. લોકો પ્રમાણભાન જાળવતાં નથી અને જાતજાતના સાઇકોલોજિક્લ ડિસઓર્ડરનો ભોગ બને છે.અમને પણ પ્રમાણ મર્યાદિત કરવાનું સૂચન છે.તો આ સંક્રાંતિએ તે અંગે સંકલ્પ ક્રરીએ છીએ
      લૅપટોપ એ
      સમય મર્યાદિત
      સમ્યક ક્રાન્તિ!

    • jjkishor

      ‘મારી બારી’ (વાતાયન) ઉપર આટલા ફેરફારો જરુરી જણાયા છેઃ

      • ઇ–મેઇલ સબ્સ્ક્રાઈબ
      • તાજેતરના લેખો
      • વિભાગો
      • પાનાંઓ…
      • બ્લૉગનાં મુલાકાતીઓ…
      • તારીખિયું
      દીપક ધોળકિયા

  7. મારા હોમપેજમાં કોઇ સુધારા હોય તો તે તરફ માત્ર એક ઇશારો કરજો, મારી ભુલ સુધારવામાં મને ઘણો આનંદ થશે…

    • jjkishor

      બગીચામાં કાતરકાર્ય કરી દીધું છે. જોઈ જજો ક્યાંય ‘કાચું કપાઈ‘ ગયું નથી ને ?

  8. jjkishor

    સૌથી પ્રથમ ભૂપેન્દ્રસિંહે બરફ ભાંગ્યો. મેં પણ એમને તાબડતોબ જવાબ આપીને હોમપેજ અંગે મોકલી દીધું.

    બીજી ઓફર શ્રી કાર્તિકભાઈની આવી. એમને પણ ‘તતકાલ’ કામ કરી આપ્યું છે. એમણે દાખવેલા રસ માટે આનંદ, અભીનંદન.

    પ્ર.દીદીને તો ઘણા સમય પહેલાં જ કહેલું કે નિરવનું નીરવ કરવા જેવું છે પણ તેમણે એને રવરવતું રાખ્યું. માળીભાઈનો ત્રીજો નંબર. હવે એમના બગીચે કાતર ને ખાતર લઈને પહોંચું છું…

    દીપકભાઈને જે ભાવે તે વૈદ્ય બતાવે. પણ न लिप्यन्ति અને न स्पृहाવાળી વાત ઠીક નથી. લપેડાવાનું તો રહે જ છે, ને સ્પૃહાય સાવ કોરો નહીં જ રહેવા દે. મૂળશંકરભાઈએ (મૂમોભટ્ટ) પોસ્ટકાર્ડમાં મને લખેલું કે વીદ્યાર્થીને ચોપડી ભણાવતાં ભણાવતાં આપણી ચોપડીનાં પાનાંય ઉકલવા માંડે છે. આ લાભનોય લોભ હોય છે !!

    સાત્ત્વીક અહંકાર અંગે વાંચ્યું છે; સાત્ત્વીક લોભ પણ હશે ? દડો, તમારી જેમ, હુંય દીદીના ફળીયામાં નાખી જોઉં !!

  9. ગોવીંદ મારુ

    જી, મારા ગૃહ પૃષ્ઠના માર્ગદર્શક બનવા હાર્દીક નીમંત્રણ છે..

    • jjkishor

      આપના બ્લોગ પર સાવ ઓછી અને નજેવી ભુલો છે ! ધન્યવાદ. (આને ઉંઝાસ્વીકારનું એક કારણ ગણી શકાય…જોકે હું તો એને આપની ભાષાજાગૃતી જ કહીશ.

      ચેક કરી લેશો.

  10. લાઈનમાં ઉભો છું વારો આવે ત્યારે કેજો…

  11. આદરણીયશ્રી. જુ’ ભાઈ

    મારા બ્લોગની મુલાકાત લઈ સુધારા સુચવવા વિનંતિ છે.

    • jjkishor

      સુધારા કરીને મોકલ્યા છે. તપાસી જોશો. તમારું ઈઆઈડી નથી તેથી જણાવશો, જેથી સુધારા મોકલી શકું.
      સરનામું મળી ગયું…પહોંચ મોકલશો.

  12. દાદા, શબ્દ-બ્લોગમાં તો હુંયે હજુ કું’વારો’ છું..મારો વારો ક્યારે આવશે?

  13. હા અમારા બ્‍લોગ હોમ પેઇજમાં સુધારો કરવા નમ્ર વિનંતી.

  14. નવી થીમમા વાંચવામા મુસ્‍કેલી પડે છે.

