મહાસંમેલન થશે જ !!

અમદાવાદની 23મીની મીટીંગમાં ગુંજ્યો નાદ  :   

 

દિસે અરુણું પ્રભાત; જય જય ગરવી ગુજરાત !

એક દિવસ પિંકી બહેનને વહેલી સુપ્રભાતે સુવિચાર આવ્યો અને એમનાથી પ્રગટ થતાં થઈ ગયો. એ વિચાર કોઈ એક જગ્યાનો ન રહેતાં પછી તો ઘણાંનો બની ગયો. આ બધું જોતજોતાંમાં બની ગયું, જાણે કોઈએ જમીનમાં બીજ વાવ્યું વાવ્યું ને મબલક અંકુરો ફૂટી નીકળ્યા ! અને એમાંથી જ એક સંમેલનની વાતે આકાર પકડ્યો..

તાત્કાલિક મળવા સૌએ તત્પરતા બતાવી અને તારીખ નક્કી કરવામાં સૌ પડ્યાં ત્યાં જુ.કાકાએ અનુભવનો આધાર લઈને  હળવેકથી વાતને જરા પાટે ચડાવતાં કહ્યું કે સંમિલન તાત્કાલિક અને એજન્ડા વગરનું કરવું હોય તો સૌને ઈ-મેઈલ મોકલીને જાણ કરી શકાય અને તાત્કાલિક ભેળાં પણ થઈ શકાય. પરંતુ હેતુપુર:સર અને કોઈ નક્કર પરિણામની આશા સાથે મળવું હોય તો અવશ્ય ઉતાવળે ન જ કરવું જોઈએ. ઉપરાંત વિદેશથી આવનારાંની અપેક્ષાઓનોય વિચાર કરવો જોઈએ. અને એટલે જ બધી જ વ્યવસ્થા કરવા માટે કે જેમાં સમય, સ્થળ, સંખ્યા, બજેટ અને કામની વહેંચણી  મહત્ત્વની  છે તે બાબતે થઈને પણ પ્રથમ તો કાર્યવાહક સમિતિ જેવી રચના કરીને તેઓ મળે એવી વાત તેમણે મૂકી.  

એમની જ સૂચના મુજબ પછી તો : 

1] સંમિલન માટેનો એજન્ડા, 2] કાર્ય વહેંચણી અને 3] બજેટની વિચારણા એ ત્રણ મુદ્દાઓ પર સૌથી પ્રથમ  વિચારણા કરવા સાવ નજીક નજીક રહેતાં સાથીઓને બોલાવીને ઉપરનાં ત્રણેય કામો હાથ ધરવાનું નકી થયું. એટલે પછી સંમિલનની પૂર્વ તૈયારી માટે આવા મર્યાદિત એજન્ડા સાથે સૌ મળે એમ નક્કી થયું. સુવિચાર મૂકનાર તરીકે પીંકી બહેનને જ હાલ તો કન્વીનર તરીકે  કાર્યભાર સંભાળવાની જવાબદારી ઉપાડી લેવાનો સ્નેહાગ્રહ થયો. એમણે છટકવા માટે ઘણા પ્રામાણિક પ્રયત્નો કર્યા પણ કંઈ ચાલ્યું નહીં. છેવટે… 

એમણે નિષ્ઠાપૂર્વક કામગીરી હાથ ધરીને  તાત્કાલિક નજીકની વ્યક્તિઓ અને જેમનો પ્રોત્સાહિત પ્રતિભાવ હતો તેમને સૌને મળવા બોલાવ્યાં; જયશ્રીબહેનને ભારત છોડવાનો દિવસ નજીક હોઈ એમની અનુકુળતાને ધ્યાને લઈ તા.23મી સપ્ટેમ્બર રવિવારે મળવા સૌને કહેણ મોકલી દેવાયાં અને સૌએ આ( ઐતિહાસિક કહેવી હોય તો કહી શકાય એવી) મીટીંગને વધાવી લીધી એટલું જ નહીં શોભાવી પણ દીધી !!  

 

મીટીગની તારીખના આગળના દિવસે જ શુભેચ્છા-સંદેશાઓનો પ્રવાહ વહ્યો હતો ! ઉર્મીબહેન જેવાંએ તો વહેલી સવારના પહોરમાં જ પોતાની હાજરી મીટીંગમાં પૂરી લેવા કહ્યું અને ખબર પડી કે નાસ્તો વગેરે પણ છે ત્યારે પોતાના વતી એ ગળે ઉતારવા ભલામણ પણ કરી !  

