પત્રકાર પ્રકાશભાઈને પત્ર

સંભારણાં – પત્રઃ ૨

શ્રી પ્રકાશભાઈ,

સાદર વંદન.

આમ પત્રથી મળવાનું આજે પ્રથમ જ બને છે. (આજ સુધી એની જરુર પણ ક્યાં પડી હતી ?!)

‘જનસત્તા’ દૈનીકનો એ જમાનો હતો. એમાં શિવભાઈનાં કાર્ટુન્સ આવતાં. ગુજરાતને ચન્દ્ર અને શિવ એ બે કાર્ટુનીસ્ટો જે મળ્યા એણે આપણા દૈનીકોને બહુ ઉંચી પાયરી આપી હતી. ચન્દ્ર અને કલાગુરુ ર.મ.રા.મારા સાસરાપક્ષે સાવ નજીકના સગા. એમનું તો નામ જ પ્રાતઃસ્મરણીય. પણ શિવભાઈનાં કાર્ટુનો મને બહુ પ્રીય હતાં એનું કારણ એ બધાં ઓછામાં ઓછા શબ્દો અને ઓછામાં ઓછી રેખાઓમાં પ્રગટતાં હતાં.

જનસત્તાનાં બીજાં બે બહુ મોટાં આકર્ષણો તે સુરેશ જોશીનાં કાવ્યમય ગદ્યમાં વહેતા લેખો. અને બીજું તે તમારી કલમેથી વહેતા અને જનસત્તાને અનેરું સ્થાન અપાવનારા તમારા તંત્રીલેખો ! હું આજેય જનસત્તાને ભુલી શક્યો નથી તેનાં આ કારણો, આજે આ પત્ર નીમીત્તે વાગોળવાનો આનંદ ધન્યતાથી માણી રહ્યો છું.

તમે વચ્ચે ‘અખંડઆનંદ’નેય સંભાળીને જીવંત રાખ્યું તે, અને દિવ્યભાસ્કરને કેન્દ્રીય–પાને તો હજી પણ દર શનીવારે તમારી ‘વીશીષ્ટ’ શૈલી સાથે પ્રગટતા રહો છો તે બે બાબતો સીવાય બીજું ઘણું ઘણું છે જેને આ પાનાં પર મુકીને હું મારા બ્લોગને શણગારવા લોભ રાખુ છું.

મનુભાઈ ‘દર્શક’ને હું ‘એક સાથે ચાર ઘોડે અસવાર’ કહેતો. શીક્ષણ, સર્વોદય, સાહીત્ય અને રાજકારણ. આ ચારેય બાજુઓમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. હું એમનો વીદ્યાર્થી એટલે એમને મોંએ અમે ઘણું કહી શકતા. પણ તમને તો એ જ વાત આમ પત્રમાર્ગે માંડ કહી શકું.

પ્રકાશભાઈ શાહને પણ સર્વોદય, રાજનીતી, સાહીત્ય અને વીચારપત્ર દ્વારા નાગરીક–શીક્ષણ આપનાર કહીને પછી જરુર ઉમેરું કે રાજકારણમાં ‘પડ્યા’ વીના પણ રાજકારણની તંદુરસ્ત પ્રણાલીઓને તેઓ પ્રચારી–પ્રસારી રહ્યા છે ! ‘નિરીક્ષક’ આજે ગુજરાતનું પાક્ષીક વીચારપત્ર કહેવાય છે તેને પક્ષીય રાજકારણથી પર રહેનારા સામયીક રુપે મુકવા ઉપરાંત જરુર કહીશ કે તે ગુજરાતમાં આજે તો આંગળીના ત્રણ વેઢાય જ ગણવા પડે એટલાં સામયીકોમાંનું એક છે ! (અહીં હું ‘નયામાર્ગ’ને યાદ ન કરું તો નગુણો જ ગણાઉં. પણ જુઓને એટલે તો ગુજરાતમાં આંગળીના પુરા ત્રણ વેઢા જ ગણાવી શક્યો છું ને !? ‘ભૂમિપુત્ર’ પણ આ ત્રણ વેઢામાં મુકવા માટે ખરું જ.)

