“શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી…..”

શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી,

થઈ જતી રખે અંધ વિયોગથી;

દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી

કર,  પ્રભાકરના  મનમાનીતા.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાંનો દ્રુત વીલંબીત છંદમાં રચાયેલો આ શ્લોક બહુ જાણીતો છે. કોઈ ‘એક વીશેષ’ના વીયોગથી વ્યથીત થઈ જવું માનવી માટે સહજ છે. અને એમાંય તે, તે વીશેષની જગ્યાએ અન્યને બેસાડવાનું તો એથીય અધીક અકારું હોય છે. સરસ્વતીચંદ્રની અવેજીમાં નવીનચંદ્રને સ્વીકારી લેવાની વાત ગોવર્ધનરામ ઉપરોક્ત શ્લોક દ્વારા મુકે છે.

રાત્રીના સ્વામી ચંદ્રની ગેરહાજરી કે વીદાયથી રજની (વીભાવરી)ને થનારા શોક માટે કહે છે કે, વીયોગથી તું અંધ ન બની જઈશ. જુઓ, અહીં શોક ન કરવાનું નથી કહ્યું પણ શોકમાં અંધ ન થઈ જવાનું કહેવાયું છે. કોઈની પણ વીદાય એ જીવનનો સ્વાભાવીક ક્રમ છે. બધું આપણા હાથની વાત નથી હોતું. ન ધારેલું– ન ઈચ્છેલું બને ત્યારે કદાચ વીહ્વળ થઈ જવાય; ક્યારેક માર્ગ ન સુઝે ને નીરાશા, નીર્વેદ વ્યાપી જાય તેમ પણ બને પરંતુ તેથી આગળ બાકી રહેલા જીવનમાર્ગને જોવા માટે જ આપેલાં ચક્ષુઓને બંધ કરી દેવાનો તો કોઈ જ અર્થ નથી ને ? સર્જકે મુકેલી કર્ણપ્રીય શબ્દાવલી માણો – ‘પ્રીય, રમ્ય વીભાવરી’ !!

છંદયોજના પણ કેવી મજાની છે ! આરંભના છ અક્ષરોમાં પાંચ લઘુની વચ્ચે એક જ ગુરુ અક્ષરોથી એક વાતને – જરા અટકીને – ઝડપથી પસાર કરી દેવાય છે ને પછીના છ અક્ષરોમાં ત્રણ ગુરુ મુકીને શીખામણરુપે આવનારી વાતને વજન જાણે કે અપાયું છે !! દરેક પંક્તીમાં આ ક્રમ જોવા મળશે. પ્રથમ છ અક્ષરોમાં જે હકીકત બની કે બની રહી છે તેને ઝડપથી પસાર કરી દઈને હવે હાથ પર લેવાની વાતને ત્રણ ગુરુઓ દ્વારા ધીરેથી, ધ્યાન આપવા માટે જ જાણે કે રજુ કરાઈ છે !!

રાત્રીને કહેવાયું છે કે ચંદ્ર ગયો, તો તું ખુદ દિનરુપ બની જા ! રાત્રી એ સ્વપ્નભુમી છે. સ્વપ્ન ખોટાં પડે; ધારેલું, સેવેલું, ઈચ્છેલું ચંદ્રરુપી ભાગ્યદાતાની ગેરહાજરીને કારણે હાથ ન લાગે, હાથમાં ન આવે, ઈચ્છા પાર ન પડે ત્યારે જે કાંઈ આવી મળે તેને જ, આવનારા સમય માટેના આશીર્વાદ ગણી લઈને સ્વીકારી લેવું તે – ખાસ કરીને મહત્ત્વની સામાજીક વ્યક્તી માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.

રાત્રી દરમીયાન આપણને મળેલો સમય – ચંદ્ર હોય કે ન હોય – પુરો કરવાનો હોય છે. કારણ કે પછી તો દીવસ આવવાનો થશે. જાણેઅજાણે અહીં રાત અને દીવસને એકબીજાને અનુકુળ–અનુરુપ થઈને રહેવાની વાત સુચવાય છે.