જુ.ભાઈના પુત્ર મનનભાઈની ઓફિસે અત્યંત ઉત્સાહમાં સૌ ભેળાં થયાં. 12.30 વાગે આવવાનું શરુ કરીને થોડી જ વારમાં સૌ એકઠાં થઈ ગયાં. આ સૌને ફોટામાં જોઈ શકાશે; (કેવાં લાગે છે એ તો તમે સૌ જાણો !) એમનાં નામો  નીચે આપેલા છે   

સૌથી પહેલાં તો સૌએ એકબીજાનાં મુખારવિંદ જ જોયાં ! દરેકની રચનાઓથી તો સૌ પરિચિત જ હતાં પણ દરેકનાં મુખારવિંદને નામે  કહેવું હોય તો,  અમુકને બાદ કરતાં પહેલી વાર જ સામે આવતાં હતાં  ! જેવાં નામ ઉચ્ચારાતાં ગયાં તેમ તેમ સૌ એક નવી જ અનુભૂતિ કરતાં ગયાં ! પછી તો બે રાઉંડમાં પરિચય કરીને એકબીજાને સૌ મળ્યાં, કારણ કે આજે તો કાર્યવહેંચણી પણ કરવાની હતી ને !

ચર્ચાને થોડી થોડી વારે રોકવી પડતી હતી કારણ સુરત-વડોદરાથી આવનારાં પણ હતાં. અને સમય ઉત્સાહના વાતાવરણમાં વહી જઈ રહ્યો હતો…
આ ચર્ચાઓમાં જે બાબતો આવી તેમાં :

1]  ગુજરાતી અને હિન્દીની લિપિ અંગે,

2]  મૌલિક સર્જન અને સંકલન-સંપાદનરુપ લખાણો અંગે;

3]  છંદો અને અછાંદસ રચનાઓ અંગે;

4]  રચનાઓને પ્રોત્સાહન આપીને પ્રકાશિત કરવા માટે અને એ રીતે સતત ગુજરાતીમાં સાચું લખાય તે અંગે;

5]  કેટલાક બ્લોગ્સ  દ્વારા ભવિષ્યમાં હાથ પર  લેવાનારા પ્રોજેક્ટ્સ અંગે;

6]  ઈંટરનેટ પરનાં લખાણોમાંના પ્રશ્નો અંગે;

7]  ગઝલ અને તેનાં ગાયકોનો સંપર્ક કરીને તેમનો પણ લાભ લેતા રહેવા અંગે અને

8]  ખાસ તો હવેથી નિયમિત મળતા રહેવા અંગે……લંબાણ અને ભાવપૂર્વક ચર્ચાઓ થતી રહી.  ક્યારેક તો એને અટકાવવી પણ પડે એવો રસ ( એને rush કહીશું ?) ઉભો થયો હતો. ( શેતરંજી જેમની હતી તે ઓફિસવાળાઓને તો જરાય ચિંતા ન હતી, મીટીંગના સમય બાબતે, પણ આજનો એજંડા તો સાચવવો જ પડે  એનું શું ?! છેવટ વળી વળીને સૌ મૂળ વિષય પર આવતાં હતાં એટલે છેવટે સમય સાચવીને આવનારા સંમિલનની પૂર્વ તૈયારી રૂપ એજન્ડા અને કાર્યવહેંચણીને આગળ કરીને આ પ્રમાણે નક્કી કર્યું :  

1]  સંમિલનનું સ્થળ કોઈ પણ સ્થળે રાખી શકાય; અમદાવાદનું આમંત્રણ તો હતું જ એટલે એને તો હાથ પર રાખવું. એ માટેની જગ્યા અંગે સંખ્યાનો અડસટ્ટો મળે તે અનુસાર વ્યવસ્થા કરવી.

2]  તારીખ નક્કી કરવાની ઉતાવળ ન કરવી પણ સંમિલન અંગે વધુમાં વધુ પ્રસિદ્ધી આપીને વિશ્વભરમાંથી દેશમાં આવનારાંઓની વધુમાં વધુ સંખ્યા હોય એ દિવસો નક્કી કરવાનું વિચારાયું.

3]  એજન્ડા અંગે થોડી ચર્ચા થઈ જેમાં ભાષા/સાહિત્ય ઉપરાંત કાવ્યો-ગઝલો સાથે જોડાયેલા સુગમ સંગીતની વિચારણા અને સાંસ્કૃતિક બાબતોની વિચારણા વગેરે પણ ઉમેરાયાં.

