નીખીલે કર્યો 'સમસંવેદન'નો સાક્ષાત્કાર !

 યુવાનને બચાવીને એણે અંતરનાં ઉંડાણો તાગ્યાં !!

ક્ષમા દેવી !  

ક્ષમા દેવી ના દેવી તે તો તમારા હાથની વાત છે. પણ તમારા ગયા પત્રમાં તમે વરસાવેલા ઉપાલંભોના જવાબ દેવાની મારી ફરજ ગણીને તમને આ લખી રહ્યો છું, સમજ્યાં દેવી ક્ષમા ! 

 વરસાદમાં હું અને મારાં પુસ્તકો પલળ્યાં એનાથી તને દુ:ખ થયાનું તારા પત્રમાંથી ટપકે છે. આટલું એકાત્મ્ય દર્શાવીને તેં મને એટલો ભારેખમ બનાવી દીધો હતો કે હું જવાબ આપવામાં પાછળ રહી ગયો. કેટલીય વાર તો જવાબ જ ન દેવાનો વીચાર આવ્યો, પણ એ તો ઉલટાનું ચોર સીપાઈને દંડે એવી વાત થઈ જાય ! અને તો તો પછી આવનારો હવે પછીનો તારો પત્ર તો કેવો ય હોય, કોણ કહી શકે ?! 

ક્ષમા, આ દીવસોની જ ફક્ત વાત નથી. આપણે થોડાં પાછળ જવું પડશે, જ્યારે મેં વતન છોડીને ભણવા શહેરનો વસવાટ કર્યો. એ વખતે તો આપણી ઓળખાણ પણ નહીં. હું સાવ ગામડીયા જેવો હતો. ગામડું મેં આકંઠ પીધું છે. એનાથી દુર અહીં શહેરમાં હું મને સાવ જુદો જ અનુભવી રહ્યો હતો. ગામડાંનું પ્રાકૃતીક સૌંદર્ય જ નહીં પરંતુ બધ્ધું જ જાણે મારા મનને ખાલીપાનો અનુભવ કરાવતું હતું. હું સાવ નીચોવાઈ ગયેલા જેવો રહેતો હતો. હોસ્ટેલના દોસ્તો મન મનાવવા પુરતા ગમતા પણ હું તો ક્યાંયનોય ન રહ્યો હોઉં એમ જ રહેતો.  

એવામાં એક દીવસ મને એક મીલ મજુરના દીકરાનો ભેટો થઈ ગયો. હું હોસ્ટેલથી કોલેજ જતો હતો.મને એ અમારી સીડીના પગથીએ મળ્યો. એ ઉપર તરફ જતો હતો. પણ મને કોણ જાણે કેમ પણ એના ચહેરા પર અને ચાલ પર શંકા ગઈ. ક્યારેય એને મેં અહીં જોયેલો નહીં. પહેલાં તો એને જવા દીધો, પણ એકદમ મને થયું કંઈક ન સમજાય એવી વાત જરુર છે. એટલે અંતર રાખીને હું એની પાછળ ગયો. એ તો છેક પાંચમાં માળે પહોંચ્યો ! ત્યાંથી હવે તો ધાબું જ આવતું હતું ! ચોરી કરવા બાબત તો મને શંકા આવી જ નહોતી ! વળી ધાબા પર તો એવી કોઈ ચીજ પણ ક્યાંથી હોય ? હું વીચારમાં પડી ગયો. ધીમે ધીમે જોયું તો એ જાણે અત્યંત ગભરાયેલો લાગ્યો. એકદમ એ દોડ્યો અને હું કાંઈ વીચારું એ પહેલાં તો એ ટાંકી ઉપર ચડવા મથતો જણાયો !  મને એકદમ ઝબકારો થઈ ગયો ! હુંય દોડ્યા વગર ન રહી શક્યો; એને પકડી લીધો, ખેંચીને નીચે પછાડ્યો. એ તત્ક્ષણ રડવા લાગ્યો…. 

ક્ષમા ! તું કલ્પી પણ નહીં શકે, એ જુવાનીયો આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો !  

મારા શ્વાસોચ્છ્વાસ એકદમ વધી ગયા ! હૈયું તો શું થડકારા મારે, જાણે હું જ આત્મહત્યા કરતાં બચી ગયો ના હોઉં !! માંડ માંડ એને હું રુમ ઉપર લઈ ગયો. બધા કોલેજે ગયા હતા, એટલું સારું હતું. પુછ્યું તો ત્રણ દીવસનો ભુખ્યો ! ખાનામાં ઘણો નાસ્તો હતો; ઘેરથી હમણાં જ આવેલો. એણે જે રીતે નાસ્તો ખાધો; શું ઝાપટ્યો છે ! હું સાવ ઢીલો પડી ગયો. ભુખ મેં તે દીવસે ભાળી. એ ખાતો જાય એમ એમ મારું પેટ જાણે ઓડકાર લેતું હોય એટલી આત્મીયતા હું અનુભવતો રહ્યો. કયા ભવની આ લેણાદેણી હશે કોને ખબર, પણ તે દીવસના જેવી અનુકંપા ક્યારેય અનુભવી નહોતી. 

 પછીની વાત તો આટલી જ; એના બાપની મીલ બંધ થઈ ગયા પછી આખા ઘરનાંએ બધા જ પ્રયત્નો કરી જોયા હતા રોજી માટે. કોઈ રીતે છેડા મળતા નહોતા. બધું જ લગભગ વેચાઈ ગયું હતું. સારું હતું કે કુટુંબ નીયોજન કર્યું હતું એટલે સંખ્યા વધુ નહોતી. પણ હતાં તે સૌ અત્યંત પ્રામાણીક અને મહેનતુ ! અને એટલે જ નીરાશા ઘેરી વળી હતી. સાચાનું શું કોઈ નહીં ? આ પ્રશ્નનો માર્યો આ છોકરડો કુટુંબની ચીંતા કર્યા વગર વધારાની ચીંતા ઉમેરવા જઈ રહ્યો હતો.  

