1000 વરસ પહેલાંનો ગુજરાતી વૈભવ !

—કનુભાઈ જાની ( માધવ ગોર )
 હેમચન્દ્રાચાર્ય એક પ્રખર પંડીત. પણ લોકવૅણનાય પારખુ ! વ્યાકરણ જેવા વીષયમાં દુહાઓ આપે !! પોતે વીરક્ત અને અહીંસાધારી સાધુ છતાં પ્રેમશૌર્યના દુહાઓ લોકસાહીત્યમાંથી વીણી વીણીને સમાજને  બતાવે ! પોતે જૈનાચાર્ય છતાં શીવસ્તોત્ર રચે ! હજી એક વધુ આશ્ચર્ય : વીતરાગીઓનાં ચરીત્રો આપતાં આપતાં, તત્કાલીન લગ્ન-રીવાજો ને લગ્નગીતો-ફટાણાં ચખાડે ! એમના ‘ત્રીશષ્ઠી-શલાકા-પુરુષ-ચરીત્ર’ નામે ત્રેસઠ વીતરાગોના મહાભારત જેવા મહાચરીત્રગ્રંથના એક પ્રખર અભ્યાસી, વડોદરાના ‘ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યુટ’ના ભુતપુર્વ નીયામક પ્રો. જયન્ત પ્રે. ઠાકરે આ બાબતે ધ્યાન દોર્યું છે. એમને મતે ‘ત્રીષ્ટી…’ એ હેમાચાર્યની શ્રેષ્ઠ કૃતી. ( જુઓ ‘હેમચન્દ્રાચાર્ય’, પરીષદ પ્રકાશન, 1989; પૃ.41. ) એ કૃતીમાં તત્કાલીન સમાજનાં ઘણાં ચીત્રો, વર્ણનો, પ્રસંગો વ. છે. એમાં લગ્નવર્ણન-સંદર્ભે કેટલાંક ફટાણાં છે. મુળતો ત્યારની જુની ગુજરાતીમાં જ હશે, તે અહીં સંસ્કૃત પદ્યરુપે અપાયાં છે. એવા ચાર સંસ્કૃત શ્લોકો જે ઠાકર સાહેબે આપ્યા છે તે (એમના ઋણ સાથે )અહીં ઉતારું છું. એ ચારેય શ્લોકની છેલ્લી પંક્તી એકસમાન છે તેની નોંધ લેવી. મુળમાં એ ધ્રુવપંક્તી હશે. અહીં એ ધ્રુવપંક્તીમાં અણવરની ઠેકડી છે, કે તું ‘લ્યા, જાણે ખાલી ડોજરે-ભુખ્યે પેટે-આવ્યો હો એમ તારું મન તો ( સંસ્કૃત સુભાષીતમાં આવે છે ને ‘ઈતરે જના:’  એમ ) ભોજનમાં જ લાગેલું છે !

 

રુપક માણવા જેવું છે. હાલ ગવાતું એક ફટાણું યાદ આવે છે. એમાં પણ જાનૈયાંની એવી જ ઠેકડી છે : એની પેટની ‘ગાગરડી’  સાવ ‘કોરી’ કટ છે તોય ભાઈસા’બ ધરાયેલા હોવાનો ડોળ કરતા, વટ મારતા, મોંમાં સોપારીનો કટકો રાખે છે !( જાનમાં વૃદ્ધો સુડીથી ઝીણી કતરણ કરવે પાવરધા હતા; તો જુવાનો દાંતે મજબુત તેથી સોપારીના કટકાના કડુકા બોલાવતા ફરતા ! તેમાંય અણવર પાસે એક રુપાળો ખલતો હોય; એમાં લવીંગ-સોપારી-તજ વ. હોય. એની એ પણ મહત્તા ! ) હાલના ફટાણા  સાથે હેમાચાર્યે આપેલ શ્લોકો મ્હાણી શકાય એ ખાતર આજનું ફટાણું પહેલાં અહીં મુક્યું છે. પણ બંન્નેને સરખાવતાં આવાં ફટાણાંનો રીવાજ હજારેક વરસ જુનો તો છે જ, એની આ બોલતી સાબીતી. જુઓ, બે શબ્દોમાં એક ચીત્ર, ને પછીના બેમાં બીજું ચીત્ર. આમ માત્ર બે બે શબ્દલસરકે ધ્વન્યાત્મક વ્યંગચીત્ર આલેખવાની, કોઈ સીદ્ધહસ્ત આર.કે.લક્ષ્મણ કે ઉન્નીની જેમ, કળા દુહાકારમાં ને જુનાં લોકગીતોમાં હતી. ( અખા-માંડણ જેવામાંય તે !–યાદ કરો : ‘આંધળો સસરો ‘ એક ચીત્ર,  ‘શણગટ વહુ’  બીજું ચીત્ર પહેલાની બાજુમાં પડતાં જ એક મઝેદાર વ્યંગચીત્ર ખડું ! ) લોકકહેણીની આ ફાવટ. ક્યારેક ફટાણાંમાંયતે. જુઓ, આજે ગવાતું ફટાણું : ( અણવરને સ્થાને જાનની કોઈપણ વ્યક્તીનું નામ પણ મુકી શકાય ! આવી નામપુરકતા એ લગનગીતોની માત્ર મજા જ નહીં, લાગણીપુરકતા પણ હતી !)

