અર્પણ

તપે
તપ; તપતી રહે માતૃભૂમિ
;

રટે,
રટતી રહે સહુ સંતાનનાં સુખ, ને


જપે,
જપતી રહે માળા, “વિદેશે–પ્રદેશે વસ્યાં જનસહુ
લહે સુખશાંતિ ને સંપ.”


ચહે –
ચહકતી રહે ખગ થકી નભે ને ચહે –

“વહે,
વહેતી રહે સરલ માતૃભાષા બધે પાવની,
કરે જનમન પ્રસન્ન, સરજાવતી નવલ કાવ્યધારા
અને
ફરકાવતી વિજયધ્વજા બધે.”


*** *** ***
હવે
તપન તો સપન ! જુઓ આભ ગોરંભતું દીસે
પણે !


કરે અર્પણ ગ્રીષ્મ ! કૃતિ આ આગવી, સહુજનતણી સામટી
તને –
પરમસુખ વર્ષા ! આવ અવ.

– જુગલકીશોર.

સ્વતંત્રતા દે વરદાન !

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;


વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો !
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.

અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

ઉમાશંકર જોશી  

એક ત્રણ શબ્દી નવલીકા

“વાર્તા……કહું, વાર્તા……!!”

(બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…)

– લેખક અ.

—————-

લેખકની ચોખવટ :

આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી.

થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા !!

ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ અને કથન શૈલી જેવાં તત્ત્વો અનીવાર્ય ગણાય છે. આ ન હોય તો એને વારતા – નવલીકા કહેવાય નહીં પરંતુ માઇક્રોના નામે ચલાવી લેવું પડે પછી વારતાના એ અંશો શી રીતે સમાવવા ?!)

પણ હું તો સાહીત્યનો વીદ્યાર્થી એટલે મારી વારતામાં આ તત્ત્વો (ન હોય તોય) દેખાડવા તો પડે કે નૈ ?

૧) પાત્ર : આમાં ‘કહું’ શબ્દ સાબીત કરે છે કે કોઈ કહેનાર તો છે એટલે વારતામાં પાત્ર નીકળી આવ્યું ગણાય.
૨) પ્રસંગ : વારતા કોઈને કહેવાની હોય તેવો અર્થ નીકળતો હોવાથી વારતાનો પ્રસંગ તો આવવાનો કે નૈં, એટલે આવનારા પ્રસંગને ગણી લેવાનો.
૩) સંવાદ : વારતા પોતે જ સંવાદનો ભાગ છે. વારતામાં શ્રોતા હોવાનો જ એટલે વચ્ચે વચ્ચે સંવાદ આવશે તેમ માની શકાશે, બીજું શું.
૪) હેતુ તો આ મારી નવલીકા (ટુંકી વારતા, માઇક્રોફીક્સ…..)માં ચોખ્ખો બતાવાઈ જ ગયો છે બલકે બે વાર વારતા શબ્દ પ્રયોજાયા માત્રથી ખ્યાલ આવી જશે કે આ નવલીકાનો લેખક વાર્તા કોઈને ઠઠાડી દેવાનો અર્થાત્ કહી દેવાનો ધખારો ધરાવે છે ! એટલે હેતુ સ્પષ્ટ થયો કે નૈં ?!
૫) કથનરીતી : આ વાર્તામાં બે શબ્દો મહત્તવના છે ! (બે જ તો છે વળી !…યાદ આવી ગઈ પેલી નકો નકો વારતા ! એક હતી વારતા. એમાં હતા ત્રણ શબ્દ બે બેવડાયેલા અને એક કહેવાયા વગરનો !!)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આ વાર્તાનું વીવેચન :

આ વાર્તા સાહીત્યજગતમાં માર્ગદર્શક બની રહેવા સંભવ છે. ત્રણ જ શબ્દોમાંનો એક તો દ્વીરુક્ત થયેલો એટલે બે જ શબ્દની વારતારુપે ગીન્નાઇશ બુકમાં રૅકૉર્ડ માટે મોકલવા જેવી ખરી.

બાળક સમજણું થાય ત્યારથી તેને વાર્તારસમાં ડુબાડીને વાલીઓ અફીણ જેવું બંધાણ કરી આપે છે. પરીણામે ઘરનાં સૌ સુખી રહી શકે છે. આગળ જતાં એ જ છોરો બીજાને વારતાયું કહીને રોકી રાખવામાં કામ લાગે છે. ભવીષ્યમાં ન કરે નારાયણ ને જો રાજકારણમાં ‘પડ્યો’ તો પછી વારતા જેને ‘વચન’ પણ કહેવાય છે તેના તુંબડે ઘણાં પાણી તરી જઈ શકે છે.

વારતા કહેનાર અને સાંભળનાર બધાં વારતાનાં પાત્રો ગણાય એટલે વારતાને અનેક પરીમાણી તત્ત્વ કહી શકાય. જીવન એક વારતા છે એ જ રીતે વારતાલેખક માટે – એના જીવવા માટે તે ખુદ જીવન છે !! વારતા દ્વારા લેખક, પ્રકાશક, વેબસાઈટર વગેરે બધાં કમાણી કરી શકે છે. એટલે લેખકને ન આવડતી હોય તોય પોતાના પ્રકાશનમાં આમંત્રણ આપીને, છાપીને ધરાર લેખક બનાવી શકાય છે જેના વડે વાચકને પણ ‘બનાવી’ શકાય છે.

આવી વારતાઓ સાહીત્ય જગતના માઇલસ્ટોન જેવી ગણાશે ભવીષ્યમાં. લેખકશ્રીને ધન્યવાદ સાથે આ વારતાને આવી રહેલા ભાવી સાહીત્યસ્વરુપોનું આવી બનવાના પ્રથમ ચરણરુપે ગણીને આવકારું છું.

લી. વીવેચક્ક જ્ઞ.

(નોંધ : વારતાનો લેખક અ છે અને વીવેચક જ્ઞ છે તેને અકસ્માત ગણીને બન્નેના આદ્યાક્ષરોને ભેગા ન કરવા ભલામણ છે.)

વીદે વીચા રેવાવિર રદ !

પાંચેક વરસનીય ઉંમર નહીં હોય.

ઉમરાળાની હવેલીના મુખીયાજીનું કુટુંબ હવેલીની શેરીમાં, હવેલીથી ચારેક ઘર આઘે રહેતું. મુખીયાજી જેઠાલાલ અને સાંકુબાને પાંચ સંતાનો. ત્રણ દીકરા ને બે દીકરી. સૌથી નાનો આ સમયે પાંચેક વરસનો માંડ.

એની યાદશક્તી વખણાતી, બહુ. એક વાર એવું બનેલું કે કોઈની સાથે એ ધોળા કે ઢસાજંક્શને ગાડીની રાહમાં બેઠેલો તે દરમ્યાન સા…મે એક દુકાન પરનું એક પાટીયું જોયાં કરે. એ વખતે નીશાળે બેસવાને હજી વાર હતી એટલે કક્કો કે બારાખડી તો ક્યાંથી હોય ? પણ સાઈનબોર્ડના પાટીયા પરના અક્ષરોનો વળાંક એને કોઈ ચીત્ર જેમ ચોટી ગયો હશે.

ઘરે આવીને એણે મોટાભાઈની સ્લેટમાં પાટીયાના અક્ષરો આવડ્યા એવા ચીતરીને કોઈને બતાવ્યા હશે, તે ઘરમાં બઘડાટી બોલી ગઈ !

એ, આ જોવો તો, જુગલે પાટીમાં લખ્યું છે ‘કમલ બીટર ખસ’ !! (૭૨ વરસ પછી આજે એ નામ મનેય યાદ નથી પણ એ જમાનામાં આ શેનું હશે એ ખબર નથી.)…..નીશાળે જવાને હજી વાર હતી ને તોય દુકાનનું આખું નામ લખી દેનારને કુટુંબનો મેગસેસે મળી ગયેલો. ત્યાર બાદ વરસો સુધી, નહીં દાયકાઓ સુધી આપણા રામની છાતીએ એ એવોર્ડ શોભતો રહ્યો.

ઉમરાળાના એ ઘરે હમણાં પાંચેક વરસ પહેલાં જવાનું થયું  ત્યારે શામલાલ બાપાની હવેલીએ માથું ને હૃદય નમાવવા ગયેલા. હવેલી હજી એની એ જ ! કેટલાક સાવ સાધારણ ફેરફારો સીવાયનું બધ્ધું જ સાત સાત દાયકા વીંધીને હૈયાને ખુણુેખુણે વ્યાપી વળ્યું……..હૈયાની ધડક અને આંખોના ભેજમાં જાણે આખો જનમારો આવી વસ્યો ! 

પણ પછી તો ભાભીએ કહ્યું કે હાલો, આપણું મકાન પણ જોતાં જાઈં.

મારું હૈયું ફફડી રહ્યું ! શું એ મકાનને હું જોઈ શકીશ ? આટલા લાંબા વીયોગ  પછી એ મકાનની દીવાલોને હું તાકી શકીશ ? જન્મ્યા પછી ચાલતાં શીખીને જ્યાં પહેલી જ પગલી પડી ’તી ને પછી તો દોટમદોટ થઈ શકી ’તી એ ભુમીનો સ્પર્શ શું કરી બેસશે ?!

પણ ગયાં. મકાનમાલીક બહેને પુછ્યું કોનું કામ છે ?! શું જવાબ હોઈ શકે ?! કોનું કામ હતું, અહીં આવવા પાછળ ? “અરે, બહેન, અમે અમને જ મળવા આવ્યાં છીએ – સીત્તેર વરસ પહેલાંનાં અમે અમને જ મળવા આવ્યાં છીએ !! ”  

આવકાર સાથે અમે અંદર ગયાં. સીત્તેરેક વરસનો આ ડોસો કાંઈ બાળક બનીને દોડાદોડી તો કરી ન જ શકે ! સ્થીર થઈને ઉભા રહી જવાયું. હલવાથીય જાણે કે કશું – રઝોટીની જેમ જાણે ખંખેરાઈ જવાનું  ના હોય, એમ સજ્જડ થઈ જવાયું…..આજુબાજુ કેટલાક આંટા માર્યા, પણ હવે માલીકી કોઈ બીજાની હતી એટલે ખુણેખુણો તો ક્યાંથી જોવાય ?! કેટલીય જગ્યાઓને યાદ કરીને એકબીજાને ગણાવતાં રહ્યાં. આ રસોડું, અહીં દાદરો હતો, પાછળનું નળકોળીયું હજી છે કે કેમ ? વગેરે વાતોને મકાનમાલીકણ ભાવથી સાંભળી રહ્યાં. એમનેય અમારો ચેપ લાગ્યો હશે. 

છેલ્લે મારી નજર ફળીયું વટાવીને સામેની ઓશરી અને એના દાદરા સુધી ગઈ. દાદરો જ્યાં પુરો થતો હતો તે ઉપરના ઓરડાની દાદરાની પછીતની દીવાલે જોવા મથ્યો પણ એ જગ્યા ફેરફારાઈ ગઈ હતી……ને તોય મેં ત્યાં સીત્તેર વરસ પહેલાં  જે લટકતી તે ડંકાવાળી, ધીરજલાલે આપેલી ઘડીયાળ કલ્પી લીધી. ડંકા તો ન સંભળાયા પણ એ ઘડીયાળની તરત નીચે લખેલી લીટી મનચક્ષુ વડે વંચાઈ ગઈ…….“દર રવિવારે ચાવી દેવી”………!

આટઆટલાં વરસો વીંધીને, આ જ લીટીજેને હું ઉંધેથી વાંચીને જ બોલતો તે આખી લીટી ડંકાની જેમ રણકી ઉઠી –

“વીદે વીચા રેવાવિર રદ !!! ” 

– જુગલકીશોર

પીંડે અને બ્રહ્માંડે

– જુગલકીશોર.

 

વીજ્ઞાનની શોધખોળો અને ઔદ્યોગ્રીક ક્રાંતી પછી સૌથી મોટો ધક્કો કોઈને લાગ્યો હશે તો તે ઈશ્વરના અસ્તીત્વને હશે તેવું માનવા મન કહે છે. ઈશ્વરને રીટાયર કરી મુકનારી પરીસ્થીતી નવા જમાનાની એક મહત્ત્વની બાબત બની રહી છે. (આમેય ઈશ્વરને ભુલાવી દે તેવાં ચમત્કારી બાબાઓ ઠેર ઠેર મળી રહે છે. એમાંય સીનેમાના સ્ટાર્સનાં તો હવે મંદીરોય બનવા માંડ્યાં છે !)

લેબોરેટરીમાં જ્યાં સુધી સાબીત ન થાય ત્યાં સુધી ઈશ્વરને કોઈ સ્થાન નથી. સમયના બ્રહ્માંડીય સંદર્ભે લેબોરેટરીની કક્ષા હજી ભલેને પાપા પગલીની, નગણ્ય હોય, ને એને હજી અગાધ સાગરમાં છબછબીયાં કરતાં જ ભલેને આવડતું હોય, તોય તેના માપદંડ વડે જ ઈશ્વરે પોતાનું અસ્તીત્વ સાબીત કરવાનું રહે છે !! ગાંધીજી એ બચાડા જીવે કહી દીધું કે સત્યને માપવાનો ગજ કદી ટુંકો ન હજો, પણ ઈશ્વરને માપવાનો ગજ તો લેબોરેટરીમાં જ પડેલો હોય તેવે સમયે કોઈએ એની બહાર જઈને વીચાર શો કરવાનો ?!

મારા ખ્યાલ પ્રમાણે વેદોમાં ઈશ્વર નથી. ઈશ્વરનું સ્વરુપ કદાચ પછી આવ્યું છે. પણ દેવો તો હતા જ. સૌથી પ્રથમ ને સૌથી મોટો દેવ અગ્ની હતો. જે માનવને સૌથી વધુ સક્રીયતાથી મદદકર્તા હોય એને વંદન કરવામાં નાનમ શી હોઈ શકે ? માનવને જીવાડવામાં જે જે દેવો કામના હતા તે સૌને પુજવામાં તે સમયના માનવે કોઈ કસર છોડી નથી. ‘દેવોએ માનવને જે આપ્યું તે આંશીકરુપે તેને પ્રતીકાત્મકરુપે પાછું આપવાની’ ગીતાજીએ સુચવેલી પ્રણાલી – હોમવાના સમીધની – બહુ સૂચક હતી. આજે માતા પોતાના દીકરાને પાણીનો ગ્લાસ આપે તોય બાળકે થેંક્યુ કહેવાની ફેશન છે. જ્યારે જીવનભરના ઉપકારોનો બદલો હવનરુપે કેટલીક વનૌષધીઓની આહુતી આપીને દેવામાં આવે તો એને ન સમજવા જેટલી નાદાની કરવી ખરી ?

અને દરેક ધર્મ અને દરેક સંસ્કૃતીમાં સૌથી મોટી ને મહત્ત્વની વાત સમન્વયની હોય છે. પરસ્પરના સંબંધો અને સંબંધોમાંથી ફળીભુત થતી સુસંવાદીતા એ જ તો સમગ્ર પૃથ્વીને ટકાવનારી મુળભુત બાબત છે ! વીજ્ઞાને અવનવી શોધખોળો કરીને આપણને જે કાંઈ આપ્યું એનાથી સહેજ પણ ઓછાં અનીષ્ટો પણ આપ્યાં નથી શું ? ઈશ્વર કાંઈ વીજ્ઞાનનો વીરોધી નથી. ખરેખર તો ઈશ્વરના મુર્તરુપને આગળ કરવાની જરુર જ શી છે ? બ્રહ્માંડને બાળકના મોંમાં રમતું કોઈ માતા જુએ તો એને ચમત્કાર કહી દેવાની ઉતાવળ શા માટે ?! આ આખી વાત પ્રતીકાત્મકરુપે જોઈશું તો ઈશ્વરની કલ્પનાને કોઈ તર્ક સાંપડશે જરુર.

સમગ્ર બ્રહ્માંડનો બુકડો બોલાવી દે તેવી કોઈ શક્તી કે જેના વડે સમગ્ર વીશ્વનું સંચાલન થાય છે તે ગુરુત્વાકર્ષણ વગેરે જેવી શક્તીઓને જ ઈશ્વર માનવાનું મન કેમ નહીં થતું હોય ? માણસની દોડ માણસના સ્વરુપ સુધી જ દોડી શકે. એનો ભગવાન પણ પોતાના જેવો જ હોય ! બહુ બહુ તો એને હાથ હજાર હોય, ને માથાં એકથી વધુ હોય એટલું જ ! વીજ્ઞાનના હજાર નીયમોને જ ઈશ્વરરુપે જોવામાં મને તો કોઈ વાંધો આવે નહીં.

સમગ્ર બ્રહ્માંડમાં જે તત્ત્વ વીલસી રહ્યું છે તેને વીષે કેટકેટલું લખાયું છે ! જગતનો અંશ પણ ખાલી નથી. આખું જગત કોઈ એક તત્ત્વથી લબાલબ ભર્યું છે. તેને માટે નદીનો એક દાખલો મુકીશ. પાણી વીજળીના કરંટને તરત પસાર કરે છે. કોઈ મોટી નદીના મુખથી લઈને સાગરસંગમ સુધીના સમગ્ર પટને પસાર કરી શકે એટલી તાકતવર વીજળીનો એક છેડો નદીના મુખ પર રાખીને કરંટ મારવામાં આવે તો સાગર સુધી તે દઝાડી શકે કે નહીં ? કારણ કે નદી એના મુખથી લઈને સંગમ સુધીના આખા પટ પર એક સાથે, એક સમયે હોયછે. નદીનું આ હોવું આખા પટને લાગુ પડે છે. બ્રહ્માંડ આખું પણ આવી જ રીતે કોઈ અદીઠ પદારથથી લબાલબ ભરેલું છે…(આ હું એકલો નથી કહેતો પણ બધે તેવું કહેવાયું છે.)

થીયરી એવું કહે છે કે સુક્ષ્માતીસુક્ષ્મ કણો એક સાથે કણરુપ પણ હોય છે અને પ્રવાહરુપે પણ હોય છે !! વીજ્ઞાનને પણ આ બાબત આશ્ચર્યની લાગી છે ! પણ આપણે તો કણને સ્થળઅને પ્રવાહને સમયતરીકે સાથે સાથે જ જાણ્યા છે !! 

સમગ્રતાએ શું છે ? એ સમગ્રને સાચવનારાં કોણ કોણ છે ? હું અને આપણે સૌ આ સમગ્રનો એક ભાગ ખરાં કે નહીં ? આપણ સૌનું એક સાથે હોવું તે કોઈ ને કોઈ રીતે જોડનારું ખરું કે નહીં ? માટીનો કણ અને માનવીનો કણ; વળી હવાનો કણ ને કહેવાતા શુન્યાવકાશમાં પણ રહેલો કણ…આ બધાંની વચ્ચેને બધાંની અંદરજે વહી રહ્યું છે, ચકરાવા લઈ રહ્યું છે તેને સ્થળ અને કાળના વ્યક્તીગત અને સમષ્ટીગત સંદર્ભે જોવાનું વીજ્ઞાન અને ધર્મની મુળભુત થીયરીઓમાં લગભગ એક સરખી રીતે જ બતાવાયું હોય તેવું નથી લાગતું ?!

“શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી…..”

શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી,

થઈ જતી રખે અંધ વિયોગથી;

દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી

કર,  પ્રભાકરના  મનમાનીતા.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાંનો દ્રુત વીલંબીત છંદમાં રચાયેલો આ શ્લોક બહુ જાણીતો છે. કોઈ ‘એક વીશેષ’ના વીયોગથી વ્યથીત થઈ જવું માનવી માટે સહજ છે. અને એમાંય તે, તે વીશેષની જગ્યાએ અન્યને બેસાડવાનું તો એથીય અધીક અકારું હોય છે. સરસ્વતીચંદ્રની અવેજીમાં નવીનચંદ્રને સ્વીકારી લેવાની વાત ગોવર્ધનરામ ઉપરોક્ત શ્લોક દ્વારા મુકે છે.

રાત્રીના સ્વામી ચંદ્રની ગેરહાજરી કે વીદાયથી રજની (વીભાવરી)ને થનારા શોક માટે કહે છે કે, વીયોગથી તું અંધ ન બની જઈશ. જુઓ, અહીં શોક ન કરવાનું નથી કહ્યું પણ શોકમાં અંધ ન થઈ જવાનું કહેવાયું છે. કોઈની પણ વીદાય એ જીવનનો સ્વાભાવીક ક્રમ છે. બધું આપણા હાથની વાત નથી હોતું. ન ધારેલું– ન ઈચ્છેલું બને ત્યારે કદાચ વીહ્વળ થઈ જવાય; ક્યારેક માર્ગ ન સુઝે ને નીરાશા, નીર્વેદ વ્યાપી જાય તેમ પણ બને પરંતુ તેથી આગળ બાકી રહેલા જીવનમાર્ગને જોવા માટે જ આપેલાં ચક્ષુઓને બંધ કરી દેવાનો તો કોઈ જ અર્થ નથી ને ? સર્જકે મુકેલી કર્ણપ્રીય શબ્દાવલી માણો – ‘પ્રીય, રમ્ય વીભાવરી’ !!

છંદયોજના પણ કેવી મજાની છે ! આરંભના છ અક્ષરોમાં પાંચ લઘુ પછી એક જ ગુરુ અક્ષરથી એક વાતને – જરા અટકીને – ઝડપથી પસાર કરી દેવાય છે ને પછીના છ અક્ષરોમાં ત્રણ ગુરુ મુકીને શીખામણરુપે આવનારી વાતને વજન જાણે કે અપાયું છે !! દરેક પંક્તીમાં આ ક્રમ જોવા મળશે. પ્રથમ છ અક્ષરોમાં જે હકીકત બની કે બની રહી છે તેને ઝડપથી પસાર કરી દઈને હવે હાથ પર લેવાની વાતને ત્રણ ગુરુઓ દ્વારા ધીરેથી, ધ્યાન આપવા માટે જ જાણે કે રજુ કરાઈ છે !!

રાત્રીને કહેવાયું છે કે ચંદ્ર ગયો, તો તું ખુદ દીવસરુપ બની જા ! રાત્રી એ સ્વપ્નભુમી છે. સ્વપ્ન ખોટાં પડે; ધારેલું, સેવેલું, ઈચ્છેલું ચંદ્રરુપી ભાગ્યદાતાની ગેરહાજરીને કારણે હાથ ન લાગે, હાથમાં ન આવે, ઈચ્છા પાર ન પડે ત્યારે જે કાંઈ આવી મળે તેને જ, આવનારા સમય માટેના આશીર્વાદ ગણી લઈને સ્વીકારી લેવું તે – ખાસ કરીને મહત્ત્વની સામાજીક વ્યક્તી માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.

રાત્રી દરમીયાન આપણને મળેલો સમય – ચંદ્ર હોય કે ન હોય – પુરો કરવાનો હોય છે. કારણ કે પછી તો દીવસ આવવાનો થશે. જાણેઅજાણે અહીં રાત અને દીવસને એકબીજાને અનુકુળ–અનુરુપ થઈને રહેવાની વાત સુચવાય છે.

ચંદ્રની જગ્યાએ સુર્ય, પ્રભાકરને મનમાનીતો બનાવવાનું આ સુચન વીધવાવીવાહને પણ સમજાવનારું બની રહે છે ! અહીં સુર્યને ‘પ્રભા–કર’ કહીને કેવું સરસ કામ લીધું છે ! કર ગ્રહીને એટલે કે કરગ્રહણ–લગ્ન કરીને, આ નવ અવતાર જાણે કે ધારણ કરવાની ક્રાંતીકર વાત સરસ રીતે મુકાઈ છે.

એવો જ એક બીજો શબ્દ ‘સુભગા’ જુઓ ! સુભગા એટલે સુંદર ઉપરાંત સૌભાગ્યવતી ! કુદરતે આંચકી લીધેલા રાત્રીના ભાગ્યને, રાત્રી તું ખુદ દીવસનું રુપ ધારણ કરીને સૌભાગ્ય મેળવી લે એ વાત ઉપમા–રુપકો દ્વારા કાવ્યમય બાનીમાં રજુ થઈ છે ! કારણ કે સૌ જાણીએ છીએ કે સુર્યના આવતાં તો રાત્રીનું અસ્તીત્વ જ રહેતું નથી ! સરસ્વતીચંદ્રના જવાથી કુમુદનો એક અવતાર જાણે કે પુરો થાય છે તો શું તેણે જીવ આપી દેવો ?

ના. જે લોકો કોઈ મોટું કાર્ય હાથ પર લેવા માગતા હોય તેણે પ્રતીકુળતામાં જીવનનું બલીદાન આપી દેવાનું હોય નહીં. એણે જુદા જ સ્વરુપે, જુદા જ સંજોગોમાં, જુદાં ને નવાં જ સાધનો દ્વારા પોતાના લક્ષ ભણી આગેકુચ કરવી જ રહી !! ચંદ્ર હોય કે પ્રભાકર હોય – એ બન્ને તો સમગ્ર બ્રહ્માંડનાં રમકડાં જ છે. બીજી રીતે કહીએ તો તેઓ જીવનપોષણ માટેનાં સંસાધનો માત્ર છે. એનો ઉપયોગ જીવનકાર્યો માટે, ભલે ને એકની અવેજીમાં બીજા દ્વારા, પણ કરવો પડે તો તેમ કરવાનું સાવ સહજ ગણી લેવું રહે. એને મનમાનીતું સાધન બનાવીને જ આગળ વધવાનું હોય – અટકી પડવાનું કે વીલીન થઈ જવાનુ આવા ખમતીધરોને ન જ પોસાય !

– જુગલકીશોર.

એક પત્ની–પ્રેમ–પંક્તીનો આ સ્વાદ !

“કરીએ છ પ્રેમ કેટલો તમને, ખબર નથી;

જાણું, ન જીવી શકતો તમારા વિના કદી !” 

– અજ્ઞાત

 

સામાન્ય રીતે કાવ્યસર્જકો તો પોતાને મન–મગજમાં જે આવ્યું તે કાગળ પર ઉતારી મુકતા હોય છે. એમનું કામ સર્જવાનું. (કેટલાકો એમાં મઠારકામ કરીને મુકતા હોય છે તો કેટલાકો તે કામને જરુરી ન ગણીને જેમનું તેમ મુકી દે છે….)

કાવ્ય વાચક સમક્ષ આવે, ખાસ કરીને વીવેચક પાસે આવે પછી એનું અર્થાનર્થ ઘટન (એટલે કે અર્થ–અનર્થઘટન) થતું હોય છે. સામાન્ય રીતે કાવ્યના શબ્દોની ત્રણ શક્તીઓ કહી છે. અભીધા, લક્ષણા અને વ્યંજના. અભીધા એટલે શબ્દપંક્તીનો પહેલો, સહેલો ને સામે જ દેખાતો અર્થ; લક્ષણા એટલે પંક્તીના શબ્દો ચીલાચાલુ અર્થ ન આપે પણ આપણે સમજી લેવાનો તે અને વ્યંજના એટલે પંક્તીશબ્દોમાંથી વાચકની તાકાત (!) પ્રમાણે નીકળતા પણ તર્કબદ્ધ હોવાની શરતે મળતા અનેક અર્થો !

ઉપરોક્ત પંક્તીઓમાં સાધારણતયા હોય છે તેવો પત્નીપ્રેમના અતીરેકનો ભાવ પ્રગટ થયો છે. “તમારા વન્યા હું નૈં રહી શકું !” આટલામાં પતાવી દીધું હોત તો ચાલેત પણ સર્જક થોડું છાશમાં પાણી રેડીને ચોખવટ કરે છે કે, તમારા માટેનો અમારો પ્રેમ (આવા પ્રસંગે બન્નેઉ માટે માનાર્થે આપણે બહુવચન વાપરવાનાં હોય તે વાચકની જાણ સારુ…) કેટલો છે તે અમે – એટલે કે હું જાણતા નથી….કેટલો એ શબ્દનો અર્થ સ્પષ્ટ થતો નથી. કેટલો તે વજનમાં માપવાનો છે કે અન્યથા તે સર્જક  જાણે પણ એ ભાઈને પોતાના પત્નીપ્રેમના પ્રમાણની ખબર નથી એ નક્કી.

આપણે એટલે કે વાચકોએ શું સમજવાનું ?

અને જેને સંબોધીને આ લીટી લંબાઈ છે તે “સામેવાળાં”એ (શ્રીમતીજીએ) શું સમજવાનું ?

બીજા સવાલની માથાકુટ કાવ્યભાવન કરનાર એટલે કે ભાવકે, એટલે કે વાચકે કરવાની રહેતી નથી. એના એટલે કે પેલા “આ તરફવાળા” ભાઈના પ્રેમના માપની ચીંતા સામાવાળા કરશે. 

હવે આપણે, એટલે કે આ લખનારે અને તમ વાંચનારે, આ બે ભાગમાં વેંચાયેલી એક લીટીનો વીચાર કાવ્યના આ(વા)સ્વાદ માટે કરવાનો રહે છે. તો –

કાવ્યપંક્તીનો પહેલો અર્થ તો આપણે જોઈ ગયા. હવે અમને એટલે કે આ લખનારને જે અર્થ સમજાણો તેની વાત કરતાં સુજે છે કે આ લીટીનો કોઈ ગુઢાર્થ છે એ નક્કી.

આ પંક્તીના સર્જનાર કહે છે કે તમારા તરફનો અમારો પ્રેમ – વજનમાં, લંબાઈમાં કે જથ્થામાં કેટલો છે તેની ખબર નથી તે સાચું પણ તેની જરુર પણ શી છે ?! જગતના કોઈ પ્રેમીએ કદી એને માપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો જાણ્યો છે ખરો ? (ગુજરાતીઓનો જાણીતો શબ્દપ્રયોગ “અમારે કેટલા ટકા ?” તે અહીં ઉપયોગી થાય તેમ નથી !) પરંતુ પ્રેમીનો જે અગાધ અથવા અમાપ પ્રેમ છે જ તેની ખાત્રી તો પંક્તીના બીજા ભાગનું વીચારજગત પામીએ તો જ ખબર પડે તેવું છે ! ભલે ને પ્રેમના માપની ખબર ન હોય, પણ તમારા વગર અમે જીવી જ ન શકીએ એ વાત જ અમારા અમર પ્રેમની સાબીતી આપે છે ! 

હવે રહી વાત આ ન જીવી શકવા બાબતની. આ અમર પ્રેમપંક્તીના અનેક અર્થો થઈ શકે છે. 

“જાણું, ન જીવી શકતો તમારા વિના કદી !”

આ કાવ્યની ઉત્તમતાની તો ખબર નથી પણ પ્રેમની ઉત્તમતા જાણવા માટે તો એની પાછળ રહેલા ગુઢાર્થને સમજવા મથવું જોઈએ ને ? બહુ ઉંડો વીચાર કર્યા પછી અમે જે અર્થ, કહું કે ગુઢાર્થ પામી શક્યા છીએ તે આટલો :

“ફેમીલી ડૉક્ટરે કાવ્યનાયકને બહારનું ખાવાની મનાઈ કરી હોઈ એના જીવવાનો બધો જ આધાર શ્રીમતીના હાથની રસોઈ પર જ અટકેલો છે. પરીણામે આ પંક્તીનો અન્વય કરીને લખીશું તો સ્પષ્ટ થશે કે

“જાણું, ન જીવી શકતો તમારા (રાંધેલા ભોજન) વીના કદી !”

મને લાગે છે કે સમગ્ર પંક્તીનો અર્થ, અનર્થ, ગુઢાર્થ, વ્યંગ્યાર્થ જે ગણો તે બધો ‘હવે’ સમજાઈ જવો જોઈએ.

અસ્તુ.

– જુગલકીશોર.

(કંઇ) કહેવાય નહીં !!

આ શ્હેર સજી શણગાર ઉભાં, ભરમાવી દે, કહેવાય નહીં;
એ  ઝૅર જીવનમાં કૅર  કદી વરતાવી  દે, કહેવાય  નહીં.

આ  ઝ્હેર ઑકતાં  શ્હેર કદી ભડકાવી  દે, કહેવાય  નહીં;
આ ઝૅર  આપણાં અંગોને  અભડાવી  દે, કહેવાય  નહીં !

આ  રસ્તે રસ્તે  રૅંકડીઓ, આ ગલીએ ગલીએ લારી પર
બણબણતાં નરનારી ને મૉત્ અપનાવી લે,કહેવાય નહીં !

આ  ફાસ્ટ-ફૂડનાં  ફળિયાંમાં,  આ  ઝંકફૂડની   ઝંઝામાં
આ ઘરનો રસ્તો  હોસ્પિટલ  બતલાવી દે, કહેવાય નહીં !

આ‘ગરમ’,‘નરમ’,ઠંડાંપીણાંની શોભિત બૉટલ રાહ જુએ-
જીવતાં જ મુખે જઇ ‘ગંદાં જળ’ પધરાવી દે,કહેવાય નહીં!

આ હોલીવૂડ, બોલીવૂડ,જૉલીવૂડ  ખીસ્સાને  ગમી ગયાં-
ખીસ્સું જ નથી, એનું જીવન કકળાવી દે, કહેવાય નહીં!

આ પરદા પરનાં સ્ટાર, રમતવીરોનું ધન છલકાતું રહે-
વાસ્તવ જીવનારાંને સ્વપ્ને  ટટળાવી દે, કહેવાય નહીં !

હું બ્લોગ સજાવી મારો, સૌના બ્લોગ  મૌનથી માણું છું;
ફરમાઇશ મઝબુરન કલમું પકડાવી  દે,કહેવાય નહીં !!  

– જુગલકીશોર

સાર્થ શબ્દ : શબદ–અક્ષરનાં રહસ્યો

વાચક !!

(મીશ્ર છંદ)

કાળું ડીબાંગ ત્યહીં આભનું પાટીયું, મહીં

તેજે ભર્યા અકળ તારકઅક્ષરો ઘણા;

પેખું, પરંતુ નહીં એનું રહસ્ય ઉકલે

ઉભો અવાચક બની રહું રે નીરક્ષર !

કોઈ અચાનક જરી પીઠ હાથ ફેરવે

અગમ્ય એ તારકઅક્ષરો તણી

રહસ્ય–ભાષા સમજાવવા મથે.

ઉંચા સ્વરે દસદીશેથી સુણાય શબ્દ

શબ્દાર્થ તોય સમજાય નહીં કશોય;

ઉંડાણથી ક્યહીંક કોઈ ધ્વની અચીંતો

સુણાય, ને પ્રગટ તુર્ત જ અર્થ શબ્દનો !

પામી રહું શબદ–અક્ષરનાં રહસ્યો !!

અનંત, ઉંડાણભર્યાં અ–શબ્દનું

રહસ્ય પામી શકું ના; ની:શબ્દ હું !

જુગલકીશોર

“વેળાના વાયરા”નો રસાસ્વાદ

 મૂળ રે વછોયાં અમે ઝાડવાં,
ડાળ રે વિનાનાં પીળાં પાન;
વેણ રે વિહોણી ઝીણી જીભડી,
કંઠમાં રૂંધાણાં ગરવાં ગાન;
વેળાના વાયા રે વેરી વાયરા.....
              અરવિંદ બારોટ.

– જુગલકીશોર

અરવિંદભાઈની રચનાઓમાં એમનો ભજનો સાથેનો લાંબો અનુભવ પ્રગટતો દેખાય છે. એમની રચનાઓમાં ઉડીને આંખે વળગતી બાબતોમાં –

૧) સાદા પણ તળપદા (અને એટલે જ કદાચ) બળુકા શબ્દો (વછોયાં, વિહોણાં, રૂંધાણાં, વેળા…),

૨) વાચકને ગાવા પ્રેરે તેવો લય,

૩) ભાવને પ્રગટ કરવા પ્રયોજાયેલા શબ્દોની સાર્થકતા અને મને સૌથી વધુ ગમતી વાત તે –

૪) રચનામાંના ભાવને વ્યક્ત કરવા માટેની સહજ ગોઠવણી ! એમની રચનાઓમાં ભાવપ્રાગટ્ય ચોક્કસ ક્રમે થાય છે જે રચનાને શીથીલ થવા દેતું નથી. (સામાન્ય શીખાઉ એટલે કે રચનાના સ્વરુપ પ્રત્યે અજાણ રહીને લખાણને પ્રગટ કરી દેતા રચનાકારોમાં કેટલીક સ્વરુપગત શીથીલતા જોવા મળતી હોય છે.)  

ઉપરોક્ત રચના એક મુક્તક છે. એનો ઢાળ ભજનનો છે. એનો ભાવ નિરાશાનો છે; (છતાં કોઈ ફરીયાદ આ પંક્તીઓમાં નથી.)

આ કાવ્યની રજુઆત કરનાર કોઈ એક વ્યક્તી નથી; ‘અમે’ એ આખી રચનાનામાંના કર્તાઓ છે, કહો કે આ એક સમુહગાન છે, નીરાશાનું, વીષાદનું.

મુળથી છુટાં પડી ગયેલાં ઝાડ, ડાળ વીનાનાં થઈ ગયેલાં પાન જેવી સ્થીતીમાં આવી પડેલાંઓની આ વાત છે. આ કોઈ દલીતોની એકલાની વાત નથી. સદીઓથી ચાલી આવતી પરંપરાના દાઝેલાંઓની એકલાની આ વાત નથી.

વેળાના, સમયના ઝંઝાવાતમાં સપડાઈને, વખતના ને વખાના માર્યાં જુદા પડી ગયેલાં, વીખુટાઈ ગયેલાં (ને છોડી દેવાયેલાં પણ ખરાં જ) એવાં તત્ત્વોની આ વાત છે. સર્જકે આ મુક્તકના નાનકડા કદમાં પણ ભાવને એવો ઘુંટ્યો છે કે એમાં રહેલો વીચાર મુખરીત થતો નથી ને તોય ભાવકને વીચારતો કરી મુકવા પ્રેરે છે.

પ્રથમ બે પંક્તીઓમાં વૃક્ષના પ્રતીકને આગળ કર્યું છે. નીરાશા–વીષાદના કારણરુપ “વેળાના વેરી વાયરા”ને છેલ્લે મુકીને સર્જકે કોઈના ઉપર જાણે કે દોષારોપણ કરવાનું ટાળ્યું છે ! ઝાડને મુળથી વછોયું કહ્યું અને પાનને પીળું કહીને “ડાળ વીનાનાં” છતાં વખતનાં માર્યાં કહીને પ્રથમમાં સમયના ઝંઝાવાતને અને બીજામાં સમયના વહેણને કારણરુપ ગણ્યું છે !

પછીની પંક્તીઓમાં સુર બદલાયો છે. 

“વેણ રે વિહોણી ઝીણી જીભડી” અને “કંઠમાં રૂંધાણાં ગરવાં ગાન” – આ પંક્તીઓ દ્વારા જીભ અને ગાનને આગળ કરીને વ્યક્તીના શરીરરુપી સામાજીક અંગનાં બે ઉપકરણોની અસહાયતા વર્ણવી છે ! સમાજનું એક અંગ એવી કોઈ પણ વ્યક્તી પોતાનું અસ્તીત્વ જીભ અને કંઠ દ્વારા પ્રગટ કરે છે. સમાજને પોતાની કોઈ ફરીયાદ કે પોતાનો કોઈ જીવનઆનંદ વ્યક્ત કરવા માટે જીભ અને કંઠનો સહારો હોય છે. અહીં જીભને વેણ એટલે કે બોલ વગરની બતાવીને ફરીયાદ પણ ન કરી શકવાની મજબુરી બતાવી છે તો પોતાના જીવનમાં હોવો જોઈતો આનંદ વ્યક્ત કરવા માટેનાં ગાણાંને કંઠમાં જ અટકી ગયાની વાત કહીને જીવનના અલભ્ય લાભરુપ ગાનને કંઠ સુધી આવીને – મન મારીને અટકી પડેલું દર્શાવ્યું છે !!

અહીં સહેજે જ વાચકને આપણી સામાજીક (અ)વ્યવસ્થા કે રાજકીય અન્યાયનો અણસાર આવે આવે ત્યાં જ સર્જકે અંતીમ પંક્તીમાં આ બધી વેદનાને ‘વેળાના વાયા એવા વેરી વાયરા’થી સર્જાએલી બતાવીને ‘વેળા’ અને એના વેરી ઝંઝાવાતને કારણભુત બનાવી દીધાં છે !

