લોકભારતી દ્વારા સન્માનનો પ્રતીભાવ.

આત્મીયજનો,

રાષ્ટ્રીય શીક્ષણસંસ્થા લોકભારતીએ પોતાના વાર્ષીકોત્સવ નીમીત્તે એના ભુતપુર્વ વીદ્યાર્થી એવા મને તા. ૧, ૦૧, ’૧૧ના રોજ સન્માનીત કર્યો ત્યારે મેં મને સાવ જુદા જ પરીપ્રેક્ષમાં જોયો.

નાનાભાઈ ભટ્ટ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના કેળવણીકારે સ્થાપેલા શીક્ષણ–સંકુલનું લોકભારતી એ ત્રીજું અને અત્યંત મહત્ત્વનું સોપાન ગણાયું છે. ત્યાં ૧૯૬૨–’૬૫ દરમીયાન શીક્ષણસંસ્કારો મેળવીને મેં (એક વરસ બાદ કરતાં) જીવનભર શીક્ષણકાર્ય જ કર્યું છે. મારાં એ કાર્યોનું મુલ્યાંકન કરીને સંસ્થાએ મને સન્માન યોગ્ય ગણ્યો એનું શ્રેય હું મારા વડીલો, ગુરુજનો, મીત્રો અને પુસ્તકોને આપું છું.

આ સમયે વાર્ષિકોત્સવ ઉપરાંત સ્વ. નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું અત્યંત મનનીય એવું ૪૯મું વ્યાખ્યાન શ્રી સનતભાઈ મહેતા દ્વારા “ગાંધી અને ગ્રામસમાજ” પર બે ભાગમાં યોજાયું હતું. ‘કોડિયું’ના ફેબ્રુઆરી અંકમાં આ બન્ને વ્યાખ્યાનો; લોકદક્ષિણામૂર્તિ સંસ્થાઓના વાર્ષીક અહેવાલો; કેટલાંક મહત્ત્વનાં લખાણો તથા મારો પરીચય અને મારો પ્રતીભાવ વગેરે છપાયાં છે. આ અંક કદાચ નેટ પર પીડીએફ સ્વરુપે મુકવામાં આવશે.

આપનો,

– જુગલકીશોર.

=======================================================

ૠણસ્વીકાર                                                             – જુગલકીશોર.

આદરણીય શ્રી સનતભાઈ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ, માનનીય મહેમાનશ્રીઓ, ભુ. પુ. વીદ્યાર્થીઓ, સંસ્થાઓના માનનીય કાર્યકરો–અધ્યાપકો, અને સૌ વીદ્યાર્થી બહેનો–ભાઈઓ,

આજે મને મારા સન્માનરુપે જે શાલ ઓઢાડાઈ તે મને મળેલી બીજી શાલ છે. પહેલી વાર ૧૯૬૫માં સ્નાતક થઈને લોકભારતીમાંથી બહાર નીકળ્યો ત્યારે જે પ્રમાણપત્ર આપવામાં આવેલું તે પણ એક શાલરુપ જ હતું. એ શાલ સંસ્કાર–શાલ હતી. ઓઢાડાયેલી એ, એ વખતની શાલ એક રીતે જોવા જઈએ તો કામળી હતી. ધાબળી–કામળી જેમ હુંફ આપે તેમ ક્યારેક ખુંચે પણ ખરી ! અહીંનું શીક્ષણ પચે નહીં તો ખુંચે જરુર ! ને જે ખુંચે એને આઘું રાખવાનું સુઝે. એટલે લોકભારતીએ ઓઢાડેલી એ ધાબળી જેવી શાલ જેના ખભે ટકે–રહે તેને ઈનામરુપ બીજી શાલ ઓઢાડવામાં આવે. મને મળેલું આ ઈનામ મારી જવાબદારીને બેવડાવનારું છે. પ્રથમ શાલ ખભે રાખવાની હતી, તેમાં આ ઈનામ ભળ્યું. હવે કામ વધારે જવાબદારીભર્યું, અઘરું થયું.

