ઝાંખો ઝાંખો હાથ…

[એક-બે ઓચીંતી મળી આવેલી જુની રચનાઓમાંની એક આજે અહીં પ્રગટ કરી રહ્યો છું. બીજી રચના પણ મુકાયા બાદ બન્નેનું ભેળું વીવેચન કરવા ધારણા છે. આશા છે એક નવી જ શૈલીની આ રચના ગમશે.]

——————————————————–

છેટું
****************************
–જુગલકીશોર.

દુરના એ ઘાટેથી
કપડાં પર ધબેડાતા ધોકાનો
અહીં સુધી સંભળાતો ‘ધબ્બ’


અને

તારો વ્હેલો ઉંચકાઈ જતો દેખાતો
હાથ –


એ બેની વચાળ હોય જેટલું,
છેટું હતું આપણી વચાળ !

એવામાં ઓચીંતો
એકદમ પડી ગયો
પવન !

હવે —

દેખાતો રહ્યો ફકત
ઉંચોનીચો થતો તારો
ઝાંખો ઝાંખો
હાથ…
——————
લખ્યા તા.21-1-1973.

                              —===0000===—