  15. માન.શ્રી.જુગલકીશોરભાઈ,
    સૌ પ્રથમ તો મકરસંક્રાંતિની શુભેચ્છા.
    સમય મળ્યે અમને પણ હોમપેજ વિષયે કંઈક માર્ગદર્શક સૂચન કરવા વિનંતી. આભાર.

    • jjkishor

      સુધારાઓ ઈમેઈલથી મોકલાઈ ગયા છે. તપાસી જોશો.

      • આભાર, જુગલકીશોરભાઈ.

        આ વહેલી જાણકારી મળી તે સારું થયું ! આપનો ખુબ ખુબ આભાર. સૌથી વધુ કનડગત “બ્લોગ” શબ્દએ કરી છે ! દરેક લેખનાં ખોટા મથાળા તો સુધાર્યા છતાં હજુ લગભગ ૩૫ લેખનાં લખાણમાં “બ્લોગ” શબ્દની જગ્યાએ “બ્લૉગ” શબ્દ કરવાનો છે.

        બ્લૉગ પર શબ્દ-વ્યાકરણ-ભાષાને લગતા સુધારાઓની સૂચના મેળવવા માટેનો એક અલગ વિભાગ રાખવાનું આપનું સૂચન ગમ્યું, અમલ માટે એક પ્રયોગાત્મક પ્રયાસ કરીશ, કદાચ સૌ મિત્રોને એ ગમે. આભાર.

  16. jjkishor

    એક મહત્ત્વની વાત, સૌ કોઈ રસ ધરાવનારાંઓ માટે –

    (આ પોસ્ટ જેમણે વાંચી છે તેઓ જ મોટે ભાગે આ સુચના વાંચશે તેથી સૌને આની જાણ પોતાનાં વાચકોને પણ કરવા ભલામણ છે.)

    ૧) બ્લૉગ–હોમપેજ પરના સુધારાઓ સતત કરવાની બાબત છે કારણ કે તેમાં ફેરફારોને અવકાશ છે;
    ૨) બીજાના લેખો કે ટિપ્પણીઓમાં સુધારો કરવાનું બ્લૉગર માટે શક્ય નથી કારણ કે તે ભુલો તો મુળ બ્લૉગરની હોય છે;
    ૩) બ્લૉગ પર કરેલા સુધારાઓનાં કારણો બ્લૉગરે જાણી લેવા જોઈએ જેથી એકની એક ભુલ ફરી થવા ન પામે. (આ પહેલાંનો મારો અનુભવ છે કે, મારા કરેલા સુધારાઓ એક વાર જ રહ્યા…બાકી ફરી પાછું ‘રામ તારી માયા !’
    ૪) મારા જોડણીવીષયક લેખો સૌ માટે ખુલ્લા જ છે. એનો સતત અભ્યાસ કરવો રહ્યો;

    અત્યાર સુધીમાં ૧૧ હોમપેજમાં સુધારાઓ કરીને મોકલાયા છે. સારી વાત કહેવાય !

    હવેથી દરેક ભાષાપ્રેમી પોતાના બ્લૉગ પર એક કેટેગરી ‘ભાષા અંગે’ રાખે તેવી ભલામણ કરવાનું મન થાય છે જેમાં સૌ વાચકોને ભુલો–સુધારાઓ માટે આમંત્રણ હોય ને એ રીતે દરેક બ્લૉગર પોતાની માતૃભાષા માટેની જાગૃતી બતાવે અને સાથે સાથે અન્યને પણ ચેપ લગાડે….આવું કરીશું તો જ જાગૃતી લાવી શકાશે.

    કેટલાક નીર્ણયોના તો નીયમો બનાવી દેવા જોઈએ અને વધુમાં વધુ બ્લૉગરો તેનો અમલ કરે તેવી નીષ્ઠા ઉભી કરવી જોઈએ. વિનયભાઈ ખત્રીએ જેમ કૉપીપેસ્ટ ઝુંબેશ કરી હતી તેવી જ રીતે ભાષાજાગૃતી અંગે કેટલાક બ્લૉગર ઝુંબેશ શરુ કરીને ચાલુ રાખી શકે….

