ખોવાયેલા અનુસ્વારો મળી ગયા છે !!

શોધી જુઓ – નીચેના ફકરાઓમાં કેટલાં મીંડાં ?!  

આ સમગ્ર લખાણમાં અનુસ્વારો જાણી જોઈને મૂક્યા નથી. સ્પેલચેકરમાં પણ કદાચ એને તપાસી શકાતા નથી. સૌ વાચકોને એક જાહેર અપીલ કરવાની કે જ્યાં જ્યાં અનુસ્વાર મૂકવાના હોય ત્યાં ત્યાં મૂકીને તમારી જાણકારી તપાસો. કોમેન્ટના ખાનામાં અથવા ઈમેઈલથી આખું લખાણ અનુસ્વારો મૂકીને મને મોકલો અને આપણાં લખાણોમાં જોવા મળતી બહુ જ મોટી ખામીનો સાક્ષાત્કાર કરી જુઓ !!

લીમડા તો ઘણા જોયા. લીમડા ઉપરાતનાં વૃક્ષો પણ ઓછાં તો નથી જ જોયાં. પણ લીમડાનાં વૃક્ષોની તો વાત જ નોખી છે. લીમડાનાંધાં જ અંગો કામમાં આવે છે. એનાં પાન, એની ડાળીઓ, એનાં મૂળ અને એનાં ફળ –  લીંબોળીઓ પણ – એ બધાંના કેટકેટલા ઉપયોગો હોય છે તે જાણીને આશ્ચર્યો થયા વગર રહેતાં નથી.

ઝાડનાં લાકડાં, ઝાડનાં ફૂલ, એનાં ફળ એ બધું જ બહુ કામનું હોય છે. એનાં પાનની તો વાત જ શી કરવી ? ઝાડનાં મૂળ બહુમૂલ્ય; એનાં મૂલ મૂલવવાના અભરખા રાખવા નકામા.

ઝાડવાં તો બધાં જ ઉપયોગી હોય છે. તે બધાંના ઉપયોગો પણ જાતજાતના અને ઘણાધા હોય છે. કોના કેટલા ગુણ ગણાવવા ? કોનાં કેટલાં મૂલ આકવાં, ને ગુણ – માર્ક્સ – મૂકવા ? કોના કેટલા ઉપયોગો છે તે મુજબ એ બધાં વૃક્ષોના ગુણ, એ બધાં ઝાડવાંનાં મૂલ અને એ બધાંનાં કામોના આધારે જ એ બધાંનાં વખાણ કરી શકાય.

ઝાડ જ આપણું જીવન છે. બધા જ જીવોનાં જીવન એના આધારે હોય છે. એ બધાંને બધા જ જીવો વતી મારાં પ્રણામ !

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

અનુસ્વારો અંગેના ખુલાસાઓ –

ઉપરના છ ફકરાઓમાં કુલ બાવન મીંડાં (અનુસ્વારો) મુકાયાં છે. સવાબસો જેટલા શબ્દોમાં બાવન અનુસ્વારો ! એનો અર્થ  એટલો જ કે જો ધ્યાન ન રાખીએ તો આપણી કેટલી બધી ભુલો રહેતી હોય છે ?!

હવે જરા ઝીણી નજરે જોઈએ. 

ઉપરના ફકરાઓમાં “નર જાતીના બહુવચન”ના શબ્દો આટલા છે –

ફકરાઓ, અનુસ્વારો, લીમડા, ઉપયોગો, અભરખા, ગુણ, માર્ક્સ, જીવો.

આ બધા શબ્દોની ઓળખ “કેવો, કેવી, કેવું” પુછવાથી થાય છે. નરજાતીની ઓળખ કેવો શબ્દથી થાય. જેમ કે, ફકરો કેવો ? અનુસ્વાર કેવો ? લીમડો કેવો ? ઉપયોગ કેવો ? અભરખો કેવો ? ગુણ–માર્ક કેવો ? જીવ કેવો ? તમે આ બધા શબ્દોને કેવી ? કે કેવું ? વડે ઓળખી નહીં શકો ! 

