‘સર્જકમાં ખુમારીની અપેક્ષા’

નોંધ : ૧) નેટગુર્જરી પર સામાન્ય રીતે મારાં મૌલીક લખાણો મુકાતાં હોય છે પણ ક્યારેક કેટલુંક બહારથી મેળવીને પીરસવાની તીવ્રેચ્છા હોય છે. આ બહારથી લાવેલું ‘માધુકરી’ નામના નવા જ વીભાગ – કેટેગરી – નીચે પ્રગટ કરું છું.

          ૨) બઝમેવફા નામક જાણીતા બ્લૉગ (http://bazmewafa.wordpress.com/2014/08/21/vivechan-c-baxi/) ઉપર ચંદ્રકાન્ત બક્ષીના પ્રગટ થયેલા પત્રને આધારે મેં લખેલી કોમેન્ટનો પ્રત્યુત્તર શ્રી વફાએ આપેલો તેના આધારે આપણું એક બહુ જુનું સામયિક (ગ્રંથ)કે જે વહેલું બંધ પણ થયેલું –નો સંદર્ભ લઈને મારા કબાટોમાંના એક જુના અંકમાંથી તંત્રીની એક ટાંચણ અહીં પ્રસ્તુત કરું છું. – જુ.

ટાંચણપોથી :

‘ગ્રંથ’ના પૂંઠા ઉપર લેખકોની તસવીર છેક પહેલા વર્ષથી મૂકીએ છીએ. આ બાબતમાં થયેલા બેત્રણ વિશિષ્ટ અનુભવો નોંધવા જેવા છે.

એક વાર ઘણાની દૃષ્ટિએ સુપ્રતિષ્ઠિત લેખકોની હરોળમાં સ્થાન નહીં પામેલા એવા એક યુવાન લેખકની તસવીર ‘ગ્રંથ’ના પૂંઠા ઉપર મૂકી ત્યારે મારી ઉપર ટીકાની ઝડી વરસી. ટીકા કરનારાઓની મુખ્ય દલીલ આ હતી : “જે ‘ગ્રંથ’ના કવર ઉપર પન્નાલાલ, રાજેન્દ્ર, બર્ટ્રાન્ડ રસેલ અને ઉમાશંકર જોશીની તસવીર હોય તે જ ‘ગ્રંથ’ના કવર ઉપર अની તસવીર કેવી રીતે આવી શકે ?” મારે એમને સમજાવવું પડેલું કે જો કોઈ યુવાન લેખક કોઈ એવી કૃતિ આપે કે જેમાં ખરેખરું દૈવત હોય, કૃતિ ભલે બધી રીતે ઉત્તમ ન હોય પણ એકાદ પ્રકારેય અસાધારણ હોય, ભલે એમણે એ કૃતિમાં મોટી સિદ્ધિ ન મેળવી હોય પણ એમનું પ્રયાણ કોઈ એવી સિદ્ધિ તરફ હોય – તો પછી  લેખક સાવ અજાણ્યા હોય તોયે ‘ગ્રંથ’ના કવર પર એમની તસવીર મૂકીને અમે કૃતાર્થ થઈશું.

એક બીજો સુખદ અનુભવ. એક ઠીકઠીક જાણીતા, અત્યંત લોકપ્રિય લેખકની તસવીર કવર પર મૂકવી હતી. લેખક સાથે અંગત પરિચય નહોતો. પ્રકાશક મારફત લેખક પાસેથી તસવીર મંગાવી પૂંઠા પર છાપી. એમની કૃતિની સારી ગણાય એવી સમીક્ષા એ અંકમાં પ્રગટ થઈ હતી. પણ મને જે વાત ખૂબ ગમી ગઈ તે તો એ કે લેખકે એ પછી પણ મને મળવાનો સુદ્ધાં પ્રયત્ન કર્યો નથી. લેખકની આ ખુમારી પર હું ખુશ છું. લેખકે એનું કામ પુસ્તક લખીને પૂરું કર્યું. સમીક્ષકો ને સંપાદકો એમનું કામ કરે તે બાબતમાં લેખકને ઓછામાં ઓછી ચિંતા કે સ્પૃહા હોય એ મને લેખક માટે સૌથી સારું વલણ લાગે છે.

