અગત્યનું નીવેદન

 

મારા બ્લોગ ‘NET–ગુર્જરી’ના વાચકો (આમ તો ‘ક્લીકર્સ’ !)ની કુલ સંખ્યા આજકાલમાં ૫૦,૦૦૦ પર પહોંચશે. નેટ પરના કેટલાક બ્લોગ્સની લાખ્ખોની સંખ્યાની સરખામણીએ આ આંકડો તો સાવ નગણ્ય જ છે, છતાં લગભગ કેવળ ભાષાકર્મે વ્યસ્ત એવા મારા બ્લોગને માટે આટલી ક્લીક ઘણી કહેવાય.

 

NET–ગુર્જરી પર પ્રગટ થયેલા ભાષા–વ્યાકરણ–સાહીત્યના અનેક વીષયોની લેખમાળાઓએ ઘણા બ્લોગર્સને ઉપયોગી માહીતી આપી છે. છંદ, જોડણી, સોનૅટ, હાઈકુ, કેટલુંક વ્યાકરણ વીષયક વગેરે અંગેનાં લખાણોથી બ્લોગ પર ઘણાને ખુબ જ લાભ મળ્યો છે એવું એમના દ્વારા જણાવાયું પણ છે. આ બ્લોગ NET–ગુર્જરીને એ રીતે વાચકોએ યશ આપીને મારા આ શ્રમને સાર્થક કર્યો છે. કેટલાક કાવ્યસર્જકોને તો છંદમાં લખવાનો છંદ પણ લગાડી શકાયો છે.

 

એક વાત બહુ મજાની થઈ છે તે, કેટલાક બ્લોગર્સના બ્લોગ પરની વ્યાકરણની ભુલો મેં સાર્થ જોડણીકોશ મુજબ સુધારીને એમને વ્યક્તીગત રીતે ઈ–મેઈલથી જણાવ્યું તો તેમણે સસ્નેહ અને સાભાર તે ભુલોને વધાવીને તત્કાલ સુધારી પણ લીધી છે. કેટલાય બ્લોગ હવે જાગૃતીપુર્વક વ્યાકરણનો ખ્યાલ રાખે છે. (અલબત્ત, આ જાગૃતીનો યશ હું લઈ શકું નહી, લેવા માગતો પણ નથી.)

 

આ બધી બાબતોનો અત્યંત સંતોષ છે. બ્લોગીંગ નવું નવું શરુ કર્યું ત્યારે ગુજરાતી ભાષાના પ્રચારનો અને શુદ્ધ ભાષા માટેની તાલાવેલી જાગે તે માટેનો ધખારો મારા મનમાં હતો. આજેય છે. ગુજરાતી ભાષાનો પ્રસાર વીદેશોમાં વસતાં ગુજ. કુટુંબોમાં નેટ દ્વારા થવાની વધુમાં વધુ શક્યતાઓ છે તેથી નેટ પરના લખનારાઓ શક્ય તેટલી વધુ શુદ્ધ ગુજરાતીમાં લખે તે ખુબ જ જરુરી છે. એમ થશે તો જ તેમનાં બાળકો–કીશોરો એને અનુસરશે.

 

હું એક ઈ–ઉમાં લખું અને બીજાંઓને ‘શુદ્ધ ગુજરાતી’માં લખવાનું કહું એ વાત જરા ખટકે એવું બને. ટીકાત્મક રીતે જ મારાં લખાણોને જોનારાંઓ તો આ જ કારણસર મારો બહીષ્કાર કરતા રહ્યાં છે. (કેટલાકે તો એમને ઈમેઈલ ન કરવાની લેખીત સુચના પણ આપી દીધી છે, કેટલાકે મને ઠીકઠીક ઠપકાર્યોય છે ! ને મેં પણ એમના આવા ભાષા–પ્રેમને માન્ય રાખીને એમનું માન જાળવવાનો ભરપુર પ્રયત્ન કર્યો છે.)

