‘હઝાર હાથવાળો બેઠો સે’(ભીતરબાહર–૫)

– જુગલકીશોર.

ફકત કાળામાથાના માનવીની જ વાત કરીયીં તોય મારા ભૈ નાખી દેતાં અબજું ના અબજું માણહ નેહરે આ દુનીયામાં. દુનીયાનાં હંધાય માણહ કાંય ભગવાનમાં માનતાં નૉ જ હોય. ઈનેં બાદ કરો. બાકી રયાં ઈમાંનાં હંધાય કાંય ભગવાનને હજાર હાથવાળો માનતા નૉય હોય. ઈમનેય બાદ કરી નાખો તમતમારે. બાકી વધ્યાં ઈમાંનાં માનવાના કે ભગવાન હઝાર હાથવાળો સે, સે ને સે.

ગન્યાની હંધાય ઈની ગોળમગોળ વાતુંમાં હમજાવતાં રયાં સે કે આ ઝગત હાસું નથી. ઈને બનાવનારો જ હાસો સે. ઝગત મીથીયા ને ઈવડો ઈ ઝ હાસો.

હવે વાત તો ન્યાંકણેં જ પાસી આવીને ઉભી રે’વાની કે ઈ કરતા, ભરતા ને હરતા કેવાતો એવો ભગવાન (સુધરેલું લોક ઈને બ્રમ્મ કે સે ઈ) જો હાસેહાસ હઝાર હાથવાળો હોય તૉય કાંઈ હંધ્યેય પોગી તો હકે જ નઈં ! દુનીયાના ને ઈમાંય આપણા દેસના લોક ને ઈમાંય ગુઝરાતીયું હંધાય ગણો તો કરોડુંની ગણતરીમાં થાય. અટલે, જો હંધાયને ઈવડો ઈ મદદે જાવા મથે તૉય હઝાર હાથે કાંય નૉ પતે.

પણ વળી પાસાં ઘડીભર્ય માની લઈં કે હઝારથી કામ રોડવી લ્યે તોય ઈ હઝાર હાથને રાખવાના ક્યાં ?! રાવણને દહ માથાં હતાં ઈમ હંધાય ક્યે સે પણ ઈવડો ઈ પડખાંભેર ઉંઘવાનો તો નઈંને ! ઈમ આ હઝાર હાથવાળાને કાહટી તો, ભાયને કઉં તી, રે’વાની ઝ ને ?

અટલે આ હંધી ગોળમગોળ વાતુંનો તો કોઈ પાર નઈં. આપણે ઈમ કરો, આ વાતુંનો કાંક ઉકેલ લાવ્વા મથામણ કરીયીં.

વીગનાનીયું હંધાય કે સે કે ઝગતનો આ આખો લબાસો કે ભરમાંડનું આખું કમઠાણ કાંક ગઝબની રીતે ગોઠવાયું સે. હંધુંય કામ રાત્ય–દી ટૅમસર હાલ્યે રાખેસ. પાંપણ્યું ઝપટ મારે અટલુંય વેલુંમોડું ઈમાં નૉ થાય ! હવે આ હંધુંય ઝો ગોઠવાયું ઝ હોય તો ઈને ગોઠવનારું કોક તો હયસે જ ને; કે પસી હંધું લોલમલોલ હયસે ?! ના ભાય મારા. હાવ ઈમ તો નૉ ઝ હોય. ભગવાનના હઝાર હાથને મેલો હમણેં પડતા ! માણહુંનાં દુખદરદ કાંઈ એકહરખાં તો નૉ હોય. ઈ હંધાયને પોકવાની વાત ઝ ઘડીભર ઝાવા દીયો. પણ મારું કે’વાનુ જી થાય સે ઈનીં વાત ઝ લ્યોને આદરું….

હંધાય ક્યે સે કે દુનીયામાં ખાલીપા જેવું કાંય નથ્ય. હંધુંય લબાલબ ભરેલું સે. મારા ને તમારામાં જીમ હંધું હકડેઠઠ ભરેલું સે ઈમ ઝ દુનીયામાં કોઈ જગીયા ખાલી નૉ મળે ! મારી ને તમારી વસાળે આમ ઝોવા ઝાવ તો હવા શીવાય કાંય સે નઈં. પણ હવાય ઈવડી ઈ ગણતરીમાં તો ખરી કે નઈં ? કેવાય સે કે નાનામાં નાનો કણ સ્હોત ઈનીં અંદર્ય ઝાપટું નાખતો હોય સે. કણમાંય કણ ને ઈમાંય કણ. ઈવડા ઈ કણને વીંખીને, ને તોડીને ઝોવાવાળા તો કેય સે કે ઈમાંય કાંક ઝબરી ધમાસકડી હોય સે. ઈની અંદર હંધુંય સકરાવા લેતું હોય સે. ખાલીનું ખાલી ને ભરેલાનું ભરેલું, લ્યો, કરો વાત !