પણ મુળ વાત તો મારે જુદી જ કરવાની થાય છે. મારે ખભે પ્રથમ શાલ સચવાયાનું મેં સ્વીકાર્યું નહોતું. ૧૯૬૪–૬૫માં દોઢ માસનો ‘ગ્રામ’નીવાસ જે કરવાનો હોય છે તેમાં હું ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં રહ્યો હતો ! પુત્રનાં લક્ષણ ‘પારણે’ તેમ મારાં લક્ષણ (લોકભારતી અને સંસાર વચ્ચેના) ‘બારણે’ જ પ્રગટી ગયેલાં ! ‘ગ્રામનીવાસ’ માટે મારા ભાગે શહેર આવેલું. બારણામાં જ હું ઉંધો પ્રવેશ્યો હતો.

એક વર્ષ બાવળા અને એક વર્ષ ઈડર એમ અનુક્રમે શાળા–કૉલેજે ભણાવ્યા પછી ત્રણ વર્ષ સમોડા ગ્રામવીદ્યાપીઠમાં રહ્યો તે ત્રણ વર્ષો જ મારાં ગ્રામકાર્યનાં. બાકીનાં ત્રણ વર્ષ એમ. એ. કરવા દરમીયાનનાં મીલની નોકરીનાં ગણીને કુલ ૩૧ વર્ષો અમદાવાદ મધ્યે જ ગયાં. આમ ગામડાંનું કામ ન કરવા બદલ હું મને આ સન્માનને લાયક ગણતો નહોતો. બુચદાદાને અવારનવાર હું કહેતો–લખતો રહ્યો હતો કે, હું લોકભારતીનું આદર્શ ફરજંદ ન ગણાઉં.

મારા આ સંકોચને બુચદાદા ( આપણા હાસ્યલેખક ન. પ્ર. બુચ)અને મનુદાદાએ (મનુભાઈ પંચોળી ‘દર્શક’)દુર કર્યો હતો, તે બે રીતે. બુચદાદાએ અમદાવાદનાં શ્રમીકકુટુંબોમાં પાયાનું શીક્ષણકાર્ય કરવા બદલ મને થાબડીને કહેલું કે આ પણ સર્વોદયનું જ કામ છે. અને મનુદાદાએ મારા શ્રમીક વીદ્યાપીઠના કાર્યક્રમો અને તેનાં હેતુઓ, શૈલી વ. જાણ્યા પછી કહેલું કે, “માયધારમાં હું જે કામ હજી કરવા ધારું છું તેવું જ કામ તેં તો શરૂ પણ કરી દીધું છે !!”

છતાં મને સંતોષ તો નથી જ. સંકોચ દુર થયો ભલે, સંતોષ તો આઘેરો જ રહ્યો છે. “ઝાડનાં પારખાં ફળ પરથી” નામક લોકભારતી પ્રકાશનની પુસ્તીકાઓની શ્રેણીમાં મને લખવાનું કહેવામાં આવ્યું ત્યારે એના આરંભના પાને જ મેં લખ્યું હતું કે, લો.ભા.–વૃક્ષનાં ઉત્તમ ફળોમાંનો હું નથી. હું બહુમાં બહુ તો લો.ભા.ની સીમમાંનું ચણીબોર કહેવાઉં. મારી એ અનુભવકથાનું શીર્ષક પણ મેં “એક ચણીબોરની ખટમીઠી” રાખીને મારો સંકોચ જ આગળ કર્યો છે. આજે આ સન્માન–શાલ ઓઢીને હું મારા સંકોચને શણગારાયેલો નીરખતો વધુ સંકોચાઈ રહ્યો છું !!

તે દી’ સવારે શ્રી અરુણભાઈનો ફોન આવ્યો તેમાં તેમણે મારા સન્માનના નીર્ણયની વાત કહી ત્યારે – વાત ગમી ગઈ હોવા છતાં – મેં વીરોધ જ કરેલો. પણ અરુણભાઈએ બે વાત એમની લાક્ષણીક ઢબે કહીને મને ચુપ કરેલો. એમણે પહેલાં કહ્યું કે લોકભારતી એના વીદ્યાર્થીઓને પોંખીને રાજીપો લેતી હોય છે ને વળતાં બીજી વાત એય કહી દીધી કે, આ સમાચાર જાણ માટે છે; અભીપ્રાય માટે નથી !