નિરીક્ષકમાં તમારી સાથે – આમ તો ‘સામે’ – બે મુદ્દાઓ ઘનીષ્ટ રીતે સંકળાઈ ગયા છે. એક તો તમારી ક્લીષ્ટ ભાષા. બ. ક. ઠા.ની અને સ્વામી આનંદની ભાષાને પણ આમ જ જરા જુદી પાડીને સંભારવામાં આવે છે. તમારી ભાષાને તો નિરીક્ષકના વાચકો સુધ્ધાં ક્યારેક, તે કઠતી હોવાથી ભઠે છે. પણ મને તો આજેય તે જનસત્તાના સમયથી આજ સુધી હૈયે વળગેલી જ રહી છે. તમારી ભાષાનો હું એ અર્થે ચાહક જ નહીં, આશક રહ્યો છું.

પણ બીજી બાબત તો રાજકીય હોવાથી એમાં હું ચંચુપાત કરવા યોગ્ય નથી. ન.મો. શબ્દથી પરીચીત ગુજરાતના ચીફ.મીની.ને તમારા દ્વારા જે અને જેટલું મહત્ત્વ મળ્યું છે તેવું ને તેટલું મહત્ત્વ બીજે ક્યાં મળવાનું ??! પણ જવા દઉં એ વાતને. જે દીશાનું ચાંગળુક પણ જ્ઞાન/ભાન ન હોય તેમાં વળી કડછો હલાવવા ક્યાં બેસું ?

તમને મેં સભાનું સંચાલન કરતા જોયા છે; સહયોગીઓ, જ્ઞાનીઓ સાથે વીમર્શ કરતા જોયા છે, ને સાવ સમીપે રહીને ખબરઅંતર પુછતા જોયા છે. કાળી ફ્રેમના ચશ્મામાંથી ઝીણી આંખે, ભાગ્યે જ તાકી રહેતાં, તમે હંમેશ આત્મીય લાગ્યા છો.

તમારો વધુ પરીચય તો આપનાં ધર્મપત્ની નયનાબહેન દ્વારા થયો હતો.

૧૯૭૭ના અંતમાં હું ભારત સરકારના પ્રૌઢશીક્ષણ વીભાગમાં પ્રોગ્રામ ઓફીસર તરીકે જોડાયો ત્યારે શ્રી નયનાબહેન પણ ‘સેવા’ સંસ્થાના પ્રતીનીધી રુપે મારી ઓફીસે બન્ને સંસ્થાઓના કોઓર્ડીનેશન કાર્યે નવાં જ જોડાયેલાં. મારા નવા હોદ્દા પરનો મારો સૌ પ્રથમ કાર્યક્રમ નયનાબહેનની સહાયથી જ ઓર્ગેનાઈઝ્ડ થયેલો. એમણે પ્રૌઢશીક્ષણના કાર્યને સાવ મુળમાં જઈને અપનાવેલું. ઝુંપડપટ્ટીમોમાં અક્ષરજ્ઞાન આપવાની ધગશ તો ખરી જ પણ એથીય વીશેષ તો આ કાર્યને સમજવાની એમની ઉત્કંઠા અને તત્પરતાને તો કેદ્ર સરકારના એ વીભાગના સર્વેસર્વા શ્રી રોકડિયાજીએ પણ અભીનંદી હતી.

હું કેદ્રમાં નીયામક થયો પછી તો તેઓ અમારા સંચાલકમંડળમાં પણ જોડાયેલાં. ઝુંડપટ્ટીમાં ને ખાસ તો મુસ્લીમ વીસ્તારોમાં એમણે દોડાદોડી કરીને બહેનો–ભાઈઓને ગૃહઉદ્યોગજોગ કરવામાં જે પરીશ્રમ કર્યો છે તે તો ભુલી શકાય તેમ નથી. કોમી તોફાનો વખતે મુસ્લીમ વીસ્તારોમાં છેક ઉંડે સુધી જઈને તેમણે લોકોને રક્ષ્યા–બક્ષ્યા છે. મોટા મોટા અક્ષરોમાં વ્યક્ત થતાં નયનાબહેન એમની નીષ્ઠાને જ એમાં જાણે પારદર્શી કરી મુકનારાં રહ્યાં છે.

