ગુજરાતનો ઈતીહાસ (4)

.

આલેખક: હરીશભાઈ દવે

(નોંધ: મારા પર બે-ત્રણ વાચક મીત્રોના મેઈલ આવ્યા છે. તેમણે કેટલાક ઐતીહાસીક મુદ્દાઓ વીશે ઉત્સુકતા બતાવી છે. આભાર. મીત્રો ! ઈંટરનેટ પર પબ્લીશ કરાતા સાહીત્ય અંગે કેટલાક વણલખ્યા નીયમો અને મર્યાદાઓને ધ્યાનમાં લેવાનાં હોય છે. ઈંટરનેટ પર ઈતીહાસનું રેખાંકન કરવાનો પ્રયત્ન મુશ્કેલ એટલા માટે હોય છે કે ઢગલાબંધ પુસ્તકોમાં વીખરાયેલી પડેલી માહીતી તમારે સંકલીત કરી માત્ર સાર મૂકવાનો હોય છે. ગુજરાત માટે શરુઆતની સદીઓનો સળંગ આધારભુત લેખીત ઈતીહાસ નથી, તેથી કર્નલ ટોડ અને ફોર્બ્સથી લઈ ભાંડારકર અને આયંગર અને મુનશી સુધીના મહાનુભાવોનાં તારણો-આલેખનો વીરોધાભાસી ચીત્રો ઉભાં કરે છે.

નેટ પર, કોઈ વીષય પર વીસ્તૃત અને વીગતવાર પ્રકરણો લંબાણથી આલેખવાં શક્ય હોતાં નથી. તેથી બહુ જ મહત્ત્વની અને યોગ્ય સંદર્ભ ધરાવતી સારરૂપ વીગતો રસ જળવાઈ રહે તે રીતે ટુંકમાં પ્રસ્તુત કરવાની હોય છે. પરીણામે ઘણી હકીકતો, ઘટનાઓ અને વીવાદાસ્પદ વીગતોની ઉપેક્ષા જાણ્યે-અજાણ્યે થતી રહેતી હોય છે. આપ સૌ સુજ્ઞ વાચકો આ સમજી શકશો અને તેને અનીવાર્ય સમજી સ્વીકાર્ય ગણશો. બીજું, હું ઈતીહાસકાર નથી. એક ઈતીહાસપ્રેમી જીજ્ઞાસુ તરીકે મારા પાંચ દાયકાના વાચન અને મારી સુઝબુઝને આધારે આપને આપણા અતીતની ઝાંખી કરાવી રહ્યો છું. આમ છતાં, આજે આપના સંતોષ ખાતર કેટલીક વીગતોની છણાવટ કરી લેવી મને ગમશે… હરીશ દવે અમદાવાદ)

ગુજરાતમાં સૌથી પ્રાચીન શીલાલેખ સૌરાષ્ટ્રમાં જુનાગઢ-ગીરનારના માર્ગ પર દામોદર કુંડની પશ્ચીમ દીશાએ એક મોટી શંકુ આકારની શીલા (ખડક કે ચટ્ટાન) પર કોતરેલો છે. ઈ.સ. 1822માં બાહોશ બ્રીટીશ ઓફીસર કર્નલ ટોડ તેને પ્રકાશમાં લાવ્યા ત્યારે તે ખડક જંગલ-ઝાડીઓથી ઘેરાયેલો હતો. આ શીલાલેખ પર મૌર્ય સમ્રાટ અશોકના ચૌદ જેટલા ધર્મલેખો છે. પ્રાકૃત ભાષાના આ લેખો શીલા પર બ્રાહ્મી લીપીમાં કોતરાવેલા છે. બે હજાર વર્ષ પછી પણ તે સુવાચ્ય રહી શક્યા તે નવાઈની વાત!

આ જ ખડક પર ઉચ્ચ સંસ્કૃત ભાષામાં ગદ્યમાં લખાયેલ ક્ષત્રપકાલીન લેખ છે જેમાં મહાક્ષત્રપ રુદ્રદામા તથા ગીરીનગર (ગીરનાર-જુનાગઢ) ના સુદર્શન તળાવનો ઉલ્લેખ છે. તે જ ખડક પર કોતરાયેલો એક અન્ય લેખ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમય (ઈસુની પાંચમી સદી)નો છે.

ગુજરાત પર મૌર્ય શાસન તેમજ ક્ષત્રપોની સત્તાનો ઉલ્લેખ આપણે જોઈ ગયા.

ગુજરાતમાં ક્ષત્રપ-કાળ દરમ્યાન ઉત્તર ભારતમાં ગુપ્ત વંશનો ઉદય થયો. મગધની ગાદી પર ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત વંશને સ્થાપીત કર્યો. તે સમય લગભગ ઈસુની ચોથી સદીના આરંભનો.