પરીણામ સ્વરુપ આપ સૌ સમક્ષ આજે, ભલે સ–સંકોચ પણ માતા લોકભારતી દ્વારા સંસ્કારાયેલો એવો હું કેટલોક હીસાબ આપવા ઉભો થયો છું. આ શાલ ઓઢીને એક બાજુ મારી કેટલીક કામગીરી દર્શાવીને સંસ્થાને ધરપત આપવી છે, તો બીજી બાજુ હવે પછી આ બેવડાએલી જવાબદારીને વહેવા માટેની ક્ષમતા પણ પ્રાર્થવી છે. આ વાતો, આ હીસાબ, હું બે–ત્રણ તબક્કે મુકવા માંગું છું :

૧) પુર્વભુમીકા

*  ઉમરાળામાં ઘરના ઉંબરાની બહાર પગ મુકતો થયો ત્યાં જ એક જૈન કુટુંબનો અરવીંદ અને એની આગળ જ રહેતાં ખોજા મુસ્લીમ હલુમાનો દીકરો ગફાર મારા મીત્રો બન્યા. વૈષ્ણવોની હવેલીના ચુસ્ત મુખીયાજીના દીકરા એવા મને આ બન્નેની મીત્રતા નીભાવવાની છુટ મળેલી. ધર્મમુર્તી માતા અને જ્ઞાનમાર્ગી પીતાજી ઉપર એ દીવસોમાં ઉમરાળા પંથકના ગાંધી કહેવાયેલા ઉજળવાવના વનમાળીભાઈ વ્યાસ ‘મોટાભાઈ’ની બહુ મોટી અસર હતી. ચુસ્ત વૈષ્ણવધર્મની સાથે જ ગાંધીવીચાર પણ અમારે ઘેર પ્રવેશ્યો તે આ મારા ફૈબાના દીકરા ‘મોટાભાઈ’ના પ્રતાપે. મારા સગા મોટાભાઈ બાબુભાઈ (અમૃતલાલ) વ્યાસ રેવન્યુ ખાતામાં પણ પ્રામાણીકતાપુર્વક અણીશુદ્ધ રહીને નોકરી કરી શક્યા તે પણ એ ‘મોટાભાઈ’ના જ પ્રતાપે. મારી ચારેક વર્ષની વયથી જ અવારનવાર વનમાળીભાઈના ઘેર જતાં–આવતાં ગાંધીજીનું નામ મારે કાને પડતું રહેલું. ‘મોટાભાઈ’ પ્રત્યેના આદરને કારણે ગાંધીજીનું નામ શીશુવયે પણ બહુ ગમતું એવું યાદ છે. આમ મારા કાનમાં ગાંધી શબ્દ ‘મોટાભાઈ’એ ફુંકેલો.

*  શાપુર સર્વોદય આશ્રમ લોકશાળામાં ૧૧–૧૨ વરસની ઉંમરે (૧૯૫૫) દાખલ થઈને ત્યાં છ વરસ ગાળ્યાં તે મારા જીવનનો પાયો નાખનારાં બન્યાં. શાપુરનું વાતાવરણ કાચી ઉંમરને કારણે આકરું લાગતું. વતનથી દૂર, કુટુંબની ઓછી આવક અને લોકશાળાના નીયમોને લઈને શાપુર કસોટી કરનારું બનેલું. પણ એ જ લોકશાળા મને કસનારી બની. શરીર અને મન કસાયાં. ત્યાંનું મુક્ત વાતાવરણ, પ્રકૃતી અને બુનીયાદી તાલીમનાં બહુ ગમતા અભ્યાસક્રમો અને પદ્ધતીઓએ મને તૈયાર કર્યો. કુટુંબના જ વડીલો જેવા શીક્ષકો–કાર્યકરોની છાયામાં મળેલા એ જીવનના પાઠો બહુ ઉપયોગી થયા. ત્યાંનું પુસ્તકાલય, નહાવાનો હોજ અને ખેતીવાડીમાં હું માથાંબોળ રહ્યો. એક દીવસ ત્યાંની એક ઘટાટોપ બોરસલ્લીની નીચે ઉભાં ઉભાં પંકજ ભટ્ટે મને લોકભારતીની વાતો કહેલી. મૂળશંકરભાઈ અંગે કહેલું કે તેઓ લો.ભા.ની માતા સમાન છે. લોકભારતી અને નાનાદાદાની વાત જાણે મંત્રની જેમ એણે ફુંકેલી.

