1000 વરસ પહેલાનાં મોંઘાંમુલાં રત્નો : દુહાઓ !

‘ગાથા થોડી ગુર્જરીની’–5.  હેમગંગોત્રીને ઘાટેથી.    

                                                                                                          —કનુભાઈ જાની (માધવ ગોર)

દુહા શૌર્યના :

નોટા ભાગના હૈમ દુહા પ્રેમના ને શૌર્યના છે. ‘પ્રેમશૌર્ય અંકીત’. ગયે વખતે પ્રેમના જોયા.શૌર્યના બહુ જાણીતા છે.આમાંના કેટલાકને તો પાછા એ કાળે પંડીતોએ સંસ્કૃતમાં પણ ઢાળ્યા છે. લોકવાંગ્મયની શીષ્ટ સાહીત્ય પરની અસર વીષે અભ્યાસ થવો બાકી છે; ને બાકી રહે તે સ્વાભાવીક છે. કેટલી માથાકુટ પછી કહેવાનું તો આ જ થવાનું ને કે બન્ને વચ્ચે મુક્ત આદાન-પ્રદાન હતું ? પંડીતો લોક્વચાળે રહેતા. લખે ભલે જુદી ભાષામાં, જીવનાભીમુખ રહેતા; ને લખાતું તે બોલાવા કે સંભળાવવા માટે જ લખાતું. આજે જે લખાય તે એક ચોક્કસ વાંચનારા વર્ગ માટે ! આજે લેખન લોકાભીમુખ નથી.લેખકને મન ‘લોક’ એટલે એ નાનકડો અલગ વર્ગ જ ! ને લેખન તે એમને ‘વંચાવા’ માટે જ. આ ફેર મોટો. એક કાળે આમ નહોતું. ‘લખ્યું-વંચાય’ની બોલબાલામાં સાંભળવાય કોઈ શેનું નવરું હોય !

જોકે હવે તો જોવા આડ્યે લખ્યું વાંચવાની યે ફુરસદ ક્યાંથી ? સીધું ટી.વી.! એટલે Teach us What are WE=Tea-We !! એને પાચા ‘ડબ્બો'(બોક્સ) કહેવાના ને એને જ ‘ઈડીયટ’ પણ કહેવાના ! એ તો દેખાડે છે-કમાવા, પણ તમે એને પાછા ત્યાં ચોંટી રહો છો તેનું શું ? જોકે ઝબકારમાં જે ઝબકે તે જોવા જીવ જાય ! વાંચવું દોહ્યલું થતું જાય છે. ને બોલાતું સીધું વેણ તો ગયું ! ભાષાય કંઈક કૃત્રીમ થતી જાય છે ! તેમાંય અમારા જેવા પુસ્તક-પાને-પથરાયેલ જીવનથી ટેવાયેલની કલમમાંથી જીવાતા જીવનના સીધા ધબકાર ક્યાંથી આવવાના ! તેથી જ હેમાચાર્ય જેવાને વાંચવાની મજા છે. પંડીત ખરા, પણ જીવનોન્મુખ. ને સવ્યસાચી-બેયમાં પારંગત. વીતરાગચરીત્રો આલેખતાં સાચાં સમાજચીત્રો આલેખે !એ કાળનાં લગ્નગીતો ય ! સંસ્કૃતમાં લખે, તો એ સંસ્કૃતમાં મુકે ! બેય ભાષા સીદ્ધ એમને ! ત્યાં લગ્નગીતોનું સંસ્કૃત કર્યું છે, પણ દુહામાં શબ્દફેરેય નથી કર્યો.

એ સમયે શૌર્ય હશે ત્યારે જ શૌર્યના દુહા હોય ને ! આજે નથી એટલે આ દુહા કદાચ કૃત્રીમ લાગે. જ્યાં નેતૃત્વ જ સ્વાર્થી ને તેમાંય વંશીય થતું જાય છે ત્યાં કોણ કહેશે?–કે :
                    ” ( પુત્ર થયે શો ગણ બળ્યો ! કે મર્યે શો અવગણ હોય ?
                        જો બાપીકી ભોમ આ, બીજે  બથાવી  હોય ?—ક.જાની )
                        ‘પુત્તેં જાએં કવણ ગુણ ,અવગણ કવણ મુએંણ ?
                        જા બપ્પીક્કી ભુંહડી  ચમ્પીજ્જઈ  અવરેંણ ?!’

                        ‘ભલ્લા હુઆ જુ મારીઆ બહીણી મહારા કન્તુ;
                        લજ્જે જન્તુ વયંસીઅહુ જઈ ભગ્ગા ઘરુ એન્તુ.’
                      ( ભલે રે બેન ખપી ગયો રણમાં મારો કન્થ;       
                        સૈયરુંમાં લાજી મરત જો ભાગી ઘેર આવંત…ક.જાની)

                      ” હીઅડા,જઈ વેરીઅ ઘણા,તો કીં અબ્ ભી ચડાહું ?
                        અમ્હાહં  બે  હથ્થડા, જઈ પુણુ  મારી મરાહું ”
                       ( હૈઆ છે વેરી ઘણા; તો, શું આભે ભરૈશ ?
                        અમારે યે બે હાથ છે; મારીને જ મરીશ….ક.જાની )

( પ્રેમ-શૌર્યના દુહા ઉપરાંત મુક્તકો, સુભાષીતો ને બોધના દુહાઓ પણ ઘણાં છે! એનાથી તો ધરવ જ થાય નહીં.પણ  આપણે તો સમયનોય અભાવ ! એટલે કેટલીક વાનગીરુપે ચાખીશું….પણ આવતે અંકે જ !)

2 thoughts on “1000 વરસ પહેલાનાં મોંઘાંમુલાં રત્નો : દુહાઓ !

 1. એમ નથી લાગતું કે મારવાડી ભાષા આને બહુ મળતી આવે છે?

  આપણને તો આ સમજવા માટે પણ કનુભાઇએ કરેલો અનુવાદ જોઇએ !
  આભાર નેટડાનો અને તમારો જુગલભાઇ, કે આ રીતે આટલા જોજન દૂર હોવા છતાં જાણે સામેની ખુરશી પર કનુભાઇ બેઠા હોય તેમ આ લાભ અને લ્હાવો મળે છે.

  Like

 2. મને તો હવે લાલસા જ થઈ રહી છે કે આ અતીકીમતી વાતોને ક્યાંકને ક્યાં મુકવી અને સૌ ગુર્જરપ્રેમીઓને પાવી-આગ્રહ કરીને. કનુભાઈ આપણા આંગળીને વેઢે ગણાય એટલા વીદ્વાનોમાંના એક છે. મારું સર્વ લોકભારતીની ગુરુત્રીપુટી અને કનુભાઈની કૃપાથી છે.
  તમારા હાથે આ બધું થવા નીર્માયું હોય તો નસીબ આપણાં સૌનાં.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.