જઠરાગ્નીના મહાયજ્ઞમાં સમીધ ઉમેરી શકીશું, ક્ષમા ?!

કરમની કઠણાઈના કાગડા કાળી કીકીયારીયું કરે છે.       

–જુગલકીશોર. 

*******************************************

સ્નેહલ ક્ષમા,

તારો પ્રકૃતીપ્રેમ મને પહોંચ્યો છે. આ પત્ર એની પાવતી રુપે સ્વીકારજે. આ પ્રકૃતીવંદના મેં જ શરુ કરી હતી, ગયા પત્રથી. એના જ અનુસંધાને આ તારો પત્ર હોઈ એનીય વંદના કરી લઉં તો એને નકારીશ નહીં.

પણ પ્રકૃતીને હમણાંથી નવા જ સ્વરુપે જોવાનું બને છે. આ સખત રીતે જામી ગયેલો શીયાળો એક નવી જ વેદનાને જન્માવી રહ્યો છે. એની અનુભવગાથા પણ આપણા આ પત્રવ્યવહારમાં ડોકીયું ન કરે તો જ નવાઈ…

મારે ઘેરથી થોડેક જ દુરથી રોડની આખી એક વસાહત શરુ થઈ જાય છે. હમણાંથી પાછું રોડના સમારકામની ઋતુ શરુ થઈ ગઈ છે. એમાં કામ કરતાં મજુર કુટુંબોમાં તાજાં જ જન્મેલા બાળકથી માંડીને વૃદ્ધત્ત્વને આરે બેસીને મૃત્યુની આતુરતાથી રાહ જોઈ રહેલાંઓનો સમાવેશ થાય છે. આમાંનાં કહેવાતાં સશક્ત એવાં સૌ દીવસભર કાળી મજુરી કરીને સાંજે ઘેર આવે છે ત્યારે એક નીરાંતની હુંફ સૌમાં ફરી વળે છે. મજુરીએ ન જઈ શકેલાંઓમાંનાં કોઈએ જે કંઈ રાંધવાની શરુઆત કે તૈયારી કરી  હોય તેના સહારે પછી આગળની સાંજના ડીનરની ભવ્યાતીભવ્ય તૈયારીઓ ચાલુ થઈ જાય છે…

આવા શબ્દ પ્રયોગેને મઝાક ન ગણીશ, ક્ષમા ! ડીનરની આ તૈયારીઓ અનેક રીતે ભવ્યાતીભવ્ય હોય છે ! જે કાંઈ રકમ ખીસ્સામાં કે વીંટો વાળેલાં ગોદડાંમાં પડી હોય કે હોવાની શક્યતાઓ તપાસવાની હોય તે કરીને પછી જે કાંઈ હાથ લાગે તેને વેપારીને ત્યાં કણસતા જીવે મુકી દઈને ‘આજનું મૅનુ’ તૈયાર કરવાનું હોય છે. અથવા તો ઉધાર લાવીને બેવડો માર એ ‘મૅનુ’માં ઉમેરવાનો હોય છે.

ગઈ કાલે બાજુવાળા કોઈ સનીયાની પાસેથી ઉછીનાં લીધેલાં કરગઠીયાં પાછાં આપવાનું બની શકે એમ નથી એટલે સનીયાની વહુનાં મેણાંય આ ‘મૅનુ’માં ભેળવવાનાં હોય છે ! એ પછીય જે કાંઈ શાક કે ચટણીનો મેળ પડે તે પાડવાનો હોય છે.

ગયા મહીને ઘરમાં બેસી રહેતી ઘરડી માએ આજુબાજુની સોસાયટીઓમાંથી ‘વાળુ’માગી લાવવાનો નુસખો એણે પોતે જ સુઝાડ્યો હતો ને બધી શરમ છોડીને ‘બે..ન, વાળુ આલી જાજો, બાપા !’ એવો ક્યારેય ન કર્યો હોય એવો લહેકો શીખીનેય થોડું માગી આવી હતી મા. તે દી’ એમનું ડીનર કંઈક જુદી ભાતનું જ બની રહ્યું હતું ! એક બાજુ જુદી જ જાતની ભાવી જાય એવી વાનગી મળી હતી ને સાથે સાથે કોઈનું એંઠું-વાસી ખાવાની વેદનાય એ ડીનરને જુદી ભાતની બનાવી ગઈ હતી !

પણ અક્કરમીનો પડીયો કાયમ કાણો જ હોય એમ દરરોજ સોસાયટીઓમાં જઈને વાળુ માંગવાનો હક ધરાવતા સફાઈવાળાં કુટુંબીજનોને ખબર પડી જતાં રાડો પાડીને સોસાયટી ગજવી મુકેલી કે “આયાં તમારે માગવા નૈ આબ્બાનું, હમજ્યાં !” [એક બેન બચાડાં વાળુહક્ક ધરાવનારને આપીને વધારાનું માને આપવા ગઈ તો એનોય ઉધડો લઈ નાખેલો.] આવા સંજોગમાં માગી ખાવાનો ચાનસ પણ ઝુંટવાઈ જતાં એ જુદી ભાત્યના ડીનરનુંય છેવટ પડી ભાંગ્યું હતું.