લોકભારતીમાં આવવાનું મોડું થતાં લોકશીક્ષણમાં જગ્યા ન હતી. કૃષી ગમતો વીષય ન હતો. પરંતુ આર. આઈ.ના બે વરસના કોર્સમાં દીલ્હીની શીષ્યવૃત્તી (રુ. ૨૫૦/– વાર્ષીક !) મળવાની શક્યતા હોઈ કૃષીમાં જ દાખલ થયેલો. ને એમ એક બાજુ અણગમતા વીષય સાથે પનારો પડ્યો અને બીજી બાજુ સમગ્ર જીવનને પલટાવી નાખનારો લોકભારતીનો ખોળો મળી ગયો….ત્યાર પછીનાં સાડા ત્રણ વરસ મારાં આવનારાં જીવનવર્ષો માટે ખેડ–ખાતર–પાણી ને હવામાન શાં બની રહ્યાં. પછીનો જે કાંઈ સારો પાક મારે જીવન–ખેતરે પાક્યો તે બધો જ લોકભારતી–માડીના પ્રતાપે.

૨) મારાં કાર્યક્ષેત્રોની સંક્ષીપ્ત વીગતો –

માતૃસંસ્થાને પણ ક્યારેક ક્યારેક પોતાનાં કાર્યોનો હીસાબ આપતો રહેવો પડે. પુજ્ય ભાઈ (મૂળશંકરભાઈ મો. ભટ્ટ)અને પુજ્ય મનુદાદાના કેટલાક પત્રો મારી કને સચવાયા છે. બુચદાદાના તો ૬૫ જેટલા પત્રો છે. અર્થાત મેં આ પ્રાતઃસ્મરણીય ગુરુજનોને સતત મારી વાતો લખ્યાં કરી છે. આજે આ ટાણે કેટલુંક અતી સંક્ષેપમાં મુકવા માંગું છું.

ગુજરાત વીદ્યાપીઠમાંથી અનુસ્નાતક થવા માટે મારે નોકરી કરવી પડે તેવી ઘરની સ્થીતી હતી. તેથી ત્રણ વરસ મેં મીલમાં પટાવાળાની કક્ષાએ નોકરી કરેલી. અનુસ્નાતક થયા બાદ ઈડર કૉલેજમાં એક વરસ લેક્ચરરી કરેલી. સમોડા ગ્રામ વીદ્યાપીઠમાં ત્રણ વરસ વ્યાખ્યાતા ઉપરાંત છાત્રાલયનું તથા સંસ્થા–સંચાલનમાં પણ મદદરૂપ કાર્ય કર્યું. ગાંધીજીએ સ્થાપેલા મજુર મહાજનમાં ચારેક વરસ વર્કર્સ એજ્યુકેશન વીભાગમાં ઇન્ચાર્જ તરીકે અને ત્યાંના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદનમાં મદદનીશ તરીકે પણ કામ કર્યું. છેલ્લે ૨૪ વરસ ભારત સરકારના પ્રૌઢશીક્ષણ વીભાગના શ્રમીક વીદ્યાપીઠ, અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટીના નેજા નીચે ૧૨ વરસ કાર્યક્રમ અધીકારીરૂપે અને પછી નીવૃત્તી સુધીનાં ૧૨ વરસ નીયામક તરીકે કામગીરી કરી.

આજે હવે ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા–સાહીત્ય ઉપરાંત ગાંધીવીચાર, સર્વોદય, લોકભારતી વગેરે બાબતોને મુકીને વ્યક્ત થયા કરું છું. મુ. નારાયણભાઈ દેસાઈના સુચન અને આશીર્વાદ સાથે ‘ગાંધીદર્શન’ નામનો તથા ‘મારા ગુરુવર્યો’ નામનો બ્લોગ ચલાવ્યો છે. પરંતુ મારું સદ્ભાગ્ય એ વાતે ગણું છું કે આ સંજોગોમાં મને ‘કોડિયું’ના સંપાદનનું કાર્ય કરવાનું મળ્યું.

*       બાવળા શાળામાં નીચલા ધોરણના એક તોફાની છોકરાને મારે મારવો પડતો. એમાં હથીયાર (!) તરીકે હું ડસ્ટર વાપરતો ! એ તો ન જ સુધર્યો પણ એ નકામાં લખાણો ભુંસનારા સાધને, મારી શીક્ષણની પાટીને સાફ કરી આપી. હું એ છોકરા પાસેથી ઘણું શીખ્યો.