 

છતાં મેં મારા આદરણીય ગુરુજીના સુચન મુજબ મધ્યમ માર્ગ સ્વીકારીને એક રસ્તો કાઢ્યો છે, જેમાં નેટ પરનાં લખનારાંઓને ભાષા માટે જે કાંઈ ઉપયોગી હોય તે બધું સાર્થ જોડણીના નીયમો મુજબનું લખું છું. આ માટે થઈને જોડણીના નીયમો અને હમણાં જ શરુ કરેલી કોશની પ્રસ્તાવનાઓ દ્વારા પાનાં ભરી ભરીને ટાઈપ મેં કર્યાં છે. આ બધા પાછળનો હેતુ ભાષાશુદ્ધી સાર્થ મુજબ થાય તેને જ ગણતરીમાં રાખ્યું છે. સાર્થ મુજબ જ સુધારા થાય તે માટેના મારા આ પરીશ્રમનેય શંકા અને ટીકાથી જોવાનું ક્યાંક થયું છે, છતાં મારી દાનતને સમજનારાઓની સંખ્યા વધુ રહી છે એ પણ મારે માટે ધન્યતાનો મુદ્દો છે. હું એ બન્ને પ્રકારના સહયોગી સૌ કોઈનો ૠણી છું. કારણ કે મારા એક ઈ–ઉના વીચારનો વીરોધ પણ એમનો ભાષાપ્રેમ જ બતાવે છે. અલબત્ત, ભાષાના એક વીદ્યાર્થી તરીકે હું એક ઈ–ઉની શાસ્ત્રીયતા જાણું છું. અને એટલે જ એને વળગી રહ્યો છું.

 

મારો NET–ગુર્જરી બ્લોગ એક જ ઈ–ઉમાં પ્રગટ થનારો સૌ પ્રથમ બ્લોગ હતો. પછી કેટલાક બ્લોગ એ પ્રવાહે સર્જાયા અને વીખેરાયા. NET–ગુર્જરી એના અન્ય કેટલાક સાથી–બ્લોગ સહીત હજી પણ સક્રીય છે. એક સમયે એવી શંકા હતી કે, એક ઈ–ઉમાં લખાતા બ્લોગને વાચકો નહીં મળે. પણ (NET–ગુર્જરી સીવાય) કેટલાક બ્લોગ વીવીધ વીષયો પર આજે પણ સક્રીય છે બલકે ખુબ વાચકો મેળવે છે. મારા બ્લોગને વાચકો ઓછા અને કોમેન્ટસ તો શુન્યવત્ મળી શક્યાં છે એ જાણું છું. પણ એનેય એક જાતની જાગૃતીની નીશાની ગણું છું. અને એટલે સુખી ને સંતોષી છું.

 

પણ –

 

પણ હવે ‘કોડિયું’નું સંપાદનકાર્ય આવી મળતાં સમયની ખેંચ વરતાય છે. મારાં પોતાનાં પ્રગટ કરવાનાં લખાણોનોય તકાજો છે. હું હવે દરરોજની જેમ દીવસમાં વારંવાર નેટ પર બેસી શકતો નથી. કેટલાક સમયથી બ્લોગોનું વાચન બંધ થયું છે. કોમેન્ટ મુકવાનો તો ચાન્સ જ રહ્યો નથી. અને તેથી જ, કોઈ ખાસ કામ સીવાય હું ધીમો પડીશ. ‘ઈન્ડીબ્લોગર્સ’ પરનો મારો ક્રમ ૮૩ સુધી પહોંચી શક્યો હતો ! પણ હવે એ આંકનું અવમુલ્યન થવામાં છે ! ભલે.

 

હજી પણ શુદ્ધ માતૃ–ભાષાના પ્રચાર–પ્રસારનું કામ તો કરવાનો જ છું. એને માટે જાગરણ કરવું પડે તો તેય કરીને એ કાર્યની અગત્યતા જાળવવાની છે. તેથી જે કોઈ મીત્રો ભાષા અંગે વ્યક્તીગત સંપર્ક કરશે તેમને માટે તો હાજર જ રહીશ. બ્લોગ વાચન હવે લગભગ શક્ય ન હોવાથી આમ લખ્યું છે. મારા બ્લોગ પર પણ હું મારાં અનીવાર્ય એવાં લખાણો (શુદ્ધ “એક ઈ–ઉ થીયરીમાં જ, અલબત્ત)ક્યારેક ક્યારેક મુકતો રહીશ. એનોય પ્રચાર તો નહીં જ કરું. જેમને મારો બ્લોગ હડફેટે ચડી જશે તેઓ વાંચશે. અને એટલું પણ બસ છે.

 

આ કાંઈ વીદાય–સંદેશ નથી. નેટમાં તો એવા ભરાઈ પડ્યા છીએ કે છેલ્લા શ્વાસ સુધી એમાંથી નીકળાશે નહીં. એટલે કેટલુંક આમ નીવેદનરુપે મુકીને એક જાહેર ફરજ બજાવવાની જ આ કોશીશ છે.