ચંદ્રની જગ્યાએ સુર્ય, પ્રભાકરને મનમાનીતો બનાવવાનું આ સુચન વીધવાવીવાહને પણ સમજાવનારું બની રહે છે ! અહીં સુર્યને પ્રભાકર કહીને કેવું સરસ કામ લીધું છે ! કર ગ્રહીને એટલે કે કરગ્રહણ–લગ્ન કરીને, આ નવ અવતાર જાણે કે ધારણ કરવાની ક્રાંતીકર વાત સરસ રીતે મુકાઈ છે.

એવો જ એક બીજો શબ્દ ‘સુભગા’ જુઓ ! સુભગા એટલે સુંદર ઉપરાંત સૌભાગ્યવતી ! કુદરતે આંચકી લીધેલા રાત્રીના ભાગ્યને, રાત્રી તું ખુદ દીવસનું રુપ ધારણ કરીને સૌભાગ્ય મેળવી લે એ વાત ઉપમા–રુપકો દ્વારા કાવ્યમય બાનીમાં રજુ થઈ છે ! કારણ કે સૌ જાણીએ છીએ કે સુર્યના આવતાં તો રાત્રીનું અસ્તીત્વ જ રહેતું નથી ! સરસ્વતીચંદ્રના જવાથી કુમુદનો એક અવતાર જાણે કે પુરો થાય છે તો શું તેણે જીવ આપી દેવો ?

ના. જે લોકો કોઈ મોટું કાર્ય હાથ પર લેવા માગતું હોય તો તેણે પ્રતીકુળતામાં જીવનનું બલીદાન આપી દેવાનું હોય નહીં. એણે જુદા જ સ્વરુપે, જુદા જ સંજોગોમાં, જુદાં ને નવાં જ સાધનો દ્વારા પોતાના લક્ષ ભણી આગેકુચ કરવી જ રહી !! ચંદ્ર હોય કે પ્રભાકર હોય – એ બન્ને તો સમગ્ર બ્રહ્માંડનાં રમકડાં જ છે. બીજી રીતે કહીએ તો તેઓ જીવનપોષણ માટેનાં સંસાધનો માત્ર છે. એનો ઉપયોગ જીવનકાર્યો માટે, ભલે ને એકની અવેજીમાં બીજા દ્વારા, પણ કરવો પડે તો તેમ કરવાનું સાવ સહજ ગણી લેવું રહે. એને મનમાનીતું સાધન બનાવીને જ આગળ વધવાનું હોય – અટકી પડવાનું કે વીલીન થઈ જવાનુ આવા ખમતીધરોને ન જ પોસાય !

– જુગલકીશોર.

4 thoughts on ““શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી…..”