‘અમે’ શબ્દથી સમાજના વીષાદથી ઘેરાયેલા એવા એક વર્ગની વેદનાને વાચા આપતું આ મુક્તક કેટલું ભાવસભર છે ! ગણીગાંઠી પાંચ જ પંક્તીઓમાં સર્જકે જે પ્રગટ કર્યું છે તે મહાનીબંધમાં પણ ન સમાવી શકાય એવું છે. (કાવ્યપદારથ એ સાહીત્યનું કોઈ સાધારણ સ્વરુપ નથી તે વાત અહીં સીધી સમજાઈ જાય છે. ગમે તેવાં, વીચારનાં કે ભાવનાં ગતકડાં ગોઠવી દેવાથી આ પદારથ સીદ્ધ થતો નથી. કાવ્યનું સર્જન સાધના માગી લે છે. તે વાત આ નાનકડું મુક્તક આપણને સમજાવે છે.)

હવે જોઈએ કેટલીક બાહ્ય બાબતો.

સર્જકે આ કાવ્યમાં વ્યક્તીને સમાજથી કપાઈ ગયેલો બતાવવા માટે જે વીશેષણો વાપર્યાં છે તે જુઓ : ચાર પંક્તીમાં એકના એક વીશેષણને બદલે દરેક માટે અલગ અને બહુ ભારજલો શબ્દ પ્રયોજ્યો છે !

મુળથી ‘વિછોયાં’, ડાળ ‘વિનાનાં’, વેણ ‘વિહોણી’ અને કંઠમાં ‘રૂંધાણાં’–રૂંધાયેલાં…..(રૂંધાણા શબ્દ અહીં ક્રીયાપદ નથી.)  

પાંચ પંક્તીની આ રચનામાં, પાંચેયમાં, તેમણે વર્ણનાં આવર્તનો બતાવ્યાં છે.

 ‘ડાળ રે વિનાનાં પીળાં પાન’માં ‘પ’; ‘વેણ રે વિહોણી ઝીણી જીભડી’માં વ અને જ–ઝ; ‘કંઠમાં રૂંધાણાં ગરવાં ગાન’માં ગ તથા ‘વેળાના વાયા રે વેરી વાયરા…..’માં તો પંક્તીના બધા ચારેય શબ્દોમાં વનું જ વર્ચસ્વ !!

એક ઝીણી વીગત પણ નોંધવા રેખી છે !

સામાન્ય રીતે ગાનસ્વરુપ (ગીત)માં ત્રણ પંક્તીઓની એક કડી હોય છે. આમાંની પ્રથમ કડીને વચ્ચે વીરામ આપીને પંક્તીના બે ભાગ કરવામાં આવે છે. (છંદમાં એને યતિ કહે છે.) આ રીતે બે પંક્તીના વીરામને કારણે ચાર ભાગ પડી જાય છે.

જ્યારે ત્રીજી (હવે તેને પાંચમી પણ કહી શકાય) પંક્તીએ કડી પુરી થતી હોવાથી તેને ગીતના મુખડા (ધ્રુવપંક્તી)ના પ્રાસથી જોડીને મુળ વાત સાથે અનુસંધાન કરાય છે. (આ એક એવી વ્યવસ્થા છે જેને કારણે સર્જક મુળ ભાવ કે વીચારથી બહુ આઘોપાછો થઈ શકતો નથી !! ગીતમાં ભાવ કે વીચારની ગોઠવણી કે એનો પ્રાગટ્યક્રમ આ વ્યવસ્થાને કારણે જળવાઈ રહે છે. સર્જકની આ પણ એક કસોટી છે જેનો ઉકેલ આ ત્રીજી પંક્તીના ધ્રુવપંક્તી સાથેના પ્રાસ દ્વારા સર્જકને મળી રહે છે – જો દાનત હોય તો !!)

(કડીની પ્રથમ બે પંક્તીના ચાર ભાગ બતાવાયા છતાં તે બન્ને ભાગ એક જ છે તેનું ધ્યાન રહે તે માટે પંક્તીનો પુર્વાર્ધ અલ્પવીરામ વડે અને ઉત્તરાર્ધને અર્ધવીરામ દ્વારા છુટો બતાવાય છે…જેનું ઉદાહરણ આ મુક્તક પુરું  પાડે છે. જુઓ, ‘મૂળ રે વછોયાં અમે ઝાડવાં’, અહીં અલ્પવીરામ છે અને ‘ડાળ રે વિનાનાં પીળાં પાન’ પછી અર્ધવીરામ છે. એ જ રીતે “વેણ રે વિહોણી ઝીણી જીભડી, કંઠમાં રૂંધાણાં ગરવાં ગાન”માં  પણ એ જ યોજના થઈ છે.

શ્રી અરવિંદભાઈનું આ મુક્તક મને પહેલાં તો એમના કોઈ ગીતની એક કડી હશે તેમ લાગેલું. પરંતુ સ્વતંત્ર મુક્તકરુપેય તે કેટલું સઘન (ઇન્ટેક્ટ) છે ! આટલી ઓછી પંક્તીઓમાં ભાવને એમણે કેવો ઘુંટ્યો છે !! મુક્તકની આ જ તો વીશેષતા છે. અને એટલે હવે વીચારીએ કે તો પછી હાઇકુ જેવા નાનકડા સ્વરુપનાં તો વખાણ કરીએ એટલાં ઓછાં જ ને ?!

લાઘવ એ બધાં જ કાવ્યસ્વરુપોનું અ–નીવાર્ય અંગ છે અને હાઇકુ, મુક્તક, ઉર્મીકાવ્ય વગેરેમાં તો એ ખાસમ્ ખાસ !!

અસ્તુ.

(તા. ૧૭, ૦૭, ૧૯.)

ઝાઝું આકાશમાર્ગે …

સાર્થ શબ્દ – ૯  (ન. પ્ર. બુચનું એક સમશ્લોકી મુક્તક)

નોંધ : પુરેપુરું તો યાદ નથી પણ કાલીદાસના મહાકાવ્ય શાકુંતલમાં વનમાં દોડાદોડી કરતાં હરણાંનું વર્ણન આવે છે. હરણ જ્યારે દોડતું હોય ત્યારે સમયની દૃષ્ટીએ જમીન પર એક ક્ષણ પુરતું અડકીને પછી હવામાં થોડો વધુ સમય રહેતાં હોય તેવું લાગે…..કાલીદાસની પંક્તીઓમાં આ વર્ણન બહુ સુંદર છે.જયારે શીકારી પક્ષીઓ તો વધુ વખત આકાશમાં જ હોય છે…..

પ્રતીકાવ્યો માટે જાણીતા આપણા પ્રસીદ્ધ હાસ્યલેખક ન.પ્ર.બુચ દ્વારા રાજકારણના નેતાઓ માટે દાયકાઓ પહેલાં લખાયેલું એક મુક્તક મને એમના તા. ૧૬, ૯, ૧૯૬૯ના રોજ એમણે લખેલા પત્રમાં મળેલું. હવાઈ મુસાફરી વગર ચાલી જ ન શકે એવા આ સમયના રાજકીય પક્ષીઓને માટે લખાયલા આ મુક્તકનો આસ્વાદ (કોઈ પણ રાજકારણ વચ્ચે લાવ્યા વીના)  લઈશું ?  †

 

મહાન સર્જક દ્વારા રચાયેલા કોઈ મુક્તકને આધુનીક સમય સાથે જોડી આપનારી આ શબ્દરચના કેટલી સાર્થ છે !

– જુ.

––––––––––––––––––––––––––––––––––––––– –––––

ભારતીય રાજપક્ષીઓ

પ્હોંચે ઉદ્ ઘાટનાર્થે નિત નિત સઘળે દેશને કોણકોણે,

માસે માસે ઊડન્તા મિષ લવ મળતાં પ્લેનપંથે વિદેશે;

રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી

ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.

સાર્થ શબ્દ – ૭

ફેસબુકીયમ્ !

નોંધ : ફેસબક પર અવારનવાર એકબેઠકે લખાઈ જતાં કેટલાંક જોડકણાંની પોસ્ટ બનાવીને તેને કેટેગરીવાઇઝ સંઘરી દેવા માટેની આ એક રસમ ગણીને વાંચવા ભલામણ છે.

સૌની માલીકી તણો એ શબ્દકોશી શબ્દ
આવી મારા કાવ્યમાં, મારો બની રહ્યો ! 
=========

અક્ષરો ભેળા થઈને શબ્દમાં,
અર્થ દઈ સાર્થક કરે છે શબ્દને;
માનવી ભેળા થઈને દેશમાં;
દેશને વહેંચે છ ભાષાવેષમાં !!

=============

શબ્દને અર્થો મળે કૈં કેટલા !

અર્થને માટે શબદ પણ કેટલા !!

=============

માનવીને અર્થજીવનઅર્થ છે;

નાણુંએક જ માત્ર એનો અર્થ છે !!


=============================

શબ્દ તો આકાશ ઉડતું પંખીડું,
અર્થનું આકાશ એને સાંપડે;
કાવ્યમાં એને મઢી, હું આપણી
ગુર્જરી વાણી અલંકારીત કરું !

=============

અર્થના વાઘા પહેરી શોભતો
શબ્દ રુડો લાગતો શો કાનજી !
કાનજીને, મારી રચનામાં લઉં,
વિશ્વભરમાં ગુર્જરી દૌં માન જી !!

===========

યોગાનુયોગ !!

 સાહીત્ય પછીનો મારો ગમતો વીષય સંગીત છે – શાસ્ત્રીય સંગીત.

કોણ જાણે કેમ પણ ઉત્તમ કાવ્યના પઠનમાં મારું ધ્યાન મોટે ભાગે શબ્દોથીય વધુ લય, સુર પર વધુ રહે છે ! જોકે પછીની તરતની બાબત જે હોય છે તે કાવ્યના છંદની કે જે લય સાથે જોડાયેલી હોવા ઉપરાંત કાવ્યના બાહ્યાંગ સાથે પણ જોડાયલી ગણાય.

આવી જ રીતે મારું ખેંચાણ મારા શિક્ષકો, અધ્યાપકો અને કેટલાક વીશેષ ગુરુજનો પ્રત્યે રહ્યું છે. માતાપીતા પછી એ સૌ મારા સૌથી વધુ આત્મીય રહ્યા છે. (માતાપીતા તથા કેટલાક સંબંધીઓ તરફ પણ મારું ખેંચાણ એમની સાથેના લોહીના સંબંધની જેટલું જ કદાચ એમની પાસેથી મળતું રહેલું શિક્ષણને કારણે હોય છે તે પણ એક વીશેષ બાબત ગણું છું !)

આટલી લાંબી પ્રસ્તાવના કર્યા પછી હવે હું આ લખાણના શીર્ષક પાસે આવું.

ગુરુજનો ને એમાંય સંગીત શીખવનાર એક આદરણીય ગુરુજીની એક વાત અહીં કહેવાનો ઉપક્રમ છે. ઉપરની પ્રસ્તાવના આના અનુસંધાને જરુરી હતી અને છે. (એક વાત કેટલીક માન્યતાઓની પણ કરવાની થશે જેને આકસ્મીક કહીને કોઈ પણ વાચક એક બાજુ ધકેલી દઈ શકે !)

તો લ્યો, હવે મુળ વાત પર આવી જ જઉં.

મારા સંગીતના જ શોખને પુરો કરવાના ભાગ રુપે મેં શાસ્ત્રીયસંગીત ખુબ સારી રીતે માણી શકાય એ માટે સાંભળવા માટેનું એક ઉપકરણ ખરીદ્યું. પાર્સલવાળો આવીને આપી ગયો એટલે બાળકની ભુમીકાએ આવી જઈને મેં એને ખોલ્યું. એમાંથી એ હેડફોન જેવું બહાર આવ્યું કે તરત જ – આમ જોવા જઈએ તો છેતરાયા તો નથી ને, એ ધારણાએ આપણે પાર્સલ ખોલતાં હોઈએ, પણ પણ મારે તો જલદીમાં જલદી એનો લાભ સંગીતનો કોઈ કાર્યક્રમ સાંભળવામાં કરવો હતો.

એક છેડો ફોનમાં ભરાવીને બીજી બાજુનાં બન્ને ધ્વનીવર્ધકોને કાને લગાડ્યાં. પછીનો તરતનો કાર્યક્રમ કોઈ સારો કાર્યક્રમ પસંદ કરવાનો હોય, ને હતો પણ. સહજ જ યુ ટ્યુબ ચાલુ કર્યું. સ્ક્રોલ કરતાં કરતાં પસંદગીનું કાંઈ આવે એટલે એને ક્લીક કરવાનું હતું……

પરંતુ –

સ્ક્રોલ કરવાની જરુર ન જ પડી અને પહેલો જ જે કાર્યક્રમ સામે આવ્યો તેણે જ આજનો આ આખો લેખ (કોઈ આને વાતનું વતેસર કહી શકે છે હોં !) લખવા માટે મને રોમાંચીત કરી દીધો !!

કોનો હતો એ કાર્યક્રમ ?

એનો જવાબ સાંભળતાં પહેલાં હજી એક વાર્તા આપે સાંભળવી પડશે ! (થાક્યા હો તો અટકી જવાની છુટ લેજો – ખોટું નહીં લાગે.)

વર્ષો પહેલાં જ્યારે ધાબા ઉપર વીસ ફુટનાં એન્ટેના લાગતાં હતાં તે દીવસોમાં મારે ત્યાં એક નવું – આમ તો સેકન્ડનું ટીવી આવ્યું હતું. હું જમવા બેઠલો. દરમ્યાન ટીવી લાવનાર એનું જોડાણ કરીને અમને બતાવવા માટે તૈયાર હતો. એણે ટીવી ચાલુય કર્યું. દુરદર્શન જ એ દીવસોમાં રીમોટવગું હતું.

કાર્યક્રમ પડદા પર ચાલુ થયો ત્યારે કૉળીયો હાથમાં લઈને મોંમા મુકવાનો સમયગાળો વીતતો હતો. પડદા પર મારું ધ્યાન નહોતું. જેવું ટીવી ચાલુ થયું કે કંઠ્યસંગીત પર આલાપ સંભળાયો……

ને, સાચ્ચે સાચ, કૉળીયો હાથમાં જ ઠઠ્યો રહ્યો !! અવાજ સાંભળીને મારાથી બોલાઈ ગયું, “અરે ! આ તો –”

બસ ! અહીં હવે બન્ને વાર્તાઓ – વર્ષો પહેલાંના એ નવા ટીવીના ઉદઘાટનરુપ સૌથી પ્રથમ કાર્યક્રમની તથા આજની હેડફોનના ઉદઘાટનરુપ સૌથી પ્રથમ સ્ક્રોલ થઈ ગયેલા કાર્યક્રમની વાર્તાઓ – ભેગી થઈને એક (મારા પુરતો ) રોમાંચક યોગાનુયોગ રજુ કરશે !

ફરી વાર, પેલો હમણાં જ પુછેલો સવાલ “કોનો હતો એ કાર્યક્રમ ?”

તો હા. એ બન્ને કાર્યક્રમો હતા મારા આદરણીય સંગીતગુરુજી મુ. વિઠ્ઠલદાસ બાપોદરાજીના !!!

ભાવપુર્વકના પ્રણામ સાથે આ યોગાનુયોગની વાર્તા !!

સાર્થ શબ્દ – ૬ (ઘેલો–ગવાળો–ગામડિયો–રોંચો)

સાર્થ શબ્દ – ૫ના લેખમાં ઘેલું શબ્દ લીધો ત્યારે શબ્દકોશે એને વળગેલા કેટલાક વધુ અર્થો આપેલા. ઘેલું એટલે ગાંડું તો ખરું જ પણ બે શબ્દપ્રયોગોમાં આ ગાંડપણ નવી અર્થછાયા આપે છે….જુઓ :

‘ઘેલું કરવું’ અને ‘ઘેલું લાગવું’ના અર્થો છે, નાદ લાગવો કે ધૂન લાગવી. આ અર્થો કંઈક અધ્યાત્મક્ષેત્રના બની રહે છે. સામાન્ય ગાંડપણમાં આ અધ્યાત્મનો રંગ ભળે એને નાદ કે ધૂન કહેવાય છે……જોકે રામકૃષ્ણ પરમહંસ જેવા તો નાદનેય ગાંડપણ સુધી લઈ આવે છે તે વળી જુદી વાત ગણાય ! (એવું ગાંડપણ માતાજી સૌને આપે !)

‘ઘેલાં કાઢવાં’ એવોય શબ્દપ્રયોગ તો છે જ પણ એમાં કશું નવું નથી. પરંતુ પાનાં ફેરવતાં ફેરવતાં એક શબ્દપ્રયોગ નવો મળ્યો. એ હતો, ‘ઘેલીનો ગવાળો’ !

ઘેલી તો સમજ્યા, પણ આ ગવાળો નવો હતો ! બતાવે છે, ગવાળો એટલે ‘સામાનનો ઢગલો કે કોથળો’. ફુવડ બાઈના ઘરની દશા જોઈને વપરાતો આ પ્રયોગ કેટલો સચોટ ચિતાર આપે છે !!

તો પછી થયું કે આ ગવાળો ક્યાંથી આવ્યો હશે ? પાનું ફેરવતાં જ ‘ગવાળાં’ શબ્દનો સંબંધ દેશ્ય શબ્દ गवारમાં મળ્યો, જેનો અર્થ ગમાર થાય છે ! અને ગવાળાં કોને કહે છે ?

ગ્રામ્યજનોને માટે છે, ગવાળાં એટલે ગામડિયા ! અને ‘ગમાર’ શબ્દના અર્થોમાં કોશ કહે છે, ગામડિયું, રોંચું !!

(શબ્દકોશોમાં કેટલાક ન ગમે એવા શબ્દો અને અર્થો આપવા પડે છે, જે આજે ગેરબંધારણીય કહેવાતા હોય. આવા શબ્દો ભાષામાં પ્રયોજાયા હોઈ કોશમાં તેને સ્થાન હોય છે.)

એક સામાજિક કે કૌટુંબિક વહેવારની વાત પણ યાદ આવી ગઈ !

ઘેલીનો કે ગાંડીનો શબ્દ નકારાત્મક ગણાય; તો ‘ડાહીનો’ શબ્દ હકારાત્મક ગણાય ખરો ? આમ જોવા જઈએ તો હકારાત્મક જ ગણાય પણ સમાજમાં એવું નથી હો ! નણંદબા એની ભોજાઈના છોકરાને ગાંડીનો કહી શકે પણ ભોજાઈ નણંદ કરતાં મોટી હોય તોય નણંદબાના છોકરાને ‘ડાહીનો થા મા’ એમ ન જ કહી શકે ! નણંદબાને ડાહ્યાં કહેવા હો તો કહો પણ એના પુત્રરત્નને ડાહ્યાં માતુશ્રીના પુત્રરત્નરૂપે ‘ડાહીનો’ ન જ કહેવાય !! એટલે કે અહીં એ શબ્દ નકારાત્મક ગણાય !! (આને શબ્દનું સમાજકારણ કહી શકાય !)   

નોંધ : ભાગ – ૫માં કૉમેન્ટકક્ષે સરયૂબહેને મારા રોયાની જેમ વપરાતો ‘મારા પિટ્યા’ શબ્દ બતાવ્યો છે. પણ મને થયું કે માતાના મોત પાછળ છોકરો રડે તે સમજાય પણ છોકરો કાંઈ છાતી પીટે નહીં. તો પિટ્યો શબ્દ કઈ રીતે આવી ગયો હશે ?

શું લાગે છે ?

– જુગલકિશોર.

સાર્થશબ્દ : ૫ (બે મીઠી ગાળો)

શબ્દકોશ પણ ક્યારેક ઉત્સવ બની રહે છે.

કોઈ એક શબ્દને સમજવા કોશના પાનાં મથીએ (મંથન કરવું શબ્દને મથવું શબ્દના અનેક અર્થો સાથે જોડીશું તો બીજો ખજાનો હાથ લાગી જશે હો !) ત્યાં એનો કોઈ સંબંધી શબ્દ આપણને લલચાવે. આપણે એનું પાનું ખોલીને બેસીએ એટલે એના અર્થતરંગો ઊભા થઈ જાય અને પછી તો સમય ક્યાં ગયો ખ્યાલ જ રહે !

જુઓ ને, કાલે એક દેશી ને મધુરી ગાળને માટે કોશનું પાનું ફંફોસ્યું તો ક્યાં ના ક્યાં જઈ ચડાયું ?!

એ ગાળ સામાન્ય રીતે વહાલથી અપાતી ગાળ છે. કોઈ છોકરું કાલું થાય ને મોટીબહેન કે બાની કને લટુડાપટુડા કરે ત્યારે મા કહેશે, “ઘેલ હાગરો થા મા !” (આ જ ગાળને વધુ તીવ્રતા તો ત્યારે મળે જ્યારે એ ગાળ છોકરાને બદલે એની માને લાગુ પાડવાની હોય : ઘેલ હાગરીનો થા મા.)

શું છે આ ઘેલહાગરાપણું ?

ઘેલ શબ્દ ઘેલું એટલે કે ગાંડું પરથી આવ્યો. કોઈને ‘ઘેલો’ કહેવાથી સંતોષ ન થાય ત્યારે ઘેલછાની કૉન્ટિટી – જથ્થો વધારી દેવો પડે ! હવે જથ્થાવાચક શબ્દ માટે દુનિયામાં સૌથી લાયક, મોટો શબ્દ દરિયો છે ! “ગાંડપણનો દરિયો” કાંઈ જામે નહીં એટલે દરિયાનો વૈકલ્પિક શબ્દ ‘સાગર’ લીધો : ઘેલસા*ગરો !!

વહાલપની ગાંડાઈને ‘જોખવા’ માટે આ ‘ઘેલહાગરો’ શબ્દનું ‘વજનિયું’ બરાબર માપનું હોય એમ નથી લાગતું ?! (‘જોખવું’ શબ્દ અહીં કેમ યાદ આવ્યો, એવું મને ન પૂછશો પાછા….ગાળ તો જોખીજોખીને જ અપાતી હોય છે ને !)

વાત નીકળી છે મીઠડી ગાળોની, તો હાલોને થોડી…ક બીજી કેટલીક ચોપડાવી** દઈએ :

માતાનો વહાલો છોકરો તોફાન કરે ત્યારે માતા દ્વારા અવારનવાર વાપરી બેસાતો શબ્દ છે, “મારા રોયા !”

કોઈને માટે રોવાની વાત હોય ત્યારે કોઈનું મરણ પણ અભિપ્રેત ગણાય ! કોણ કોને રોવાનું છે તે સ્પષ્ટ ન હોય ત્યારે મારા રોયા એમ કોઈ કહે ત્યારે મનમાં દર્દ થાય ! એક મા પોતાના પ્રાણપ્રિય બાળકને માટે આવો શબ્દ પ્રયોજે ત્યારે થવો જોઈતો સવાલ મનેય થયેલો એટલે મોટીબહેનને મારી કિશોરાવસ્થામાં મેં પૂછી જ નાખેલું, કે મા એના બાળકને માટે આવું કેમ ઇચ્છતી હશે ? બાળકને માટે પોતાને રડવું પડે એવી ગાળ તો શાપ કહેવાય ને ?!

ત્યારે મને જવાબ મળેલો કે આ શાપ નથી પણ માતાનું વહાલ છે ! માતા બાળકના મરણ માટે નહીં પણ પોતાના મરણને કારણે બાળકના રોવાની વાત કહે છે !! એટલે ‘મારા દ્વારા રોવાયેલા’ એમ નહીં પરંતુ ‘મારા માટે રોવાયેલા’ એવો અર્થ લેવાનો છે !! અર્થાત માતાના મરણ પાછળ રડીને માતા પ્રત્યેના પ્રેમને પ્રગટ કરતો દીકરો એમ ધારી લઈને, ભવિષ્યે પણ દીકરો માતાને માટે લાગણીભર્યો જ હશે – પત્નીથકો થયો હશે તો પણ !!

નોંધ : આ ‘રોયો’ વચ્ચે ન આવ્યો હોત તો મારે તો પેલી ઘેલહાગરી શબ્દલહરી આગળ વધારવી હતી ! પણ જવા દો, એ હાગર–મંથન હવે પછી ચાલુ કરીશું. શબ્દકોશના નાનકડા સાગરનાં પાનાંમાં ‘મથતાં રહેવા’ની એક મજા હોય છે. આ તો એક મોજું ઉછાળી જોયું…..મારા વાચકો એને આધારે પ્રતિઉછાળ / ‘આફ્ટરશોખ’ આપે છે કે નહીં તે જોવાનું રહે છે !!

અસ્તુ.

– જુગલકિશોર

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

*હવે, ગુજરાતીમાં ખૂબ જ વપરાતો ઉચ્ચાર જે સ અને હની વચમાં આવે છે તેને માટે આપણે ત્યાં લિપિચિહ્ન ન હોવાથી હ અથવા સ વાપરીને કામ ચલાવવું પડે છે……જોકે શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા ‘અકુપાર’માં લેખકે સની સાથે એક બિંદી મુકાવીને આ વચેટ ઉચ્ચારને લિપિ આપવાનો સફળ પ્રયત્ન કરીને કાઠિયાવાડી તથા સુરતી બોલીમાં અત્યંત વપરાતા એ ઉચ્ચારને યોગ્ય ન્યાય આપ્યો છે.

**ચોપડવું ક્રિયાપદને મેં ભલે ખોટી રીતે, પણ “ચોપડામાં ચીતરવું”રૂપે લઈને લેખરૂપી ચોપડીએ ચોટાડવું – ચોપડીએ ચડાવી દેવું – એવો મારા ખીસાનો અર્થ લીધો છે.  

સાર્થશબ્દ : ૪ (શબ્દની અ–શક્તિ !)

શબ્દ સાર્થ તો હોય છે પણ સાર્થક હોય છે ખરો ?

શબ્દની સાથે અર્થ જોડાયેલો હોય એટલે સાર્થ તો ખરો પણ એ શબ્દ એના હેતુ મુજબ પ્રત્યાયન (કૉમ્યુનિકેશન) કરી શક્યો છે ખરો ? કોઈ પણ શબ્દ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ન પહોંચે તો એને સાર્થક ગણાય ખરો ? શબ્દની સાર્થકતા એના અર્થનું પ્રત્યાયન કરવામાં છે તેથી આ સવાલનું મહત્ત્વ રહે છે.

શબ્દના અર્થને સામી જગ્યાએ યોગ્ય રીતે પહોંચાડવા માટેનાં બે મુખ્ય રસ્તા–માધ્યમો છે : લિપિ અને ધ્વનિ. શબ્દ (અક્ષરોનો સમૂહ) વાંચીને અને સાંભળીને સમજી શકાય છે; એનો અર્થ પામી શકાય છે.

પણ એક ત્રીજું માધ્યમ પણ છે શબ્દના અર્થને ગંતવ્યે પહોંચાડવા માટેનું; અને તે છે અભિનય. કેટલાક ટૂંકા સંદેશાઓ અભિનય (હાથની મુદ્રાઓ કે મોંના ભાવ) દ્વારા સામી વ્યક્તિને પહોંચાડી શકાય છે. જેમ કે ‘જાવ’, ‘આવો’, ‘શું કામ છે ?’ વગેરે બાબતોને મુદ્રા કે હાવભાવથી સમજાવી શકાય છે. (અભિનય, શિલ્પ કે સંગીત, ચિત્ર વગેરે કલામાધ્યમોથી પૂરેપૂરો સંદેશ પહોંચી જ જાય છે તે વાત સાચી માની શકાય નહીં !) એમ તો, જોકે, બોલાયેલો કે લખાયેલો શબ્દ પણ પૂરેપૂરો સામે કાંઠે પહોંચશે જ એનું ક્યાં નક્કી હોય છે !!

લગભગ પૂરપૂરો સંદેશો પહોચાડવા માટે તો લિપિ અને એ જ ઉચ્ચારોના ધ્વનિ જ સૌથી વધુ સફળ રહેતા હોય છે – રહી શકતા હોય છે.

પ્રત્યાયન એક માનવીથી બીજા માનવી સુધી શક્ય છે પણ તેમાં શરત એ જ રહે છે કે તે બન્ને જણાં ઉચ્ચારો અને લિપિ એકબીજાની સમજતા હોય. આવું શક્ય ન હોય ત્યાં અભિનય (એટલે કે હાવભાવ અને મુદ્રાઓ) મદદે આવે છે.

મુદ્દો તો એ પણ છે જ કે માનવી–માનવી વચ્ચેનું પ્રત્યાયન શક્ય છે તે જ રીતે માનવીનું પશુ–પંખી સાથેનું પણ કેટલુંક શક્ય છે. બલકે હોવું તો માનવી અને વનસ્પતિ વચ્ચે પણ ઘટે. કારણ કે એવું કહેવાય છે કે વનસ્પતિ માનવભાવને સમજી શકવા કંઈક અંશે સમર્થ છે. છતાં તે વળતાં, જવાબમાં પોતાનો ભાવ પ્રગટ કરી ન શકે તેથી તેને પ્રત્યાયન કહેવાય નહીં.

માનવી શબ્દાર્થ દ્વારા મુખ્યત્વે બે બાબત કૉમ્યુનિકેટ કરે છે : પોતાના ભાવો અને પોતાના વિચારો. આ બન્ને અનુક્રમે મન અને બુદ્ધિના વિષયો ગણાય. બીજી રીતે જોઈએ તો ભાવને શબ્દો હોતા નથી ને વિચારને શબ્દો હોય છે ! તેથી ભાવને વિચારની માફક સરળતાથી સામે પહોંચાડી શકાતા નથી કારણ કે તેને વ્યક્ત થવા માટે શબ્દરૂપ લેવું પડે છે. અને આ પ્રક્રિયા દરમિયાન મૂળ ભાવ શબ્દની કોઈ ને કોઈ નબળાઈ કે અ–શક્તિને કારણે પૂરો વ્યક્ત થઈ શકતો નથી.

સર્જક કહેવા માગતો હોય તે બધું શબ્દ દ્વારા પ્રગટ કરી શકતો નથી તેનું કારણ ભાવની સૂક્ષ્મતા સામે શબ્દની સ્થૂળતા છે. જનકપુરીના બગીચામાં રામ અને સીતાને ભેગાં કર્યાં છે પણ રામનું વર્ણન સીતા કરી શકતી નથી તેનું કારણ તુલસીદાસે સરસ આપ્યું છે :

“ગિરા અનયન, નયન બિનું બાની !!”

રામનું વર્ણન કરવાની શક્તિ જીભ (વાણી) પાસે છે પણ તેણે જોયું  નથી, અને જેણે જોયું છે તે આંખ પાસે વાણી નથી !!

આ જ બાબત કવિને કનડતી હોય છે ! કહેવું તો ઘણું છે પણ એને માટે જરૂરી શબ્દશક્તિ નથી. શબ્દો તો કોશમાં ઘણા છે પણ એને સુપેરે પ્રયોજવાની શક્તિ (આવડત), ક્યારેક ધીરજ, ક્યારેક દાનત હોતી નથી !

અસ્તુ.

– જુગલકિશોર

સાર્થ શબ્દ : ૩ મોરનો “થનગાટ” કે “થનગનાટ” ?

હમણાં હમણાં “મોરનો થનગાટ” શબ્દપ્રયોગ વારંવાર સાંભળવા મળતો હોઈને શબ્દકોશો ફંફોસ્યા. ક્યાંય ‘થનગાટ’ શબ્દ મળ્યો નહીં.

થનગનાટ શબ્દ તો બહુ જાણીતો છે. થનથન કે થનક જેવા શબ્દો નૃત્ય સાથે સંકળાયેલા રહ્યા છે. પગમાં ઝાંઝરી પહેરેલું બાળક ચાલે ત્યારે આ શબ્દો વપરાતા રહે છે. થનથન અને થનક શબ્દોમાં જે રવ છે તે અહીં સાર્થક બને છે.

ચીલાચાલુ અર્થમાં મોર જોકે નૃત્ય કરતો હોતો નથી. તે કળા કરીને પછી કેવળ ચકરડી ફરતો રહે છે. પણ થોડીથોડી વારે કળા કરેલાં પીંછાંને થરથરાવે  છે જેનો એક વીશેષ ધ્વની હોય છે. આ ધ્વનીમાં પણ થનથન, થનક કે થનથનાટ કહી શકાય તેવો રવ તો નથી જ હોતો. મોરની કળા એ પોતે જ નૃત્યની એક ભંગીમા છે. એ એક મજાનું ચીત્ર છે. એટલે મોરનું નૃત્ય એની આ કલામય પ્રવૃત્તીને સાર્થક કરે છે.

મોરનો ટહુકાર અને કોયલનું કુહુ પ્રબળ ધ્વની સાથે પ્રગટે છે. એ ધ્વની તાકાતભર્યો હોય છે. છતાં એમાં જે રણકાર અને  એક મજાનો લય હોય છે તે કાવ્યોનો વીષય બની શક્યો છે.

પરંતુ “થનગાટ” શબ્દ તો જરાય કાવ્યમય નથી. એમાં ગકારનું દીર્ઘ આકારત્વ અને ‘ટ’માંના માધુર્યના અભાવને કારણે પણ થનગાટ શબ્દ જચતો નથી. થનગનાટ શબ્દમાં ‘ના’માં રહેલું નાસીક્ય આગળના ગને તથા પછીના ટને સહ્ય બનાવે છે.

ને “થનગાટ” તો વળી શબ્દકોશે દેખાયો પણ નથી ! (કોઈને મળે તો મોકલવા વીનંતી છે.)

જુ.

સાર્થ શબ્દ – ૨

બે સરખી લાગતી કહેવતો વચ્ચે –

૧) ઊંટ મરે તો (ય) મારવાડ ભણી જુએ

૨) ધૂણતો ભૂવો નાળિયેર ઘર ભણી ફેંકે

––––––––––––––––––––––––––––––––––––––––

બન્નેમાં ભાવ તો એક જ છે, સ્વાર્થનો.

બન્નેમાં પોતાના પ્રત્યેની માયા–મમતા–લાલસા જણાય છે. તો પછી ભેદ ક્યાં છે ?!

કોઈ વાચકમિત્રોમાંથી સમજાવે તો મજો પડી રહે.

સાર્થ શબ્દ

અર્થ સાથેનો શબ્દ.

અર્થ વગરનો શબ્દ હોય ખરો ? સવાલ તો મજાનો છે !

કેટલાક તો શબ્દ ન કહેવાય તોય અર્થ ધરાવતા હોય છે, જેમ કે કેટલાક ધ્વનિઓ. ખોંખારાને લિપિબદ્ધ કરવા માટે સગવડ નથી તોય તેના અર્થો હોય છે. કેટલાક ઉચ્ચારો આનંદ કે શોક કે ક્રોધ દર્શાવનારા હોય છે; એને અર્થ હોય છે પણ વંચાવવા માટે તેને માટે કોઈ લોપિચિહ્ન હોતું નથી. ફક્ત ધ્વનિ મારફતે તે કોઈ અર્થ બતાવી દે છે !

શબ્દનો એક અર્થ થાય છે ‘અવાજ’. “ત્યાં શબ્દ થયો” (ઉ.જો.)

અવાજ એટલે ધ્વનિ. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ધ્વનિ નામક એક મોટો સિદ્ધાંત છે. કહો કે સંપ્રદાય છે. શાંત સરોવરમાં કાંકરી પડે ને જેમ પાણીમાં વર્તુળો પ્રગટે તે જ રીતે ઉત્તમ સાહિત્યમાંના શબ્દો એક કરતાં વધુ અર્થો આપે છે. ઉત્તમ કાવ્યરચનાની એ ખૂબી છે કે તેને વારંવાર વાંચીએ તો દર વખતે નવા નવા અર્થો આપે છે. આને કાવ્યશબ્દનો ધ્વનિ કહે છે.

શબ્દને અર્થ મળે ત્યારે તેમાં ઉમેરાતું ‘સહિતત્ત્વ’ મહત્ત્વનું બને છે. એટલે જ તો કહેવાયું છે ને, “शब्दार्थौ सहितौ काव्यम्”

“શબ્દને અર્થ મળે” એ વાક્યનેય બીજો અર્થ મળી ગયો, લો બોલો !

કોઈ સાહિત્યકારના શબ્દને સામયિકમાં, પુસ્તકમાં, વ્યાખ્યાનમાં સ્થાન મળે ત્યારે પુરસ્કારરૂપે એને અર્થ (નાણું !) પણ મળે છે !!

હવે અહીંથી પાછા “ચાર ઘર વળતાં” આ લખાણના પહેલા સવાલ તરફ જઈએ : અર્થ વગરનો શબ્દ હોય ખરો ?

હા, કોઈ સર્જક કેવળ શોભા ખાતર, કે અણઆવડતનો માર્યો સમજ્યા વિના પોતાની રચનામાં

કોઈ બિનજરૂરી શબ્દને ઠઠાડી દે છે ત્યારે એવા શબ્દનો કોઈ અર્થ હોતો નથી !

ને છેલ્લે લ્યો, આ છેલ્લા વાક્યના પછવાડાના ભાગનેય એક નવો અર્થ મળી ગયો ! જુઓ :

“કોઈ અર્થ ન હોવો” એ શબ્દપ્રયોગ આપણે વારંવાર કરીએ છીએ.

“જવા દો ને, એ તો બણગાં ફૂંકે છે; એના વચન (પ્રોમિસ)નો કોઈ અર્થ નથી.”

શબ્દના અર્થ અને અર્થનાય અર્થની વાતો તો મેંય ઘણી કરી અહીં ! છે કોઈ અર્થ, મારી આ બધી વાતોનો, ભલા ?!!

દૈનંદિની : ચાલીસેક વરસ પહેલાંની વાત

મોંઘેરાં મહેમાન : પીળક

      – જુગલકીશોર.

અમદાવાદમાં જીવરાજપાર્ક વીસ્તારમાં અમે રહેવા આવ્યાં ત્યારે સત્યનારાયણ સોસા.ની બાજુની સોસાયટીના મારા ઘરની હદને અડતા છેડે, અખીલેશ સોસાયટીના મકાનમાં ને અમારી દીવાલથી સાવ નજીક એક લીમડી હતી. જોતજોતામાં તે લીમડો બની ગયેલી. ને પછી તો બનતું આવ્યું છે એમ એના આશરે પક્ષીઓ રહેતાં થયેલાં. ઉનાળાની અધવચથી ચોમાસા મધ્યેય દીવસ–રાત ગામ ગજવતો રહેતો નર કોકીલ એની મુંગી ધરમપત્ની સાથે આવતો રહેતો. અડધી રાતેય એને સપનું આવે ને કુહુકવા મંડી પડતો.

પણ તોય એ કોકીલજોડીને મહેમાન કહેવાનું મન નો થાય. એ તો જાણે કુટંબનાં ધરાર સભ્યો.

પણ એક દી’ વહેલી સવારે સાવ અજાણ્યો ટહુકો સાંભળીને જાણે કોઈ ઓલ્યા ભવનું અનુસંધાન થતું હોય એમ કાનથી સીધો એ ટહુકો હૈયામાં ઉતરી જાતો અનુભવ્યો. એક, બે ને ત્રીજે ટહુકે તો પથારીમાંથી ક્યારે લીમડાની ડાળડાળ શોધતો થઈ ગયો, ખબર ન રહી. આંખો એક બાજુ આખા લીમડાની ઉલટ તપાસ કરવામાં પડી ને બીજી બાજુ કાન મારા સોળ સોળ વરસને વીંધીને ચોપડીમાં ‘વાંચેલા’ ટહુકાની સાથે આ ટહુકાને ગોઠવવા મથામણ કરે !!

