કોચરબ સભા : એક યાદગાર મિલન

– જુગલકીશોર.

પ્રાસંગિક :

આ વખતની સભામાં વેબગુર્જરી સાથે સીધા જ સંકળાયેલાં સૌને મળવાનું અને – મોટાભાગનાં સભ્યોએ કહ્યું તેમ – નામ અને લખાણોથી જેમને જાણીએ છીએ તેમને રૂબરૂ મળવાનું થશે તે બાબત જ સૌને માટે આકર્ષણનો વિષય હતી.

IMG-20151123-WA0003

વિજયભાઈ જોશી તથા તેમનાં પત્ની વૈશાલીબહેન સમયસર આવી ગયેલાં એટલે તેમને લઈને વલીભાઈએ સત્યાગ્રહ આશ્રમની નિરાંતે મુલાકાત લીધી. ગાંધીજીના ખંડો, પુસ્તકાલય તથા એક પ્રદર્શન વગેરે જોઈને એક લટાર આ મજાના સ્થાનની લીધી. સ્થાનિક વેગુસભ્યોમાં જુગલભાઈ તેમની સાથે નવયુવાન કમ્પ્યુટર ટૅકનિશિયન ઈશિત મહેતાને લઈને આવ્યા તો અશોક વૈષ્ણવ તથા સુસ્મિતાબહેન વૈષ્ણવ અને બીરેન કોઠારી તથા કામિનીબહેન કોઠારી એ સૌ યજમાન તરીકે આવી પહોંચેલાં.

એક બાજુ સભ્યો જેમજેમ આવતાં ગયાં તેમતેમ એકબીજાને મળવા ટુકડીઓમાં બેસીને વાતે વળગ્યાં તો બીજી બાજુ જાન્યુઆરીથી શરૂ થનારા વેબગુર્જરીના ચોથા વરસની કેટલીક તૈયારીઓ અને વેબગુર્જરી સાઇટ માટેના કેટલાક ટૅકનિકલ ફેરફારો અંગેની વિચારણા કરવા અશોક વૈષ્ણવ અને ઈશિત મહેતાની લંબાણ ચર્ચા ચાલી.

દરમિયાન વલીભાઈના પુત્ર અકબરભાઈનો પૂરો સ્ટાફ સભાની વ્યવસ્થામાં લાગી ગયો હતો. ટેબલ–ખુરશીની ગોઠવણી થતાં સૌ યથાસ્થાને બેઠાં. ટેબલની વ્યવસ્થા કહેવા પૂરતી, એક સગવડરૂપે જ હતી, બાકી બીરેન કોઠારીએ કહ્યું તેમ, ટેબલને ગણ(કાર)વાનું નહોતું ! સભાનાં સૌ સભ્યોનું વર્તુળ ટેબલ છતાં વર્તુળ જ રહ્યું અને એમ સભાની કાર્યવાહીને વાતચીતની કૂકરીનો એ હળવો ઠેલો વાગતાં જ સભા આરંભાઈ.

કોચરબ આશ્રમના મુખ્ય વ્યવસ્થાપક રમેશભાઈ ત્રિવેદી તથા વેગુ–યજમાનોના પ્રતિનિધિ શ્રી વલીભાઈ અને તેમનાં કુટુંબસભ્યોની હાજરી ધ્યાનાર્હ હતી.

પ્રાસ્તાવિકરૂપ બે વાતો જુગલકિશોરે કહી. પોતે વેબગુર્જરીને એક સામયિકથી ઉપર, એક સંસ્થારૂપે જોયું છે. સંસ્થાઓને સામાન્યરીતે જમીન–મકાન–સ્ટાફ–નાણું વગેરેની જરૂર હોય છે. પણ નેટ પરની આ સંસ્થા આકાશી છે. એના સંચાલકો ભલે જમીન પર હોય પરંતુ સંસ્થાના કાર્યક્રમોનો વ્યવહાર તો આકાશી જ રહે છે. આવું આ કાર્ય જો સફળતા પામે તો એક નવા પરિમાણનું આશ્ચર્ય સર્જે ! વેબગુર્જરીનો આરંભ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે થયેલાં લક્ષ્યોને સિદ્ધ કરવાની સફર હજૂ ચાલુ જ છે.