પરંતુ છેવટે હાલ પૂરતું આ પ્રથમ સંમિલનમાં એજંડા રુપે ફક્ત નીચેના મુદ્દાઓ લેવા એમ વિચારાયું. 

પ્રથમ સંમેલનનો સૂચિત એજન્ડા :

(ક)  ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય અને ભાષાની બાબત;

(ખ)  ગુજરાતી લેખન અને તેના અનુસંધાને આવતી કોમ્પ્યુટરની ટેકનીકલ મુશ્કેલીઓની બાબત તથા

(ગ)  જાણીતા બ્લોગર્સના અનુભવનો લાભ સૌને મળે  અને જે કંઈ  પ્રશ્નો હોય તે અંગે  સંમેલનમાં ચર્ચા કરવી, નિરાકરણ માટે મથવુ.  

એ રીતે  “ઈન્ટરનેટને માધ્યમ બનાવીને ગુજરાતી ભાષા/સાહિત્ય”  પૂરતી   બાબતને જ પ્રથમ સંમિલનમાં હાથ પર લેવી એવું નક્કી થયું. ગુજરાત અને ગુજરાતીઓ અંગે મર્યાદિત રીતે વિચારીએ નહીં તો સંમેલન માટે દિવસોના દિવસો ઓછા પડે ! એટલે મર્યાદા સમજીને વિષયનું આટલું ક્ષેત્ર સાંકડવું પડ્યું હતું. 

[ આ સંમેલનમાં કોઈ પણ વિવાદાસ્પદ બાબતોને હાથ પર ન લેવી એવું પણ સર્વાનુમતે નક્કી થયું. ]  

4]   સંમિલનના સમગ્ર સંચાલન માટેની કાર્યવહેંચણીના મુદ્દે બહુ સહજતાથી એવું નક્કી થયું કે,

00  સંમિલન માટે હવે પછી  આવનારાં સંદેશાઓમાંથી જે કોઈ ગુજરાત માં કે બહાર રહીને પણ જે મદદ કરી શકે તેમની જે તે સેવાઓ લેવી;

00   અહીંનાં મિત્રો આજે હાજર છે તેઓ તથા અનિવાર્ય કારણે આવી શક્યાં નથી તેમને વિશેષ રુપે કાર્યો સોંપવાં;

00   આ સૌ સાથે સતત સંપર્કમાં રહી શકાય તે માટે હાજર સભ્યોનું એક અલગ ઈમેઈલ-ગ્રુપ બનાવવું જે ગ્રુપમાં સંમેલનને લગતી બધી જ બાબતોની નિખાલસ ચર્ચા થાય અને સૌ સભ્યોના અભિપ્રાયોને મેળવી એનું સંકલન કરી શકાય;

00   સમગ્ર ગ્રુપના વતી હાલ પૂરતું જવાબદારી કન્વીનર પિંકીબહેન પાસે રહે અને ભાવિનભાઈ તથા સરજીત અમીન  સહિતની કમીટી સંચાલન કરે.

00   હવે પછીના કાર્યક્રમો વગેરેની પ્રસિદ્ધીને લગતી કામગીરે નીલમબહેન સંભાળે તેવી વિનંતી કરાતાં તેમણે તે સ્વીકારી.

5]   બજેટની વાત તો સૌથી મહત્વની હતી. એવું નક્કી થયું કે સંમેલન પહેલાં સતત આ વાત સૌને યાદ કરાવતાં રહેવું અને ઉદાર હાથવાળાને એમાં જોડવા અને  સધ્ધર હોય તેવાઓને પ્રેરવા !  

સમય એટલો વહ્યો ગયો કે દૂરનાંઓએ અધવચ્ચે કમને રજા લેવી પડી .

બાકીના સમયમાં પાછાં સૌ વાતોમાં ખાબક્યાં. છેક 4.15 પછી જ સૌ છુટાં પડી શક્યાં. સૌએ અનુભવ કર્યો કે આપણે ક્યાં ક્યાંનાં રહેનારાં અને કઈ કઈ દિશા-પ્રવૃત્તિનાં વ્યસ્ત માનવો એક ગુજરાતી હોવાને નાતે ઈન્ટરનેટના માધ્યમથી શી રીતે ભેળાંઈ ગયાં !  આ ઈલેક્ટ્રોનિક માધ્યમે અને આપણી માતૃભાષાએ કેવાં આપણને મેળવી આપ્યાં છે ! તો પછી જ્યારે આ શક્ય બન્યું જ છે તો  એનો વધુ ને વધુ લાભ સૌ ગુજરાતીઓને અને આપણી ગુજરાતીને મળે તેવું કરવા તન-મન-ધનથી  લગે રહીએ !!  