 

આશા રાખું કે સૌ મીત્રો ગુજરાતી ભાષાના પ્રચાર જ નહીં પણ પ્રસારમાં પણ સક્રીય બને. સુધારા સાથેની ભાષાશુદ્ધી દ્વારા જ સાચી રીતે પ્રસાર કરી શકાય. આપણા સાર્થ જોડણીકોશમાં પણ ભુલો છે ! નીયમોની અરાજકતા તો ખરી જ વળી…એટલે અશુદ્ધીને બને તેટલી વધુ ઝડપ સાથે, વધુ ને વધુ દુર રાખવા સૌને વીનંતી સાથે,

 

– જુગલકીશોર.

18 thoughts on “અગત્યનું નીવેદન

 1. ગુજરાતી ભાષા …જોડણી સુધાર …છંદની સમજ…જોકે હજી ઘણું સમજાતું નથીજ …. સર્વેમાં આપના લખાણ નો ઘણોજ ફાળો છે …. આપને મારા ભાવભર્યા વંદન.
  આપના સ્વાસ્થાયનું ધ્યાન રાખશો વડીલ … ક્યારેક સમય મળ્યે “પિયુની નો પમરાટ” માણવા આવતા રહેશો …આપનું માર્ગદર્શન આપતા રહેશો …બીજું કાઈ નહિ બસ ભૂલો બતાવતા રહેશો.

  Like

 2. આદરણીય શ્રી જુગલકીશોર કાકા,

  આપના દરેક લેખમાં કૈક નવીનતા હોય છે જે ગુજરાતી બ્લોગરોને ખુબ જ

  ઉપયોગી એવી ઝીણામાં ઝીણી માહિતી હોય છે. આપ તો ગુજરાતી ભાષાની

  કરોડરજ્જુ સમાન છો વખ મળ્યે નેટ ગુર્જરીમાં દર્શન દેશો અને માહિતીસભર

  લેખ દ્વારા ગુજરાતી ભાષાના જુગલ કિશોર ( શ્રી કૃષ્ણ ) રૂપી સારથી બની

  ભાષાનો રથ વ્યવસ્થિત સડસડાટ ચાલે તેવી પરમ કૃપા વહેવડાવતા રહેશો

  એવી મારી અંગત નમ્ર વિનતી છે……. વંદન….. નમસ્કાર…..સલામ…..

  Like

 3. આદરણીયશ્રી. જુ’ભાઈ

  આપે બ્લોગ જગતને આપેલ ફાળો સદાય યાદ છે અને રહશે જ…!

  આપના તરફથી અમુલ્ય માર્ગદશન મળતુ રહેશે જ એવી અપેક્ષા સહ…!

  અમારા શિક્ષણ સરોવરમાં એકાદ દિવસ પધારી પાવન પગલા પાડશોજી.

  ડૉ.કિશોરભાઈ પટેલ

  Like

 4. જુ.કાકા, તમારો પ્રયત્ન સફળ થયો જ છે. મેં જો કે ઉંઝા જોડણી સ્વીકારી છે, પરંતુ ગુગલ ટ્રાંસલીટરેશન ટુલ જે મુજબ જોડણી કરે તેમા આડે નથી આવતો અને એ મુજબ લેખ/કાવ્ય મુકતો રહુ છુ. તમારે કારણે જ ભાષાની શાસ્ત્રીયતાની સમજ આવી, બાકી તો વર્ષોના પ્રવાહે એ બહું મારે માટે તો વહી જ ગયું હતું. હજુ ય ભુલો તો બહુ થાય છે, પણ તમારો આ બ્લૉગ સંદર્ભ તરીકે માઉસવગો છે એનો ઘણો આનંદ છે. જ્યારે સમય મળે, લખતા રહેશો.

  Like

 5. વહાલા જુ.ભાઈ,
  તમારા બ્લોગ પરથી જ ગઝલના છંદોનો સૌ પ્રથમ મને પરિચય થયેલો. આ સિવાય પણ ભાષા–વ્યાકરણ વિશેના ઉપયોગી લેખોએ મારી જાણકારી વધારી છે. ભાઈ ચીરાગે સાચું જ લખ્યું છે કે તમારો પ્રયત્ન સફળ થયો જ છે. અલબત્ત અન્ય વ્યસ્તતાને કારણે ભલે ધીમા પડો પણ આ યજ્ઞ ચાલુ રાખજો. મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.

  Like

 6. શ્રી જુગલભાઈ, ટૂંકમાં તમે ’વન-ડે’માંથી રિટાયર થવાની (અથવા ઢચુપચુ સક્રિય રહેવાની) જાહેરાત કરો છો કારણ કે ટેસ્ટ ક્રિકેટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માગો છો! હવે તમારી સામે બોલિંગ કરવી હોય તો માણસ ક્યાં જશે? ન ચાલે..ન ચાલે. બ્લોગ તો હાજર હથિયાર છે; એમાં બૅટ, બૉલ અને મેદાનનું અદ્વૈત છે.

