1962-’65ની મારી લોકભારતી !*

[એક અદ્વીતીય શીક્ષણસંસ્થાનો પરીચય] –જુગલકીશોર.


 

બાહ્ય દર્શન :

લોકભારતી ક્યારેય ‘સંસ્થા’ લાગી નથી. એ એક જીવંત ક્ષીક્ષણ હતી. આજે એક વીદ્યાર્થી તરીકે ઈ. સ. 1962થી ’65 સુધીના સમયખંડ દ્વારા જ્યારે પણ એને યાદ કરવાનું થાય છે ત્યારે એ કોઈ મકાનોથી રચાયેલી સંસ્થા જણાતી નથી. મેદાનો અને રસ્તાઓ એની સાથે જોડાયેલાં વૃક્ષોને લીધે ક્યારેય સપાટ અને નીર્જીવ લાગ્યાં નથી. ખેતરો સુકાં ભઠ્ઠ હોય છે ત્યારે પણ એમાંથી લેવાયેલા પાકોની હરીયાળી અને છેડે બેઠેલાં મોતીનું સુખ હજીય તાજું હોઈ ખેતરોનાં ઢેફાંય આંખને અળખામણાં રહ્યાં નથી.

મકાનો દીવાલો વીનાનાં ?!  :

સંસ્થાને તો મકાનો હોય છે. અમારે એ મકાનો નહોતાં પણ જાણે આંગણાં જ હતાં. ફળીયાં હતાં. બારીઓએ ક્યારેય અમને ઓરડાની અંદર પુરી રાખ્યાં નથી. છાત્રાલયોને દીવાલો હતી, સામાન મુકવાનાં કબાટો પુરતી. કબાટોને તાળાં નહોતાં એટલે એને કબાટ કહેતાંય જીવ ચાલે નહીં. એ ખાનાંને બારણાં હતાં તે તો અમારી અસ્તવ્યસ્તતાની સરખામણી બાજુવાળાની અસ્તવ્યસ્તતાની સાથે ન થઈ જાય એટલા માટે ! ને અસ્તવ્યસ્તતાનો પનારોય પડતો કોની સાથે ? ફક્ત બે-ત્રણ જોડી કપડાં; ઈસ્ત્રી જેણે જોઈ નથી ને ગળીનો વૈભવ જેણે ભોગવ્યો નથી એવાં કપડાં…!!

એ કબાટમાં પુસ્તકો ને નોટોય જગ્યા રોકતાં. બીજું કેટલુંક પરચુરણ, ને એવું બધું મળીને અમારાં કબાટ-ખાનાંઓમાં સાંકડમોકડ બધું રહેતું.

રહેવું-ભણવું-જમવું એક જ સ્થળે !  :

‘છાત્રાલય’થી સંબોધાતું એટલા પુરતું એ ‘મકાન’ હતું; બાકી સુવા-બેસવાની જેમ ભણવાનુંય એ જ સ્થાન હતું. વર્ગખંડો અલગ નહોતા. અલગ હોય તો એને ‘ક્લાસ રુમ’ કહેવા પડેને પાછા ! રહેવાનું ને ભણવાનું એ બે કાંઈ અલગ કંપાર્ટમેન્ટ થોડાં હતાં ?! રહેવું અને ભણવું એ ક્રીયાપદોમાં ‘જમવું’ પણ ભળી જતું. છાત્રાલયોમાં રસોડાનો પણ સમાવેશ હતો ! રહેવું, ભણવું, જમવું ને ઉંઘવું; સ્વપ્નાં સેવવાં ને સતત વીકસતાં રહેવું એ બધું જ આ ક્રીયાપદો ભેગાં મળીને અમારી પદાવલી – જીવનની સાર્થક વાક્યરચના – ગોઠવી આપતાં….

વીશ્વકક્ષાના શીક્ષકો માટેનો વર્ગખંડ  !  :

ભણવાનું ક્યારેય રહેવા-કારવવાથી જુદું નહોતું. સુવાના બીસ્ત્રા વાળીને, સહેજ-સાજ સંજવારી કાઢી લેતાં, શીક્ષકને બેસવાનું ટેબલ (ખુરશી નહીં) આઘુંપાછું થઈ ગયું હોય તો તેને ત્યાંથી બ્લેક-બોર્ડ પાસે લાવી મુકતાં જ એ ઓરડો ક્લાસરુમ બની જતો ! અમારે ટીચર્સ કે પ્રોફેસરો નહોતા. અમારે તો ભણવા માટે મનુભાઈ પંચોળી ‘દર્શક’ હતા; બુચભાઈ-મુળશંકરભાઈ હતા; રતીભાઈ અંધારીયા હતા ને શુક્લભાઈ હતા. બધા ‘ભાઈ’ હતા. સર કે સાહેબ તો કોઈ જ નહોતું.

