થુંક

થુંક                                                                                                – જુગલકીશોર.

થુંક જેવા ગોબરા ને નકામા લાગતા વીષય પર લખનાર પર જ થુંકવાનું મન થઈ આવે તો નવાઈ નહીં. લખવાનો કોઈ બીજો વીષય નહીં મળ્યો હોય તે ‘થુંક જેવી’ બાબતે સમય ને શક્તી બગાડવા બેઠા છો ?!

વાત તો સાચી, પણ ઘણી બાબતો એવી હોય છે જેને જોવાથી કે સંભારવા માત્રથી મોંમાં પાણી આવી જાય. થુંક એ પણ મોંમાંનું પાણી જ છે એટલું જ નહીં, કીમતી પાણી છે. એટલે જ તો એને ગામડાગામમાં ‘મોંનું અમી’ પણ કહે છેને ! સવારનું પહેલું અમી થુંકી નાખવાનુ હોતું નથી. એને વેડફી ન દેવા માટે જ સવારમાં નરણે કોઠે – કહો કે વાસી મોંએ – પાણીનો ગ્લાસ ભરીને પીવાનો રીવાજ છે.

થુંકવું, ‘જ્યાંત્યાં થુંકવું’, ‘થુંકેલું ચાટવું’, ગુસ્સા જેવી બાબતોને ‘થુંકી નાખવી’, ‘થુંક ઉડાડવું’ વગેરે શબ્દપ્રયોગો ગુજરાતીભાષામાં બહુ જાણીતા છે.

થુંકને બે રીતે જોવામાં આવે છે; મોંમાં આવતું પાણી બે સાવ જુદી જ વીભાવનાઓ બતાવે છે. એક થુંક એવું હોય છે જે બહુ જ ગમતી–ભાવતી વાનગીઓને જોઈને મોંમાં ઉભરાઈ આવે છે. લાળગ્રંથીથી છુટતા આ પાણીને ‘મોંમાં પાણી આવવું’ શબ્દપ્રયોગથી સમજાવવામાં આવે છે. મોંમાં આવતું આ થુંક કોઈ થુંકી નાખતું નથી. કોઈને ખબર પડે કે ન પડે પણ ભાવતી વાનગી જોઈને આવી જતું મોંનું પાણી સીધું ગળા હેઠ ઉતારી દેવામાં આવે છે. માનો ન માનો પણ આ ગળા નીચે ઉતરી જતા પાણી–અમી–થુંકની સાથે પેલી સામે પડેલી વાનગી પણ કલ્પનાથી ગળા નીચે ઉતરી જતી હોય છે ને એ વાનગીનાં દર્શન–સ્વાદ–સુગંધ–સ્પર્શ–(ને કોઈ સંજોગોમાં)ધ્વની સહીત એ આપણને આવી ચડેલા / ઉભરાઈ ઉઠેલા અમી–થુંક વડે ભીંજવી દે છે. ભાવતી વાનગીનું દૃષ્ય, એ વાનગીની સોડમ, એને હાથમાં લેવા માટે સળવળી ઉઠતો સ્પર્શ, જલદી જલદી એને ચાખી લેવા આતુર અને તરબતર થઈ ઉઠતો સ્વાદ અને તળાતી હોય કે ખંડાતી હોય કે વઘારાતી હોય તો એનો ધ્વની – આમ પંચેન્દ્રીય દ્વારા સામે પડેલી ભાવતી વાનગી મોંને છલકાવી દે છે થુંકથી !

( હા ભૈ હા, એને અમી કહેવાય, થુંક નહીં. હું જાણું છું, પણ આજનો આ લેખ થુંક ઉપર જ હોય પછી હું શું કરું ?)

બીજા પ્રકારે થુંક સાવ જુદી જ વીભાવના સાથે મોંમાં આવી ચડે છે. રસ્તે જતાં કોઈ પ્રાણીનો છુંદાઈ ગયેલો ને બહાર નીકળી ગયેલાં આંતરડાં સહીતનો દેહ અથવા તો કોઈએ રસ્તા પર જ ત્યાગેલા મળની ન જોઈ શકાય તેવી સ્થીતી જો જોવામાં આવે તો તરત જ મોંમાં પાણી આવી જાય છે !! જેને તાત્કાલીક થુંકી નાખવામાં આવે છે. મોંમાં આવેલા આ પાણીને કોઈ અમી કહેતું નથી.

એક વાર મહીલાઓની સભામાં સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ જેવી બાબતોના વ્યાખ્યાન દરમ્યાન મેં એક વીચીત્ર વીધાન કરીને ગુસ્સાનો મધપુડો છંછેડી મુક્યો હતો. મેં રમુજમાં ફક્ત એટલું જ કહેલું કે બહેનોને ગંદકી બહુ વહાલી હોય છે ! હજી એ લોકોનું આશ્ચર્ય શમે તે પહેલાં મેં બીજું વીધાન ફેંક્યું હતું કે બહેનોને ગંદકી બહુ ભાવતી હોય છે !! સભામાં ગણગણાટ શરુ કરી દઈને તરત જ ત્રીજું વાક્ય મેં એવું ફેંક્યું કે જો હું અતીથીવીશેષ ન હોત તો સભાજનો મને મારવા લેત !