  17. આદરણીય શ્રી જુગલકિશોરજી
    આપના આ સરાહનીય બહુમૂલ્ય યોગદાન માટે ખૂબખૂબ અભિનંદન.
    મને પણ લાભ આપી ઉપકૃત કરશો.
    રમેશ પટેલ(આકાશદીપ)

  18. Pingback: આભાર! « મારા વિચારો, મારી ભાષામાં!

  19. વડીલ શ્રી.જુ.ભાઇ લાઇનમાં નામ નોંધાઉ છુ જરા ધોકો પછાડજો,

    • મુરબ્બી શ્રી.જુગલકીશોરભાઈ આપનો મેઇલ મળી ગયો છે, આભાર, સમય મળ્યે આપના જોડણીવીષયક લેખોનો અભ્યાસ કરું છું આપની ભાષાજાગૃતી અંગેની ઝુંબેશ ને સો સો સલામ.

  20. Murtaza Kapaasi

    મેં ઘણા બ્લોગરોનાં હોમપેજ સુધારી આપ્યાં છે. આજે પણ દાઝપુર્વક એ કામ કરી જ આપવું છે. મને “પ્રથમ દસ” બ્લોગમાં બેસાડનારાં વાચકોનું ૠણ હું એ રીતે ચુકવવા માગું છું.
    આ પેરેગ્રાફના બીજા શબ્દમાં અનુસ્વાર ન આવે?

    • ‘હોમપેજ’ને નાન્યતર જાતીનું ગણીને એના બહુવચનોમાં અનુસ્વાર મુક્યા છે પણ બ્લૉગરોમાં બન્ને જાતી (નર–નારી)હોવા છતાં અનુસ્વાર નથી મુક્યો તે ભુલ જ ગણાય…..!

      આ પહેલાં ક્યાંક આ અંગે નારીજાગૃતી પરના કોઈ લેખમાં આ વાત ચર્ચાઈ હતી એવું યાદ છે. તેમાં કહેવાયું હતું કે જ્યાં નરનારી બન્ને ભેળાં હોય તેવે સ્થાને ફક્ત નરજાતીને જ પ્રાધાન્ય આપીને લખવામાં આવે છે તે બરાબર નથી વગેરે. મને તે દીવસે આ વાત બહુ સાચી લાગી હતી.

      મારા જ લેખમાં આ વાત સરતચુકથી રહી ગઈ છે ! શ્રી કપાસીએ ધ્યાન દોરીને મને આભારી કર્યો છે…સાથે સાથે એમની જાગૃતી માટે પણ ખુબ આનંદ થયો છે. આભાર અને સલામ !!

      • સ્નેહી શ્રી જુગલકિશોરજી,
        માણસ માત્ર ભૂલને પાત્ર.
        ભૂલો તો સાર્થ જોડણીકોશના સર્જકોએ પણ કરેલી છે. ભૂલો તો internet giant Google ની website પર પણ જોવા મળે છે. અને ભૂલો તો ગાંધીજીએ પણ કરેલી છે. એટલે ભૂલ સહજ સ્વીકાર્ય છે પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકારવી એ મહાનતાની નિશાની છે. આપની એ મહાનતાને શત શત પ્રણામ.
        આ બહાને આપની સાથે ઓળખાણ થયાનો ખૂબજ આનંદ છે.
        અને કહેવાની જરૂર ખરી કે, મારી ભૂલો તરફ અંગૂલીનિર્દેશ કરનારને હું પણ ઉમળકાથી આવકારું છું?

  21. આપ મારા બ્લોગમાં જોડણી વિષે કહેશો તો આભારી થઇશ. મને ઊંઝા જોડણીનો કોઈ છોછ નથી. Email: joshirutul@gmail.com

    • ઉંઝાજોડણીનો છોછ નથી તે સાચું પણ તમે જો બ્લૉગને સાર્થ મુજબ રાખવા માગતા હો તો હોમપેજને ઉંઝામાં ન રાખી શકાય. તેથી મેં સાર્થ પ્રમાણે જ સુધારા કર્યા છે.

      ઉંઝાજોડણી અંગે તમને રસ હોય તો તમે ઉત્તમભાઈનો સંપર્ક “UttamGajjar” , પર કરી શકો છો. એ પણ જાગૃત ભાષાપ્રેમીઓએ જાણવા જેવો વીષય છે. મારો સંદર્ભ તમે આપશો સાથે તમારા બ્લૉગની લીંક પણ મોકલશો.

      કૉમેન્ટની જોડણી હું પણ ભુલથી ખોટી કરતો હતો !! તમારે લીધે મારી ભુલ પણ સુધરી ગઈ !! આભાર. – જુ.

  22. નોંધઃ

    આ કોમેન્ટ શ્રી દીપકભાઈ ધોળકિયાજીની છે. એમનો જવાબ સ્વતંત્ર રીતે આપવાનો હોઈ કોમેન્ટ અહીં મુકી છે…
    ––––––––––––––––––––––––––

    આ ટિપ્પણી “મારી ચોટલીનો પકડનાર મળ્યો !” વિશે છે.