અમેય પહેલો ક્રમ લાવવા માટેની પુર્વતૈયારી કરતા, પરંતુ એ બધું રોજીંદા ક્રમનો ભાગ માત્ર હતું. પરીક્ષાના દીવસોમાં ઉજાગરા કર્યાનું યાદ નથી. પાઠ્યપુસ્તકોની સાથે કવીતાનું વાચન પણ ચાલતું રહેતું. પ્રવાસ વર્ણનો ને જીવન-ચરીત્રો, વાર્તાઓય વંચાતાં રહેતાં.

છાત્રાલય કે ઘર ?

અમને વહેલું ઉઠવાનું આકરું લાગતું. ગૃહપતીને એ બાબતે ક્યારેય માફી મળતી નહીં ! સવારે સાડા પાંચે કડકડતી ઠંડીમાં કે વરસતા વરસાદમાં એમનું આવવું અમારી ઉંઘને ક્યારેય ભાવતું કે ફાવતું નહીં, પણ અમારી ઉંઘની પુરેપુરી વીદાય પછી જ એમની વીદાય થતી હોઈ ગૃહપતી સામેના રોષનું હથીયાર ઉંઘને ભગાડવાના સંઘર્ષમાં વપરાઈ જતું.

પ્રકૃતી વચ્ચે પાંચેય જ્ઞાનેન્દ્રીઓનો ઉત્સવ !!  :

એક વાર જાગી ગયા પછી પંચેન્દ્રીયાનંદ વ્યાપી વળતો ! લોકભારતીના આકાશમાં આછા આછા અંધારાને દુર કરવા પુર્વ તરફનું ઉઘડી રહેલું અજવાળું જોવાની મઝા પડી જતી. ને ક્યારેક વળી ઉતાવળે દાતણ ગોતી લેવા ભાગદોડ કરતો, ઉંધું બાંડીયું પહેરેલો સાથીદાર એ વહેલી સવારને મરકાવી મુકતો !

જીભને બાવળનો તુરો વૈભવ વળગી રહેતો ને ઝટ છુટવાનું નામ લે નહીં ! ને નાકને તો વળી આજુબાજુની કંઈ કેટલીય સુગંધો સાથે પનારો પડતો રહેતો. વહેલી સવારે ગૃહકાર્યો કરતાં કરતાં મહેંદીનાં ફુલોની મહેંક વાડેથી લગભગ ડસી જતી. પારીજાતની નમણી ને નાજુક ગંધ જો મહેંદીની પહેલાં પધારી શકી ન હોય તો મહેંદીની ગંધના આક્રમણ સામે એનું કાંઈ ગજું જ નહીંને ! આમ વહેલી સવારની હવાનો સ્પર્શ, ગૃહકાર્યોમાં લીધેલી મહેનતના પારીશ્રમીક જેવી સ્વેદનામાં ભળી જઈને અલૌકીક અનુભવ કરાવી રહેતો.

નાનાભાઈ ભટ્ટનાં ત્રણ વીરાટ પગલાં :

‘લોકભારતી’ને  સરકારી મદદ મળી રહેતી, પણ મદદ લેવા માટે કોઈ જ પ્રકારની સૈદ્ધાંતીક બાંધછોડ કરવાની ન હતી. મદદ કરનારને મદદ કરવા જેવું લાગે તો કરે, નહીંતર મદદ વીના જ ચાલી જતું. અભ્યાસક્રમ એમની રીતનો સ્વીકારવાની શરતોનો અસ્વીકાર કરીને નાનાભાઈ ભટ્ટે કેન્દ્ર સરકારનું લાખ રુપીયા (એ જમાના)નું અનુદાન સાવ સહજતાથી પાછું મોકલી આપ્યું હતું. એ નાનાભાઈનાં ત્રણ વીરાટ પગલાંનું ત્રીજું પગલું ‘લોકભારતી’ હતી. ભાવનગરની ‘દક્ષીણામુર્તી’નું પ્રથમ પગલું ભર્યું ત્યારે ભાવનગરના મહારાજાએ તદ્દન બીનશરતી મદદ હોંશે હોંશે ને પુરા વીશ્વાસથી કરી હતી. બીજું પગલું આંબલામાં ‘ગ્રામદક્ષીણામુર્તી’ રુપે ભર્યું  ત્યારે આજુબાજુનાં ગામડાં સહીતની આંબલા ગામની પ્રજાએ એને ઉપાડીને પુજ્યું હતું. આ ત્રીજું પગલું ‘લોકભારતી’ સાવ નોંધારી લાગતી’તી તોય અનેક જગ્યાએથી એને મદદ મળતી જ રહી. જમીનમાં થતા પાકો, બાગાયત, ગૌશાળા ઠીક ઠીક ઉત્પાદનો આપી રહેતાં. દરેક વીદ્યાર્થી પણ દરરોજના ચારેક કલાક શારીરીક શ્રમ આપે જ. એ શ્રમનું વળતર એને મળે તે એની શીક્ષણ ફી ગણી લેવાતી. મા-બાપને એના ભણતરનો બોજ એટલો ઓછો રહેતો.

