ગુજરાતનો સુવર્ણયુગ

.

ગુજરાતનો ઈતીહાસ (10): ગુજરાતનો સુવર્ણયુગ

.

આલેખક: હરીશભાઈ દવે

*   *   *   *   *   *   *   *   *

ગુજરાતના ઈતીહાસમાં સોલંકી યુગ સોનેરી અક્ષરોએ ઝળહળી ઊઠે છે. સોલંકી રાજ્યશાસનનો યુગ એટલે ગુજરાતનો સુવર્ણયુગ.

દસમી સદીમાં ઉદય પામેલા સોલંકી શાસનનો સ્થાપક રાજવી મુલરાજ સોલંકી હતો.

મુલરાજ સોલંકીના પુર્વજો વીષે મતમતાંતર છે. પ્રચલીત મત પ્રમાણે મુલરાજના પુર્વજો મુળ ઉત્તર ભારતના ચાલુક્યો. તેઓ કાન્યકુબ્જ (કનોજ) પ્રદેશના વતની.

મુલરાજ સોલંકીના પીતાનું નામ રાજી. રાજી કાન્યકુબ્જના પ્રતીહાર રાજાનો એક સામંત અને તે દક્ષીણ રાજપુતાનાના ગુર્જર દેશના કેટલાક પ્રદેશોનો અધીપતી હતો.

એક વાયકા એવી છે કે રાજી સૌરાષ્ટ્રમાં સોમનાથની યાત્રાએ ગયેલો. વળતી યાત્રાએ તેનો મુકામ અણહીલવાડ (પત્તન કે અણહીલપુર પાટણ) ખાતે થયો. ત્યાં ચાવડા વંશના રાજા સામંતસીંહ (આખરી ચાવડા નરેશ)નું શાસન હતું. રાજીએ સામંતસીંહની બહેન લીલાદેવી સાથે લગ્ન કર્યાં. આ દંપતીનો પુત્ર તે મુલરાજ સોલંકી.

  મુલરાજનો જન્મ ઈ.સ. 915માં મુલરાજે યુવાન વયે પીતાની સત્તા સંભાળી અને ઈ.સ. 942માં તો અણહીલવાડ (પાટણ) જીતી પોતાની ગાદી સ્થાપી.

આમ, સરસ્વતી નદીના કીનારે સારસ્વતમંડલના પ્રદેશમાં મુલરાજ સોલંકીનું રાજ્ય અસ્તીત્વમાં આવ્યું. આ સાથે ગુર્જરદેશમાં સોલંકી શાસનના પગરણ મંડાયાં.

હકીકતમાં, માલવદેશના રાજા ભોજ કે રાજા મુંજ કે દક્ષીણ ભારતના રાજ્યકર્તા તૈલપની સરખામણીમાં મુલરાજનું રાજ્ય નાનકડું જ હતું. રાજપુતાનાના રણની દક્ષીણના પ્રદેશો સીદ્ધપુર- પાટણ – પર તેની સત્તા. પાટણ તેની રાજધાની. મુલરાજે ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક પ્રદેશો પર સતા જમાવી અને પોતાના રાજ્યનો વીસ્તાર કર્યો. આ રીતે, પાટણ પર મુલરાજ સોલંકીએ સોલંકી વંશના શાસનનો પાયો નાખ્યો.

મુલરાજ સોલંકીના સમયમાં અર્વાચીન ગુજરાતના પ્રદેશો માટે ગુર્જર દેશ શબ્દ યથાર્થ રીતે પ્રચલીત થયો. મૂલરાજ સોલંકી ગુજરાતનો રાજા ગુર્જરેશ્વર કહેવાયો. આગળ જતાં આ વંશમાં ચક્રવર્તી નરેશ સીદ્ધરાજ જયસીંહ થઈ ગયો.

મીત્રો! આપે માન્યવર સાક્ષર કનૈયાલાલ મુનશી લીખીત સોલંકી વંશની  પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ આદી લોકપ્રીય નવલકથાઓ વાંચી જ હશે. હવે ઈતીહાસના જ્ઞાન સાથે આપને તે કથાઓ ફરી વાંચવી ગમશે.

મુલરાજને તેના પુત્ર ચામુંડ નું અમુલ્ય પીઠબળ મળ્યું. પીતા-પુત્રએ પાટણની રાજ્યસત્તાને સુગઠીત કરી. 

સોલંકીયુગના ઉદય સાથે ગુજરાતમાં સુનીયોજીત રાજ્યતંત્ર ગોઠવાયું.

ઈ.સ. 997માં મુલરાજ સોલંકીનું અવસાન થયું.

