પહેલું શું, દુરબીન કે આંખ ?

                                       મનુભાઈ પંચોળી ‘દર્શક’.
મારી સાથે અમરશી કરીને એક છોકરો ભણે. વર્ગમાં તેને કાંઈ આવડે નહીં. તેને અમે સૌ ઠોઠડો કહીએ. તે વખતે એવો રીવાજ હતો કે શીક્ષક કોઈ વીદ્યાર્થીને પ્રશ્ન પુછે. તેને તે ન આવડે તો તે પછીના જેને આવડે તે પહેલા વીદ્યાર્થીને ધોલ મારીને આગળ જાય. આ ભુંડા રીવાજ પ્રમાણે મેં પણ ઘણીવાર અમરશીને ધોલો મારી હતી. તે પણ પોતાને સાચે જ ઠોઠ સમજીને ધોલ સહી લેતો.

ખેડુતનો છોકરો ને ભણવામાં ઠોઠ એટલે પાંચમા ધોરણથી જ તે ઉઠી ગયેલો.

ઘણાં વર્ષો પછી હું મારે ગામ ગયેલો. ગામને મન તો હું એ ગાળામાં ઘણો આગળ નીકળી ગયેલો. એક સાંજે અમરશી મારી પાસે આવીને કહે, ‘મારે ત્યાં સાંજે જમવા આવશો ?’

સાંજે જમવા ગયો. વાળુ કરતાં કરતાં તેણે કહ્યું, ” ભગવાનની મારા પર મહેર છે. ભાઈએ ભાગ પડ્યા ત્યારે મારે ભાગે વીસ વીઘા જમીન ને એક બળદ આવેલ. પહેલાં તો ગાડું ચલાવતાં મુશ્કેલી પડી; પણ ધીમે ધીમે મહેનત અને કરકસર કરી નવી જમીન લીધી, કુવો બંધાવ્યો; ઘર પણ બે સાલ પહેલાં ચણાવ્યું.આજ મારી પાસે પચાસ વીઘા જમીન છે, બે જોડી બળદ.” બહુ સ્વાભાવીકતાથી, કશીયે બડાશ વીના એક નરવા આત્મસંતોષથી અમરશી આ વાત કરતો હતો. ને મારા અંતરમાં ચણચણાટી થતી હતી.’ આ અમરશીને અમે ઠોઠ કહેતા હતા ? નાઈલ નદીના મુખ આગળ કયું શહેર આવ્યું કે દરીયાઈ પવનો ક્યાંથી છુટે છે અને ક્યારે છુટે છે એ નહીં જાણવા માટે આને તમાચા મારતા હતા ?’ નાઈલ નદીનું મુળ કે મુખ નહીં જાણવાથી તેનો ઘરસંસાર કઈ જગ્યાએ અટકી પડ્યો? ને ધારો કે મને જ એક બળદ ને વીસ વીઘાં જમીન મળ્યાં હોત તો હું તેમાંથી મારું ગુજરાન કાઢી,આ વાડી, આ ઘર વગેરે બાંધી શકત ખરો ? હું તો ભુખે મરી ગયો હોત—દુખી દુખી તો જરુર થાત. કોની પ્રાણશક્તી ચડીયાતી ? મારી કે અમરશીની ? સમાજને મારા જેવાની વધુ જરુર કે અમરશી જેવાની ?

તો પછી હોશીયાર અને ઠોઠનો આપણો ગજ કઈ રીતે યોગ્ય ગણાય ? કહે છે કે ઈન્ગ્લેન્ડમાં સાંજના ભોજન સમારંભમાં કોઈ કાળાં કોટપાટલુન પહેરીને ન જાય તો બહુ અસંસ્કારી કહેવાય ને જોનારના નાકનાં ટેરવાં ચડી જાય. સંસ્કારીતાનો તેમનો ગજ કાળાં કોટપાટલુન પર રચાયેલો છે, પણ વસ્તુત: સંસ્કારીતા, માણસાઈ કે પ્રાણશક્તીને કાળાં કોટપાટલુન સાથે કશો સંબંધ નથી.

જીવનના નીભાવ, વૃદ્ધી ને સત્ત્વસંશુદ્ધી માટે કઈ કઈ વસ્તુઓની વધારે જરુર છે તેની આપણને સાફ સમજણ નથી. આથી આપણે ઘણી વાર નાનાને મોટું અને મોટાને નાનું સ્વરુપ આપીએ છીએ. વીદ્યાર્થી ગણીતમાં નાપાસ થાય તેથી તે જીવતરમાં નાપાસ થતો નથી તે વાત ક્યારે સમજશું ?

વસ્તુત: વિષયો તે સાધન છે. પણ સાધનનું મહત્ત્વ તેના વાપરનાર પર આધારીત છે. બહારવટીયાનો સામનો કરવા બંદુક લીધી હોય પણ બહારવટીયા આવીને હાકલ કરે ત્યારે છાતી બેસી જાય, ને બંદુક કાંઈ ખપ ન લાગે.

દુરબીન ઘણું સારું સાધન છે પણ જેને આંખ જ ન હોય કે આંખે ઝામર હોય, ફુલું હોય તેને ગમે તેવું કીંમતી દુરબીન ભેટ આપીએ તેથી શો ફાયદો થાય ? તેના પ્રત્યેનો આપણો પ્રેમ તો તેનો ઝામર પહેલાં ઉતરાવીને જ બતાવી શકીએ.

પણ જ્યાં સુધી આપણે આંખને બદલે દુરબીનને જ અગત્યનું ગણ્યા કરીએ ત્યાં સુધી આપણને સાચો રસ્તો કેમ સુઝે ? સાધનની નીંદા નથી કરતો પણ વાપરનાર કરતાં તે ગૌણ છે તેટલું જ કહેવા માગું છું.

વીષયશીક્ષણે આજે વીદ્યાર્થીને હડસેલી દીધો છે. એટલું જ નહીં, વીદ્યાર્થી, તેનાં માબાપ, શીક્ષણનું જગત, સૌ પર તેણે સવારી કરી છે. ‘ Things are in the saddle.’ વસ્તુ સવાર થઈ છે, માણસ નહીં.

………………………………………………………………………………………….

“સર્વોદય અને શીક્ષણ” માંથી.  સૌજન્ય : કોડિયું  ફેબ્રુ. ‘ 07.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.