શીક્ષણ, શ્રમ, સ્વાવલંબન અને સસ્કારો !!  :

અન્ય કોલેજોમાં જતા યુવાનો ખીસામાં પૈસા રાખે, કેટલાકનાં ખીસામાં વ્યસનોનાં મારણોય ભર્યાં હોય, જેથી સમય મળ્યે ધુમાડા કઢીને પ્રદુષણ વહેંચી શકાય. ખીસામાંનો દાંતીયો એ એનું સૌંદર્યપ્રસાધન ! લોકભારતીની અમારી ‘કોલેજ’માં અમારે કોદાળી-પાવડો-દાતરડાં રહેતાં ! એમાંથી અમારો શીક્ષણખર્ચ નીકળી જતો. અમે ધુમાડાને બદલે પરસેવો કાઢતા ! એ પાછો આંબા-ચીકુ-નાળીયેરનાં ખામણાંમાં સીંચાતો. એન.સી.સી.નાં વીદ્યાર્થીની છાતીનું માપ કાઢવામાં આવે એ રીતે મનુભાઈ-દર્શક- અમારી હથેળીયુંમાં પડેલાં આંટણને તપાસતા, ને ધન્યવાદ એ આંટણને આધારે આપતા; કુમળી હથેળીયું ગેરલાયકાત ગણાઈ જવાની દહેશત રહેતી !

છાત્રાલયોની આજુબાજુમાં નહાવા-ધોવાનાં નળ અને ઓરડીઓ હોય. ઉનાળામાં પાણીની તંગીને કારણે અને શીયાળામાં જરુરી ગરમાવાની તંગીને કારણે નહાવાનું કષ્ટદાયક રહેતું ! છતાં ઉનાળે નહાવામાં ઉત્સાહ રહેતો. શીયાળાની ઠંડીના બહાને ઓરડીમાં નહાવાનું ગોઠવી લીધું હોય એટલે પછી કોણ કેટલું નહાયું ( કે પછી ન નહાયું)એનો હીસાબ આપવો પડતો નહીં. માથું ભીનું દેખાય એટલે ચાલી જતું ! શીયાળામાં જેની તંગી નહોતી રહેતી એ પાણીને ઉનાળા માટે બચાવી લીધાનું ગૌરવ અમે જાતે લઈ લેતા.

શરીરશ્રમ અને સ્નાન પછીનો તરતનો કાર્યક્રમ પેટને ઠાંસીને સજા કરવાનો રહેતો. સાંજે પણ જમવાનું હોય છે એનો ખ્યાલ ન રહે એટલી હદે જમવામાં તલ્લીન થઈ જવાતું. અર્જુનને દેખાતી પક્ષીની આંખ જેવી જ અમને અમારી થાળી દેખાતી !

લોકભારતીનાં રસોડાં કાંઈ કોલેજોની કેન્ટીનો, ક્લબો કે મેસ નહોતાં; દરેક છાત્રાલયમાં જ એનું રસોડું હતું. સગવડ ગણો તો સગવડ ને તકલીફ ગણો તો એ, પણ એ રસોડાને રસોઈ માટે મહારાજો નહોતા. મહારાજને નામે એક ભાઈ અને મદદનાં-સફાઈનાં કામો માટે એક બહેન એમ બે જ વ્યક્તી. મહારાજને અમારું નાનકડું લશ્કર મદદ માટે આપવામાં આવતું, જે દર અઠવાડીયે બદલાતું રહેતું. શાક સમારણ કાર્ય, ભાખરી-રોટલીનું વણાટ કાર્ય ને બાજરીના રોટલાનું ઘડતર અમારા હાથે થતું, (બદલામાં એ અમને ઘડતો રહેતો અને એમ ભવીષ્ય માટે બહુ ઉપયોગી-બહુઆયામી તાલીમ પણ મળી રહેતી !)તેથી દર અઠવાડીયે એમાં આકાર-વૈવીધ્યને મોકળાશ રહેતી ! રસોઈમાં ફરીયાદો નહીવત્ રહેતી એમાં અમારી તીવ્ર ભુખ ઉપરાંત રસોઈકામમાંની અમારી સક્રીય ભાગીદારી પણ કારણભુત રહેતી !