જ્યારે “ નાન્યતર જાતીના બહુવચન”ના શબ્દો આટલા છે –
લખાણો, વૃક્ષો, અંગો, પાન, મુળ, ફળ, આશ્ચર્યો (આશ્ચર્યોનું બહુવચન સામાન્ય રીતે હોતું નથી છતાં અહીં જાણીજોઈને કર્યું છે.), લાકડાં, ફુલ, મુળ, મુલ (કીંમત), ઝાડવાં, કામો,  જીવન, વખાણ, પ્રણામ (વખાણ અને પ્રણામ બન્ને હંમેશાં બહુવચનમાં હોય છે)
ઉપરના બધા શબ્દો નાન્યતરજાતીના છે. એની ઓળખ કેવું ? પુછવાથી થશે. જેમ કે, લખાણ કેવું ? અંગ કેવું ? જીવન કેવું ? વગેરે.
હવે જુઓ. જ્યાં જ્યાં નરજાતીના શબ્દો છે ત્યાં ત્યાં તેને લગતા બહુવચન દર્શાવતા બધા જ શબ્દો પર અનુસ્વાર નથી. (જુઓ, ‘શબ્દ’ એ નરજાતીનો શબ્દ છે તેથી તેનું બહુવચન સુચવતો શબ્દ ‘દર્શાવતા’ પર અનુસ્વાર નથી !)  કારણ કે નરજાતીના બહુવચન દર્શાવતા બધા જ શબ્દોને મીંડાં લાગતાં નથી (અહીં જુઓ, મીંડું નાન્યતર જાતીનું છે; એનું બહુવચન મીંડાં કર્યું એટલે એના બહુવચન દર્શાવતા શબ્દ ‘લાગતાં’ પર અનુસ્વાર આવ્યો  !!)
ઉપર બતાવેલા બધા જ નરજાતીના બધા જ શબ્દોનું બહુવચન બતાવનારા સાથે લાગેલા બધા જ શબ્દોને અનુસ્વાર લાગતો નથી.
જ્યારે નાન્યતર જાતીની યાદીમાં મુકેલા બધા જ શબ્દોનું બહુવચન બતાવનારા બધા જ સાથે લાગેલા શબ્દો પર અનુસ્વારો મુક્યા છે !
નોંધઃ ઉપરના લખાણમાં ( અથવા ઉપરનાં લખાણોમાં) ‘માં’, ‘જ્યાં’, ‘ત્યાં’ જેવા શબ્દો પર અનુસ્વાર છે તે ઉપરોક્ત નીયમોને કારણે નથી.
હવે ખાસ વાત–
જેમને વધુ રસ હોય તેઓ નરજાતીના અને નાન્યતરજાતીના જે જે શબ્દો છે તેની સાથે જોડાયેલા બહુવચન દર્શાવતા શબ્દોની યાદી બનાવીને તપાસી જુએ, કે કોણ કયા શબ્દનું જોડાણ બતાવે છે ? (આમ તો મેં બતાવી જ દીધું છે…છતાં !!)
શ્રી દીપકભાઈ ધોળકિયાએ આ ચર્ચામાં સક્રીય ભાગ લઈને કેટલાક મુદ્દાઓ નોંધ્યા છે ! તે આ લીંક પર  જોઈ જવા ભલામણ છેઃ
સૌનો ખુબ ખુબ આભાર અને શુભેચ્છાઓ. જય ગુર્જરી ! જય માતૃભાષા !!
– જુગલકીશોર.

12 thoughts on “ખોવાયેલા અનુસ્વારો મળી ગયા છે !!

 1. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે
  ન હિ ન હિ રક્ષતિ ડુકૃઝરણે
  આ પણ વ્યાકરણના નિયમોન્રે અનુસરી લખાયું છે!
  અનુસ્વારની બારીકી જાણી ઘણું જાણવા મળ્યું.
  અમારા ભગિની સમાજના પાટિયા પર એક તોફાનીએ ‘ભ’ પર અનુસ્વાર મૂકી ગંમ્મત કરી હતી!
  તે વખતે આદરણિય પરીક્ષિતભાઈ સાથે ભંગીકામ કરતા અમેને તો માન મળ્યું તેવું લાગેલું !

  Like

  1. અમારી સોસાયટીમાં પચાસ ટકા મારવાડીઓ રહે છે. આંગણાં બહુ ગંદાં રાખે. એક દી’ મને શું સુઝ્યું કે પાવડો લઈને મારી શેરીની સફાઈ કરવાની શરુઆત કરી. અમદાવાદ નગરીમાં આવું કોઈ કરી શકે ? મેં તો કામ લગભગ પુરું કર્યું પણ એક સ્ત્રીએ મને સરપાવ આપેલોઃ “ભંગી(…)!! બહારથી તો મેં ખીજ બતાવી હતી પણ મને થયેલું કે મને સાચી પહેચાન એમણે આપી.