*       મારા પ્રીય વીષય ભાષા–સાહીત્યમાં એમ. એ. કરવાની તક ગુજરાત વીદ્યાપીઠે આપી તેથી એમાં જોડાયો. પણ આર્થીક કારણોસર મીલની નોકરી સ્વીકારવી પડી. ભણવાનો સમય મને મળી રહે તેવું કામ ક્યાથી શક્ય હોય ? પણ શેઠ બધું જાણતા હતા. મને જે કામ સોંપાયું તે પટાવાળાના જેવું હતું. છતાં મારુ માન જાળવીને મારી પાસેથી કામ લેવામાં શેઠ દેવ જેવા નીવડ્યા. એમના કહેવાથી મેં કેટલાંક કામો લો.ભા.નો વીદ્યાર્થી જ કરી શકે એવાં અને એવી રીતે કર્યાં. મીલમાં મારું કામ નામના અપાવી ગયું.

મીલની મને વાપરવા સમયસર મળતી રહેતી પેન્સીલો કે કોઈ ચીજ ઘેર લઈ ન જતો. (છોકરાઓને મારા ખર્ચે અપાવી પણ માંડ શકતો) પણ મહાનીબંધ માટે જરુરી કાગળો મેં મીલના ટાઈપના કાગળોમાંથી વાપરીને મારો મહાનીબંધ અભડાવેલો ! આ એક બાબત મને કાયમી ચુભનારી બનેલી…

*       એમ. એ. કર્યું એટલે આર્થીક વીટંબણાઓ ઓછી થઈ. ઈડર કૉલેજમાં લોકભારતીનો વીદ્યાર્થી એવો કદાચ સૌથી પહેલો યુની.નો લેક્ચરર હું બન્યો. ત્યાં સાદાઈ અને શીક્ષણધર્મે કરીને હું સારો અધ્યાપક કહેવાયો. તોફાની વીદ્યાર્થીઓને પણ હું સહજતાથી કેળવી શક્યો. પણ આપણું વાતાવરણ હજી મનમાં તાજું જ હતું. કેટલીક બાબતોમાં હું ભળતો ન હતો. મેં સમોડામાં જોડાવાના બહાને ઈડર છોડ્યું. પ્રીન્સીપાલ શ્રી હરિહર શુક્લએ સખેદ પણ જયંતીભાઈનું કામ હતું એટલે મંજુરી આપી.

*       મજુર મહાજનમાં પગારને નામે મશ્કરી જ હતી, છતાં ઝુંપડપટ્ટીમાં કામ કરવામાં જે સંતોષ મળ્યો એણે આર્થીક વેદનાને શીતળ લેપ કરી આપ્યો. દીવસરાત જોયા વીના મજુરોનું કામ કરવા મળ્યું. આંગણવાડી માટે આધારસાહીત્ય અને અભ્યાસક્રમ તૈયાર કરીને સંચાલન કર્યું, ઉપરાંત, મજુરોનાં બાળકો માટેની સાવ સસ્તી એવી એક સાથે ૧૫૦ જગ્યાએ ચાલી શકે તેવી ટ્યુશન–યોજના તથા કેટલીય જાતના વ્યાવસાયીક તાલીમ વર્ગોનું આયોજન અને તેનું સંચાલન કર્યું. અનેક પ્રકારનાં આકર્ષણોને સાવ સહજતાથી હું આઘાં રાખી શક્યો. મારી નીષ્ઠાએ આ કામનો બદલો ભારત સરકારમાંના શ્રમીક–શીક્ષણક્ષેત્રનું કામ સોપીને વાળી આપ્યો. મારા જીવનમાંના લો.ભા. અને મજુર મહાજન બન્નેના વારસાનું સુંદર સંકલન કરવાનું મહાકાર્ય મને મળ્યું.

*       ભારતભરમાં સૌથી પહેલી શ્રમીક વીદ્યાપીઠ મુંબઈમાં અને બીજી બે અમદાવાદ–દીલ્હીમાં સ્થપાઈ હતી. (આજે ૩૦૦ જેટલી છે) મને એક સૌથી સીનીયર અધીકારી તરીકે નવો ઢાંચો ને નવી પ્રણાલીઓ પાડવાની ઉત્તમ તક મળી હતી. પરીણામ સ્વરુપ મારા ભણતર અને ગણતરને કામે લગાડીને કેટલીય કામગીરી અમે આરંભી શક્યા.