જમવા અને ભણવા વચ્ચે થોડો સમયાવકાશ રાખવામાં આવતો. ચીક્કાર ભરેલા પેટે આ ખાલી સમયનો સદુપયોગ અમે ભરપેટ કરતા. કેટલાક વામકુક્ષીમાં વ્યસ્ત રહેતા તો કેટલાક આવનારા જ્ઞાનપ્રાપ્તીના સમયની તૈયારીઓ પણ કરતા. આ સીવાયની પણ કેટલીક પ્રવૃત્તીઓ નવરાશના આ સમયમાં થતી. ક્યાંક કોઈ બુશર્ટ-બાંડીયાને બટન ટાંકતું હોય તો કોઈ લેંઘાને ઝડકો ભરતું જોવા મળે. કોઈ ઘરે ટપાલ લખતું હોય  તો કોઈ વળી રાષ્ટ્રીય હીતની ચીંતા કરતું ને અન્યને કરાવતું જોવા મળે ! કેટલાકને આ સમય જ નહાવાનો હોય – આગામી વર્ગોમાં આવનારી ઉંઘના નીવારણાર્થે સ્તો !

વર્ગ અને વર્ગની બહારનું શીક્ષણ :

લોકભારતીની બપોર આખી ભણવા માટેની. ઋતુ ઋતુની હવા, એ હવા મુજબ હોંકારો ભણતાં વૃક્ષો અને ટહુકતાં પક્ષીઓ; ક્યાંક દુર દુરથી આવતો કુવા ઉપરનાં યંત્રોનો અવાજ, કશા જ કારણ વીના કે પછી કાંઈ કામ નથી એટલેય, હવામાં એકાદ વડચકું ભરી લેતાં કુતરાં, બાજુના જ વર્ગોમાંના કોઈ એકાદ આખા વર્ગનું ઓચીંતાનું ફુટી નીકળતું ને સંભળાઈ જતું સામુહીક અટ્ટહાસ્ય….વગેરેને જો ખલેલ કહેવી હોય તો તે આ ભણતરના સમયની ખલેલ હતી. બાકી તો ફક્ત પીત્તળનો ઘંટ એની ફરજના ભાગ રુપે નીયત સમયે દખલ રણકાવતો રહે. આ બધી કહેવાતી દખલો વચ્ચે પાઠ્યપુસ્તકોને ઉકેલતાં રહેવાની મજા લોકભારતીનાં ભણતરને ભાર વીનાનું કરી દેતી.

ભણતરની સાવ નોખી જ વ્યાખ્યા !  :

અહીં પાઠ્યપુસ્તકો હતાં પણ અમારા અભ્યાસક્રમો પાઠ્યપુસ્તકોમાં પુરાઈ રહેતા નહીં. અમારું ભણવાનું આગળ કહ્યું તેમ, રહેવા-કારવવાની વચ્ચે જ હતું. જે જીવાતું હતું (છાત્રાલયજીવન) તેનેય ભણતરનો ભાગ બનાવી દેવાયો હતો. એનાથીય વળી બીજી બાબત એ પણ હતી કે પાઠ્યપુસ્તકોમાં હતું તેને શીખીને જીવનમાં કસોટીએ ચડાવી જોવાનું હતું. “વીદ્યાવીસ્તાર” (EXTENTION) એ અમારે એક સો ગુણનો પ્રાયોગીક કક્ષાનો વીષય હતો. જે ભણ્યા હોઈએ એને આજુબાજુનાં ગામડાંઓમાં કસી બતાવવાનું હતું ! અમારું શીક્ષણ ગામડાંના જીવન વચ્ચે સ્થાન ધરાવતું હતું. જીવતરના પાઠો ભણવાના હતા, તો ભણતરમાંના છપાએલા પાઠોને ગામડે ઉપયોગમાં લઈ જવાના ને લઈ જોવાના હતા ! પાઠ્યપુસ્તકની કવીતા અને ગામડાંમાં ગવાતાં પરભાતીયાંનો મેળ ત્યાં જઈને અને જરુર પડે રાત-દીવસ ત્યાં રહીનેય બેસાડવાનો હતો. ખેતીવાડીના પાકોની ફેરબદલી, મીશ્રપાકોનાં પરીણામો, નવાં ખાતર-બીયારણોની ચકાસણી વગેરે અનેક બાબતોને ખેતરોમાં જઈને બતાવવા-ચકાસવાની હતી.