    આમ વાત સાચી છે કે બ્લૉગર ભાઈ અથવા બહેન પણ હોય. આપણો લિંગ સંબંધિત પૂર્વગ્રહ (gender bias) આવી ભૂલો માટે જવાબદાર હોય છે.

    ઘણાખરા વ્યવસાયો શરૂઆતમાં માત્ર પુરુષોના હતા એટલે એમના માટે નરજાતિનો પ્રયોગ રૂઢ થઈ ગયો છે. બ્લૉગરને બદલે ડૉક્ટર હોત તો “ડૉક્ટરો આવ્યાં” લખ્યું હોત?
    નર્સ વિશે શું ધારો છો? ” નર્સ આવી” એમ જ કહેશો ને? અને ઘણી નર્સો આવે તો ” નર્સો આવી” એ સાચું ગણાશે.
    પરંતુ જેમ ડૉક્ટર કે વકીલ પુરુષ પણ હોય અને સ્ત્રી પણ હોય છે, તેવું જ હવે નર્સો માટે છે. હૉસ્પિટલમાં તપાસ કરશો તો જાણવા મળશે કે “નર્સ આવી” કે “નર્સો આવી” એ સાચું નથી. કારણ કે પુરુષો પણ હવે નર્સિંગના વ્યવસાયમાં હોય છે. એટલે “નર્સો આવ્યાં” એ સાચું છે. “નર્સ આવી” એમ કહેવાનું સાચું પડે એવી શક્યતા માત્ર ૫૦ ટકા ગણાય કારણ કે પુરુષ નર્સ આવે તો એ ખોટું પડૅ! કોઈ પણ સંજોગોમાં “નર્સો આવી” તો ૧૦૦ ટકા ખોટું પડવાનો સંભવ છે!

    ૨૦૦૦(?)ની સાલમાં ચીનમાં મહિલા પરિષદ મળી હતી તેમાં સ્ત્રીના લગ્ન સંબંધિત દરજ્જા બાબતમાં ચર્ચા થઈ અને નક્કી થયું કે આ દરજ્જો દેખાડવાનું પુરુષ માટે જરૂરી ન હોય તો સ્ત્રી માટે પણ જરૂરી નથી. એટલે miss અને mrs જેવા ભેદને બદલે બધી સ્ત્રીઓ માટે તટસ્થ પૂર્વપદ Ms વાપરવાનો નિર્ણય લેવાયો. Ms સ્ત્રી પરણેલી છે કે કુંવારી એ છતું કરતો નથી.

    આમ જ્યાં સુધી સ્ત્રી-પુરુષ સમાનતા સમસ્યારૂપ રહેશે ત્યાં સુધી નરજાતિમાં રૂઢ થઈ ગયેલા શબ્દોમાં આવી ‘ભૂલો’ થતી રહેશે.

    એક બીજી વાત. અંગ્રેજીમાં બાળક માટે He વપરાતું, પણ હવે She વાપરવાનું વલણ દેખાય છે.
    તે ઉપરાંત એ પણ સવાલ ઊભો થશે કે ભગવાન,ઈશ્વર, અલ્લાહ, ગૉડ પુરુષ છે કે સ્ત્રી? બધા ધર્મો પણ પુરુષોએ જ બનાવ્યા છે, એ ન ભૂલીએ!

    – દીપકભાઈ.

    • ખુબ જ તાત્ત્વીક વાત કહી, દીપકભાઈએ.

      આને ‘ભુલ’ કહેવાનું થાય એ જ બતાવે છે કે આ બાબત કેવળ ભાષાની ન રહેતાં આવી બાબતે તે સામાજીક પણ બની જાય છે. મેં લખાણમાં મુક્યું જ છે એમ આ વાત આપણે ત્યાં પણ ચર્ચાઇ છે. પુરુષપ્રધાન સમાજમાં આવું થાય તે સહજ છે, ને ડૉક્ટર કે નર્સના બહુવચનમાં શું કરવું તે સવાલ આવી પડે તેમ છે.

      આ બાબતે હું શ્રી કપાસી અને શ્રી દીપકભાઈ બન્નેની વાતે સહમત રહીને પ્રશ્નના ઉકેલને બદલે પ્રશ્નને પ્રશ્ન જ રાખું છું !! વાચકો આમાં ભાગ લઈને જવાબો આપે એમ રાખીએ. આ બાબતે કોઈ નીયમ કોશમાં હોવાનું જાણમાં નથી.

