પ્રજા–આંદોલન : (૧)

વાતાવરણને આંદોલીત કરવાનું ધર્મકાર્ય                          – જુગલકીશોર.

આંદોલન શબ્દ પોતે જ બતાવે છે કે તેનું કામ વાતાવરણને આંદોલીત કરવાનું છે. 

છ દાયકાથી ને ખાસ કરીને આત્માના અવાજને બહાને પોતાનાઓને જ છેહ દેવાની શરુઆત થઈ (નવાઈ તો એ છે કે આ મહાકાર્ય ગાંધીના શતાબ્દી વર્ષમાં જ થયું જેણે ‘ગાંધી’ અટકનું અવમૂલ્યન કર્યું !) ત્યાર બાદ ભ્રષ્ટાચારને કોઈ કરતાં કોઈ છોછ ન રહ્યો.

સમાજના પ્રશ્નોમાં ફક્ત વધારો થતો ગયો એટલું જ નહીં પણ એ પ્રશ્નોએ ડઠ્ઠરતાની ઉંચાઈઓ સર કરવા માંડી. પાંચ વર્ષે આવતી ચુંટણીઓમાં લોકવીશ્વાસ હતો તે ગયો. ને ખાસ કરીને પક્ષોના ગઠબંધનથી રચાતી સરકારોએ તો પ્રશ્નોને વકરાવી મુક્યા. લોકોને નહીં પણ આગેવાન ગણાતા લોકોને હાથમાં લઈને જે પીરામીડ બનતો ગયો તેમાં ઉપર રહેનારા માણસોની સંખ્યા પીરામીડના નીયમ મુજબ ઓછી હોવા છતાં એમના મસલ્સ અને મનીપાવરના વજનથી પીરામીડનો નીચલો થર દબાતો ગયો. એટલો બધો દબાયો કે બોલી પણ ન શકે એટલો ગુંગળાઈ ગયો !

આ બધાંની વચ્ચે ધર્મના નામે બાપુઓ–ગુરુઓએ પણ હાટડીમાંથી કોર્પોરેટ કક્ષાના મૉલ ખોલી નાખ્યા. ચેનલોએ એમાં પણ ફાળો આપ્યો. મીડીયાની તાકાત ‘સૌને’ ખ્યાલમાં આવી ગઈ ! ફક્ત લોકો જ એ સમજી ન શક્યા ! લોકોને ટીવીની ઘેન ચડાવનારી ચુઈંગગમ આપીને બેહોશ (કે મદહોશ ?) કરી દેવાયા.

કેટલાક પોતાને બુદ્ધીજીવી કે બુદ્ધીવાન કહેવા લાગ્યા ને સુધારા કરાવવાની સાથે સાથે સદીઓથી જેણે લોકશિક્ષણ કર્યું છે તેવા ધર્મને, અંધશ્રદ્ધાનું નામ આગળ કરીને, જે દોષીત નહોતો તે ભગવાનનેય સપાટામાં લઈને દેશવટો આપ્યો !! આ બુદ્ધીવાન લોકોએ, લોકોની સાચી વાતનુંય સમજ્યા વગર અવમુલ્યાંકન કરી નાખ્યું. બાકી હતું તે શિક્ષણમાં પણ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. આમ સમાજના સૌથી મોટા અને મહત્ત્વનાં અંગોને એરુ આભડી ગયો.

આવા ગુંગળામણના સમયે જ્યારે કોઈ એકલદોકલ માણસ તાકાત બતાવીને સમુહને આકર્ષે તો એનીય કેવળ બુદ્ધી વડે ટીકા કરીને વીઘન નાખવાની રસમો થતી રહી. તાટસ્થ્ય એ કોઈ બુદ્ધીવાદનો ઈજારો નથી. અભણ માણસ પણ ખરા અર્થમાં તટસ્થ રહી શકતો હોય છે. આવા કહેવાતા અભણ માણસોએ સદીઓથી જે તાટસ્થ્યપુર્ણ વ્યવહારો આચર્યા છે તેમાંથી શીખવા જેવું ઘણું છે. 

