ખાદી પહેરી તે પહેરી !

 

એક ચણીબોરની ખટમીઠી   ૯                                                   –જુગલકીશોર.

 

 

૧૯૫૫ના જુનમાં જુનાગઢ પાસેના શાપુર સર્વોદય આશ્રમમાં છઠ્ઠા ધોરણનું ભણવા ગયો ત્યારે ત્યાં ખાદી પહેરવી ફરજીયાત હતી. રંઘોળા (વાયા ધોળા જંક્શન)માં પાંચ ધોરણથી આગળ શાળા નહોતી ને શાપુરમાં અમારા આદરણીય ગાંધીવાદી બનેવી ભાનુભાઈ મહેતા કાર્યકર હતા તેથી મને શાપુરમાં દાખલ કરેલો.

 

શાપુર આશ્રમ રતુભાઈ અદાણી વગેરેએ શરુ કરેલો. ત્યાંના નીયામક અકબરભાઈ નાગોરી ખંભાતના દીવાન રહી ચુક્યા હતા. તેમનાં ધર્મપત્ની મદીનાબેન મને બહુ સાચવતાં…હું નાની ઉંમરે (સાડા પાંચ વર્ષે) માતા ગુમાવી બેઠેલો એ એમને ખાસ યાદ રહેલું.

 

યોગેન્દ્રભાઈ પરીખ અમારા આચાર્ય હતા. મસ્તાનભાઈ મેઘાણી પણ ત્યાં જ અમારા શીક્ષક હતા. ઈસ્માઈલ દાદા નાગોરી અવારનવાર ત્યાં આવીને અમને ભણાવવા ઉપરાંત ખાસ તો વનસ્પતી વીષયક વાતો, જાણે વાર્તા કહેતા હોય એમ સમજાવતા. ક્યારેક દ્રાક્ષના વેલા ઉપર નવી કીસમની દ્રાક્ષ બેઠી હોય તો જાણે કુટુંબમાં લગ્નોત્સવ કે જન્મોત્સવ ઉજવતા હોય એમ સૌની પાસે જઈ જઈને દ્રાક્ષ વહેંચતા !! ( આ જ ઈસ્માઈલ દાદા મને સણોસરામાં તો ગુરુજી રુપે મળ્યા હતા. ત્યાંના મારા છેલ્લા વરસે મારા પ્રમુખપણા નીચે ભરાયેલા ફીશપોન્ડના કાર્યક્રમમાં મેં બીજા ઘણાંનાં રમુજી નામો પાડયાં હતાં તેમ ઈસ્માઈલ દાદાનું નામ સ્માઈલ દાદા પાડયું હતું, જે વર્ષો પછી જનસત્તા દૈનીકમાં વાંચીને રોમાંચીત થઈ જવાયું હતું ! )

 

અહી સૌ પ્રથમ વાર ખાદી આવી. બ્લ્યુ રંગની ચડ્ડી ને સફેદ રંગનું બાંડીયું એ ગણવેશ હતો. બાંડીયા નીચે અંડરવેર પહેરાય એનું ભાન નહોતું ( અને હોત તો એ સીવડાવવાના ફદીયાય નહોતા ) !! બે જોડી ચડ્ડી–બાંડીયાની રહેતી તેમાંની એક બહાર મેદાનમાં વાળે સુકાતી પડી રહેતી અને બીજી કે જે પહેરી હોય – થી નહાવાનું થતું ! તે બન્નેની અદલાબદલી થયાં કરતી ! એક પહેરી હોય અને બીજી વાળે સુકાતી હોય !! જુનાગઢ ક્યારેક જવાનું થાય ત્યારે ઉપરનું કોઈનું કહેવાતું ‘સારું’ ખમીસ ચડાવી લેવાનું રહેતું !

 

આ સંસ્થામાં જ નહીં પણ નોકરીએ લાગ્યાં પછી પણ વર્ષો સુધી ગરીબીએ સાથ નીભાવેલો એટલે મોંઘી ખાદી વસાવવામાં આંખે પાણી આવી જતાં…શાપુરમાં એટલું સારું હતું કે કાંતવાનું ફરજીયાત હતું તેથી હાથે કાંતેલા સુતરમાંથી ખાદી મેળવી લેવાતી જે બે જોડી કપડાં પુરતી માંડ થતી.

