ઈચ્છાડી જીતી ગઈ….!

નોકરીમાંથી નીવૃત્તી (૨૦૦૨માં) આવ્યા પછીની પ્રવૃત્તીરુપે કેટલાંક નવાંનવાં કાર્યો જેમજેમ આવતાં ગયાં તેમતેમ તેને સ્વીકારવાનું થયું હતું. પણ નીવૃત્તી વખતે જ લેવાયેલા બે નીર્ણયોને મહદ્ અંશે વળગી રહી શકાયું હતું તે સાનંદાશ્ચર્યની બાબત રહી. આ બે નીર્ણયોમાંનો એક તે કોઈ સ્થાન કે હોદ્દો ન લેવાનો અને બીજો નીર્ણય તે કમાણી માટે કોઈ પણ કામ ન સ્વીકારવું તે. કેટલાક મહત્ત્વનાં સ્થાને બેસવા માટે કહેવામાં આવ્યું ત્યારે સાવ સહજતાથી એનો સાદર અસ્વીકાર કરવાનું બની શક્યું પણ એને જ કારણે કેટલાક મીત્રો, વડીલોને નારાજ કરવાનું થયું. સાતેક મહત્ત્વનાં સ્થાનો પર કાર્ય કરવાની તક આવી તેનો પણ અસ્વીકાર કરી શકાયો.

નેટ પર આવવાનું સાવ ઓચીંતું જ થયું. એણે બહુ જ કાર્યશીલ રહેવાની તકો આપી અને હૈયે પડેલું કેટલુંય બહાર લાવવાના સંજોગો આપ્યા. ૬૦૦ જેટલાં મૌલીક લખાણો (જેની કક્ષા અંગે ફક્ત મૌન જ હોય) નેટ પર મુકાયાં. પણ વાંચવાનું એને જ કારણે ઘટી ગયું ! અનેકોની સાથે સંપર્કમાં આવવાનું બન્યું. અનેકોને નારાજ અને કેટલાકોને ગુસ્સે કરવાનું પણ બન્યું. પણ એકંદરે વાચકોના સ્નેહનું પલ્લુ જ વજનદાર રહ્યું.

કેટલાંય ગ્રુપ્સમાં સભ્ય તરીકે જોડાવાનું બન્યું. આમાંનાં મોટા ભાગનાં ગ્રુપ્સમાં તો આવડતના અભાવે ભાગ પણ બહુ ન લઈ શકાયો ! કેટલાકમાં મીત્રોની મદદ લઈલઈને ભાગ લીધો તો કેટલાકમાં અણઆવડતે કરીને અભણપણુંય સાબીત કરી શકાયું !! (એમાંય હમણાંથી કેટલાંક સ્થળે તો સાવ અભદ્ર સામગ્રી પીરસાતી જોવા મળી !)

*****   *****   *****

છેલ્લા એક વરસથી પ્રવૃત્તીમાંથીય નીવૃત્તી લેવા મન લલચાયા કરતું રહ્યું. કેટલીય વાર એને માટે પ્રયત્નરુપ જાહેરાતોય કરી. પણ માંકડું મન માને તોને ! પુજ્ય નાનાદાદા દ્વારા સ્થાપીત અને દર્શક સંચાલીત ‘કોડિયું’ના સંપાદક તરીકે બે વરસથી આવી મળેલી ફરજ એટલે સ્વીકારી કે એ કામ માતૃસંસ્થા પ્રત્યેની ૠણચુકવણીરુપ હતું. એવી રીતે ઉંઝાજોડણીના કાર્યમાં પણ આદરણીય ગુરુજીના આગ્રહે કરીને મંત્રીપદ સ્વીકારવું પડેલું પણ એમને મનાવીને એ પદ તો છોડી શકાયું. નેટ પર ઉંઝાજોડણીનાં સામયીકોની પીડીએફ ચડાવવાનું કામ સ્વીકાર્યું તે પણ ફરજરુપે.