અટલે વાતનો મુદ્દો તો ઈમ જ થ્યો ને કે એક કણુંય જગીયા ખાલી નથ્ય. ભરમાંડમાં હું કે આપણા આ દેહમાં હું, બધેય બધું એક હરખું ભરેલું સે. મારા દેહમાં જી સે ઈ તમારા દેહમાંય એકરખું ને એકરાગે ભર્યું ઈ વાત તો નકી ?

હવે હાંભળ્યા પરમાણે તો એવું સે કે હઝાર ગાઉ આઘે બેઠેલાનેય ઘણી વાર એકબીઝાના મનમાં ઉગેલી વાત કોણ જાણે કેમ પોગી જાય સે ! સોરું ભુખ્યું થાય તો ઈનીં માને ખબર્ય પડી ઝાય ! અટલે વસાર તો ઈમ આવે સે કે આખું ઝગત કોઈ એક તાંતણે બાંધેલું હોય ઈમ લાગે સે. હવે તો કરોડ વરહ થ્યાં આ આપણ હૌને જનમ્યાંને. હંધાય પોતપોતાનામાં સવારથમાં રેય અટલે ઓલ્યો તાંતણો કામ કરતો નથ્ય. બાકી જાનવરુંમાં હઝીય એકબીઝાં હારેનો તાંતણો સાબુત હોય સે ઈમાં ના નઈં.

હવે કેવાનો સાર ઈ કે આંખ્યની એક ઝપટ જેટલુંય વેલુંમોડું નો થાવા દ્યે ઈવડી ઈ વેવસ્થાને ઝ આપણે ભગવાન નૉ કઈ હકીયીં ?! આ ઝગતના આખા કમઠાણને એકધારું કરોડ વરહથી હલાવનારી તાકાતને ઝ ભગવાન કઈ દઈં તો હું ખોટું ?! વળી ઈનો સેડો તો હંધાયને વીંટળાયેલો ઝ સેને ! કણમાં સું કે માણહમાં સું, ઈ તાંતણો તો હંધાયને વીંટી વળેલો સે. ને દુનીયામાં કોઈ જગીયા ખાલી ઝ નો હોય તો ઈનો અરથ અટલો ઝ કે ઈવડો ઈ હંધાય હાર્યે ઝોડાયેલો ઝ સે !

અટલે ઈને હંધીય ખબર્ય પડે કે કુણ ક્યાં સે ને કોને હું કઠણાઈ સે !! ઈવડો ઈ ઝો મટકું મારવા જટલુંય આઘુંપાસુ થાવા નૉ દ્યે તો ઈ આપણાં હંધાયનું ધીયાન તો રાખે ઝને મારા ભાય, કેમ કાંય બોલ્યા નઈં ?!

About these ads

11 thoughts on “‘હઝાર હાથવાળો બેઠો સે’(ભીતરબાહર–૫)

  1. ઝામો પડી ગ્યો ! ઇ ‘કણ’ નું કાંય બીઝું નામ નો ગોતાય ? ‘તાંતણે’ નું ‘તારે’ કરી નાખોને બાપલા,

  2. તળપદા શ્રવણમધુર શબ્દોનો ભંડાર !.
    લોકબોલીમાં ખરબચડાપણું પણ ‘માંહ્યલો’ દોષમુક્ત હોય છે.
    વાણીમાં જ એવું કશુંક સત્વ છે,; અટલે ઈને હંધીય ખબર્ય પડે કે કુણ ક્યાં સે ને કોને હું કઠણાઈ સે !! ઈવડો ઈ ઝો મટકું મારવા જટલુંય આઘુંપાસુ થાવા નૉ દ્યે તો ઈ આપણાં હંધાયનું ધીયાન તો રાખે ઝને મારા ભાય, કેમ કાંય બોલ્યા નઈં ?!’ હૃદિયામાં પેસી જાય સે.
    મુંછાળી મા – તરીકે જાણીતા શ્રી ગિજુભાઈ બધેકા આવા જ તળપદી શબ્દોમાં સમજાવતા.
    વિનોબાએ પણ આવા સર્વોચ્ચ નૈતિક મૂલ્યો , નૈતિક જીવન વિશેની અતુટ શ્રધ્ધા,. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા અને મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અતુટ વિશ્વાસ આત્મજ્ઞાનની વાણીમાં વેદ, ઉપનિષદ, રામાયણ, ગીતા જેવાં ગ્રથોના વિઘાનો સહજબાનીમાં અભિવ્યક્ત પામ્યાં છે!