*  *  *  *  * 

2 thoughts on “ગુજરાતનો સુવર્ણયુગ

  1. મૂળરાજ સોલંકી ચાવડાનરેશ સામંતસિંહનો ભાણેજ હતો. તેને તેના મામા પ્રત્યે અત્યંત પ્રેમ હતો. મૂળરાજનો ઉછેર પણ મોસાળમાં થયો હતો. પણ સામંતસિંહ ભોગવિલાસમાં પડી રહેલો. રાજ્યતંત્ર કથળતું જતું હતું. પશ્ચિમે સિમાડે નવોદિત મુસ્લીમ સત્તાના આગમનના ભણકારા હતા જ્યારે પૂર્વમાં ઉજ્જૈનના રાજા મૂંજનો ઉદય થયો હતો. આ બન્ને સત્તા ગુજરાતનું અસ્તિત્વ મીટાવી દેવા તત્પર હતાં. બન્નેને ગુજરાતની વ્યાપારિક સંપતિ અને ખાસ કરીને સ્તંભતિર્થ એટલે કે ખંભાત બંદરના ધીકતા વ્યાપારનો લોભ હતો. આવા સમયે મૂળરાજે પોતાના રાજધર્મનું પાલન કરી પોતાના મામા સામંતસિંહને પદભ્રષ્ટ કર્યા અને રાજ્યધૂરા સંભાળી. દ્વંદ્વયુદ્ધમાં સામંતસિંહ મૂળરાજના હાથે મરાયો. પ્રજાએ પણ આ રાજસત્તામાં પરિવર્તનને આવકાર્યું. મૂળરાજને તેના બ્રાહ્મણમંત્રી માધવની કૂટનીતિ નિપૂણતાનો પણ લાભ મળ્યો.

    મૂળરાજે લાંબા યુદ્ધો લેવાને બદલે ત્વરીત યુદ્ધ અને દ્વંદ્વયુદ્ધથી શઋને પરાજિત કરવાની રાજનીતિ અપનાવી. તેના બે વિજયો મહત્ત્વના છે. કચ્છના રાજા લાખા ફૂલાણીને દ્વંદ્વમાં હરાવી ધાત કર્યો. આ સાથે કચ્છ કાયમ માટે ગુજરાતની પશ્ચિમસીમા બની. સૌરાષ્ટ્રના રા’ગ્રહરીપુને હરાવી સોમનાથ મહાદેવની સાક્ષીએ પાટણ સાથે મિત્રતાના બંધને બાંધી લીધો. અર્બુદા એટલે કે આબુને ગુજરાતમાં ભેળવ્યું. આમ તેણે એક નાનું સરખું રજવાડું ઉભું કર્યું. તે નડુલની રાજકુમારી માધવીને પરણ્યો હતો. તેને સંતાનમાં પુત્ર ચામુંડ અને પુત્રી વાચીની હતાં.

    ગુજરાતમાં સમર્થ સત્તાનો તેણે પાયો નાખ્યો. પણ આમ કરવા જતાં પોતાના પિતા સમાન મામાનો પોતાને ધાત કરવો પડ્યો, તે વાત હંમેશા તેને કોરી ખાતી હતી. જીવનની ઉત્તરાવસ્થામાં રુદ્રમાળમાં સાધુજીવન ગાળતો હતો. અંતે મામાની હત્યાના પ્રાયશ્ચિત સ્વરૂપે તેણે રુદ્રમાળના પ્રાંગણમાં અગ્નિસમાધી લીધી હતી. હેમચંદ્રાચાર્યે ‘દ્રવાશ્રય’માં આ મહાન ક્ષણનું અદભૂત વર્ણન કર્યું છે. રાજરાણિ માધવી તેની પાછળ સતી થઇ.

    તેનો પુત્ર ચામુંડ શિથીલ ચારિત્રયનો હતો. તે મેલીધેલી વિદ્યાનાં ચક્કરમાં પડ્યો. ત્યારબાદ ઉજ્જૈનની વિષકન્યાનાં મોહપાશમાં બંધાયો. સોલંકીવંશ સમાજમાં આદર ગુમાવતો જતો હતો. એ સમયે તેની બહેન વાચીનીદેવીએ તેને પદભ્રષ્ટ કર્યો. વાચીનીદેવી ગુજરાતનું ગૌરવવંતુ સ્ત્રીપાત્ર છે. વાચીનીદેવીએ ચામુંડના પુત્ર દુર્લભદેવને રાજ્ય સત્તા સોંપી. ચામુંડે નર્મદાકિનારે શુક્લતિર્થમાં આમરણ ઉપવાસ કરી પોતાનો દેહ ગાળ્યો.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.