ઉપવાસ સાવ શુદ્ધ હોઈ શકે કે કેમ તે પ્રશ્ન છે. ગાંધીજીના ઉપવાસો ‘પોતાના’ માણસોની ભુલો માટેના પ્રાયશ્ચીતના હતા. એટલે તે ઉપવાસો જાત માટેના જ કહેવાય. છતાં ક્યારેક એમાંય ત્રાગું  હોય તેવું લાગ્યા વીના રહેતું નથી. એટલે અણ્ણાજીએ કરેલા ઉપવાસને લેસર ઈવીલનો લાભ આપીનેય સમજવાની જરુર તો છે જ. રામ ભગવાન કહેવાય પણ ધનુષ્યને માફ કરી ન શકાય. ને છતાં જ્યારે અહીંસા શોધાઈ ન હોય તેવા સમયે એને હીંસક હથીયાર કહેવાને બદલે એક માત્ર હાથવગો ને અસરકારક  ઉપાય કહેવો ખોટો નહીં. “ઉપવાસો ન હોત તો જાડી ચામડી અણ્ણાને ગણકારેત ખરી ?” એવા સવાલની આડશ લઈને હું એને અવગણતો નથી છતાં જે થયું તેમાં આ ત્રાગાંનેય ન્યાય આપવામાં વાંધો નહીં એવી કામચલાઉ સમજણ ચલાવી લેવી રહી, બીજું શું ?!

અણ્ણાજી ભગવાન નથી. તેઓ ગાંધી પણ નથી (ને ગાંધી પણ ભગવાન નથી); છતાં ૬૫ વરસ સુધી કોઈ માયના લાલે જે નહોતું કર્યું તે કામ એમણે ૭૪ની ઉંમરેય કરી બતાવ્યું એને દાદ દેવાનું  તો ઘેર ગયું, પણ એને ખણખોદવું કે નીંદવું એમાં આપણી બૌધીક સ્થીતીનું પ્રદર્શન થતું જણાય છે. 

સૌને સલામ સાથે, જય આંદોલન !

11 thoughts on “પ્રજા–આંદોલન : (૧)

 1. અન્નાજીએ દરેક ભાગ લેનાર પાસે પ્રતિજ્ઞા લેવડાવવાની હતી કે – આજ પછી હું એક રૂપિયો ખોટો નહિ આપું અને નહિ લઉં – તો સોનામાં સુગંધ ભળી ગયી હોત…

  Like

 2. શ્રી જુગલકીશોરભાઈ, નમસ્કાર.
  અણ્ણાજી, આંદોલન, સરકાર, અસરકાર જેવા મુદ્દાઓ પર એક છેડે કે પછી બીજે છેડે ઘસડાતા વિચારો વચ્ચે આપનો વિચાર વિશેષ ગમ્યો, વધુ તટસ્થતાપૂર્વક અવલોકન થયાનું લાગ્યું. માર્ગદર્શક પણ લાગ્યો. ભાગ-૨ નીં રાહ રહેશે.
  બાર દહાડાની મહેનત થકી કોણે શું મેળવ્યું, કોણે શું ગુમાવ્યું તેનું સરવૈયું કાઢવું જોઈએ. એક વાત મારે ધ્યાને આવી કે પ્રજાએ આત્મવિશ્વાસ મેળવ્યો અને રાજદ્વારીઓએ આત્મવિશ્વાસ ગુમાવ્યો. બાકી લોકપાલ ખરડાની તકનિકી વાતમાં તો સ્થિતી એ જ રહી છે જે આંદોલન પહેલાં હતી ! વિજયનાં ઢોલ-નગારાં અને ફટાકડાઓનાં ધૂમધડાકા વચ્ચે કોઈને આ વાત ગમશે તો નહીં પરંતુ મહાબુદ્ધિમાન રાજદ્વારીઓ અને લાગતા વળગતાઓએ પ્રજાને માત્ર ઊંધે હાથે કાન પકડાવી દીધાનું લાગે છે ! હજુ વિજયોત્સવ મનાવવાનો આ સમય નથી, ભ્રષ્ટાચાર નાબુદી બહુ દુરની કોડી છે. આશા રાખું હું ખોટો ઠરૂં. આભાર.