હજી તો ત્રણ વરસ પણ જેને પૂરાં થયાં નથી તેવી આ પ્રવૃત્તિનો વાચકઆંક ૩૧ લાખને વટાવી ગયો છે જેમાં કારણભૂત વેગુના દોઢસો જેટલા લેખકો અને વાચકોના અખૂટ રસને ગણાવી શકાય. ઘણી સાઇટો પર લેખકોની સંખ્યા મોટી તો હોય જ છે પણ તેવા દાખલાઓમાં લખાણો લેખકોના હોય છે એટલું જ, બાકી લેખકોની સક્રિયતા સાઇટ પર હોતી નથી. જ્યારે વેગુના લેખકો પોતાનાં લખાણો સીધાં વેગુને મોકલીને સીધી ભાગીદારી કરે છે ! વાચકોના અભિપ્રાયો જાણીને વળતા ખુલાસાઓ પણ કરે છે ને પોતાને વેગુના સભ્ય ગણીને વેગુને ગૌરવ પણ અપાવે છે !!

આવનારા સમયમાં, ૨૬મી જાન્યુઆરીએ, હવે જ્યારે આપણે ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યાં છીએ ત્યારે વેગુનાં વર્તમાન કાર્યોને વેગ આપવા ઉપરાંત આપણા નક્કી થયેલા હેતુઓ મુજબની બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ હાથ પર લેવાની થશે ને જેને માટે ખાસ તો યુવાનોની આ કાર્યમાં જરૂર પડવાની છે. આજની આ સભામાં સૌ કોઈ વેબગુર્જરીને માટે, તેના ભાવિ વિકાસ માટે સૂચનો પણ કરશે તેવી અપેક્ષા દર્શાવી, સૌ સભ્યોને આવકારીને તેમણે સૌને પોતાના પરિચય સાથે વક્તવ્યો પણ રજૂ કરવા વિનંતી કરી હતી.

પરિચય વિધિ :

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ અધ્યાપક તથા પ્રિન્સિપાલ પુરુષોત્તમભાઈ પટેલે પોતાના માતૃભાષા અભિયાન તથા તેના વાહક ‘પ્રગતિશીલ શિક્ષણ’ સામયિકની વાત કહી. તો ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતીના વિભાગીય વડા અરવિંદભાઈ ભાંડારીએ “ન ગમતા વિષય” વ્યાકરણના પોતાના લેખો વેગુ પર પણ સારું આકર્ષણ જમાવી શક્યા છે તેનો આનંદ વ્યક્ત કર્યો. એક ખાસ સમાચાર આપતાં તેમણે કહ્યું કે અમારા “માતૃભાષા અભિયાન”ને સરકાર તરફથી એક કાર્ય મળ્યું જે અંતર્ગત સરકાર તરફથી “ગુજરાતી ઓન લાઈન” આઠેક માસમાં જ શરૂ થવામાં છે. આના દ્વારા તાલીમ કોર્સિસ પણ શરૂ થવામાં છે !

WP_20151122_16_28_04_Pro

સાઉદી અરેબિયામાં ચારેક વર્ષ એન્જીનિયર તરીકે કામ કરી ચૂકેલા આપણા એક લેખક ત્રિકુભાઈ મકવાણા; કૉલેજમાં અભ્યાસ કરી રહેલાં જ્યોતિબહેન ઝાલા; લેખિકા પ્રીતિબહેન ટેલર; દિવ્ય ભાસ્કરના કૉલમલેખક લતાબહેન હિરાણી; વેગુના “સ્ત્રી શક્તિ–” કૉલમના સંપાદિકા મૌલિકા દેરાસરી; વેગુમાં જેમનાં અંગ્રેજી કાવ્યોના અનુવાદો પ્રગટ થાય છે તે કૉલેજના પ્રોફેસર મુકેશ રાવલ; પોતાનો સ્વતંત્ર બ્લૉગ પ્રગટ કરતા પ્રકાશભાઈ નાકરાણી; પોતાને કિશોર ઠાકરની આંગળી પકડીને સભામાં આવેલા તરીકે ઓળખાવનારા (પરંતુ કિશોરભાઈના કહેવા મુજબ તો ૪૫ વરસના દિલીપભાઈની સાથેના સાહિત્ય તથા રૅશનલિઝમના શોખે જ કિશોરભાઈ વેગુ સાથે સક્રિય થયા છે !) દિલીપભાઈ જોશી; “વેગુનો ફક્ત વાચક જ છું” કહીને છૂટી જવા માગતા વેગુચાહકો સમીરભાઈ ધોળકિયા તથા દિલીપભાઈ શુક્લ; રજનીકુમાર પંડ્યાની પ્રેરણાએ પોતે લખતાં થયાનું અને બીરેનભાઈથી બ્લૉગર થયાનું કહેતા બિનીત મોદી; કોચરબસભાને પોતાની ગઝલોથી ડોલાવી દેનારા મુસાફિર પાલનપુરી તથા એ.ટી. સિંધી ‘મૌલિક’ ઉપરાંત સર્વશ્રી એસ. કે. રોહિત તથા અકબરભાઈ અને મહમ્મદભાઈ મુસા સહિત સૌ સભ્યોએ પોતાનો પરિચય આપવાની સાથે સાથે વેબગુર્જરી દ્વારા નેટજગતને મળેલી વિશેષ વાચનભેટનો આનંદ વ્યક્ત કર્યો હતો બલકે પોતે પણ આ કાર્યમાં સાથે હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મિલનસભાના આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વેગુને શુભેચ્છાઓ પાઠવી હતી…. કામિનીબહેન કોઠારી તથા વૈશાલીબહેન જોશીએ પોતે પતિને વેગુના કાર્યમાં સાથ આપી રહ્યાંનું જણાવ્યું હતું.

