કોયલના ટહુકાને વીંધીને સંભળાઈ જતી કોઈની ચીસ !

ક્ષમા–નીખીલના પત્રોમાંનો ૨૦મો પત્ર

 

સંવેદનશીલા ક્ષમા !

 

તારા પત્રની છેલ્લી પંક્તીઓ પહેલાં રજુ કરીને પછી જ મારે કહેવાનું છે તે લખીશ.

જેમને સાંજનું વાળુ મળવાનું નથી એમની હાશઆપણે ક્યારે સાંભળીશું  ?!!!!!
ક્ષમાની વેદનાભરી ને અસહાય યાદ !

ગઈ કાલે મળેલા તારા પત્રના અનુસંધાને એક અખબારમાં વાંચેલા આ સમાચાર વાંચ !!! :

ફક્ત અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ જ માસમાં આત્મહત્યાના બનાવોની જાણકારી :

જાન્યુઆરી-08 પુરુષોની  : 34 સ્ત્રીઓની : 19 કુલ 53 ફેબ્રુઆરી-08માં પુરુષોની : 23 સ્ત્રીઓની: 19   કુલ 42 માર્ચ-08માં     પુરુષોની :34 સ્ત્રીઓની : 20   કુલ 54  ત્રણ માસમાં       કુલ પુ. : 91   સ્ત્રીઓ : 58   કુલ :149   

ક્ષમા, આ સમાચારો જાણે કે તારા પત્રની વેદના જ પ્રગટાવી રહ્યા છે. તારો પત્ર દઝાડી દે તેવો છે. બધું જ ભુલીને ઘડીભર તો ક્યાંક ખોવાઈ જવાનું મન થાય એવો સમય આવી ગયો છે…

આપણી ચામડી હવે સંવેદનશીલ રહી નથી એવી તારી ફરીયાદમાં વજુદ તો છે જ પણ એક નીઃસહાયતાનો પોકાર પણ છે. આપણે લોકશાહીમાં પણ સલામત નથી, કે નથી બોલવાને સક્ષમ. બોલવાનો ડર નથી, પણ બોલવાનો અર્થ પણ નથી. આપણું બોલવું એ હવે ખાલી થુંક ઉડાડવા જેવું બની રહ્યું છે.

સીઝનમાં આ વર્ષે કેરીનો ફાલ બહુ નથી ઉતર્યો એ આખી દુનીયા જાણે છે. પણ છાપાંઓમાં આ બાબતને એવી રીતે ચગાવવામાં આવી કે જાણે વીશ્વયુદ્ધ પછીના કોઈ મોટા સમાચાર તે ન હોય ! તમને એક સીઝનમાં કેરી ખાવા ન મળી એટલે જાણ કે દુનીયાનો પ્રલય આવી ગયો હોય એવી કાગારોળ કરી મુકવાની ?

સીનેમાજગતના કલાકારો (એમને કલાકારો શી રીતે કહેવા તે ક્યારેય ન સમજાય તેવી બાબત છે !)નું એકાદ કુતરુંય માંદું પડે તો છાપાંમાં એના ફોટાઓ આવી જાય, ને મારી પડોશમાં કોઇનો જુવાનજોધ દીકરો આત્મહત્યા કરી લે એનું કાંઈ નહીં ! આખો દીવસ કચરા–પોતાં કે વાસણ–કપડાં કરીને કુટુંબનો જીવનગુજારો કરતી એક આદીવાસી બાઈને એનો દારુડીયો પતી દરરોજ ઢોરમાર મારે ત્યારે કોઈ ફીલ્મી પત્રકારને એમાં રસ પડતો નથી.