પણ આપણે તો વાત કરતાં હતાં, ક્ષમા,ભવ્યાતીભવ્ય ભોજન-કાર્યક્રમની. દરરોજનું દરરોજ લાવીને ખાનારાં આ કુટુંબોને કાંઈ ફટાફટ વાનગીઓ બનાવી નાખવાની નથી હોતી ! એમને તો પૈસા શોધવાથી માંડીને મેણાં-ટોણાં સાંભળવાનાં; આખો દીવસ માવતરથી દુર રહીને થાકેલાં ને ભુખલ્યાં થઈ ગયેલાં છોકરાંવને ઠપકારીને   છાનાં રાખવાનાં; બળતણના અભાવે કાચું રહી જવાની શક્યાતાવાળું જમવાની માનસીક તૈયારી રાખવાની; એમાંય ઉતાવળમાં માંડ લાવી રાખેલી તેલની શીશી ઉંધી પડી ન જાય તેનુંય ધ્યાન રાખવાનું ને છેવટ જતાંય જો કોઈ આવી ચડ્યું હોય તો એનેય આગ્રહ કરીને પોતાનું પેટ અધુરું રાખવાની તૈયારી…આ બધુંય જોવા કારવવાનું હોય છે.

આ ભવ્ય તૈયારીને કેવળ રસોઈની તૈયારી કહીને મઝાક કરવાની શક્તી કે હીંમત મારામાં નથી. પણ ક્ષમા, ભલે દરરોજ કંઈ આવું બનતું ન હોય તોય મને તો  એ લોકોને સાંજે રસોઈ કરતાં જોઉં એટલે આ બધુંય જાણે દરરોજની ભવ્ય તૈયારી જ લાગે. પાપી પેટને ભરવા માટે કેવી અને કેટલી તૈયારી કરવાની હોય એ તો આ ભવ્ય મહેનતુ લોકોને જ ખબર હોય. ક્ષમાજી ! આપણે ક્યારે આવું અનુભવવાનાં ?!

આ શીયાળો આવે એટલે મને એમનાં બાળકોની કાલ્પનીક ચીસો રાત આખી સંભળાયાં કરે. ઉનાળો આવશે એટલે મચ્છરોના ઍક્યુપંક્ચરોથી સારવારાતાં બાળકો સાંભરશે. પણ સૌથી ભુંડું તો ચોમાસું, હો ક્ષમા. એક જગ્યાએથી બીજી જગ્યાએ હડીયાપાટી કરીને ઘરવખરીને અને પ્રાણપ્યારાંઓને સાચવવાના એમના ધખારા તો આપણાથી કલ્પી જ ન શકાય. કઈ સરકાર આ ધખારો સમજવાની છે ?!

આજે કોણ જાણે કેમ પણ મને પ્રકૃતીની આ લીલા પણ સાંભરી ગઈ. કર્મના સીદ્ધાંતમાં મગ્ન રહેનારાંઓ ઘણીવાર શાહમૃગી વૃત્તીનાં પ્રતીકો છે. કોઈનેય આ દયનીય સ્થીતી ગમે નહીં. પણ એ બધાં કરી પણ શું શકે ? આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાં, કઈ રીતે દઈ શકાશે; કોણ દઈ શકવાનું છે ?! એટલે પછી કર્મના સીદ્ધાંતને આગળ કરીને મન મનાવી લેવાનું, બીજું શું !!

ક્ષમા, તારો ગામડે જઈને બેસી જવાનો વીચાર જો પ્રકૃતીપ્રેમ અને શાંત જીવન પસાર કરવા માટેનો હોય તો તે આત્મવંચના જ ગણવી. જોકે તું એમાંની નથી પણ ગામડે શું કે શહેરમાં શું, કરમની કઠણાઈના કાગડા તો બધે જ કાળી કીકીયારી કરે છે.

આપણે તો આ દેશની જઠરાગ્નીના મહાયજ્ઞમાં કંઈ પણ સમીધ નાખવાનું ભાગ્ય મળે એવી કામગીરી શોધવી રહી. તારી સાથે શક્ય બનશે તો આવા જ કોઈ ભવ્યાતીભવ્ય ભોજનયજ્ઞમાં ભાગ લેવાનું સ્વપ્ન સેવું તો એને સમજવા મથજે.

આજે તો આટલું જ. [ આ ય કાંઈ ઓછું છે ?! ]
–નીખીલ.

                              —===000===—

2 thoughts on “જઠરાગ્નીના મહાયજ્ઞમાં સમીધ ઉમેરી શકીશું, ક્ષમા ?!

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.