બીજાં શું કરે છે એ જોવા કરતાં…

ગન્યાનચોરે નવું વરસ : [અંક-10]         

                                                –જુગલકીશોર.

દલો  : એ ડાયરાના હંધાયને નવા વરહના રામરામ.
જીકો  : લ્યો કરો વાત. એક તો હંધાય આવી ગયાં કેડ્ય આવ્યો, ને પાસો નવા વરહના રામરામ કે’છ !! એલા દલા, તને આજે સપરમા દીએ જ મોડા આવ્વાનું હુઝ્યું ?! વેલા આવીને આ ચોરાને વાળીચોળીને સાફસુથરો કરવાનું તને નૉ હુઝ્યું તે આટલો મોડો હાલ્યો આવ્યો !
માસ્તર : (દલાને બોલતો અટકાવીને)એલાવ, પાછા આજના સારા દીવસે ઝઘડવાનું ચાલુ કરીને વરસ બગાડશો નહીં. આજે તો તમે બેય જણાં ભેટીને જ વાત કરજો.
ટભાશેઠ : તો તો શું જોઈતું’તું ! ઈ બેઈ જણા ભેટીને વાત કરે તો તો હું ગામને નૉ જમાડી દઉં !
ડાહીમા : એલા શેઠીયા, તું ખોટ્યમાં જાઈશ હો ! વટને ખાતર પણ જો ઈ બેય જણા ભેટશે ને તો તારે ગામ ધુંવાડો બંધ કરવાના ફદીયાં મોંઘાં પડી જાહે. તારું વચન પાછું ખેંચી લે છાનોમાનો !
ગોરબાપા: ડાહી, તું વચ્ચે શુંકામ ડાહી થઈ ? એમને બંનેને જ નીર્ણય કરવા દેવો’તોને. એ બેઈ જણા કાંઈ ભેટીને વાત કરવાના નથી અને આ ટભો કાંઈ ગામ જમાડવાનો નથી. ખાલી મોઢાંની મોળ્ય ઉતારવાની છે! આપણે આપણું કામ કરો, ચાલો.
મંજુ  : હા બાપા, એ વાત જ સાચી છે. તો આપણે આજે નવા વરસના દીવસે કાંઈક નવું અને નક્કર કામ ચાલુ કરવાનું વીચારીએ.
દાદા  : પણ પે’લાં તો તારા આ લેપટોપીયાને ચાલુ કરીને કે’ કે કોણ કોણ નવા વરસમાં નવું કરવા બેઠાં છે. એના આધારે આપણેય નવું કામ હાથ ઉપર લઈએ.
મંજુ  : આ જુઓ. આ યાદી જોઈશું તો ખ્યાલ આવી જશે કે કોણકોણે નવા કામો ઉપાડ્યાં છે. આમાંનાં કેટલાંકે તો પોતાનાં બ્લોગ જ બદલી નાખ્યાં છે ! નવા રુપરંગમાં જે બ્લોગ આવ્યા છે તે તો જાણે ઘરમાં નવી વહુ આવી હોય એમ શણગારાયેલા દેખાય છે. ઘણા બધા બ્લોગનાં માળખાં બદલાયેલાં છે. અરે, આમાના કોઈક તો નવા મકાનમાંય રહેવા ગયા છે ! અમેરીકાનાં મકાનો અમથાંય સગવડવાળાં હોય. એમાં પાછા વીશાળ કંપાઉંડ અને નહાવાના પુલ પણ હોય એવા મકાનોમાં રહેવા જનારાને તો મઝા જ મઝા હશે.
ડાહીમા : એ તો સાચું પણ કોઈએ નવા સંકલ્પો કર્યાનું દેખાય છે કાંઈ ? કે પછી હાંઉં ફકત ?!
દાદા : એમ કરો, એ બધા જે કાંઈ નક્કી કરીને બેઠાં હશે એ તો આગળ ઉપર ખબર પડી જાશે. અટાણે તો આપણે જ શું કરવાનું છે ઈ નક્કી કરો.
માસ્તર : ખરી વાત કીધી, દાદા તમે. દુનીયા શું કરે છે કે શું કરશે એના કરતાં આપણે શું કરવા માગીએ છીએ એ જ મોટી વાત છે. હું તો કહું છું કે આ વરસે આપણે આપણી નીશાળના છોકરાઓને જ આ જ્ઞાનચોરાનો ચસકો લગાડીએ.
બાપા  : એ બધાંને હમણાં ચોરે બોલાવવા રે’વા દ્યો ! ને છોકરાઓને તો આમેય શાળામાં કોમ્પ્યુટર શીખવાનું જ હોય છેને. એ બધાં ભણીગણીને કાંઈક ગામને ઉપયોગી થાય એવું આયોજન કરીએ તો કેમ ?
