ગુજરાતનો ઈતીહાસ (5)

* * * * * * * * * *

આલેખક: હરીશભાઈ દવે

હીંદુસ્તાનમાં ઈ.સ. 320થી લગભગ ઈ.સ. 500 સુધી ગુપ્ત સામ્રાજ્યનું શાસન રહ્યું. પડતીના છેલ્લા થોડાક દાયકાઓને બાદ કરતાં ગુપ્ત સમ્રાટોનો બાકીનો શાસનકાળ સુવર્ણયુગ સમો ગણાય છે. આ દરમ્યાન અહીં વૈષ્ણવ (ભાગવત) સંપ્રદાયનો પ્રસાર થયો.

પાંચમી સદીના ઉત્તરાર્ધમાં ગુપ્ત સામ્રાજ્ય નબળું પડતું ગયું. તેની સત્તા નીચેના પ્રદેશો સ્વતંત્ર થવા લાગ્યા. ગુજરાતમાં, સૌરાષ્ટ્રના પુર્વ ભાગમાં આવેલા વલભીમાં સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. આ વલભી એટલે આજના ભાવનગર પાસેનો વલભીપુર કે વળાનો પ્રદેશ. એક માન્યતા પ્રમાણે ઈ.સ. 470 ની આસપાસ મૈત્રક કુળના સેનાપતી ભટાર્ક દ્વારા વલભીનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. જોતજોતામાં વલભી રાજ્ય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી ફેલાયું.

છઠ્ઠી સદીના મધ્યભાગમાં રાજા ગુહસેન તેમજ ઈ.સ. 595-612 દરમ્યાન શીલાદીત્ય પહેલાનું શાસન નોંધપાત્ર રહ્યું. શીલાદીત્ય ધર્માદીત્યે વલભીની સત્તાને માળવા (માલવ પ્રદેશ) સુધી વીસ્તારી.

વલભીના રાજા ધ્રુવસેનની કીર્તી તો હીંદભરમાં એવી પ્રસરી કે ઉત્તર ભારતના મહાપ્રતાપી ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધનની પુત્રી તેમની મહારાણી બની. તેમના રાજ્યકાળ દરમ્યાન મશહુર ચીની મુસાફર યુઆન શ્વાંગ (ઉચ્ચારભેદ રહે છે: હ્યુ એન સંગ કે હુવેન શ્યાંગ) હીંદુસ્તાનના પ્રવાસે આવ્યા હતા.

ઈ.સ. 640માં યુઆન શ્વાંગ ગુજરાતમાં વલભીની મુલાકાતે આવ્યા. તેમણે વલભીનું સુંદર અને વીસ્તૃત ચીત્ર આલેખ્યું છે. વલભી વેપાર-વાણીજ્યથી સમૃદ્ધ થયેલ નગરી હતી. અહીંના સાહસીક વેપારીઓ દેશ-વીદેશમાં વેપાર ચાલવતા. ધનીકોનાં વૈભવી મહાલયોનો પાર ન હતો. વલભીમાં અસંખ્ય બૌદ્ધ વીહારો અને દેવાલયો પણ હતા. આ ઉપરાંત વલભીમાં સંસ્કારીનગરીને છાજે તેવું વિદ્યાધામ હતું. વલભીની વીદ્યાપીઠની ખ્યાતી વીદેશોમાં વીસ્તરેલી હતી. વલભી વીદ્યાપીઠની ગણના મગધની નાલંદા વીદ્યાપીઠ સાથે થતી. વલભીના દરબારમાં પ્રખર જ્ઞાની પંડીતો બીરાજતા. મૈત્રક કુળના માહેશ્વર શાસકો શૈવ ધર્મી હતા. આમ છતાં આ સમયે ગુજરાતમાં શૈવ ઉપરાંત વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મોનો ફેલાવો થયો.

વલભીનું મૈત્રક કુળનું સામ્રાજ્ય ત્રણ સદી સુધી ટક્યું. ઈ.સ. 788માં સીંધ પ્રદેશના અરબોએ ગુજરાત પર ચડાઈ કરી. આ સાથે વલભીમાં મૈત્રક સામ્રાજ્યનો અંત આવ્યો.

આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક વળા ગામ પાસે સમૃદ્ધ નગરી વલભીપુરનાં ખંડેરો ઉભાં છે.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.