  Like

 7. કોઈ પણ કાર્ય નીષ્ફળ નથી હોતું અને જ્યારે આપે પ્રયત્નપૂર્વક આવડો મોટો યજ્ઞ કર્યો હોય તો તે નીષ્ફળ કેવી રીતે હોઈ શકે?

  ભાષાશુદ્ધિ માટેની આપની ઝુંબેશ વંદનીય છે સાથે સાથે ભાવ-શુદ્ધિ માટેની ઝુંબેશ ચલાવનારાઓ પણ ભવિષ્યમાં પ્રગટ થશે તેવી આશા અસ્થાને નહીં ગણાય.

  આપના આ વિરાટ સેવા યજ્ઞ માટે સાદર પ્રણામ અને ધન્યવાદ – આપના માર્ગદર્શન અને સહયોગ બ્લોગ જગતને હંમેશા મળતો રહેશે તેવી અપેક્ષા સાથે.

  Like

 8. સર્વશ્રી રૂપેનભાઈ, હિરેનભાઈ, વિનયભાઈ, પારુબહેન, બન્ને ગોવિંદભાઈ, હર્ષદભાઈ, કિશોરભાઈ, શકિલભાઈ, અતુલભાઈ તથા ભુપેન્દ્રસિંહજી,

  આપ સૌએ મારા આ લખાણ પર મહોર મારીને મને આનંદીત અને આભારી કર્યો છે.
  હું જે કાંઈ લખું છું તેમાં ૧) મારાં મૌલીક સર્જનોની પ્રસીદ્ધી (આ મોહ સહજ છે) અને ૨) ગાંધીબાપુએ એમની પ્રસ્તાવનાઓમાં જે શબ્દ વારંવાર પ્રયોજ્યો છે તે ‘ભાષાપ્રેમ’ બે બાબતો મને દોરનારી, ખેંચનારી, ધગશ આપનારી રહી છે.

  આપ સૌનો સ્નેહ તેમાં ત્રીજું પરીબળ બની રહ્યું છે. હવે પછીનો સમય માતૃભાષા માટે જ હોઈ આ ત્રીજું પરીબળ બહુ અગત્યનું બની રહે છે.

  આપ સૌનો, – જુ.

  Like

 9. બ્લોગ પર ભૂલો બતાવી ભાષાશુદ્ધિમાં મદદ કરનારા આંગળીને વેઢે ગણવા પડે. આપ અંગત રસ લઈ યોગ્ય દિશા વતાવો છો તેનું મૂલ્ય થાય તેવું નથી. આપની સલાહ હવે અંગત ઈ મેલથી લેવાની રહેશે એમ લાગે છે પણ વાંધો નહી, તમને હેરાન કરવાની તમારી પરવાનગીથી રાહત લાગે છે.
  તમારૂં યશસ્વી કાર્ય સફળતાને વરો તેવી શુભેચ્છા! વીસ વીસ વર્ષેથી ગુજરાતથી દૂર છીએ. શરૂઆતમાં ગુજરાતી વાંચવા ટળવળતી હતી પછીથી ભાગ્યે જ વાંચવાની આદત પડી ગઈ. એમાં ભાષાની પકડ ઢીલી પડી ગઈ પણ નેટને કારણે ફરી સાહિત્યની આ દુનિયામાં પ્રવેશ મળ્યો તેનો આનંદ છે. નિલમે આંગળી પકડીને કોમ્યુટર પર બેસાડી તેમ કહું તો અતિશયોકતિ નથી. ફેબ્રુઆરીની 18મીએ થનારા તેના પુસ્તકોના વિમોચનના અવસરનો મને વિશેષ આનંદ થાય છે. અને સાથે તેમાં હાજર ન રહી શકવાનો અફસોસ પણ! બસ, આપનું માર્ગદર્શન મળતું રહે તે જ અભિલાષા!

  Like

  1. રેખાબહેન, ધન્યવાદ.

   નેટ દ્વારા તો આપણને ને ખાસ તો ગુજરાતી ભાષાને નવું જીવન મળ્યું છે. એનો લાભ જેટલો લઈ શકાય તેટલો લેવો જ રહ્યો…..નીલમબહેનના કાર્યક્રમની તો રાહ જ જોઈ રહ્યો છું. તમારી યાદ એમને રુબરુ આપીશ.

   સાભાર, – જુ.

   Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.