  Like

 3. શ્રી જુગલભાઈ,
  શ્રી અણ્ણા હઝારેના આંદોલને દેશમાં એક નવી હવા ઊભી કરી છે. ૭૪ વર્ષનો માણસ ઉપવાસના ૧૨ દિવસ પછી પણ સ્વસ્થ ઊભો રહે અને સૂત્રો પોકારાવી શકે એટલી શક્તિ શરીરમાં બચી હોય એ જ આશ્ચર્યની વાત છે. મારે ૧૨ કલાકના ઉપવાસ કરવાના આવે તો પણ મારા માટે એ અઘરૂં છે!

  આમ છતાં, શ્રી અશોકભાઈ કહે છે તેમ, પરિણામની દૃષ્ટિએ એમની જે માંગ હતી તે રીતે કશું નથી થયું એ વાતની નોંધ પણ લેવી જોઇએ. આ આંદોલનને (૧) ભાવના (૨) માંગ (૩) કાર્યપદ્ધતિ, અને (૪) પરિણામ – એમ વિભાગ પાડીને જોવું જોઇએ.

  (૧)ભાવનાની બાબતમાં તો સો ટકા લોકો અણ્ણા-આંદોલન સાથે જોડાયેલા છે.

  (૨)માંગની બાબતમાં લોકપાલ હોવો જોઈએ એ બાબતમાં મતભેદ ન હોઈ શકે , જો કે આપણી નૈતિકતા એટલી નીચે ગઈ છે કે લોકપાલ પણ ભ્રષ્ટ બની જાય એવી કોઇને શંકા હોય તો અસ્થાને ન ગણાય. એેમ તો આપણે ત્યાં ચૂંટણી પંચ પણ ૧૯૫૦થી છે, પણ એની હાજરીની ખબર તો માત્ર ટી.એન. શેષન પછી પડી અને આજે બધા રાજકીય પક્ષો પણ એનાથી ડરે છે. આમ વ્યક્તિ તરીકે અથવા સંસ્થા તરીકે લોકપાલ કેમ વર્તે છે એના પર ઘણો આધાર રહે છે.

  (૩) અણ્ણા-આંદોલનના સૂત્રધારોએ અપનાવેલી કાર્યપદ્ધતિ મતભેદનો વિષય બની શકે છે. એ બરાબર છે કે એમણે જન-લોકપાલ વિધેયકનો મુસદ્દો રજૂ કર્યો, પરંતુ એનો અર્થ એ નથી થતો કે એ જ પરિપૂર્ણ મુસદ્દો છે. એમાં NGOs અને કંપનીઓના ભ્રષ્ટ આચરણની તપાસનો ઉલ્લેખ નથી, જે સરકારી મુસદ્દામાં છે. તે ઉપરાંત અરુણા રોય અને જયપ્રકાશ ગ્રુપના મુસદ્દો પણ છે. આ બધામાંથી સારામાં સારૂં હોય તે લેવું જોઇએ. આગ્રહ ‘લોકપાલ વિધેયક’ માટે હોવો જોઇએ, ‘અમારા વિધેયક’ માટે નહીં. અને અરુણા રોયે રાજસ્થાનમાં ખૂબ કામ કર્યું છે. ત્યાં પંચાયતોને એમનાં નાણાં કેમ ખર્ચાય છે તે બોર્ડ પર લખીને દેખાડવાનો કાયદો કરાવવામાં સફળ રહ્યાં છે. RTI Act એનું જ પરિણામ છે, જેનો ઉપયોગ ભ્રષ્ટાચારને ખુલ્લો કરવામાં થયો છે અને કેટલાયે ઍક્ટિવિસ્ટોએ જાન ગુમાવ્યા છે. એટલે અરુણા રોયને ‘ગદ્દાર’ કહેવાનું અન્યાયપૂર્ણ છે. સ્વામી અગ્નિવેશ બાળ વેડિયા મજૂરોને માલિકોની કેદમાંથી છોડાવી લાવ્યા છે. દાયકાઓથી આ ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિને જે રીતે અપમાનિત કરાયા તે પણ ખરાબ જ કહેવાય.