 

સણોસરામાંય ખાદી ફરજીયાત હતી. અહી આવ્યા પછી તો મોંઘવારી ઓર વધી ગઈ હતી. ભણવાના ખર્ચાય વધ્યા હતા. જોકે સણોસરામાં શીક્ષણ ફી જ નહોતી ! એને બદલે અમારે સૌએ દરરોજ ત્રણ–ચાર કલાકનો શ્રમ રહેતો, જેણે અમારા જીવનને પરીશ્રમી, સ્વાવલંબી અને ખુમારીભર્યું બનાવી આપેલું. પણ છતાંય સણોસરામાં ચોરીછુપીથી મીલના કાપડનાં પહેરણ પહેરવાંનાં થતાં ! ગરીબીએ આ એક ખોટું કામ કરાવેલું જે અમને સૌને ચચર્યાં કરતું. શાપુર કે સણોસરામાંના ફરજીયાતપણાએ ખાદી પ્રત્યે એક ન સમજાવી શકાય એવો  ભેદ મનમાં ઉભો કરેલો જેને લીધે અમારામાંના ઘણાંને સણોસરા છોડયા પછી તો ખાદી નથી જ પહેરવી એવો નીર્ણય કરાવવા મજબુર કરનાર હતો…મનેય ખાદી પ્રત્યે એવો કોઈ જ લગાવ થયો નહોતો. ગાંધીજી, નાનાદાદા, મુળશંકરભાઈ, બુચદાદા, ઈસ્માઈલદાદા વગેરે માટેનો અત્યંત ઉંચો ભાવ પણ ખાદી તરફ વાળવામાં મદદરુપ થયો ન હોય તો તેમાં મારી ગરીબી જ મુખ્ય કારણ હતી એ વાત આજે આ લખતી વખતેય ચુભી રહી છે !!

 

સણોસરા છોડવાનો સમય આવી ગયો. ૧૯૬૫માં સ્નાતક થઈને નીકળ્યા ત્યારે નોકરીનાં કોઈ ઠેકાણાં નહોતાં. સરસપુરમાં મોટાભાઈ સાથે રહેતો હતો ત્યારે સણોસરાના જ એક સ્નાતક રાજેન્દ્ર સરસપુર કસ્તુરબાનગરમાં રહે. એક દીવસ રસ્તામાં ગોદાણીના દવાખાના સામે મળી ગયેલા. મારા કરતાં એક વરસ સીનીયર. મારી સાથે સણોસરા અને અન્ય નઈ તાલીમની વાતો કરતાં કરતાં એક વાક્ય બોલી બેઠા – આ તો ઠીક છે કે ગરીબોને એ રીતે રોજી અપાવવામાં મદદરુપ થઈ શકાય છે એટલે ખાદી પહેરું છું, બાકી મને તો આ બધાંમાં જરાય રસ નથી…!!

 

બસ ! આ એક અમસ્તું અછડતું વાક્ય બોલીને તેઓ તો જતા રહ્યા. પછી તો સાંભળવા મુજબ અમેરીકામાં ખુબ વીકસ્યાય ખરા ને ખાદી તો ઘણી વહેલી છોડી ચુક્યા હતા….પણ એમનુ પેલું ગરીબોને મદદરુપ થવા વાળું વાક્ય તો મારા મનમાં ઉંડી ખીલી મારી બેઠું !!

 

તે ઘડી ને આજ સુધીનો દીવસ !! ન તો મેં ખાદીને છોડી કે ન એણે મને છોડયો !! ઘોડાપુરમાં ધસમસતી વહેતી નદીના પુરમાં હું ને ખાદી બન્ને તણાતાં હતાં….રીંછ મને વળગ્યું હતું કે હું રીંછને તે કહી શકાય એમ નહોતું. અનેક પલટાઓ આવ્યા; અનેક આકર્ષણોય ઉભાં થયાં; અનેક જાતની કામગીરી કરવાની આવી – ગરીબીએય પોતાનો બેસુરો તાનપુરો વગાડયા કર્યો‘તો; મોટા હોદ્દાઓ પર કામ કરતી વખતે ટીકાઓય થઈ અને ખાસ તો જાહેર સ્થળોએ લોકોનાં મેણાંય સાંભળ્યાં કર્યાં…..