રુપાવટી (ગારીયાધાર)ના નીવાસ દરમીયાન ૧૯૬૦માં મેટ્રીકની પરીક્ષામાં આઠમા અંગ્રેજી વીષયમાં નપાસ થઈને હું ઓક્ટોબરની તૈયારી કરતો. ગામની એક જ કબાટમાં સમાઈ ગયેલી લાયબ્રેરીમાં ગાંધીજીના ‘ધર્મમંથન’ વગેરે અનેક પુસ્તકો ભેળાં ગુજરાતનાં અને ભારતનાં પક્ષીઓ વીષયક પુસ્તકોય હતાં. એ પુસ્તકોએ પક્ષીરસ જગાડેલો. બ્લૅક–વ્હાઈટ છપાઈનાં એ પુસ્તકોમાં પક્ષીઓની સમૃદ્ધી સમાન એમનો રંગ તો ક્યાંથી પામું ? ને વર્ણનોમાંય એમના ટહુકાને વર્ણવતા શબ્દોમાં એ ટહુકાની મીઠાશ ક્યાંથી સાંભળવા મળવાની હતી ?! છતાં એ દીવસો બહુ જ ઉત્સાહના હતા. પક્ષીઓની કેટલીય જાતની ખુબીઓથી ભરેલાં વર્ણનો મનને ભરી દેનારાં હતાં.

એમાં મને બહુ જ આકર્ષી ગયેલાં બે પક્ષીઓમાં એક તે પક્ષીઓનો પટેલ ‘કાળીયો કોશી’ ને બીજો તે પીળક. પીળકનું વર્ણન – એની આંખ ફરતી કાળી પટ્ટી ને પાંખ પરનો કાળો પટ્ટો બાદ કરતાં આખું શરીર સોનેરી – વાંચીને તો હું મોહી જ પડેલો. એના ટહુકાનું વર્ણન ફક્ત ને ફક્ત વાંચવાથી જ સંતોષ લીધેલો !! અક્ષરોમાં તો એ ટહુકો કંઈક ‘પિલ્લોલો…પિલ્લોલો’ એટલું જ વંચાવતો હતો. અક્ષરોમાં વાંચેલા ટહુકાને કાનના માધ્યમથી સાંભળવા મળે તોય તેને આ ઈન્દ્રીય વ્યત્યયના ફેરફારોમાં ઓળખવાનું બનેય શી રીતે ?!! એનો નજરોનજર (ને કાનોકાન) સાક્ષાત્કાર થવાની તો કોઈ કરતાં કોઈ જ શક્યતા તે દીવસોમાં કલ્પેલી પણ નહીં.

તે દી’ સત્યનારાયણ સોસાયટીના ધાબે વહેલી સવારે જે ટહુકો સાંભળેલો તે આ પીળકીયા ભાઈબંધનો ને તેય આટઆટલે વરસે સાંભળવા મળશે એવી આશા તો શું, કલ્પનાયે ક્યાંથી કરી હોય ?! એક બાજુ હાંફળીફાંફળી આંખો એ નવતર પક્ષીને લીમડાની ઘટામાં શોધે ને બીજી બાજુ કાન મને સોળ વરસ પહેલાંના રુપાવટીએ ખેંચી જઈને કાંક સાવ હૈયે કોતરાઈ ગયેલી સ્મૃતીને ફંફોળીને લીમડા પરના ટહુકાનું અનુસંધાન કરવા મથે ! બધું જ ભુલી જઈને હું આમથી તેમ દોડ્યા કરું. (સારું હતું કે ધાબા પર કોઈ જાગતું નો’તુ. નહીંતર ગાંડો ગણી કાઢે તો નવાઈ ન લાગે તેવી મારી દોડાદોડ ને ખોળાખોળ હતી.)

કાન મને વાંચેલા શબ્દો અને આ ટહુકાનું અનુસંધાન કરાવી આપે તે પહેલાં તો મારી આંખ બધો જશ લઈ ગઈ ! ક્ષણ બે ક્ષણ પુરતો એક આકાર એને ભળાઈ ગયો. પીળો ધમરખ રંગ લીલાં પાંદડાંની વચ્ચોવચ ઝબકારો મારી ગયો. મારી આંખો ઘડીભર જાણે અજપાઈ ગઈ. કાબર જેવડું કદ જાણે સોને મઢ્યું હોય એવા સોનેરી વૈભવનું માલીક એ પંખીડું સોળ સોળ વરસ વીંધીને જાણે પેલી ચોપડીમાંથી ફફડાટ કરતું બહાર આવ્યું ! મારે આંખે–કાને–હૈયે આ સોનેરી રંગ, આંખનો કાળો પટ્ટો ને પાંખે શોભતી કાળી પટ્ટી ને વધારામાં પેલું ‘પિલ્લોલો ’!! હૈયું જ જાણે બોલી ઉઠ્યું, “અરે, આ તો પીળક !”

સોનપંખી !

પણ હું આનંદનો પોકાર કરું તે પહેલાં તો એક ને બદલે બે ફફડાટ લીમડાની વીદાય લઈ ગયા. હું તો કોઈએ વાંસામાં સોટી વીંઝી હોય તેવી વેદનાનો માર્યો સુમસામ બેસી પડેલો.

આખો દીવસ આનંદ અને શોકના મીશ્રણનો ગયો. હવે ? કાલે શું તેઓ આવશે ? આવેય ખરાં ને નયે આવે. પણ મન કહેતું હતું કે આટલે વરસે આવીને કોઈ કાંઈ આમ સાવ નઠોર તો ન જ થાય. તો બીજું મન આ ઈર્ રૅશનલ વીચારણાને હસતું હતું. સાંજે ધાબા પરની પથારીની દીશા બદલીને સુતાં.

બહુ વહેલાં આંખ ઉઘડી ગયેલી. એનો આશરે સમય થયો ત્યાં સુધી કદાચ પ્રાર્થનાઓય કરી હશે.

પણ તેઓ આવેલાં. એમના પહેલા જ ટહુકે હું તૈયાર થઈને શોધવા લાગેલો. પણ મારા નસીબે તેમણે આ વખતે સાવ સીધાં જ દર્શન દીધેલાં ! સીધું જ જોઈ શકાય એમ સાવ સામે બેસીને એણે પેલો મીઠો ટહુકો રવાના કર્યો…સૌંદર્યની સાક્ષાત્ મુર્તી ને ગાયનનો સમ્રાટ. હું અવાચક બનીને તુલસીદાસની પંક્તીઓ અનુભવી રહ્યો :

ગીરા અનયન, નયન બીનુ બાની !

( જીભને કહેવું છે પણ એણે જોયું નથી, ને આંખે જોયું છે તો એની પાસે વર્ણવવા માટે વાણી નથી !! )

સુવર્ણ–વૈભવી પંખી.

***   ***   ***

પછી તો બાજુની સોસાયટીવાળા એ મકાનના માલીકો બદલાતા રહ્યા, ને એક દીવસ લીમડો પણ ધરાશાયી થયો. લીમડાની વીદાય વસમી હતી કે પંખીઓના માળાનું વીંખાવું વસમું, એ સવાલ તો નીરુત્તર જ રહ્યો છે. વરસોનાં વાણાં વાયાં. જાતભાતનાં છોડ–ઝાડ ઉગ્યાં ને આથમ્યાં પણ એ લીમડો ને એ મહેમાનો ગયાં તે ગયાં.

હજી હમણાં, થોડા મહીના પહેલાં જ, મારા મીઠા લીમડાની જામેલી નાનકડી પણ ઘેઘુર ઘટામાં કોણ જાણે કોના મોકલ્યાં એ બે સોનેરી પંખીઓ ટહુકી ગયાં. મને થયું, હજી પણ આ આંગણું એમને સૌને આવવા લાયક છે; એમને નીમંત્રવા લાયક છે ખરું ! હજીય એ સૌને અહીં ટહુકી જવાનો ટૅસડો પડે એવી દાનત અમારામાં વસી છે ખરી.

નહીંતર ગયા ઉનાળે આ જ મીઠા લીમડે અત્યંત શરમાળ એવી કોયલ બેલડી હાથ લાંબો કરીને અડી શકાય એટલે છેટે આવીને ટહુકાની રમઝટ બોલાવી જાય ખરી ?!

–––––––––––––––––––––––––––––––––––––––––––

તા. ક. પંખીડાંનું માહાત્મ્ય દર્શાવતી બે રચનાઓમાંની એક અહીં આ લીંક:

https://jjkishor.wordpress.com/2007/03/20/ekokti-3/ સાથે છે અને બીજી રચના જમણી બાજુના વિડ્જેટમાં વાંચી શકાશે.

(ચીત્રસૌજન્ય : ગુગલ મહારાજ )

––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સર્જકની નિષ્ઠા – ભાગ (હા…શ) છેલ્લો !!

સર્જકની નિષ્ઠા બાબત મેં મૂકેલા પાંચેક પેટાસવાલોના જવાબરૂપ લખવા ધારેલાં લખાણોને ન લંબાવતાં આજે એક સાથે બાકીના બધા સવાલો – વાચક પ્રત્યેની, વિવેચક પ્રત્યેની તથા સર્જકની પોતાના વિચારસ્વાતંત્ર્ય અંગેની નિષ્ઠા / જવાબદારી – અંગે સંક્ષેપમાં જવાબ આપવા પ્રયત્ન કરીશ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

સ્વરૂપ અંગે :

સ્વરૂપનિષ્ઠાની વાત કરીએ તો સાહિત્યના જે સ્વરૂપમાં આપણું લખાણ મુકાતું હોય તે સ્વરૂપના નિયમો પળાવા જોઈએ તે વાત યાદ રાખવાની રહે છે. હાઇકુને એના નિયમો હોય, સૉનેટને એના નિયમો હોય અને નિબંધ કે ટૂંકી વાર્તાને સૌને એમના નિયમો હોય જ છે. ફક્ત ૧૪ પંક્તિ મૂકી દેવાથી સૉનેટ બની જતું નથી; પાંચ–સાત–પાંચ શબ્દોથી હાઇકુ સર્જાઈ જતું નથી. લાગણીઓને પંક્તિઓમાં ઠાલવી દેવાથી ઊર્મિકાવ્ય બનતું નથી કે કાફિયા–રદ્દીફને સાચવી લઈને બાકીનો મસાલો પંક્તિમાં ઠઠાડી દેવાથી ગઝલને પણ ન્યાય મળી જતો નથી.

ભાષા અને વ્યાકરણ બાબત અંગે :

સર્જક સિદ્ધહસ્ત હોય તો પણ એ ઉપરોક્ત નિયમોમાંથી છટકી શકતો નથી. કેટલીક છૂટછાટ સહ્ય હોય છે અને ભલભલા સાહિત્યકારોમાં નાનીમોટી ક્ષતિઓ રહી જ જતી હોય છે. છતાં છંદશુદ્ધિના દાખલારૂપ સંસ્કૃત રચનાઓમાં છંદની શુદ્ધિની કેટલી કાળજી લેવાતી હોય છે તે જાણવા જેવું છે. સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થો મળે છે અને એક અર્થ મેળવવા માટે ઢગલાબંધ શબ્દો તૈયાર જ હોય છે તેથી સંસ્કૃતકાવ્યોમાં લઘુગુરુની છૂટ લેવાનો વારો આવતો નથી….જ્યારે સુંદરમ્ ઉમાશંકર જેવાની રચનાઓમાં પણ છંદની અનેક છૂટ લેવાતી રહી છે.

દાયકાઓ પહેલાં પુસ્તક છપાય ત્યારે એકાદ પાનું શુદ્ધિપત્રકનું પણ છાપવામાં આવતું હતું. છેલ્લી ઘડીએ તપાસવાથી મળી આવેલી ભૂલોની યાદી પુસ્તકની શરૂઆતમાં જ મૂકવામાં આવતી હતી. હવે શુદ્ધિપત્રકોનો રિવાજ જ ઠામુકો ગયો છે બલકે જો એવું કરવા જાય તો કેટલાં બધાં પાનાં મૂકવાનાં થાય ?!

વાક્યરચનાની ભૂલો નિબંધમાં કે વાર્તાઓમાં કઈ રીતે ચલાવી શકાય ?! કાવ્યોમાં પણ કવિ પોતાને વ્યાકરણના નિયમોથી ઉપર ગણાવે તે ઠીક ગણાય ? આજે તો ભાષાભૂલોને ભૂલો જ ગણાતી નથી એવે સમયે ભાષાની ચિંતા કરવાનો જાણે કે અર્થ જ રહ્યો નથી.

પણ તેથી કરીને શું નવોદિત સર્જકે ભૂલો માટે સભાન રહેવાનું નહીં ?

વિવેચન બાબતે :

નેટજગતમાં રજૂ થતું સાહિત્ય કેવું છે; એને કોઈ સુધારણાની જરૂર છે; જરૂર હોય તો તે કોણ બતાવશે વગેરે બાબતે સિદ્ધહસ્ત સાહિત્યકારો–વિવેચકો નેટજગતને મદદરૂપ થતાં જોવા મળતા નથી. પરિણામે ક્ષતિઓ જેમની તેમ રહી જાય છે એટલું જ નહીં પણ પોતાના વર્તુળના મિત્રોની like નિશાનીઓ અને વાહવાહીને કારણે વિવેચનનાં ધોરણો જ નંદવાઈ જતાં અનુભવાય છે !!

સામાન્ય રીતે નવોદિતોની રચનામાં કોઈ ને કોઈ તત્ત્વ ધ્યાન ખેંચનારું તો હોય જ છે. એને ધ્યાનમાં લઈને સર્જકને પ્રોત્સાહન આપવું જ જોઈએ. પરંતુ સાથે સાથે એ રચનાની ક્ષતિઓને પણ જોવી જોઈએ…પરંતુ મિત્રો બધા કાંઈ વિવેચકો હોતા નથી. તેઓ તો રચનામાં રહેલી કોઈ મજાની વસ્તુને કારણે વાહ કહે તો તે સહજ છે. છતાં સર્જકનું પોતાનું “વિશાળ વાચન” અને એને આધારે “પોતાનામાં પણ છાને ખૂણે આવી બેઠેલા વિવેચક”ને સક્રિય કરવા જોઈએ ! પોતે જ પોતાની રચનાને તપાસતાં રહેવું જોઈએ. શ્રી ઉ.જો.ના એક લેખનું શીર્ષક જ હતું, “લખ, ભુંસ, ચૅક, છેર…” એમાં એમણે સાહિત્યના સર્જનની જોડાજોડ ચાલતી સુધારાની વિવેચનપ્રક્રિયાનો નિર્દેષ કર્યો છે ! શ્રી નિરંજન ભગતે તો માટલાને બન્ને બાજુથી સાચવીને ટીપતા કુંભારની કાળજીની વાત બે પંક્તિમાં સરસ સમજાવી છે :

“અરે, કહી ન કાવ્યને બગાડવું;

અહો ! કહી અહં નહીં જગાડવું.”

એટલે કે સર્જનના સમયે વચ્ચે વચ્ચે વિવેચક બનીને કાવ્યને સર્જતું અટકાવવું નહીં (પણ કાવ્ય રચાઈ જાય પછી તેને મઠારી શકાશે) એવી જ રીતે અહો ! કહીને પોતાના કાવ્યથી ફુલાઈ પણ ન જવું !!

સર્જકનું સર્જનસ્વાતંત્ર્ય :

 નવો નિશાળિયો હોય અને ખબર ન હોય તો છૂટવાના બેલ પહેલાં શાળા છોડે તે સમજાય પણ પોતે નવો છે એટલે દરરોજ એમ ભાગી જઈ ન શકે. નવોદિત સર્જક પોતે વાણીસ્વાતંત્ર્ય ધરાવતો હોવા માત્રથી કાવ્ય કે સાહિત્યના કોઈ પણ સ્વરૂપ સાથે ચેડાં ન કરી શકે. સારા–ઉત્તમ સાહિત્યનો અભ્યાસ કરવાની કોણ ના પાડે છે ? સારા સર્જકોની ટૅકનિક શીખવામાં ક્યાં પૈસા બેસે છે ? કોઈ સાચી સલાહ આપે તો લેવામાં કશું જ ખોટું નથી; બલકે સાહિત્યની અને માતૃભાષાની ખરી સેવા જ થવાની છે.

આજે તો માતૃભાષા બચાવવાનાં અભિયાનો ચાલે છે. માતૃભાષાના પ્રચાર–પ્રસારની ઝુંબેશ ચલાવાય છે. ક્યાંક ભાષા–સાહિત્યના સંવર્ધન માટે અનેકાનેક પ્રયોગો કરવા માટે સંસ્થા ચલાવવામાં આવે છે….આ બધું જ ઉત્તમ છે. આ બધી જ બાબતોને ટેકો આપવો જોઈએ. ટેકો આપનારા પણ ભાષા–સાહિત્યની સેવા જ કરે છે.

પરંતુ સાથે સાથે આ પ્રવૃત્તિ ચલાવનારાએ ભાષાશુદ્ધિ તરફ આંખ આડા કાન કરીને ક્ષતિઓને ચલાવી લેવી ન જ જોઈએ. ઢગલાબંધ છપાતી ઇબુકો આનું ઉત્તમ ઉદાહરણ છે ! આવાં પ્રકાશનો કરનારાંની હરીફાઈ જોખમી બની શકે છે. એમની પ્રગટ કરાયેલી ઇબુકોમાંની ભૂલો અધધધધ હોઈ અક્ષમ્ય ગણાવી જોઈએ.  

ક્ષમા કરજો, વાચકો ! મેં એક દિવસ, બસ એમ જ સવાલ પૂછી નાખ્યો – સર્જકની નિષ્ઠા બાબત !! એના કેટલાક જવાબો મળ્યાય ખરા. પણ માસ્તરજીવથી રહેવાયું નહીં, તે એ દરેક બાબતને મુદ્દો બનાવીને આ ચાર ભાગમાં લગરીક લાઉડ થિંકિંગ કરી દીધું !!

આનો આશય કોઈની ભૂલો બતાવવાનો હરગીજ નહોતો. માસ્તર છું. મારાં પોતાનાં સર્જનો –કાવ્ય, લેખ, નિબંધ, વાર્તા વગેરેને મેં ક્યારેય અપ ટુ માર્ક કહ્યા–ગણાવ્યા નથી. હું વિવેચક પણ નથી જ નથી.

છું, તો ફકત ને ફકત માસ્તર છું, બસ !

એટલે આ લખાણોને એ રીતે જ વાંચવા–સમજવા નમ્ર વિનંતી છે. 

અચ્યુતમ્…….!

સર્જકની સર્જકની કાવ્યવિષય પરત્વે નિષ્ઠા – ૩/a

વિષય તો બધી જ કલાઓમાં હોય છે. નાટ્ય, મહાકાવ્ય ને નવલકથા જેવા વિસ્તાર ધરાવતા સ્વરૂપોથી લઈને નાનામાં નાની કૃતિમાં કોઈ ને કોઈ વિષય–વસ્તુ, સબ્જેક્ટ–થીમનું હોવું સ્વાભાવિક છે. ઊર્મિકાવ્યોમાં પણ ભલે વિચારતત્ત્વનો અભાવ હોય પરંતુ કોઈ વિષય તો હોવાનો જ.

બીજી રીતે કહીએ તો સર્જક પોતાની કૃતિ (પછી તે નાટ્ય હોય કે શિલ્પ હોય, કે ચિત્ર કે નૃત્ય) દ્વારા જે કાંઈ કહેવા માગે છે તેને જ આપણે વિષય–વસ્તુ કહીને કામ ચલાવીશું.

ઘણી વાર એવું બને છે કે કોઈ લેખ આપણી સમક્ષ રજૂ થયો હોય પણ તે લખાણ એકધારું, ફકરો પાડ્યા વિનાનું ચીતરી માર્યું હોય ત્યારે વાચકને પૂરો સંદેશો મળતો નથી ! કોઈ પણ લખાણ, તે પછી ગદ્ય હોય કે પદ્ય, પણ તેમાંના વિષયને બરાબર વાચક સમક્ષ પૂરો પ્રગટ થવા દેવો હોય તો એને મૂળતત્ત્વના અલગ અલગ તબક્કે ફકરો પાડીને (પદ્યમાં અલગ કડી કે કંડિકારૂપે) જુદું પાડવું જોઈએ.

ફકરા પાડ્યા વિનાનાં લખાણોમાં વિષય–વસ્તુ જોઈએ તેટલા પ્રમાણમાં સ્ફુટ – પ્રગટ થઈ ન શકે. વાચક કોઈ તારણ પણ કાઢી ન શકે. તે વાત વિષયપ્રાગટ્ય માટે કહી.

સૉનેટમાં તો ભાવ કે વિચારના સ્પષ્ટ ભાગ પાડવાનું અનિવાર્ય હોય છે ! જૂની પ્રણાલી પ્રમાણે સૉનેટના આઠ અને છ પંક્તિઓના બે ભાગ પાડવા જ જોઈએ જેના દ્વારા ભાવ કે વિચારનો પલટો સ્પષ્ટ જોઈ શકાય. શેક્સ્પીરીઅન સૉનેટમાં ૪–૪–૪–૨ એવા ખંડો કે એવી કંડિકાઓ પાડવામાં આવે છે. આ વસ્તુ બતાવે છે કે વિષય પરત્વે સર્જકની જવાબદારી (આપણે એને નિષ્ઠા કહીશું) કેટલી હોય છે. ઉમાશંકરભાઈએ તો આ અંગે જે વાત કહી છે તે બીજી અનેક રીતે પણ આપણને ઉપયોગી હોઈ એને અહીં મૂકું…..

સૉનેટના કથયિતવ્ય (આપણે માટે અહીં ‘વિષય’)માં પોતામાં જ કંઈક વળાંક, મરોડ, ઊથલો, પલટો, ગુલાંટ જેવું હોય છે. એની ગેરહાજરીમાં કોઈ પણ કાવ્યકૃતિ સૉનેટ નામ માટે અધિકારી નથી….આવો સ્થૂળ કે સૂક્ષ્મ પલટો, જ્યાં ન હોય ત્યાં સૉનેટરચના સંભવી ન શકે….

સૉનેટને અંતે વિચારતરંગના વિલયને બદલે કોક વાર પ્રચંડ પછડાટ પણ હોય છે. તો પણ ઉપરના સાદૃશ્યનિરૂપણમાં સૉનેટરચનાના એક અત્યંત આવશ્યક એવા તત્ત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, અને એ તત્ત્વ તે તરંગની ગતિમાં પલટો, એટલે કે વિચાર કે ઊર્મિના નિરૂપણમાં વળાંક….

વિષયની સળંગસૂત્રતા કોઈ પણ લખાણમાં હોવી જરૂરી ગણાય. વિચાર કે ભાવને આડેધડ ફંગોળાય નહીં. સર્જક પોતે શું કહેવા માગે છે તેની તેને તો ખબર જ હોય છે પણ વાચક ગુંચવાઈ જાય એટલી હદે અસ્પષ્ટતા કે ક્લિષ્ટતા હોય ત્યારે તે કૃતિનું પ્રત્યાયન બરાબર થતું નથી.

ગદ્યલખાણોમાં તો મારી હંમેશની ફરિયાદ રહી છે કે ઘણા લેખકોનાં લખાણોમાં ફકરા પાડેલા હોતા નથી !! એવામાં વાચકે શું સમજવું ?! ઘણા પદ્યસર્જકમિત્રોને હું એમની કૃતિ માટે કહેતો રહ્યો છું કે તમારી કૃતિનો અન્વય કરીને જાતે જ તપાસી જુઓ કે તમારી રચનામાંનો વિષય સળંગસૂત્ર રહ્યો છે કે પછી ફંગોળાતો રહ્યો છે. અન્વય કરવાથી આ વાત બહુ સરળતાથી સમજી શકાય છે. મારા કેટલાક જ મિત્રોએ મને આ બાબતે સાથ આપ્યો છે.

એટલે સાહિત્યમાં વિષય પરત્વે સર્જકની નિષ્ઠા અંગે આજ પૂરતું આટલું બસ માનું છું. વિષય બાબતના આ લખાણમાં મારા વિચારો પણ ઉપરછલ્લા જ ગણું છું. આ એક પ્રકારનું લાઉડ થિંકિગ માનીને આગળ અન્ય બાબતે જઈશું.

આંગળી ચીંધ્યાનું પુણ્ય : પરિચય એક વિશિષ્ટ સંસ્થાનો !

પરિચય – એક પુસ્તકનો, પુસ્તકના લેખકનો અને પરિચય કરાવનાર એક જાગતલ ને જાણતલ સંસ્થાનો !!  

એકત્ર ફાઉન્ડેશન નામક સંસ્થા નેટજગતની મોંઘેરી પરબ છે. એનો આછો પરિચય આ લખાણને અંતે આપ્યો છે પણ તે પહેલાં એક લેખક – કવિ, નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક –નો પરિચય કરીને આપણે આજે નેટજગતના એક બહુમૂલ્ય પુસ્તકાલયમાં પ્રવેશ કરીશું !!  

તો ચાલો, વાંચીએ આજે શ્રી મણિલાલ હ. પટેલ અને તેમના એક ગ્રંથરત્ન “ભૂંસાતાં ગ્રામચિત્રો”ની એકત્ર ફાઉન્ડેશને કહેલી વાત, એમના જ શબ્દોમાં !
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 

“મુખ્યત્વે કવિ તરીકે જાણીતા મણિલાલ હ. પટેલ (જ. 9, નવેમ્બર 1949) એ ઉપરાંત નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક તરીકે પણ ખ્યાત થયા છે. પદ્મા વિનાના દેશમાં (1983) આદિ કાવ્યસંગ્રહો; વૃક્ષાલોક (1997) આદિ નિબંધસંગ્રહો; તરસઘર (19740) વગેરે નવલકથાઓ; બાપાનો છેલ્લો કાગળ (2001) વાર્તાસંગ્રહ; તરસ્યા મલકનો મેઘ (પન્નાલાલ પટેલ વિશે, 2007) એ ચરિત્ર તેમ જસર્જક રાવજી પટેલ (2004) વગેરે વિવેચન-પુસ્તકો – એમ બહોળું લેખનકાર્ય એમણે કર્યું છે. સતત સર્જન-અધ્યયન દ્વારા એક ધ્યાનાર્હ નિત્યલેખક તરીકે એ પ્રતિષ્ઠિત છે.દસમો દાયકો અને પરસ્પર જેવાં સામયિકોનું સંપાદન પણ એમણે કરેલું છે.  

ધનજી કાનજી સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર, સુરેશ જોષી નિબન્ધ પુરસ્કાર વગેરે ઘણાં પારિતોષિકો મેળવનાર મણિલાલનાં કવિતા-નિબંધ-નવલકથા-વાર્તામાં તળ જીવનની સંવેદના આકર્ષક સર્જકરૂપ પામી છે; પ્રકૃતિસૌંદર્યનો એમનો અનુરાગ સર્જનાત્મક આલેખનોમાં મહોરી રહેલો છે તથા કવિતામાં બદ્ધ વૃત્તો અને માત્રામેળો એમણે વિશદ પ્રવાહિતાથી આલેખ્યા છે – મણિલાલની સર્જકમુદ્રા રચવામાં આ ત્રણે ઘટકોનો મોટો ફાળો છે.   એમની સમગ્ર કરકિર્દી અભ્યાસી અદ્યાપક-લેખકની રહી – સ. પ. યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા પછી પણ એ લેખન-સમર્પિત રહ્યા છે.”  

કૃતિ-પરિચય : ભૂંસાતાં ગ્રામચિત્રો  

આ નિબંધોમાં એવા સ્મરણ-આલેખો છે જેમાં શહેરી સંસ્કૃતિના દાબ હેઠળ ઝડપથી બદલાયે જતા સમયમાં, લોપ પામતો કૃષિજીવન-મય ગ્રામ-સમાજ અને વન-પરિવેશ આબેહૂબ ઊઘડયો છે. લેખકે ગામ, ઘર, પડસાળ, ફળિયું, પાદર, સીમ, શેઢો, મેળો, લગ્નગીતો, પંખીલોક… એવાં શીર્ષકોવાળાં ટૂંકા લખાણોમાં એ ભૂંસાતાં ગ્રામ-ચિત્રોને અસરકારકતાથી આલેખ્યાં છે – લેખકે માણેલો ગ્રામલોક અહીં તંતોતંત ઊપસ્યો છે. એમાં અનુભવ-સંવેદન એટલું તીવ્ર અને જીવંત છે, અને ભાષા એવી પ્રાસાદિક અને કાવ્ય-સ્પર્શવાળી છે કે આ આલેખો ઝીણી વિગતોના દસ્તાવેજીકરણને પણ પ્રવાહિતા અને સુવાચ્યતા આપે છે.   આ નિબંધોમાં લેખકના અખૂટ વિસ્મયના આનંદ સાથે જ એ પ્રકૃતિમય ગ્રામજીવન વિલાઈ ગયાની, એના વિરૂપીકરણની, લેખકની વેદના પણ છે. ‘ગામ જવાની હઠ છોડી દે…‘ એ મણિલાલના જ કાવ્યનું સંવેદન આ ગદ્ય-આલેખોનું પણ એક મુખ્ય સંવેદન છે. પુસ્તકમાં એમણે ઠેકઠેકાણે કાવ્યપંક્તિઓ પણ ટાંકી છે. આવા આસ્વાદ્ય નિબંધો વાચકોને ગમશે.
                            – કર્તા અને કૃતિ પરિચય: રમણ સોની

પુસ્તકના પ્રથમ પ્રકરણ ‘ગામ’માંથી કેટલુંક

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારું ગામ! સોનારૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ. પણ મહીમાતાનાં પૂરે નંદવી નાખ્યું એને. ઊફરું ફળિયું ને વચલું ફળિયું, નવાં ઘરાં ને દોઢી, નીચું ફળિયું ને લુહારફળી, છાપરાં અને વાસ! ઓતરાદી નદી ને દખ્ખણમાં ડુંગર, ઉગમણી-આથમણી સીમ… પૂર થોડાં પૂછવા રહે છે કે ‘આવીએ?’ એ તો આવ્યાં ને નીચી ફળીને લેતાં ગયાં, લુહારફળીય તૂટી. પછી તો ટેકરીઓમાં સરકારી પ્લૉટ પડ્યા ને વસાહતો થઈ — ગામ વીખરાઈ ગયું. વધતુંઓછું પામ્યાની લાયમાં ગામલોકોનાં મન ઊંચાં થઈ ગયાં. જરાક ઈર્ષા હતી તે દ્વેષ બની. લોક મૂંગાં બન્યાં ને ઝેર બોલવા લાગ્યાં. પંચાયત ને મંડળી; ડેરી અને મંદિર: ફંડફાળા અને ચૂંટણીઓ. મારા ગામલોક વરવાં વર્તન કરવા લાગ્યાં. મને થાય છે કે જો આને જ ‘સુધરવું’ ને ‘પ્રગતિ’ કહેવાતાં હોય તો મને આજેય મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે ‘પછાત’ રહેવામાં વાંધો નથી. પડાળવાળાં, નળિયાંછાયાં ઘર અને મોકળાશવાળાં ફળિયાં, એ ચોરો ને પાદર, સીમ અને વહાલાં ઝાડવાં, ચઢવા બોલાવતો ડુંગર ને રમવા બોલાવતી ટેકરીઓ, નાહવા નિમંત્રણ દેતી મહીમાતા ને રોટલા માટે બરકતી બહેન — બસ, મને બીજી કશી વશ જોઈતી નથી! હે આથમવા જતી વીસમી સદી! મને આપી શકે તો મારું ગામ — હતું એવું અસલ ગામ — પાછું આપતી જા!!

‘બીજું હું કાંઈ ન માગું…’

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એકત્ર ફાઉન્ડેશન અને વાચનપ્રવૃત્તિઓ

‘એકત્ર’ મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. અમારો ભાવનામંત્ર છે : ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસારવી. આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકો ને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે. ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ’ અને ગૂગલે દુનિયાભરનાં અપ્રાપ્ય અને જૂનાં એવાં એક લાખ પુસ્તકોને સ્કેન કરીને વિનામૂલ્યે વાંચી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આ યોજનામાંથી પ્રેરણા લઇને ‘એકત્ર’એ ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં 200 વર્ષનાં પ્રશિષ્ટ અને રસપ્રદ પુસ્તકોને વીજાણુ-ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરમાં વસતા ગુજરાતી વાચકોને એમના મોબાઈલ પર, આઈપેડ પર, કૉમ્પ્યુટર પર સુલભ કરી આપવાનો એક સાહસિક સંકલ્પ કર્યો છે.

‘એકત્ર’માટે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો સુલભ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. સાહિત્યનાં હાલનાં પ્રકાશનો, તથા પૂર્વેનાં પ્રકાશનો હાથવગાં કરાવવાં છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. ડીજિટાઇઝ કરવા જેવાં કેટલાંક ગુજરાતી પુસ્તકોમાંથી કૉપીરાઈટ-મુક્ત – અને જે લેખકોની મંજૂરી મળી રહી છે તેમનાં પણ – જે જે પુસ્તકો તૈયાર થતાં જાય છે તેમ તેમ તેને વેબસાઈટ ઉપર મૂકતા જઈએ છીએ. આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ વીજાણુ પ્રકાશન-ebook-ના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ અહીંથી વાંચી શકશો.

પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે. પુસ્તકોની પસંદગી `ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ. તો, આવો. આપનું સ્વાગત છે ગમતાના ગુલાલથી…

Browse our library of free ebooks

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા..ટેકનોલોજીની મદદથી ગુજરાતી સાહિત્યનો પ્રસાર અને પ્રચાર કરવો એ એકત્ર ફાઉન્ડેશનનો હેતુ છે.Our mission is: “To preserve Gujarati literature and increase its audience through digitization.”

સર્જકની કાવ્યવિષય પરત્વે નિષ્ઠા – ૩

– જુગલકિશોર

નોંધ : કુંભાર દ્વારા ઉત્તમ કારીગરીરૂપ એવા માટલાના ઉદાહરણ દ્વારા કેટલીક વાતો ગયા બીજા અંકમાં કરી તેથી કેટલીક ગેરસમજો થયાનું ધ્યાને આવ્યું ! એટલે કેટલીક સ્પષ્ટતા જરૂરી હોઈ ત્રીજા હપતાના આરંભે કેટલુંક એ દિશામાં –

–––––––––––––––––––

કલામાં નાટ્ય, નૃત્ય, શિલ્પ, સંગીત અને ગદ્યપદ્યમાં રચાતું સાહિત્ય વગેરે મુખ્ય છે. જ્યારે

કારીગરીમાં કુંભાર, કડિયા, સુથાર, લુહાર, દરજી વગેરે વ્યાવસાયિકો દ્વારા સર્જાતી સામગ્રી બધી આવે છે.

કુંભાર ગમે તેવું સુંદર માટલું ઘડે પણ તેને કલાકૃતિ ગણાવાશે નહીં. કોઈ પ્રદર્શનમાં ઉત્તમ માટલાં રજૂ કરવામાં આવે અને તેને ખરીદીને કોઈ પોતાના ઘરમાં સુશોભન માટે મૂકે તેથી માટલું કલાકૃતિ ગણાય નહીં.

માટી, પથ્થર વગેરે જેવી સામગ્રી (ઉપાદાન)માંથી જ્યારે શિલ્પકૃતિ તૈયાર થાય છે ત્યારે તેમાં કારીગરીથી ઉપર જઈને એક અલૌકિક આકૃતિ તૈયાર થાય છે. ઉત્તમ કક્ષાનાં મંદિરો પણ સ્થાપત્યના જ ઉત્તમ નમૂનાઓ હોઈ એનું વિશેષ મહત્ત્વ છે અને ઉત્તમ મંદિરોમાંની મૂર્તિઓ પણ કારીગરીના ઉત્તમ નમૂનારૂપે આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે છતાં એ એકસરખી ડિઝાઇનોમાં ગોઠવાયેલી ચીજોને કારણે મંદિરને કલાનો નહીં પણ સ્થાપત્યનો જ નમૂનો કહી શકીશું. (કારીગરીથી તૈયાર થયેલી વસ્તુઓની કૉપી થઈ શકે પણ કોઈ એક ખાસ વિષય લઈને તૈયાર થયેલું શિલ્પ ફરીવાર બનતું નથી !)

સાહિત્યમાં નાટક, મહાકાવ્ય, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય, ગઝલ કે હાઇકુ વગેરે કાવ્યજગતની અપ્રતીમ રચનાઓ છે. એની નકલ થઈ શકતી નથી. કોઈએ રચેલી નવલિકાની ઝેરોક્સ કૉપી કાઢી શકાય પરંતુ એ નવલિકા સર્જાયા પછી એનો લેખક ખુદ એવી જ બીજી કૃતિ સર્જી શકે નહીં ! હાઇકુના ‘સ્વરૂપની નકલ’ કરીને બીજાં હાઇકુ સર્જી શકાય કારણ કે હાઇકુ એક સાહિત્ય પ્રકાર છે. એ જ પ્રકારનાં – એ જ હાઇકુ–સ્વરૂપમાં બીજાં હાઇકુ સર્જી શકાય પણ બે હાઇકુ એકસરખાં ન હોઈ શકે.

મેં નમૂનારૂપ માટલાનું ઉદાહરણ આપ્યું ત્યારે કલા–સાહિત્યના સર્જકની નિષ્ઠાને સમજવા માટે મૂકીને “કારીગર પણ પોતાના વ્યવસાયની નિષ્ઠા રાખતો હોઈ સાહિત્ય કે કલાના સર્જકે પણ પોતાના સર્જનકાર્ય માટે નિષ્ઠા રાખવી જ જોઈએ એ સમજવાનો મારો હેતુ હતો. માટલું છેવટ તો વેચવા માટે જ હોઈ કુંભારની નિષ્ઠા વ્યાવસાયિક જ હોય તે સહજ છે.

કારીગરો દ્વારા સર્જાતી સામગ્રી અને સાહિત્યકાર કે અન્ય કલાસર્જકો દ્વારા સર્જાતી રચનાઓમાં સમજણફેર થયાનું ધ્યાનમાં આવવાથી આટલી સ્પષ્ટતા જરૂરી લાગી છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સર્જનમાં નિષ્ઠા : વિષય પરત્વે

કારીગરીમાં વસ્તુનું મહત્ત્વ છે, વિષયનું નહીં. ઘણીખરી કારીગરીમાં તો વિષય જ હોતો નથી !

જ્યારે કાવ્ય–સાહિત્યમાં વિષયની પસંદગી, એની માંડણી, વિષયનું યોગ્ય ક્રમે પ્રાગટ્ય, રજૂ થઈ રહેલા વિષયની શૈલી, વિષયની રજૂઆતને કોઈ પણ જાતના પ્રયાસ વિના એકદમ સહજતાથી આકર્ષક બનાવી મૂકતા શબ્દાલંકારો અને અર્થાલંકારો ઉપરાંત બીજાં કેટલાંક સૂક્ષ્મ તત્ત્વો મહત્ત્વનો જ નહીં પણ અ–નિવાર્ય ભાગ ભજવે છે. આ બધાં તત્ત્વો, કાવ્ય–સાહિત્યનાં સૂક્ષ્મ અંગો છે જેને એક વાર એક વિષય પર પ્રયોજ્યા પછી એ જ પ્રમાણે બીજીવાર પ્રયોજી શકાતાં નથી !!

સાહિત્યનો વિષય, એનો પ્રકાર, એનો વ્યાપ વગેરેને આધારે સાહિત્યનું સ્વરૂપ ગોઠવાઈ જતું હોય છે.

નવલકથાનો વ્યાપ નવલિકામાં ઝીલી શકાતો નથી. નવલકથા વિષય સાથે સંકળાયેલાં પાત્રો, એને જ કારણે ઊભા થતાં રહેતા પ્રસંગોને કારણે વિસ્તૃત બની રહે છે જ્યારે નવલિકા–વાર્તા તો ભલે લાંબી હોય પણ તે કોઈ એક જ વિષય–કેન્દ્ર પ્રત્યે ગુંથાય છે.

ઊર્મિકાવ્ય કોઈ એક ભાવને આધાર રાખીને કેટલાક અન્ય સૂક્ષ્મભાવોને સાથે ગુંથતું કાવ્ય છે જ્યારે ખંડકાવ્યમાં એક જ વિષય હોવા છતાં વાર્તાતત્ત્વ પણ તેમાં હોવાથી એનું ભાવજગત પાત્રો–પ્રસંગોને પણ સાંકળી લે છે.

ગઝલમાં આવું નથી. એક જ વિષય પર ટકી રહેતી ગઝલોને બાદ કરતાં ગઝલોમાં વિષયનો કોઈ એક તંતુ ભાગ્યે જ જોવા મળે છે. કાફિયે કાફિયે અલગ વિષય એમાં પ્રગટતા રહે છે. સિદ્ધહસ્ત ન હોય તેવા ગઝલસર્જકોમાં કાવ્યવિષય ફંગોળાતો અનુભવાય છે !!