માસ્તર : શાળાઓમાં તો કોમ્પ્યુટર માસ્તરોને જ નથી આવડતું ! ને આવડે તો કોમ્પ્યુટર બગડેલાં હોય છે…
જીકો  : બગડેલાં તો કાંઈ નથી હોતાં. આવે ત્યારે તો એય મઝાનાં હોય છે. પણ પછી હંધાય ભેળાં થઈને ઘુમડી નાખે એટલે…
દલો  : જીકોભાઈ હાચું જ કે’છે હો, માસ્તર સાહેબ. હું તો જ્યારે જઉં ત્યારે કોઈને કોઈ, નીહાળ્યમાં મોટા સાહેબના દીકરા હારે જઈને ઘુમડ્યાં કરતું હોય છે. કોણજાણે શુંય દાટ્યું હશે ઈમાં ?
માસ્તર : સાવ એવું તો નથી,ભાઈ દલા. મોટા માસ્તરનો દીકરો આ બધું ભણી આવ્યો છે ને જેટલું આવડે એટલું બીજાંને શીખવતો હોય છે. હા, એ ખરું કે શાળાના સમય પછી શાળા ખોલીને આ કામ ન થાય.
ડાહીમા : ઈ જે કરતાં હોય ઈ. પણ જો ઈ બા’નેય ગામનાં છોકરાં શીખે તો શું ખોટું ?
બાપા  : ના, ડાહી, એ વાત જ ખોટી. શાળાનાં સાધનોને એમ વાપરી શકાય નહીં. ઓચીંતાંનો જો કોઈ તપાસે આવશે તો ગામની આબરુ જાશે. એના કરતાં એ બધાંયને આ મંજુ શીખવે તો શું ખોટું છે ? આપણું આ કોમ્પ્યુટર કામ આવશે અને છોકરાવને શીખવા મળશે.
રઘો   : (આવતાંવેંત)તો એમાં મારા તરફથી એક ઉમેરો કરો. હું મારી દીકરીને એમાં શીખવા મેલી દઈશ. ઈના બદલામાં વચલીબેનનો ટાઈમ બગડે એટલે ઈમને હું ટ્યુશનનું મહેનતાણુંય આપીશ.આપણે ગામના લાભાર્થે આમ વધારાનું શીખવવા ટ્યુશન પરથા ચાલુ કરીએ…
માસ્તર : ટ્યુશન પ્રથા સારી વસ્તુ નથી. એટલે એમ કરો કે ગામ તરફથી ભણવામાં નબળાં છોકરાંવને ધોરણવાર ભણાવવાનું રાખીએ. ઉપલા ધોરણનાં છોકરાં નીચલાં ધોરણનાંને શીખવે. આપણે પંચાયત તરફથી થોડીક, સૌને પોસાય તેટલી ફી લઈએ. એમાંથી શીખવનાર છોકરાંને મહેનતાણું આપીએ. મંજુ એ બધાં ઉપર ધ્યાન રાખે ને વધારામાં કોમ્પ્યુટરનાય ક્લાસ ચલાવે. એનેય બંને કામનાં મહેનતાણાં આપીએ…
દલો  : ઈ હંધુંય પશી કરજો. પે’લાં આ ચા ને નાસ્તો કરી લ્યો…લ્યો, જીકાભાઈ, આજ તો મારા હાથે તમને જ પે’લીવે’લી ચા પીવડાવીને મુરત કરું !
ડાહીમા : લ્યો કરો વાત ! આ નવા વરસનું નવું ગતકડું ! આમેય તે આ રઘાએ ટ્યુશનમાં એની દીકરી માટે પહેલ કરીને નવા વરસનું મોટું કામ તો કરાવ્યું જ છે આપણી કને ! એક તો એની ગનાતીમાં ભણવાની તકલીફ ને એમાંય છોડીયુંને કોમ્પ્યુટર ભણવાની તો આશા જ ક્યાંથી હોય ?! આજના સપરમા દીવસે આ રઘાના કામથી આપણે નવી કામગીરી કરી એટલે આપણું તો મુરત જ સારું થઈ ગ્યું ગણોને !
જીકો  : તો હવે ચાલુ કરો આ ચા-નાસ્તો ! અમે બેય ભેટવાના નથી (દલાભાઈને ખરચ ક્યાં કરાવવો પાસૉ !)પણ દલાભાઈની દીધી પે’લી ચા પીને હું ગામને કહું કે આ નવા વરસમાં અમે બહુ બાધશું નૈ, બસ ?!
દાદા  : (ચાનો સબડકો બોલાવતાં)ઈય ઘણી વાત છે, ગન્યાનચોરા હારુ !
                 ++++=0000=++++

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.