  ગાંધીજીની રીત હતી ન્યૂનતમ માંગ મા્ટે લડવાની. આ આંદોલનમાં અધિકતમ માંગ કરવામાં આવી – અમારૂં જન લોકપાલ બિલ જ પાસ કરો અને તે પણ અમુક દિવસોની અંદર. આથી, અંતે પાછા હટવું પડૅ જ અને અશોકભાઈએ કહ્યું તેવું જ પરિણામ આવે.

  આપ કહો છો કે અણ્ણાને ગાંધીજી શા માટે માનવા? સાચી વાત છે, પણ ગાંધીજીના વ્યૂહનું શું? માત્ર સિદ્ધાંત સ્વીકારી લેવાય તો ગાંધીજી એ સિદ્ધાંત લાગુ કરવાનાં પગલાં શું લેવાય છે તેની રાહ જોતા હતા. એટલે એમની બહુ નાની દેખાતી માંગની પાછળ આખો આફતનો આઇસબર્ગ છુપાયેલો રહેતો અને સરકારને એ નજરે પણ ન ચડતો! આઝાદી પછી થયેલાં બધાં આંદોલનોમાં ‘વધુમાં વધુ માંગ અને પછી વચલો રસ્તો’ એ સિંદ્ધાંત રહ્યો છે, .

  આમ. કાર્ય પદ્ધતિ વિવાદાસ્પદ રહી.

  આ મુદ્દો જ એવો હતો કે સૌ સામેલ થાય. અણ્ણાએ હવે ખેડૂતો, જાહેર આરોગ્ય સેવા સુધારવી, પ્રાથમિક શિક્ષણ સુધારવું, ચૂંટણી સંબંધી સુધારા કરવા વગેરે પ્રોગ્રામ સૂચવ્યો છે.

  આમાંથી મીડિયાને ‘રાઇટ ટુ રિકૉલ’માં ચાર જણને બેસાડીને ચર્ચાઓ કરાવવા પૂરતો રસ હશે પણ બીજા મુદાઓ તરફ એનું વલણ હમણાં જ દેખાઈ ગયું છે. અણ્ણાજીએ ઉપવાસ છોડ્યા ત્યારે તો ‘લાઇવ’ પ્રસારણ થતું હતું, પણ તે પછી જ્યારે એ સમાચારો આખો દિવસ મીડિયાએ ફરી ફરી આપ્યા ત્યારે ખેડૂતો, આરોગ્ય સેવાઓ, પ્રાથમિક શિક્ષણ વગેરે મુદ્દા ‘એડિટ’ થઈ ગયા હતા!

  (૪) આમ છ્તાં, પરિણામ અશોકભાઈને જેટલું નિરાશાજનક લાગ્યું એટલું મને નથી લાગતું. સંસદીય કાર્યપદ્ધતિ પ્રમાણે જ કાયદો બનવાનો છે એ તો સ્પષ્ટ છે. હવે જે આવશે તે ૧૦૦% જન લોકપાલ બિલ નહીં જ હોય તે પણ સ્પષ્ટ છે. સંસદ સર્વોપરિ છે એ પણ આપણે માનવું જ જોઇએ. પરંતુ સંસદસભ્યો સર્વોપરિ નથી. એમના પર પહેલી વાર જનાક્રોશની અસર થઈ અને હવે ભવિષ્યમાં એ લોકો સંસદની ગરિમા જાળવી રાખવાની સાથે જનતાની ભાવનાઓનું પણ ધ્યાન રાખતા થઈ જશે. લોકપાલ વિધેયક બન્યું કે નહીં એ કાનૂની અને બંધારણીય મુદ્દો છે, પણ સંસદસભ્યોને જન-આંદોલનની તાકાત સમજાઈ એ રાજકીય મુદ્દો છે. એ દૃષ્ટિએ નિરાશ થવાનું કારણ નથી.