કેટલીક વિશેષ રજૂઆતો :

વલીભાઈએ આ પહેલાંની સભાઓનો ઉલ્લેખ કરીને આ વખતની સભામાં સભ્યોની મોટી હાજરીનો આનંદ વ્યક્ત કર્યો હતો. એમાંય આ વખતે તો સૌ વેગુ–લેખકોની જ હાજરી વિશેષ રહેવાની છે તે વાતે આ સભા પાસે વિશેષ અપેક્ષાઓ પણ રાખી હતી. સભાના સ્થળ સિવાયની બધી જ વ્યવસ્થા પોતાના પુત્રની હોટેલ દ્વારા થઈ હોઈ સૌને એ દૃષ્ટિકોણથી પણ યજમાની આવકાર આપ્યો હતો.

કોચરબ આશ્રમના વ્યવસ્થાપક રમેશભાઈએ આશ્રમનો ઇતિહાસ કહ્યો હતો. દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સૌ પ્રથમ અહીંથી પ્રવૃત્તઓ શરૂ કરેલી. અહીં જ તેમને દેશના મહાન નેતાઓ મળ્યા હતા. આ ભૂમિની રેતીમાં તેમનાં પગલાંનું મહત્ત્વ સમજીને કેટલાય લોકો અહીં પગમાં ચંપલ–બુટ પહેરવાનું ટાળે છે. અનેક સંસ્થાઓ આજે પણ અહીં આવીને નિયમિત રીતે પ્રવૃત્તિ હાથ ધરે છે….તેમણે વેબગુર્જરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અશોક વૈષ્ણવે કહ્યું કે, આવાં કાર્યોમાં વ્યક્તિવિહીનતા મહત્ત્વની હોય છે. સંસ્થારૂપ આપવા વખતે સંસ્થાને યુવા કાર્યકરોની ટીમ પણ એટલી જ જરૂરી ગણાય. જેઓ લેખક નથી તેઓ પણ આ કાર્યમાં જોડાઈને યોગદાન આપી શકશે.

વેડછી અને ગુજરાત વિદ્યાપીઠનાં વિવિધ વિભાગોમાં પ્રદાન કરી ચૂકેલા પ્રવીણભાઈ ડાભીએ મજાની વાતથી શરૂઆત કરી. કહ્યું કે “શીખી શકાય છે પણ શીખવી શકાતું નથી છતાં ‘કઈ રીતે શીખવવું’ તે વાત શીખી શકાતી હોઈ અમે એના પર કામ કરેલું.” પોતે કમ્પ્યુટર જગતનો કક્કો શીખી રહ્યા હોઈ અહીં સૌ પાસેથી કંઈક શીખવાની અપેક્ષાથી આવ્યા છે.

પુરુષોત્તમભાઈ તથા અરવિંદભાઈએ વેબગુર્જરીના માધ્યમથી ભાષાના પ્રસાર–પ્રચાર અને વિકાસની તકો હોઈ તેનો ભરપૂર લાભ લેવા કહ્યું.