સર્જકની કાવ્યનિષ્ઠામાં રચનાઓમાંનો મુખ્ય વિષય કેટલો ને કેવો સચવાયો છે ? કેવી રીતે તે વિષય પ્રસ્ફુટ થયો છે ? વિષયને અનુરૂપ કાવ્યનાં અંગો–તત્ત્વોની યોજના થઈ છે કે પછી પેરેગ્રાફ વગરનાં લાંબાં લખાણોની માફક સાહિત્યસર્જનમાં પણ કાવ્યતત્ત્વોને ઠઠાડી દેવાયાં છે ?

આ બધું સાહિત્યનાં ઉચ્ચ ધોરણોને માટે પૂછવાનું હોય છે. સર્જકની કાવ્ય–સાહિત્યનિષ્ઠાના માપદંડોમાં વિષય પરત્વેની પ્રામાણિકતા ચૂકવાની હોતી નથી.

અસ્તુ.

(ક્રમશ: સર્જકની નિષ્ઠા–૪)    

સર્જકની નિષ્ઠા – ૨

– જુગલકિશોર.

કવિની નિષ્ઠાની વાત કરતાં પહેલાં આપણે ગયા હપતામાં સર્જનના બે પ્રકારો જોયા.

કારીગીરી અને કલા.

હવે એ જ બન્ને પ્રકારોને નજર સમક્ષ રાખીને વાત આગળ લંબાવીએ.

કારીગરની સર્જન–નિષ્ઠા

કુંભાર એના ચાકડા ઉપર માટલું બનાવે છે. આ એનો વ્યવસાય છે. આ સર્જન કારીગરીનો એક ઉત્તમ નમૂનો પણ છે. આ કામ તે કુંભાર પોતાના ગ્રાહકો માટે કરે છે. એનો હેતુ ગુજરાન ચલાવવાનો છે. (માટલાને બને તેટલું શણગારીને કુંભાર ગ્રાહકને એક પ્રકારનો સ્થૂળ આનંદ પણ આપવા મથતો હોય છે પણ આ આનંદ એના વ્યવસાય–વ્યાપારનો જ એક ભાગ છે.)

માટલું ઘડવાની સાથે સાથે એનો આ સર્જક ચારે પ્રકારની નિષ્ઠા વ્યક્ત કરે છે –

૧) માટલાની ગુણવત્તા જાળવવા દ્વારા ગ્રાહક તરફની નિષ્ઠા પ્રગટ કરે છે.

૨) સારું માટલું, કોઈ પણ જાતની ખામી વિનાનું માટલું બનાવવાની સાથે તે ઉત્તમ માટલાનાં લક્ષણો–ગુણો તરફ ધ્યાન આપે છે, જે બતાવે છે કે કુંભાર માટલાનું જે નક્કી થયેલું સ્વરૂપ છે તેને ખ્યાલમાં રાખીને માટલાની સ્વરૂપનિષ્ઠા પણ જાળવે છે.

૩) ઉત્તમ માટલું ઘડવાની કુંભારની આવડત, કે જે તેની માટલાના સર્જક તરીકેની લાયકાત સાબિત કરનારી છે તે “આવડત” દ્વારા તે પોતાની સર્જક–નિષ્ઠા પણ સાબિત કરે છે.  

૪) અને માટલાનું સ્વરૂપ એટલે કે તેનાં જરૂરી બધાં લક્ષણો સાચવીને, માટલાને સારા ભાવથી વેચીને તથા ગ્રાહકને સંતોષ આપીને કુંભાર પોતાની વ્યવસાયનિષ્ઠા પણ જાળવે–સાચવે છે.

હવે જો એક કારીગર પણ પોતાના વ્યવસાય બાબતે આટલો પ્રામાણિક રહેવા મથતો હોય તો અવર્ણનીય આનંદને વહેંચવાનો હેતુ રાખનાર કલાસર્જકની નિષ્ઠા અંગે તો જેટલું વિચારીએ એટલું ઓછું જ ગણાય ને ?!

સર્જકનિષ્ઠા – ૧

– જુુગલકિશોર.

થોડા સમય પહેલાં મેં ફેસબુક પર પાંચ પેટાસવાલ સાથે એક સવાલ મુક્યો હતો :

 કવિની નિષ્ઠા કોના પ્રત્યે ?

૧) કાવ્યવિષય પરત્વે ?
૨) કાવ્યસ્વરૂપ પરત્વે ?
૩) વિવેચન પરત્વે ?
૪) વાચક-ભાવક પરત્વે ? કે
૫) પોતાના વિચારસ્વાતંત્ર્ય પ્રત્યે !

કેટલાક સરસ જવાબો મને મળ્યા હતા. છતાં મારા મનમાં જે કેટલુંક છે તેને લેખરૂપે આજે અહીં પ્રસ્તુત કરું છું.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સર્જકત્વ સામાન્ય રીતે બે પ્રકારે પ્રગટ થતું હોય છે.

એક કારીગરીરૂપે (ક્રાફ્ટ) અને બીજું કલારૂપે.

કડિયા, લુહાર, સોની વગેરે જે કાર્ય કરે છે તે પણ સર્જનો જ હોય છે. પણ તે કારીગરી કક્ષાનું ગણાય. કારીગરીમાં ગમે તેટલી ઝીણવટ હોય તો પણ તે કલાનું સ્થાન લઈ શકે નહીં. સાહિત્યમાં પણ સાહિત્યસ્વરૂપોના સ્થૂળ નિયમો જાળવી લેવામાત્રથી તે સાહિત્યિક કૃતિ બની જતી નથી.

સ્થાપત્ય એ મુખ્યત્વે કડિયાકામ સાથે જોડાયેલું કામ છે. પણ તેમાં કેટલીક જગ્યાએ કલાના અંશો પણ પ્રગટ થતા હોય છે. સામાન્ય સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ આવા વિભાગો જોઈ શકાય છે. સામાન્ય ગીતો, રાગડા અને શાસ્ત્રીય સંગીત એમ અલગ પ્રકારે ગાયનો પ્રગટતાં હોય છે.

સુથાર દ્વારા જીવન ઉપયોગી અનેક પ્રકારનાં સાધનો બનાવવામાં આવતાં હોવા ઉપરાંત ક્યારેક તેમના દ્વારા કલાના ઉત્તમ નમૂનાઓ સર્જાય છે.

 આમ જોવા જઈએ તો ક્રાફ્ટ વર્ક અને આર્ટવર્ક એમ બે પ્રકારે સર્જનો થતાં રહે છે. ક્રાફ્ટવર્ક મહદ્ અંશે જીવનના રોજિંદા વ્યવહારોમાં જરૂરિયાત માટે હોય છે જ્યારે કલાત્મક ચીજો જીવનના કોઈ વિશેષ આનંદ માટે હોય છે.

આમ તો બધી જ કલાઓનો હેતુ ઉચ્ચ પ્રકારના આનંદની પ્રાપ્તિનો જ હોય છે.

નાટ્ય, નૃત્ય, સંગીત, શિલ્પ, ચિત્ર અને સાહિત્ય આ બધી કલાઓ છે જેનું સર્જન કોઈ સાધારણ વ્યક્તિ કરી શકતી નથી. કલાના સર્જન માટેની લાયકાત સૌ કોઈમાં નથી હોતી.

સાહિત્યના સર્જક અંગે કેટલુંક :

કાવ્યશાસ્ત્રમાં સર્જકક્ષમતા માટે બે બાબતો બતાવાઈ છે.

૧) પૂર્વજન્મના સંસ્કારોથી મળેલી સર્જનશક્તિ.

૨) અભ્યાસ દ્વારા મેળવેલી સર્જનક્ષમતા. (જોકે આમાં પણ પૂર્વજન્મના સંસ્કારોને કેટલેક અંશે કારણભૂત માનવામાં આવ્યા જ છે.) વિદ્યાભ્યાસ, ગુરુજનોની શીખ, કલા/કલાકારો સાથેની મૈત્રી અને અભ્યાસ – જેને સંગીતશાસ્ત્રમાં રિયાઝ કહે છે – વગેરે દ્વારા વ્યક્તિ આ જન્મમાં કલાક્ષેત્રે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.

વિવેચનના માપદંડો દ્વારા વિવેચકો પણ સર્જકને ટપારીને ઉચ્ચ સર્જનક્ષમ બનાવી શકે છે. ગુજરાતમાં કુમાર કાર્યાલયે શ્રી બચુભાઈ રાવત દ્વારા અનેક નવસર્જકોને તૈયાર કરાયાની વાત બહુ જાણીતી છે. (અહીં, શિક્ષક–વિવેચકની પોતાની ક્ષમતા અને ઉચ્ચ લાયકાત ઉપરાંત નવસર્જકની પણ શીખ્યા બાદની ઉચ્ચ ધોરણોને અપનાવવાની તૈયારી મહત્ત્વની બની રહે છે.)

(અપૂર્ણ)

પ્રજ્ઞામાર્ગે પ્રયાણ

(અનુષ્ટુપ)

વિદ્યાને મારગે આજે નવું પ્રસ્થાન આદરે

અમારો પુત્ર આ વ્હાલો લૈને દંડ ખભા પરે.

શાળાની મૂકીને સીમા પ્રજ્ઞામાર્ગે ચડે હવે,

જ્ઞાનનાં વિસ્તર્યાં ક્ષેત્રો અજાણ્યાં, ખૂંદવા ચહે.

ખભે જે ધારશે માળા, ત્રિધાગી એ ત્રિદેવની;

ત્રિપદા, દેવી ગાયત્રી માતા-મંત્ર-શી પાવની !

સંસારી ત્રિવિધા માર્ગો – જ્ઞાન, ભક્તિ, સુકર્મના –

પ્રથમે – જ્ઞાનને માર્ગે ચાલશે બાલ, ધર્મના.

ગાયત્રીમંત્રને કંઠે, ત્રિધાગીને ખભે, ધરી

ચાલશે રાખીને સામે શારદામાતની છવિ.

વિદ્યાની વાટ છે એની – શુભમાર્ગે પ્રયાણની,

આશિષો આપની થાશે એને રે બહુ કામની !

અમારે આંગણે રૂડો પ્રસંગ; આવજો તમે,

પધાર્યું આપનું થાતાં, ધન્ય – પ્રસંગ, ને અમે !!

જુગલકિશોર

શબ્દકોશની પ્રસ્તાવનાઓ – ૩

જોડણીકોશ ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૩૭

જોડણીકોશની બીજી આવૃત્તિ ખલાસ થઈ જવાથી, આ તેની ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. ઈ. સ. ૧૯૩૪ના અંતમાં સરકારના બંધનમાંથી છૂટ્યા બાદ, વિદ્યાપીઠ મંડળે તા. ૩–૧–૧૯૩૫ ની પોતાની પહેલી સભામાં ઠરાવ કર્યો હતો કે,

કોઈની બીજી આવૃત્તિ ખલાસ થાય તે પહેલાં ત્રીજી આવૃત્તિ તૈયાર કરવાનું આ સભા ઠરાવે છે, અને તે કામ શ્રી. મગનભાઈ દેસાઈને સોંપવામાં આવે છે. તેમની દેખરેખ નીચે આખો વખત કામ કરવા માટે શ્રી. ચૂનીલાલ બારોટને મુકરર કરવામાં આવે છે.

આ ઠરાવ થયો ત્યારે એવી ધારણા હતી કે, બીજી આવૃત્તિની સિલક નકલો ૧૯૩૭ સુધી તો ચાલશે. અને એ ગણતરી બાંધીને નવી આવૃત્તિના સંશોધનની યોજના કરી હતી. પરંતુ પ્રજા તરફથી કોશને ઉત્તરોત્તર વધુ મળવા લાગેલા સત્કારને કારણે, ૧૯૩૬માં જ બધી નકલો ખપી ગઈ, એટલે ત્રીજી આવૃત્તિને બને તેટલી સત્વર તૈયાર કરી નાખવાનું ઠરાવ્યું. તેને લઈને નિરધારેલા સંશોધનમાં થોડો કાપ મૂકવો પડ્યો છે.

        આ આવૃત્તિના કામનો પ્રારંભ કર્યો ત્યારે વિચાર્યું હતું કે, કોઈને વધુ શાળોપયોગી બનાવવાની દૃષ્ટિએ તેમાં શબ્દપ્રયોગો તથ ઉપલબ્ધ વ્યુત્પત્તિ ઉમેરવાં; અને શબ્દભંડોળ માટે, બને તેટલું વધારે શાળોપયોગી સાહિત્ય વાંચી કાઢવું. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ, કોશનું છાપકામ તરત ઉપાડવાનું આવવાથી, પૂરેપૂરી વ્યુત્પત્તિ આપવાનું તથા શબ્દપ્રયોગો સંઘરવાનું કામ અમારે છોડવાં પડ્યાં છે. વાચક જોશે કે, આ આવૃત્તિમાં અમે તત્સમ વ્યુત્પત્તિ આપીને જ અટકી ગયા છીએ અને શબ્દપ્રયોગસંગ્રહને તો અડક્યા જ નથી.    

        આ આવૃત્તિ તૈયાર કરતી વેળા, શુદ્ધ જોડણી લખવાની ચીવટવાળા એક ભાઈએ અમને એમની એક મુશ્કેલી જણાવી કે, ક્રિયાપદનાં પ્રેરક અને કર્મણિ રૂપો કોશમાં, બધાંનાં નહિ તો, જ્યાં જોડણી ફરક થવાનો પ્રશ્ન હોય તેટલાં ક્રિયાપદોનાં જો આપો, તો બહુ ઉપયોગી થાય. આ માગણીનું વજૂદ સ્વીકારી, આ આવૃત્તિમાં એવાં ક્રિયાપદોનાં રૂપો બનાવીને મૂકવામાં આવ્યાં છે. આવાં બનાવીને મૂકેલાં રૂપોમાંથી કેટલાંકનો ઉપયોગ કદાચ સાહિત્યમાં નયે મળે એમ બનવા જોગ છે. પણ એ રૂપો જોડણીની દૃષ્ટિએ જ મૂક્યાં છે; અને તે મૂકતી વખતે એટલું ધ્યાનમાં રાખ્યું છે કે, તેમનો ઉપયોગ કરવા કોઈ ચાહે તો તે કરી શકે, – તેમાં કાંઈ વિચિત્ર ન લાગવું જોઈએ. જ્યાં ખાસ વિચિત્રતા જેવું લાગ્યું છે, ત્યાં તેવાં રૂપો બનાવ્યાં નથી.

            શબ્દભંડોળનું કામ આ વખતે ઠીક ઠીક થયુ; ગણાય. નવા શબ્દો શોધવાને અંગે કરેલા વાચનમાં, ઉપર કહ્યું તેમ, મુખ્યત્વે શાળોપયોગી પુસ્તકો જ લેવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત, સામાન્ય વાચનમાં આવતાં પુસ્તકોમાંથી પણ શબ્દો મળે તે સંઘરવામાં આવ્યાં છે. એ રીતે કામ કરતાં, આ વેળાની આવૃત્તિમાં શબ્દસંખ્યા ૫૬૮૩૦ થઈ છે. એટલે કે, ગઈ આવૃત્તિના ૪૬૬૬૧ માં ૧૦૧૬૯ શબ્દોનો વધારો થયો છે.

        શબ્દોની ગણતરીની સાથે તત્સમ શબ્દોની વર્ગીકૃત ગણતરી પણ કરવામાં આવી છે. ભાષાપ્રેમીઓને એનું પરિણામ બોધક થશે એમ માનીએ છીએ. નોંધાયેલી તત્સમ વ્યુત્પત્તિમાં સૌથી મોટો વિભાગ, અલબત્ત, સંસ્કૃત શબ્દોનો, ૨૦૨૬૫, એટલે કે, ૩૫ ટકા જેટલો છે. ત્યાર પછી ફારસીના ૧૭૫૬, એટલે ૩ ટકા, અરબ્બીના ૮૨૪, એટલે દોઢ ટકો, અંગ્રેજીના ૩૬૦, એટલે અડધો ટકો, હિન્દીના ૧૮૩, મરાઠીના ૪૪, તુર્કીના ૨૭, પોર્ટુગીઝના ૨૯ – એમ આવે છે. ગુજરાતીનો સારો અભ્યાસ કરનારે સંસ્કૃતનું અમુક જ્ઞાન તો મેળવવું જ જોઈએ, એ આ સાદી ગણતરી પરથી દીવા જેવું દેખાઈ આવે છે. આ ગણતરીથી અમને એક એ અંદાજ પણ મળી રહ્યો છે કે, લગભગ ૪૨ ટકા વ્યુત્પત્તિનું કામ તો થઈ ચૂક્યું ગણાય.

        ૧૯૩૫માં આ આવૃત્તિનું કામ શરૂ કર્યું તયારે જોડણીના નિયમોને અંગે કાંઈ નવું વિચારણીય છે કે કેમ, એનો પણ ખ્યાલ કરી લીધો હતો. એ બાબતમાં કશો મહત્ત્વનો ફેર કરવાની જરૂર નથી જોઈ. ઊલટું, હર્ષની વાત છે કે, જોડણીકોશને ઉત્તરોત્તર માન્યતા મળતી ગઈ છે, અને આજ મુંબઈ યુનિવર્સિટી જેવી શિક્ષણસંસ્થાએ તથા ગુજરાતી સાહિત્ય સંમેલન જેવી વીદ્વત્સભાએ એને અપનાવ્યો છે. આ બાબતમાં સાહિત્ય સંમેલને તેની ગઈ બેઠકમાં કોશને માટે જે આવકારદાયી ને અભિનંદન ઠરાવ કર્યો છે, તે માટે એ સંસ્થાનો અત્રે અમે આભાર માનીએ છીએ.

        જોડણીકોશને આમ માન્યતા મળ્યા પછી, આજ હવે આપણી આગળ જોડણીની અરાજકતાનો પ્રશ્ન એટલા પૂરતો પતી ગયો મનાય. હવે કરવાનું રહે છે તે સ્વીકૃત થયેલી એવી આ જોડણીની બાબતમાં કાળજી રાખી તેનો વાપર વધારવાનું. તે કામ ગુજરાતના શિક્ષકગણ, લેખકવર્ગ તથા છાપાંવાળા અને માસિકના તંત્રી, વ્યવસ્થાપકો તથા પ્રકાશનસંસ્થાઓ,–એ બધાંએ કરવાનું રહે છે. આમાં જો આપણે જાગૃતિ નહિ બતાવીએ તો હવે એક બે વર્ષમાં સિદ્ધ થઈ જવું જોઈએ એવું કામ નાહક લંબાશે, અને ભાષાની સેવામાં એટલે દરજજે ક્ષતિ આવી લેખાશે.

        જોડણીના નિયમોમાં એક ફેરફાર કર્યો છે. નિયમ ૫ મો આ પ્રમાણે હતોઃ– જ્યાં આરબી, ફારસી, અંગ્રેજી કે અન્ય પરભાષામાંથી અપભ્રષ્ટ થયેલો શબ્દ રૂઢ થઈ ગયો હોય, ત્યાં તે જ અર્થમાં તત્સમ શબ્દ ન વાપરવો. ઉદા૦ પર્પટ, ખ્વાહિશ, હૂબહૂ, ઇંગ્લિશ, ટિકેટ નહિ પણ પાપડ, ખાએશ, આબેહૂબ, અંગ્રેજી, ટિકિટ.

        આ નિયમ, ખરું જોતાં, જોડણીનો નહિ પણ શૈલીનો ગણાય. એટલે જોડણીકાર એને પોતાના નિયમ તરીકે આપે એમાં મર્યાદાદોષ આવે. આ વિચારથી એ નિયમ રદ કરવામાં આવ્યો છે. બાકી આખી નિયમાવલી જેમની તેમ રહે છે. નવી આવૃત્તિનો લાભ લઈ તે નિયમોનો અમલ કરવામાં કેટલાક શબ્દોમાં જ્યાં ક્ષતિ રહી ગયેલી જણાઈ છે, ત્યાં સુધારો કર્યો છે. ચડવું–ચઢવું, મજા–મઝા, ફળદ્રુપ–ફળદ્રૂપ વિકલ્પો સ્વીકાર્યા છે. નિયમાવલીનુંવધુ સ્પષ્ટીકરણ થાય તેટલા સારુ સૂચક દાખલાઓ કેટલીક જગાઓએ ઉમેર્યા છે. (જેમ કે, ક્રિયાપદનાં રૂપોની જોડણીનો નિયમ ૨૫, ૨૬ જુઓ.)

        તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે એ ઉપર જણાવ્યું. તેને અંગે એક બે વાતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. આપણી ભાષામાં ઘણા સંસ્કૃત શબ્દો તેમના પ્રથમાના રૂપે ઊતરી આવે છે, અને જેમાં અંતે વિસર્ગ હોય છે તેના તે વિસર્ગનો લોપ થયો હોય છે. જેમ કે, પિતા, વિદ્વાન, ચંદ્રમા, મન ઇત્યાદિ. આ શુદ્ધ સંસ્કૃત તો ન ગણાય. વળી કેટલાક શબ્દો સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે નવા બનાવી આપણે વાપરીએ છીએ, જે સંસ્કૃત કોશોમાં નયે મળે. આવા બધા શબ્દોને અમે सं. તરીકે તત્સમ જણાવ્યા છે.

        એવી જ એક મર્યાદા ફારસી અરબી શબ્દોની તત્સમતાને અંગે પણ સ્વીકારી છે. આ ભાષાઓને અંગે વિશેષ મુશ્કેલી એ છે કે, તેની ને આપણી વર્ણમાળા એક ન હોઈ, લિપ્યંતરનો પ્રશ્ન પણ ખડો થાય છે. જેમ કે, ફારસી ‘ઝ’ અગાઉની પેઢી ‘જ’ લખીને સંતોષ માનતી. આજ અંગ્રેજી Z નો ઉચ્ચાર આપણે ત્યાં રૂઢ થતો જવાથી ફારસી ‘ઝ’ ઉચ્ચાર ‘જ’થી કરવા કરતાં ‘ઝ’ લખવા પ્રેરાઈએ છીએ. પરંતુ ફારસી અરબી શબ્દોમાં જકાર ઊતરી તો ગયો છે. એ રૂઢિને આપણી જોડણીની પ્રથામાં માન્યતા પણ મળી છે. એટલે એવા જકારવાળા ફરકના શબ્દોને પણ ફારસી જ જણાવ્યા છે. જેમ કે, નજર, અજીજ.

        અંત્ય હકારવાળા ફારસી શબ્દો ગુજરાતીમાં પોતાના લિંગ પ્રમાણે ઈ, ઉ કે ઓ અંત્ય સ્વીકારે છે. જેમ કે, તકાજો, સાદું, જલસો. આટલા ફરકના શબ્દોને પણ ફારસી જણાવ્યા છે.

        ફારસી, અરબી અય, અવ, આપણે ત્યાં અનુક્રમે એ, ઓ રૂપે લખાય છે ને એ, ઓ (બન્ને પહોળા) રૂપે બોલાય છે. જેમ કે, હેબત, શેતાન, મોત. આ રૂપોને પણ તત્સમ જ ગણ્યાં છે.

        પરંતુ રદ, સબર, ફિકર, સાહેબ જાહેર, ઇજન, ચહેરા જેવા શબ્દો તદ્ભવ ગણ્યા છે. નિસબત, સખતી, બરખાસ્ત જેવા શબ્દો, જેમનો ઉચ્ચાર તત્સમ છે (પણ જે નિસ્બત, સખ્તી, બર્ખાસ્ત એ રૂપે નથી લખાતા), તેમને પણ તત્સમ ગણ્યા છે.

        પોર્ટુગીઝ તત્સમતા બતાવી છે તે સામાન્ય મળતાપણા પરથી જ ગણાય. શુદ્ધ રૂપે એ શબ્દ હશે કે કેમ એ, પોર્ટુગીઝના અજ્ઞાનને કારણે, અમારાથી દાવો કરી શકાતો નથી. ઉપલબ્ધ કોશો કે વ્યાકરણોમાંથી એને અંગેનાં મળી આવેલાં સૂચન પરથી એ નિર્દેશો છે.

            મરાઠી,હિન્દી ભાષા તો ગુજરાતીની બહેનપણીઓ ગણાય. ઘણા શબ્દો, જરાતરા ફેરથી કે તેના તે જ રૂપે, બેઉ જગ્યાએ મળી શકે. તે પરથી તે શબ્દ મરાઠી કે હિન્દી ન ગણાય. પણ આજના વધતા જતા આંતરપ્રાંતીય સંસર્ગને કારણે તથા પૂર્વના સંસર્ગોથી પણ કેટલાક શબ્દો આપણા સાહિત્યમાં તે તે ભાષાઓમાંથી સ્વાભાવિક રીતે ઊતરી આવ્યા છે. કોશમાં એવા શબ્દોને જ મરાઠી કે હિન્દી બતાવી શકાય. અમે એ દૃષ્ટિએ આ ભાષાઓના શબ્દોનો નિર્દેશ કર્યો છે.

શબ્દોની તત્સમ વ્યુત્પત્તિ બતાવતાં એ ખ્યાલ આપોઆપ ઊઠે કે, તેનો અર્થ પણ તત્સમ છે ? કેમ કે, એવું ઘણી વાર બને છે કે, શબ્દનું સ્વરૂપ તત્સમ હોવા છતાં તેના અર્થમાં તત્સમતા ન હોયઃ તેમાં કાંઈક ફેર થયો હોય, લક્ષણાથી ભિન્ન અર્થ નીકળતો હોય, કે વ્યંજનામાં મર્યાદા પણ આવી ગઈ હોય. આ પ્રકારની ઝીણવટમાં અમે ઊતર્યા નથી, ને મૂળ શબ્દના અર્થની સામાન્યતઃ તત્સમતા પરથી તેને તત્સમ ગણ્યો છે. સામાન્ય ઉપયોગની શાળોપયોગી આવૃત્તિમાં એથી વધુ સૂક્ષ્મતા આવશ્યક પણ ન ગણાય.

         વ્યુત્પત્તિને અંગે, છેવટમાં, એક વસ્તુ કહેવાની રહે છે તે, ક્રિયાપદોની વ્યુત્પત્તિ નથી આપી એ. એટલે ઉપરની શબ્દગણનામાં ક્રિયાપદોની તત્સમતા નથી ગણાઈ.

        એક મહારાષ્ટ્રી ભાઈએ કહ્યું કે, તમારા કોશમાં ઉચ્ચારણ નથી, તેથી અમારા જેવાને મુશ્કેલી પડે છે; તમારે ઉચ્ચારણ પણ આપવું જોઈએ. આ માગણી સાચી છે. કોઈ પણ ભાષાના સારા ગણાઈ શકે એવાકોશમાં શબ્દનું આ અંગ હોવું તો જોઈએ જ. આપણી લિપિની વિશેષતાને લઈને, ઉચ્ચારણની જરૂર અંગ્રેજી જેવી ભાષાના જેટલી ન હોય એ ખરું. છતાં લિપિ સંપૂર્ણ ઉચ્ચારવાહી તો નથી થઈ શકતી. આપણે ત્યાં પણ સંવૃત વિવૃત પ્રયત્ન, યશ્રુતિ, હશ્રુતિ, અનુસ્વાર–ભેદ ઇત્યાદિ બાબતો તથા ફારસી વર્ણોનો પ્રશ્ન તો રહે જ છે. એટલે તે તે ખાસિયતો માટે સંકેત યોજીને કોશકારે ઉચ્ચારણ પણ નોંધવું ઘટે. આ બાબતમાં કયું ઉચ્ચારણ શિષ્ટ ગણાય એ પ્રશ્ન પણ રહે છે. એટલે આ કામ મહત્ત્વનું તો છે જ. પણ આ આવૃતતિમાં અમારે માટે તે શક્ય નહોતું. પરંતુ એમાં એક વસ્તુ અંશતઃ અમારે કરવી પડી તે એ કે, જે શબ્દોની જોડણી એક છે છતાં ઉચ્ચારો ભિન્ન છે, તેવા શબ્દોનો ઉચ્ચારનિર્દેશ અમે કર્યો છે. જેમ કે, જુઓ ઓડ, શોક. તે શબ્દો ત્રણ અર્થોમાં ત્રણ રીતે બોલાય છે. એ ત્રણે ઉચ્ચાર નોંધ્યા છે. તેની પદ્ધતિ વિષે ‘કોશ વાપરનારને સૂચના’માં નિર્દેશ કર્યો છે.

        આ આવૃત્તિમાં બીજો ફેરફાર કર્યો છે તે શબ્દોની ગોઠવણીનો છે. ગુજરાતી જોડણીકોશમાં આવી જાતનો ફેરફાર પહેલવારકો  થાય છે. આ ફેરફાર કરવાનું અમને સૂઝ્યું સ્થળસંકોચ સાધવાની દૃષ્ટિએ. આવૃત્તિ આવૃત્તિએ કદમાં વધતા જતા કોઈની કિંમત પણ વધારવી પડે તો વાચકવર્ગને એ ન ફાવે. એટલે, બને ત્યાં સુધી, કોઈનું કદ ધતાં છતાં, કિંમત ન વધારવી પડે એવો પ્રયત્ન કરવાનો વિચાર રાખવામાં આવ્યો. તે સારુ એક ફેરફાર તો એ કર્યો કે, બીબાં મળે તેવડાં નાનાં વાપર્યાં છે. અવારનવાર જરૂર પ્રમાણે વાપરવાના આકરગ્રંથ માટે નાનાં બીબાં મુશ્કેલી ન ગણાય. નાનાં બીબાંથી ઠીક ઠીક જગા બચી શકી છે. બીજો ફેરફાર કર્યો તે, કક્કાવારીમાં પાસપાસે આવતા સમાન વ્યુત્પત્તિવાળા, સાધિત કે સમાસના શબ્દોને એક ફકરામાં ગોઠવી દીધા છે. આ ગોઠવણીને અંગેની સૂચનાઓ ‘કોઈ વાપરનારને સૂચના’ એ સ્થળે આપી છે. તે જોવાથી આ ગોઠવણની રીત સ્પષ્ટ થશે.

        પારિભાષિક શબ્દોને અંગે નવો કોઈ પ્રયત્ન કર્યો નથી. એક વસ્તુ સ્વતંત્ર રીતે કહેવી પ્રાપ્ત થાય છે. સરકારી માધ્યમિક કેળવણીમાં ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો સ્વભાષા મારફત શીખવવાની છૂટ અપાઈ છે. પરંતુ, એ છૂટનો ઉપયોગ ઓછો જ લેવાયો છે, એ વિચિત્ર બીના ગણાય. અને કાંઈકે પ્રયત્ન થયો છે તે, અમારી જાણ પ્રમાણે, વિજ્ઞાનને માટે; – કે જેની પરિભાષામાં મુશ્કેલી છે એમ જ નહીં, અરાજક છે, ને કેટલુંક બેહૂદાપણુંપણ પ્રવર્તે છે. અને ગણિત, કે જેની પરિભાષા નિશ્ચિત છે તથા જે નાનકડી પુસ્તિકા રૂપે વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થઈ છે, એને સ્વભાષા મારફત શીખવવાનો પ્રયત્ન આરંભાયો નથી.આશા રાખીએ કે, એ આપણી સિદ્ધ પરિભાષા હવે થોડાં વર્ષોમાં બધે વપરાતી થઈ જશે. વિજ્ઞાનને અંગે પણ એવી જ પરિભાષા સ્થિર કરવાનો પ્રયત્ન હવે આદરવો જોઈએ. એ કામ શિક્ષકગણ તથા વિદ્વાનો ઉપાડે તો હવે પછીની કોશની આવૃત્તિમાં જ્ઞાનની તે શાખાના શબ્દો સંઘરવાનું સહેલું થશે.

        હવે વિદ્યાપીઠ તરફથી ગુજરાતી ભાષાના બૃહત્ કોશનું કામ ણપાડવા વિચાર છે. એ કોશમાં ગુજરાતી ભાષાનો શબ્દસંગ્રહ કરવા પૂરો માટે, નવા તથા જૂના ગુજરાતી સાહિત્યમાં ઊતરેલા તથા બોલીમાં ચાલતા તમા શબ્દો સંઘરવા પ્રયત્ન કરવો છે. બોલીના શબ્દો સંઘરવા માટે, ગુજરાતના બોલીવાર જુદા જુદા પ્રદેશ પડે છેત્યાંના માણસોના સહકાર ઉપરાંત, તે તે પ્રદેશમાં ખાસ માણસ મોકલી બરાબર તપાસ કરીને શબ્દો એકઠા કરવાનો ઇરાદો છે.વળી જુદાં જુદાં વિજ્ઞાનોની અને ઉદ્યોગોની પરિભાષા પણ મેળવી શકાય તેટલી મેળવીને આપવી છે. તથા સાંપ્રદાયિક અને કોમી સાહિત્યમાં વપરાતા શબ્દો પણ એકઠા કરવાની ધારણા છે. શબ્દોની વ્યુત્પત્તિ શક્ય હોય તેટલી – વચગાળાનાં પ્રાકૃત તથા અપભ્રંશ રૂપો મળી શકે ત્યાં તે સાથે – આપવી છે. શબ્દોના અર્થોનો ઐતિહાસિક વિકાસક્રમ, અર્થ તથા પ્રયોગની સ્પષ્ટતાની દૃષ્ટિએ આવશ્યક જણાય ત્યાં અવતરણો સાથે, આપી શકાય તેટલો આપવો છે. બને તેટલાં સ્થાનોએ પર્યાય શબ્દો પણ નોંધવાનો વિચાર છે. ગુજરાતના વિદ્વાનો, શિક્ષકો તથા ભાષાપ્રેમીઓની સાહાય્ય જેટલી વધારે મળે તેટલો આ કોશ સારો થાય એ સ્પષ્ટ છે. એવો સહકાર અને મદદ અમને મળશે જ એ આશા સાથે ગુજરાત આગળ અમારી માગણી અમે રજૂ કરીએ છીએ. . . .

તા. ૧૨–૬–’૩૭                                                          – મગનભાઈ પ્રભુદાસ દેસાઈ                                                                                                                                            

આપણા શબ્દકોશની પ્રસ્તાવનાઓ – ૨

[બીજી આવૃત્તિ – ઈ. સ. ૧૯૩૧]

અસાધારણ ઐતિહાસિક સંજોગોમાં અર્થ સાથેનો આ જોડણીકોશ પ્રસિદ્ધ થાય છે. ગૂજરાતી ભાષામાં જોડણીની કાંઈ પણ વ્યવસ્થા ન મળે એ વસ્તુ ગાંધીજીને ખૂબ સાલતી હતી. એક કાગળમાં એમણે પોતાનું દુઃખ નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યું હતું :

શુદ્ધિપત્ર વિનાનો શબ્દકોશ એ ગૂજરાતી ભાષાને દેહ આપનારી વસ્તુ છે.અત્યારે તો ગૂજરાતી ભાષાનો આત્મા શરીરની ખામીને લઈને ભૂતની માફક ભમ્યા કરે છે અને ક્યાંય શાંત થઈને બેસી શકતો નથી. એ સ્થિતિમાંથી એ ભાષાના આત્માને ઉગારવો અને અવગતે જતો બચાવવો એ જો તમારું કાર્ય ન હોય તો કોનું હોઈ શકે ?

        ગૂજરાતી ભાષાની શુદ્ધિમાં રસ ધરાવનારા વિદેહ તેમ જ વિદ્યમાન લોકોના અભિપ્રાયોનું સંકલન કરી અને શાસ્ત્રની મર્યાદા તેમ જ આજકાલનું વલણ તપાસી જોડણીના નિયમો અમે ઘડી કાઢ્યા, અને ધારેલી મુદતની અંદર ગૂજરાતી ભાષાના તેમ જ એ ભાષામાં સ્થાન પામેલા લગભગ બધા શબ્દોનો કેવલ જોડણીકોશ પ્રજા આગળ મૂક્યો. તે વખતે ‘નવજીવન’માં (૭–૪–૧૯૨૯) ગાંધીજીએ જે આનંદોદ્ગાર કાઢ્યા છે, તે એમનો અસાધારણ ભાષાપ્રેમ સૂચવે છે. એમાં એમણે લખેલું –

“ઠીક ઠીક ગૂજરાતી જાણનારા, વ્યાકરણશુદ્ધ ગૂજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમેથી જે જોડણી ઊતરી તે ખરી ગણાય. આ ધોરી નિયમને અનુસરીને કોશ તૈયાર થયો છે….

        “…અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે. તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.”

        લોકોને કેવળ શુદ્ધ જોડણી પૂરી પાડીને કોશ કૃતાર્થ ન જ થઈ શકે. એટલે જોડણી સાથે શબ્દોના કંઈ નહિ તો મુખ્ય અર્થો ટૂંકમાં પણ આપવા એ આવશ્યક હતું. કેવળ જોડણીથી ભાષાપ્રેમીને સંતોષ નહિ થાય એટલા જ ખાતર જોડણીકોશની ફક્ત પાંચસો જ નકલો કાઢી હતી અને એને માટે અમે ગાંધીજીનો ઠપકો પણ વહોરી લીધો હતો. પ્રજાએ એ કોશને અમારા ધારવા કરતાં વધુ ઉત્સાહભર્યો  આવકાર આપ્યો હતો અને એ જોડણી પોતાને માન્ય હોવાની સંમતિઓ પણ આપી હતી.

        જોડણીનું કામ જેટલું સંગીન રીતે થયું એટલું જ સંગીન કાર્ય અર્થો આપવામાં કરી બતાવવું એવી અમારી મુરાદ હતી. પણ ભારતવર્ષને સદ્ભાગ્યે સ્વરાજની હિલચાલ જાગી અને વિદ્યાપીઠના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ એમાં ઝંપલાવ્યું. બીજાં અનેક કાર્યો સાથે આ કામ પણ સંકેલી લીધું હોત . પણ ગાંધીજીને ચરણે સાર્થ જોડણીકોશ ધરવાની વિદ્યાપીઠની અભિલાષા ફાવી ગઈ અને કેટલાક ભાઈઓએ લડતમાં ઝંપાવવાનું માંડી વાળવાનો સ્વાર્થત્યાગ બતાવ્યો. જ્યાં સામ્રાજ્યનું આખું તંત્ર હચમચાવવાને લડત શરૂ થઈ ત્યાં કોશ રચવાનું કામ સળંગ તંત્રે કેમ ચાલે ? કામ જો અટકાવવું ન હોય તો પ્રસંગે પ્રસંગે જુદા જુદા સેવકોને હાથે કામ લીધા વગર છૂટકો ન હતો. જોડણીની બાબતમાં અમુક સળંગસૂત્રતા અમે જાળવી શક્યા, પણ અર્થની બાબતમાં તો અનેક દિશાએ મતભેદને અવકાશ. શબ્દોના અર્થ નક્કી કરવાનું કામ પીઢ સાહિત્યસેવકોનું છે. એમાં ઐતિહાસિક દૃષ્ટિ હોય તો જ એ કાર્ય સંતોષકારક ગણાય. પણ અમારે એટલી મોટી મહત્ત્વાકાંક્ષા રાખ્યે પાલવે એમ ન હતું. જે સેવકો જે વખતે ઉપલબ્ધ હોય તેમને હાથે કામ પૂરું કરાવ્યા વગર છૂટકો ન હતો.