મેં એ અતી નાજુક, સેન્સીટીવ વાક્ય આ પ્રમાણે કહ્યું હતું –

રસ્તે પડેલી કોઈ પ્રાણીની સડેલી લાશ કે એવું જુગુપ્સાજનક દૃષ્ય જોઈને બહેનોને ખાસ મોંમાં પાણી આવી જતું હોય છે !!! (કહેવાની ભાગ્યે જ જરુર છે કે કોઈ પણ જાતની મારામારી થાય તે પહેલાં જ મેં મારો કટાક્ષ સ્પષ્ટ કરી દીધો હતો કે આવું દૃષ્ય જોઈને બહેનો તરત જ થુંકી નાખે છે તે મોંનું પાણી જ હોય છેને !!

થુંકનો એક બહુ જ જાણીતો પ્રકાર છે તે તો વળી એની કેટલીય વીશેષતાઓથી ભરેલો છે. એ થુંક એક મજાનો રંગીન પ્રકાર છે !! એ રંગીન થુંક પાછું મોટા જથ્થામાં હોય છે. આ પ્રકારનું થુંક કોઈ પણ જગ્યાએ જઈને ચીત્રકામ કરી આપનારું કલાત્મક હોય છે. જાહેર દીવાલો પર એનાં ચીતરામણ ભારતના કોઈ પણ શહેરમાં જોવા મળે છે. આ થુંકવીશેષને જ્ઞાની લોકો પાનની ખીચકારી કહેતા હોય છે. થુંક સમસ્તનો આ રાજવી પ્રકાર છે.

અમે નાના હતા ત્યારે ઘણી વાર દોડતાં દોડતાં પેટમાં આંટી પડી જતી, ને વાંકા વાંકાય માંડ ચાલી શકાય એવો દુખાવો દુંટીની આસપાસ થતો. રાડ પડી જાય એવો ને એટલો આ દુખાવો ઘડીના છઠ્ઠા ભાગમાં દુર કરી દેવાનું અમને શીખવાડવામાં આવેલું હોઈ એટલી નાની ઉંમરે પણ અમે ગભરાયા વીના કોઈ જુએ–ન જુએ એની ચીંતા કર્યા વગર સીધી મોંમાં આંગળી નાખીને મોંના અમીને (ના, એને માટે અમે ‘થુક’ જેવો ગોબરો શબ્દ નહીં વાપરીએ !)એના પર ઝીલી લઈને એને દુંટીમાં ભરી દેતા !! દુંટીમાં એ અમી ગયું નથી ને દુખાવો થુંકાઈ ગયો નથી !

આટલી ત્વરીત રાહત આપી દેનારા આ થુંકૌષધનો બીજો પણ એક ત્વરીત ઉપચારક્રમ પણ, લ્યોને, વાત નીકળી જ છે તો બતાવી દઈએ.

રાતે ઉંઘમાં ઘણી વાર હાથે કે પગે ખાલી ચડી જતી હોય છે. એવી ખાલી કે આપણો એક હાથ કે એક પગ જાણે છે જ નહીં !! હાથ સાવ ખોટો પડી ગયો લાગે. એવે સમયે પાણી પણ ક્યાંથી હાજર હોય ? ને હોય તોય એવા ખોટા પડી ગયેલા હાથ–પગે પાણીયારે જવુંય શી રીતે ? આવે ટાણે મારામાં રહેલા ભીષગ્ કને જે સચોટ ઉપાય રહેલો છે, તે હે આતુરગણ, હું હવે તે થુંકૌષધના મહીમાસહ આપને કહીશ.

આવે સમયે, ખોટું પડી ગયું છે જેનું અંગ તેવા હે દરદી મહાશય, આપે ફક્ત આટલું જ કરવાનું રહે છેઃ ખોટા પડી ગયેલા હાથ કે પગનાં પાંચેય આંગળાઓ જેનાથી શોભાયમાન છે તેવા પાંચેય નખોને (કાંતો સીધા જીભ વડે અથવા જો તમે સ્વચ્છતાના આગ્રહી હો તો મોંના અમીને આંગળી પર લઈને) વારાફરતી ભીજવવા માંડો !! બધા નખ મહાશયો જેવા થુંક–સ્નેહથી પરીપ્લાવીત થઈ રહેશે કે તરત જ ખાલી ચડેલી ઉતરવા માંડશે !!

અનેક વાર અનુભવાયેલા આ પ્ર–યોગને પ્રગટાવીને આ થુંકપુરાણ આટોપીશું. ગાંધીજીએ ક્યાંક ક્યાંક બહુ રસ પડી ગયો હોય તેવા પ્રસંગને વર્ણવતાં “રસના ઘુંટડા” એવા શબ્દપ્રયોગ કર્યા છે. થુંક અંગે એવા તો કોઈ રસઘુંટ અમને પ્રગટ્યા નથી. છતાં કોઈનેય જો આ લેખ વાંચીને બે પ્રકારના થુંકમાંનો કોઈ પણ પ્રકારનો રસ પડે તો અમને – આઘે રહીને સ્તો હો ભૈ ! – જાણ કરવા વીનંતી. બીજા પ્રકારનો હશે તો પણ તે તમારા અભીપ્રાયરુપે હોવાથી અમને તો મોંમાં પાણી અમીરુપે જ આવવાનું છે તેની ખાત્રી આપીને ગળા નીચે એને આગોતરું ઉતારી લઉં છું.


One thought on “થુંક

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.