આ બીજો અનુભવ થયા પછી આજે ચાર–પાંચ વર્ષે ટાંકવાની જરૂર એક ત્રીજા અનુભવને લીધે પડી. તાજેતરમાં યુવાન કવિઓના કાવ્યસંગ્રહો પ્રગટ થયા અને એમની તસવીરો પ્રગટ થવા લાગી તે પછી કેટલાક લેખકોએ તંત્રી પર સમીક્ષાર્થે પુસ્તક મોકલવા સાથે તસવીરો પણ મોકલવા માંડી છે. અલબત્ત, પુસ્તકની સાથે જ કોઈ મિત્ર કે શિષ્ય પાસે લખાવેલી સમીક્ષા મોકલવાનો સદ્ભાવ પણ અગાઉ કેટલાક લેખકોએ બતાવેલો. અને અમારે એ સમીક્ષાઓનો વિવેકપૂર્વક અસ્વીકાર કરવો પડેલો…પણ તસવીરો મળે એ અનુભવ મારે માટે નવો હતો. ઉપરાંત “તમારી સંમતી હોય તો આવી સમીક્ષા મારા મિત્ર क પાસે લખાવીને મોકલું” એવી ઉદાર ઓફરો જેમ આવ્યા કરે છે તેવી જ રીતે હવે “મારી તસવીર પણ સમીક્ષા સાથે પ્રગટ કરવી હોય તો વિનાસંકોચ મંગાવી લેશો“ એવી સંકોચનિવારક ઓફરો પણ આવવા માંડી છે.

અહીં આ વિષે લખવાનું કારણ એટલું કે લેખક નામના માનવી વિષેની મારી કલ્પના જરા ઊંચી છે. એ સર્જક હોવાથી એનામાં થોડી ઉચ્ચ ભૂમિકાની અપેક્ષા હું રાખું છું….જરા જેટલીયે પામરતા તે પ્રગટ ન કરે અને એ રીતે આડકતરી રીતે પણ એના સર્જનકાર્ય પર થઈ શકતી બાહ્ય અસરને બને તેટલી દૂર રાખે.

શ્રી યશવંત દોશી (તંત્રીશ્રી ‘ગ્રંથ’)

––––––––––––––––––––––––––––––––––––––––––

(ગ્રંથ : ડિસેમ્બર, ૧૯૭૧ના વિભાગ ‘ટાંચણપોથી’માંથી સાભાર.)

5 thoughts on “‘સર્જકમાં ખુમારીની અપેક્ષા’

 1. અમારા કાકાશ્રી માધુકરીથી વિદ્વાન બની ગયેલા, સારું કમાતા થયા પણ તેમણે માધુકરી છોડી ન હતી ! તે કોઈના ઓશિયાળા ન હતા. ચર્ચા-પરિષદમાં તે આગળ પડતો ભાગ લેતા, પ્રતિસ્પર્ધીઓનો સખત વિરોધ કરે અને પોતાના મત વિશે અભિમાન ધરાવે .અને છોકરાઓને ભણવામા મદદ પણ કરતા..
  .
  કોઇ સર્જક તમારી સાથે વાત માંડે – જરાય દૂર બેસીને નહીં, પ્રેમથી નિકટ બેસીને. જનાન્તિકે એટલે કાનમાં કરેલી વાત – મધુર અને અંગત. એ અંગત વાતોમાં બાળપણનાં વિસ્મય ભર્યાં સ્મરણો છે, શૈશવની ને પ્રકૃતિની રમણીય લીલાઓ છે. ને એવી જ રમણીય લીલા છે કલ્પનાભરી અને શિષ્ટ-મિષ્ટ રીતિની ભાષાની. આપણી અંદર-બહારની આ સુંદર સૃષ્ટિ એક સર્જકના અવાજથી કેવી અધિકતર સુંદર બને છે એની માધુકરી પણ ખુમારી..
  ..
  એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત ના સર્જકમાં રહેલી ખુમારીની માધુકરી જરુર પ્રગટ કરશો