    • ગામડામાં ૨૩ વરસ કાઢ્યાં તેમાં આ બોલીરસ ઘુંટઘુંટ ભર પીધો હતો. ઉમાશંકરભાઈએ સૌરાષ્ટ્રની બોલીને મરમાળી કહી છે ! (‘સાંભળો છો ને, ભાઈ અશોક જુનાગઢી ?) તમારી ને આતાઈની વાત સાચી છે. લોકબોલીમાં સાંભળીએ તો જીભને બદલે જાણે હૈયું બોલતું હોય તેવું લાગે !!

  3. હવે હાંભળ્યા પરમાણે તો એવું સે કે હઝાર ગાઉ આઘે બેઠેલાનેય ઘણી વાર એકબીઝાના મનમાં ઉગેલી વાત કોણ જાણે કેમ પોગી જાય સે !
    સોરું ભુખ્યું થાય તો ઈનીં માને ખબર્ય પડી ઝાય ! અટલે વસાર તો ઈમ આવે સે કે આખું ઝગત કોઈ એક તાંતણે બાંધેલું હોય ઈમ લાગે સે.

  4. આ ભાખા્માં તો મારથી લખી જ નૉ હકાય ને!

    સારી વાત છે, શક્તિને શું નામ આપવું એ સૌની મરજી પર છોડીએ તો પણ ઈશ્વરને સ્રર્જનહાર અને દરેક્નો અંગત મદદગાર માનવામાં બે કન્સેપ્ટની સેળભેળ થાય છે. હજાર હાથ ખરા પણ માણસ જેવા જ ને? હજાર પગ શા માટે નહીં? અરે હજાર પગ હોય તો પણ શરીર તો એ ભગવાનનું એક જ દેખાડે છે! કામ શું, હજાર પગનું? વાત એમ છે કે આપણે પગને સહાયક અને હાથને કર્તા માનીએ છીએ.

    સર્જનહાર હોય અને બધી રચના એણે નિર્ધારિત કરી હોય તો એની જ વ્યવસ્થા પ્રમાણે બાવળમાં ગુલાબનું ફૂલ ન ઊગે. આ વ્યવસ્થામાં એ ભગવાન કશો જ ફેરફાર નથી કરતો, ગમે તેટલી પ્રાર્થના કરો તો પણ.

    હવે આ જો ભગવાન હોય તો એ એક માણસને કેમ મદદ કરે? એમાં એણે પોતે બનાવેલા નિયમોનો ભંગ ન થાય? અને જો બ્રહ્મની વાત કરો તો એ તો માત્ર ‘છે’. કર્તા નથી! ગોટાળા ઘણા છે. સર્જનહાર માનસને સમ્તોષ ન આપી શકે. એટલે જ વિજ્ઞાન સંતોષ નથી આપતું અને બીજું કઈંક શોધ્યા કારીએ છીએ. એ જો ભગવાન મને મદદ ન કરે તો એ હોય તો પણ શું અને ન હોય તો પણ શું? અંબાણી ભાઈઓ પાસે મેં મદદ માગી નથી, અને એમણે સામે ચાલીને આપી નથી. હવે એ ભાઇઓ હોય તો પણ મારે શું? ન હોય તો પણ મારે શું? એટલે જ કહું છું, ગોટાળા ઘણા છે. એ નથી એમ કહી દો એટલે બધી જંજાળમાંથી મુક્તિ મળી જાય! એ જ મોક્ષ છે ને?

    • “ફિર સુબહ હોગી” ફિલ્મમાં સાહિર લુધ્યાનવીએ ” આસમાં પે હૈ ખુદા ઔર જમીં પર હમ” એ ગીતમાં કહ્યું છેઃ
      “જો ભી હૈ વો ઠીક હૈ, ફિક્ર ક્યું કરે,
      હમ હી સબ જહાન કી ફિક્ર ક્યું કરેં,
      જબ ઉન્હેં નહીં હૈ ગમ, ક્યોં હમેં હો ગમ.”

  5. (પરથમ ક્ષમા, આ માળું હજીયે કોમેન્ટ્યુ થાવામાં કાંઉ નડતર છે ઈ તાં કોક ભડનું છોડીયું વૈગ્નાનીક ગોતી આપો !!!!! હજાર હાથ વાળાને પછેં ગોતજો :-) )
    તો, જુ.ભાઈ. ઘણી નડતરુ છતાં (એટલે કે કોમેન્ટવામાં નડતરું !) વાચવામાં તો હું પોગી જ જાંઉ છું. બસ આમ દાંત ખોતરી પેટ ન ભરાય એટલે ચર્ચામાં ભાગ નથી લઈ શકતો એ વાતનું દુઃખ રહે છે. છતાંયે આજે હામ ભરી, જોયેં આ કોમેન્ટ આપ સુધી પોંચે છે કે નહિ.