હવે –

એક વરસથી ચાલી આવેલી લાલચને વશ થવા મન છે. બધાં જ ગ્રુપોમાંથી સબ્સ્ક્રીપ્શન પાછું ખેંચી લેવાનું; બ્લોગીંગને હમણાં આરામ આપીને, પણ લખાણોને વાચકો માટે ઉપલબ્ધ રહેવા દેવાનું; કોડિયુંની કામગીરી ચાલુ રાખીને હોદ્દો (સંપાદકનો) છોડી દેવાનુ; બધાં જ સામયીકોની પીડીએફી કામગીરી અન્યને સોંપી દેવાનું…..અને –

કેવળ વાચન પર જ સ્થીર થવાનું નક્કી થઈ શક્યું છે. (તબીયત ઘણી સારી છે. ભુખ અને ઉંઘ તરફથી સહકાર પુરતો છે.)

ઓછામાં ઓછું એક વરસ તો આમ જ…પછીની વાત પછી.

આ લખાણ કોઈ વીદાયસંદેશ નથી. આ કોઈ આધ્યાત્મીક વાત પણ નથી (એને માટેની લાયકાત ક્યાંથી કાઢવી ?) પરંતુ મને લાગે છે કે, મારી આજીવન વીશેષતા એવી આળસની પછવાડે ડોકાતી એક તીવ્રેચ્છા –‘ઈચ્છાડી’ –ને જીતવા દઈને અપાતું માન ફક્ત છે !!

સૌનો ખુબ જ આભાર અને અનેક શુભેચ્છાઓ સાથે –

– જુ.

14 thoughts on “ઈચ્છાડી જીતી ગઈ….!

 1. જુગલદાદા આપ આપના માટે અને આપના પસંદગીના વાચન માટે જરૂર વધુને વધુ સમય ફાળવો પણ બ્લોગીંગ અને કોડિયુંના સંપાદકના હોદ્દા માટે અઠવાડિયામાંથી થોડો સમય જરૂર ફાળવશો . જુગલદાદા તમારી અત્યાર સુધીની જીન્દગીનો નિચોડ આપવાનો સમય પાકી ગયો છે ત્યારે તમે વાચકોથી અલગ થવાનો વિચાર કરો છે તે અયોગ્ય છે . આપના મૌલિક લખાણ થકી મારા જેવા વાચકોને ઘણું અવનવું વાંચવા મળે છે અને આપની ઉંમરના બ્લોગર પણ ઓછા છે તો આપના સમયની અવનવી વાતો અમને ક્યારે જાણવા મળશે . હજુ આપની પાસેથી સ્વ. ન.પ્ર.બુચ અને નાનાદાદા વિશેની વધુ જાણકારી જાણવી બાકી છે , આ આપ સિવાય કદાચ બીજા કોઈ બ્લોગર પાસેથી જાણવા નહી મળી શકે .

  Like

  1. તમારા સવાલો મને યાદ કરાવતા રહેજો. વ્યક્તીગત મળવાનું જરુર રાખીશું. બુચદાદા અંગે તો પુસ્તીકાય લખવાની બાકી જ છે. પ્રકરણો જેમ લખાતાં જશે તેમ વ્જણાવીશ.

   સાભાર.

   Like

 2. નિર્ણય તો સરસ અને શુભ છે.
  પણ લખી રાખો…… એ ટકશે નહીં. આ માયાનું વળગણ જ એવું છે!
  —————————–
  ગુટનબર્ગ પ્રેસની શોધ થઈ પછી, જ્ઞાન પ્રસારમાં જે ઉછાળો આવ્યો, એને કોઈ અટકાવી શક્યું નહીં.
  એનાથી અનેક ગણી વધારે શક્તિમાન આ શોધ છે.
  http://en.wikipedia.org/wiki/Printing_press