        શાંતિના દિવસો હોત તો દરેક શબ્દનો અર્થવિકાસ તપાસવાનું કામ અમે કર્યું હોત. શબ્દો ભાષામાં ક્યાં ક્યાં કયા અર્થમાં વપરાય છે એ શોધી કાઢીને શબ્દોના આજના અર્થો પણ નક્કી કર્યા હોત. જ્યાં શબ્દો ખોટા અર્થમાં વપરાય છે ત્યાં ધ્યાન ખેંચ્યું હોત. પારિભાષિક શબ્દોના અર્થો વધારે ચોક્કસ કર્યા હોત. ઝીણા ઝીણા અર્થભેદ બતાવવા માટે જૂના શબ્દોના અર્થો મર્યાદિત કર્યા હોત અથવા નવા શબ્દો સૂચવ્યા હોત. શિષ્ટ સાહિત્યના ભાષાંતરમાં ડગલે ને પગલે જે મુશ્કેલી ઉત્પન્ન થાય છે તે દૂર કરવા માટે પણ કોશમાં કાંઈક સગવડ કરી હોત. અમારો વિચાર એવો હતો કે, અત્યાર સુધી ચાલતું આવ્યું છે એમ જૂના કોશો ઉપર પૂરો આધાર રાખીને નવો કોશ તૈયાર ન કરવો, પણ સાહિત્યના અભ્યાસીઓ સ્વતંત્ર શોધખોળથી જેમ શબ્દોના અર્થ નક્કી કરે છે તે ઢબે બની શકે તેટલું કામ કરવું. જૂના કોશોને તરછોડવાનો વિચાર આમાં ન હતો, પણ શબ્દોના અર્થ પ્રમાણપુરઃસર છે એવી ખાત્રી કરી લેવાની અને અર્થો નક્કી કરવામાં પરંપરાની શિથિલતા કાઢી નાંખવાની વૃત્તિ હતી. અમુક મિત્રોએ સાહિત્યના અમુક વિભાગ વાંચી તેમાંથી મહત્ત્વના શબ્દોની વપરાશ, સંદર્ભ પ્રમાણેના અર્થ, અને તેનાં અસથાનો નોંધી લેવાનું વહેંચી પણ લીધું હતું. પણ એમાંથી અમે કશું કરી ન શક્યા.

        પણ આપેલા અર્થો માટે નર્મકોશથી માંડીને અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલા આપણા બધા કોશોની તેમ જ હિન્દી, મરાઠી, બંગાળી, સંસ્કૃત તથા અંગ્રેજી કોશોની મદદ લેવામાં અમે ચીક્યા નથી. જે અર્થોની ચોક્ક્સાઇની ખાત્રી નથી પડી તેમને માટે બનતી કોશિશ કર્યા છતાં જો નથી મળ્યા તો તેમને છોડી દેવામાં આવ્યા છે. બીજા કોશોમાં આપેલા અર્થો બને તેટલા વધારે સંક્ષિપ્ત રૂપમાં પણ પૂરેપૂરા સમજી શકાય એવી રીતે આપવાની ખાસ ચીવટ રાખેલી છે (વિરામચિહ્ન નથી)  શબ્દોના અર્થો મુખ્ય મુખ્ય લીધા છે અને તેમનો દીર્ –સૂત્રી વિસ્તાર કરેલો નથી. જે અર્થ બીજા શબ્દની જોડે વપરાતાં ઊપજતો હોય તેવાર્થો આપવામાં આવ્યા નથી. જોડણીકોશની મર્યાદામાં રહીને જ અર્થોનો વિસ્તાર કરી શકીએ એમ હોવાથી અમે શબ્દો સાથે રૂઢિપ્રયોગોની પણ નોંધ લીધી નથી.

        આ બધું કરનાર સાથીઓ પીઢ સાહિત્યસેવી ન ગણાય, પણ ભાષાપ્રેમી અને સાહિત્યસેવી તો જરૂર છે. એટલે એમણે બધી જાતની ચીવટ રાખવામાં મણા નથી રાખી. અર્થ આપવાની પદ્ધતિમાં સૂક્ષ્મ મતભેદોને સ્થાન હોય છે. તજજ્ઞ ભાષાશાસ્ત્રીઓ એવો ભેદ આ કોશમાં ઠેકાણે ઠેકાણે જોશે. પણ સામાન્ય વાચકોને એથી કશી મૂંઝવણ નડવાની નથી. છેલ્લી નજર એક બે વ્યક્તિઓએ પહેલેથી છેલ્લે આખર સુધી રાખેલી હોવાથી કોશમાં સળંગસૂત્રતા જળવાઈ રહી છે, અને તેથી જ અમે આ કોશ વિના સંકોચે પ્રજા આગળ મૂકી શકીએ છીએ.

        દરેક કામ ગમે તેટલા લોકોને હાથે થાય અને ગમે તે વ્યક્તિ ઉપર તેની જવાબદારી હોયે તોયે એ કામ ચીવટપૂર્વક પાર પાડવાની જવાબદારી એકાદ વ્યક્તિને માથે આવી પડે છે. જોડણીકોશના સંપાદનમાં એવી ચીવટ ભાઈ ભાઈ ચંન્દ્રશંકર શુકલે રાખેલી.  અર્થકોશની તૈયારીમાં એ ચીવટ રાખવી વિશેષ કઠણ હતી. તે કામ ભાઈ મગનભાઈ દેસાઈએ કર્યું. તેથી જ કોશ નિર્વિઘ્નપણે પ્રજાના હાથમાં મૂકી શકાય છે. શ્રી ચૂનીલાલ બારોટ, શિવશંકર શુકલ, ગોપાળદાસ પટેલ, અમૃતલાલ નાણાવટી અને ચિમનલાલ શાહ – આ બધા ભાઈઓએ ઓછીવત્તી પણ તનતોડ મહેનત ન કરી હોત તો આ કામ રહી જ ગયું હોત. શ્રી ચંન્દ્રશંકરે પોતાની જૂની જવાબદારી સ્મરણમાં રાખી, પોતાની માંદગી દરમ્યાન પણ, આનાં છેલ્લાં પ્રૂફ જોયાં છે. એક સિવાયના આ બધા જ ભાઈઓ વિદ્યાપીઠના સ્નાતકો છે એ વસ્તુની નોંધ લેતાં સંતોષ થાય છે.

        આજની સ્થિતિમાં સામાન્ય વ્યવહાર માટે આ કોશ સંપૂર્ણ ગણાય. પણ અમારે તો અમારા આદર્શને પહોંચવું છે. ગૂજરાતી સમાજના સર્વસંગ્રાહક સ્વભાવ પ્રમાણે ભાષા પણ સર્વસંગ્રાહક બની છે. વૈષ્ણવ અને શૈવ, જૈન અને સ્વામીનારાયણ સંપ્રદાયી, કાઠિયાવાદી અને ગાયકવાડી, મુસલમાન તેમજ પારસી, ખ્રિસ્તી તેમજ પરદેશી, બધાએ ગૂજરાતીની સેવા કરી છે. એ બધાની સેવાનો સરવાળો કરી ભાષાની સમૃદ્ધિ કેટલી છે એ કોશકારે તપાસવું ઘટે છે.

        સંખ્યાબંધ ગૂજરાતીઓ ગૂજરાત બહાર અને હિન્દુસ્તાન બહાર જઈ વસેલા છે. સ્વરાજની હિલચાલમાં ગૂજરાતે જે પ્રથમ સ્થાન લીધું છેતેને પરિણામે બહાર વસેલા ગૂજરાતીઓમાં નવી સ્ફૂર્તિ, નવી અને વ્યાપક દૃષ્ટિ, અને નવી શક્તિ આવ્યા વિના રહે નહિ. તેઓ જ્યારે દેશદેશાંતરનો પોતાનો અનુભવ, ત્યાંની સમાજસ્થિતિ, અને એ સ્થિતિને અનુકૂળ કરી લેવામાં કેળવેલો પોતાનો પુરુષાર્થ, એનાં બ્યાનો લખશે, ત્યારે ગૂજરાતી ભાષાહિંદુસ્તાનમાં અસાધારણ સમૃદ્ધિ બતાવશે અને રાષ્ટ્રવ્યાપી કેળવણીનું એક મહત્ત્વનું વાહન થઈ પડશે.

        કોઈ પણ ભાષાનો શબ્દકોશ એ તે ભાષાના, એટલે કે, તે ભાષા બોલનાર સમાજના પુરુષાર્થનું પ્રતીક હોય છે. એવા સમાજમાં દરેક નવી વસ્તુનો બહિષ્કારકરવાની સંકુચિત વૃત્તિ નથી હોતી, અને જે જુઓ તેનો સ્વીકાર કરો એવી ભિખારી વૃત્તિ પણ નથી હોતી. પોતાપણું સાચવીને, ગૌરવ વધારીને જેટલી નવી વસ્તુ લઈ શકાય અને આબાદ રીતે પોતાનામાં ભેળવી શકાય, તેટલાંનો સ્વીકાર કરતાં આચકો નહિ ખાય; અને નવાની ભભકથી અંજાઈ જઈ જેને જુએ તેને ચરણે ઢળી પડે, પોતીકાંનો તિરસ્કાર કરી પરાયાંનું દાસત્વ સ્વીકારે, એવી હીન બુદ્ધિ પણ ન રાખે. પોતાની હસ્તી જોખમમાં હોય ત્યારે પારકાના હુમલાથી બચી જવા માટે, અમુક જાતની પુરાણપ્રિયતા કહો અથવા ક્ષેમવૃત્તિ (conservatism) કહો, તે આવશ્યક હોય છે. ક્ષેમવૃત્તિ એ જિજીવિષાનું વ્યાકરણ છે. પણ જ્યારે સમાજ સમર્થ બને છે, પરાક્રમ પ્રગટ કરે છે, વિજીગિષા કેળવે છે, ત્યારે ક્ષેમવૃત્તિ કોરે મૂકી તે યોગવૃત્તિ ધારણ કરે છે.

        એ વખતે પણ નવું નવું ધારણ કરવાના ઉત્સાહમાં એ તણાઈ ન જાય અને આખો પ્રવાહ ડહોળાઈ ન જાય એટલા ખાતર વિજિગીષાનું વ્યાકરણ પણ જાળવવાનું હોય છય. પણ એ ક્ષેમવૃત્તિ કરતાં જુદું હોય છે. આ નવું વ્યાકરણ ધ્યાનમાં લઈ, દરેક દસકે ભાષાનો કોશ ફરી ફરી સજીવન કરવાની આવશ્યકતા ઉત્પન્ન થશે, એમ અમે માનીએ છીએ. ચાલુ લડતમાંથી જેઓ વિજય મેળવીને જેઓ નીકળ્યા હશે, તેમને માટે આ કામ અમે રાખી મૂકીએ છીએ. છેલ્લાં દસ પંદર વર્ષમાં ભાષાએ જે પ્રગતિ કરી છે, ભાષામાં નવા નવા શબ્દો દાખલ થયા છે, શબ્દોને નવા નવા અર્થો મળ્યા છે, તે બધાનો સંગ્રહ અમે કરી શક્યા છીએ એટલાથી જ અમને સંતોષ છે.

        બીજા સંસ્કરણનો લાભ લઈ અમે શબ્દોનો ઉમેરો કરવા શોધ કરી શક્યા હોત. પરંતુ તેને પહોંચી વળવું અશક્ય હતું. એટલે સહેજે અમને જેટલા નવા શબ્દો મળી આવ્યા તેમનો તો આમાં ઉમેરો કરી લીધો છે. . . . . કેટલાક શબ્દોનો અમે પહેલી આવૃત્તિમાં માત્ર વિકલ્પનિર્દેશ જ કર્યો હતો તેમને આમાં, અર્થકોશ તરીકે ઉપયોગિતાની દૃષ્ટિએ, જુદા પણ બતાવેલા છે.

        પ્રત્યયસાધિત શબ્દો, ક્રિયાપદનાં પ્રેરક તથા કર્મણિ રૂપો, અને અનેક સમાસોનો સમાવેશ કરીને કોશકાર ધારે તો શબ્દસંગ્રહ ઘણો મોટો દેખાડી શકે. અમે એવો લોભ રાખ્યો નથી. પહેલી આવૃત્તિમાં જે શબ્દો સંગ્રહાયા હતા તેમાંથી કેટલાક સમાસો તથા પ્રત્યયસાધિત શબ્દો આ આવૃત્તિમાં રદ પણ કરવામાં આવ્યા છે. અર્થકોશમાં તેમ કરવાને શુદ્ધ જોડણીકોશ કરતાં ઓછી છૂટ છે એ તથા જોડણીની આવશ્યકતાને વિચારીને જ તેમ કરવામાં આવ્યું છે. આમ વધઘટ થઈને સરવાળે શબ્દભંડોળ પહેલી આવૃત્તિ કરતાં મોટું નીવડ્યું છે. પહેલી આવૃત્તિમાં ૪૩૭૪૩ શબ્દો હતા, આમાં કુલ ૪૬૬૬૧ શબ્દો છે.

        પરિભાષિક શબ્દોનો ઉપયોગ આપણે નથી કરતા ત્યાં સુધી તેમની પસંદગી કરવાની મુશ્કેલ જ રહેવાની. વિજ્ઞાનશાસ્ત્રનો અભ્યાસ આપણે અંગ્રેજી દ્વારા કરીએ છીએ, એટલે ગમે તેવી સુંદર યોજેલી પરિભાષા પણ જીવંત ભાષાના કોશકારને સંગ્રહવી મુશ્કેલ પડે છે. પણ જો વાપરની કસોટી પર તેને ચડાવીએ, તો તેની પરીક્ષા થઈ પસંદગી સરળ બને છે. ગણિતની પરિભાષાના વિદ્યાપીઠના અનુભવ પરથી આ અમે કહી શકીએ છીએ. વિનયમંદિરના ગણિતની પરિભાષા આ કોશમાં લગભગ સંપૂર્ણતાએ સંગ્રહાયેલી છે. તેમ જ સંગીતને માટે પણ કહી શકાય. પરંતુ રસાયનશાસ્ત્ર્, પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વિદ્યુચ્છાસ્ત્ર્ વગેરેની પ્રમાણભૂત અને પ્રયોગસિદ્ધ પરિભાષાને અભાવે તે સંપૂર્ણાતાએ આ કોશમાં નથી. વિજ્ઞાન કે ગણિતની પરિભાષાની બાબતમાં અન્ય કોશોએ ગમે તેમ ગોઠવણ કરી છે તે તપાસીને જે શબ્દો ઠીક ન લાગ્યા તે રદ કર્યા છે.

        પણ આપણા સાક્ષરોના વિચારો પાશ્ચાત્ય ઢબે અને પાશ્ચાત્ય પરિભાષામાં ઠીક ઠીક વધતા જાય છે. તેમને વ્યક્ત કરવા તેઓ પરિભાષા પણ યોજતા જાય છે. તેનો વિવેક કરીને સંગ્રહ કરવો આવશ્યક ગણાય. તે આ કોશમાં કરવામાં આવ્યો છે. તેના અર્થ મુખ્યત્વે તેના અંગ્રેજી પર્યાય દ્વારા આપ્યા છે. તેવું જ ગણિતની પરિભાષા માટે પણ કર્યું છે. આવી રીતે અંગ્રેજી પર્યાયનો આશરો લાંબો વખત ન લેવો પડે એ તો ત્યારે જ બને કે જ્યારે આપણે તે પરિભાષાને રૂઢ કરી લઈએ.  

        જ્યાં શબ્દો સાથે વિસ્તારપૂર્વક વિગત આપવાની હોય છે, ત્યાં કોશકારની મૂંઝવણ સહુથી વધારે હોય છે. રમતો, વનસ્પતિ, ઔષધિ, પ્રાણી, પંખી, રોગ, ઘરેણાં, ઔદ્યોગિક ક્રિયાઓ, વ્રતો, ઉત્સવો, પંથ, વાદ, અવતાર, કારીગરોનાં ઓજારો વગેરેના અર્થ આપતી વખતે ઓછામાળ ઓછી કેટલી વિગત આપવી જોઈએ એ જ નક્કી કરવાનું રહે છે. વિસ્તાર ન કરતાં શબ્દાર્થ સ્પષ્ટ થાય, વાચકને બધી માહિતી ભલે ન મળે પણ શંકાનિવૃત્તિ તો જરૂર થાય, એ જાતનું ધોરણ જાળવવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

        કોશમાં દરેક શબ્દ સાથે તેનું વ્યાકરણ પણ આપવાની જરૂર રહે છે, કે જેથી એ શબ્દ વિશેષ ઓળખાય અને તેને કેમ વાપરવો એનો કાંઈક ખ્યાલ આવી જાય. એ વ્યાકરણનું વર્ગીકરણ આપણે અંગ્રેજી વ્યાકરણમાંથી ઉપાડી લઈ અમુક અગવડો વહોરી લીધી છે. કોશમાં આપેલા વ્યાકરણમાં ક્યાંક ક્યાંક મતભેદ કે પ્રશ્નો જરૂર ઊપજવાના. પણ તે તો જ્યાં સુધી ગુજરાતી ભાષાના સ્વભાવને અનુસરનાર એક સંપૂર્ણ અને શાસ્ત્રશુદ્ધ વ્યાકરણનો ગ્રંથ પ્રજા આગળ નથી મુકાયો, ત્યાં સુધી શું થાય ? શબ્દોના વ્યાકરણના નિર્ણય કરતાં એ ઉણપ અમને નજરે આવ્યા કરી છે. નામનાં લિંગ તથા વિશેષણ અને ક્રિયાવિશેષણનો ભેદ એ આ વિષેનાં આગળપડતાં દૃષ્ટાંતો છે.

        કોશની નવી આવૃત્તિમાં જોડણીના નિયમો જેવા ને તેવા જ રહે છે. એક બે જગાએ ફેરફાર કર્યો છે તેની અહીં નોંધ લેવી જોઈએ. આગલી આવૃત્તિમાં ‘સાંજ’ જોડણી કરેલી. તેનો હવે સાંજ–ઝ એવો વિકલ્પ માન્ય રાખ્યો છે. તેમ જ ઇન્સાફ–ઇનસાફ તથા ઇન્કાર–ઇનકાર એમ વિકલ્પ સ્વીકારવામાં આવ્યા છે. . . .

મહા સુદ ૭, સં. ૧૯૮૭                                     દ. બા. કાલેલકર

તા. ૨૬–૧–’૩૧, સોમવાર

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

રત્ય–કરત્ય

જુગલકીશોર

શીયાળો લાંબો થાય તો કાંઈ વેકેશન નૉ પાડે. બેશ્યાર દી’ હોય તો રજા લૈનેય એનાથી બચીયેં, પણ આ તો પરાણ્યે રોકાઈ પડેલા મૅમાનની જેમ જાવાનું નામ ન લેનારો શીયાળો, બાપ ! ઘરમાંય એના પરચા દેતો રૅ.

દાડાની દોડધામમાં શરદી માથું કાઢવા મથે તોય નૉ ફાવે પણ રાત્યની વેળા ઓઢવાનું ખસી જાય એની રાહ જ જોઈને જ જાણ્યે બેઠેલી શરદી શારડીની જેમ હાડ સુધી ઉંડી ઉતરી જાય….ને નસીબ પાંસરું ન હોય તો તો આવી બન્યું. લાં…બી માંદગીનાં પગથીયાં ચડાવીને ઝંપે.

શીયાળા પછી આવનારો કાળઝાળ ઉનાળોય જો એનાં અપલખણ વહેલાં શરુ કરી દે તો બદલતી રુતુ બેવડો માર ખવડાવે. શીયાળામાં ઠઠાડ્યે રાખેલાં વસાણાં કોઈ મદદમાં નૉ આવે. બે રુતુ ભેગી થાય ઈને ગામડામાં ‘બેરત્ય’ કે ‘કરત્ય’ કહે છે. બે ભેગી થાય ત્યાં સુધી વાંધો નહીં, એ તો કુદરતી નીયમ, પણ કરત્ય થવા જાય તો ઈને નૉ પૉકાય. રુતુસંધી નામે ઓળખાતી ઈ મોશમ સીધી હાલે ત્યાં સુધી જ ઠીક. વીફરે તો કોઈની નૈં.

આપણા દેશી વૈદામાં તો રુતુસંધીની વાતે આપણને ટપાર્યાં જ કર્યાં છે. પણ ઈને ગણકારે કુણ ? ગમતું ને સદતું (પ્રેય–શ્રેય) એ બેમાંથી માણસ જાત તો ગમતું જ ગજવે નાખવાનો ! સદે નહીં તોય વસાણાં ખાધ્યે રાખવાનાં ને બેરત્યનો ભો રાખ્યા વન્યાં ગમે તેમ, ગમે ત્યાં ફર્યા કરવાનું ઠીક નૉ કે’વાય ભાઈ.

સંધીકાળની કહેવાતી બેય રત્યુંમાંથી આવનારી જો જોરુકી હોય તો એનો સપાટો તરત દેખાઈ જાય ને આપણો દેહ ઈની આગળ નમી જાય ઈમ બને….બાકી જાનારી રત્ય જો ઠીકમ ઠીક હોય તો જાતાં જાતાં પાટું મારતી જાય ! એની હાર્યે આંખ્ય આડા કાન કરવાનુ નૉ પોહાય. ઈ ક્યારેક એવું પાટું મારતી જાય કે દવાખાનાના ધકા ખવરાવ્યે રાખે.

આવતલ રુતુની સામે ઉગતા સુરજની ઘોડ્યે નમી જાવાનું રાખો. ને હાલતી થઈ રયેલી રુતુથી થોડું ચેતવાનું રાખો તો હાંવ. બેરત્યમાં ખાવાપીવાનું ને હરવાફરવાનું ધીયાન જેટલું ન રાખીયેં એટલું ઓછું.

એટલે વાત એમ કે શીયાળો, ઉનાળો ને સોમાહું તો એના વારા પરમાણે આવતાં–જાતાં રેહે. આપણે ભણેલાં–ગણેલાં (હાચી વાત ?!)એ એટલું નકી ધીયાનમાં રાખવાનું કે આવતી રુતુ આવતાંવેંત થપાટ નૉ મારી જાય ને જાનારી રત્ય જાતાં જાતાં પાટું નૉ મારતી જાય !!

આપણા જોડણીકોશની પ્રસ્તાવનાઓ – ૧

[પહેલી આવૃ ત્તિ – ઈ.સ. ૧૯૨૯ ]

કાકાસાહેબ કાલેલકર.

––––––––––––––––––––––––––––

ગુજરાતી ભાષાને બહુજનમાન્ય એવી જોડણી નથી એ વસ્તુ, ગુજરાતીના અનેક ભક્તોની પેઠે ગાંધીજીને પણ હમેશ ખટકતી આવી છે. એમના યરોડાના જેલનિવાસમાં પણ એ વસ્તુનું ચિંતવન ચાલતું હતું, અને ત્યાંથી જ તેમણે સંદેશો મોકલેલો કે, ગુજરાતી ભાષાની આ દુર્દશા દૂર કરવી જ જોઈએ. જેલમાંથી બહાર આવ્યા પછી એમણે ત્રણ જણને એ કામ સોંપ્યું, અને શાસ્ત્રીય શુદ્ધિ અને રૂઢિ બંનેનો સમન્વય સધાય એવી રીતે જોડણીના નિયમોનો સંગ્રહ કરી તે પ્રમાણેનો લોકસુલભ એવો એક જોડણીકોશ તૈયાર કરવો, એમ સૂચવ્યું.

       જોડણી શાસ્ત્રપૂત હોય, બહોળી શિષ્ટ રૂઢિને અનુસરતી હોય, એ બધું જેટલું આવશ્યક છે, તેટલું જ, અથવા તેના કરતાંયે, જેવી હોય તેવી પણ જોડણી બહુજનમાન્ય અને નિશ્ચિત થઈ જાય, એ વધારે આવશ્યક છે. આજે અંગ્રેજી ભાષાની જોડણી બધી રીતે શાસ્ત્રશુદ્ધ છે એમ તો કહેવાય જ નહિ; કેટલીયે બાબતમાં એ ઢંગધડા વગરની છે. પણ તે પ્રજામાં સંગઠન અને તાલીમબદ્ધતા હોવાને લીધે ત્યાં જોડણીમાં અરાજકતા ફેલાવા પામી નથીઃ અંગ્રેજી ભાષાની જોડણી સર્વમાન્ય થઈ ચૂકી છે, તેથી જોડણીની બાબતમાં બધે એકધારું લખાણ જડી આવે છે. એક વાર રાજકતામાંથી વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ એટલે પછી સુધારા કરવા જ હોય તો તે કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ જાય છે.

       સુધારાનો પ્રવાહ માન્ય વિકલ્પોની મર્યાદામાં જ વહી શકે છે. વખત જતાં વિકલ્પોમાં અમુક જાતની જોડણી જ વધારે રૂઢ થાય છે અને બીજા વિકલ્પો અવમાન્ય ન હોય તો પણ, વપરાશને અભાવે, કાલગ્રસ્ત થઈ જાય છે અને ખરી પડે છે.

       અરાજકતા અને માન્ય વિકલ્પો વચ્ચે ભેદ કરવો જોઈએ. ભાષાની સંક્રમણાવસ્થામાં વ્યવસ્થા જાળવવી એ અઘરું કામ છે. એવે પ્રસંગે વિકલ્પોને ઓછામાં ઓછા રાખવા કરતાં ભાષા ખમી શકે તેટલા વધારેમાં વધારે રાખવા એ નીતિ અપરિહાર્ય છે. પણ અરાજકતા તો એક ક્ષણને માટે પણ સહન કરવા જેવી વસ્તુ નથી. જેમણે ભાષાની કીમતી સેવા કરી છે અને શાસ્ત્ર, રૂઢિ અથવા લોકમાન્યતાની દૃષ્ટિએ જેમનો પક્ષ સમર્થ છે, તેમને વિકલ્પો દ્વારા બની શકે તેટલી માન્યતા આપવી, એ જ ભાષાવ્યવસ્થાનો એકમાત્ર ઉપાય છે. અને જોડણીના ભિન્ન ભિન્ન પક્ષકારોએ એટલી વાત તો સ્વીકારવી જ જોઈએ કે, અરાજકતા મટી તેને સ્થાને વિકલ્પપ્રચૂર વ્યવસ્થા ભાષામાં ઉત્પન્ન થાય તોયે તે મહત્ત્વની પ્રગતિ જ ગણાવી જોઈએ. અને આવી પ્રગતિ પછી જ કોઈ પણ સુધારાને વધારે અનુકૂળ પરિસ્થિતિ મળે છે. અરાજકતા અને વિકલ્પ વચ્ચેનો ભેદ ધ્યાનમાં આણીને અને અરાજકતા પ્રગતિને અથવા એકે પક્ષને પોષક નથી એમ જોઈને, એક વાર બહુજનમાન્ય એવી જોડણીની વ્યવસ્થા સ્વીકારવામાં બધા અનુકૂળ થાય તો ઇષ્ટ હેતુ સફળ થાય. અને કેટલીક વાર તો વિકલ્પના બંને પ્રકાર હંમેશને માટે ભાષામાં ચાલતા જ રહેવાના છે. દાખલા તરીકે, સંસ્કૃતપ્રચૂર અથવા લલિત શૈલીમાં ‘લ’ અને ‘ળ’ના વિકલ્પ વચ્ચે ‘લ’ને જ વધારે પસંદ કરવામાં આવશે, અને સાદી તળપદી ભાષામાં ‘લ’ને બદલે ‘ળ’ વાપરવા તરફ લોકો ઢળશે.

       ગાંધીજીએ નીમેલી ત્રણ જણની સમિતિએ, જોડણીની બાબતમાં પૂર્વે થયેલી બધી ચર્ચા ધ્યાનમાં લઈ, ચોથી સાહિત્ય પરિષદની જોડણીસમિતિના ઠરાવને આધારરૂપ ગણી, શિષ્ટ અને લોકમાન્ય એવા સાક્ષરોની રૂઢિ તપાસી કેટલાક નિયમો તારવી કાઢ્યા, અને એ વિષયોમાં અધિકાર અથવા રસ ધરાવતા લોકો પર તે મોકલી તેમનો અભિપ્રાય પૂછ્યો. તે નિયમો તારવવામાં તેમણે નીચેનો ઉદ્દેશ ખાસ ધ્યાનમાં રાખ્યો હતોઃ

       શિષ્ટ રૂઢિમાં બહુ ફેરફાર કરવો ન પડે, નિયમો સહેલાઈથી સર્વમાન્ય થઈ જાય, અને લખવા અને છાપવામાં લેખકો અને મુદ્રકોને અગવડ ઓછી પડે, છાપેલો લેખ આંખને ગમે, અને અક્ષરની ઓળખ ટૂંક વખતમાં સર્વત્ર ફેલાય એટલા માટે, અને નવા વાંચતાં શીખનારને સગવડ થાય એ ઉદ્દેશ રાખીને આપણા નિયમ ઘડવા જોઈએ, એમ સૌ કોઈ સ્વીકારશે જ. જોડણીમાં વ્યુત્પત્તિનો ઇતિહાસ સાચવવાનું બને તો તે પણ ઇષ્ટ જ છે, એ વિષે પણ મતભેદ ન જ હોઈ શકે.

          એક વરસના વિચારવિનિમયને પરિણામે વાતાવરણ બહુ જ અનુકૂળ દેખાયું અને ઘણા લોકોની સામાન્ય સંમતિ એ નિયમો માટે મળી. ઘણા ભાઈઓએ કીમતી સૂચનાઓ કરી હતી અને વિકલ્પો સૂચવ્યા હતા. એ બધાનો યથા શક્ય સંગ્રહ કરી સમિતિએ બીજી પત્રિકા બહાર પાડી અને સર્વમાન્ય થઈ શકે એવા નિયમો પ્રસિદ્ધ કર્યા. આ નિયમો ઘડવામાં દી. બ. કેશવલાલ ધ્રુવ તેમ જ સ્વ. સર રમણભાઈ તરફથી કીમતી મદદ અને સહાનુભૂતિ મળ્યાં હતાં.

       એ જ અરસામાં વિદ્યાપીઠે નીચેના ગૃહસ્થોની એક જોડણી સમિતિ નીમીઃ શ્રી. રામનારાયણ પાઠક, શ્રી. છોટાલાલ પુરાણી, શ્રી. કાલીદાસ દવે, શ્રી. નરહરિ પરીખ. એ સમિતિએ ગાંધીજીની સમિતિના નિયમો સ્વીકારી લીધા, એટલે ગાંધીજીએ વિદ્યાપીઠ મારફતે જ જોડણીકોશ તૈયાર થઈ જાય એમ સૂચવ્યું; અને વિદ્યાપીઠે જોઈતાં નાણાંની સગવડ કરી શ્રી. નરહરિ પરીખને એ કામની વ્યવસ્થા સોંપી. રેલસંકટના કામમાં નરહરિભાઈને રોકાવું ન પડત તો શરૂ થયેલું આ કામ વચમાં ન અટકત. અનુભવ ઉપરથી નક્કી થયું કે, આ કામ બીનઅટકાવ ચલાવવું હોય તો જેને માથે બીજી કશી જવાબદારી નથી એવા માણસની સેવા આ કામમાં લેવી જ જોઈએ. એટલે ભાઈ ચંદ્રશંકર શુક્લ ઉપરાંત શ્રી. વિશ્વનાથ મગનલાલ ભટ્ટને રોક્યા.

       જોડણી નક્કી કરવાની સાથે, પ્રચલિત કોશોમાં નથી અને છતાં પ્રાચીનકાળથી અથવા હાલની જાગૃતિને પરિણામે જે શબ્દો વપરાય છે, એવા શબ્દોનો સંગ્રહ કરવો પણ આવશ્યક હતો. આ કામમાં કેટલાક મિત્રોએ કીમતી મદદ કરી છે. આ રીતે આધુનિક ગ્રંથકારોએ ભાષામાં દાખલ કરેલા સંખ્યાબંધ શબ્દો આ કોશમાં પહેલવહેલા દાખલ થયા છે. શબ્દોની જોડણી સાથે દરેક શબ્દના મુખ્ય મુખ્ય અર્થો પણ આપવા અને બની શકે તો વ્યુત્પત્તિ પણ આપવી એવો વિચાર પ્રથમ હતો; પણ વ્યુત્પત્તિ એ મહત્ત્વનું અને નવું ક્ષેત્ર છે, અને અર્થો અને વ્યાખ્યાઓ પ્રમાણ ગણાય એવી રીતે આપવામાં ઘણો વખત જાય એમ હતું. એ બંનેને પહોંચી વળતાં ઘણો વખત જશે એમ જોઈને અને ગાંધીજીની ખાસ સૂચનાથી મૂળ વિચાર ફેરવ્યો, અને ફક્ત જોડણી નક્કી કરીને જ કામ જલદી પતાવવું એમ ઠરાવ્યું. આમ કરવાથી પુસ્તકનું કદ નાનું થયું, કિંમત પણ ઓછી થઈ, અને એક જ ભાગમાં આખો શબ્દસંગ્રહ આવ્યો. જોડણીકોશનો મુખ્ય ઉપયોગ તો સંશય વખતે ઝટ એની મદદ લઈ જોડણીનો નિર્ણય કરી શકાય એ છે. લેખકો, વિદ્યાર્થીઓ, અને ખાસ કરીને મુદ્રણાલયો અને પ્રકાશન મંદિરોના મેજ ઉપર એવી એક ચોપડી પડી હોય, તો તેમની હંમેશની મૂંઝવણ દૂર થાય છે.

જો નિરપવાદ નિયમ કરીને જ બધું કામ સરી શકે એમ હોત, તો જોડણીકોશ તૈયાર કરવાની આટલી બધી આવશ્યકતા અને ઉતાવળ ન પણ રહેત. પણ નિયમ નક્કી કર્યા છતાં રૂઢિ અને પરસ્પર વિરોધી એવા લાગતા નિયમોના બલાબલનો વિચાર દરેક શબ્દ વખતા કરવો પડે છે, અને તેથી દરેક શબ્દનો નિયમોની દૃષ્ટિએ સ્વતંત્ર રીતે વિચાર કરી જોડણી નક્કી કરવી પડે છે. ભાષા વાપરનાર દરેક વ્યક્તિ દરેક પ્રસંગે આવી પરીક્ષા ન કરી શકે અને દર વખતે એક જ નિર્ણય ઉપર પણ ન આવી શકે, એટલા માટે કોશની સગવડ આપવી પડે છે. એ જ કારણે, કોશ તૈયાર કરતી વખતે પણ, નક્કી કરેલા નિયમોમાં અમુક વધારા અને અમુક ફેરફાર કરવા પડ્યા છે. આવા ફેરફારો અનેક તત્ત્વો ધ્યાનમાં રાખીને કરવાના હોવાથી એક જ માણસની મુનસફી ઉપર આધાર ન રખાય. પણ જેમને શાસ્ત્ર, રૂઢિ અને શિષ્ટ લેખકોનું વલણ આ ત્રણેનો ઠીક ઠીક પરિચય છે એવા એક કરતાં વધારે નિરાગ્રહી લોકોની મદદ મેળવી શકાય તેટલી મેળવવી જોઈએ એમ સમજી, છેલ્લી જોડણી નક્કી કરતી વખતે શ્રી. મહાદેવભાઈ, શ્રી. રામનારાયણભાઈ અને શ્રી. નરહરિભાઈ બારડોલીના કામને અંગે એકત્ર રહ્યા હતા, એનો લાભ લીધો છે.

       જોડણીકોશમાં ગુજરાતી ભાષાના બધા જ શબ્દો આવી જવા જોઈએ એ વાત સ્પષ્ટ છે. પણ એમ કરતાં કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવાના હતા. કોશનો અધિકાર ભાષામાં ચાલુ થયેલા અથવા માન્ય લેખકોએ વાપરેલા શબ્દોનો જ સંગ્રહ કરવાનો છે. સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓના કુટુંબમાંની જ ગુજરાતી પણ હોવાથી એ ભાષાઓમાંથી ગમે તેટલા શબ્દો ગુજરાતી ભાષા લઈ શકે છે; પણ તેટલા ખાતર એ ભાષાઓમાંથી લેવા લાયક બધા શબ્દો કોશમાં દાખલ કરીએ તો શબ્દસંખ્યા વધે, પણ એ ગુજરાતી ભાષાકોશ ન ગણાય. જેટલા શબ્દો ગુજરાતી ભાષામાં વપરાયા હોય અને ભળ્યા હોય તેટલાને જ ગુજરાતી શબ્દકોશમાં સ્થાન હોઈ શકે છે.

       સામાન્ય શબ્દોને પ્રત્યયો લગાડી જેટલા શબ્દો થઈ શકે છે તે બધા આપવા એ પણ કોશકારનું કામ નથી. અને જોડણીકોશની દૃષ્ટિએ તો, મુખ્ય શબ્દ આપ્યા પછી, જોડણીમાં ફેરફાર ન થતો હોય તો, પ્રત્યયસાધિત શબ્દો રૂઢ હોય તો પણ આપવાનું પ્રયોજન, ખરું જોતાં, નથી. છતાં શરૂઆતમાં એવા શબ્દો આપીને પણ કોશ વાપરનારનું કામ સહેલું કરી આપવું આવશ્યક જણાવાથી પ્રત્યયસાધિત રૂપો આપ્યાં છે. આગળ ઉપર જોડણીકોશમાંથી એવા શબ્દોને બાતલ કરવા જોઈશે.

          જોડણીનો વિચાર કરતી વખતે હશ્રુતિ અને યશ્રુતિ જોડણીમાં વ્યક્ત થવી જોઈએ એ શ્રી. નરસિંહરાવનો આગ્રહ ધ્યાનમાં આવ્યા વગર રહેતો નથી. તેઓ કહે છે કે, ગુજરાતી ભાષાના સ્વભાવમાં એ વસ્તુઓ છે અને જૂના લોકો એ બંને શ્રુતિઓ લખવામાં વ્યક્ત કરતા પણ હતા. સરકારી કેળવણી ખાતાએ મનસ્વીપણે એનો છેદ ઉડાડ્યો અને લોકોએ જડતાથી અત્યાર સુધી એ જોહુકમીને ટેકો આપ્યો છે.

       એમની એ વાત અત્યાર સુધી લોકોએ ધ્યાન ઉપર નથી લીધી એ બરાબર નથી થયું. પણ આટલા દિવસના અનુભવ પછી જરૂર કહી શકાય કે, જે ફેરફાર થઈ ગયો છે; ‘હ’ અને ‘ય’નું જોડણીમાં ફરી સ્થાન સર્વમાન્ય થવું એ લગભગ અશક્ય છે. પણ એનું મુખ્ય કારણ એ નથી કે, લોકોને એ બે શ્રુતિઓ સામે વાંધો છે. પણ જનસ્વભાવ લખવા વાંચવામાં અને છાપખાનાંવાળાઓ બીબાં ગોઠવવામાં જોડાક્ષરો વધે એ પસંદ નથી કરતા. જો હશ્રુતિ અને યશ્રુતિ વ્યક્ત કરવાનો કોઈ સહેલો ઉપાય લિપિસુધારાને અંગે થાય તો શ્રી. નરસિંહરાવના પ્રયત્નને અત્યાર સુધી નથી મળ્યો એવો ટેકો જરૂર મળશે.

       કેટલાક શબ્દો સારા લેખકોએ અથવા કવિઓએ વાપરેલા હોવા છતાં, વપરાશમાં કાં તો આવ્યા નથી અથવા રહ્યા નથી. તેવા કાલગ્રસ્ત શબ્દોનો અર્થ કરવો પણ કોક કોક વાર મુશ્કેલ થઈ જાય છે. એવા શબ્દો નજીકના ભવિષ્યમાં કોઈ વાપરે એવો સંભવ પણ નથી હોતો. એવા શબ્દોની જોડણી નક્કી કરી આપવાનું ખાસ પ્રયોજન નથી. છતાં અર્થકોશમાં તે કામ આવે તેમ જાણી તેમને આ કોશમાં સ્થાન આપી + નિશાનીથી જુદા પાડ્યા છે….

       જે કોશોમાંથી અમે શબ્દસંગ્રહ પ્રથમ ભેગો કર્યો, તે કોશોના કર્તાઓનો અને પ્રસિદ્ધકર્તાઓનો અહીં આભાર માનીએ છીએ. શ્રી. લલ્લુભાઈ ગોકળદાસ, શ્રી. જીવણલાલ અમરશી, શ્રી. ભાનુસુખરામ અને ભરતરામ, એમના કોશો તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ફારસી–અરબી કોશ, એ ગ્રંથોનો અમે વિશેષ ઉપયોગ કર્યો છે. આપટેના સંસ્કૃત કોશ વગર કોઈ ચલાવતું જ નથી. બીજા પણ કેટલાક કોશો અમે વાપર્યા છે. પ્રચલિત સાહિત્યમાંથી શબ્દો કાઢી આપવામાં ગોંડલના ભાઈ ચંદુલાલ પટેલ, રાજકોટના કવિ ત્રિભુવન વ્યાસ ઇ૦ મિત્રોએ કરેલી મદદની અહીં નોંધ લેવી ઘટે છે…જોડણીના નિયમો નક્કી થયા, આવેલી બધી સૂચનાઓનો વિચાર થયો, અને શબ્દોનો સંગ્રહ પણ બની શકે તેટલો સંપૂર્ણ કર્યો; પણ મુખ્ય કામ એ નિયમો અને સૂચનાઓને અનુસરીને એ બધા શબ્દો એકધારી રીતે અને અકારાદિ ક્રમ પ્રમાણે લખવાના એ તો રહી જ ગયું હતું. નરહરિભાઈએ એ કામ કેટલુંક કર્યું હતું, પણ વિશ્વનાથભાઈની મદદ ન મળી હોત તો કોશ આટલો જલદી પૂરો ન થાત. એમણે નિયમિતતાથી અને શાસ્ત્રીય રસથી કામ કરી આપ્યું એને માટે તેઓ ખાસ ધન્યવાદને પાત્ર છે….