      હા, આ બાબતમાં મોટી વાત એ છે કે, શ્રી કપાસીને આટલી સુક્ષ્મ ભુલ દેખાઈ એટલું જ નહીં, એમણે એને પ્રગટ કરીને મારો કાન પકડ્યો. આ બાબત મારી દૃષ્ટીએ ભાષાજાગૃતીની હોઈ હું એને ‘સર આંખો પર’ રાખીને શ્રી કપાસીને સલામ પાઠવું છું.

      શ્રી દીપકભાઈની વાત ભાષાશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની એમ બન્ને બાજુ મહત્ત્વ ધરાવે છે એને પણ સૌ વાચકો ચર્ચાની એરણ પર મુકે એવી આશા રાખું છું.

      ખુબ આભાર સાથે…

      • સમજણો થયો ત્યારથી ભાષા પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. (એક શાસ્ત્રીય રીતે પરિપૂર્ણ લિપિનું સર્જન પણ કર્યું છે : http://sites.google.com/site/theplanetmak/inventions-by-mak/classically-perfect-script ) એટલે ક્યાંય પણ કોઈ પણ ભાષામાં ભૂલ હોય તો એ સામેથી ઉડીને મારી આંખે વળગે છે એમ કહું તો ખોટું નથી. એટલે સહજ રીતેજ મારું ધ્યાન ગયું અને મેં આપનું ધ્યાન દોર્યું. બાકી આપનો કાન પકડવાની ગુસ્તાખી તો મારાથી કેમ થાય. આપના અનુભવ પાસે તો હું હજુ નવો નિશાળીયો ગણાઉં. અને ભૂલો તો હું પણ કરું છું એટલે જ વ્યવસાયિક ધોરણે કાર્ય કરું છું તેમાં પણ ભલે હું ૧૦૦% ભાષાશુદ્ધિની ખેવના રાખતો હોઉં પણ ખાતરી તો હું ૯૯.૯% ની જ આપું છું.

        • ભુલ નાની હોય કે મોટી, નાનાની હોય કે મોટાની પણ તેને બતાવવાનું કાર્ય ધર્મકાર્ય જ ગણાય. ખાસ કરીને જેમને ભાષા સાથે લગાવ હોય તેમણે તો આ કાર્ય કરતાં જ રહેવું જોઈએ. (તમારા લખાણમાં પણ ભુલો છે છતાં મારી ભુલો બતાવવાનો તમારો હક્ક છે જ. ને તે ધર્મકાર્ય કરવાની –ભુલો બતાવવાની – ફરજની સાથે જ છે તે ભુલશો નહીં. )

          તમને ધન્યવાદ તો ખરા જ પણ તમારો આભાર પણ. તમારી સ્ક્રીપ્ટ હું જાણકાર સહયોગીઓને મોકલીશ. તમે આ સૌ સાથે સહયોગ કરશો તો મજા પડશે. આટલી જાગૃતી માટે ફરી ખાસ ધન્યવાદ આપું છું.

  23. આદરણીય શ્રી જુગલકિશોરજી,
    મારા બ્લૉગ વિશે આપના સૂચનો આપવા વિનંતી.
    સસ્નેહ,
    ચિરાગ ઠક્કર ‘જય’

    • પ્રીય શ્રી ચીરાગભાઈ,

      તમારું હોમપેજ સીલેક્ટ કરીને કૉપી કરાતું નથી ! એટલે મને જો તમે બધાં હેડીંગ્સ મોકલો તો હું સુધારી શકું…..

  24. ‘લાઈક’ કહેનાર સૌકોઈનો આભાર.

  25. આદરણીય શ્રી જુગલકિશોરજી,
    કયા ઇમેલ પર આપને મારા બ્લૉગનું હોમપેજ મોકલું?
    સસ્નેહ,
    ચિરાગ ઠક્કર ‘જય’

  26. http://rutmandal.info/guj/

    જુ.કાકા, ઋતમંડળ પણ સુધારી આપશો? મારી તકલીફ એ છે કે ગુગલને ગુજરાતી લખવા વાપરવાથી જોડણી વિચિત્ર થઇ ગઈ છે. હાલ, એના પર ધ્યાન નથી આપતો. બધું જ ઉંઝા કરવું છે, પણ એટલો સમય નથી.

  27. લાગે છે કે હું ઘણો મોડો પહોંચ્યો છું.

    અક્ષરનાદમાં અમારી ભૂલો બતાવશો તો આભારી થઈશ.

    આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.

Join 69 other followers