*       શ્રમીકોના કીશોરવયથી માંડીને વૃદ્ધો સુધીનાં સૌ કોઈને, તેમના ઘેર કે એમના કાર્યક્ષેત્રે જઈને, તેઓના અનુકુળ (સવારથી રાતના ૧૧ વાગ્યા સુધીમાં ગમે ત્યારે) સમયે, ૨૫૦થી પણ વધુ વીષયોમાંથી તેઓ માંગે તે વીષયનું તેમને ભણાવવાનું કામ હતું !! આ અવૈધીક, વ્યાવસાયીક, પ્રૌઢશીક્ષણનો મહાપ્રયોગ છે. એમાં કામ કરવા માટે અને એ રીતે સમાજના સામાજીક–આર્થીક–શૈક્ષણીક રીતે પાછળ રહેલાંઓના સર્વાંગીણ વીકાસ માટેની બધી જ તકો હતી. મેં એનો ભરપુર લાભ ઉઠાવીને કોલસાથી કવીતા સુધીનાં અનેક ક્ષેત્રો માટેના વ્યાવસાયીક તાલીમ વર્ગોની યોજનાઓ કરી. અભ્યાસક્રમો ઘડ્યા; એને માટેનાં આધારસાહીત્યો વીવીધ શૈલીમાં તૈયાર કર્યાં; અનેક લોકો–સમુહો સાથે મીટીંગો કરી.

*       સાવ ઓછું ભણેલાં અનેક બહેનો–ભાઈઓને સારા અને સફળ શીક્ષકો તરીકે તૈયાર કરીને ભણાવતાં કર્યાં; આ જ શીક્ષકોએ, પછી તો ચાર્ટ વગેરે જેવાં શીક્ષણસાધનો તૈયાર કર્યાં; કેટલીક સાવ ઓછું ભણેલી બહેનોએ બચતમંડળો બનાવીને હજારો રુપીયાનો વહીવટ કર્યો; કેટલાય લોકોનાં વ્યસનો છોડાવી શકાયાં; અનેક લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાયો કરીને પગભર થયા; કેટલીય નાનીનાની સામાજીક સંસ્થાઓ એ લાભાર્થીઓએ સ્થાપી…શ્રમીકકુટુંબોનાં એક લાખથીય વધુ સભ્યોને અમે શીક્ષણ માધ્યમથી સ્પર્શી શક્યા.

*       હું નીયામક થયો પછી, પાંચ વર્ષ સુધી – સાઈઠેક લાખ જેટલી – ગ્રાંટ અટકીને પડેલી ત્યારે અમદાવાદની અનેક સામાજીક સંસ્થાઓએ અને સ્વતંત્ર રીતે કામ કરતી વ્યક્તીઓએ મને અને મારા સેંટરને મોકળે મને મદદ કરી. આમાં મારું લોકભારતીયત્ત્વ ફળ્યું. દીલ્હીના અધીકારીઓ સુદ્ધાંએ અમારી નીષ્ઠાને પસવારી. આ કપરો સમય કસોટીકર હતો પણ અમે એમાંથી પાર ઉતર્યા.

*       ઉપર દર્શાવેલા દરેક મુદ્દાને દાખલાઓ અને વીગતો સાથે લખવા જેવા છે. શ્રમીકશીક્ષણની આ યોજના શીક્ષણક્ષેત્રની અદ્ભુત યોજના છે. દરેક તાલીમવર્ગનાં મુલ્યાંકનો, દરેકનું ફોલોઅપ – અનુકાર્ય – અને રીપોર્ટીંગ એ બધું શીક્ષણસંસ્થાઓએ અપનાવવા જેવું છે.

*       છેલ્લે છેલ્લે ૧૯૯૮માં મેં એક પ્રયોગ લોકભારતીના કાર્યના ફોલોઅપ જેવી કામગીરીનો કર્યો. અમદાવાદ–ગાંધીનગર વચ્ચે આપણા જુનાં વીદ્યાર્થીઓ–કાર્યકરો વસતાં હોવાની જાણ થતાં જ સૌનો વ્યક્તીગત સંપર્ક કરીને ‘નૉળવેલ’ નામથી એક મંડળ સ્થાપ્યું. અમે સૌ લોકભારતીયો મન ભરીને હળતાં–મળતાં. બુચદાદાએ આ કાર્યનાં જે પ્રોત્સાહનો આપ્યાં એ મારા માટે વરદાનરુપ બની રહ્યાં.