    પરથમ તો સ_રસ ગામઠી બોલીમાં સમજાવટ (જમાવટ !) કરી એ પણ નાવિન્ય તરીકે ગમ્યું. અમારે ગામને પાદર દવારો (રામાપીરનું મંદિર હોય એને ’દવારો’ કહે) છે ઈના પટમાં સાંજે બે-પાંચ ભગતુ ભેળા મળે તંયે આવી ગામઠી ભાષામાં, આવી ચર્ચા, કરતા હોય ઈ હાંભળવી એ પણ એક લહાવો છે. આ ગામડીયાઓ તો ધારે તો ચપટીમાં ગનાની થઈ શકે પણ એક ગનાનીને માટે ગામડીયું થવું બહુ અઘરું ! આપે થઈ બતાવ્યું !!

    વિષયવસ્તુને લગતી ચર્ચાનો તો પાર નહિ આવે પણ મને ટૂંકાણમાં એક વાત સમજાઈ કે, રચના છે તો કો‘ક રચનારો પણ હશે જ ને ! ભલે ઈ ભગવાન ન હોય, ભગવાનનો ભાઈ હોય ! પણ દિપકભાઈએ કહ્યું એમ, ગોટાળા ઘણાં છે. અને હું ઈમ કઉં છું કે આ ગોટાળા એના કરેલા નથી, આપણાં જ કરેલા છે !

    બાકી અજ્ઞાનીપણે, ગનાનનો કોઈ વઘાર કર્યા વના, વિચાર કરું તો ઈમ થાય છે કે હું મારા કુટુંબને માટે સર્વેસર્વા છું, મારાં બાઈડી-છોકરાંવને નિરાંત છે કે ગમે એવી વિપદા પડહેં તંયે મારગ કાઢવા બે હાથ વાળો માથે બેઠો છે ! અને મારી માથે વળી મને ઉગારવા બે હાથ વાળો મારો બાપ બેઠો છે !! (ઈ વચાર્યે હું હિંમતમાં રઉં છું) પણ મારા બાપને કોનો ઉગાર ??? કાલ સવારે ઈને ખબર પડે કે આ જગતનો કોઈ બે હાથ વાળો ઈની ભેરે ચડે ઈમ નથી તાઈર ઈ ક્યાં જાય ? એને હિંમત ક્યાંથી મળે ?? જ્યાં સુધી આવી વિપદાઓ ન પડે ત્યાં સુધી તો હું કે તમીં બથાંયને પોતાનાં બે હાથ ઉપર પાકો ભરુંહો (ભરોસો) રે‘વાનો જ ! પણ એક, માઠું ન લગાડશો, કનિષ્ક પ્રકારનો હિન્દી રુઢિપ્રયોગ વાપરીને કહું તો; ’જબ … લગતી હે ફટને, તબ ખેરાત લગતી હૈ બટને !’ કોઈ આરોઓવારો ન ર્યે તંઈ મનને હિંમત પુરી પાડવા કામ લાગે ઈ થયો ’હજાર હાથ વાળો !’ (હવે તાકતવર ઉગારનારની મનમાં કલ્પનાં જ કરવી હોય તો નબળી શું કામ કરવી !) ઈ હોય કે ન હોય ! કંઈ ફેર પડતો નથી. ઈનાં ભરોસે આપણી નૈયા પાર લાગી જાય એટલે હાંઉં !! (આ માણહ જેમ ગલઠું થતું જાય ઈમ હજારહાથ વાળાનો વસવા (વિશ્વાસ) વધતો કીં જાય ઈ હમજાણું ?) પણ આ બધી વાતુનો કોઈ છેડો નથી. (અને એમ જો છેડા મળે તો પછી ’હરી તુંને પૂછે કોણ ?!’) પણ, છેડા ક્યાં કે કેવા હોઈ શકે ઈનો કંઈક અંદાજ આપ સમા કે દીપકભાઈ કે અહીં ચર્ચામાં ભાગ લેતા સૌ મિત્રો સમા વિચારકોના માર્ગદર્શનમાંથી આવી શકે ખરો. આપણે જ્યારે જ્યારે કંઈક નવું વિચાર્યે છીએ ત્યારે, ભલે અલ્પાંશે પણ, ગોટાળાઓનાં આ અડાબીડ જંગલમાં છેડા તરફ દોરી જતી આછી પાતળી કેડી તો કંડારાય છે જ. ખૂબ ખૂબ ધન્યવાદ.

આપનો પ્રતીભાવ અહીં –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s