 

પણ પેલા રાજેન્દ્રે માથામાં ખોસી દીધેલું વાક્ય આજેય એટલું જ તાજું રહ્યુ છે કે ખાદીથી ભીડાવીને જ મને રાખ્યો છે.

 

વચ્ચે ટેરેલીન ખાદી પહેરવી શરુ કરી તે શરીરને ન ફાવી કારણ કે ટેરેલીનના રેસા પરસેવો ચુસવા દેતા નથી. પરસેવાને કારણે પણ પર–સેવાની વાત બચી જતી હતી !! અને તેથી  આજે પણ આ ખાદી એટલી જ વ્હાલુડી થઈને વળગેલી રહી છે.

8 thoughts on “ખાદી પહેરી તે પહેરી !

 1. જુ.ભાઈ..તમારા સંસ્મરણો પરથી મને પણ ૧૯૮૪–૮૫માં ડી.બી.એડની એક વર્ષની તાલીમ દરમ્યાન ફરજીયાતપણે ખાદી પહેરવાનો મોકો મળેલો તે યાદ આવી ગયું. હવે તો જાતજાતના, આકર્ષક રંગો–ડીઝાઈનોથી સજ્જ ખાદીના સરસ વસ્ત્રો મળે છે.

  Like

 2. મેં પણ શોખથી ઘણીવાર ખાદી પહેરી છે. આપણા દેશ માટે એ જ સર્વશ્રેષ્ઠ પોશાક લાગે છે. કાશ, બધાં અપનાવી શકે તો…

  તમારા સંસ્મરણો વાગોળવાની મઝા પડી.

  Like

 3. આ લેખ વાન્ચીને ઘણીબધી લાગણીઓ મગજ મા દોડી આવી – જાણે એક યુગ પ્રત્યેની nostalgic લાગણીઓ.. મે ગાન્ધીયુગ અનુભવ્યો તો નથી, પણ કલ્પના સ્રુષ્ટીમા બહુ જોયો છે. વેરાવળ પાસે ઉમ્બરીમા આવેલી સર્વોદય સન્સ્થા “ઉપાસના” સાથે મારો થોડો નાતો છે – એની અને એ સાથે સન્કળાયેલા લોકો ની પણ યાદ આવી – બાલુ ભાઈ જોષી, નવલભાઈ ભાવસાર વગેરે.

  પણ, સમાજવાદ ના એ યુગ મા જાણે-અજાણ્યે ગરીબી નો મહીમા થઈ જાતો હતો એવુ નથી લાગતુ? એ સમય ના ચલચીત્રોમા પણ એવુ દેખાઈ આવે છે. (By the way, ગાન્ધીજીએ ગરીબીને સૌથી વરવી હીન્સા ગણાવી છે). મુડીવાદી અભીગમ અપનાવ્યા પછી જે વીકાસ થયો છે, એમા છેવાડા ના માણસ નો પણ ઘણો વીકાસ થયો હોય એવુ મને લાગે છે – જો કે કોઈ data મારી પાસે નથી.

  Like

 4. બહુ જ હ્રદય સ્પર્શી જીવનકથા. આ આયાસ ચાલુ જ રાખો . અંતે એન ઉં ઈ- પુસ્તક બહાર પડે એ શુભેચ્છા …
  ગાંધીજી અને સમાજવાદ સીધ્ધાંત તરીકે સાચા હશે , અને કદાચ પચાસે વર્શ બાદ આવી પડનારી આપત્તી માટે એ વૈકલ્પીક ઉકેલ હોઈ શકે. પણ અત્યારના માહોલમાં તો અમેરીકી / યુરોપીયન ફ્રી ઈકોનોમી જ વીકસતા દેશો માટે એક માત્ર વીકલ્પ લાગે છે. ચીન અને રશીયા આનાં ઉદાહરણ છે.

  Like

 5. જ્યાં મેનપાવર પારાવાર હોય એટલું જ નહીં, એને કામ પણ મળતું ન હોય ત્યાં ગાંધીની વાત માનવી જ પડશે. તેઓ દરેકને કામ અને દામ મળી રહે એમાં માનતા.

  ગ્રામોદ્યોગ એ જ સાચો ઉકેલ આજે પણ છે ! ખાદી એનું પ્રતીક છે. કાપડની મીલો જેટલાંને રોજી પુરી પાડે છે એના કરતાં ખાદી–ગ્રામોદ્યોગ વધારે લોકોને રોજી આપે છે.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.