ચંદ્રગુપ્ત પહેલાના પુત્ર સમુદ્રગુપ્તના શાસનમાં (આશરે ઈ.સ. 330 થી 370) ગુપ્ત રાજ્યનો વીકાસ થયો. સમુદ્રગુપ્ત બહુમુખી પ્રતીભા ધરાવતો આદર્શ રાજવી હતો. તેના પૌત્ર ચંદ્રગુપ્ત વીક્રમાદીત્યે ઈ.સ. 401ના અરસામાં માળવા જીત્યું, ત્યારે ગુજરાતમાં શર્વ ભટ્ટારકનું શાસન હતું. ગુજરાતમાં ક્ષત્રપ સત્તાના અંત અને ગુપ્ત શાસનના ઉદય વચ્ચેના સમયમાં શર્વ ભટ્ટારક રાજ્યકર્તા હોવાનું મનાય છે.

પાંચમી સદીના છેલ્લા દશકાઓમાં ગુપ્ત સામ્રાજ્ય તુટતું ચાલ્યું. ગુજરાતમાં પણ કેટલાક પ્રદેશો સ્વતંત્ર થવા લાગ્યા. ત્યારે મૈત્રક કુળના સેનાપતી ભટાર્ક દ્વારા વલભી (ભાવનગર નજીક વલભીપુર કે વળા)માં સ્વતંત્ર રાજ્યની સ્થાપના થઈ.

આ સમયગાળાનો આધારભુત લેખીત ઈતીહાસ નથી તેથી વંશાવલી, રાજ્યકર્તાઓનાં નામ, સત્તાના વીસ્તાર, સ્થળ અને સમય વીશે મતભેદ રહેવાના તે આપ યાદ રાખશો.

એક મહ્ત્વનો પ્રશ્ન એ ઉઠે: ગુજરાત એટલે કયો પ્રદેશ?

આજે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો પ્રદેશ તે આપણું અર્વાચીન ગુજરાત છે. પણ પંદરસો વર્ષ પહેલાં ગુજરાત શબ્દ તો શું, ગુર્જર શબ્દનુંયે અસ્તીત્વ જ ન હતું.

ઈસુની પાંચમી-છઠ્ઠી સદીમાં ગુર્જર શબ્દ પ્રથમ વખત ઉલ્લેખમાં આવ્યો. પણ આ ગુર્જર તરીકે ઓળખાયેલો પ્રદેશ કયો ?

આપ કલ્પી પણ નહીં શકો કે અસલ ગુર્જરમાં આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ તેનો ઉત્તરનો એક હીસ્સો માત્ર હતો.

પંદરસો વર્ષ પહેલાં નાનકડા ગુર્જરદેશની ભુમીની સીમા ઉત્તરે રાજપુતાના (રાજસ્થાન)માં જોધપુરના પ્રદેશથી લઈને નીચે દક્ષીણે હાલના ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદીને કીનારે પુરી થતી. તેમાં જોધપુર – ઝાલોર – આબુ પર્વત (અર્બુદગીરી) ના વીસ્તાર સમાવીષ્ટ હતા. ત્યારે ગુર્જરનું પાટનગર (રાજધાની) રાજપુતાના (રાજસ્થાન) પ્રદેશમાં ભીલ્લમાલ કે ભીનામાલ કે શ્રીમાલ નામે ઓળખાતું નગર હતું. ભીલ્લમાલ આબુથી પશ્ચીમે લગભગ પચાસેક માઈલના અંતરે હતું.

આ આપણા માત્ર ગુર્જર તરીકે ઓળખાયેલા પ્રદેશનું પ્રથમ અસ્તીત્વ.
આ ગુર્જર દેશની આસપાસના પ્રદેશો કયા કયા હતા?

આપણે તેમનાં પ્રાચીન નામો પણ જાણવાં જોઈએ.

પુર્વમાં માળવા અથવા માલવ પ્રદેશ(આજે મધ્યપ્રદેશના ઉજ્જૈન-ધારનો પંચમહાલ-વડોદરા તરફ લંબાતો વીસ્તાર).

રાજપુતાનાથી દક્ષીણે નીચે આવો એટલે આનર્ત પ્રદેશ (આજે ઉત્તર ગુજરાત), બાજુમાં કચ્છ જે પહેલાં પણ તે જ નામથી ઓળખાતું. કાઠીયાવાડના બે ભાગ વલભી (વળા-ભાવનગર) અને સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર).

તે સમયે અમદાવાદ વસ્યું ન હતું. અમદાવાદ નજીકના અસલાલી પાસેનો પ્રદેશ તે આશાપલ્લી.

સાબરમતીથી મહી વચ્ચેનો ભાગ તે ખેટક પ્રદેશ (આજે ખેડા). મહી નદીથી નર્મદાતટનો વીસ્તાર માલવ પ્રદેશનો હીસ્સો (આજે વડોદરા-ભરુચ), તેની દક્ષીણે ભૃગુકચ્છ તે નર્મદા તટ – ભરુચથી વલસાડનો દક્ષીણ ગુજરાતનો વીસ્તાર જેને આપણે પાછળથી લાટ પ્રદેશ તરીકે ઓળખ્યો. ત્યાંથી નીચે નાસીક્ય પ્રદેશ જે આજે નાસીક-મહારાષ્ટ્રનો ભાગ છે.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.