                                                 કોરી ગાગરડીમાં સોપારીનો કટકો !

                                                 પારકે માંડવડે અણવર,

                                                                             આવડો શો મટકો !

                                                 વીવા વીતશે, કાઢી મેલશે,

                                                                            પછી ચડશે ચટકો ! 

આવું જ રુપક, પણ સહેજ ફેરે. હજારેક વર્ષમાં ફેર તો થાય જ ને ! ખાલી ‘ડોજર’ ભરવા તરફ એનો (જાનૈયાનો) ડોળો છે. ચારે શ્લોકમાં છેલ્લે પ્રશ્ન : ‘લ્યા, તારું મન શેમાં છે ? ને, અહીં પણ બેબ્બે શબ્દરેખે એક એક ચીત્ર ! પહેલાં હેમશ્લોકો, પછી થોડો મુક્ત પદ્યાનુવાદ : (અનુકુળતાખાતર લીપી ગુજરાતી રાખી છે, પણ મુળ સંસ્કૃત એ ભાષાની જ જોડણીમાં.)

            ” જ્વરી વા..બ્ધિં  શોષયિતું, મોદકાન્ પરિખાદિતુમ્

                શ્રદ્ધાલુર્    અનુવર    કો,    મનસા    કેન    નન્વસૌ.”

 

             [  જાણે કોઈ તાવવાળો આખો સાગર પી જવા તડપે,

               (કોઈ ખાઉધરો ) બધા લાડુ ચટ કરવા ચ્ હાય, એમ આ અણવર કયા                                           અભરખાવાળો છે ?! એને મનમાં શી છે મનછા ? ]

 

            ” મંડુક્યેભ્યો   ખંડદૃષ્ટિ:   કાન્દુકસ્યેવ કુક્કુર:
                 સ્પૃહ્યાલુર્  અનુવરો   મનસા  કેન   નંવસૌ.”
( અહીં પ્રથમ ચરણમાં કંઈક ગરબડ, મુદ્રણદોષે હશે, એમ લાગે છે.)

              [  દેડકાની દૃષ્ટી કુવા જેટલી-ખંડદૃષ્ટી; કુતરાની નજર કંદુકમાં ! એમ આ અણવર   અભરખાવાળો છે. એને મનમાં શી છે મનછા ? ]

               ” તોયાનાં ચાતક ઇવ, ધનાનાં ઇવ યાચક: ;
                  પૂગાનાં શ્રાદ્ધ્યો..નુવરો, મનસા કેન નન્વસૌ.” 

              [  પાણીમાં (જીવ) ચાતકનો, ધનમાં યાચકનો એમ
                  સોપારીમાં અણવરનો ! એને મનમાં શી છે મનછા ? ]

                ”  હૈયંગવીર્નપિંડસ્ય, બિડાલ ઇવ લમ્પટ: ;
                                                      શ્રાદ્ધશ્ચૂર્ણસ્યાનુવરો,મનસા કેન નન્વસૌ.”
                  [ માખણપીંડે બીલાડાની નજર ચોંટે, એમ આ અણવર શેમાં લમ્પટ છે ? ચુરમામાં ? એને મનમાં શી છે    મનસા ?]

હવે આ બધાના પદ્યાનુવાદો :
                                                       તાવલો તો અબ્ધી  પ્યાસે !
                                                       અણ્ વર્-જીવ   લાડુ-તાસે !
                                                       ભુખલ્યા     આ  અણવર્ ને
                                                                      મનમાં શો ખટકો !

                                                        કુવાખંડી     મેંઢક       દૃષ્ટી,
                                                        કન્દુક    ખંધી      કુતરદૃષ્ટી,
                                                        અભરખાળો     અણવરીઓ !
                                                                       મનમાં શો ખટકો ! 

                                                         જલે  વળગ્યું   ચાતકચીત્ત,
                                                         ધને   વળગ્યું  યાચકચીત્ત,
                                                         અણવર ચીત્તે એક જ વળગ્યો
                                                         સોપારીનો   કટ્ટકો !
                                                         મનમાં  શો ખટકો !

હેમચન્દ્રથી આપણી ભાષાનું મુખ અપભ્રંશ તરફથી બદલાઈને ‘ગુજરાતી’ તરફ ફેરવાયું. એ અગીયારમીથી ચૌદમી-પંદરમી સદી સુધીના, નરસીંહની પહેલાંના ચારસોક વરસ પર પણ એક ઝડપી નજર હવે નાંખી લઈશું.વીવેચન નહીં, કેવળ રસમય પ્રથમ પરીચય. એ ગાળાનો ઈતીહાસ તો શ્રેષ્ઠ રીતે આપ્યો છે પ્રા. અનંતરાય રાવળે એમના ‘ગુજરાતી સાહીત્ય [મધ્યકાલીન]’ નામના પુસ્તકમાં.આપણી તો છે આ માત્ર શબ્દસફર, કાલાનુસારી ખરી, પણ કેવળ આનંદવીહાર. બાંધવું નથી કશું, બંધાવું નથી કશામાં; આનંદથી આ ગુર્જર-સાહીત્ય-સ્ હેલ કરશું !!

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.