 1. સુ શ્રી જુ’ભાઇએ શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી અંગે નવી જ દ્રુષ્ટિ આપી,
  સરસ્વતીચન્દ્ર: સંપૂર્ણ સાહિત્યની ઝાકમઝોળ દાસ્તાન ભાગ્યેજ કોઇને ખ્યાલ ન હોય !
  ‘મુકમ્મલ મહોબ્બત કી અધૂરી દાસ્તાન’-ટેગ લાઇન સાથે સરસ્વતીચન્દ્ર ટીવી પર પધાર્યા. ટચૂકડા પડદાનાં અમે હેવાયા છીએ. એક જમાનામાં અમે પઢાકૂ હતા. કિતાબી કીડા હતા. હવે ટીવીનાં ટબૂકલાં થઇ ગયા છીએ..
  અમે સરસ્વતીચન્દ્ર મહાનવલ વાંચી છે. સરસ્વતીચન્દ્રનો ગૃહત્યાગ અને ગુણસુંદરીનો ઘરસંસાર નામનાં પાઠ અમે સ્કૂલમાં ભણ્યા પણ છીએ.૧૯૬૮માં આવેલી શ્વેતશ્યામ હિંદી ફિલ્મ પણ જોઇ ચુક્યા છીએ. મૂળ ગુજરાતી સારસ્વત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ આ નવલકથાનો પહેલો ભાગ છેક ૧૮૮૭માં લખેલો. બીજો ભાગ ૧૮૯૩. ત્રીજો ૧૮૯૮ અને ચોથો ભાગ ૨૦૦૧માં છપાયો. એમાં વ્યવહાર, રાજનીતિ અને ધર્મની ગહન ચર્ચા છે. ભગવત ગોમંડલ લખે છે કે હજી થોડા વર્ષો પહેલાં સાહિત્યની દીક્ષા જ સરસ્વતીચન્દ્રનાં અભ્યાસથી લેવાતી. હવે આશ્કા માંડલથી લેવાય છે. સાહિત્યનાં દીક્ષિત હોવાનો મારો કોઇ દાવો નથી. એ વિષે ચર્ચા કરવાની મારી કોઇ હેસિયત નથી.
  સંજય લીલા ભણસાલી જાજરમાન ફિલ્મસેટ પર લાગણીનાં ઘોડાપૂર દર્શાવતી ફિલ્મ્સ સર્જતા રહ્યા છે. પ્રેમ એમની ફિલ્મનું અભિન્ન અંગ છે. નિદા ફાઝલીએ આહિસ્તા આહિસ્તા ફિલ્મ માટે લખેલી ગઝલ આપને યાદ હશે. કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કહીં જમીન તો કહીં આસમાન નહીં મિલતા. મુકમ્મલ એટલે પૂર્ણ. સંપૂર્ણ પ્રેમ કેવો હોઇ શકે ? પરંપરા અને નિયતિની થપાટ વચ્ચે પ્રીતિનાં પર્યાય સમા બે પાત્રો મળી નથી શકતા, એમની દાસ્તાન અધૂરી રહી જાય છે.
  શરૂઆતનાં પ્રોમો અને એપિસોડમાં મઝા આવી. સાંપ્રત વાતાવરણમાં કથા કહેવી હોય તો સરસ્વતીચન્દ્રને વિમાનમાંથી છલાંગ મારતો દેખાડવો પડે. સ્કાય ડાઇવિંગની સાથે પૂજા અર્ચના કરતો સરસ્વતીચન્દ્ર નવાજૂના સંસ્કારનો સંગમ છે. કુમુદસુંદરીનું પાત્ર પણ એટલું જ સબળ છે. ગામડાની ગોરી કુમુદસુંદરી ચીલાચાલુ ફોરેન રીટર્ન મૂરતિયાને પૈણવા ઉતાવળી થતી વ્હાલબહાવરી નારી નથી. દુબઇ અને ગુજરાતનાં ગામડાનાં તૂલનાત્મક ભેદનો પરિપેક્ષ જરા ય નબળો નથી.
  પણ… મને લાગે છે કે આ ‘પણ’ અથવા ‘જો કે’ ન હોવું જોઇએ. સારી ગુજરાતી સાહિત્ય કૃતિ દુનિયામાં પંકાય તો સારું જ છે. એની ટીકા કદાપિ ન હોવી જોઇએ. પણ અમને લાગ્યું કે સરસ્વતીચંદ્રની અતિઆધુનિકતા એનાં પાત્રાલેખન સાથે તાલમેલ ધરાવતી નથી. સરસ્વતીચંદ્રનું પાત્ર કન્ફ્યુઝ્ડ યુવાનનું પાત્ર નથી. તમે વકીલો જોયા હશે. એમને પોતાની કોઇ માન્યતા હોતી નથી. એને માટે પોતાનો અસીલ જ અસલ હોય છે. એની તરફેણમાં જ એમણે દલીલ કરવાની હોય છે. સાહિત્યમાં આવા વકીલને ટીકાકાર કહેવામાં આવે છે. કમળવનમાં કરવત લઇને નીકળતા ટીકાકારો. પણ ટીકા ઘણી વાર સર્જકને વધારે સજ્જ કરે છે.
  રામ સ્કાય ડાઇવિંગ કરે ખરા? સીતા છકડામાં મુસાફરી કરે? રામ અને સીતાનો વનવાસ ડિસ્કવરી ચેનલનાં મેન, વુમન એન્ડ વાઇલ્ડ પ્રોગ્રામ જેવો હોય? રાવણ ઇરાકમાં રહેતો હોય? પવનપુત્ર હનુમાન વિન્ડસર્ફિંગ કરે? યુદ્ધ એકે-૫૬ અને રોકેટ લોંચરથી થાય? તુમુલ યુદ્ધમાં કારપેટ બોમ્બિંગ થાય? એમાં પણ બોફોર્સ અને હેલિકોપ્ટર ખરીદી જેવા ગોટાળા હોય? શું દિલ્હી પર એક જ કુંટુંબનો રાજ કરવાનો ઇજારો હોય? કૃષ્ણ રૉકસ્ટાર હોય? અર્જુન શાર્પશૂટર હોય? નકૂળનું સ્ટડફાર્મ હોય? સહદેવ છાપામાં જ્યોતિષશાસ્ત્રની કોલમ લખતો હોય? દ્રૌપદીનું વસ્ત્રાહરણ લાસવેગાસમાં થાય? દૂર્યોધન સેક્યુલરિઝમની રાજનીતિ કરે? ધૃતરાષ્ટ્ર રાષ્ટ્રપતિ હોય? ભીમ ડબલ્યૂ. ડબલ્યૂ. ઇ.ની ફ્રીસ્ટાઇલ કુસ્તી કરતો હોય?