   હું ભાગ્યે જ મારી અટક લખું છું. મોટે ભાગે અમારા બ્રાહ્મણોને ખીજવવા હું ખાદીનાં કપડાં બતાવીને મારી ઓળખ હરીજન તરીકે આપું છુ;….

   સરસ વાત કરી તમે.

   Like

 2. એક ઉર્દૂ શિક્ષક ને ઉર્દૂ લખાણમાં નુકતા-(જે અનુસ્વર જેવા લગે પણ અનુસ્વર નહિ)
  લખાવાની આદત નહતી.એમણે એક વાર આચાર્યને લખેલ ચિઠીમાં નુકતા ન લગાવ્યા હોય આચાર્યે. ચિઠ્ઠી પાછી આપી. કે નુકતા લગાવીને ચિઠ્ઠી પાછી આપો.
  એમણે ચિઠ્ઠીને નીચે ઘણા મીંડા(નુકતા) લખી દીધા .નોંધમાં લખ્યું કે જ્યાં જરૂર હોય ત્યાં લગાડી લેવા.

  Like

   1. અમારાં એક સાથી બહેનનું પણ આવું જ હતું. જ્યાં અનુસ્વાર જોઈએ ત્યાં ન હોય, અને ન જોઈએ ત્યાં હોય! હું એમને પૂછતો કે તમે શું આખું લખાણ લખ્યા પછી ખોબો ભરીને ઉપરથી અનુસ્વારો વેરો છો કે શું?!

    શ્રી જુગલભાઈ, નારીજાતિના શબ્દોમાં અનુસ્વાર માનાર્થે બહુવચનમાં વપરાય જ એ વાત અનુસ્વારની ચર્ચામાં જરૂરી છે.
    તમે ‘જ્યાં-ત્યા-માં-કાં’ વગેરેના અનુસ્વારોને આ નિયમોથી અલગ દેખાડીને નવા મુદ્દા પર ધ્યાન દોર્યું છે.એમની વ્યુત્પત્તિ વિશે વિચાર કરતો થઈ ગયો છું! આ બાબતમાં પછી મળશું.

    Like

 3. હકીકતે તો મેં અનુસ્વાર પર ઘણું લખ્યું છે. આ લેખ સાથે લીંક્સ આપવાની ભુલાઈ ગઈ છે. જુઓ ને ડોકીયું કરો –
  https://jjkishor.wordpress.com/2007/04/21/vyakaran-2-2/
  https://jjkishor.wordpress.com/2007/04/20/vyakaran-3-2/
  https://jjkishor.wordpress.com/2007/12/24/vyakaran-4/
  https://jjkishor.wordpress.com/2007/12/29/vyakaran-5/
  https://jjkishor.wordpress.com/2007/04/25/vyakaran-7/

  નારીજાતી અંગે આ ફકરાઓમાં ગોઠવવાનું શરતચુકથી રહી જ ગયેલું, નહીંતર ફકરામાં એનેય મુકી દીધા હોત. (એક વાત ધ્યાનમાંઆવી ? છેલ્લા વાક્યમાં “એનેય મુકી દીધા હોત”માં ‘દીધા’ પર અનુસ્વાર નથી મુક્યો. કારણ શું હશે ? કેવી મજાની વાત નીકળી ગઈ, જુઓ !! દીધા શબ્દનો કારણ–શબ્દ ‘એનેય’નો સંબંધ “નારીજાતી અંગે” શબ્દ સાથે છે. નારીજાતી અંગેને કોઈ જાતી નથી. કારણ કે ‘અંગે’ શું ?નો જવાબ અધ્યા’ર રહ્યો છે. એટલે એને માટે જાતી કેમ શોધવી ? ‘એનેય’ શબ્દથી ચલાવાયું હોઈ અનુસ્વારનો નીર્ણય કેમ થાય ?)

  આ આખી બાબતે શ્રી નિશીથભાઈ જ વધુ પ્રકાશ પાડી શકે. હું એમને વીનંતી કરું છું કે આમાં જોડાય અને માર્ગદર્શન કરે.

