.
ગુજરાતનો ઈતીહાસ (9): સોલંકીકાળ પુર્વે ગુજરાત: એક દ્રષ્ટીપાત
આલેખક: હરીશભાઈ દવે
સોલંકીકાળ પુર્વેના ગુજરાતના શાસનકર્તાઓનો ઈતીહાસ આપણે સંક્ષેપમાં જાણ્યો.
ઈસવી છઠ્ઠી સદીમાં ગુર્જરદેશ (વલભી – સૌરાષ્ટ્ર- કચ્છ સહિત હાલનું ગુજરાત) તેમજ રાજપુતાના અને માળવા પ્રદેશોની સભ્યતા-ભાષા- રીતીરીવાજ- સમાજવ્યવસ્થામાં આશ્ચર્યજનક સામ્ય હતું. તે સમયે ગુજરાતમાં- તે કાળના ગુર્જર દેશમાં – સુદ્રઢ સમાજવ્યવસ્થા હતી. સમગ્ર ભારતવર્ષમાં સુનીયોજીત વર્ણવ્યવસ્થા હતી.
એક વાત નોંધવી રહી કે બ્રાહ્મણો કુશળ રાજ્યકર્તાઓ પણ હતા. ગુર્જર દેશનો પ્રથમ ઉલ્લેખનીય રાજા હરીચંદ્ર બ્રાહ્મણ હતો. મશહુર ચીની મુસાફર યુઆન શ્વાંગ (ઉચ્ચારભેદ રહે છે: હ્યુ એન સંગ કે હુવેન શ્યાંગ)ની નોંધ પ્રમાણે ઉજ્જયીનીમાં રાજા બ્રાહ્મણ કુળના હતા. ઉલ્લેખપાત્ર વાત તો એ કે દસમી સદીમાં વીધર્મી આક્રમણોનો સામનો કરનાર, મહંમદ ગઝની સામે લડનાર અફઘાનીસ્તાનના શાસકો બ્રાહ્મણ હતા
સોલંકી વંશ એટલે મુળ ક્ષત્રીય કુળના ચાલુક્ય રાજાઓનો વંશ. ગુજરાતના ચાલુક્યો વીષે મતમતાંતર છે. સાચું પુછો તો, ક્ષત્રીયો વીષે ભીન્ન ભીન્ન કથાઓ પ્રચલીત છે જ.
એક દંતકથા પ્રમાણે આબુપર્વત પર મહર્ષી વસીષ્ઠના અગ્નીકુંડમાંથી ચાર ક્ષત્રીય જાતી પ્રગટ થઈ. અગ્નીકુંડમાંથી પ્રગટ થનાર પૃથ્વીધર નામે વીર પુરુષ દ્વારા પ્રતીહાર (પરીહાર = દ્વારપાળ) જાતી અસ્તીત્વમાં આવી. બીજા વીરનું પ્રાગટ્ય બ્રહ્માના હાથની અંજલી- ચુલુક-માંથી થયું તેમના દ્વારા ચાલુક્ય જાતી સર્જાઈ. ત્રીજા વીર પુરુષે શત્રુઓને મારીને પરમાર જાતી સર્જી. ચોથા વીર પુરુષને ચાર હાથ હતા તેમની જાતી ચાહમાન તરીકે ઓળખાઈ.
એક માન્યતા છે કે ચાલુક્યો મુળ ઉત્તર ભારતના, પણ ચોથી સદીમાં દક્ષીણે જઈ વસ્યા.
છઠ્ઠી-સાતમી સદીમાં ભારત વર્ષના બે મહાન સામ્રાજ્યો: ઉત્તરમાં ચક્રવતી સમ્રાટ હર્ષવર્ધનનું અને દક્ષીણમાં ચાલુક્ય વંશના પુલકેશીનું.
ચાલુક્ય પુલકેશી પહેલાએ દક્ષીણે વાતાપીમાં (હાલ મહારાષ્ટ્રના બીજાપુર જીલ્લાનું બાદામી) ચાલુક્ય વંશની રાજ્યસત્તા સ્થાપી. ચાલુક્યનરેશ પુલકેશીના વંશજોએ ગુજરાતના લાટ પ્રદેશ (નર્મદા તટનો દક્ષીણ ગુજરાતનો પ્રદેશ) પર પોતાની આણ ફેલાવેલી. તે પછી ચાલુક્યોની વંશાવલી અસ્પષ્ટ છે.
ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરનાર મૂલરાજ સોલંકીના પૂર્વજો વીષે વીરોધાભાસી માહીતી છે.
ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકીયુગની કથા હવે પછી.