નેટજગતપર ગુજરાતી ભાષાની વધુને વધુ સગવડો મેળવી આપવા માટે જેમણે સર્વ શક્તિથી દાયકાઓ સુધી સફળ પ્રયત્નો કર્યા છે તેવા માનનીય રતિકાકાને અહીં યાદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જેમણે બ્લોગ અંગેની અનેક પ્રકારે મદદ કરી છે તેવાં સૌને આભાર પૂર્વક સંભારવામાં આવ્યા હતા.

સૌનું ભાવપૂર્વક સ્વાગત કરનાર યજમાન મનનભાઈ અને એમના સ્ટાફનો સૌએ હૃદયપૂર્વક આભાર માન્યો  તથા જેઓ આવી શક્યાં નથી તેમને ખુબ ખુબ યાદ કર્યાં.( એમને યાદ કરતાં કરતાં નાસ્તો ગળે ઉતારવાનું ગમતું નહોતું પણ અન્નની કાંઈ અવમાનના થાય ?! એટલે પછી નાસ્તો અને પછી આઈસ્ક્રીમને પણ માન આપવું પડ્યું.)

આમ, આવનારાં મહાસંમેલનની એક મહત્ત્વની અને ભાવપૂર્ણ મીટીંગ સુંદર વાતાવરણમાં મળી અને અનેક અપેક્ષાઓ છતાં સફળતાની ખાત્રી સાથે પૂરી થઈ. આ સાથે મિટિંગના ફોટો  ZIP  કરેલા છે.

==================================================================

મીટીંગમાં હાજર સભ્યોની યાદી :
નીલમબેન દોશી (અમદાવાદ) – પરમ સમીપે
ડૉ.વિવેકભાઇ ટેલર (સુરત)  – શબ્દો છે શ્વાસ મારા અને અન્ય.
પીન્કી પાઠક (અમદાવાદ) – શબ્દશ:
મીનાબેન છેડા (મુંબઇ)- ઉત્કર્ષ
હરીશભાઇ દવે (અમદાવાદ) – મધુસંચય અને અન્ય.
જયશ્રીબેન ભક્તા (યુ.એસ.એ)- ટહુકો
જુગલકિશોરભાઇ વ્યાસ (અમદાવાદ) – શાણી વાણીનો શબદ અને અન્ય.
મંથનભાઇ ભાવસાર (અમદાવાદ)- ગુજરાતી ગઝલ
કિરીટભાઇ પરમાર (વડોદરા)- ડાયરીના પાનેથી
ભાવિનભાઇ ગોહિલ (અમદાવાદ) – શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર
સર્જિતભાઇ અમીન (અમદાવાદ) – તણખા
ગુંજનભાઇ ગાંધી (અમદાવાદ) – ગુજરાતી કવિતા – રસાસ્વાદ
કવિ રાવલ (અમદાવાદ) – More than words….
કોમલબેન પટેલ (અમદાવાદ)
શૈલ્યભાઇ શાહ (અમદાવાદ)
ભાવેશભાઇ દંતાણી (અમદાવાદ)

         

                         ===00000===

11 thoughts on “મહાસંમેલન થશે જ !!

 1. કેવો સુંદર પ્રારંભ! ગુજરાતી નેટ જગતના સમુચિત વિકાસ માટે આવશ્યક પ્રવૃત્તિઓનો મંગલ પ્રારંભ.

  છેલ્લા એકાદ વર્ષથી આવું સ્વપ્ન સેવાતું હતું. હવે તે હકીકત બની રહ્યું છે. યુવાન મિત્રો આ પ્રવૃત્તિઓ ઉપાડી લે! અમે માર્ગદર્શન આપવા જ નહીં, યથાશક્તિ જવાબદારીઓ લેવા તૈયાર જ છીએ.
  …… હરીશ દવે અમદાવાદ

  Like

 2. I AM AWAY YET LEARN ABOUT PLAN FOR ALL GUJARATI BLOGERS TO DO SOME CREATIVE WORK AS A TEAM FOR INTERNET SURFERS AND GUJARATI LOVERS ON INTERNET.
  BETTER LATE BUT LET ME KNOW BY INTERNET MEDIA !

  કેવો સુંદર પ્રારંભ! ગુજરાતી નેટ જગતના સમુચિત વિકાસ માટે આવશ્યક પ્રવૃત્તિઓનો મંગલ પ્રારંભ.

  KEEP WORKING TO MAKE GUJARATI BLOGERS THE BEST IN THE INTERNET WORLD.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.