IMG-20151123-WA0001

તા. ૨૨મી નવેમ્બર, ૨૦૧૫ની અમદાવાદમાં થયેલ વેગુમિલનસભામાં રજનીકુમાર પંડ્યા પોતાની લેખનસફરનો પરિચય કરાવી રહ્યા છે.

રજનીકુમાર પંડ્યાએ વાર્તાની સરસ વ્યાખ્યા કરીને કહ્યું કે “છુપાવીને કહેવાની કળા એ વાર્તા.” સૌ કોઈ સર્જક બની ન શકે. પણ સાહિત્યની સેવા તો ઘણી રીતે થઈ શકે છે. એમણે જૂની ફિલ્મોનાં સર્જકોનાં કાર્યોનું, વીસમી સદી જેવા અત્યંત જૂના સામયિક અંગેનું, શાકુંતલ તથા મેઘદૂતના ઓડિયો રૂપાંતરણનું જ્યુથિકા રૉયના પુસ્તકના સંપાદનનું જેવાં મહત્ત્વનાં કાર્યોની વિગતો પણ આપી હતી.

સભાના મુખ્ય મહેમાન વિજયભાઈએ પોતે વિદેશથી આવીને હાજરી પુરાવી તેને એક નિમિત્ત ગણાવીને, સભામાં ઉપસ્થિત જાણીતા સાહિત્યકારો સમક્ષ ચૅરમાં બેસવાનો સંકોચ અનુભવતા હોવાનું જણાવ્યું. વેબગુર્જરી અંગે દૂર બેઠે પણ પોતે કેવી ચાહના ધરાવે છે તેની વાત કરતાં તેમણે વેગુમાં કોન્ટીટીની સાથે જ ઉત્તમ ક્વૉલિટી મળતી હોવાનો પૂરો સંતોષ વ્યક્ત કર્યો.

મુરજીભાઈએ એક વિશેષ વાત કરી. કહ્યું કે વેગુની વાત આવે ત્યારે મને સરદાર વલ્લભભાઈ યાદ આવે ! એમણે જેમ રજવાડાંને ભેગાં કર્યાં હતાં તેમ વેગુએ અનેક સર્જકો–સંસ્થાઓ–સંયોજકો વગેરેને એક જ કાર્યક્ષેત્રે ભેગાં કરી આપ્યાં છે ! સભામાં તેમની બે પુસ્તિકાઓ “માન્યતાની બીજી બાજુ” તથા “વિચારવા જેવી વાતો” સૌ સભ્યોને વહેંચવામાં આવી હતી.

તાજેતરમાં જ  ‘કુમાર’ સામયિકમાં પ્રકાશિત થયેલી જેમની વાર્તાને ‘કુમાર ટ્રસ્ટ’ દ્વારા સંચાલિત ૨૦૧૪નું ‘કમલાબહેન પરીખ લેખિકા પારિતોષિક’ મળ્યું છે તેવાં નિમિષાબહેન દલાલે ‘પ્રતિલિપિ’ સાઇટ અંગે વાતો કરી હતી. તો તેમની સાથે આવેલા વયોવૃદ્ધ પિતાશ્રી મનુભાઈ દેસાઈએ ભાવપૂર્ણ શૈલીમાં કહ્યું હતું કે પત્નીના અવસાન બાદ ઊભી થયેલી એકલતાના ઉપાયરૂપે પોતે વાંચવા–લખવાનું શરૂ કર્યું હતું. પોતાના કેટલાક અનુભવો પણ તેમણે વર્ણવ્યા હતા.

મીઠી વાનગીઓ !

આ પછી વલીભાઈ પરિવાર દ્વારા સૌને સ્વાદિષ્ટ વ્યંજનો સાથે નવતાડના સમોસા પીરસવામાં આવ્યા હતા. આ સમોસા હવે વેગુની સભાઓના અંગરૂપ બની ચૂક્યા છે. એની સાથે છેલ્લે પીરસાતો આઇસ્ક્રીમ પણ સભાનું સમાપન સ્વાદેન્દ્રિયના સંતોષ દ્વારા, કહો ને, મધુરેણ સમાપયેત કહેવડાવનારો બની રહે છે.

પણ આ વખતની સભામાં એક વાત નવી હતી. મુસાફિર પાલનપુરી તથા એ.ટી.સિંધી ‘મૌલિક’ની પાલનપુરી બોલીમાં રજૂ થયેલી ગઝલોએ તો રમઝટ બોલાવી હતી !!