  Like

 2. ‘માધુકરી’થી હું તો વીદ્વાન નહીં બનું પણ વીદ્વાનોમાંના એક શ્રી પંચમે મારા આ લખાણને ફેસબુક પર ચડાવીને મોટું કામ કર્યું…..નેટગુર્જરી પર આમ અન્યોનાં લખાણો અને તે પણ મૂળ જોડણીમાં હોવાથી વાચકો કદાચ કદર કરશે એવું માની શકાય !!

  મારી પાસે પડેલાં સંસ્કૃતિ તથા ગ્રંથના અનેક અંકોમાં જે પડેલું છે તેનો ઉપયોગ નેટજગત માટે કરી શકાતો નથી એનો વસવસો અનુભવું છું…..

  Like

 3. સાચો સર્જક કોઈની પણ શેહ માં આવતો નથી .એ એના મનનો માલિક હોય છે . જે સત્ય હોય એ શબ્દો ચોર્યા વિના સ્વ-બક્ષી સાહેબની જેમ તડ ને ફડ કહી દે છે.

  બઝમેવફા બ્લૉગમાં ચંદ્રકાન્ત બક્ષીનો વિવેચક ઉપરના પત્રના શબ્દોમાં આ સર્જકની ખુમારી ભારોભાર દેખાઈ આવે છે .

  સ્વ.ચન્દ્રકાન્ત બક્ષીની કલમ તેજાબી હતી .કોઈની પણ શરમ રાખતી ન હતી ..

  જુ’ ભાઈની જુના અંકો સાચવી રાખી એનો સંદર્ભ માટે ઉપયોગ કરવાની ચીવટ શીખવા જેવી ખરી .

  મારા સ્નેહી મિત્ર ડો.કનકભાઈ રાવળે એમની પાસે હતા એમાંથી કેટલાક કુમાર માસિકના જુના અંકો મને પ્રેમથી મોકલી આપ્યા છે .એને મેં અવારનવાર ઉઘાડીને વાચવા માટે જીવની જેમ સાચવી રાખ્યા છે .

  Like

 4. વિનોદભાઈ, અમે વેગુના આરંભથી જ કેટલુંક વીચારતા રહ્યા છીએ કે ભવીષ્યનાં વધનારાં કામો માટે ટાઈપકામનું પારીશ્રમીક આપવા પુરતું ભંડોળ વેગુ પાસે હોવું જોઈએ. જુનો ખજાનો એટલો બધો છે કે આપણા વાચકો તો ખરા જ પણ ઉગતા લેખકો માટેય વહેંચવા જેવું પુષ્કળ છે. ટાઈપકામ, સ્કેનીંગકામ, પ્રુફરીડીંગ કામ વગેરે જેવાં આ બધાં કામો માટે ભવીષ્યમાં વેગુ જેવી સંસ્થારુપ સાઈટ પાસે નાનકડું ભંડોળ હોવું જ જોઈએ…આ ભંડોળનો હીસાબ પણ વેગુની સીવાયના સભ્યોની એક ટીમ જ કરે.

  નેટ ઉપરની કામગીરીમાં લેખન–વાચન ઉપરાંત બીજાં ઘણાં કામો છે. તમ જેવા દૃષ્ટીસંપન્ન લોકોએ ફક્ત આ પ્રકારનાં કામો માટે જ વેગુમાં સક્રીય થવું જોઈએ. મારી આ પ્રસ્તાવના અંગે સૌ વીચારે તો બહુ મોટું ભવીષ્ય મને દેખાય છે.

  તમારો ખુબ આભાર.

  Like

jugalkishor ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.