  આ સાથે એ પણ યાદ રાખવું જોઇએ કે આપણે સંસદ શું કરે છે તે તો જોતા હતા પણ ગુજરાતમાં સાડાસાત વર્ષથી લોકાયુક્તની નીમણૂક નહોતી થઈ એ બાબતમાં મૌન ધારણ કરી રાખ્યું! લોકપાલ આંદોલન પક્ષવિશેષ વિરુદ્ધનું આંદોલન છે કે ભ્રષ્ટાચારની નાબૂદી માટેનું? રાજ્યપાલ્ર સરકારને બાજુએ મૂકીને પોતાનો અધિકાર વાપરીને લોકાયુક્તની નીમણૂક કરે છે અને સરકાર એને કોર્ટમાં પડકારે છે! ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ આ બાબતમાં કશી જ ટિપ્પણી નથી કરી, કારણ કે એક બાજુથી અણ્ણા હઝારેને ટેકો આપે અને ગુજરાતમાં લોકાયુક્ત ન હોય તેને પણ ટેકો આપે એવું ન બની શકે. આ બાબતમાં પણ વિચારવું જોઇએ કે જનતા આ સંબંધમાં શું માને છે.

  બહુ લાંબું થયું છે તો ક્ષમા કરશો. આમ છતાં તમે આપેલી કાવ્યકૃતિની પ્રશંસા કર્યા વિના સમાપ્ત નથી કરતો.xxx

  Like

  1. આપ બન્નેના અભીપ્રાયો સાથે જ રહું છું. બીજા લેખોમાં જેમજેમ વીષય પકડાતો, ઉકેલાતો જશે તેમતેમ ચર્ચવાનો ઉપક્રમ છે જ. આપના અભીપ્રાયો એ વખતે મને કામમાં આવવાના જ છે.

   ખુબ જ અાભાર સાથે.

   Like

  2. શ્રી.દીપકભાઈ,
   પ્રથમ તો હું પણ આ સ્થળે આપનો આભાર માની લઉં. બહુ મુદ્દાસર છણાવટ આપી છે. આ મુદ્દે આપનું મારી વધુ પડતી નિરાશા બાબતનું અવલોકન પણ હું સ્વિકારૂં છું, આપની વાત સાચી છે પરંતુ એક સામાન્ય માણસ લેખે હું, દૂધનો દાઝ્યો છાસ ફૂંકી પીએ એ ન્યાયે, જરૂર કરતાં વધુ નિરાશાવાદી બન્યો છું. જો કે મારે થોડું આશાવાદી રહેવું જોઈએ એ વાત હું સ્વિકારૂં છું.

