આપણા પહેલા અખબાર અંગેનો, પહેલો જાહેર લેખ વાંચશો?

વીદ્યાગ્રહ : 5.                                                                                  —કનુભાઈ જાની.

 

 

આરંભનું લેખન :

 

અર્વાચીનકાળે લખવા માટે પ્રથમ કલમ ઉપાડનાર માટે કામ તો બહુ કપરું જ હતું. કોઈ ભુમીકા વીના જ કામ કરવાનું હતું.એ કામ (કેટલાક વીદેશી પાદરી પ્રચારકોને બાદ કરતાં ) શુદ્ધ ભાવે સમાજ ખાતર જ જેણે ઉપાડ્યું અને લખાણને ટેક-ઑફ–ઉંચે ચડવા માટેનો ધક્કો આપ્યો–તે તો મોબેદ ફરદુનજી મર્ ઝબાનજી (1787-1847)જ. પોતે

‘શ્રી મુમબઈનાં શમાચાર’ અઠવાડીક કાઢવાનું નક્કી કર્યું, ત્યારે તેમાં શું શું આવશે અને કેવી ભાષા હશે તે વીષે જે તા.1-7-1822ને રોજ જાહેરાત છાપીને બહાર પાડી, એ કદાચ આપણું પહેલું જ સમાજોદ્દેશી લખાણ. એનો એક ટુકડો : (જોડણી મુળની. કૌંસ મારો. )

                 ” ગુજરાતી ભાશા મધે એક અઠવાડીઆનું નીઉજ પેપર (ન્યુઝપેપર) એટલે અઠવાડીઆનાં શમાચાર છાપવા ઠેડવેઉ ( ઠેરવ્યું) છે; તેમાં ‘ચોખુંણ પરથવીનાં દેશાવરોનાં શમાચારો તથા…હોણીઓ (બનાવો) તથા આપણા લોકોને કામ આવે તેટલી વારતાવો હશે તે ગુજરાતી ભાશામો છપાશે….તથા દોહરા ચોપાઈ તથા કવેતો (કવીતા)…તથા         વીદેઆનું (વીદ્યાનું) અભુશણા(આભુષણ)…વેપારીઓને કામ લાગે તેહવી વણજ વેપારની

બાબતો….હશે”…

કેવી ભાશામાં એ હશે ? કહે છે :

                   ” ગુજરાતી બોલી હેવી લેવા ધારીચ જે પારશી તથા વાણીઆં શરવેનાં  શમજમાં આવે…કદાપી ચાહીએ કે નીતરી ગુજરાતી ભાશા.” ( ‘મું.સ.;દો.વ.ત.’ ર.ઝ.,1972;

પૃ.15-10)

‘નીતરી ગુજરાતી ભાશા’ ‘સર્વેના સમજમાં આવે એવી’નો આદર્શ ! ને પદ્ય પણ એમનું કેવું સરળ, સૌને શીખ :

                            ” કોઈની ન થઈ એ જહાં, દોશતદાર !”

                                                *   *   *

                            ” કે દોલત બી છે, હાએ, નાપાએદાર

                              નથી આએ  દુનીઆથી  કોઈને  કરાર. ”

                                                 *   *   *   

                                   ” દયા માયા ને શતધરમ     

                                     એ છે મનુશનાં શુભકરમ “   ( ‘મું.સ. દો.વ.ત.’પૃ.34.)

ખાસ યાદ રહે : ફરદુનજી સુરતના ને દુર્ગારામ ( 1809-1876)પણ. દુર્ગારામની 22 વર્ષ પહેલાં ફ. જન્મ્યા. પહેલું અખબાર કાઢનાર સુરતના. એ નીકળ્યું ત્યારે દુર્ગારામ 16ના. એ નીકળ્યા પછી ત્રણ વર્ષે ( 1825માં) દુર્ગારામ મુંબઈ પહોંચી, ત્યાંની નવી કેળવણીમાં દીક્ષીત થાય છે.એટલે નવી કેળવણીનો જે લાભ દુર્ગારામ-નર્મદને મળ્યો છે તે ફરદુનજીને મળ્યો નથી.તો, સંસ્કૃતની ભરમાર પછી જે આવી તેનાથી પણ પારસીઓ ત્યારે કાંઈક બચી ગયા છે. અલબત્ત, દરીયાકાંઠાના ખારવાઓમાં, પોતાની પર્શીયન વગેરેની અસરવાળી બોલી (પારસી)નું વળગણ સહજ છે જ. પણ કેવળ કાળક્રમે લેતાં ગુજરાતી ગદ્યનું દીપપ્રાગટ્ય નીર્દોષ નરવા પારસીઓને હાથે થાય છે; પછી (એ દીવાની) શગ સંકોરે છે દુર્ગારામ અને એમાં સ્નેહ પુરી એને ઝળહળતી કરી મુકે છે નર્મદ. પણ જુઓ, એ બેય સુરત-મુંબઈના. આપણી ગદ્યની જન્મભુમી દક્ષીણ ગુજરાતનો છેડો, મુંબઈ-સુરત. હા, બેય. મહારાષ્ટ્રની છાયા-માયા ને નવી અંગ્રેજી કેળવણીની તાલીમ. પણ એ ગદ્ય દુર્ગારામથી સ્વતંત્ર, જાગરુક, શીષ્ટ, ને સમાજોન્મુખ થયેલું લાગે. 1843માં આરંભ કરતાં જ લખે છે : ( ફરદુનજીના આરંભ સાથે આ આરંભ સરખાવો :)

     ” પરોપકારાર્થે જે કાંઈ થાય તે સર્વ લખી રાખવું જોઈએ…હવડાં મનમાં એ મોટો વિચાર છે કે સર્વ લોકોના મનમાં પોતપોતાને વિષે જાતિનું અભિમાન ઘણું રહ્યું છે તેને તોડી નાંખવું…મનુષ્ય જાતિનું એક કુટુંબ છે એમ જાણી સર્વ મનુષ્ય સાથે ખાવાપીવા વગેરે વ્યવહાર કરવામાં કશી ધર્મની અડચણ ગણવી નહિ, તથા પોતાની રહેણી, કાયા,વાણી તથા મન એ સર્વેમાં ઘણી જ નિર્દોષતા રાખવી.” ( ‘દુર્ગારામ ચરીત્ર’, મહીપતરામ, 1879; પૃ.13.)

આ દુર્ગારામની સ્વકીય સભાનતા સાથેની અભીવ્યક્તી છે. બાકી એમને ભાગે જે પાઠ્યપુસ્તકો આવેલાં, ને જે વડે આરંભના શીક્ષકોને ને વીદ્યાર્થીઓને શીખવવામાં આવેલું, તેથી જે અતંત્રતા ઉભી થઈ ને લગભગ પછી એવી ચાલુ રહી કે હોપવાચનમાળાની જોડણી અંગે નવલરામને લાં…બી લેખમાળા લખવી પડી ને ગોવર્ધનરામને એના ઉગારના ઉપાય તરીકે એક ‘ઈ-ઉ’ ની ભલામણ આગ્રહસાથે કરવી પડી, તે પાઠ્યપુસ્તક વગેરે વીષે બે અભ્યાસી વીદ્વાનોનાં મંતવ્યોની વાનગી જોવા જેવી છે. આજે દેખાતી અતંત્રતાની એ ગંગોત્રી જરા જોઈએ.

————————————————-

એ ગંગોત્રી આજે નહીં, આવતા હપ્તે !

                                                

4 thoughts on “આપણા પહેલા અખબાર અંગેનો, પહેલો જાહેર લેખ વાંચશો?

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.