  Like

  1. શ્રી જુગલભાઈ, તમે આપેલી લિંક્સ પર જઈ આવ્યો. હવે –

   https://jjkishor.wordpress.com/2007/04/25/vyakaran-7/ (છેલ્લા લેખ) વિશે મારો પ્રતિભાવ –

   તીવ્ર અને કોમળ અનુસ્વારો વિશે.
   ગુજરાતીમાં માત્ર ‘અ’ (અથવા બીજા હ્રસ્વ સ્વરો ‘ઇ’ કે ‘ઉ’) સાથે તીવ્ર અનુસ્વાર આવે છે. કોમળ કદી નહીં. ‘આ’ સ્વર માત્ર કોમળ અનુસ્વાર જ લેશે. કોઈ પણ દીર્ઘ ઈ કે ઊ સ્વર કોમળ અનુસ્વાર લે છે – ઈંટ, ઊંટ) એટલે ભીંડો’ શબ્દ તમે તીવ્ર અનુસ્વાર તરીકે આપ્યો છે, પરંતુ મને લાગે છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમાણે આ શબ્દ બાબતમાં ઉચ્ચાર ભિન્નતા હોઈ શકે. ‘ભિણ્ડો’ ઉચ્ચાર અમુક પ્રદેશમાં થતો હશે, અમુક પ્રદેશમાં ‘ભીંડો’ ઉચ્ચાર છે. અહીં મને તો જે સ્પષ્ટ સંભળાય છે તે તો દીર્ઘ સ્વર સાથેનો મહાપ્રાણ છે.

   ગુજરાતીનાં (અને કદાચ બધી ભાષાનાં) અ-આ સ્વરના અનુસ્વારોનાં ઉદાહરણઃ કંઠ/કાંઠો, કંદ/કાંધ, ખંડ/ખાંડ, ખંધો/ખાંધિયો, ગંગા/ગાંધી, ઘંટ/ઘાંટો, ચંદ/ચાંદ, છંદ/છાંડ, જંગ/જાંઘ, ટંટો/ટાંટિયો, ઠંડું/-, ડંઠલ/ડાંડ, ઢંગ/ઢાંકણ, તંત/તાંત, દંત/દાંત, ધંધો/ધાંધલ, નંગ/ નાંદેડ, પંત/પાંતી, ફંડ/ફાંદ, બંડ/બાંડિયું , ભંગાર/ભાંડ, મંડપ/માંડવો, રંદો/રાંધવું, લંગાર/લાંબો, વંજી/વાંઝિયું, શંખ/-, સંત/ સાંખવું, હંસ/ હાંડી. (આમ જ ઇ-ઈ, ઉ-ઊની જોડીઓ પણ બનાવી શકાશે.

   દેશ્ય કે તદ્‍ભવ શબ્દોના ‘આ’/’ઈ’/’ઊ’ સ્વર હંમેશાં કોમળ અનુસ્વાર સાથે હોય છે. કોમળ અનુસ્વાર સંસ્કૃતમાંથી નથી આવ્યો. કોમળ અનુસ્વારને હું સંસ્કૃતથી અલગ આપણી આગવી પિછાણ માનું છું.એ આપણી ભાષાની પોતાની પ્રકૃતિ છે. સંસ્કૃતમાં તો ‘આ’ સ્વર પણ તીવ્ર અનુસ્વાર જ લેશે. દા.ત. કાંડ (કાણ્ડ), ભ્રાંતિ(ભ્રાન્તિ), ક્રાંતિ(ક્રાન્તિ). ક્લાંત (ક્લાન્ત).

   ઉ-કારાન્ત શબ્દોમાં અંતે અનુસ્વાર આવે કે નહીં તે નક્કી કરવા માટે તમે બે કસોટી આપી છે. આમાંથી પહેલી કસોટી સારી છે. જો કે એમાં એક મુશ્કેલી દેખાડું – તમે સંખ્યા સાથે એ શબ્દોનાં બહુવચનો દર્શાવો છો તે માત્ર ઉકારાન્ત શબ્દોને જ લાગુ નથી પડતું. જેમ બે સાબુ, ચાર ઝાડુ કહીએ તેમ પાંચ ગામ, બે દિવસ જ કહેવાય. આ ઉદાહરણથી એવી છાપ પડે છે કે આ વાત માત્ર ઉકારાન્તને લાગુ પડે છે. ખરેખર તો સંખ્યાની સાથે કોઈ પણ શબ્દ આવે તો બહુવચનના અલગ પ્રત્યય વિના લગભગ બધે જ કામ ચાલે છે. (અહીં આપણે સંસ્કૃતથી જુદા પડીએ છીએ). માત્ર નિશ્ચિત જ નહીં, પ્રશ્નાર્થ અનિશ્ચિતમાં પણ બ.વ. પ્રત્યય જરૂરી નથી. “કેટલા મહિના થયા?” પરંતુ, “વરસોનાં વહાણાં વાઈ ગયાં”. આ થો્ડું વિષયાંતર તો થયું પરંતુ, ‘બે સાબુ, પાંચ ઝાડુ’ માત્ર જોઈએ તો એમ લાગે કે સંખ્યાત્મક શબ્દ માત્ર ઉકારાન્ત શબ્દોમાં અનુસ્વાર હશે કે કેમ તે જોવાની પાકી કસોટી છે, આ સાચી સ્થિતિ નથી.
   બીજી કસોટી પણ સારી છે, પરંતુ તમે શાણું-પારણું ઉદાહરણ તરીકે લીધાં તેથી એવો ભ્રમ પેદા થવાની શક્યતા છે કે સાબુમાં ‘ઉ’નો ‘આ’ નથી બનતો પણ શાણુંમાં સાનુસ્વાર ‘ઉ’ સાનુસ્વાર ‘આ” બને છે. એટલે એનું બ. વ. કરતાં ‘શાણાં’ બનશે. એટલે શાણું અનુસ્વાર સાથે હશે. અહીં દલીલ મરઘી પહેલી કે ઈંડું પહેલું જેવી બની જાય છે. એકવચનમાંથી બહુવચન બનાવીને જોઇએ કે એમાં અનુસ્વાર આવે છે, તેથી એકવચનમાં અનુસ્વાર હોવો જોઇએ! જે એ.વ.માં અનુસ્વાર ન જોઈ/સમજી શકે તે બ.વ.માં કેમ જોઈ/સમજી શકશે?