       ગુજરાતી જોડણી વિષે ચર્ચા, કંઈ નહિ તો ૬૦ વરસથી ચાલતી આવી છે. જેમણે એ બાબતમાં લખ્યું છે તેમનાં નામ સહુ કોઈ જાણે છે.પણ જેમણે ખાનગીમાં ચર્ચા કરી હોય, બીજાઓને પ્રેરણા આપી હોય, અને નિર્ણય આણવામાં મદદ કરી હોય, એવા જ્ઞાત ભાષારસિકો અને શિક્ષકો તો ઘણા હશે. એવા બધાના સંકલ્પોમાંથી જ જોડણીકોશ આખરે પેદા થાય છે. કેળવણી ખાતાએ જોડણીના કાંઈક નિયમો તૈયાર કરી એ પ્રમાણે પાઠ્યપુસ્તકો છપાવ્યાં એ જ વખતે જો આ વિષયોનો સર્વાંગી વિચાર થયો હોત, તો અત્યારે જોડણીનો સવાલ જ ઊભો ન થયો હોત. પણ તેમ ન બન્યું. તેથી વિદ્વાનોમાં અસંતોષ ફેલાયો અને જોડણીની ચર્ચા શરૂ થઈ. સ્વ. કવિ નર્મદાશંકરથી માંડીને અત્યાર સુધી જે લેખકોએ જોડણીની ચર્ચા કરી છેએમની સંખ્યા નાનીસૂની નથી. સ્વ. નવલરામ, સ્વ. કમળાશંકર, સ્વ. ગોવર્ધનરામ વગેરે વિદ્વાનોએ જોડણીમાં વ્યવસ્થા આણવાના પ્રયત્નો કર્યા છે. દી.બ. કેશવલાલ ધ્રુવ, શ્રી. નરસિંહરાવ ભોળાનાથ, શ્રી. આનંદશંકર ધ્રુવ વગેરે વિદ્યમાન વિદ્વાનોએ પણ આ વિષય ઉદ્દીપિત કર્યો છે. એ બધાની મહેનત અમારી આગળ હતી, તેથી જ અમે જોડણીના નિયમો સહેલાઈથી નક્કી કરી શક્યા. . . .એટલે અમારી આ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેનાર સઘળા ભાઈઓનો અમે આભાર માનીએ છીએ….

ફાગણ વદ ૭, સોમવાર,                                   

સં. ૧૯૮૫                                                                  દ.બા. કાલેલકર

અક્ષરાંકનઃ જુગલકીશોર.

જઠરાગ્નિ

(છંદ: મનહર)

વિસ્તારીને શેઠ એનું પેટ મોટું કરી બેઠા,

ભૂખ લાગે નહીં એવી તકલીફ આવી છે.

મ્હેલ જેવા બંગલામાં વેરી થઈ સગવડો;

અગવડો એક પછી એક અપનાવી છે.

બંગલાની સામે એક ઝૂંપડીમાં વસનારો

શ્રમજીવી રોટલીના ઢગને પચાવે છે –

જાણી એવું શેઠિયાને થયું અચરજ બહુ;

પચવાની વાત કેવી અમને નચાવે છે !

બતરીસ પકવાનો પચવાનું નામ ના લે –

એનો ઢગ રોટલાનો ઝટ પચી જાય છે.

સામસામા બેઉ જણા જીવે સાવ વિપરીત,

નવાઈની વાત એનો કોઈ શું ઉપાય છે ?

વિચારીને શેઠ એક સાંજ પડ્યે નવરાશ્યે

મજૂરને ખાનગીમાં વિનવે ધીરે રહી :

“વાત એક મારી જો તું માની જા તો પાડ મોટો;

જઠરાગ્નિ તારો મને આપે શું મને નહીં ?!”

વિચારીને છેક, ખુશ થઈ, શ્રમજીવી કહે,

“વાત શેઠ, આપની હું ટાળી કેમ શકું છેક ? 

આપ જેવા અમીરોની સેવા કરવાની તક

આવે ત્યારે પાછો પડી કરું શું અવિવેક ?!

તોય એક માગણી તો હુંય કરી લઉં, શેઠ –

‘માગવા’ની સાથે સાથે ‘આપવું’ ફરજ છે.

લેવા દેવા સામસામે, એ ન્યાયે માગી લઉં

જઠરાગ્નિ તણું માથે આપને કરજ છે !  

ખાધેલું પચાવવાને આપ્યો મેં જઠરાગ્નિને;

ખાવાના છે સાંસાં, આપો તમારા મંદાગ્નિને !! 

– જુગલકિશોર તા. ૨૩, ૦૫, ૧૯.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

મનહર છંદની વિશેષતાઓ :

૧) બે ભાગમાં વહેંચાયેલી એક પંક્તિમાં ૩૧ અક્ષરો – પ્રથમમાં ૧૬, દ્વિતીયે ૧૫. (લઘુગુરુ સ્થાન નક્કી નહીં)

૨) છેલ્લો એકત્રીસમો અક્ષર ગુરુ ગણવો

૩) બબ્બે પંક્તિઓ વચ્ચે અન્ત્યાનુપ્રાસ

૪) બન્ને પંક્તિમાં ચાર ચાર અક્ષરોનાં આવર્તનો આવે છે અને બીજી ૧૫ અક્ષરોની પંક્તિમાં છેલ્લાં બે આવર્તનો ૩–૪ અથવા ૪–૩નાં આવશે.

અમારા મનુભાઈ (દર્શક)

– જુગલકીશોર

મનુભાઈ પંચોળી – દર્શક પાસે ચારેક વરસ ભણવાનું મળેલું. ૧૯૬૧–૬૨થી ૬૫–૬૬. શાપુર સર્વોદય આશ્રમ–લોકશાળામાં ૬ વરસ મેટ્રીક કરતાં સુધીમાં ત્યાંના પુસ્તકાલયમાં જેટલી હતી એટલી – લગભગ બધી નવલકથા–નવલીકાઓ વાંચી મારેલી ! પણ તોય દર્શક હજી આઘા હતા. લોકભારતીમાં એમની નવલકથાનીય પહેલાં એમને માણ્યા હતા. રાજનીતી ભણાવતા. પણ જુદાં જુદાં છ–સાત છાત્રાલયોમાંના કોઈ છાત્રાલયે ક્યારેક રાત પડ્યે પોગી જાય. “મનુભાય આવ્યા છે”ની વાત વાયરે વેતી થાય ને જેને ખબર પડે ઈ ઓલ્યા છાત્રાલયે પોગી જાય એમને સાંભળવા.

છાત્રાલયની વચ્ચોવચ એક મોટો ઓરડો રહેતો. કાં તો ત્યાં ને નહીં તો પછી બહાર આંગણામાં લાકડાનું મોટું ટેબલ મુકાઈ જાય ને બાપુ પલોંઠી વાળીને બેહે. એમની પલાંઠીમાં  પગ ઉપર પગ ચડેલો હોય, ને વાત જેમ જેમ જામતી જાય તેમ તેમ તેઓ ઉપરવાળા પગને તળીયે હાથની હથેળી ફેરવતા જાય, જાણે વાર્તારસનો સ્રોત ન્યાંકણે હોય !!

દરીયાના આછરેલા પાણીના નીલા રંગનો જ આંખોનો રંગ. ધારદાર ને ઘાટીલું નાક. વીશાળ કપાળ ને ઘુઘરીયાળા કેશ ! વાતું કરતા જાય ને ઝીણી આંખે બધાંને જોતાં જાય, પણ વીંધી નાખે તેવી તીણી નજર. (મેઘાણીભાઈ અંગે એમણે કરેલાં નીરીક્ષણોમાં વાચકને આ તીણી નજરનો સમુચો પરીચય થઈ જાય તેવાં એમનાં અર્થઘટનો.)

દરરોજ એક સો પાનાં વાંચીને જ સુવાનો વણલખ્યો નીયમ એમને ઢગલાબંધ પુસ્તકોમાં લઈ જાય છે. “મારી વાચનયાત્રા”માં એમણે જે પીરસ્યું છે તેય આ અગાધ વાચન આગળ પાણી ભરે.

અદોદળું શરીર. પેટ એમનું વરસમાં બે વાર તો જોવામળે જ. એક વાર હોળીના દીવસે (આ દીવસે એમને આખે શરીરે, ને ખાસ તો ફાંદા ઉપર ગારાના લેપ થયા હોય !)…..ને બીજું ટાણું લોકભારતીમાં પડેલો પહેલો વરસાદ ! પહેલો વરસાદ પડે એટલે ઓફિશ્યલી રજા ડીકલેર કરવાની નહીં; કોઈ પણ વીદ્યાર્થી સંસ્થાના મોટા બેલ (ઘંટ) પાસે જઈને સમણવા માંડે ને બેલ લાં….બો ચાલે એટલે વીદ્યાર્થીઓ તો હમજ્યા મારા ભૈ, કાર્યકરોય નીકળી પડે મોટા, મધ્ય ચોકમાં…..ને જેમ જેમ બધા ભેગા થાય તેમ તેમ પછી શરુમાં વરસતા વરસાદે રાસડા લેવાય ને પછી આખું રામણું ઉપડે ચારપાંચ કી.મી. દુર સાંઢીડા માદેવને રસ્તે ! ને આંયકણે મનુભાઈ ધોતીયાભેર કછોટો વાળીને દેખા દે !!

પણ વાત આટલેથી અટકાવે તો મનુભાય શેના. નદીના ધરાને કાંઠે એક ઝાડ. એની ઉપર યુવાનની જેમ ચડી જાય. (મને હંમેશાં બીક રહ્યા કરતી, પગ લસરશે તો નહીં ? ભીનું થયેલું ઝાડ ને એમનું શરીર ! પણ ના. એ તો ઉંચી ડાળ્યે જઈને ત્યાંથી ધુબાકો મારવા તૈયાર થાય. એને જાણકારો ધુબાકો કે’તા નથી; એ પલોંઠીયો કહેવાય. નીચે પાણીમાં પડતાં પહેલાં અધવચ્ચે જ પલોંઠી વાળી દેવાની, શરીર સહેજ વાળવાનું ને થાપાનો ભાગ પહેલો પડે તે રીતે ધુબાકવાનું….ને પછી જે પાણી ઉછળે એમાં નીયમ એવો હોય છે કે જ્યાંથી ધુબાકો માર્યો હોય એટલે ઉંચે પાણી ઉછળવું જોયેં !! પલોંઠીયાની તો જ સફળતા મનાય. મનુભાઈએ ઉછાળેલું પાણી અમે જોઈ રહીએ – એ ધુબાકાની સફળતા માણતા !!

ગુજરાતના ઉત્તમ નવલકથાકાર, સાવ દેશીજીવનના – સાચા સામાજીક માણસ, સર્વોદયીઓના આગેવાન – ગુરુ સમ નાનાભાઈ અને વિનોબાજીને પણ સમય આવ્યે સંભળાવી દ્યે – રાજનીતીમાં નોખો ચીલો પાડનારા અને…..અને…..જાણ્યે સાંભળ્યા જ કરીએ, એવા વક્તા ! (આરંભની ચુંટણીઓમાં દેશના કોઈ મોટા નેતાની સભા હતી ત્યારે લોકો હકડે ઠઠ ભેગા થયેલા. પછી થોડેક આઘે એકાદ તુટી ગયેલી દીવાલ જેવા ઓટલે બેસીને મનુભાઈએ પણ સભા ચાલુ કરેલી……એમની ચુંટણી સભા એટલે વાર્તાઓ, બોધકથાઓ અને સામાજીક આદર્શોનો સમન્વય ! કહેવાય છે કે પેલા નેતાની સભા ભાંગીને ભુક્કો થઈ જયેલી !)

આ મનુભાઈની વાતો તો ખુટાડી ખુટે નૈં એ રોખી છે. એકમાંથી બીજી ને એમાંથી ત્રીજી દોર નીકળતી જ જાય ! આપણે તો આજનો દી’ આંયાં જ અટકવીં !!

કૉમ્પ્યુટર ગીતા – ૫

 (છંદ : અનુષ્ટુપ)

ધુર્તરાજ ઉવાચ :

પુરી વાત કહે મને, સંચય, જાણું ના કશું;

ગુરુચેલો મળી બન્ને ક્યારના કરે છ શું ?!

પેલો તો ક્યારનો આપે ભાષણ, શીષ્યને અને

શીષ્ય તો જો, થતો સામો !  આવું તો કેમનું બને ?!

શીષ્યને હોય ના લાડ; આ તો નર્યો બગાડ છે –

શક્તી ને ટૅમનો પુરો; લાગે, બન્ને કબાડ છે !

તું જરી માંડીને વાત, કહેજે ને નીરાંતવો;

ત્યાં લગી લૈ લઉં ઉંઘ; નેડો કૈં વાતનો થવો ?!

સંચય ઉવાચ :

પ્રતીનીધી પ્રજાના છો, જાણવું હોય સત્ય જો –

તો પછી ઉંઘવાની આ વૃત્તીને જલદી ત્યજો !  

ગુરુને શીષ્યને માટે નથી પ્રેમ જરાય તે

ટ્યુશને મળતા પૈસા, એની લ્હાય જણાય છે.

વાલીઓ એટલું જાણે, છોરો ભણીગણી મને

આપશે કાંક લાવીને, કમાશે તો ‘કંઈક’ ને ?!

ગુરુ ટ્યુશનીયો મળ્યો, કીબોર્ડે અટકી રહ્યો,

ચેલકો એય માથાનો મળ્યો, ક્યાં ભટકી ગયો !!

કીબોર્ડે અક્ષરો ગોતે, આગળ ક્યાંથી આવશે ?

શબ્દ ને વાક્ય ને કાવ્યે લૈ જૈને શું ઉકાળશે ?

ધુર્તરાજ બોલ્યા :

ઓહ્ તો વાત છે આવી; પેલેથી કહ્યું નહીં ?

‘સંચય’ નામ છે તારું વાત તેં સંઘરી ત્યંહીં !

તો હવે ક્હે મને સાચું, આપું પગાર શેં તને ?

પ્રજાને જાણવી મારે, ચુંટણી આવી જો કને !!  

સંચય ઉવાચ :

તો હવે સાંભળો બાપુ, વૉલ્યુમ મોટું રાખીને  

પ્રજાની વાતું જાણી લ્યો, આવતો ટૅમ પાખીને.

– જુગલકીશોર

કમ્પ્યુટરી ગીતા – ૪

ગયા અંકે નીચેનો શ્લોક આપણે વાંચી ગયા. શીષ્યની વ્યથાકથા સાંભળીને ગુરુજી હવે શું કરશે ? ચાલો, જાણીએ અંક ૪માં ! – જુ.)

(પરંતુ આ, પ્રભુ ! સામે અક્ષરો કીબોર્ડે લહુ,

દાંતીયાં કરતા લાગે, એનાથી બીઉં હું બહુ !! 

(આ શ્લોકના પ્રથમ ચરણના બીજા ભાગમાં આઠને બદલે નવ અક્ષરો હતા ! કોઈનું ધ્યાન ગયું નહીં તે મેં સુધારી લીધા !)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

‘એનાથી બીઉં હું ભારે’, ક્હીને ચુપ શીષ્ય, ને
સવાલો આંખમાં વાંચી પટાવે ગુરુ શીષ્યને :

ગુરુજી બોલ્યા :

કીબોર્ડે અક્ષરો બેઠા, એ બધ્ધા ક્ષર છે, બકા !
એને તું અ–ક્ષરા ક્હૈને નકામો બી મરે છ કાં ?

આવડે નહીં ત્યાં સુધી અક્ષરો અઘરા પડે,
આવડે જે ક્ષણે, એવા આંગળી–ટેરવે ચડે !

ટેરવે અક્ષરો ફાવે, અક્ષરો શબ્દ લાવશે –
શબ્દથી વાક્ય સંધાશે, વાક્યે કાવ્ય જ લાધશે !

અરજણ બોલ્યો :

શબ્દથી નીકળે ‘અર્થ’, અર્થનો તો જ અર્થ છે;
‘અર્થ’થી દુનીયા ચાલે, નાણું એ ‘અર્થ’–અર્થ છે.

શબ્દથી જો મળે નાણું, શબ્દથી નીપજે બધું,
તો પછી શબ્દને કાજે અક્ષરોથી નહીં ડરું !

શીખું હું આપની પાસે, કીબોર્ડાક્ષર–શબ્દ હું,
શબ્દથી અર્થ પામીને ટ્યુશન–ફી પછી દઉં !

શબ્દથી વાક્ય સુધીનો લાંબો પંથ પડે અહો !
વાક્ય કે કાવ્યનું મારે કામ શું છે, મને કહો !

આ બધાં વાક્ય ને કાવ્ય, ભાષાસાહીત્ય સામટાં
એ બધાં લક્ષ્ય શેં વીંધું – લાગે કેવાં હટાકટા !

પક્ષીને વીંધવું ફાવે, પક્ષીની નહીં આંખને –
એટલું ઝીણું શેં કાંતું, વીચારી ‘આંખ–ઝાંખ’ને !

શબ્દથી ‘અર્થ’ સુધીનું બધુંયે બધ્ધું ફાવશે –
પરંતુ રે, પછીનું તે વાક્ય–કાવ્ય રડાવશે !

એમને નૈં શકું વીંધી, કાવ્ય તો બૌ પવીત્ર છે,
શીખી આડેધડે એને બગાડું તે શું રીત છે ?

ભાષા–સાહીત્ય તો બેઠાં ઉંચેરાં આસને બહુ –
વગોવી એમને મારું, નાદાન એટલો ન હું !

લેપટોપ ખરીદ્યું મેં નથી પ્રભુ ઉતાવળે,
લખીને મોકલી દેવા પૂરતું કામ આવડે

એટલું બસ છે મારે; વધુ મોટો ન આશય;
શીખવો આટલું વ્હાલા, તમારો એક આશ્રય.

ગુરુજી બોલ્યા :

અલ્યા, તેં કચરો કીધો, કેવો મારી વીદ્યાતણો –
ચટણી વાટવા લીધો આશરો શાલીગ્રામનો ?!

ભાષાસાહીત્યની મારી કામગીરી સદા રહી,
વધુ તો કાવ્યમીમાંસા મહીં મારી રુચી સહી.

તને તો શીખવી મારે કાવ્યક્ષેત્રે લગાડવો;
સંહારીને અનીષ્ટો સૌ ભાષા–પ્રેમ પ્રસારવો.

ભાષાની ઝાંખી થૈ આભા, એને પાછી પ્રકાશવી,
યાવની ભાષને વીંધી સ્વભાષાને પ્રચારવી.

આશા તારી કને મોટી, યાવનીયુદ્ધ જીતવા –
પાણીમાં પણ તું બેઠો, કેમ રે, સાવ મીતવા ?!

આટલું કહીને વ્હાલો, પંપાળે પીઠ શીષ્યની,
ને પછી શોધવા બેઠા, ટૅકનીકો ભવીષ્યની !!    (અપુર્ણમ્)

જુગલકીશોર.

કમ્પ્યુટર ગીતા – ૩

છેલ્લી પાટલીનો બેસનારો અર્જણ સાહસ કે નવું શીખવાનું આવે કે તરત બહાનાં કાઢીને રથની પાછલી સીટે બેસી જાય ને કહે, “ હું નહીં લડું !” ગયા અંકે ગુરુએ કહેલું કે –

ફેંકાફેંકી કરે ના તું,આશા હું રાખું આટલી,

વીશ્વાસે હું રહું કેમ, બેસે તું  છેલ્લી પાટલી !

 

એના જવાબમાં હવે ભઈલો શું કહે છે, સાંભળો : (અનુષ્ટુપ છંદમાં)

 

અર્જણ બોલ્યો :

હજી તો આ ઉઘાડ્યું’તું,  કુરુક્ષેત્ર લેપ્ટોપનું,

તમે તો ઝીંકી દીધું આ વ્યાખ્યાન કાળકોપનું.

અક્ષરો   ગોતવા  બેઠો,  કીબોર્ડે  ગુજરાતીના,

ત્યાં તમે ઢગલા કીધા શબ્દ, અક્ષર, વાક્યના !

‘હીંમતે મર્દ’ છું સાચો, ના કાચો પુરુષાર્થમાં,

ગુર્જરીવાણીનો  બંદો,  ના ડુબું હું વીષાદમાં !

 

શ્રી ઈન્સ્ટ્રક્ટરોવાચ: 

જાણું તારો પુરુષાર્થ, ને  જાણું તારી હીંમત,

વચનોની મને તારી તોય  ના જરા  કીંમત.

બંદો તું ગુર્જરી કેરો એથી જ તો ચીંતા થતી;

વીષાદે તું  નહીં ડુબે,  ડુબીશ  હું ગુરુ  નકી !!

ઈચ્છું હું કે, તને ફાવે માતૃભાષા બરાબર;

વીષાદે હું રહું ના ને, તું જો થાય વીષારદ !

 

અર્જણ બોલ્યો :

સાંભળી આપની વાતો આશ્ચર્ય ઉપજે મને,

આટલી ઉંમરે પાછો કક્કો શેં શીખવો ગમે ?!

પાસે પાસે અહીં બન્ને ક–ખ શું ના રહી શકે ?

ગ–ઘ તેય વળી આઘા, આઘા એમ બધા જ કે ?

રહેતા હો જો સહુ ભેળા, બંધુ સૌ સાથસાથમાં –

તો નહી લડવું મારે – સૌને લઈને બાથમાં !

‘ક્ષર’ના લોભમાં વ્હાલા, શું હું ‘અક્ષર’થી લડું ?!

ના લડું, દેવ  હું આમાં,  લડું તો  આખરે પડું !!

 

ગરુ બોલ્યા :

અલ્યા, તું આટલો ડાહ્યો ક્યારથી રે થયો, કહે !

અક્ષરો–ફોન્ટમાંથી તું ‘ક્ષર–અક્ષર’ ક્યાં વદે ?!!

તને તો ટેવ છે એક ઘાના બે કટકા તણી,

ફોન્ટની વાત જે નાની, બની લ્યા આંખની કણી ?

ફોન્ટથી બી ગયો ભાયા, આવો કાયર કાં થયો ?

તારે તો લડવું જોશે, સામે અજ્ઞાનની સદા,

જ્ઞાનને વ્હેંચવું જોશે, લખીવાંચી ગણી ભલા.

તારો નન્નો મને લાગે બ્હાનું છે માત્ર નામનું,

હંમેશાં લડવે શુરો જોદ્ધો ડુકે – શું કામનું ?!

 

અર્જણ બોલ્યો :

પ્રભો, હું જીંદગી આખી હંમેશાં લડતો રહ્યો,

ના મને કોઈ દી’ એનો પસ્તાવોયે કશો થયો.

ભણ્યો હું ના કદી તેથી લડવાની મજા રહી;

એકલો પાંચને ભારે પડું એમાં તો ના નહીં !

પરંતુ આ, પ્રભુ ! સામે અક્ષરો કીબોર્ડના લહુ,

દાંતીયાં કરતા લાગે, એનાથી બીઉં હું બહુ !!     (અપુર્ણ)

 

– જુગલકીશોર

– તો ધન્ય આ લેખીની… …

આજના પાવનપર્વે
(ઉપજાતિ–વસંતીલકા મીશ્ર)
નારી થકી જગતમાં અવતાર પામી
નારી તણા અમૃતપાન કરી કરીને
આ આયખું શરુ થયું –
વળી બોલી એની
કાને પડી તે ગણી માતૃભાષા
આ જીંદગીના વ્યવહાર કીધા.

ખોળેય એને લીધ આશરો તે
મેલોય કીધો બહુ વાર…..
તોયે 
‘ખમા તને’ એક જ શબ્દથી મને
પાઠો ભણાવ્યા પયપાનુપાને !

તારું કદી ઋણ ન ચુકવાતું
તારું પીધું દુધ ન સુકવાતું. 
એ તો ઝરો અ–મૃત, નીત્ય વ્હેતો,
આયુષ્યની આખર વેળ સુધી.

નારી સદા તું નીજ માતૃતાએ
તારે કદી ‘ના અરિ’ કોઈ –
એનું માહાત્મ્ય ગાઈ શકું 
અંશ માત્ર હું
તો ધન્ય આ લેખીની, 
શબ્દ આ બધા –

ને થાય આ સાર્થક નારીદીવસ !!

– જુગલકીશોર. તા. ૮/૧૨ (૮.૪૫ am)

દાંત પડાવવાનો લહાવો

કલ્પના દેસાઈ

 

આંખ, કાન કે નાકના ડૉક્ટરને ત્યાં આપણે જઈએ તો ડૉક્ટર આપણી આંખ નથી કાઢી લેતા કે કાન–નાક કાપી નથી લેતા. પણ જો દાંતના ડૉક્ટરને ત્યાં દાંત બતાવવા જઈએ તો મોટે ભાગે ડૉક્ટર આપણા દાંત તોડી નાંખે છે ! વર્ષોથી મને સાથ આપનાર દાંતની કિલ્લેબંધીમાંથી એક કાંકરી પણ ખરે તે મને મંજૂર ન હોવા છતાં કુદરતે ન્યાય કરી જ નાંખ્યો. મારામાં ડહાપણ કે ડહાપણની દાઢ રહે તે વધારે પડતું લાગવાથી, સોજા અને સણકાના સતત હુમલા વડે મારી માનસિક તંદુરસ્તી ખોરવી નાંખી. આખરે વીલે મોંએ મારે ડૉક્ટરને ત્યાં “‘દાંત બતાવવા’ જવું જ પડ્યું.

ડૉક્ટરને ત્યાં પેશન્ટ ઘણા હતા. બધાના દાંત ગણવાની એમને ફુરસદ નહોતી ને જરૂર પણ નહોતી. સીધું પૂછી જ લેતા, ‘શું થાય છે ?’ ડૉક્ટર પર દયા કરતા હોય કે એમની પાસે દયાની ભીખ માગતા હોય એમ દરેક જણ વાંકુંચૂકું મોં કરી– મોં ફાડી, ડૉક્ટર મોં બંધ કરવાનું કહે તેની રાહ જોઈને બેસી રહેતા. મને થયું કે વારાફરતી બધાને અંદર બોલાવે એના કરતાં બહાર આવીને એક સાથે જ બધાનાં મોં ખોલાવી દે ને ટૉર્ચ લઈને ફરી વળે તો વહેલું પતે ! પણ એમાં એમના ધંધાને અસર પહોંચવાની શક્યતા વધુ હોવાથી ડૉક્ટરે પણ પોતાના મોભ્ભા મુજબ જુદા જુદા રૂમની વ્યવસ્થા રાખવી પડે.

મારો વારો આવ્યો. ડૉક્ટરે પૂછ્યું, ‘શું થાય છે ?’

‘ખબર નહીં પણ બહુ દિવસથી ખવાતું નથી ને અશક્તિ બહુ લાગે છે. કોઈ વાર ચક્કર પણ આવી જાય છે. જમણા કાનમાં સણકા મારે છે. ઘણી વાર માથું દુ:ખે છે. ગળામાં પણ દુખાવો ચાલુ જ છે. વાતે વાતે રડવું પણ આવી જાય છે.’

ડૉક્ટર ભાવુક બની ગયા ને વીસરી ગયા કે, પોતે દાંતના ડૉક્ટર છે ! હજી ઘણાનાં દાંત ને ખિસ્સાં ખંખેરવાનાં બાકી છે. જે ડૉક્ટર ભલભલાના મોંમાંથી નીકળતા લોહીના રેલાને જોઈ પીગળ્યા નહીં હોય તે મારી દુ:ખભરી દાસ્તાન સાંભળીને પીગળી ગયા ! ‘તમે કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું કે નહીં ? બધી ટેસ્ટ, એક્સ–રે વગેરે કરાવ્યાં કે નહીં ?’

‘એટલે જ તો અહીં આવી છું. બહુ દિવસોથી આ દાઢ બહુ દુ:ખે છે ને આ બધી તકલીફો થાય છે. ડૉક્ટર પણ અસ્સલ પેશો યાદ આવવાથી ટટાર થઈ ગયા ! મારું મોં જે ક્યારનું ચાલતું હતું તેને અટકાવીને ખોલવા કહ્યું. કોઈની સામે  આશ્ચર્યથી મોં ફાડીને જોયાનું યાદ છે, ખડખડાટ હસતી વખતે મારું મોં ખૂલી જાય છે પણ દુ:ખને લીધે મોં આખું ફાડીને દુ:ખભરી ને વળી સવાલી નજરે જોવાનો તો આ મારો પહેલો જ પ્રસંગ જ હતો !

ડહાપણ કે દોઢ ડહાપણ જ્યારે ને ત્યારે કોઈની પણ સામે વગર પૂછ્યે તરત જ બતાવી દેવાનું હોય છે પણ ડહાપણની દાઢ ખબર નહીં કેમ ઠે…ઠ નાકે (ખૂણામાં) રહેતી હશે ? જેને જોતાં, જતાં ને આવતાં ને હવે કાઢતાં પણ આટલી તકલીફ પડતી હશે ? ખેર, ડૉક્ટરને તો ખ્યાલ આવી જ ગયો. કદાચ નહીં પાડવાની હોય તો પણ ‘દાઢ કાઢવી પડશે’ એમ કહી એક ઈંજેક્શન દાંતના પારામાં લગાવી દીધું ! ‘શું આનો બીજો કોઈ ઉપાય નથી ?’ એમ પૂછવાનું મન થયું પણ ધીરે ધીરે મોંમાં ગાદી જેવું લાગવા માંડ્યું અને જીભ–ગાલ–દાંત બધું એકમેકમાં વિલીન થઈ જશે કે શું એ બીકમાં શબ્દો ગળી ગઈ. (પુરૂષોએ આ ઈંજેક્શન ઘરમાં રાખવું એવું મારું નમ્ર સૂચન છે).

બહાર દસેક મિનિટ એવી જ સ્થિતિમાં બબૂચકની જેમ બેસી રહી જ્યાં બીજા બબૂચકો પણ બેઠાં બેઠાં એકબીજાને જોઈને નજર ફેરવી લેતા હતા. મારા નામનો પોકાર થાય ત્યાં સુધીમાં તો અંદરના રૂમમાંથી આવતી હૃદયવિદારક ચીસો સાંભળ્યે રાખી મનને કાબૂમાં રાખવાના પ્રયત્નો કર્યા. દર્દીઓની હિંમત ભલે ભાંગી જાય પણ ત્યાંથી કોઈથી ભાગી ન શકાય એવી સૌની હાલત હતી. મને કમને બધા ટીવી જોયે રાખતા હતા. તે સમયે એક હીરો દસ ગુંડાઓને ભારે પડતો હોય એવું ચવાઈ ગયેલું દ્રશ્ય આવતું હતું. વારાફરતી બધાનાં હાડકાં ખોખરાં કરીને તેમ જ કોઈ કોઈની તો બત્રીસી પણ હાથમાં આપીને એમને રવાના કર્યા.

પછી તો, ડૉક્ટરે હાથ ખંખેરી બાવડાં ફુલાવ્યાં ને મૂછો આમળી. મને થયું કે, અહીં આવનારા તો બધા જ શરીફ લોકો હતા ને છતાંય સામે ચાલીને પૈસા આપીને પોતાના દાંત પડાવી જતા હતા. જોકે, ડૉક્ટરને તેનું કોઈ અભિમાન નહોતું. મૂછો આમળવાનો કે બાવડાં ફુલાવવાનો પીક અવર્સમાં એમની પાસે સમય જ ક્યાં હતો ? તોય, કોઈ વાર એમને પણ મન થઈ જતું હશે.

થોડી વારે મારું નામ કોઈ લેતું હોય એવો મને ભાસ થયો. શૂળીએ ચડવા જતી હોઉં એમ મોં લટકાવી મેં અંદરના રૂમમાં પ્રવેશ કર્યો. દાંત પડાવતી વખતે ઊંઘ આવી જવાની કોઈ જ શક્યતા નહોતી છતાંય ત્યાં એક સરસ, લાંબી ને આરામદાયક ખુરશી મોજૂદ હતી, જેના પર આરામ ફરમાવતાં મારે મારો દાંત પડાવવાનો હતો ! કટોકટીના સમયે સજ્જડ પકડી રખાય એવા બે હાથા પણ ખુરશીને હતા.

હું ખુરશીમાં બેઠી તો ખરી પણ મારી નજર સતત બધે ચકળવકળ ફર્યા કરતી હતી. ઘડીકમાં આંખોને આંજી દેતી લાઈટ દેખાતી તો ઘડીકમાં સામે જ ટેબલ પર ગોઠવેલાં દાંતલેણ કે જીવલેણ શસ્ત્રો દેખાતાં. કાતર, પક્કડ, છરી વગેરે. શું ખબર કદાચ ખાનામાં રિવૉલ્વર પણ હોય ! અહીં આવવા બદલ હવે મને પસ્તાવો થવા માંડ્યો. નક્કામી આવી. ફસાઈ ગઈ. ઘરમાં એક જ અડબોથમાં કામ પતી જાત. પૈસા બચી જાત ને મામલો ઘરમાં જ પતી જાત. (એ બહાને પતિને જાત બતાવવાનો મોકો મળી જાત )!

પણ, ફક્ત દાંત દુ:ખવાને કારણે ને મારા કોઈ વાંક વગર એમ અડબોથ ખાવાની મારી જરાય ઈચ્છા નહોતી. વળી, એમાં કોને બદલે કોના દાંત પડી જાત તે કંઈ કહેવાત નહીં ને જાહેરમાં તમાશો થાત. એમ ઘણી બધી શક્યતાઓ ટાળીને અહીં આવી તે જ ઠીક છે, સમજી મન મનાવ્યું. જોકે, ક્યાંક વાંચેલું કે, દાંત પડાવતી વખતે આંખ ફાંગી થવાનો, બહેરા બનવાનો (ને મારા કેસમાં તો પતિને વિધુર બનાવવાનો ૧૦૦%) ચાન્સ સંભવી શકે એમ હતું. ડૉક્ટર વિશે મેં પૂરેપૂરી તપાસ કરી હતી. બોગસ તો નહોતા જ ને મારા દૂરના કે નજીકના દુશ્મન પણ નહોતા. તેથી ડૉક્ટરને ભગવાન ગણીને એમની ઉપર શ્રધ્ધા રાખવાની હતી. બંનેમાં ફેર એટલો જ કે, એક ઝોળી ખાલી કરે ને એક ભરે !

આખરે કટોકટીની ઘડી આવી પહોંચી. મેં ડૉક્ટરને પૂછ્યું, ‘તમને હાર્ટની તકલીફ તો નથી ને ?’ ડૉક્ટર આશ્ચર્યથી , મારા દિમાગના હોવા વિશે શંકા થવાથી–મારી સામે જોઈ રહ્યા ! ‘કેમ એમ પૂછો છો ?’ ‘ના, આ તો એવું છે કે, મને ગગનભેદી ચીસો પાડવાનો શોખ છે. માઈલો સુધી મારી ચીસ ભલભલાને ધ્રુજાવી શકે છે. દાંત પડાવતી વખતે મારાથી એ ચીસનો પ્રયોગ થઈ ગયો તો તમે ખમી શકશો ?’ ડૉક્ટરને થયું હશે કે, આનો દાંત પાડું ત્યારે નર્સને કહીશ કે, આનું ગળું દાબી રાખે ! એ જ સમયે જોકે મને પણ વિચાર આવેલો કે, ડૉક્ટર જો આસાનીથી દાંત નહીં પાડે તો ? તો હું એમનું ગળું ? (નહીં–નહીં), એમના બંને હાથ જોરમાં પકડીને એમને ધક્કો મારી દઈશ. ડૉક્ટર મારા પગની લાઈનમાં  નહોતા આવતા, જમણી બાજુએ ઊભા હતા. મારે મારો વિરોધ ચીસ વડે કે હાથ વડે જ દર્શાવવાનો હતો. (જરા વિચારો કે, દાંતની પીડા કેટલી ભયંકર હોય છે કે, દાંત તોડનારના જ દાંત ખાટા કરી નાંખવાનું મન થઈ જાય)! શું થાય ? મજબૂરીનું બીજું નામ અહિંસા હશે ?

મને તો પેલી ખુરશી જ જાદુઈ ખુરશી જેવી લાગી. એમાં બેસતાં જ ઉટપટાંગ વિચારો ચાલુ થઈ ગયા હતા. હવે મને ટુચકા યાદ આવવા માંડ્યા ! ડૉક્ટરને ખાતરી છે કે, મારો જ દાંત પાડવાનો છે ? શું ડૉક્ટર મારા મોંમાં બ્રહ્માંડદર્શન કરશે ? આટલું પહોળું મોં કરાવીને અંદર સંતરા કે મોસંબી મૂકવાના હશે ? શું એમને એટલી ખબર નહીં હોય કે, કોઈ પણ સ્ત્રીનું મોં વધારે (સમય) ખુલ્લું રાખવામાં જોખમ છે? મારું મોં ખુલ્લું રખાવીને  ફોન લેવા કે ટીવી પર મૅચ જોવા જતા રહ્યા તો ? પણ હવે શું ?

એટલામાં ડૉક્ટરે ગ્લવ્ઝ પહેર્યાં. હવે મને ખાતરી થઈ ગઈ કે, કદાચ મારું ખૂન થઈ જાય તો પણ એમના પર શક ના જાય એટલે જ ડૉક્ટરે બધી પૂર્વ તૈયારી કરી મૂકી છે. મેં આંખો મીંચી દીધી. ડૉક્ટરે કહ્યું, ‘ગભરાઓ નહીં. જસ્ટ રિલેક્સ!’ (ડૉક્ટર, તમે આવી ઘડીએ રિલેક્સ થાઓ?) મેં ખુરશીના બંને હાથા પર સજ્જડ પક્કડ જમાવી. મોંની ચામડી અંદરથી બહેરી (ખોટી) કરી હોવાથી દર્દનું નામોનિશાન નહોતું. કાન બહેરા ખબર પણ મોં બહેરું, તે તો આજે જ જાણ્યું. ડૉક્ટરે છરી ને પક્કડની મદદથી મારી દાઢને હલો કર્યું. (હલાવી)! શસ્ત્રો વાગ્યાં તો નહીં પણ દાંત સાથે ઠોકાવાના અવાજોના એટલા પ્રચંડ પડઘા પડતા હતા કે, મોટી મોટી શિલાઓ ટકરાઈને ગબડતી હોય એવો અનુભવ થયો.

મેં શરીરને અક્કડ કરીને લાકડા જેવું કરી દીધું. (પછી થઈ જાય તોય વાંધો નહીં).પણ ડૉક્ટરે જેવી પક્કડની મદદથી દાઢને પકડીને જોરમાં ખેંચી કાઢી કે, તે જ સમયે ક્યારે મારાથી ડૉક્ટરના બંને હાથો પર સખ્ખત ભીંસ અપાઈ ગઈ ને મોંમાંથી જોરદા….ર ચીસ નીકળી ગઈ તે ડૉક્ટરને પણ ખબર ના પડી. ગભરાટમાં એમના હાથમાંના ઓજારો નીચે પડી ગયાં અને મારી દાઢ તો ક્યાંય દૂર ફેંકાઈ ગઈ ! ડૉક્ટર તો એક સેકંડ પૂરતા મૂઢમતિ, બીજી સેકંડે મંદમતિ અને પછી તો સ્વસ્થ થઈને ગતિમાં આવી ગયા. તરત જ એમણે નર્સને કહ્યું, (‘આના માથામાં એક ફટકો મારો.’) ‘આમને કોગળા કરાવીને ડટ્ટો મારો.’ મને તો બધું વિચિત્ર લાગતું હતું. હું તો ઘરેથી બ્રશ કરીને આવી હતી ને કોગળા પણ કરેલા તો પણ? પછી તો, નર્સે ના ન કહી ત્યાં સુધી મેં બેસિનમાં લોહીના કોગળા ચાલુ જ રાખ્યા. નર્સ ગભરાઈ ગઈ. જો આ મરી જશે તો દાઢના ખાડાને બદલે, મારે એના નાકમાં દટ્ટા મારવા પડશે. મારી એક જ હરકતથી ડૉક્ટર ને નર્સ બંને ગભરાઈ ગયાં. મને વહેલી રવાના કરવા ડૉક્ટરે મને એમની સામે ખુરશી પર બેસવા કહ્યું.