આમ આપના ઘનીષ્ટ પરીચયનું કારણ તો પ્રકાશભાઈ, ભલે નયનાબહેનને અને જનસત્તાને  ગણું છું પરંતુ આપની સાથેનો સૌ પ્રથમ પરીચય તો ફોન દ્વારા થયેલો ! એ સમયમાં ફોન આટલા સહજ નહોતા. પણ જેમને અંગે એ ફોન થયેલો તે મારા શ્વસુર અને જનસત્તાના આયુર્વેદ કોલમના જાણીતા લેખક સ્વ. કરુણાનિધિને ઘેર ફોનની સગવડ હોવાથી આપણે મળી શકેલા.

તમે અને કરુણાનિધિ બન્ને જનસત્તામાં હતા. એમના અવસાનને દીવસે જ સાંજે લગભગ ફોનસંદેશો મળ્યો હતો જેમાં તમે શ્રી કરુણાનિધિ વીશે જનસત્તામાં લખવાનું સુચવ્યુ હતું, મને બરાબર યાદ આવે છે.

આ ‘સંભારણા’ શ્રેણીના પ્રથમ પત્રના સંબોધીત વ્યક્તી વિપુલભાઈ તો તમારા ખાસ મીત્ર. એમને અહીં સંભારીને તરત જ તમને સંભારવાનું મળ્યું એ પણ મારું સદભાગ્ય. વિપુલભાઈનેય ખાસ યાદ કરી લેવાનું પણ અહી જરુરી રહેશે. ‘ઓપિનિયન’ને દસકો વીત્યો એ નીમીત્તે તેમના દ્વારા લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં તમારા પ્રમુખપદેથી જે વ્યાખ્યાન થયું તેનો ઉલ્લેખ આજના પત્રમાં ન કરું તો પત્ર અધુરો જ રહે. એ વ્યાખ્યાન ઓપિનિયનમાં વાંચીને એ લેખમાં રહેલા સંદર્ભોની યાદી કરવા હું બેઠો હતો ! બે ફુલસ્કેપ ભરાયા પછી કંટાળીને અટકી ગયો હતો !! એ લેખમાંના સંદર્ભોનો અભ્યાસ કરવા જેવો છે. અગણીત એવા ને એટલા સંદર્ભોથી છલકાતો એ લેખ કેટકેટલી વીગતો પુરી પાડનારો છે તે તો જે એને ફરી હાથમાં લઈને વાંચે તે જ જાણી શકે. પત્રકારત્વનું શીખનાર તો ખરાં જ પણ એમાં ગળાડુબ કહેવાતા પત્રકારોએ પણ આ સંદર્ભોમાં જવા જેવું છે. જોકે આ કાંઈ એ લેખ પુરતું મર્યાદીત નથી. પ્રકાશભાઈના લેખોમાં ઢગલાબંધ એ પડેલા જ હોય છે.

એક વાર તમે નિરીક્ષકમાં વીસ વરસ પહેલાં તમે કરેલી આગાહીને તત્કાલીન બની રહેલી બીનાઓ સાથે મુકીને મને અચંબામાં મુકી દીધો હતો ! આટલી બધી સચોટ–સાચી પડતી એ આગાહીને વાંચીને થયું’તું કે આનેય ‘આર્ષવાણી’ શું ન કહી શકાય ?!!

તમારું રાજનીતી જ શામાટે, દરેક ક્ષેત્ર પરનું ચીંતન, તમારી યાદશક્તી, સંદર્ભોમાં તેને વણી લેવાની ભાષાકીય ખુબીભરી શક્તી, તળપદા અને સુસંસ્કૃત શબ્દોને પાસાંની જેમ રમાડવાની આગવી શૈલી….અને સૌથી વીશેષ તો નાગરીકને સાચી દીશામાં લઈ જવાની ધખના –

આ બધાંને અનુસંધાને તમને આમ, અહીં સંભારણાં શ્રેણીએ લાવીને હું આજે પાંત્રીસ વર્ષોને સામટાં–સાગમટાં વાગોળી લઉં તો તમે એને હોંકારો ભણશોને ?

સપરીવાર સૌને વંદના સાથે,

– જુગલકીશોર.

.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.