   બીજી બાજુ, બૃહદ્‍ ગુજરાતી કોશમાં ‘નાણું’ જ્યારે ઉપયોગમાં લેવાય છે ત્યારે બે વિકલ્પો આપ્યા છે! એકમાં અનુસ્વાર છે, બીજામાં નથી. નાણા(-ણાં) ખાતું છે, પણ નાણાં-મંત્રી છે. યોગ્ય ખુલાસો પણ નથી આપ્યો કે જે ખાતું અનુસ્વાર વિના ચલાવી શકે છે તેના સર્વોચ્ચ ઉપરીને માથે અનુસ્વારનો મુગટ શા માટે જોઈએ? આમ ‘નાણુ’ કોશમાં હોય જ નહીં પણ ફેરફાર થાય ત્યારે જેમ ‘નાણા/ણાં બન્ને ચાલે, તો શાણાં/ણા શા માટે નહીં? એ પણ કહેવાનું જરૂરી છે કે ‘નાણા ખાતું’માં જે ‘નાણા’ છે તે નાણું/ણુનું બહુવચન પણ નથી!

   આમ બીજો ભ્રમ એ ઊભો થાય છે કે માત્ર ‘ણ’ ઉ-સ્વર સાથે હોય ત્યારે જ ‘ઉ’નો ‘આ’ બને છે.ખરેખર તો કોઈ પન નાન્યતર જાતિનો શબ્દ ઉકારાન્ત હોય તો અનુસ્વાર વિના નથી હોતો અને એનું બહુવચન થાય ત્યારે પ્રત્યય નથી લાગતો પણ ‘ઉ’નો’આ’ થઈ જાય છે. અહીં તમે નિયમ ૧માં આપેલાં ઉદાહરણો પપૈયું, મરચું વગેરે ફરી આપ્યાં હોત તો માત્ર અનુસ્વાર પૂરતી વાત હોવાનું (અને એ દરેક જગ્યાએ લાગુ પડતી હોવાનું) સમજી શકાત. માત્ર ‘ણુ’નાં ઉદાહરણ આપવાથી નાણા/નાણાં કેમ વપરાય તે સમજાવવાની જરૂર પણ પડી શકે છે.

   વિચારવાની ફરજ પાડે તેનું નામ લખાણ. એટલે જ મને તમારો લેખ બહુ જ ગમ્યો.


   Like

 4. ખુબજ સરસ…ગુજરાતી વ્યાકરણના ઘણા બધા બેઝીક rules સમજાઈ ગયા. મારા દીકરાને ISC std . 9th માં second language તરીકે ગુજરાતી રખાવ્યું છે … એને French અથવા German રાખવું હતું ..પણ મારા માતૃભાષા અંગેના લગાવને જોઈ અને ખાસ તો “માં” શું લખે છે તે ..વાંચીને appreciate કરવા માટે તે પણ માની ગયો અને ગુજરાતી જ રાખ્યું છે . French અને German બહાર extra class કરીને વાર ફરથી સીખી લેશે . તેને પણ વ્યાકરણના આ rules સમજાવ્યા. Thank you very much .

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.