હું સો રૂપિયાની દાઢને બદલે પાંચ પૈસાનું રૂ મોંમાં લઈને ડૉક્ટરની સામે બેઠી. ‘સૉરી ડૉક્ટર! પણ મેં તમને પહેલાં જ પૂછેલું.’ ડૉક્ટરે મને જવાબ આપ્યો નહીં પણ બધાંને પૂછતા હશે એટલે મને પણ પૂછ્યું, ‘દાંત ઘરે લઈ જવો છે ?’

‘ડૉક્ટર! એ તો ડહાપણની દાઢ હતી. નીકળતી વખતે જ પરચો બતાવી ગઈ તો હવે રાખીને પણ શું કરું ? જેટલું ડહાપણ બચ્યું છે એનાથી ચલાવી લઈશ.’

********************************************************************************

લેખકનો સંપર્ક : Kalpana Desai kalpanadesai.in@gmail.com

 

 

 

‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

એક આનંદસમાચાર !

નેટજગતે પોતાની રૅશનલ પ્રવૃત્તીઓથી જાણીતા (અને માનીતા તો ખરા જ, કારણ કે તેમના બ્લૉગ ‘અભીવ્યક્તી’ પર તેમના વાચકોનો જરદાર ધસારો હોય છે !) લેખક શ્રી ગોવીન્દભાઈ મારુ આ વર્ષે ગુજરાતના રૅશનલ વીચારસરણીવાળા વીશાળ સમુદાયમાં ગૌરવપ્રદ એવા ઍવોર્ડ “રમણભ્રમણ સુવર્ણચંદ્રક”થી સન્માનીત કરાઈ રહ્યા છે !!

ગોવીન્દભાઈના બ્લૉગ પર રૅશનલ વીચારોથી સભર લખાણો નીર્ભીક રીતે વર્ષોથી પ્રગટ થઈ રહ્યા છે. ને ખાસ તો એ છે કે આ બધાં જ લખાણો એક જ ઈ અને એક જ ઉની જોડણીમાં લખાયેલાં હોય છે !

હું પોતે પણ એ જ “ઘરાના”નો છું ! એટલે આ સન્માન એમનાં એક જ ઈ–ઉવાળી વીચારસરણીને પણ આપોઆપ મળ્યાનું ગૌરવ અનુભવું છું. આજે જ્યારે સામાન્યથી લઈને મોટા લેખકો ઉપરાંત પ્રકાશકો પણ સાચી જોડણીમાં લખી–પ્રકાશીત કરી શકતા નથી, ને ચારેબાજુ જોડણી વીષયક જાણે અરાજકતા વ્યાપી ગઈ હોય તેવા સમયમાં (ગોવર્ધનરા ત્રીપાઠીથી લઈને શ્રી કનુભાઈ જાની તથા સ્વ. જયંત કોઠારી જેવા ભાષાવીજ્ઞાનીઓએ પ્રેરેલો)આ પ્રયોગ વીચાર માગી લેનારો – ને અમલમાં મુકી દેવા જેવો જણાયો છે. લગભગ ૫૦ ટકા ભુલો આપોઆપ સુધારી આપનારો આ પ્રયોગ ખોટી જોડણી કરીને સહેજ પણ ક્ષોભ ન અનુભવતા લોકો માટે પ્રેરણા આપી શકે એમ છે !!

શ્રી ગોવીન્દભાઈને મળી રહેલા આ વીશેષ સન્માન માટે હું મારા વાચકો વતી એમને અભીનંદન પાઠવું છું અને સંસ્થાને પણ આ ગૌરવ માટે શ્રી ગોવીન્દભાઈની પસંદગી કરવા બદલ આભારસહ ધન્યવાદ પાઠવું છું. – જુ.

======================================================

સન્માન વીષયક માહીતી આપતો લેખ અહીં અક્ષરશ: મુકું છું.

 

ઈન્ટરનેટની દુનીયાના જાણકાર રૅશનાલીસ્ટો ગોવીન્દભાઈથી ખુબ પરીચીત છે. પાંસઠ વર્ષના મારુના ‘અભીવ્યક્તી’ http://govindmaru.com બ્લૉગદ્વારા રૅશનાલીઝમનો જાણે ધોધ વહે છે. આ બ્લૉગમાં તેઓ છેલ્લાં અગીયાર વર્ષથી રૅશનલ વીચારધારા શ્રેણીનું સંચાલન કરે છે. આ શ્રેણી એના નામ પ્રમાણે સમાજવીરોધી રુઢી–વહેમ વગેરેનો વીરોધ કરે છે, અને માનવને આનન્દ આપનાર ‘રૅશનાલીઝમ’નો પ્રચાર કરે છે. આ માટે તેઓ નીવૃત્તી પછી રોજના છ કલાક આપે છે. અત્યાર સુધી 46 જેટલા દેશોના સાડા પાંચ લાખ લોકોએ આ બ્લૉગની મુલાકાત લીધી છે.

રૅશનાલીઝમ પરની 28 ‘ઈ–બુક્સ’નું એમણે પ્રકાશન કર્યું છે. એમની આ પ્રવૃત્તીઓને સુરતના ધોળકીયા ફાઉન્ડેશને ‘વીશીષ્ટ સન્માન’થી બીરદાવી છે. આ ઉપરાંત એઓશ્રી નવસારીના ‘ચર્ચાપત્રી મંડળ’ તેમ જ ‘વીજ્ઞાન મંચ’ના સ્થાપક પદાધીકારી છે. તેઓશ્રીએ રૅશનાલીઝમનો પ્રચાર કરતી કૃતી ગુજરાતના ‘દુરદર્શન’ કેન્દ્ર પર રજુ કરી છે. ન્યુ યોર્ક, અમેરીકાના રેડીયો સ્ટેશન ‘રેડીયો દીલ’ પર રૅશનાલીઝમ અંગે વાર્તાલાપ આપ્યો છે. આવા રૅશનાલીઝમને વરેલા ગોવીન્દભાઈ મારુને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’અર્પણ કરીને ‘સત્યશોધક સભા’ ગૌરવ અનુભવે છે.

  • કાર્યક્રમ

તારીખ : 17/03/2019ને સવારે 10.30 કલાકે

પ્રમુખ : સીદ્ધાર્થ દેગામી

અતીથીવીશેષ : રમેશભાઈ સવાણી

સ્થળ : લોક સમ્પર્ક બ્લડ બેંક

સરદાર પાટીદાર સમાજની વાડીની સામે

સુરત

  • કાર્યશીબીર●

‘સત્યશોધક સભા’ અને ‘ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન’ના સંયુક્ત ઉપક્રમે રૅશનાલીઝમની પ્રવૃત્તી કરનાર કાર્યકરો માટે તા. 16 અને 17મી માર્ચ, સુરત ખાતે ‘કાર્ય શીબીર’નું આયોજન કરેલ છે. ભાગ લેનારે રજીસ્ટ્રેશ ફી પેટે રુપીયા 100/- ભરવાના રહેશે. અગાઉથી નોંધણી કરાવવી જરુરી છે.

સમ્પર્ક : સીદ્ધાર્થ દેગામી :

94268 06446

સુર્યકાન્ત શાહ :

98793 65173

પ્રેમ સુમેસરા :

94261 84500

સુનીલ શાહ :

94268 91670

મનસુખ નારીયા : 94268 12273

–પ્રા. સુર્યકાન્ત શાહ, મુખ્ય સમ્પાદક, ‘સત્યાન્વેષણ’

લેખકસમ્પર્ક : Prof. SURYAKANT SHAH, 17, Gayatri Ganga Nagar, Near Makanji Park, Adajan, Surat–395009. Mobile :98793 65173 eMail : suryasshah@yahoo.co.in

તા. 15 ફેબ્રુઆરી, 2019ના ‘સત્યાન્વેષણ’ માસીકમાંથી, મુખ્ય સમ્પાદકશ્રીના અને સત્યાન્વેષણના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

–પ્રા. સુર્યકાન્ત શાહ,

મુખ્ય સમ્પાદક, ‘સત્યાન્વેષણ’

 

પોસ્ટ કર્યા તારીખ : 01–03–2019

 

ગાંધી સરીખો બનવા માટે !!

(મિશ્રોપજાતિ)

ગાંધી સરીખો બનવા મહાત્મા

ઉરે ધરી આશ ઘણું કર્યું મેં :

ચોરી કરી મેંય લગીર સ્વર્ણની,

આસ્વાદ લીધો અજમાંસનોયે,

પીધાં ઘણાં મેંય સિગારઠૂંઠાં,

મૂંડો રખાવ્યો, પરિધાન પોતડી

–નુંયે કર્યું મેં કંઈ એક વર્ષ,

પત્રો લખ્યા રદ્દ થયેલ રૅપરે,

બાફેલ ખાધું, ઉપવાસ કીધા…..

બધું કર્યું મેં; ફળ સાંપડ્યું જે

લોકો કહે છે મુજને ‘મહા–તમા.’

ન. પ્ર. બુચ (‘કાગળનાં કેસૂડાં’માંથી સાદર–સાભાર.)

––––––––––––––––––––––––––––––––––––––––

‘મહાત્મા’ – બહુવ્રીહિ સમાસ : મહાન આત્મા જેમાં એવો.

‘મહા–તમા’ – બહુવ્રીહિ સમાસ : ખૂબ છે તમોગુણ જેમાં એવો.

‘તમારો લેખ વાંચ્યો !’

– કલ્પના દેસાઈ

(નોંધ : આ નવી વેબસાઇટ જુના નામે જ શરુ થઈ છે. અગાઉ જણાવ્યા મુજબ કેટલાંક સાહીત્યસ્વરુપો વાચકોને ગમશે જ એમ ધારીને લેખકોને તેમનાં લખાણો મારી આ સાઈટ પર પ્રકાશીત કરવા માટે આમંત્રણો મોકલી રહ્યો છું. આ પ્રકારનાં લખાણો નીયમીત પ્રગટ થતાં રહે તે રીતની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આજે આ હળવી શૈલીનો નીબંધ કલ્પનાબહેનનો છે. વાચકો કોમેન્ટમાં એમને કહી શકશે કે બહેન ! તમારો લેખ વાંચ્યો છે !!)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

કોઈ પણ લેખક આ ત્રણ શબ્દો સાંભળીને જ ભર ઊંઘમાં હોય તોય માથું ઝાટકીને બેઠો/બેઠી થઈ જાય, બીમાર હોય તો વગર દવાએ સ્વસ્થ થઈ જાય, બેચેની કે કંટાળો ભૂલીને મોજમાં આવી જાય. તેમાંય ભૂલમાં જો લેખનાં વખાણ સાંભળ્યાં, તો પછી આખો દિવસ ભાન ભૂલીને પોતાની જાતમાં જ એ ખોવાઈ જાય. ‘આહાહા…! શું લખ્યું છે બાકી, વાહ ! મારાથી આટલું સરસ કેવી રીતે લખાઈ ગયું ?’ લેખકો માટે તો આ ત્રણ શબ્દો જાદુઈ શબ્દો છે. એમાં અજબ એવું સંમોહન છે. એમ કહો ને કે, આ શબ્દો તો એના માટે સંજીવની સમાન છે.

ટીવી, કમ્પ્યૂટર અને મોબાઇલના જમાનામાં આજે કોઈ વાચક બને એ જ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. તેમાંય કોઈ વાચકને કોઈ લેખ ગમી જાય અને તે ફોન કે પત્ર કે મેઈલ દ્વારા જણાવે કે, ‘તમારો લેખ ગમ્યો’ તો લેખકની શી હાલત થાય ? લેખનાં વખાણ જાણવા એના મનમાં ઉથલપાથલ થવા માંડે, એની બેચેની વધી જાય અને એ સંસારનું ભાન પણ ભૂલી જાય. એને તો બસ, ‘તમારો લેખ વાંચ્યો’ અને ‘તમારો લેખ ગમ્યો’ સિવાય કંઈ યાદ નથી રહેતું.

ઘણી વાર આ ત્રણ શબ્દોની પાછળ પાછળ ચાલી આવતો નાનકડો શબ્દ ‘પણ’, લેખકની ઊંઘ હરામ કરી નાંખે છે. લેખ વાંચ્યા પછી જ્યારે વાચક વધારે પડતો અકળાઈ ઊઠે અને એને પેટમાં ચુંથારો થવા માંડે ત્યારે આખરે એ લેખકને યેનકેન પ્રકારે જણાવીને જ રહે કે, ‘તમારો લેખ વાંચ્યો પ…ણ એમાં ફલાણી ફલાણી ભૂલ છે. (ખલાસ !) એમાં આમ નહીં, આમ આવે. તેમ નહીં, તેમ આવે. ફલાણા લેખકે તો આમ લખેલું ને ઢીંકણા લેખકે તો તેમ લખેલું. (તો એને વાંચો જાઓ.) હું તો કોઈની સાડાબારી ન રાખું. ભૂલ હોય તેને મોં પર ચોપડાવી જ દઉં.’ એટલે લેખક બાપડા કે બાપડીએ તાલીની સાથે ગાલીની પણ તૈયારી રાખવાની. ને એમાં કંઈ ખોટું પણ નથી. એકસરખા દિવસ તો નેતાઓના પણ નથી જતા તો લેખક કંઈ સ્વર્ગમાંથી તો નથી ઊતરી આવ્યા.

જોકે, તાલી–ગાલી આપવા સિવાય પણ અમુક વાચકો એવા હોય છે જેમને આ ત્રણ શબ્દો પછી ઘણી બધી વાતો જાણવી હોય છે(લેખકની) અને ઘણી બધી વાતો જણાવવી હોય છે પોતાની ! લેખકે લેખ લખવાની ભૂલ કરી હોય અને અદના વાચકે લેખકનો સંપર્ક નંબર કે સંપર્ક–સરનામું શોધી કાઢ્યું હોય, ત્યારે નાની નાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તંત્રીઓ તો બહુ સારી ભાવનાથી સંપર્કસૂત્રો છાપે પણ એમાં લેખકો ઘણી વાર વગર વાંકે બિચારાં બનીને રહી જાય. જો કોઈ બોલે કે, ‘તમારો લેખ વાંચ્યો’ તો પણ એને ધ્રુજારી ચાલુ થઈ જાય. જેવી જેની સહનશક્તિ.

હાલમાં જ એક મૅગેઝિનમાં મારો લેખ છપાયો. જેમાં મારા ગામના નામના ઇતિહાસની સાથે ગામનું વર્ણન પણ લખેલું. ગામ મહારાષ્ટ્રની બૉર્ડર પર હોવાથી, આજ સુધી બધી સુવિધાઓ નજીકના મહારાષ્ટ્રના મોટા ગામને લીધે મેળવી. હવે થોડા સમયથી આદિવાસીઓના ઉધ્ધારની યોજનાઓને કારણે અમારા ગામમાં સુવિધાઓ વધી છે એ મતલબનું લખાણ તેમાં હતું. એ વાત જાણીને ખુશ થયેલા વાચકનો પત્ર જુઓ.

‘તમારો લેખ વાંચ્યો. હાલની સરકારે ગુજરાતમાં કરેલા નોંધનીય ફેરફારોની, તમારા સિવાય આ રીતે કોઈએ નોંધ લીધી હોય એવું જાણમાં નથી. રાજકીય પરિવર્તનને તમે રાષ્ટ્રગીત સાથે જોડીને, તમારી કલ્પનાશક્તિનો અદ્ભુત નમૂનો બતાવ્યો છે.’ પત્ર વાંચીને હું તો બે ઘડી અવાક થઈ ગઈ. ભૂલમાંય રાજકારણ વિશે કંઈ બફાઈ ન જાય એની સતત કાળજી રાખતી હોવા છતાં મારાથી આ ઘોર પાપ શી રીતે થઈ ગયું ? હાસ્યલેખમાં રાજકારણ ? બાપ રે ! વાચકોની નજર ? કે’વું પડે ! ભઈ, લેખ કેવો લાગ્યો કે એમાં એકાદ મરકલું આવ્યું કે નહીં, તે જણાવતે તો તમારા પૂજ્ય પિતાશ્રી નારાજ થતે ? જવા દો, બીજા વાચકને મળીએ.

‘પૂજ્ય હાસ્યલેખિકાબેનનાં ચરણોમાં સાદર વંદન. (મરી ગ્યાં…. ! કોઈ બચાવો આવા ભક્તોથી. પૂજ્ય અને હું ? આ બે શબ્દો જો માથામાં ભરાઈ ગયા તો, હાસ્યલેખ–બાસ્યલેખ બાજુ પર રહી જશે ને ‘મા કલાનંદમયીનો આશ્રમ’ ખૂલી જશે.) તમારો લેખ વાંચ્યો. હું ઘણાં વરસો પહેલાં તમારા ગામમાંથી પસાર થયેલો તે વાત મને યાદ આવી. ત્યાંથી પછી અમે શિરડી અને નાશિક ગયેલાં અને પૂજ્ય સાંઈબાબાનાં દર્શન કરીને બીજે દિવસે પાછા સુરત રસ્તે નીકળી ગયેલાં.’ ‘તમારો લેખ વાંચ્યો’ સિવાય એક પાનું ભરીને સાંઈબાબાના ચમત્કારોનું વર્ણન ! ભઈ, મારા લેખના ચમત્કાર વિશે પણ બે–ચાર લીટી લખતે તો ? બાપા ખીજાતે ?

એ લેખમાં મેં છેલ્લે લખેલું કે, આટલાં વરસો થયાં પણ આજ સુધીમાં ગામને ફક્ત એક જ હાસ્યલેખિકાની ભેટ મળી છે. (વટ મારવામાં શું જાય ?)

હવે ત્રીજા વાચકની શુભ ભાવનાવાળો પત્ર. લેખકને/લેખિકાને જરા પણ તકલીફ ન પડે એટલે જવાબી પોસ્ટકાર્ડ પણ સરનામું કરીને સાથે હતું. પોસ્ટકાર્ડમાં એમણે પોતાના ફેસલુકનું વર્ણન કરેલું કે, ‘મારી ઉંમર હવે નેવુંની ઉપર પહોંચી છે ને મને કાને ઓછું સંભળાય છે.’ તે સિવાય બીજી ઘણી વાતો લંબાણથી લખેલી કે, ‘મને વાંચવાનો શોખ છે ને હું જે લેખકને પત્ર લખું તેનો તરત જ જવાબ આવી જ જાય. મારી પાસે ફલાણા–ફલાણા લેખકોના પત્રો છે’ વગેરે વગેરે. પોસ્ટકાર્ડમાં શક્ય તેટલું સમાવવાની કોશિશ કરી હતી. તમને રસ પડ્યો હોય તો વાંચો.

‘આ મૅગેઝિનમાં, આ નંબરના પાના ઉપર, આ મહિને તમારો લેખ છપાયો છે. (મને ખબર છે.) ખૂબ માહિતીપ્રદ લેખ વાંચી આનંદ થયો. અભિનંદન. (નીચે લખેલા સવાલોના જવાબ આપો.)

૧) ‘મૂળ તમે ક્યાંના ?’ (લેખકનું મૂળ ન પૂછાય પણ પૂછ્યું તો જણાવું કે, અમે તો મૂળ આ દુનિયાના જ.)

૨) ‘હાલ તમે શું કરો છો ?’ (લખવા સિવાય ? ઊંઘ્યા કરું.)

૩) ‘આમ તમારા મિસ્ટર શુ કરે ?’ ( આમતેમ ટાઇમ પાસ કર્યા કરે. અમારા ઘરમાં માખીની ગેરહાજરી મારા મિસ્ટરને આભારી છે.)

૪) ‘તમારા ગામની બાજુમાં સોનગઢ છે. ત્યાંની ફલાણી દુકાનના માલિક મારા ભત્રીજા છે. કોઈ વાર ત્યાં જાઓ તો ઓળખાણ કાઢજો. (ત્યાં જઈને મારો લેખ વંચાવવાનો ?)

૫) ‘વ્યારા તમારાથી કેટલું દૂર ? ને બારડોલી ? ત્યાંના ફલાણા પ્રોફેસર મારા મિત્ર છે. કોઈ વાર જાઓ તો મળજો. એ બહાને ઓળખાણ વધે.’ (અજબ છે ! એમના નામે હું મારી ઓળખાણ વધારું ? ને શું હું ભટકતી બલા છું ? આમ ને આમ તો મારે ઓળખાણ–યાત્રા કાઢવી પડશે. કોઈને મળીને શું કહેવાનું ? ‘તમે ફલાણા ભાઈને ઓળખો છો ? એ મારા લેખ વાંચે છે. તમે વાંચશો ?’) અરેરે ! લેખકોના આવા દા’ડા આવવાના ?

જોકે, પત્રના અંતે એમણે મૂળ મુદ્દાની વાત લખેલી. ‘તમારા ગામનાં પેલાં હાસ્યલેખિકાબહેનનું નામ–સરનામું આપશો. મને લેખકો સાથે ઓળખાણ વધારવામાં રસ છે.’ હવે તમે જ કહો, મારે જવાબી પત્રનું શું કરવું ? આખરે કોઈ પણ લેખક વાચકો પાસે શું માગે છે ? મૌન ? બે શબ્દ ? બે લીટી ? (થોડું વ્યાજબી કરજો.) ચાલો, એકાદ ફકરો થઈ જાય. (આ જરા વધારે પડતું જ કહેવાય.) તો પછી ?

લેખકોએ તો વાચકો તરફથી ‘તમારો લેખ વાંચ્યો’ જાણીને જ ખુશ રહેવું. આજે એટલું જણાવવાવાળા કેટલાં ? લેખ ગમ્યો હશે તો જ વાંચ્યો હશે ને ? તો જ એમણે જણાવ્યું ને ? એટલે જ, સાનમાં સમજીને ને થોડામાં ઘણું સમજીને, લેખકોએ વાચકો પર દયા રાખીને ખુશ રહેવું.

રાજુલ કૌશિકના બ્લૉગ અંગે ઘણું–

રાજુલબહેનનો પરીચય મને બ્લૉગજગત પુરતો જ હતો. તેઓ આ દુનીયામાં આવતાં પહેલાં (એમનો બ્લૉગ શરુ થયો ૨૦૦૯૬ જૂનથી. એ પહેલાં તેઓ દિવ્યભાસ્કરના પૂર્તિ વિભાગમાં લેખો આપતા હતા…) અનેક છાપાં–સામયિકોમાં કલમ ચલાવી ચુક્યાં છે તે વાતની જાણ તો હમણાં જ થઈ ! એમનાં લખાણો પ્રગટ થયાં છે તે સ્થાનોની યાદી જ ઘણી મોટી થવા જાય છે. જુઓ ને –

દિવ્યભાસ્કરમાં ‘માધુરિમા’માં કવર સ્ટોરી; ‘કળશ’માં માનુષી કૉલમમાં; શનિવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ કૉલમ; બુધવારે ફિલ્મ રિવ્યૂ; રવિવારે યાત્રાપ્રવાસ કૉલમ; ગુજરાતના હેરિટેજમાં અનેક ઐતીહાસીક સ્થળો વીષેનાં લખાણો; વીદેશપ્રવાસોના આધારે અમેરિકા–યુકેનાં કેટલાંય શહેરોની અવનવી માહીતી આપતા લેખો ઉપરાંત –

‘નવગુજરાત સમય’માં પણ વીદેશોમાં જોવાલાયક સ્થળોનાં જીવંત અહેવાલો અને કેટલાંક લખાણો તો વડોદરાના ‘ફીલિંગ મૅગેઝીન’માં પણ પ્રકાશિત થયાં.

એક શરૂઆત બીજી કડીને જોડે એમ “ક્રીયેટ સ્પેસ” પર પણ એમની બે નવલકથાઓ મુકાઈ છે. તથા ૨૫ વર્તાનોનો સંગ્રહ, હકારાત્મક અભિગમ અને ચિંતનકણિકા પ્રસિદ્ધ થવાની તૈયારી ચાલે છે…

અને –

૨૦૧૦માં અમેરિકાનું ગ્રીન કાર્ડ મળતાં ત્યાં સ્થાયી થતાં જ કેનેડાથી પ્રકાશિત ‘ગુજરાત ન્યૂઝ લાઇન’ માટે ફિલ્મ રિવ્યૂ આપવાનું તેમણે શરુ કર્યું છે.

લખાણોની સાથે સાથે જ કેટલીક સામાજીક પ્રવૃત્તિઓમાં સક્રીય રહીને તેમણે ભાષા–સાહીત્યમાંનો પોતાનો રસ જીવંત રાખ્યો છે ! જેમ કે –

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાની સાથે રહીને સહિયારા સર્જન/ બહુલેખી લેખકો દ્વારા લખાતી નવલકથામાં પણ એક લેખક તરીકે જોડાયાં; કેલિફોર્નિયા – બે એરિઆની સાહિત્યિક પ્રવૃત્તિ સાથે પણ જોડાઈને તેમણે બેઠક – શબ્દોના સર્જન પર સળંગ ૫૧ લેખ આપ્યા અને તાજેતરમાં કવિતા શબ્દોની સરિતા પર લેખો શરૂ કર્યા છે….!

અને હા, ‘પત્રાવળી’ નામક પત્રશ્રેણીમાં તો તેઓ એક યજમાન પણ છે.

તેમણે જે કાંઈ પ્રીન્ટમીડીયામાં લખ્યું તે તમામ એમણે પોતાના આ બ્લૉગ પર મુક્યા છે. એ સીવાયની પણ કેટલીય સામગ્રી તેમણે સીધી જ બ્લૉગ પર પ્રકાશીત કરી છે. જેમ કે –

વાર્તાઓ, નવલીકા, લઘુ નવલકથા અને સહીયારા સર્જન પર લખાયેલી વાર્તા અને પોઝીટીવ એપ્રોચ પરના લેખો, ઉપરાંત આદર્શ અમદાવાદની પત્રીકા માટે જે લેખ જતા એ પણ એમના બ્લોગ પર મુકાતા રહ્યા છે કે જે “સંવંર્ધન માતૃભાષાનું” ગ્રંથમાં ચીંતનકણીકાના નામે મુકાયા છે.

એમના બ્લૉગ “રાજુલનું મનોજગત” વીશે વાત કરીએ તો કહેવું જોઈએ કે બહારના જગતમાં જે કાંઈ તેમની કલમથી આળેખાતું રહ્યું છે તે બધું જ – તેમના તમામ લેખો જેમ કે યાત્રા પ્રવાસ, વાર્તા, લઘુ નવલકથા, નીબંધીકાઓ અને  એમને ખરેખર ગમી હોય – મનને સ્પર્શી હોય એવી ફીલ્મના રીવ્યુ વગેરે તેઓ હવે ફેસબુકના એમના પાના પર મુકે છે અને વર્તમાન સમયમાં પીરસાતી પત્રાવળી પણ ખરી જ – તો આમ, તેમનું બધું જ બ્લૉગ પર મુકીને નેટજગતને પણ લાભ આપ્યાં કર્યો છે.

તેમણે સ્વતંત્ર રીતે લખેલી અને હ્યુસ્ટનના વિજયભાઈ સાથે રહીને પણ લખેલી નવલકથાઓ –‘છિન્ન’, ‘એષા’, ખુલ્લી કિતાબ (સહ લેખક વિજય શાહ-હ્યુસ્ટન) અને ‘આન્યા મૃણાલ’ ( સહલેખક વિજય શાહ હ્યુસ્ટન) પણ તેમના બ્લૉગ પર મુકાઈ છે.

આ સીવાય ખાસ જાણવા જેવું તે તેમણે પોતાના આ બ્લૉગમાં યાત્રા-પ્રવાસ, ફીલ્મ રીવ્યુ, વાર્તાઓ, લઘુ નવલકથા, નીબંધ, સહીયારું સર્જન, હકારાત્મક અભીગમ વીષયક લખાણો, ચીંતનકણીકા, ‘પત્રાવળી’ જેવી દસ કેટેગરીઝમાં અલગ અલગ વીષયો આવરી લીધા છે.

એમના બ્લૉગ ‘રાજુલનું મનોજગત‘ પર લગભગ ૩૫૦ જેટલા લેખો મુકાયા છે. અને ૧૦૬૯૭૩ મુલાકાતીઓએ મુલાકાતો લીધી છે.

બ્લૉગજગત સાથે સંકળાવા પાછળના તેમના હેતુઓ સાવ સાદા લાગે પણ તેમાં રહેલી કેટલીક ભાવના વાચકોને પ્રેરે તેવી છે. એમને પૂછ્યું તો તેમણે ભાવપૂર્વક કેટલીક વાતો ટુંકાણમાં મુકી….જુઓ :

“બ્લોગ શરૂ કરવાનો હેતુ તો મારા મનની વાતોવિચારો વ્યક્ત કરવાનો હતોગુજરાતી ભાષાનું જ્યારે પ્રભુત્વ જ  ઓછું થતું જતું હોય ત્યારે ગુજરાતી લેખક અને વાચક સાથે પરોક્ષ રીતે સંકળાયેલા રહેવાનોય લોભ તો ખરો જઆ જુવોને, આપણે પીરસેલી ‘પત્રાવળી’માં  આપણી સાથે કેટલા મહેમાનો જમ્યા ! હવે આ તમામને તો મળવાનો યોગ ક્યારે થશે એ તો ઈશ્વર જાણે પણ આ પત્રવ્યવહારના લીધે એક વાતવ્યહવાર તો ઊભો થયો જ ને એનોય મને આનંદ અને સંતોષ છેઅમદાવાદથી માંડીને અમેરિકા કે ઑસ્ટ્રેલિયા સુધી કોઈ આપણી લખેલી વાત વાંચે એ તો અખબાર કે  બ્લોગના લીધે જ શક્ય બને નેઅખબાર ક્યાં પહોંચે એ નિશ્ચિત નથી હોતું પણ ઈન્ટરનેટના લીધે બ્લોગ તો વિશ્વવ્યાપી છે એટલે એના લીધે બ્લોગર પણ વાચક સુધી પહોંચી જાય છે.

એ સીવાય પણ તેમને પોતાના આ ક્ષેત્રકાર્ય દરમીયાન જે અનુભવો થયા તે બહુ મજાના છે ! મને લાગે છે કે નેટસુવીધા શરુ થઈ અને તેમાંય તે ગુજરાતીમાં લખાવાનું શક્ય બન્યું પછી લેખકોનો મોટો ફાલ આપણને મળ્યો છે ! કેટલા બધા લેખકો !!

આમાંના દરેક લેખકને કોઈ ને કોઈ અનુભવ તો થયો જ હશે જે એમના માટે હૃસયસ્પર્શી બની રહ્યો હોય ! આ એક એવું સબળ અને સ–રસ પાસું છે જે નેટજગતના દરેક લેખકને સ્પર્શી જાય છે. રાજુલબહેન પણ એમાં અપવાદ શી રીતે હોય ? તેમના અનુભવો બહુ જ ધ્યાન ખેંચનારા છે. એમાંના કેટલાક અંગે આપણે જાણીએ –

૧) આ સમય દરમ્યાન વાચકોના પણ સરસ પ્રતિભાવો મળ્યાઆ તમામ લેખોમાં “મા  અને મમ્મીજી‘ – મધર ઈન લૉવિશેનો  લેખ સૌથી વધુ હ્રદયસ્પર્શી રહ્યો એવું મને વાચકોના પ્રતિભાવ પરથી સમજાયું હતું કારણકે આ લેખમાં સાસુને મેં મા તરીકે સ્થાન આપ્યું હતુંમા સાથે તો જન્મ પહેલાથી સંબંધ બંધાય જે લોહીનો હોય પણ સાસુમા જેમની સાથે લાગણીનો સંબંધ હોય એ સંબંધને મેં સન્માન્યો હતો.

એ સંબંધ માત્ર કહેવા કે લખવા પૂરતો નહોતો, એ સંબંધ તો હું સાચે જ જીવી હતી.

(આ લેખોના અત્યંત રસપ્રદ પ્રતીભાવો હું વાંચી ગયો છું. મને લાગે છે કે આ પ્રતીભાવો વાચકોએ વાંચી જવા જોઈએ. અહીં સ્થળસંકોચવશ તે શક્ય ન હોઈ સૌને એમના બ્લૉગ પર જઈને તેનો આસ્વાદ લેવો રહ્યો. – જુ.)

૨) સૌથી પહેલો લેખ દિવ્યભાસ્કરની પૂર્તિ કળશમાં માનુની વિભાગમાં લીઝા શાહ નામના ડાયેટ કન્સલન્ટટ પર મૂક્યો જે મારા બ્લોગ પર પણ મૂક્યો ત્યારે આખા દિવસ દરમ્યાન અમદાવાદ જ નહીં ગુજરાતભરમાંથી પણ સતત ફોન આવ્યા.

૩) માધુરિમામાં સત્ય ઘટનાને આધારિત બા” પરની વાર્તા વાંચીને લગભગ ૩૦ વર્ષ પહેલાંના અમારા પાડોશીએ દિવ્યભાસ્કરમાં મારો કોન્ટેક્ટ નંબર લઈને ફોન કર્યો, કારણકે રાજુ તરીકે ઓળખાતી છોકરીના નામની સાથે લાગેલી પહેલાંની અટક નાણાવટીમાંથી બદલાઈ ગઈ હતી પણ એ વાર્તા વાંચીને એમને ખાતરી થઈ ગઈ કે આ રાજુલ એ રાજુલ નાણવટી જ હોઈ શકે.…!

૪) યાત્રાપ્રવાસના લેખો તથા બેઠકમાં શબ્દોના સર્જન પર મુકેલા – હકારાત્મક અભિગમના લેખને કારણે ઘણાએ એવો પ્રસ્તાવ પણ મુક્યો છે કે આ તમામ લેખોનું અંગ્રેજીમાં ભાષાંતર થવું જોઇએ જેના લીધે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો કે યુવાનોને પણ વાંચવા સમજવાની સરળતા રહે. (આ તમામ લેખો ઈવિદ્યાલય પર દર શનિવારે પ્રગટ થાય છે.)  

તેમના બ્લૉગ પર જમણી બાજુના સાઇડબાર પર કેટેગરી વીભાગની સમૃદ્ધી જોઈ શકાય છે. પરંતુ એ યાદી કેટેગરી કરતાં વીશેષ તો અનુક્રમણીકા જેવી વધુ લાગે છે. બધાં લખાણોને જુદા જુદા વીભાગો પાડીને વહેંચી દેવા જોઈએ તેને બદલે અહીં ક્યારેક તો કોઈ એક લેખને પણ કેટેગરીરુપે મુકી દવાયો જણાય છે !

રાજુલબહેન કૌશિકને અભીનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ !!

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

નોંધ : પ્રસ્તુત લેખ (બ્લૉગ અને બ્લૉગરપરીચય) એક ઉ અને એક ઈમાં લખાયો છે પરંતુ બ્લૉગરના પોતાના લખાણને સાર્થ જોડણીકોશ મુજબ જ – જરુર પડી ત્યાં સુધારીને – પ્રગટ કર્યો છે.

ગિરા ગુર્જરી, માતૃભાષા ગુર્જરી, “નવી NET–ગુર્જરી” !!!

બાર વરસ !

નવેમ્બર, ૨૦૦૬ના રોજ એક નવું કાર્ય હાથ ધરાયેલું તે નેટજગતમાં પદાર્પણનું !

‘નેટગુર્જરી’ના બેએક પુરોગામી બ્લૉગ દ્વારા મારાં ભાષા–સાહીત્યનાં લખાણોને વહેવાનું ને એ રીતે માતૃભાષાની સેવા કરવાનું નીમીત્ત મળી ગયેલું તે વાતને બાર વરસ ને એક માસ થઈ ગયો. “શાણીવાણીનો શબદ” નામક બ્લૉગ ઉપરાંત અન્ય પણ કેટલાક પ્રયોગો હાથ ધરીને આગળ વધતાો હતો ત્યાં જ આદરણીય નારાયણભાઈ દેસાઈએ મારું કાર્ય જોઈને કહેલું કે ગાંધીવીચારને પણ આગળ કરો !

એટલું જ નહીં, મારી એક ઈ–ઉવાળી જોડણી જાણવા છતાં, પોતે પણ એને અંગે હુંફાળું વલણ ધરાવતા હોવાથી એમની પુસ્તીકા “સંત સેવતાં સુકૃત વાધે”ના અંશોને મારી જોડણીમાં જ પ્રગટ કરવાની મંજુરી પણ આપીને મને ઉત્સાહીત કરેલો. આજે એમને અને ખાસ કરીને મારા વંદનીય ગુરુજી શ્રી કનુભાઈ જાનીને યાદ કરીને આ લખાણ લખી રહ્યો છું. (કનુભાઈ તો આજેય હજી થલતેજના એમના ફળીયાની ખાટે, પાસે બેસાડીને શીખ આપતાં જ રહે છે.)

મીત્રો તો અગણીત મળ્યા !! એમનાં તો નામો હજાર, કયા નામે કરવી આભારણી !! એ સૌ તો મારા આ વહેણમાં સહયોગીઓ ને હલેસાં મારીને નાવડીને વહેતી રાખવામાં હંમેશાં અગ્રેસર રહ્યા છે. એમના વીના આ સાહસ કેવળ હ–સાહસ જ બની રહ્યું હોત.

સૌથી વીશેષ તો મારા વાચકમીત્રો !!

મારી જોડણીને સહીને એમણે મને વાંચ્યો છે. એમણે જોયું કે આ જુભૈ લખે છે ઉંઝામાં પણ શીખવે છે સાર્થ કોશ મુજબ ! એટલે એમનો અપાર સ્નેહ આ ભાષાયાત્રામાં – મારી નાવડીના સઢમાં ધીમો પણ એકધારો વાયરો મોકલતાં રહેવામાં અત્યંત મહત્ત્વનો રહ્યો છે.

મારા કેટલાય લેખક સહયોગીઓએ મારા બ્લૉગો પર પોતાનાં કીમતી લખાણો મોકલીને બ્લૉગને ભારજલો રાખ્યો છે.

આ સૌનો, હું ભારપુર્વક પણ ખુબ નમ્રતાથી આભાર માનીને ……હજી પણ આગળ વધતી રહેનારી મારી માતૃભાષાયાત્રામાં સહયોગ આપવાનાં જ છે એવી હૈયાધારણા રાખું છું.

આ હૈયાધારણા જુદા જુદા માર્ગે, જુદી જુદી રીતે–નીમીત્તે સફળ થશે. હવેથી આ નેટગુર્જરી થોડો વ્યાપ વધારીને આગળ વધે તેવી ગણતરી તો છે. પણ શું અને કેટલું થઈ શકશે તે તો સમય કહેશે.

આજે મેં શીર્ષકે સુચવેલી “નવી નેટગુર્જરી” આમ જોવા જઈએ તો વેબસાઈટરુપે આગળ વધતો બ્લૉગ જ કહી શકાશે પરંતુ એનાં પાનાં પર જે કાંઈ નવું અને વ્યાપક હશે તો તે સૌ કોઈના સાથ–સહકાર ઉપર આધારીત હશે.

નવા પગરણમાં હોમપેજ પર એક સાથે દેખાતી બે કૉલમોમાં એક કૉલમ કેવળ મારા સીવાયના લેખકોની (અલબત્ત એમની જ જોડણીમાં !!) રહેશે. જો કોઈ મીત્ર પોતાની કૃતી મોકલવા ચાહે તો બ્લૉગ પર મુકવા માટેની પુરતી તૈયાર કરીને મોકલશે તો હું એને જેમની તેમ ચડાવી શકીશ….(કારણ, હવે – આવતા મહીનાની ૨૫મીએ ૭૬માં પ્રવેશ હોઈ – બહુ મહેનત માટે આંગળાં આનાકાની કરે તો નવૈ નૈં !!)