હું એને લગભગ ભેટીને ક્યાંય સુધી બેસી રહ્યો. એની ભીંસ મને એના મનના ઉંડાણમાં ખેંચતી ગઈ. હું જાણે પરકાયા પ્રવેશ કરી ચુક્યો હતો. હું એનાથી હવે અલગ જ નહોતો !! કેવી હતી એ અનુભુતી ?! અમે બે શરીરો એક આત્માનાં અડધીયાં હોઈએ એમ ક્યાંય સુધી વળગ્યાં રહ્યાં. મનુભાઈ દર્શક જેને અવારનવાર ‘સમસંવેદન’ કહે છે, એનો જાણે સાક્ષાત્કાર થયો. આટલા દુ:ખની વેદનાની વચ્ચે મને દીવ્ય અનુભુતી થતી ના હોય એવું થયાં કર્યું…. 

છેવટે હું એને સીધો જ એનાં માવતર કને લઈ ગયો. કોઈને કશો ખ્યાલ આવ્યો નહોતો. સારું કર્યું. હું એક ઓળખીતા તરીકે ગયો હતો જાણે. મેં ધીમે રહીને એના બાપુને કહ્યું કે તમને વાંધો ન હોય તો આને ગામડે લઈ જઉં ? ત્યાં મારાં માવતરને ટેકાની જરુર છે. ટેકાની તો વાત જ ઉપજાવી કાઢેલી. સૌ ગાંડાં થઈને મને જોઈ જ રહ્યાં, જાણે હું કોઈ ફીરસ્તો !!  

ત્રીજે દીવસે એને ગામડે મારે ઘેર મુકી આવ્યો. ત્યાં કોઈ ખોટ નહોતી. બાપુજીને વાત સમજાઈ ગઈ હતી. એમને તો દીકરો આવુંય કરી શકે છે એનો પારાવાર આનંદ થયો. ઘેર એક બીજો નીખીલ આવ્યો હોય તેમ સ્વીકારી લીધો હતો.  

પણ ક્ષમા ! આ વાર્તા એ મારે મન બહુ મોટી વાત ન હતી અને આજે પણ નથી. જે મહત્વની વાત છે તે તો પેલું સમસંવેદન ! એના હૈયાની ભીંસ જે અનુભવી હતી તેણે મને જાણે નવો અવતાર આપી દીધો. હું શહેરની ગરીબી જોઈ શકતો નહોતો. હોસ્ટેલમાં જાણે હું જાહોજલાલી કરતો હતો. મને હું સમાજથી અલગ અને કંઈક અંશે ગુનેગાર લાગતો હતો ! આવું વીચારવું ન જોઈએ પણ શું કરું મારી પારદર્શીતા મને એમ જ કરાવીને છોડે છે !!  

છેવટે મેં નીર્ણય લઈ લીધો. મેં હોસ્ટેલ છોડીને શરુમાં મીલની ચાલીમાં જ એક ઓરડી રાખીને વસવાટ કર્યો. હું જાણે નવેસરથી મને મળ્યો. આજે વરસતા વરસાદમાં પડોશીનાં છોકરાંને બચાવવામાં મને વધુ મઝા આવે છે. એમની સાથેના વસવાટની વાતો તો ખુટે એમ નથી….

હું અહીં મઝામાં છું, ક્ષમા ! મારી ચીંતા જરાય કરીશ નહીં. ગાદલું તો શું હું સમગ્રતયા પલળેલો, તરબોળ છું.

 છતાં, તારા પત્રનો ખાસ આભાર માન્યા વગર નહીં જ રહું; એણે જ તો મને આ વાત કહેવા મજબુર કર્યોને ! લખજે; ઉપાલંભોય આપતી જ રહેજે. એનાથી પણ કેથાર્સીસ થતું રહે છે ! આવજે.

–નીખીલ.

5 thoughts on “નીખીલે કર્યો 'સમસંવેદન'નો સાક્ષાત્કાર !

 1. ગરીબોની અને ઉપેક્ષીતોની વ્યથા તો જેણે ભોગવ્યું હોય તે જ સમજે. તમે મીલમજુરો વચ્ચે રહીને જે અનુભુતીઓ કરી છે, તે જ આ વાત લખાવી શકે.
  ખીણની દારુણ વાસ્તવીકતા શું છે, તે શીખર પર બેઠેલ શું જાણે? દુરથી તો ખીણ બહુ રળીયામણી દેખાતી હોય છે.
  1 લી ઓક્ટોબરે મારો આવો એક અનુભવ વાંચવા મળશે.

  Like

 2. કેથાર્સીસ એ સાહીત્યનો શબ્દ છે. પણ મનોજગતનોય એટલો જ છે. મનમાં જે ભરાયું હોય તે કોઈ રીતે નીકળી જાય પછી જે હળવાશનો અનુભવ થાય તે.
  સર્જકના મનમાં પડેલું ઉત્તમ પ્રકારે કૃતી દ્વારા નીકળી જાય કે પ્રસુતી બાદ માતા જે અનુભવે તે પણ કેટલેક અંશે આવા જ અનુભવો છે. એકરીતે કહીએ તો ધોવાણ થઈ જાય અને જે સ્વચ્છતા-શાંતીનો અનુભવ થાય તે. ઉભરો શમી જવો તે પણ….કેથાર્સીસ.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.