કેટલાંક સંભારણાં

‘પરમ સનેહી’ વિપુલભાઈ,

 

‘ઓપિનિયન’ અને વિપુલ કલ્યાણી એ બંને નામો મને એક સાથે મળ્યાં હતાં. એની અભીન્નતા તો પછી સમજાઈ. એક દીવસ ઉત્તમભાઈ ગજ્જરનો મેઈલ મળ્યો. મારું નેટ ઉપર હજી તો પદાર્પણ જ હતું એ સમયની એ વાત. એમણે અમેરીકાથી મને લખેલું કે તમારો એક લેખ ‘નયા માર્ગ’માંથી લઈને લંડનથી પ્રકાશીત થતા માસીક ‘ઓપિનિયન’માં વિપુલભાઈએ પ્રગટ કર્યો છે !

સમાચારની ઉત્તમતા, સમાચાર આપનાર ઉત્તમભાઈની ઉંચાઈને આંબવા મથતી હોય એવું લાગ્યું ! પણ વિપુલભાઈ, સાચું કહું તો તમારા વીષે એ વખતે હું તો અજ્ઞ જ. અજ્ઞોત્તમ જ કહોને ! એટલે લંડનેથી પ્રકાશતા સામયીકમાં આપણું કાંક છપાણું [એ વખતે ઉ.ભાઈને ય લેખનું નામ યાદ નહોતું.] એ વાતના પોરહમાં હું તો આનંદના ઓઘ ઘુઘવતો મનથી ઉત્તમભાઈને વંદી રહ્યો…એમણેય બચાડાજીવે લેખનું નામ શોધી આપવા માટે ઘણું અહખ વેઠેલું.

આળસુઓમાં ઉત્તમ એવો હું, ક્યાંકથી નામ મળી રહેશે એમ માનીને અઠવાડીયું બેસી રહ્યો. છેવટે ‘નયામાર્ગ’ની ઓફીસેથી જ એ મળવામાં હતું ત્યાં ઈન્ગ્લાંડની મુકુટધારી રાણીસાહેબાની ટીકીટ પહેરીને એક મોટું કવર જ ટપાલમાં આવી પડ્યું. અને એક સાથે ‘ઓપિનિયન’ અને વિપુલ કલ્યાણી બંનેને મારે ઘેર મેં અનુભવ્યાં. વિપુલભાઈ, મારા લેખ કરતાંય આ બે મહેમાનોનું મારે હૈયે થયેલું આગમન મારે મન બહુ મોટી વાત હતી.

વચ્ચે બે વાત ટુંકાવીને કહું તો, ઉંઝા જોડણીના પ્રથમ ઝંડાધારી રામજીભાઈએ તો મને એ બંને મહેમાનોનો પરીચય આપી જ દીધો હતો. અને ઈમેઈલ દ્વારા તમારી સાથે અલપઝલપ વાતુંય માંડી દીધી હતી. એટલે પછી રાણીછાપ ટીકીટો સહીત તમે અને તમારા વ્યક્તીત્વના ભાગરુપ મેગેઝીનને મારે ઘેર આવકારવાનો આનંદ કોઈ ઑર જ હોય ને !

આ આપણા અનુબંધનો એક પ્રથમોધ્યાય. ઉઘાડીને જોઉં છું તો મારી વીચીતર શૈલીમાં લખાયેલો સ્વચ્છતા અંગેનો લેખ જોવા મળેલો. પણ વાત ભલે સફાઈની હતી, શીર્ષક કોઈનું પણ નાકનું ટેરવું બગાડી મુકે એવું હતું : “ગંદકી : નાકના ટેરવા પરથી રોટલી ઉપર !” ગંદકીને શોભે એવી વહરી રીતે મેં ગંદકી નીમીત્તે ઘણાંને ઝાપટ્યાં હતાં એમા. એ લેખ મને બહુ  ગમતા લેખોમાંનો જ એક. એના દ્વારા મારું આપની સાથે અનુસંધાન રચાયું એટલે પણ એ લેખને ચાહું છું.

પણ મારી ખરી ચાહના તો હંમેશ રહેશે, આવી સમાજોપયોગી વાતોને ડંકેકી ચોટ રજુ કરનારા વિપુલભાઈ માટે; સમાજના સાવ નાના માણસોની વાતને ‘નયા માર્ગ’ સામયીક દ્વારા મોટી ક્ષીતીજે મુકી આપનારા ઈન્દુભાઈ જાની માટે અને ‘નિરીક્ષક’ જેવા મોટા ગજાના અઠવાડીક દ્વારા ભલભલા ચમરબંધી પ્રશ્નોની બાલકી ખાલ ઉતારી મુકનારા આદરણીય પ્રકાશભાઈ શાહ માટે !

આજે વિપુલભાઈ, આ પત્ર, મારી ભીતર પડેલી કંઈ કેટલીય વાતોને ઉલેચવાનો એક નાનકડો આરંભ છે. ‘ઓપિનિયન’માં સૌથી પ્રથમ પ્રકાશીત એ લેખ પછી તો તમે પાંચ અંકોમાં મારી મોકલેલી દસ સામગ્રીઓને પ્રકાશીત કરીને મને ઋણી કરી મુક્યો છે. છેલ્લે આ મહીનાના આરંભે જ મારું ગાંધી-વારસદારોને સંબોધીને લખાયેલું સોનેટ પ્રગટ કરીને આપે મારી ભીતરે ભરેલી ભાવનાઓને બળ આપ્યું છે.

આજનો આ પત્ર એક નવી આરંભાઈ રહેલી શ્રેણીનું પ્રથમ સોપાન છે. આશા છે કે આ શ્રેણી કશુંક ઉપયોગી આપી છુટશે. કલ્યાણકારી એવું આ વીશ્વમાં વિપુલ પડ્યું છે; વિપુલભાઈને નામે આ કલ્યાણકાર્ય બની રહે એવી શ્રદ્ધા તો છે જ, પ્રાર્થના પણ બની રહો, સંભળાઈ રહો.

આપનો, જુગલકીશોર.

————————————————————–

આશરે ત્રણેક વરસ પર લખાયેલો પત્ર.

2 thoughts on “કેટલાંક સંભારણાં

 1. સરસ દિલ ખોલીને વાત માંડી છે,અને આગળ જતાં આ વૃક્ષ જેવી સંસ્મૃતિ
  વધારે ઘનિભૂત યાદો કે પ્રસંગો લઈને આવશે તે અપેક્ષા રહશે…

  ––––––––––––––––––––––––––––––––––––––––––

  હા, હીમાંશુભાઈ. વીચાર તો છે કે કેટલાક મહાનુભાવો સાથેનાં સંસ્મરણો અહીં મુકું.

  ખુબ આભાર સાથે,

  – જુ.

  Like

himanshupatel555 ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.