૩)  મારી આંતરીક ગતીવીધિઓ –

* ખાદીને, અહીં ભણતો ત્યારે આર્થીક કારણોસર હું આંતર–બાહ્ય પુરેપુરી અપનાવી શક્યો નહોતો. પણ મીત્ર કાકડિયાના એક જ વાક્યથી પ્રેરાઈને મેં ખાદીને આજીવન પહેરી છે. ક્યારેય મીલનું કાપડ ગમ્યું કે પહેર્યુ નથી. રેંટીયાને સાચવી શક્યો નહીં એ દુઃખ ચોક્ક્સ રહ્યું. પણ હવે રહીરહીને થાય છે કે, સુતરની આંટીને વણવાવાળા આપણે સૌ જ બની શકીએ અને ખેતીની સાથે વણકરોની પણ કામગીરીને આપણે અપનાવીને એને ને એ રીતે ખાદીને જીવાડીએ. લોકશાળાઓ અને ગ્રામવીદ્યાપીઠોની સુતરઆંટીઓને વણનારું કોઈ ન હોય તે સ્થીતી અસહ્ય ગણાય.

*       ક્યારેક સંસ્થાઓ વચ્ચે રહીનેય તટસ્થતા ગુમાવવી પડી છે. ખોટાને સાથ તો ન આપ્યો પણ સાચાઓની સાથે રહીને પણ તાટસ્થ્ય નંદવાય છે એ ધ્યાન બહાર જતું.

*       આળસ મારી કવચકુંડળશી હંમેશાં વળગેલી રહી છે ! એનાથી પણ હું ઘણી તકલીફોથી બચી શક્યો છું. નાણાંકીય બાબતોમાં ટપ્પી બહુ ન પડે ને ઝાઝી પ્રવૃત્તીઓની આળસ ચડે તેથી ઘણાં પ્રલોભનો – પાછળથી ખબર પડે કે એમાં પડવાથી લો.ભા.ના વડીલોને ન ગમે – સરળ ને સહજતાથી આઘાં રાખી શક્યો !

*       મારા કુટુંબના કોઈએ ખાદી અપનાવી નથી. અમદાવાદના વસવાટની બાળકોના ઉછેરમાં જે ખોટ રહી તે રહી. પણ આજેય કુટુંબમાં, સગાંઓમાં ને સમાજમાં મારા સંતાનોનીજે છાપ છે તે ખુબ ઉંચી છે. સ્વભાવે ને નીતીમત્તાએ તેઓ પોતપોતાનાં ક્ષેત્રે નીષ્ઠાવાન તરીકે ઓળખાયાં–સ્વીકારાયાં છે. આજેય એ બધાંને મારી માતૃસંસ્થાનું ગૌરવ છે. મારે મન આ બધું પેલી ખોટની સામેનું રળતર–મળતર છે.

*       નાનાદાદા અને તેમના સૌ સાથીદારો એવા ગુરુજનો મારો આદર્શ રહ્યા છે. બુચદાદા તો મારે મન મંદીરરુપ જ છે. ક્યારેય પણ મન નબળું પડતું લાગ્યું હશે ત્યારે મને તેઓ જ આંખ સામે ઉભેલા દેખાય ! મારાં કાવ્યોના છંદોને તેમણે સંમાર્જીત કર્યાં છે. મારાં જીવનકાવ્યોનો છંદ સમોસુતરો રહ્યો હશે તો તેમાં આ માવતરનો પરતાપ પુરેપુરો ગણું છું.

