–જુગલકિશોર.
[ઉપજાતિ]
વાતાયને ઝૂકી રહેલ પેલો
અષાઢનો શ્યામલ મેઘ -ઘેલો-
ગંભીર ઘેરે રવ ગર્જતો જ્યાં,
તારી સ્મૃતિ દંશ દિયે મને હ્યાં.
પ્રફુલ્લ કો પુષ્પ થકી પતંગિયું
કરી રહે નર્તન અંગ અંગથી;
એ નૃત્યમાં ગંધ મીઠી રમી રહે-
તારી ઉરે યાદ ભમી ભમી રહે.
ને આમ્રકુંજે રવ પંખીઓના
વીંધી, સુણાયે જ્યમ કોકિલાનો
ટ્હૌકો મીઠો, એમ અહીં ધમાલમાં
ટ્હૌકી રહે શો સ્મૃતિ-સાદ તારો !
તારી સ્મૃતિ સ્વપ્ન મીઠાં રચી રહે;
ને સ્વપ્નમાં તારી સ્મૃતિ મચી રહે!!
તા.21-1-‘ 66.
Advertisements
તારી સ્મૃતિ સ્વપ્ન મીઠાં રચી રહે;
ને સ્વપ્નમાં તારી સ્મૃતિ મચી રહે!!
સ્મૃતી અને સ્વપ્ન શબ્દો નો સરસ રીતે ઉપયોગ. રચી અને મચી પણ સરસ જોડકું બનાવે છે.
LikeLike
સુંદર સૉનેટ….
અંતિમ પંક્તિઓની ચોટ પણ સરસ છે. ત્રીજા ફકરામાં જો કે વાત અટકી ગયેલી લાગે છે. પહેલા ફકરામાંથી બીજા ફકરામાં જતાં જે ગતિ અનુભવાય છે અને અંતે જે પ્ર-ગતિ અનુભવાય છે એનું ત્રીજા ફકરામાં સ્ખલન થતું ભાસે છે. પવનની અદૃષ્ટ અનુભૂતિથી ઉઘાડ પામતું કાવ્ય, ઘેરાયેલા મેઘ અને મેઘ-ગર્જનની દૃશ્ય-શ્રાવ્ય યુતિની મદદથી પ્રિયજનની સ્મૃતિના દંશને તીવ્ર બનાવે છે. બીજા ફકરામાં પુષ્પ, ભ્રમર અને સુગંધના ફેલાવાની સાથે યાદના ઉરમાં ભમવાની વાતમાં પણ વિરહ વધુ ઘૂંટાયેલો લાગે છે અને ભમી શબ્દનું પુનરાવર્તન વેદનાને વધુ કારી બનાવે છે. પણ ત્રીજા ફકરામાં પછી એની એ જ વાત નવા રૂપકોથી દોહરાતી હોય એવું લાગ્યું. વચ્ચે વીતી ગયેલા 41 વર્ષનો અનુભવ ત્યાં થોડો ઠલવાય તો કાવ્યમાં ચાર ચાંદ લાગી જાય એવું મારું માનવું છે.
LikeLike
મને થાય છે કે તમારું આ મુલ્યાંકન-રસદર્શન-વિવેચન સૌને ઉપયોગી થાય તેવું છે. ત્રીજા ઘટકની આ વાત મારા ધ્યાનમાં આટલી સ્પષ્ટતાથી ન’તી આવી.
તમને નથી લાગતું, વિવેકભાઈ, કે આ પ્રણાલી પાડીને આપણે આપણાં સૌને વધુ ઉપયોગી થઈ શકીએ ? તમે હમણાંથી કાવ્યની પહેલાં પ્રાસ્તાવિક મૂકો છો, એ પણ પૂર્વ વિવેચના જ છે પણ રસદર્શન કક્ષાની.
આભાર.
LikeLike
આદરણીય જુગલભાઈ,
આ બ્લૉગજગતમાં વિવેચન એની જ કૃતિનું કરી શકાય જે ખેલદિલ હોય… બાકી અહીંની સચ્ચાઈ એવી છે કે તમે સાચું બોલો તો તમારે અવહેલના સહેવી પડે… આપ જે નેટ-શિક્ષણનું કામ કરી રહ્યા છો એ સાચે જ વંદનીય છે. બે દિવસ પહેલાં જ રા.વિ.પાઠકનું લગભગ અપ્રાપ્ય કહી શકાય એવું દળદાર “બુહત્ પિંગળ” ખરીદ્યું ત્યારે આપના કાર્યની ગહનતા વધુ સ્પર્શી ગઈ…. ખૂબ ખૂબ અભિનંદન…
LikeLike
તમને એ મળ્યું એ આનંદનો અને ઈર્ષ્યાનો વિષય છે ! આવાં પુસ્તકો એ આપણી ભાષાનાં અમૂલ્ય રત્નો છે. હું એને મેળવી શક્યો નથી.ગહન ગ્રંથરત્ન છે એ. એમ.એ.માં “ઉમાશંકર-સુંદરમ્ નાં ગ્રંથસ્થ કાવ્યોમાં શિખરિણી” ઉપર થીસીસ લખ્યો ત્યારે એની આચમની લીધી હતી, અંજલીભર ફક્ત. છતાં એણે કેટલી બધી શીખ ભરી દીધી છે!
તમને વિવેચના કરવાની સહજ જ સ્વીકૃતિ હોય. મારા પૂરતા નિશ્ચિંત રહેશો. સમય જ બધું ઠીકઠાક કરી આપે છે. અનુભવો મહત્વના નથી, આપણો દૃષ્ટિકોણ મહત્વનો છે. ચિંતા શી ?!
અભાર.
LikeLike
સુંદર સૉનેટ જુકાકા.
મારા બંને પ્રિય શિક્ષકોનાં સંવાદથી વધુ આનંદ થયો… તમે બંને આમ સંવાદ કરતાં રહો અને એનો લાભ મારા જેવા કો’ક ત્રીજાને જરૂર મળતો રહેશે… :-)
LikeLike