આભારદર્શન :

છેલ્લે જુભાઈએ ભારતીય સામાન્યજનની ભાષાના મહત્ત્વને નેટ પર સ્થાપવાની વાત કહી, પ્રદેશ, દેશ અને વિદેશોમાં ફેલાયેલી ગુર્જરીની સેવાની અપીલ કરવાની સાથે આજે વિદેશોમાં ગુર્જરીની ચાહના પ્રદેશ કરતાંય વધુ જોવા મળતી હોવાનો નિર્દેશ કર્યો હતો. ચોથા વર્ષમાં પ્રવેશવા આવેલી વેગુપ્રવૃત્તિ માટે યુવાનોને આગળ આવવા વિનંતી પણ કરી હતી ને ખાસ તો દરેક દેશમાં ભાષા નિમિત્તે નાનાંમોટાં જૂથોમાં સૌ મળીને વેગુની પ્રવૃત્તિને વધુ ઘનિષ્ઠ, વધુ વૈવિધ્યસભર અને વધુ સાર્થક બનાવે તેવી અપેક્ષા બતાવી હતી.

આજની સભામાં વિદેશ ઉપરાંત પાલનપુર, સૂરત, વડોદરા વગેરે દૂરનાં સ્થળોથી આવેલાં સૌ કોઈનો ભાવપૂર્વક આભાર માન્યો હતો. તેમણે વેગુનો વિકાસ એના લેખકો અને વાચકોને આભારી હોવાનું ગણાવીને લેખકો–વાચકોને પણ યાદ કર્યા હતા. સભાના સભ્યોની આગતાસ્વાગતા અને કિંમતી સરભરા કરવા બદલ અકબરભાઈ મુસા તથા તેમના કર્મચારીઓનો અને દર વખતે આ જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારવા માટે વલીભાઈનો પણ આભાર માન્યો હતો.

વેબગુર્જરીને સભા માટે આવું રમણીય ને ગાંધીસ્પર્શે અમોલું એવું સ્થાન ઉપલબ્ધ કરી આપવા બદલ સંચાલક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠનો, કોચરબ આશ્રમનો તથા વ્યક્તિગત રીતે રમેશભાઈનો પણ સાદર આભાર માન્યો હતો.

સભાનું સફળ સંચાલન કરીને બીરેન કોઠારીએ આ સંમિલનને એક કૌટુંબિક મેળાવડાનું વાતાવરણ પૂરું પાડ્યું હતું.

અનુસંધાનીય :

સર્વશ્રી દિલીપ શુક્લ, ત્રિકુ મકવાણા, મૌલિકા દેરાસરી, અશોક વૈષ્ણવ, બીરેન કોઠારી, સમીર ધોળકિયા, વલીભાઈ, હિરણ્ય વ્યાસ, મુરજીભાઈ, કિશોર ઠાકર તથા અરવિંદભાઈ ભાંડારી વગેરે દ્વારા પાઠવાયેલ ઈમેલ પ્રતિભાવોમાં સૌએ પોતાને થયેલા સુખદ અનુભવની વાત કરીને, કેટલાંક કિંમતી સૂચનો સાથે અવારનવાર આવી જ રીતે મળતાં રહેવાની આશા અને વેગુના વિકાસમાં સક્રિયતાથી જોડાવાની વાતે ભાર મૂકીને વેગુ સંચાલકો તથા વલીભાઈનો ખૂબ આભાર માન્યો છે.

સૌજન્ય : વેબગુર્જરી

2 thoughts on “કોચરબ સભા : એક યાદગાર મિલન

  1. સારું થયું કે આ મિલનસમારંભનો વિસ્તૃત અહેવાલ અહી મુકાયો. હું મોડી આવી હતી એટલે મને આ જાણવું વધુ ગમ્યું. આભાર. વેબગુર્જરીને ખૂબ ખૂબ અભિનંદનો.
    લતા હિરાણી

    Like

  2. લાશની સાથે ક્ષરપિંડ બાંધવાનો એક રિવાજ છે.90થયાં એટલે મારો ખરપિંડ હું જાતે જ બાંધી રહ્યો છું, વેગુ વાંચીને, વેગુના વહાલાં બચ્ચાંઓને જોઈને.ઘણું જીવે ઘણું વિસ્તરે વેગુ.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.