  Like

 3. આદરણીય શ્રી જુગલકિશોરજી
  સાદર જય યોગેશ્વર
  આપતો સક્ષમ અને સાહિત્ય વિદ સાથે પ્રેરણામૂર્તિ છો અને મહામૂલો લાભ આપે વિના મૂલ્યે
  અનેક પ્રવૃત્તિઓનું સંકલન કરી સૌને આપ્યો છે.તમારા થકી લાભ જ હશે એ ભાવ સતત મારા
  મનમાં રમતો રહે છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. નેટ દ્વારા આપની મુલાકાત થઇ, આપનો વરદહસ્ત મારા મસ્તક પર રહ્યો, અને સંદેશાઓનાં અમિછાંટણા વરસતા રહ્યા છે તેની ધન્યતા અનુભવી રહ્યો છું. આપનો જિપ્સીની ડાયરીને મળી રહેલો પ્રતિભાવ એક આશિર્વચન સમાન શિરોમાન્ય છે.
  મહાકુંભમેળામાં સાધુ-સન્યાસીઓ જે માર્ગ પરથી પસાર થાય છે ત્યાં કેટલાક લોકોને આળોટતા જોઇ એક પત્રકારે એક વ્યક્તિને પૂછ્યું, ‘તમે લોકો આવું કેમ કરો છો?” તેને જવાબ મળ્યો, “આ સંતોમાં એવા કેટલાય મહાત્માઓ છે, જેમની ચરણધૂલાનો લાભ અમને મળતો નથી. આ એવો અનન્ય લાભ છે, તે કેમ છોડી શકું?”
  આ વાત કહેવાનું તાત્પર્ય એ છે કે આપ નાનાભાઇસાહેબ, દર્શક સાહેબ જેવા સંતોના સાન્નિધ્યમાં રહી ચૂક્યા છો. તેમનો કૃપાપ્રસાદ આપને મળ્યો છે અને આપ થકી અમારા જેવા સામાન્ય લોકોને. હું ભાવનગરમાં શાળામાં ભણતો હતો ત્યારે મૂળશંકર ભટ્ટ સાહેબે અનુવાદ કરેલા રૉબર્ટ લુઇ સ્ટિવન્સન તથા જ્યુલ્સ વર્નનાં પુસ્તકો વાંચ્યા, મહાન મુસાફરોની વાતો વાંચી અને તેનો પ્રભાવ જીવનભર રહ્યો. આપ તેમના સાથી હતા તે જાણી આપની સમક્ષ મસ્તક સાહજીક નમે છે.
  નેટજગત દ્વારા સહવાસનો લાભ આપતા રહેશો!

  Like

  1. હું સર્વશ્રી મૂળશંકરભાઈ, ન.પ્ર. બુચ તથા મનુભાઈનો વીદ્યાર્થી હતો. તેમની પાસે સ્નાતક થયો. આ વર્ષોએ મારા જીવનમાં અત્યંત સાત્ત્વીક ખાતર–પાણી પુર્યાં છે. એ અર્થમાં હું ભાગ્યશાળી છું. આજે પણ એમના પગલે યથાશક્તી–મતી ચાલવા મથું છું..

   મને ૬૮મું વરસ ચાલે છે. આપનાથી મોટો ન હોઈ શકું. મારે વળી વરદહસ્ત કેવો ? આપણે તો વાચક–સહયોગીઓ ગણાઈએ. આમ મળવાનું બને છે એ કાંઈ જેવુંતેવું સદ્ભાગ્ય છે ?!

   સાભાર, – જુ.

   Like

 5. આપના અનુભવોના મૂલ્યવાન ખજાનામાંથી પ્રસાદી મળતી રહેશે તે વિશ્વાસ છે બ્લોગીંગમાં સમય ઘણો જતો રહે અને ફરજના કામ પણ સમયસર થાય નહી તે અનુભવ થકી આપની વાત સમજુ છું બાકી આળસનો અને તમારો કોઈ મેળ જણાતો નથી મારા બ્લોગ પર આજે મેં સત્યના પ્રકારો લખ્યા છે આપનો અભિપ્રાય બહુ ઉપયોગી થશે જો બની શકે………

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.