  કલ્પનાનાં ઘોડાપૂર દોડી રહ્યા હતા. સંજય લીલા ભણસાલીએ સરસ્વતીચન્દ્રનો વૈભવ બતાવવા જતા ઓરિજીનલ પાત્રની પરિકલ્પના સાથે ચેડા કર્યા છે. યુવાન પેઢીને આકર્ષવા એમ કર્યું હશે. બાકી સરસ્વતીચન્દ્રનું મૂળ રૂપ ગોવર્ધનરામ ત્રિપાઠી સાહેબે રચ્યું છે, તે જ છે. સ્ત્રીઓ પોતાના જ નિવેદનને ઘડીભરમાં ખોટું ઠેરવી શકે છે. સંજયભાઇ, તમતમારે આગળ બઢો, હમ તુમ્હારે સાથ હૈ.. એકવીસમી સદીનાં સરસ્વતીચન્દ્રનાં એકવીસ સો એપિસોડ રજૂ કરી એકતા કપૂરનો રેકોર્ડ તોડો એવી શુભેચ્છા. ઓરિજીનલ સરસ્વતીચન્દ્ર લખતા ૧૪ વર્ષ લાગ્યા હતા. તમે આ સિરિયલ ૭ વર્ષ ચલાવો તેવી મનોકામના. પણ પાત્રલેખનમાં બહુ તબદિલી કરશો નહીં. છેલ્લે મીરાંબાઇ બનીને ન પરણવા માંગતી ઘેલી મારી કુસુમને સરસ્વતીચંદ્રને પરણાવજો. અને હા, સાવકી માનું નામ ગુમાન જ રહેવા દીધું એ સારું કર્યું, પણ મિત્ર તરીકે ચંદ્રકાંતનું નામ સની શું કામ કર્યું? અને…
  . મને લાગે છે કે હવે પછી અમારી ઘણી સાંજ નવલકથા અને ટીવી સિરિયલની સરખામણીમાં જશે. મૂળ વાર્તા, નવલકથા હંમેશા તેના પરથી બનેલી ફિલ્મ્સ કરતા શ્રેષ્ઠ હોય છે. પણ હવે આપણે વાંચવાનાં નામનું નાહી નાંખ્યું છે. એટલે શબ્દચિત્ર કરતા ચલચિત્રથી સાહિત્યને જાણીએ, માણીએ.
  શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી ! સાવકી માતા ગુમાનની ચઢામણીથી પિતા લક્ષ્મીનંદન પોતાનાં પુત્ર સરસ્વતીચંદ્રને ન કહેવાનું કહે છે. કુમુદ પર પણ આરોપ મુકે છે. પિતાને સામો જવાબ દેવો સરસ્વતીચંદ્ર માટે પુત્રધર્મની વિરુદ્ધ છે. પુત્ર માટે પિતાનું ધન હવે શિવનિર્માલ્ય છે. કુમુદ આ ઘરમાં સુખી નહીં થાય, એમ વિચારી સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરે છે. તે પહેલાં આખરી પત્ર કુમુદને લખે છે. એમાં લખે છે કે ચન્દ્ર આથમી જતા હે રાત્રિની માફક અંધ વિયોગથી બહાવરી ના થશો. દિવસ ઊગશે. મનમાનીતા સુર્ય સાથે હસ્ત મેળાપ કરી દિવસ રૂપે સૌભાગ્યવતી નારી બની રહેશો.
  ‘શશિ જતાં પ્રિય…
  આ શ્લોક કુમુદે કોઈને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી; માત્ર કંચુકીમાં છાતી સરસો સાચવી રાખતી, એકાંત વખતે લાગ મળ્યે ક્‌હાડી જોતી, શ્લોક મ્હોડે થયો હતો તોપણ કાગળ વાંચી જ ગાતી, કાગળ જોઈ શ્લોક ગાઈ રોતી અને અાંસુ સારતી, અને કોઈને દેખે એટલે કાગળ સંતાડી સજ્જ તથા સાવધાન થતી. કાગળના સામું કોઈને ઠપકો દેતી હોય તેમ જોતી, ભમર ચ્હડાવતી, અને વદનકમળ સાથેલાગું દુખીયારું, દયામણું અને કોપાયમાન કરી; અાકાશ સામું જોઈ નિ:શ્વાસ નાંખી, અાંખમાંનાં આંસુ પોતાને જ હાથે લ્હોતી. અસંસ્કારી સાસરીયાંમાં સર્વ છાનું રાખી શકતી હતી અને સંસારની દૃષ્ટિને તેની સ્થિતિમાં કાંઈ અસાધારણ જણાતું ન હતું. ટુંકામાં ચર્મચક્ષુથી જોનારને તો અમાત્ય-કુટુંબ માં સર્વ રીતે સૌનામાં ઉત્સવ, ઉત્સાહ અને આનંદ દેખાતો હતો;
  યાદ આવે સરસ્વતીચંદ્ર મુવી અમારા વાંસદાના ગડીમા ઉતર્યું હતુ. આ ગડીમા સંતો ના સત્સંગ પણ થતા એટલે ઘણા રાજમહેલ કરતાં પણ તેનુ વધુ આકર્ષણ રહેતું. ગાડી આડે પાટે…અસ્તુ

