સહજ સમાધ

                                                                                           લે: માધવ ગોર

 

 

” દાદા, તમે ગાંગુલીનું નામ જ્યારે જ્યારે બોલો છો ત્યારે લોચો મારો છો !” ગામડેથી જ્યારે જ્યારે દીકરીને ઘેરે આવું ત્યારે આ અમારી બરખા-દોતરી મારી ખબર લઈ નાંખે છે !

” શેમાં લોચો ? બોલ ! સુધારવા તૈયાર !” મેં કહ્યું.

” તમે ‘સૌરભ’ બોલો છો ! લખો છો ય ‘સૌરભ’,”

” તે ?”

” બધ્ધાં જ – અંગ્રેજી-ગુજરાતી છાપાં-પુસ્તકો  બધ્ધે બધ્ધાં ‘વ’ લખે ને તમે એકલા જ ‘ભ’ ?! તો શું આ બધા ખોટા ?”

” ના, સાચા-એ ય સાચા !”

” આય સાચું ને એય સાચું !! લો, કરો વાત ! બેય સાચું કેવી રીતે હોય? દાદા,તમે દુધમાં ને દહીંમાં પગ રાખો છો!!”

” જો દીક્કા! દુધ કે દહીં એક્કેયમાં પગ ન રખાય.બેય મોં’માં મુકવાની વસ્તુ છે,બગાડાય નહીં !”

” ને ભાશા, મોંમાંની વસ્તુ નથી ? એ બગાડાય ?”

” પણ મોંને લાડુ અને ફુલવડી બેય ભાવતાં હોય તો ?”

” વાત આડે પાટે ચડાવવામાં ગામડાંનું લોક ઉસ્તાદ ! કેમ દાદા ? તમે ખોટા ઉચ્ચાર અને ખોટું લખાણ કરો પછી પાછા બચાવ કરો !તમે બસ ‘સૌરભ’નું પુંછડું પકડ્યું એ જ ખરું !!”

મેં એને સંસ્કૃતનો શબ્દકોશ હાથવગો હોય તો આપવા કહ્યું, એણે લાવી બતાવ્યું.

” અરે, આમાં તો ‘ભ’ છે ! તો,’વ’ કેમ થયો ?”

” બોલનારને ભાવ્યો ને ફાવ્યો ! ઠીક,તારા નામમાં ‘વ’ હતો ?”

“ના રે ના !”

” જો મુળ શબ્દ તો ‘વર્ષા’.”

“હા,હો !,’બરખા તો તમે સુચવેલું.”

” બંગાળીમાં એમ બોલાય છે. ‘વ’ છે જ નહીં !”

” હેં નથી ?’

” જો બંગાળી શબ્દકોશ…”

” છે મારી પાસે.બંગાળી ‘સાહીત્ય સંસદ’ની બંગાળી અંગ્રેજી ડીક્ષનરી.”

” લાવ..જો…આ પાનું એક હજાર એકસોને બાવીસમું. જો.”

” આમાં તો બે જ વાત લખી છે ! એક, કે આ બંગાળી કક્કાનો ઓગણત્રીસમો અક્ષર છે, અને બે ‘વ’થી શરુ થતા બધા શબ્દો પાન આઠસો ત્રેપન પર છે ! આમ કેમ ?…”

” કારણ કે ‘વ’ એ લોક બોલી શકતા જ નથી. જાણે છે ખરા કે ‘વર્ષા’માં લખાય તો ‘વ’,પણ બોલય તો ‘બ’ કે ‘ભ’.”

” બોલી કેમ ન શકે ?”

” દરેક ભાશા બોલનાર અમુક જ ઉચ્ચારો કરી શકે છે. દાખલા તરીકે અંગ્રેજી બોલતાં આપણે અંગ્રેજો કે અમેરીકનો પ્રમાણે ન બોલી શકીએ,ને અંગ્રેજ આપણો ‘ત’ કે ‘દ’ કે એવા બીજા ઘણા ઉચ્ચાર-એકમો ન જ બોલી શકે.”

” એટલે ઉચ્ચાર ભાષાએ-ભાષાએ   જુદા.એ તો બરાબર,પણ એકની એક ભાષામાં ય ઉચ્ચાર ફરે ? એ કેવું ? સંસ્કૃતમાં તો એવું નથી !”

” કોણે કહ્યું ? વેદના વારાના સંસ્કૃતમાં ‘હરિ,’ ‘મહિ’માંના આજના હ્રસ્વ ‘ઇ’ તે દીર્ઘ હતા !કેટલાય જુદા હતા !”

” તો સંસ્કૃતેય શું ફેરફાર થઈને આવેલી ભાષા હતી ?”

” હાસ્તો ! ભાષા બહતા નીર ! નદી પર્વત પરથી નીકળે ને ઢાળ મળે ત્યાં વહે ! તે વખતે પછી પર્વતે એના ઉદ્ગમ આગળ ઉભેલો માણસ કહે કે ‘નદી,નદી,પાછી આવ !’ તો એ પાછી આવી શકે ખરી ? એ તો બેય કાંઠાના જીવનને લીલું લીલું રાખતી વહ્યે જ જાય. એમ ભાષા પણ.”

” નદીને તો વહેણનું તળ છે.ભાષાને એવું તળ હોય ? કયું ?”

” લોકની જીભ ને લોકનું મન.ઢાળ-સરળતા જ એનું બળ.એ જ એને વહેવડાવે.”