લોકભારતીના વીદ્યાર્થીને તો વહેલી સવારથી રાત સુધીમાં જીવનમાં કામ લાગે એવું કેટકેટલું શીખવા મળી રહેતું ! મોટાભાગની પ્રવૃત્તીઓનું સંચાલન વીદ્યાર્થીમંડળ દ્વારા જ થાય. ગૃહકાર્ય અને શ્રમકાર્યનાં આયોજનો, ભોજનની સમગ્ર વ્યવસ્થા અને તેના હીસાબો, રસોઈ કરવી, પીરસવું, સફાઈકામ, વર્ગોની વ્યવસ્થા, સમયપત્રક, પ્રાર્થના અને તેની પછીનાં રોજ રોજનાં નવાં નવાં વ્યાખ્યાનો, મનોરંજન કાર્યક્રમો, પ્રવાસ વગેરેમાં વીદ્યાર્થીઓ જ આગળ હોય; અધ્યાપકો, કાર્યકરો તો જાણે મદદમાં હોય તેમ પાછળ રહીને જરુર પુરતું માર્ગદર્શન આપે !

અમારે પરીક્ષાઓ હતી પણ સાવ બોજ વીનાની જાણે. પરીક્ષામાં નીરીક્ષણ (સુપરવીઝન) લગભગ જોવા ન મળે ! નીરીક્ષક ઉત્તરવહીઓનો ઢગલો લઈને એક બાજુ બેસે. વીદ્યાર્થીઓ જાતે આવીને લઈ જાય. પ્રશ્નપત્રો પણ ક્યારેક એ રીતે જ વહેંચી દેવામાં આવે ! પરીક્ષા આપવા માટેની બેઠક દરેકની નીશ્ચીત ન પણ હોય ! મનગમતી જગ્યાએ બેસી શકાય. છુટાછવાયા બેસીને ટાઢેકોઠે ઉત્તરવહીઓ લખવાની !બેઠાં બેઠાં કંટાળીને નીરીક્ષક (સુપરવાઈઝર) ક્યારેક ક્યારેક ચક્કર લગાવે. ચોરી ન જ થાય એવું કાંઈ નહીં. થાય પણ ખરી. પણ અધ્યાપકને દરેક વીદ્યાર્થી સાથે એટલો બધો જીવંત સંપર્ક હોય કે એકંદરે ‘બ’ (બી ક્લાસ) લાવતો વીદ્યાર્થી ઓચીંતાનો ‘અ’ કક્ષા લાવે ત્યારે એની સાથે મળીને સ્પષ્ટતાઓ થાય. નાનીમોટી પરીક્ષામાં તો વીંછીનો આંકડો (ડંખ)જ કાઢી નાખ્યો હોય તેવું નીર્ભય વાતાવરણ રહે એટલે ચોરીની શક્યતા જ નહીંવત્ હોય.

હકીકતે ‘લોકભારતી’ની પરીક્ષાઓ વીદ્યાર્થીને શું નથી આવડતું તેની ફોજદારી તપાસ માટેની નહીં પરંતુ તેને જે આવડે છે તેનું મુલ્યાંકન કરનારી બાબત ગણાતી. નીરીક્ષકો વીદ્યાર્થીને કાંઈ ન સમજાયું હોય તો સ્પષ્ટ કરી આપનારા હોય. જુદા જુદા વીષયોમાં અન્ય સર્જનાત્મક પ્રવૃત્તીઓ પણ વીદ્યાર્થીઓની કક્ષા સમજવા માટે અને જે તે કક્ષાથી ઉપર ઉઠવા માટે થતી, જેમાં ચર્ચાસભાઓ, નીબંધ-સ્પર્ધાઓ, જેમાં માર્ક્સ નહીં પણ ગુણવત્તા મુજબની કક્ષા નક્કી થતી તે, કેટલાંક તો નાટ્યરુપાંતરો ને એની ભજવણી સુધ્ધાં, દળદાર હસ્તલીખીત અંકોનાં સંપાદનો, તહેવારોની ઉજવણીમાં વણી લેવાતા અનેક વીષયો વગેરે બાબતો એવી હતી જે પરીક્ષા સીવાય પણ જ્ઞાનને ચકાસતી રહે ને વધારતી પણ રહે.