જુની “નેટગુર્જરી”ને ફોલો કરનારાં મીત્રોની સંખ્યા ખુબ જ હતી ! મને નવાઈ લાગે છે કે આટલા બધા મીત્રોએ મારા બ્લૉગને ફોલો કર્યો હતો !! હવે શું હું આશા રાખી શકું કે હવે આવનાર નવી નેટગુર્જરીને એનાથીય વધુ ફોલો કરવામાં આવશે ?! થોડા જ સમયમાં એનો લોગો પણ આવવાનો છે. એ લોગોને પ્રચારીને મારી આ માતૃભાષાયાત્રાના પ્રસારને મદદ મળશે ખરી ?

નેટગુર્જરી હવે પછી ભાષાસાહીત્ય માટેનું એક પાથરણું બની રહેવા માગે છે જે ભાષા–સાહીત્યની સેવા માટે સૌ કોઈની જગ્યા બની રહે.

એક મોટી તકલીફ પણ સામે આવીને ઉભી છે જેનો સંબંધ “મારી અધકચરી આવડતો અને વર્ડપ્રેસના નવા વર્જ્યન–5” બન્નેના બેસુરા તાલમેલ સાથે હોઈ શકે છે !! મારી અણઆવડતો વચ્ચે પણ મેં આ હીમ્મ્ત કરી છે કારણ કે નવું વર્જ્યન–૫ બહુ જ અઘરું છે અને લખાણોને પ્રગટ કરવામાં કષ્ટદાયી છે. પ્રીય ભાઈ ચીરાગે મને આ વેબસાઈટ અને તેના ડોમેઈન માટે બહુ જ મદદ કરી છે ને સામે મેં એને આ નવા વર્જ્યનની કોઈ પણ ચેલેન્જ ઉપાડી લેવાની ખાત્રી આપી છે ! આશા રાખું કે જાણકાર મીત્રોની મદદ પણ જરુર પડ્યે મળી રહેશે !

ટુંકમાં જ શરુ થનાર “નેટ–ગુર્જરી” વેબસાઈટના નવા પાથરણાની મુલાકાત માટે સૌને ભાવભર્યું આમંત્રણ છે ! 

સહનૌ ભુનક્તુ !!

– જુગલકીશોર.

બ્લૉગજગતના માનીતા વાર્તાકાર પ્રવીણકાન્ત શાસ્ત્રીજી

શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રી અને તેમનો બ્લૉગ “પ્રવીણશાસ્ત્રીની વિવિધ વાતો”

https://pravinshastri.wordpress.com/

 

હાઈસ્કૂલનાં વર્ષોથી જ એમણે કાલ્પનિક વાતો લખવાનું શરૂ કરી દીધેલું ! દશમાં ધોરણમાં હતા ત્યારે જ એમની પહેલી વાર્તા “પાગલની પ્રેયસીઓ” ‘નવવિધાન’માં છપાઈ ! પછી તો ૧૯૫૯ સુધીમાં એમની વાર્તાઓ ફિલ્મ મેગેઝિન ‘છબી’માં અને કેટલાંક સામયિકોમાં છપાતી રહી. પણ આ લેખન, નાટકો જોવાનું ને અનેક સામાજિક પ્રવૃત્તિના ધખારામાં અને ઉપરાંત પાછું છોકરાં ભણાવતાં ભણાવતાં ભણવાનું થતું રહ્યું…..

એનો ફાયદો તો કોને ખબર, પણ એમના અભ્યાસને જબરી નુકસાની ગઈ ! ઇન્ટર સાયન્સમાં જ વર્ષ બગડ્યું….પણ એ જ વસ્તુએ વાંચવા-લખવાના કામને તિલાંજલિ આપી દીધી ! પછી તો પ્રવીણભાઈ અમેરિકા ગયા, ૧૯૬૮માં. ૪૧ વર્ષ પછી ૨૦૦૯માં ૭૦ વર્ષની ઉમ્મરે નિવૃત્ત થયા.

તેઓએ કહ્યા મુજબ “અમેરિકામાં કોઈ મને જાણે નહિ, હું કોઈ સંપાદક કે કે તેમના પ્રકાશનને જાણું નહીં. ૧૯૫૯થી ૨૦૦૯ સુધીના નામાંકિત સર્જકો અને તેમના સુપ્રસિદ્ધ સર્જનોથી હું તદ્દન અજાણ. હવે થોડાં નામો જાણતો થયો છું.

હરનિશ મારો કૉલેજ મિત્ર. એની મારફત ઉત્તમભાઈની ઓળખાણ થઈ. એમણે બ્લોગમાં મારી વાર્તાઓ પોસ્ટ કરવા કહ્યું. “બ્લૉગ” કઈ બલા છે તે ખબર નહિ. પણ પીડીએફની ફાઈલ ખોલીને કોઈના બ્લૉગની વાર્તા વાંચતા પણ આવડે નહિ ! ગ્રાન્ડ ડૉટરને મસ્કા મારીને જેમતેમ “પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ” નો બ્લૉગ ૨૦૧૨ “એપ્રિલ ફૂલ”ને દિવસે શરૂ કર્યો….ને પહેલી જ કોમેન્ટ સુરેશ જાનીની આવી, “સાલો એપ્રિલ ફૂલ બનાવી ગયો.”

એક માત્ર ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી સાહેબે કોમેન્ટ કરી. મને સમજાવ્યું કે એબાઉટનું પેઈજ ઉમેરો. તમારો પરિચય આપો. મિત્રોને ઈ મેઇલ દ્વારા બ્લૉગ અને નવી વાર્તાની માહિતી આપતા રહો. દરેક વખતે મારે કૉલેજમાં ભણતી મારી પૌત્રીની મદદ લેવી પડતી. એને ગુજરાતી વાંચતા લખતાં આવડે નહિ. ખૂબ માથાકૂટ થાય ને બિચારી કંટાળે !”

૨૦૧૨થી શરૂ થયેલા તેમના બ્લૉગ પર ૪૧ લખાણો મુકાયાં હતાં જે ૨૦૧૭માં ૧૫૬ને આંકડે પહોંચેલાં. પણ ૨૦૧૮નો વરસનો ફાલ એકંદરે સારો રહ્યો – ઓક્ટો મહિના સુધીમાં ૧૯૩ લખાણો મુકાયાં છે.

એમના મુલાકાતીઓ, એમની વિઝિટસ કે પછી એ સૌની કૉમેન્ટો–લાઇકો વગેરે બાબતે પ્રવીણભાઈનું મંતવ્ય ધ્યાન ખેંચનારું છે ! કહે છે કે વર્ડપ્રેસના આંકડાથી પોરસાઈ જવા જેવું નથી. કૉમેન્ટ કે લાઇક એ છેતરામણી વસ્તુ છે ! વરસના ૩૬૫ વિઝિટર બતાવે તેનો અર્થ દરરોજનો એક નો એક વિઝિટર પણ હોઈ શકે છે !! લાઇકનું બટન દબાય તેથી માની લેવાય નહીં કે તેઓએ લખાણ વાંચ્યું જ છે !

તોય આપણે તો એટલું જાણી શકીએ છીએ કે એમના આ બ્લૉગ પર ૨૦૧૨થી આજ સુધીમાં ૧૦૭૮ લખાણો મુકાયાં છે; ૧,૫૨, ૬૩૧ વ્યૂઝ મળ્યાં છે ને ૬૧, ૫૦૦ જેટલા વિઝિટરો એમને આંગણે આવી ગયાં છે.

એમના બ્લૉગ “પ્રવીણશાસ્ત્રીની વિવિધ વાતો”ના મેનૂ – પેઇઝિસ પર જે શીર્ષકો છે તેમાં

  • ABOUT
  • વહેતી વાર્તા ”શ્વેતા”
  • રિવર્સલ (ચોરો)
  • INDEX-અનુક્રમ એ ચાર પાનાં છે.
  • ABOUTમાં એમણે પોતાની વાત બહુ જ વિગતે કરી છે. એમની નિખાલસતા એમાં જોવા મળે છે. એને આધારે જ કહી શકાય છે એમનું સર્જનકાર્ય પ્રયત્નથી થયું નથી, બલકે સર્જનસંસ્કાર એમનામાં પહેલેથી જ છે. નાની ઉંમરે છપાયેલી ત્રીજી જ વાર્તા એમને એ જમાનાના રૂ. ૧૫નો પુરસ્કાર અપાવે છે. એમણે કબૂલ્યું છે કે સાહિત્ય કે સાહિત્યકારોનો એમને નહિવત્ પરિચય હતો. છતાં તેઓએ લખ્યું… નહીં, સર્જ્યું છે ! એમની જ એક વાર્તા વાર્તામાંથી નવલકથા બની જાય છે ! વાસ્તવચિત્રો એમના શબ્દોથી આબેહૂબ પ્રગટ થઈ જાય છે. નજર સમક્ષ હોય તેમ એમનાં પાત્રોને આપણે જાણે કે ‘જોઈ’ શકીએ છીએ !

એમના મેનૂ ઉપર શ્વેતા વાર્તા છે, તો ‘રિવર્સલ’ શીર્ષકથી લખાતી એક નિયમિત મળતા રહેતા જૂથની કાલ્પનિક છતાં રોજબરોજની વાસ્તવિક વાતો છે. આ એક જાતનો ચર્ચાચોરો છે જયાં રોજિંદા જીવનને જોઈ શકાય છે. ચોથું પાનું INDEX પર તો એમનાં લખાણોની આખી યાદી છે. એમના વાચકો માટે તૈયાર ભાણું…..

એમનાં લખાણોની કૅટેગરીઝમાં એમણે વ્યક્તિગત લેખકોને જુદી કૅટેગરીથી મૂક્યા છે ! પરિણામે એમની કેટલીક કૅટેગરી ઝટ નજરે ચડતી નથી. જુઓ આ યાદી –

એક અજાણ્યા ગાંધીની આત્મકથા”

નવીન બેન્કરની વાતો” 

Gujarati Novel 

Gujarati Stories

Music Video

SELECTED FROM FACEBOOK

Uncategorized 

शास्त्रीय संगीत और मनभावन फिल्मी गीत. 

કાવ્યગુંજન

કૌશિક ચિંતન 

ચન્દુ ચાવાલા 

પટેલ બાપાનું રિવર્સલ 

ભરત મહેતા અને ફિલોસોફી 

શ્રી શરદ શાહની વિચારધારા

શ્વેતા-નવલકથા 

હરનિશ જાનીની હાસ્ય પ્રસાદી

હકીકતે અન્ય લેખકોના બ્લૉગ કે સાઇટોને એક જ શીર્ષક નીચે દરેકનું નામ વંચાય તે રીતે મૂકીને પોતાની કૅટેગરીઝને અલગ પાડી શકાઈ હોત.

હવે કેટલાક સમયથી તેઓ ફેસબુકે જોવા મળે છે. ત્યાં તો તેમનું અલગ જ સામ્રાજ્ય જામ્યું છે ને તે એક અલગ જ વિષય છે એમની ઓળખ માટેનો. સવારે જાગતાંમાં ને રાતે સૂવા જતાં પહેલાં તેઓ તેમના વાચકોને ચૂંટલી ખણતાં રહીને અનેક વિષયો પર ખેંચી જાય છે. પણ અહીં આપણી વાતથી એ જુદો જ વિષય હોઈ તેનો લાભ નહીં લઈ શકાય.

આ બ્લૉગ વિષે પણ હજી ઘણી મજાની વાતો કરી શકાય તેમ છે પરંતુ મારી આ લેખણ થોડી ટૂંકી પડતી માનું છું. હું કોઈ વિશ્લેષક કે વિવેચક નથી. કેવળ ભાવકરૂપે આ દર્શન કરાવ્યું છે. છતાં આ લખાણને પકડીને એમના બ્લૉગની સફર અવશ્ય કરવી જોઈએ.

એમનાં લખાણોને અને પ્રવીણભાઈ ખુદને પણ મારી શુભેચ્છાઓ હું એમના અને મારા વાચકો વતી આપું છું.

આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ

બ્લૉગજગતમાં “વિનોદવિહાર !!”

– જુગલકિશોર

 

‘A Pleasure trip’ ગણીને વિનોદભાઈએ ‘વિનોદ વિહાર’ નામક બ્લૉગ શરુ કર્યો તે તારીખ બરાબર સપ્ટેમ્બર, ૨૦૧૧ની પહેલી તારીખ હતી. ને એમની ઉંમર હતી ૭૫ વરસ ! આ ઉંમરે પણ માણસ આવી રચનાત્મક પ્રવૃત્તિ આરંભીને બાકી વધેલા સમયનો સદુપયોગ કરી જાણે છે.

હાઈસ્કૂલના અભ્યાસકાળ દરમિયાન જ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખકોનાં પુસ્તકોના વાચને એમને લેખન પ્રત્યે પણ રસ જગાડેલો. બાકી હતું તે શાળા-છાત્રાલયના ભીંતપત્ર ‘ચિનગારી’નું સંપાદકકાર્ય કરવાની તક પણ મળી ગયેલી ! ૩૫ વર્ષો વ્યવસાય અને કૌટુંબિક જવાબદારીઓએ સાહિત્યરસમાં ઓટ આવી ખરી પરંતુ ૧૯૯૪માં જોબમાંથી નિવૃત્તિ લીધા પછી અમેરિકામાં કાયમી વસવાટ થતાં જ ભીતરમાં પડેલો સાહિત્યરસ ફરી તાજો થાય છે. એટલે અમેરિકા આવીને કમ્પ્યૂટર શીખી, લેપટોપ ખરીદી, એમાં ગુજરાતીમાં લખવાનું શીખી લીધું !

‘વિનોદ વિહાર’ બ્લૉગની પ્રથમ જ પોસ્ટમાં તેઓએ બ્લૉગના હેતુઓ જણાવ્યા હતા તે મુજબ :

‘’આ બ્લૉગના માધ્યમ દ્વારા મારામાં પડેલા સાહિત્યિક અને આધ્યત્મિક રસની અભિવ્યક્તિ તો થશે જ એ ઉપરાંત એ એક social mediaનું પણ કામ કરશે. એના માધ્યમથી ઘણા નવા સાહિત્યપ્રેમી મિત્રોનો પરિચય પણ થશે. સદવિચારોની કદર બુઝી જાણનાર મિત્રો અને સ્નેહીજ્નોનું બ્લૉગ એક મિલનસ્થાન બનશે. મારી ૭૫ વર્ષની ભાતીગળ અને સંઘર્ષમય જીવનયાત્રા દરમિયાન મનમાં જમા પડેલા અનુભવો અને વિચારોનું ભાથું આ બ્લૉગના માધ્યમથી બહાર લાવવાની આ તક છે. તેને વધાવતાં ખૂબ સંતોષની લાગણી થાય છે. શારીરિક શક્તિ જોકે  પૂરેપૂરો સહકાર ભલે ન આપતી હોય પણ મારી યાદદાસ્ત, બુદ્ધિ અને વિચારશક્તિ પ્રભુકૃપાએ હજુ પહેલાં જેવી જ સાબુત છે. જ્યાં સુધી એ ચાલે છે ત્યાં સુધી એનો ઉપયોગ કરીને આપ સૌના સહકારથી ગુજરાતી ભાષામાં અને કોઈ વાર અંગ્રેજી ભાષામાં પણ મારી સાહિત્યિક અને આધ્યત્મિક અભિવ્યક્તિ દ્વારા સુજ્ઞ વાચકોને વિનોદ વિહાર કરવાની આ તક ઝડપતાં ખૂબ આનંદ અનુભવું છું. બ્લૉગની આ પ્રવૃત્તિ મારી એકલતા ઓછી કરવાનું માટેનું ઓસડ પણ બનશે.’’

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદયાત્રા બ્લૉગશીર્ષક સાથે ટૅગરૂપે રહેલું આ સૂત્ર સંક્ષેપમાં જ સઘળું જણાવી દે છે.

‘વિનોદ’ના આ વિહારને આજકાલ કરતાં સાત વરસ ને બે મહિના થયા છે. આટલા ગાળામાં તેમના બ્લૉગ પર વિહારાર્થે આવનારા વાચકો નહીં નહીં તોય સવાસોથી વધુ દેશોમાં વસે છે ! પણ મુખ્યત્વે જે દેશોમાં તેમના વાચકો છે તે 415123 ભારતમાં, 144587 અમેરિકામાં, 6109 યુકેમાં, 7189 કેનેડામાં, 1129 ઓસ્ટ્રેલિયામાં, 1058 સિંગાપોરમાં, 1058 આરબદેશોમાં, 667 પાકિસ્તાનમાં અને 506 હોંગકોંગ– SAR ચાઇનામાં વસે છે.

વિનોદભાઈના આ બ્લૉગ પર ગયા મહિના સુધીમાં જે લખાણો મૂકાયાં તેની સંખ્યા કુલ સાડા બારસો આપણું ધ્યાન ખેંચે છે. ૧૨૫૦ જેટલાં લખાણોમાંના અરધોઅરધ લખાણો એમનાં પોતાનાં છે. પણ વધુ ધ્યાન ખેંચનારી બાબત તો તેમના વાચકો દ્વારા તેમને મળતો પ્રતિસાદ છે. એક જ વર્ષમાં તેમના મુલાકાતીઓની સંખ્યા હતી 202552 ! જ્યારે આટલા સમયગાળાના કુલ મુલાકાતીઓ 625,865થી પણ વધુ હતા !!  સવાસોથી વધુ બ્લૉગરોની સાથે તેમના કુલ ફોલોઅર્સ ૩૫૦ છે ! એમને મળેલા લેખિત પ્રતિભાવો (કોમેન્ટિકાઓ) ૫૮૪૨ને ધ્યાનમાં લેતાં કહી શકાય કે દરેક લખાણને આશરે પાંચેક વાચકો પ્રોત્સાહક જવાબ લખીને આપે છે ! કોમેન્ટ માટેની આજકાલ જે ઝંખના જોવા મળે છે તે જોતાં, દુષ્કાળના સમયમાં આ તો બહુ મોટી વાત ગણાય. (જોકે આ વાત બ્લૉગજગતની છે. ફેસબુક જેવા માધ્યમોમાં વરસતા વરસાદની સામે બ્લૉગોનાં ખેતરો તો કોરાં જ ગણાય ને !) ખાસ કરીને બ્લૉગજગતમાંનાં લખાણો વાચનચિંતનપરસ્ત હોય છે જ્યારે સામાજિક માધ્યમો  ચર્ચાપરસ્ત ગણી શકાય. અહીં એક કોમેન્ટની પાછળ ઘણી વાર ભળતી જ ચર્ચાઓ જોડાઈ જઈને વાતનું ક્યારેક વતેસર કરી મૂકતી હોય છે. બ્લૉગરને માટે આ વાત પોસાય નહીં.

વિનોદભાઈએ પોતાની લેખિની પ્રતિલિપિ જેવા નેટસામયિક સુધી લંબાવી છે. ત્યાં એમની કુલ ૧૧૬ જેટલી રચનાઓ પ્રગટ થઈ ચૂકી છે. ત્યાં એમના વાચકોની સંખ્યા 86182 અને ફોલોઅરની સંખ્યા 691 છે.

એમના બ્લૉગ પરની કેટલીક વિભાગીય વિગતો જોઈએ તો તેમના બ્લૉગ પર જેને આપણ પેજીસ કહીએ છીએ તે મૅનૂનાં નામ આ પ્રમાણે છે, જે બ્લૉગવિઝિટરને હોમપેજ ઉપર તરત જ દેખાશે :

અનુક્રમણિકા

કેટલાક બ્લૉગ્સ/સાઈટ્સઃ

પ્રતિલિપિ પર મારી રચનાઓ

મનપસંદ વિભાગો

મારા વિશે

મારી ઈ-બુકો (ડાઉન લોડ)

મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

એમનાં લખાણોના કુલ વિભાગો (કૅટેગરીઝ) તો ગણવા અઘરા પડે તેટલા છે. એમણે વ્યક્તિ પરિચયોમાં દરેક વ્યક્તિને એક કૅટેગરી આપી છે….આ વિભાગને વર્ગોમાં વહેંચી દેવાથી આ યાદી વધુ સરળ અને વ્યવસ્થિત બની રહે…

કેલેન્ડર વિભાગમાં ડોકિયું કરીશું તો જોવા મળે છે કે સપ્ટેમ્બર, ૨૦૧૧થી શરૂ કરીને નવેમ્બર, ૨૦૧૮ સુધીનાં ખાતાં ખૂલી શકે છે ! અહીં પણ દરેક મહિનાનાં લખાણોની સંખ્યા બતાવી હોત તો ઓર મજો આવેત !  

જમણી બાજુના ફલક (રાઇટબાર) પર તેમના જનની–જનકનો ફોટો ધ્યાન ખેંચે છે. નીચે તરત જ તેમનાં પત્ની કુસુમબહેનને અંજલિરૂપ તૈયાર કરાયેલી ઇબુક બતાવીને “કુસુમાંજલિ” શીર્ષક સાર્થક કર્યું છે. તો એમને બહુ ગમતા કેટલાંક બ્લૉગ–સાઇટોની ચિત્રલિંક મૂકીને તેમણે મૈત્રીભાવ પ્રગટ કર્યો છે.

અંતમાં, એમને પૂછતાં એમણે મોકલેલું કેટલુંક ચિંતન એમના જ શબ્દોમાં મૂકીને મારી વાત પૂરી કરીશ…..નહીં, પૂરી નહીં પણ અટકાવીશ, કારણ કે હજી એક વધુ બ્લૉગરમિત્રના બ્લૉગની વિગતો આપવાની બાકી છે !

 

વિનોદભાઈનો બ્લૉગઅનુભવ

 

“આજના ડીજીટલ સાયબર યુગમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે પ્રિન્ટ મીડિયાની સાથે સાથે બ્લોગ પણ એક અગત્યનું સાધન બની ગયું છે .

પહેલાં જે અખબારો અને સામયિકો લોકો પૈસા ખર્ચીને મંગાવીને વાંચતા હતા એ લગભગ બધું જ સાહિત્ય ઈન્ટરનેટમાં  કોમ્પ્યુટરના કી-બોર્ડ ઉપર આંગળીનું ટેરવું દબાવતાં જ વિના મુલ્યે વાંચવા માટે ઉપલબ્ધ બન્યું છે .

વિશ્વભરમાં કેટલા બધા ગુજરાતીઓ વ્યવશાયઅર્થે સપરિવાર રહે છે ? એમાંના ઘણાખરા ગુજરાતીઓને એમના વ્યવસાયોમાં વ્યસ્ત રહેવા છતાં જીવન ઉપયોગી સાહિત્ય પોતાની ગુજરાતી ભાષામાં વાંચવાની ભૂખ પડેલી હોય છે,એને બ્લોગના માધ્યમથી સારી રીતે સંતોષી શકાય છે .

ખાસ કરીને પરદેશમાં નિવાસી બનેલા નિવૃત વયોવૃદ્ધ ગુજરાતી ભાષી સજ્જનો માટે તો ગુજરાતી બ્લોગ જગત એક આશીર્વાદ સમાન છે જે એમના તરફથી મળતા પ્રતિભાવોમાંથી જોઈ શકાય છે.ગુજરાતી બ્લોગ વિશ્વ આજે કુદકે અને ભૂસકે વિસ્તૃત થતું જાય છે.

આ બધા ગુજરાતી બ્લોગોમાં રોજે રોજ એટલું બધું સાહિત્ય વાંચવા માટે ઉપલબ્ધ હોય છે કે શું વાંચવું , શુ ના વાંચવું એની મીઠી મુંઝવણ અનુભવાતી હોય છે .આજે ૧૦૦૦ થી વધુ એકલા ગુજરાતી બ્લોગ જ અસ્તિત્વ ધરાવે છે.

ચોમાસામાં એકાએક બહાર નીકળતા અળસિયાની જેમ ગુજરાતી બ્લોગની સંખ્યામાં વધારો તો થયો છે પરંતુ સંખ્યાની સાથે એ બ્લોગોમાં ભાષાની ગુણવત્તા  સચવાઈ કે જળવાઈ છે કે કેમ એ એક મોટો સવાલ છે.માતૃભાષાની શુદ્ધિનો આગ્રહ ભૂલાતો જાય છે.કવિતામાં છંદ જ્ઞાન અગત્યની જરૂરીઆત હોવી  જોઈએ પણ હાલ અછાંદસને નામે જોડકણાં જેવાં કાવ્યોની બોલબાલા થઇ રહેલી જણાય છે.

ફેસબુકનું માધ્યમ  આજે વિચારોની અભિવ્યક્તિ માટે અગત્યનું સાધન બની ગયું છે.આને લીધે બ્લોગોમાં સારું સાહિત્ય વાંચનારની સંખ્યા ઘટતી જાય છે .એને બદલે બહુ વિચાર કરવો ના પડે એવું સરળ અને સસ્તું સાહિત્ય હવે લોકોને ગમવા માંડ્યું છે.

આમ છતાં ગુજરાતી બ્લોગ વિશ્વમાં જેને ખરેખર સારા કહી શકાય એવા કેટલાક બ્લોગો ગુજરાતી ભાષા અને એની અસ્મિતા માટે બહુ જ સુંદર કામ કરી રહ્યા છે.

ગુજરાતી ભાષાની ચીંતા કરતા આવા કેટલાક  બ્લોગર મિત્રો એમની રીતે શુદ્ધ સાહિત્યની સામગ્રી પીરસી રહ્યા છે.વિશાળ બ્લોગ રૂપી સમુદ્રમાં ડૂબકી મારીને આજે ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતીઓ પ્રાપ્ત  કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે.

––––––––––––––––––––––––––––––––––––

(હવે પછી જાણીતા વાર્તાકાર પ્રવીણભાઈ શાસ્ત્રીના બ્લૉગની વાતો – વહેલીતકે મૂકી શકું એવી આશા સાથે !!)

 

 

 

                                                 

 

      

 

 

 

કાળ–ચાકડો (છ ઋતુઓનું ચક્ર)

કાળ–ચાકડે

(અનુષ્ટુપ)

 

ઝાલી   હેમંતનો  હાથ, શીશીરે  સાચવ્યો   રુડો

શીયાળો; મળતાં લાગ, વગાડ્યા દાંત–ડાકલાં.

ટાઢે  ધ્રુજવીયું    લોક,   રજૈયે   હુંફ     ઉજવી –

તન્મને   તગડાં   કીધાંવસાણાં  ખવડાવીને !

 

વસંતે  ચાર્જ  સંભાળ્યોકેસુડે પ્રગટ્યા દીવા,

ખર્ખર  ખરીયાં  જુનાં; રંગગંધે  સજ્યાં  નવાં.

ગ્રીષ્માડી આવતાં, એણે  કાળો કેર કરી દીધો;

નભે તાપ, વને ટ્હૌકોકેસરી સ્વાદયે પીધો !

 

વર્ષાબૈ વરસ્યાં ઝાઝું, ગ્રીષ્માની આગ ઓલવી,

પાથરી  ચાદરું  લીલીધરાપુત્રો  રીઝાવીયા.

શારદી  સુખી સૌ વાતે,  નવરાત્રી ઝળાંઝળાં,

ચાંદની  ભીંતડાં  ધૉળે,  છલક્યાં ખેતરે ખળાં !

 

પીતા વર્ષ;  ૠતુ  માતા ત્રણ, ને  બાર બાળકો,

રમતાંઝુમતાં  ઘુમેકાળને  ચાકડે  અહો !!

 

જુગલકીશોર.

માસ્તર મારેય ખરાં ને… … (ભણતાં–ભણાવતાં (૨)

માસ્તર મારેય ખરા, ભણાવેય ખરા ને હેતેય ખરા !

 

ઉમરાળાની શાળાનો અભ્યાસ એટલે માંડ બેએક વર્ષ ! લગભગ ૧૯૫૦–૫૧ સુધીનો.

માતાના અવસાનટાણે ઉંમર સાડાપાંચથી છ જ વર્ષની અને તેમની ગેરહાજરીમાં બાપુજી હવેલીની સેવામાં પહોંચી શકતા નહીં એટલે પછી મોટાભાઈ બાબુભાઈ (અમૃતલાલ) કે જેઓ તળાટી હતા ને દર ત્રણ વરસે બદલીને કારણે એમને ગામડાં બદલવાનાં થતાં – એમના કુટુંબ સાથે અમે બે ભાઈઓ અને બાપુજી સૌ સાથે જ ગામડાં ફરવામાં ભાગીદાર થતા….

ઉમરાળા પછી તરત રંઘોળા બદલી થયેલી. પરીણામે રંઘોળાની શાળા બહુ યાદ.

ખૂબ નાની ઉંમરને કારણે ઉમરાળાના કેટલાક જ પ્રસંગો યાદ રહેલા. જેમાંનો એક પ્રસંગ તે જમાલ નામના એક છોકરાની કામગીરીનો.

જમાલ અમારા ક્લાસમાં બહુ મોટો. પીઢ કીશોર લાગે એવો. અમારા સાહેબને કોઈ કોઈ વાર ચાલુ શાળાએ વાઈ આવતી. વાઈ આવે એટલે તેમનું શરીર ખેંચાય, આંખોના ડૉળા બીવડાવી દે એવા થાય અને મોંમાંથી ફીણ નીકળવા લાગે. બેચાર વાર આવું જોયેલું એટલે ત્યાર પછી તો મારું ધ્યાન ભણવા કરતાં સાહેબને આવનારી વાઈમાં જ રહેતું ! કદાચ વાઈ આવવાના પ્રસંગ વચ્ચે લગભગ ચોક્કસ ગાળો રહેતો હોવો જોઈએ…કારણ કે તે દીવસે મોટા ભાગે હું વાઈની બીકે વાઈની પ્રતીક્ષામાં રહેતો ! અને લાગે કે હવે તૈયારી છે એટલે જોઈ લઉં કે જમાલ હાજર છે કે નહીં.

સાહેબનું શરીર સહેજ પણ ખેંચાતું લાગે અથવા ડૉળા ઉપર સહેજ પણ અસર દેખાય કે તરત જ મારી રાડ પડી જ માનો – ‘જમાલ, સાબ્ય !’, ‘જમાલ, સાબ્ય !!’ અને જમાલ પણ જાણે તૈયાર હોય તેમ સાહેબની પાસે પહોંચી જઈને એમને પકડી રાખતો અને એકાદ છોકરો ઓફીસેથી કોઈને બોલાવવા દોડી જતો.

નાના બાળક ઉપર આવા પ્રસંગોની બહુ મોટી અસરો પડતી હોય છે. કુમળું મન પછી કેટલાંક દૃષ્યો જોઈ શકતું નથી. હોરર ફીલ્મો જોઈને રાજી થનારા કીશોરો કે યુવાનોની મને હંમેશાં નવાઈ લાગતી રહી છે તેમાં આ પ્રસંગો મોટા કારણભુત ગણાય.

બીજા સાહેબ તે નાથાભાઈ. શરીરે સુખી, ને સ્વભાવેય મજાના. છોકરાવને મારે બૌ !

પણ એમના મારમાં કેટલુંક હેત પણ રહેતું. કોઈ છોકરાનો વાંહો એમની ઝપટે ચડ્યો હોય તો તે દુર સુધી ચાડી ખાઈ જાય. કારણ કે નાથાભાઈ ધબ્બો મારતી વખતે પોતાનો પોંચો કુબાની જેમ પોલો કરીને મારતા ! એટલે વાગવા કરતાં ‘વાગે’ (અવાજ કરે) વધુ…એટલે અવાજ મોટો થાય !

મારે ભાગે ક્યારેય કોઈ શીક્ષકનો માર ખાવાનો લહાવો આવ્યો જ નહીં એનું આશ્ચર્ય ને ક્યારેક તો દુખ પણ થઈ આવે છે !! સોટી વાગે ચમચમ ને વીદ્યા આવે રમઝમ ! મને ઘણી વાર થાય કે હંમેશાં આગળનો નંબર લાવનારો હું જો એ રમઝમનો લાભ લઈ શક્યો હોત તો ૧૦૦માંથી ૧૧૦ લાવી શક્યો હોત ખરો !

હથેળીમાં ફુટપટ્ટી તો કાંઈ નો કહેવાય; આંકણી મારનારા સાહેબો પણ હોય છે….મેં નજરે જોયા નથી તે સારું છે, બાકી અવળી હથેળી રખાવીને મુઠ્ઠી પર આંકણી મારનારા સાહેબો “કેવા હશે ને કેવા નૈં” ?!

પણ શીક્ષાને આટલી બધી વખોડનાર આ લેખક નામે જુભૈ, પોતે પણ બાવળામાં એક વરસ શીક્ષક રહ્યા ત્યારે, તેમને પંદર દીવસ માટે મળેલા પ્રાથમીકના વર્ગોમાં, આગલી હરોળમાં બેસીને અસહ્ય ધમાચકડી કરનાર પર ડસ્ટર લઈને ફરી વળતા એ વાતે બહુ દુખી છે !!

“મારા ડસ્ટર પ્રયોગો” શીર્ષકથી મેં લખેલી “એક ચણીબોરની ખટમીઠી” નામક અનુભવકથામાં આ પ્રસંગને ઠીક ન્યાય આપ્યો છે. મનુભાઈ દર્શકે અમને લોકભારતીના કેટલાક જુના વીદ્યાર્થીઓને પોતાના કાર્યક્ષેત્રના અનુભવો લખવાના કહેલા. આવા અમે કુલ ૨૪ જણાંએ “ઝાડનાં પારખાં ફળ પરથી” શ્રેણીમાં ૨૭ બુકોમાં ઘણું બધું લખ્યું છે. મારી ઉપરોક્ત બુકમાં આવા અનુભવો મુકાયા છે. ક્યારેક એ બધાં આ શ્રેણીમાં આવે તો આવેય ખરાં વળી !

અત્યારે તો અહીં આટલું જ !

મારા ડસ્ટર પ્રયોગો જેમને જાણવા હોય તેમને માટે આ લીંક : https://jjkishor.wordpress.com/2008/01/21/chaniborani/

– જુગલકીશોર.

 

 

‘પરત’ થયેલી કવિતા !

શેં ?!
–––––––––––––––––––––––––

શબ્દ છે
અર્થ છે
તોય આ કાવ્ય શું
વ્યર્થ છે ?

ભાવ છે
વિચાર છે
કાવ્ય-વ્યવહારને શોભતો
પ્રચાર છે.

જૂથનાં જૂથ છે
પ્રશંસા કાજ તત્પર સદા
Youth છે.

કવિસભા
કવિતસંમેલનો
રાજ-સહયોગ ને
જ્યોતિષોએ કહ્યો
કુંડળીયોગ છે.

પ્રેસ છે
પુસ્તકોને પ્રકાશિત થવા
‘ખાસજન’ની
નવાયેશ છે.

મૂલ્ય…
શું આજ મૂલ્યાંકનોનું
કશું મૂલ્ય છે….

વિવેચનો
પ્રવચનો
ક્યાંક રસદર્શનો કાજ
તો
‘નિજજનો’
સદા ઉપલબ્ધ છે —

શબ્દ છે
‘શબ્દને જોઈતો’
અર્થ છે —

તોય
શેં
કાવ્ય આ
વ્યર્થ છે ?

— જુગલકીશોર.
તા. ૨૬, ૧૧, ૧૮.

––––––––––––––––––––––––––––

 

શાળાનું પ્રથમ પગથીયું (ભણતાં–ભણાવતાં –૧)

આજથી આ એક નવો વીભાગ શરુ કરી રહ્યો છું. આશા રાખું, બીજા મારા કેટલાક અટકી કે બંધ પડેલાઓની જેમ આને પણ એ રોગ ન લાગી જાય ! – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(ભણતાં–ભણાવતાં –૧)

શાળાનું પ્રથમ પગથીયું ચડ્યા 

 

ભણવું એક વાત છે ને ભણાવવું તે બીજી જુદી વાત.

ભણતાં ભણતાં – થોડા મોટા થયા પછી – શીક્ષકના કાર્યને સમજવાનુંય થતું રહેતું હોય છે. કેવળ ભણવું અને ભણવાની સાથે સાથે ભણાવનારનું ભણાવવાનું કાર્ય સમજવા મથવું એ બન્ને બાબત અલગ છે પણ અમુક ઉંમર કે અમુક પ્રકારની સમજણ વીકસ્યા પછી એ બન્ને કાર્યો કંઈક અંશે સાથે ચાલતાં હોય છે. મારું ઘડતર કંઈક એવા પ્રકારનું કે નાનપણથી જ શીક્ષકોનાં કપડાં, પહરવેશની રીતભાત, એમની લઢણો અને કંઈક અંશે ભણાવવાની પદ્ધતી પણ નીરીક્ષણે ચડતી રહેતી ! (પણ એ બધું તો હવે પછી વારા પછી વારાએ…)

છએક વરસ પૂરાં થતાં શાળાએ જવાનું સહજ હતું. ઉમરાળાની શામલાલજીની હવેલીના મુખીયાજીનો દીકરો ભણવા બેઠો ત્યારે શાળાના અમુક શીક્ષકો સીવાય એ છોકરા અંગે કોઈને ખાસ કશું લાગ્યું હોય એ શક્ય નહોતું. ૧૯૫૦ની આસપાસ આ પ્રસંગ બન્યો હશે. એક થેલી અને એમાં પાટીપેન સીવાય કશું સાથે લેવાયું હોય એવું લાગતું નથી.

હા, શાળાએ દાખલ થવાનો પ્રથમ દીવસ હોવાનું જે માહાત્મ્ય છે તેના અનુસંધાને કપાળે ચાંલ્લો, હાથમાં શ્રીફળ, સાથે આવનાર કને કેટલુંક નાણું અને – “ભણીગણીને ખુબ હોશીયાર બનો”નો વણલખ્યો આશીર્વાદ.

બીજું તો કંઈ યાદ પણ ક્યાંથી હોય  ? સરસ્વતીની જીવનભરની આરાધનાનો એ પ્રથમ દીવસ ! ને તોય એ અંગે કશી જ માહીતી યાદ રહી શકે તેટલી ઉંમરનો અભાવ, આવા અતી મહત્ત્વના દીવસને કોઈ એક ખુણે મુકી દે છે.

થોડા મહીના પછી ભત્રીજો પણ દાખલ થયેલો જેને અંગે પણ કશું જ યાદ નથી.

પણ કાકાની સીનીયોરીટીએ એક દીવસ ભત્રીજાની તકલીફમાં મદદ કરેલી તે સાવ કરતાં સાવ યાદ રહી ગયું ! શાળા ચાલુ અને એને ઉલટી થયેલી. ઘરે જવાની રજા તો બન્નેને મળી ગયેલી પણ ઘરે સમાચાર કોણ આપે ? એટલે કાકાએ ફર્શ પર પડેલો બગાડ સાફ કરવા માટે એની જ કાપડની થેલીનો સદુપયોગ કરીને કામ ચલાવી લીધેલું ! અને પછી તો એ જ ભીની થેલીને લબડાવતાં લબડાવતાં ઘરે પહંચેલા.

કાકાને ધન્યવાદ જેવું બક્ષીસમાં કાંઈ મળ્યું હતું કે નહીં તે યાદ રહે તેટલી બક્ષીસ યાદશક્તીની હજી મળેલી નહીં…..

પણ ઉમરાળાના શાળાજીવનના કેટલાક પાઠોમાંનો આ ઉલટીવાળો એક પ્રસંગ, અણગમાનો બનવાને બદલે ઉલટાનો કાકાભત્રીજા વચ્ચેની મૈત્રીનો ભાગ બનવાનો હતો.

વધુ હવે પછી –

તતકાળ મળ્યો

દોડવું ’તું ને ઢાળ મળ્યો

ભુખ્યાં થયાં ત્યાં થાળ મળ્યો.

રાજકુંવરી હશે અહીં કૈં –

સોનેરી આ વાળ મળ્યો.

ડુંગર ડુંગર બહુ બહુ ખુંદ્યા

હીરો ઘર–પરસાળ મળ્યો.

કરતાલોને અડકી જોયું

કેદારો  તતકાલ મળ્યો.

રાસ તણું બ્હાનું શું દીધું

હાથ બળ્યો ગોપાળ મળ્યો.

 

– જુગલકીશોર