ગુજરાતનો ઈતીહાસ

                                                                          –હરીશ દવે.                               

દેશ અને દુનીયા સમક્ષ ગુજરાતની અનોખી ઓળખ ઉભરી રહી છે. ગુજરાતની આજની અનેરી ઓળખ પાછળ વર્તમાન ઉપરાંત તેનો ભવ્ય ઈતીહાસ ખડો છે. ગુજરાતની અસ્મીતા તેના ગૌરવવંતા ઈતીહાસને કારણે વીશેષ ઉલ્લેખનીય છે.

માનવીએ લીપી દ્વારા અભીવ્યક્તીની શરુઆત કરી. શરુઆતમાં ચીત્ર દ્વારા માનવીએ પોતાના મનની વાતને આલેખવા પ્રયત્નો કર્યા. ભાષા અને લીપીએ  માનવીના જીવનમાં અભીવ્યક્તીને આસાન બનાવી. આમ, પોતાના વીચારો, સંવેદનો, કાર્યો, અવલોકનોને … ટૂંકમાં, સૃષ્ટીના, જીવનના ધબકારને માનવી આલેખતો ગયો. તે થકી ઈતીહાસ રચાતો ગયો.

ઈતીહાસની પહેલાં તે પ્રાગીતીહાસ અથવા પ્રાક્-ઈતીહાસ. પ્રાક્ અર્થાત્ પુર્વે અથવા પહેલાનું.

ઈતીહાસ પહેલાનો સમય તે પ્રાગૈતીહાસીક કાળ.

સામાન્ય રીતે ઈતીહાસ લેખીત પ્રમાણો પરથી આલેખાતો હોય છે. જ્યારે પ્રાગીતીહાસમાં જગત કે જીવનના અતીતનું પ્રમાણ લેખીત સ્વરુપમાં ઉપલબ્ધ નથી હોતા, પરંતુ ભુતકાળના અવશેષો-ચીહ્નો તો મળતા હોય છે. આ અવશેષો મૃતદેહ રૂપે અથવા માનવીએ સર્જેલ કે ઉપયોગમાં લીધેલ વસ્તુના રુપે હોય છે. ડાયનાસુરના અશ્મીઓ   પ્રાગૈતીહાસીક કાળના છે. એક સ્વીકાર્ય મત પ્રમાણે આશરે પાંચેક હજાર વર્ષ અગાઉનો સમય પ્રાગૈતીહાસીક કાળ ગણાય છે, પરંતુ તેમાં દેશ-પ્રદેશ અનુસાર મતભેદ હોઈ શકે.

 

ગુજરાતનો  પ્રાગૈતીહાસીક કાળ ત્રણ યુગમાં વીભાજીત કરી શકાય:

(1) અશ્મયુગ  (2) અશ્માયસયુગ. (3)  લોહયુગ.

જોકે પ્રાગૈતીહાસીક કાળને આમ પેટા-યુગોમાં સ્પષ્ટતાપુર્વક વીભાજીત કરવા પડકારરરુપ જ નહીં, વીવાદાસ્પદ પણ હોય છે. આપણે પ્રાથમીક જાણકારી પુરતું તેને સીમીત રાખીશું.

અશ્મયુગમાં બહુધા પાષાણનો ઉપયોગ છે. આશરે બે લાખથી વીસ લાખ વર્ષો પુર્વે  માનવી માત્ર પત્થરનાં ઓજારો વાપરતો. તે જ હતો અશ્મયુગ. કાળક્રમે માનવીએ આ પાષાણ-ઓજારો બે ધારવાળાં બનાવ્યાં. આ સમય લઘુઅશ્મયુગ કે અંત્યાશ્મયુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં તેના અવશેષો મળ્યા છે. આ યુગ આશરે દસેક હજાર વર્ષ પુર્વે આરંભાયો હશે તેવી માન્યતા છે.

ગુજરાતમાં લોથલ, ધોળાવીરા આદી સ્થળોએથી પથ્થર ઉપરાંત તાંબાનાં સાધન મળેલ છે. આ સાથે પ્રતીક સ્વરુપમાં લેખીત પ્રમાણો પણ મળેલ છે. તેની પ્રતીક-લીપી ઉકેલવાના પ્રયત્નો ચાલુ છે. આ કાળ   તામ્રાશ્મયુગ તરીકે જાણીતો છે. વળી તત્કાલીન માનવજીવનને વીશે સમજી શકાય તેવા પ્રમાણો મળ્યા હોવાથી આ યુગને  ઈતીહાસના અભ્યાસના પ્રથમ ચરણમાં મુકવામાં આવે છે. તેથી તેને આદ્ય ઐતીહાસીક કાળ પણ કહેવામાં આવે છે. લોહયુગનો આરંભ ત્રણેક હજાર વર્ષ પહેલા થયો હોવાનું સંશોધકો કહે છે.

ગુજરાતમાં વીશ્વસનીય પ્રમાણો સાથેનો સુનીશ્ચીત ઈતીહાસ આશરે 2300 વર્ષ અગાઉ આરંભાય છે.

ગુજરાતમાં મૌર્યયુગના શાસનના સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ છે. ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.પુ. 322-298) ઉત્તર ભારતમાં મૌર્ય વંશનો સ્થાપક સમ્રાટ. તેણે ભારતવર્ષના ઘણા પ્રદેશોમાં સત્તા ફેલાવી હતી. ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રમાં ગીરનાર પર્વત પર સુદર્શન જળાશય બંધાયું હોવાનો શીલાલેખ મળેલ છે. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર સમ્રાટ અશોક ( ઈ.પૂ. 293237). મૌર્ય વંશના આ સુપ્રસીદ્ધ શાસક સમ્રાટ અશોકના શીલાલેખો સૌરાષ્ટ્રમાં જુનાગઢના ગિરનાર પર્વતના માર્ગ પર મળી આવ્યા છે.

ઈસવીસનની શરુઆત પછી પણ ગુજરાતનો ઈતીહાસ યશસ્વી છે. ઈ.સ. 470માં ગુજરાતના ભાવનગર નજીક વલભીમાં શૈવધર્મી મૈત્રક કુળની સ્થાપના મહત્વનો બનાવ છે. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુ એન સંગની ભારતની યાત્રાની નોંધ ઉપયોગી છે. આ મહાન ચીને મુસાફર હ્યુ એન સંગ (ઉચ્ચારભેદ રહે છે: હુવેન શ્યાંગ) ગુજરાત પણ આવ્યા હતા. તેમણે વલભીની સમૃધ્ધી તેમજ વલભીની વીદ્યાપીઠનું સવીસ્તર વર્ણન કરેલ છે.

છેલ્લા હજાર વર્ષના ગુજરાતના ઈતીહાસમાં સિદ્ધરાજ જયસીંહનું સામ્રાજ્ય, મોગલ શાસન તથા મરાઠા સત્તા ઉપરાંત પણ ઘણી બધી નોંધપાત્ર ગાથાઓ  છે. ગુજરાતનો ગૌરવવંતો ઈતીહાસ રાજકીય ક્ષેત્રે જ નહીં, આર્થીક, સામાજીક અને સાંસ્કૃતીક ક્ષેત્રે પણ સમગ્ર ભારત દેશને પ્રેરક બની રહે છે.

 

 

8 thoughts on “ગુજરાતનો ઈતીહાસ

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.