ત્વમેવ માતા ચ…….!!  :

અધ્યાપકો અમારું સર્વસ્વ હતા. એ શીક્ષકોય હતા અને ગૃહપતીઓય હતા. તેઓ જ પરીક્ષકો હતા ને તેઓ જ માવતર હતા. મુળશંકરભાઈ (મુ.મો.ભટ્ટ)ને સૌ ‘ભાઈ’ કહે પણ એ વીદ્યાર્થીઓની માતા હતા. નાનાદાદા (નાનાભાઈ ભટ્ટ)ને ફક્ત તસ્વીરમાં જોયા હતા.પણ સદા તેઓ અમારી આંખ સામે જ રહ્યા. કંઈ પણ ખોટું કરવાનો વખત આવે ત્યારે આ નાનાદાદા, ભાઈ અને બુચદાદા નજર સમક્ષ આવીને ઉભા જ હોય !! ‘લોકભારતી’ છોડ્યા પછીય આટલાં વર્ષો દરમીયાન આ બધા ગુરુજનોએ અમારી કંઈ કેટલીય નબળાઈઓને તણખલાની જેમ એક બાજુ કરી દેવાની તાકાત આપ્યાં કરી છે !

નાનાદાદા અને બુચદાદાની નીયમીતતા એક અચરજહતું !  40 વર્ષથીય વધુ અધ્યાપનકાર્ય કરનાર બુચદાદા(ન.પ્ર.બુચ)લખે છે કે તેઓ 40 વર્ષમાં એક પણ દીવસ એક મીનીટ પણ મોડા વર્ગમાં આવ્યા નથી !! મનુદાદા (દર્શક)ડોલતા ડોલતા આવે.મોડાય પડી જાય. પણ એવી તો મઝા પડે કે એમના વર્ગમાં વર્ગ પુરો થવાનો ડંકો ઘણી વાર ન સંભળાય ! પછીના વર્ગના અધ્યાપક વર્ગ લેવા આવી ગયા હોય ને મનુભાઈ એકાગ્ર ચીત્તે ભણાવતા હોય તો તેઓ શાંતીથી પાછલી હરોળમાં બેસી જાય !

અમારા સમયના અધ્યાપકો જીવનશીક્ષકો હતા. પોતે જેવું ભણાવતા તેવું જ તેઓ જીવતા. અમે તેમની જીવનશૈલીએ ઘડાયા. એમની જ તાકાતે અમે ક્યારેય, ક્યાંય પાછા પડ્યા નહીં. અમારા ગૃહપતી ને અમારા અધ્યાપકનાં કાર્યો જુદાં હોવા છતાં બંનેનાં કાર્યો એકમેકમાં ભળી જતાં. જેઓ જીવનના પાઠો શીખવતા તેઓ જ પાઠમાંથી જીવન શોધી આપતા. લોકભારતીની પ્રાર્થના પછીનાં વ્યાખ્યાનો અને સવાર અને બપોરની પ્રાસંગીક વ્યાખ્યાનસભાઓમાં દેશ-વીદેશના વ્યાખ્યાતાઓ આવતાં એ બધું અમારે માટે ધન્યતાના પર્વ સમું હતું. આ ત્રણેય તત્ત્વોએ અમને સૌને લોકભારતીની બહારની દુનીયા (ભૌતીક દુનીયાના વીચારતત્ત્વની દૃષ્ટીએ અને આધ્યાત્મીક દુનીયાના વીચારતત્ત્વની દૃષ્ટીએ પણ)નો અવીસ્મરણીય અનુભવ કરાવ્યા કર્યો છે.

ધન્ય ધન્ય !!  :

નાનાદાદાએ ક્યાંક સાચું જ નોંધ્યું છે : “કેળવણીના કેન્દ્રમાં નથી અભ્યાસક્રમ કે નથી અધ્યાપક; નથી મકાન કે નથી ઉપસ્કર; નથી પરીક્ષા, નથી માર્ક, નથી નંબર, નથી પાઠ્યપુસ્તકો; જીવતો-જાગતો વંશ-પરંપરાના સંસ્કારો લઈને આવેલો, અમુક સંજોગોમાંથી પસાર થયેલો એવો વીદ્યાર્થી કેળવણીના કેન્દ્રમાં છે અને હોવો જોઈએ.”