ક્ષમા,

આપણી જીવનશૈલી જ બદલાઈ રહી છે. આપણે હવે ભણીગણીને ક્યાંક નોકરીમાં જોડાઈ જવાનું ને પછી કોઈ જીવનસાથીને શોધીને ઘર વસાવી લેવાનું કામ જ બાકી રહે છે !! આપણે અનેક વાર લખ્યું–વીચાર્યું કે આ સૌ દુખીયારાઓ માટે કશુંક કરીશું. પણ હજી સુધી મને કોઈ નક્કર કાર્યક્રમ સુઝતો નથી. જ્યાં જુઓ ત્યાં ગોઠવાઈ જવાની પેરવી જ થઈ રહી છે. મારા મીત્રોમાં કોઈ સાથ દેવા તૈયાર નથી…એમાં એમનોય શો વાંક કાઢવો ? એમનેય એમના કુટુંબનું ભરણપોષણ કરવાની ફરજ હોય જ ને.

હું એક બાજુ એમ વીચારું કે આ બધી વેદનાની વાતો સૌને વહેંચું, તો બીજી બાજુ થાય કે એમાં સમય બગાડવા કરતાં આજુબાજુનાંઓ કે જેમને સગવડ નથી તેમને ભણાવીને આગળ વધવા માટે તૈયાર કરું. તેઓમાંનાં જેઓ કંઈ પણ ભણ્યાં છે તેમને કંઈક રોજી મળે તેવાં સ્થાનોનો  પરીચય કરાવીને ઠેકાણે પડવામાં મદદ કરું.

આજે સૌથી મોટી મદદ કોઈ હોય તો તે કોઈને પણ રોજી અપાવવાની છે. એનાથી મોટું પુણ્ય કોઈ મને તો દેખાતું નથી.

આજે તો મને એક જગ્યાએ બોલાવ્યો છે, એક સંસ્થાએ. એમને ત્યાં વ્યાવસાયીક તાલીમનું આયોજન થઈ રહ્યું હોઈ એના વીવીધ અભ્યાસક્રમોની ગોઠવણ કરવાની છે. આશા રાખું છું કે ત્યાં કંઈક કામગીરી થઈ શકશે.

તારા પત્રનો જવાબ આમાં ક્યાંય તને મળશે તો તે મારી ધન્યતા હશે, હોં ક્ષમા !

હવે પછી પત્રોમાં આવી રહેલી વર્ષાના સમાચારો આપજે ! આ દુઃખી દુનીયાની વાતોમાં આપણી આસપાસનું વાતાવરણ તો સાવ ભુલાઈ જ ગયું ! વહેલી સવારે બરાબર પાંચ ને દસ મીનીટે બાજુના મકાનના વૃક્ષ પરથી કોઈ કોયલ એક ટહુકો વહેતો મેલે છે કે પછી તો જાણે બધાં વાટ જોઈને બેઠાં હોય તેમ એકપછી એક મંડી પડે છે, ચહકવા ! એમની કને કઈ ઘડીયાળ હશે ? દરરોજ પાંચ ને આઠદસ મીનીટ વીતી નથી ને ટહુકો વહેતો થયો નથી ! છે….ક સાડા છ સુધી આ ટહુકારાઓ હવામાં વહેતા રહે છે. હું મારી બધીય વેદનાને એમાં વહાવી દેવા મથું છુ…..

પણ ત્યાં તો તારા પત્ર જેવી વેદના ભરેલી કોઈ વાર્તા મારી પડોશમાંથી સાંભળવા મળી જાય છે ને એમ પાછો દીવસ શરુ થઈ જાય છે !!

હશે. આ જ તો છે જીવન, ક્ષમા ! આવજે !

–નીખીલ.

 

3 thoughts on “કોયલના ટહુકાને વીંધીને સંભળાઈ જતી કોઈની ચીસ !

  1. કોયલના ટહૂકાઓની અને આત્મહત્યાના બનાવો. આશા નિરાશા વચ્ચે ઝૂલતા આ જીવનની વાત પત્રમાં છેલ્લે “હશે. આ જ તો છે જીવન, ક્ષમા” થી પૂરી થાય છે. અને રસપ્રવાહ જળવાય રહે છે અને સંવેદના પણ જગાડે છે.

    આભાર સહ…..

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.