  Like

 2. Aapanu aa rasdarshan khoob khoob gamyu. “Premal jyoti”- Kavyani pankti yad avi–” marg soojhe nav ghor rajanima nij shishune sambhal”– Ishvarneni pase yachana chhe, jyare Go.Ma.Trie ahi jate taiyar thavani vat kari chhe, Fathar walese pan kahyu chhe ke ” darek strie vidhava thata shikavu joie”–ketalu sachu lage chhe. Jooni Hindi film Sarswatichandranu ek geet pan aaj kahe chhe ke–” Chhodade sari duniya kisike liye e munasib nahi adamike liye—- Ek duniya ujad hi gai hai to kya, doosara tum jaha kyu basate nahi? Khooshboo aati rahe door hi se sahi, saamne ho chaman koi kam to nahi”— ketalu bandh besatu chhe. Jya na pahoche ravi tya pahoche kavi– Adabhoot.

  Like

 3. સપ્ટેમ્બર ૨૦૧૫ની આ પોસ્ટ આજે પાછી કોમેન્ટાઈ ! શરુમાં દીદીએ તથા અનિલાબહેને સરસ સભર કોમેન્ટ મુકી હતી તે આજે ફરી વાંચી…ખુબ આનંદ થયો.
  પાર્થભાઈનો આભાર.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.