અમારું એ ગૌરવ છે કે અમે પણ એક તબક્કે ‘લોકભારતી’ના વીદ્યાર્થી હતા. લગભગ સાડાચાર દાયકા બાદ આજે પણ એ જ પદ પર હોવાનો અહેસાસ એ અમારી ધન્યતા છે !!

––––––––––––––––––––––––––

* ‘દૃષ્ટિ’ સામયીક માટે લખાયેલો લેખ.


Advertisements

16 thoughts on “1962-’65ની મારી લોકભારતી !*

  1. શ્રી દીપકભાઈ,

   અદ્ભુત વાત, અદ્ભુત વાક્યરચના !! બહુ સચોટતાથી આપે વાત મુકી !

   પરંતુ સત્ત્વગુણનું ઓગળવું શક્ય એટલા માટે નથી કે, એ જાગ્યો છે તે અંદર પડેલો જ હતો…મારા લેખનને આપે યશ આપ્યો તે આપની મોટાઈ.

   અદેખાઈ પણ સાત્ત્વીક હોઈ શકે છે તે આપે સાબીત કરી બતાવ્યું !! હું સાચ્ચે જ અભીભુત થયો. મારા બ્લોગ પરના ઝુઝ પ્રતીભાવોમાં આ પ્રતીભાવ અનેક દૃષ્ટીકોણથી યાદગાર રહેશે.

   ખુબ આભાર સાથે…

   Like

   1. મુ. શ્રી જુગલભાઈ,
    આભાર કેમ માનું, ખબર નથી. તમે મને બહુમાન આપ્યું છે.
    કે્ટલીક વસ્તુઓ ટૉર્ચ બનીને મનના અંધારા ખૂણા સુધી પહોંચતી હોય છે. તમારો આ લેખ એવી ટૉર્ચ બન્યો એટલે લખી નાખ્યું. લેખની શૈલી અને વિષયવસ્તુ એવાં છે કે સાચે જ મેં પ્રામાણિકતાથી જે અનુભવ્યું તે લખી નાખ્યું – એ હતી, તમને મળ્યું તે મને ન મળ્યાની લાગણી.

    એક વાત તરફ ખાસ ધ્યાન દોરૂં. મને ’આપ” ન લખો તો સારૂં. હું આપને યોગ્ય નથી અને ’આપ’ને તો યોગ્ય નથી જ!.

    મેં તમને/તમે લખ્યું છે, કારણ કે મારી ફીલિંગ છે કે કદાચ ગુજરાતીમાં ’આપ’ પ્રયોગ નહિવત‍ છે, અથવા નથી જ. હિન્દીમાં સામાન્ય છે પણ આપણે ત્યાં નથી.તમારી સાથે ચર્ચા માટેનો વિસ્તૃત એજન્ડા મારી પાસે છે -ખાસ કરીને ભાષા વિશે. એમાં ’આપ’ વિશેનો મુદ્દો પણ ઉમેરી દઉં છું.

    (આમ છતાં મારી નજરે તમારૂં સ્થાન ’આપ’ સુધીનું જ છે!)

    Like

    1. આપણે સમજુતી કરી લઈએ –

     હું હવે આપ નહીં લખું; તમે હવે મુ. તથા આપ શબ્દો નહીં પ્રયોજો…બરાબર ?

     હું ભાષાનો માણસ છું તેથી તમને જે માન આપ્યું તે તમારી ભાષાશક્તી માટે ! જુઓને, આ પત્રમાંય તમે બે વાક્યો અત્યંત અર્થસભર મુક્યાં છે !!

     “એ હતી, તમને મળ્યું તે મને ન મળ્યાની લાગણી.” તથા

     “મને ’આપ” ન લખો તો સારૂં. હું આપને યોગ્ય નથી અને ’આપ’ને તો યોગ્ય નથી જ !“

     તમે સરસ રીતે શબ્દરમત કરી શકો છો. અને એ માટે જ મેં બહુમાન કરેલું. મોટે ભાગે સરળતાથી અને અન્ આયાસ લખાય છે ત્યારે લખનારની વ્યક્તીતા સચોટ રીતે પ્રગટતી હોય છે. બન્ને પત્રોનાં વાક્યોમાં ફક્ત ભાષા જ નહીં તમારો પરીચય પણ મને થયો. એથી તમારાં વખાણ એમાં થઈ જતાં હોય તો સહજ છે.

