માળીયેથી નીતરેલાં પાણીના સ્નેહપાશે નાહ્યો નીખીલ !

સેવાભાવી ક્ષમા,

તારો પત્ર મળ્યો ત્યારે હું એક નવા જ કાર્યક્ષેત્રે વ્યસ્ત અને ત્રસ્ત હતો ! તને કહીશ તો તુંય એકબાજુ હસવાનું અને બીજી બાજુ મારી દયા ખાવાનું શરુ કરી દઈશ.

બન્યું એવું કે મારા ભાડાના મકાનમાં ગઈકાલના તોફાની વરસાદે તોફાન મચાવી દીધેલું. રાતે ‘કોઈ’ને યાદ કરતો કરતો સુઈ ગયો ને એવી મજાની ઘાટા કસુંબા જેવી ઉંઘ આવી ગઈ કે કંઈ જ ખબર ન રહી અને ટપકતી છતનું પાણી મારા એકના એક -સાત ખોટના-માળીયામાં પ્રવેશેલું. એક જ રુમની સગવડવાળાને માળીયું કેવું કીમતી હોય છે તેની તમને અનેક ઓરડાળા મકાનવાળાંને ખબર નૉ પડે. માળીયાનાં પાણીએ પછી તો દીવાલને જ નીસરણી બનાવીને મારા રુમને પોતાનો નીવાસ બનાવવા ધાર્યું !

મારું ગાદલું (પલંગ તો શું ખાટલોય ખરીદાવાને હજી વાર છે) રુમની વચ્ચોવચ હોય એટલે માળીયેથી પ્રવેશેલાં પાણી પોતાનો સ્નેહપાશ ફેલાવીને મારી પથારીને વળગી રહ્યાં !  અલબત્ત, એની જાણ મને કરવામાં ગાદલાએ જરા વધુપડતી વાર કરી ! તેથી થયું એવું કે (ગાદલાને વરસાદી જલથી લથબથ થવાના ઑરતા જાગ્યા હશેને)તે એણે પ્રથમ સંપુર્ણ સ્નાન વીધી પતાવીને પછી જ પોતાની ખુશી વ્યક્ત કરતી જાણ મને કરી !!! હું આટલી ઘેરી રાતે સ્નાનલાભ લેવા જરાય તૈયાર નહોતો તેથી વરસાદને (વખાણવાને બદલે)વખોડવા બેઠો. મકાન માલીકનેય એકાદ-બે હળવી શબ્દાવલીથી  મનમાં ને મનમાં નવાજ્યો…

માંડ સવાર પડી. ત્યાં સુધીમાં તો મેં મારાં પુસ્તકો વગેરેને ઠેકાણે પાડ્યાં હતાં. ચા બનાવવાના તો સૉં જ નહોતાં. પછી થયું કે લાવ મકાન માલીકને ત્યાં જઈ ફરીયાદ જેવી જાણ તો કરી આવું. ગુસ્સો તો હતો જ. પણ જેવો એના રુમમાં પ્રવેશ્યો કે દૃષ્ય જોઈને મારો બધો જ ગુસ્સો એ ‘વરસાદી’ પાણીમાં ધોવાઈ ગયો ! બચાડો જીવ એક સાંધો ત્યાં તેર તુટે એવી હાલતમાં હતો. ફરીયાદ તો ફરી યાદ જ ન આવી. ઉલટાંનો હું જ એમને મદદ કરવા લાગી ગયો !

વરસાદની આવી પણ લીલા હોય છે એનો અનુભવ કરતાં કરતાં આખો દીવસ પસાર કર્યો. તારે ઘેર તું તો બારીમાં બેસીને આકાશેથી વરસી રહેલી સાક્ષાત્ કવીતાને માણતી હઈશ એવો ઈર્ષાળુ વીચાર પણ વારંવાર ગાયન-વાદનની  માફક ‘સમ’ પર આવતો રહ્યો. 

તમે ગામડે જઈને સેવાકાર્ય કરી આવ્યાં તે જાણીને મધર ટેરેસા યાદ આવી ગયાં. મઝાકમાં નથી કહેતો, પણ આજે કોઈ ગામડામાં રહેવા તો શું એની વાત સાંભળવા તૈયાર નથી ત્યાં તું કામવાળી બાઈના કહેવા માત્રથી એના અંગત પ્રશ્નમાં ભાગ પણ લઈ આવી !!  તને ધન્યવાદ આપીને હું ‘વડીલ’બની જવા માગતો નથી ! (વડીલ થવાથી તો મને કોઈ છોકરી પણ નહીં આપે)પણ મારો અભ્યાસ કહે છે કે આજે શીક્ષણની સદંતર નીષ્ફળતાએ આપણાં યુવાનોને એક એવી ગર્તામાં ધકેલી દીધાં છે કે જો એને સમજવામાં નહીં આવે તો તે જ એક મોટો વીસ્ફોટ સર્જી મુકશે. આ કોઈ રાજકીય દૃષ્ટીકોણથી કહેવાયેલી વાત નથી, સમજી ! ( ચુંટણીઓ -રાજ્યની અને કેન્દ્રની પણ- હવે સંભળાઈ રહી છે. આપના સેવાકાર્યને વટાવવું હોય તો કહેજો, પાછાં !)

તેં મારા વરસાદી શબ્દને ‘વરસાદગી’માં રુપાંતરીત કરીને ‘વીશેષણ’ને સરસ ‘નામ’માં ફેરવી આપ્યું તે ગમ્યું. આમ જ ભાષા નવા નવા શબ્દોને મેળવીને સંઘરતી થાય છે. તને અને તારી ભાષાશક્તીને (ભક્તીને પણ)સલામ.

આજે તો આટલુ જ. તારા પત્રની રાહ તો રહેશે જ. સદ્ભાગીઓને જ પ્રાપ્ત એવી વાંછટ વીનાની બારીએથી લખાયેલા એ પત્રની વાંછા સાથે, સ્નેહથી લથબથ નીખીલ. 


 

3 thoughts on “માળીયેથી નીતરેલાં પાણીના સ્નેહપાશે નાહ્યો નીખીલ !

 1. વરસાદની આવી પણ લીલા હોય !!!

  સરસ મજાની વાત થોડી રમૂજ સાથે!!

  અમેરિકામાં ”હરિકેન” આવે છે..તેનો નાનો શે’ર્!!

  “હરિકેન”માં હરી-ફરી તો જુઓ!
  એનો સ્વાદ ચાખી તો જુઓ!
  વિકરાળ, ભયંકર યમરાજ જેવો!
  એની સાથે રાસ રમી તો જુઓ !

  Like

 2. અમારે ઘેર – સારંગપુર, અમદાવાદમાં ય આવો થોડો અનુભવ કરેલો છે.
  પણ સાબરમતી, પાવરહાઉસના ક્વાર્ટરમાં ય પુરનાં પાણી એક વાર જોયેલા છે!
  મજા આવી ગઈ.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.