ઉત્તરપુર્વીય વાદળીઓ ‘હાઉક’ કરીને જતી રહી શું ?!

ક્ષમા,

 

ગ્રીષ્મ જ્યારે પુરબહારમાં તુટી પડી હતી ત્યારે થતું ‘તું જાણે હવે પછી કોઈ જ ૠતુ નહીં હોય. આકાશથી વરસી રહેલો તાપ એ જ કાયમી છે; એ જ સત્ય છે, ને બીજું બધું કેવળ કાલ્પનીક અને મીથ્યા !

 

પરંતુ એક દીવસ ઓચીંતાં જ કેટલીક વાદળીઓને દક્ષીણ–પુર્વ દીશાએથી નીકળીને ઈશાન તરફ નીકળી પડેલી જોઈ. પછી તો એની સંખ્યા વધતી જ ગઈ. થતું ‘તું કે શું આ એ જ વાદળીઓ છે, જે ઈશાનેથી નવા રુપે પાછી ફરશે ? વળતાં અરવલ્લીના ડુંગરાઓએ કમખામાં મુકી આપેલી આસાએષોથી સીક્ત સીક્ત થયેલી ને હજી હમણાં સુધી તો સાવ રીક્ત રીક્ત લાગતી એ બધીયો અરવલ્લીની પર્વતમાળાઓને સ્પર્શે ભારજલી બનીને આવશે, ને પેલી ગ્રીષ્મ અને એની શાશ્વત લાગતી ધાકને પોતાની એકાદ શીતળ ફુંકથી જ તહસનહસ કરી નાખશે ?!

 

અને એવું જ થયું, ક્ષમા !

 

એક બપોરે ઓચીંતાં જ ઉત્તર–પુર્વથી ઠં….ડા પવનની લ્હેરખી આવી પુગી. કોઈ અત્યંત ગમતીલું પાત્ર કાનમાં જાણે હળવેકથી ઉચ્ચારી ગયું, આઈ લવ યુ !

 

ક્ષણભર માટે મને ઘાંઘો કરી મુકનારા ને તરત જ પછી તો રોમાંચીત કરી દેનારા શબ્દો જેવી એ ઉત્તરપુર્વીય લહેરખડીઓએ મારા રોમરોમને પુલકીત પુલકીત કરી મુક્યા… ગ્રીષ્માને( અરે, ક્યાં ગઈ તું ગ્રીષ્માડી ? ક્યાં ગયો તારો આતપ, અરે, અરે ક્યા…?!)જવા દો, હવે જાણે કશું ફરીયાદવા જેવું નહોતું રહ્યું… …

 

પણ ઉત્તરપુર્વીય એ લ્હેરખી પણ ક્ષમા, તારી જેમ જ એકાદ પત્ર લખીને ‘હાઉક’ કરી ગઈ જાણે ! કેટલાય દીવસો સુધી એનું ‘હાઉક’ કેવળ પડઘો બની રહ્યું.

 

હશે ! એને હું કાંઈ એકલો થોડો છું? એને તો અનેકાનેકને ગ્રીષ્માડીના આતપથી છોડાવવાનાં હોય. ( તેં ઝુંપડપટ્ટીનાં બાળકોને તારા અંકમાં લીધાં છે એવું તારા છેલ્લા પત્રોથી જાણ્યું છે. એટલે ઉત્તરપુર્વીય પવનોની સાથે તું ય….)

 

પણ જવા દે, ક્ષમા !

 

શીતળ લ્હેરખીઓ સ્પર્શેન્દ્રીયને રોમાંચીત કરી દે કે ‘આઈ લવ યુ’ જેવા શબ્દો કર્ણેન્દ્રીયને પુલકીત કરી મુકે એ બધું શું ક્ષણીક થોડું હોય છે ? એ બધું તો જીવનના શાશ્વત પ્રવાહોનો એક ભાગ માત્ર હોય છે. ને છતાં કેટકેટલી અસરો જન્માવી દેનારા હોય છે ?!

 

માનવી એના ક્ષણીક (ક્ષણભંગુર નહીં કહું) જીવનમાં – શાશ્વત જીવનશૃંખલાની અન્ય કડીઓનું એને ઓસાણ નથી હોતું તેથી – બધું તત્પુરતું, ટેમ્પરરી માનતો થઈ ગયો હોય છે. એમાંય પાછું બ્રહ્મ સત્ય અને જગત–જીવન મીથ્યાવાળું ગોખીને આ ટેમ્પરરીનેસ–તત્પુરતાપણાથી હારી જઈને નીરાશાને નીમંત્રી બેસે છે.

 

બાકી ગ્રીષ્મ તો દર વર્ષે આવવાની છે. આવવાની છે એટલે જવાની પણ છે. તેથી ગ્રીષ્મથી અકળાવું શું ને વર્ષાથી હરખાવું શું ?!

 

આ પત્ર તને પાઠવી દેવા બીડી રહ્યો ‘તો ને એકદમ (મને આગોતરો ઉત્તર પાઠવી દેવાની ઉતાવળમાં ?)વર્ષાનો આ પ્રથમ પત્ર આકાશેથી વરસી પડ્યો છે !! આસપાસનુ બધ્ધું જ બધ્ધું એ સ્નેહવર્ષામાં ભીજાઈગયું છે. અત્યારે કશું જ કશું લખાતું, વંચાતું, દેખાતું, સ્પર્શતું, સંભળાતું –– નથી !! અત્યારે બધી જ ઈન્દ્રીયો એનાં હજાર કામો પડતાં મુકીને આ એક સ્નેહવર્ષાને માણી રહી છે. બાહ્યાભ્યંતર બધું એકાકાર છે. વર્ષાનો આ પ્રથમ પ્રસાદ એક એવો સાદ બની રહ્યો છે, એવો નાદ બની રહ્યો છે કે હવે એને પંચેન્દ્રીયથી અલગ અલગ સમજાવવાપણું રહ્યું જ નથી. હવે તો ‘અનુભવવું’ એ એક જ ક્રીયાપદ બાકી વધે છે, એને ઓળખાવવા માટે ! ‘સાક્ષાત્કાર’ જેવો ભારેખમ શબ્દ અહી કામમાં નહીં લઉં…કદાચ હવે એ બહુ દુર પણ નહીં હોય !

 

પત્ર પુરો કરતાં છેવાડાનાં ચીલાચાલુ વાક્યોય નીરર્થક છે; ‘આવજે,’ એમ કહેવાનોય હવે શો અર્થ ક્ષમા –

તું અહીં જ છે, જાણે !!

 

–નીખીલ.

5 thoughts on “ઉત્તરપુર્વીય વાદળીઓ ‘હાઉક’ કરીને જતી રહી શું ?!

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.