     જરુરથી ચર્ચા કરશો…ગમશે.

     – જુ.

     Like

     1. જુગલભાઈ,
      મેં પહેલાં ઊંઝા જોડણીના સંદર્ભમાં ધવ્નિચિત્રો અને ઉચ્ચાર વિશે લખ્યું હતું તમારો વિગતવાર અભિપ્રાય સૌને કામ લાગશે, કારણ કે તમે ભાષા પર ઘણું કામ કર્યું છે. દા. ત. કૄ, દૃ એવા ઋ સાથે જોડાયેલા શબ્દો શબ્દકોશમા જોવા વિશે મને કોઈ તાર્કિક ખ્યાલ નહોતો. પાનાં ઉથલાવીએ અને જ્યાં મળે ત્યાં આવા શબ્દો જોવા એવું જ હતું. પણ લૉજિક નહોતું! આવી ઘણી વસ્તુઓ છે. તમારા બધા લેખો આર્કાઇવમાંથી વાંચ્યા છે અને સત્સંગ થવાનું અનુભવ્યું છે – પણ ભલે ને કોઈ કહે, રસનાં ચટકાંથી ચાલતું નથી હોતું

      Like

 1. આવાજ કૈક સંસ્કારો વાળી “અમૃત જ્યોતિ” હતી …. હજીયે છે …. પરંતુ હવે ફરક છે !!!! “અમૃત જ્યોતિ” ના પહેલા પાંચ વિદ્યાર્થીઓ માની એક હું અને બીજા વિદ્યાર્થી મિત્ર ની અર્ધાંગીની તે મનુભાઈ પંચોળી ‘દર્શક’…નું સુપુત્રી!

  Like

  1. સંસ્થાના આરંભ અને સંચાલન ઉપરાંત પેઢી દર પેઢી સુધી જાળવી રાખવા અંગેનો મારો લેખ કોડિયુંના ફેબ્રુઆરી અંકમાં પ્રગટ થશે. એને બ્લોગ પર લેવાનો છું.

   સુમેધાબહેન છેલ્લા વર્ષમાં મારી સાથે હતાં…તેઓ લોભા.માં જ અધ્યાપીકા રહીને નીવૃત્ત થયાં.

   Like

 2. આદરણીય મુરબ્બી શ્રી જુગલકીશોર કાકા,

  આપનો સુંદર લોક ભારતીના સંસ્મરણોને આલેખતો લેખ વાચી ગાંધી

  વિચારસરણીને અનુરૂપ શિક્ષણની મહતા માણવા મળી .હું પણ ગુજરાત

  વિદ્યાપીઠની શાખા એવા બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં બે વર્ષ શિક્ષક

  તાલીમ લેવા ભણ્યો છે. આપે વર્ણવેલી તમામ પ્રવૃતિઓ NIHANI અને

  અમલમાં મૂકી માણી છે. પૂજ્ય રવિશંકર દાદાને સાંભળવાનો, મળવાનો

  અને તેમના સૂચન મુજબ સેવા કાર્ય કરવાનો અમુલ્ય લ્હાવો જીવનમાં

  મળ્યો છે. આપના લેખ દ્વારા તમામ પ્રવૃતિઓ મનમાં તાજી થઇ ગઈ.

  સુંદર ભાવ સભર માહિતી રસપ્રદ લેખ. આપ તો ગુજરાતી ભાષાના

  અર્જુન છો. આપના આશીર્વાદ એજ મારું સદભાગ્ય. વંદન સહ.

  Like

 3. આ સંસ્થા વિષે સ્વ. શ્રી નવીનભાઈ શાહના પત્નિ અને પુત્રી પાસેથી કેટલીક વાતો સાંભળવા મળતી. આજે વધુ વાંચીને સમજી શકાય છે કે આપને આ કેવો અમૂલ્ય લ્હાવો મળ્યો હશે. સમય પરિવર્તનને કારણે સર્વત્ર તાણ વધી છે. વિદ્યાલયો પણ એમાંથી બાકાત નથી.

  Like

   1. પરબ જુન ૨૦૧૩માં વર્તમાન શીક્ષણ પદ્ધતી શી હોઈ શકે : (લોકભારતી ગ્રામવીદ્યાપીઠ : લેખક – રમેશ ર. દવે. પ્રકાશક : સંસ્કાર સાહીત્ય મંદીર). સંજય ચૌધરીએ પરીચય આપેલ છે….

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.