   અન્ય મુદ્દાઓની તો આપે અને શ્રી.જુ.ભાઈએ સુંદર અને વિચારપ્રેરક છણાવટ કરી જ છે જે અમ જેવાને બહુ ઉપયોગી બને છે. પરંતુ મને શંકા ઉત્પન્ન થવાનું એકાદ કારણ હું દર્શાવું તો આંદોલન દરમિયાન એક સમયે, કદાચ હીત ધરાવતા લોકો પ્રેરીત, એક ઘટના એવી પણ બનેલી કે ડૉ.બાબાસાહેબનો હવાલો આપી એક વર્ગને ઉશ્કેરવામાં આવેલો. દૃશ્ય એવું રચવામાં આવેલું કે એક કારગર લોકપાલની માંગ કરનારાઓ “બાબા સાહેબનાં રચેલા બંધારણ”ની અવહેલના કરવાનાં માર્ગે છે. ટુંકમાં સમાજના એક વર્ગને સામો ધરીને પ્રતિઆંદોલન જેવી સ્થિતિ ઉભી કરવાનો પ્રયાસ પણ થયો. જો કે લોકોની સમજશક્તિએ આ પ્રયાસ નિષ્ફળ કર્યો. હવે જ્યારે આ કાનૂન લંબાણભરી પ્રક્રિયામાં ફસાયો છે ત્યારે તેને હજુ પણ આવી આંટીઘૂંટીમાં ફસાવી દેવાના પ્રયાસો નહીં જ થાય એમ માનવું વધારે પડતું લાગે છે. (ભૂતકાળમાં આવું થયું જ છે અને માટે તો ૪૦ વર્ષોપરાંતથી આપણે પ્રતિક્ષારત છીએ !) છતાં અણ્ણાજીનાં આ આંદોલનની એક ફલશ્રૂતિતો મેં આગળ કહ્યું તેમ મળી જ છે કે ગાંધીમાર્ગ પ્રતિ લોકોનો આત્મવિશ્વાસ વધ્યો. આપણે પણ કોઈ નિષ્કર્ષ કાઢી તેને અંતિમ સત્ય માની બેસી નહીં જ રહીએ પરંતુ પરિસ્થિતિ અનૂસાર પોતાના વિચારોને પ્રવાહી રાખીશું જ. (અહીં આપણે કહેતાં માત્ર હું, તમે જ નહીં, સામાન્ય જનસમુહ તરફ પણ નિર્દેશ છે)

   ગુજરાત મુદ્દો પણ જોતાં, આપણા સાંસદો માત્ર પક્ષકેન્દ્રિત વિચારસરણીથી ઉપર જઈ અને જનકેન્દ્રિત વિચાર કરે તે હજુ તો દિવાસ્વપ્ન સમું લાગે છે પરંતુ જોઈએ આગળ શું થાય છે. શ્રી.જુ.ભાઈ અને આપ સમા મિત્રોની આ તટ્સ્થ વિચારપ્રક્રિયા અમ જેવા માટે માર્ગદર્શનરૂપ છે. આવા લાંબા પ્રતિભાવો બદલ હું પણ શ્રી.જુ.ભાઈની ક્ષમા માંગી લઉં. (એવું હોય તો નાનેરા ભાઈ ગણી નિસંકોચ જણાવી દેવું હો !) આભાર.

   Like

   1. પ્રિય અશોકભાઈ,
    હું પરિણામને લાંબા ગાળામાં જોઉં છું. મને લાગે છે કે સરકાર હવે એવી હિંમત નહીં કરે. માત્ર આ સરકાર નહીં, કોઈ પણ સરકાર લોકપાલ બિલ ન લાવવાની ભૂલ નહીં કરે.જેમ કટોકટી લાદવાની હિંમત કોઈ કરી શક્યું નથી તેવું જ આનું છે. આપણી રાજકીય પ્રવૃત્તિઓમાં લોકપાલે ધ્રુવપંક્તિનું સ્થાન લઈ લીધું છે.

    આમ છતાં, જન લોકપાલ બિલ વાંચ્યા વિના, એની બીજાં વિધેયકો સાથે તુલના કર્યા વિના ટેકો આપનાર નિરાશ થાય એ શક્ય છે.