*       માતા–પીતા તો જન્મ આપીને પછીયે સંસ્કારોનું ધાવણ પીવડાવતાં રહે. માતાએ ધર્મ ને પીતાએ જ્ઞાનમાર્ગ સમજાવ્યો; વનમાળીભાઈએ ગાંધીવીચાર ગાંઠે બંધાવ્યો; બન્ને ભાઈઓએ મને પોષ્યો, ભાભીઓએ બાળપણામાં વીદાય લઈ ગયેલી માતાની યાદ આવવા ન દીધી; સમોવડીયા ભત્રીજા ભૂપતે મારા ભણતરની સગવડો માટે માર્ગ સરળ કરવામાં મદદ કરી; પત્ની તો ધનવાન કુટુંબમાંથી આવેલાં પણ મારી નાણાંકીય ગરીબીને એમણે દેખાવા ન દીધી; બાળકો મને અનુકૂળ થવામાં હોડ બકતા રહ્યા; ભલે ગણ્યાગાંઠ્યા પણ કેટલાક મારા મીત્રો ઉત્તમ પુસ્તકો જેવા મળ્યા; શાપુરમાં પ્રખર ગાંધીવાદી કાર્યકર (મારા બનેવી) સ્વ. ભાનુભાઈ મહેતા, વીદ્યાપીઠમાં આદરણીય ગુરુવર્ય કનુભાઈ જાની, શાંતિભાઈ આચાર્ય, મોહનભાઈ પટેલ જેવા ધુરંધર અધ્યાપકો પાસે ભણવા મળ્યું; નોકરીમાં અનેક વાર મદદરૂપ થનારા માસીયાઈ ભાઈ શંકરભાઈ, પ્રોફેસર પરેશભાઈ મજુમદાર, અરવિંદભાઈ બુચ અને મીલના શેઠ કમલભાઈ આ સૌનો તો સદાય ૠણી જ રહીશ.

લોકભારતીના સંચાલકમંડળનો પણ, મને અહીં આજે, આમ ઉપસ્થીત કરવા બદલ ખાસ આભાર માનું છું.

અનેક સંસ્થાઓ–વ્યક્તીઓ કે જેમણે મારી નીષ્ઠાને પ્રમાણીને મને આગળ કર્યો –

આ બધાંને આજે યાદ ન કરું તો નગુણો ગણાઉં. આ સન્માન, આ શાલ, આ સામે ઉપસ્થીત રહેલો સમુહ, લોકભારતીનો આ વીશાળ ખંડ અને પુસ્તકો મને એક નવા પરીપ્રેક્ષે મુકી દે છે. કેવળ આભાર કે કેવળ ધન્યતા દર્શાવીને છુટી શકાય તેમ નથી. આંખે ઝળુંબી રહેલું એક અશ્રુબીંદુજ કંઈક કહી શકશે.

ઉપરોક્ત સૌ અને કદાચ ચુકાઈ ગયાં હોય તો તે સૌને પણ ભાવપૂર્વક સ્મરીને અહીં અટકું.

10 thoughts on “લોકભારતી દ્વારા સન્માનનો પ્રતીભાવ.

 1. જુગલકિશોરભાઈ,

  આ વાંચીને મનમાં આવેલા ભાવો દર્શાવીશ તો અતિશયોક્તિ જ લાગશે એટલે કહેવાનું ટાળુ છુ પરંતુ હ્રદયથી આપને વંદન એટલુ જ કહીને અટકીશ.

  રેખા સિંધલ

  Like

 2. પ્રિય જુગલભાઈ,
  મારે જે કહેવું છે તે ખરેખર જ રેખાબહેને કહી દીધું છે, એટલે એમાં સુર પુરાવું છું. બસ, ઉમેરીશ તો એટલું જ કે ગાંધી તો સદીઓમાં એક થાય, પણ એના માર્ગે જનારો કેવો હોય તે તમારી ’કચાશો’ની નિખાલસ વાતોથી સમજાયું.આમાંથી ગાંધીની ઝાંખી મળી.

  Like

 3. મને બહુ જ સંકોચ હતો, આને નેટ પર મુકવા અંગે. પણ આ બહાનેય ક્યારેક મનની વાતો કોઈ જાણે એવો લોભ રહે છે.

  ગાંધી માર્ગ બહુ કપરો છે. એની સુક્ષ્મતા એવી છે કે એ માર્ગે ચાલવું લગભગ અશક્ય છે. એના અનુયાયી કહેવડાવવાનીય હીંમત નથી. જીવનભર શીક્ષણકાર્ય અને તેય નઈ તાલીમના રસ્તે કર્યાનો સંતોષ જ બહુ છે.

  આપ સૌને ગમ્યું એનો સંતોષ છે. ખુબ આભાર સાથે …

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.