” પણ અમારાં બહેન ગુજરાતીમાં શીખવે છે તે કહે છે કે સરળતાનું પુંછડું પકડનારા ભાષાને બગાડે છે ! ન્હાનાલાલે અમથું કહ્યું હશેકે ‘નરી સરળતા કોણ પુજશે ? “

” કોણ નહીં પુજે તે કહું,પંડીતો.. કોઈ ન સમજે એવું લખી શકો તો તમે ‘લેખક’ ! હું તો માનું છું કે સહજ બોલાતી બહુજન-સમજની ભાષા તે જ વધુ ઉપયોગી.બોલાતી ભાષાની અસર લખાતી પર પણ પડતી હોય છે.”

” બોલાતી ભાષા જબરી કે લખાતી?”

“બોલાતી ભાષા.. લખાતીને બદલી શકે.”

” કેવી રીતે ? દાખલો આપો. દાદા, અધ્ધર વાત ન કરશો.અને હવે બધી ભાષાની વાત કરો છો તો અંગ્રેજીમાંથી દાખલા આપો !”

” જો દીકરી,હું તો ગામડામાં રહું છું. તમારી જેમ અંગ્રેજી મીડીયમમાં ભણ્યો નથી.”

“પણ તમારા વખતમાં અંગ્રેજી સારું શીખવાતું.”

“એટલે તો દાખલો આપી શકું છું.આપણે આજે ય ‘નારંગી’ શબ્દ બોલીએ છીએ ને ? એને માટેનો અંગ્રેજી શબ્દ કયો ?”

“ઓરેંજ.”

” ‘રંગી’ અને ‘રેંજ’ મળતા આવે છે ?”

” થોડાક. ‘ર’ કૉમન છે.’ગ’ ને સ્થાને ‘જ’ છે.”

“મુળ સ્પેનીશ શબ્દ હતો/છે : ‘norange’ “

” ઓહ ! આપણા ‘ન’નું મુળ મળ્યું.”

” પણ અંગ્રેજીમાં ‘ન’ કેવી રીતે ગયોં તે વાત જાણવા જેવી છે.અંગ્રેજીમાં નામ આગળ ‘a’કે ‘an’આર્ટીકલ લગાડવાનો ચાલ રુઢ થયેલો છે.”

” હા,એટલે ‘એન ઓરેંજ’ થાય.”

” ના ! મુળમાં ‘એ-નોરેંજ’થાય ! પછી ‘એ-નોરેંજ’ બોલનારે ‘એન-ઓરેંજ’માની લીધું ! ને એમ ‘ન’ ઉડી ગયો !બીજા આવા શબ્દો હશે,છે.ઘણા.પણ ચર્ચાને લંબાવવાનો અર્થ ખરો ?”

“દાદા,શબ્દને ય ઈતીહાસ હોય,ખરું ને ?”

“હોય જ.ને એનું અલગ શાસ્ત્ર પણ છે.પણ એનો ય સાર છે :સરળતાનું મોં અવલંબન.”

” પણ એક દાખલો બીજો આપો.”

” ડૉક્ટરો-ખાસ કરીને જે અડધી બાંય વાળો સફેદ હાફકોટ જેવો ડગલો પહેરે છે-“

” અમેય પ્રયોગશાળામાં પહેરીએ છીએ-“

“-એને શું કહેવાય ?”

” ઍપ્રન.”

” બરાબર.પણ મુળ શબ્દ છે ‘નપ્રન’!”

“પેલા ‘ઓરેંજ’જેવું થયું હશે-‘એ નેપ્રનનું ‘એન એપ્રન’ગણાયું હશે ને પછી ‘ઍપ્રન’ જ ચલણી બન્યું હશે.”

“એક્ઝૅક્ટલી! એમ જ.મુળ અર્થ પણ ક્યારેક બદલાય.”pen’મુળમાં લેટીન’penna’એટલે ‘પીંછું’! ને મુળ લેટીન ‘penicillas’એટલે ‘બ્રશ’. એના અર્થ ફરી ગયા ને થયું ”  “‘પેન’ એટલે ‘કલમ’ ને ‘પેંસીલ’ એટલે ‘સીસાપેન’!”

” આમ કેમ થયું ?”

“સરળતા,સહજ પરીવર્તન,સહજ સમાધી !”

“પણ દાદા! બરખાએ હસતાં હસતાં ટોળમાં પુછ્યું : ન્હાનાલાલ ખોટા ? નરી સરળતા કોણ પુજશે ?”

” દીક્કુ ! એની સામે એક અંગ્રેજી (ગ્રીક) કહેણ છે.વીચારજે ને તારાં બહેનને પણ કહેજે : સીમ્પ્લીસીટી ઈઝ ગ્રેંડ્યોર.”

સરળતા તો છે ભવ્યતા !-ગાન્ધી જેવી.સરળતાને સાધવી સહેલી નથી.શબ્દોને સરળ થતાં યુગો લાગ્યા છે.એ ‘સહજ સમાધ’નું ફળ છે.

ને બરખા ગાતી ગાતી ચાલી ગઈ.

” બરખા રીતુ બૈરી હમા..રી !”

મેં સામે કહ્યું : ” ઓ બરખા કે પહેલે બાદલ ! મેરા સંદેશા લેતે જાના !”

=================================================

 

 

 

 

 

One thought on “સહજ સમાધ

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.