    દલિત નેતા ઉદિત રાજ, માયાવતી વગેરે આ આંદોલનની વિરુદ્ધ હતાં. ખરી વાત એ છે કે આપણે મોટા ભ્રષ્ટાચારથી ભારે રોષ અનુભવીએ છીએ પણ આપણા રોજના જીવનમાં નાનો ભ્રષ્ટાચાર નડે છે. અને આ ભ્રષ્ટાચાર જેમ માણસ વધારે ગરીબ તેમ વધારે ધારદાર બને છે. એટલે આજનો નાનો ભ્રષ્ટાચાર મારા કરતાં દલિતને વધારે કઠશે. એટલે, આ આંદોલનને ટેકો આપવા માટે દલિતોએ તો સૌથી પહેલાં આગળ આવવું જોઇએ એમ હું માનું છું.પણ દલિતો આગળ આવે તો એમના નેતાઓની દુકાન બંધ થઈ જાય.
    એવું જ મુસ્લિમ નેતાઓનું છે. મુસલમાનો ગરીબ છે અને ભ્રાષ્ટાચારની એમના પર વધારે અસર થશે. એક કામ માટે દસ હજાર રૂપિયા આપવાના હશે, તો શક્ય ચે કે એક નાનું કામ કરતો મુસલમાન એ કામ ન મેળવી શકે.પરંતુ, મુસ્લિમ ‘નેતાઓ’ એકઠા થયા અને આ આંદોલનને એમણે ‘મુસલમાનો વતી’ ટેકો આપ્યો, જો કે અમુક મુદ્દા તો ઊભા કર્યા જ. હવે આમાં ‘મુસલમાન તરીકે’ અલ્ગ અભિપ્રાય આપવા જેવું કઈં નહોતું. મેમ મારા અમુક મુસલમાન મિત્રોને કહ્યું પન ખરૂં કે આ લોકો તમને સ્વતંત્ર થવા નહીં દે. વાંક મુસલમાનોનો નથી. વાંક દલિતોનો નથી. એમના નેતાઓની દુકાનોનો છે. આમાં પણ ચિંતા જેવું નથી. જુગલભાઈ કહે છે તેમ આંદોલન શબ્દનું કામ જ સમાજને આંદોલિત કરવાનું છે. દલિત કે મુસલમાન નેતાઓને છોડો, એમના સમાજો એમને પાછળ મૂકીને આગળ વધી જશે.
    આપણે ગુજરાતમાં ‘ઇન્દિરા ઇઝ ઇંડિયા ઍન્ડ ઇંડિયા ઇઝ ઇન્દિરા’ની જૂની મેન્ટાલિટી સ્વીકારી લીધી છે, પાત્ર બદલાઈ ગયાં છે અને પ્રદેશ સીમિત થઈ ગયો છે. આવી માનસિકતા લોકશાહી માટે પોષક છે ખરી? અફસોસ એ છે કે આપણા દેશમાં લોકશાહીનો અર્થ ચૂંટણી પૂરતો સીમિત થઈ ગયો છે.ભ્રષ્ટાચારના ખાંડાધાર વરસાદમાં માત્ર પાડોશીની છત ચૂએ અને આપણી કદી ન ચૂએ એવું નથી.

    Like

 4. આંદોલન કમસે કમ અહીં તો શરુ થયું ! બન્ને વીચારકોની વાત મુદ્દાને અનેકકેન્દ્રી બનાવી ચુકી છે. હું શક્ય તેટલા મુદ્દાઓને આવરી લેવા મથીશ. સાચ્ચે જ ખુબ આભાર સાથે હું આગળ વધવા કોશીશ કરું છું.

  Like

  1. શ્રી જુગલભાઈ, એક ભૂલ સુધારી લઉં. મેં મારી બીજી કૉમેન્ટમાં લખ્યું છે કે ” એટલે, આ આંદોલનનો વિરોધ કરવા માટે દલિતોએ તો સૌથી પહેલાં આગળ આવવું જોઇએ એમ હું માનું છું.”

   સુધારો એ કરવાનો છે કે” એટલે, આ આંદોલનને ટેકો આપવા માટે દલિતોએ તો સૌથી પહેલાં આગળ આવવું જોઇએ
   એમ હું માનું છું.” આભાર.

   Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.