આકાશવાણીના નાટ્યકાર શ્રી ભગવત સુથાર

પ્રાસ્તાવીક :

શ્રી ભગવતભાઈનો પરીચય ઓચીંતાં જ થયેલો. ફોન પર વાત થયા બાદ તેમણે મને એમનો એક લઘુકથા સંગ્રહ ‘પ્રતિચ્છવિ’ મોકલી આપેલો. એ મુજબ બ્લૉગ પર એમનો પરીચય પણ કરાવાયો હતો. ને ત્યાર બાદ તો સમય સારો એવો વીતી ગયો……

તા. ૧૩, ૦૭, ૨૦૧૩ના એમના એ પત્ર બાદ સંપર્ક તુટી ગયેલો. પણ કોણ જાણે કેમ, બરાબર ત્રણ વરસના ગાળા બાદ, બરાબર એ જ તારીખે એટલે કે ગઈ કાલે મને એમનો પત્ર ફાઈલમાંથી ઓચીતાંનો જ મળી આવતાં મેં એમના ઘરે ફોન કર્યો !! પણ…….

કલ્પના પણ ન આવે તેવી વાત ફોન પર સાંભળીને હું થોડો મુંઝાઈ ગયો – તેઓ ગઈ ૨૩મી તારીખે, એટલે કે બરાબર ૨૦ દીવસ પહેલાં જ સૌને છોડીને ચીર વીદાય લઈ ચુક્યા હતા !!!

એમના જેવા સફળ સર્જક અને વીશેષ તો ઉમદા માનવને અંજલી આપવાનું રહ્યું તે વાતે સંકોચ અને દુ:ખભર્યા ભાવ સહીત એમની કેટલીક રચનાઓ મારા બ્લૉગ પરથી પ્રગટ કરવાનો એક ઉપક્રમ ગોઠવીને મારા વાચકો સમક્ષ એમને પ્રગટ કરી રહ્યો છું. આશા છે, સૌને એમનાં સર્જનોનો થોડોકેય લાભ આ રીતે મળશે.

એમના પરીવારજનોના દુખમાં ભાગીદાર થવાના પ્રયત્ન સાથે એમના આત્માને શાંતી પ્રાર્થીએ.

********************

પરીચય :

Bhagwat Suthar

શ્રી ભગવત સુથારનું નામ આકાશવાણીનાં નાટકો સાથે જોડાયેલું રહ્યું છે. શાળાસમયથી જ નાટકો અને મનોરંજન કાર્યક્રમોમાં ભાગ લઈને શાળાને નામ અપાવનાર શ્રી સુથાર સાહેબે કૉલેજમાં પણ અધ્યાપક તરીકે યુનીવર્સીટી કક્ષાની નાટ્યહરીફાઈઓમાં કૉલેજને અગ્રસ્થાન અપાવ્યું હતું.

એમણે કહેલી એક મજાની વાતને વ્યાવસાયિક સંદર્ભે જોઈએ તો એમના બાપુજી વ્યવસાયે મીસ્ત્રી એટલે આજુબાજુનાં ગામોમાં નાટકમંડળીઓ આવે ત્યારે નાટ્યમંચ તૈયાર કરવામાં તેમનો મુખ્ય હાથ હોય અને મીસ્ત્રીના છોકરા તરીકે પહેલી હરોળમાં બેસવા સ્થાન પણ મળે ! નાનપણથી મળેલો નાટ્યરસ પોષવામાં આ બાબતે પણ ભાગ ભજવેલો !

યુનીવર્સીટી આયોજીત નાટ્યશીબીરમાં જ એમનો સંપર્ક નાટ્યવીદ્, કવી–મર્મી અને આકાશવાણી નાટ્યવીભાગના વડા શ્રી પિનાકિન ઠાકોર સાથે થયો ને તેણે શ્રી સુથાર સાહેબને ઘણી મોટી જવાબદારીઓમાં ભાગીદાર બનાવ્યા…..અને એમ જ એક બહુ મોટું ને મુલ્યવાન કાર્ય તેમને સોંપવામાં આવેલું. આબુનાં દેલવાડાનાં દહેરાંનાં શીલ્પોમાંની કલાત્મક મુર્તીઓનું દર્શન કરાવવાની સાથે સાથે નાટ્યરુપે પણ તે બધું ભજવાતું જાય તેવી આકાશવાણીની યોજના માટે એક નાટ્યકૃતી તૈયાર કરવાનું આમંત્રણ તેમને મળ્યું !!

પ્રથમ નાટક “બે આંખ” લખાયું. ઠાકોર સાહેબના ધન્યવાદની સાથે જ કાયમી ધોરણે નાટકો લખતાં રહેવાનું ઈજન પણ મળ્યું ને એમ આ યાત્રા ચાલી હતી !

“અમારો સૂર્ય”, “નાટક એક, નાટક બે”, “અમે દોસ્તો” વગેરે અનેક વાર પુરસ્કૃત થયાં છે. જ્યારે પાંચ, પંદર, ત્રીસ અને સાઈઠ મીનીટનાં નાટકો તો આકાશવાણી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને મુંબઈથી અવારનવાર પ્રસારીત થયાં છે જ્યારે એમનું એકાંકી “સાચું સગપણ” તો વીસેક વાર પ્રગટ થયું હતું !!

પારીતોષીકો તેમને –  ફુલવાડી, ભગિની સમાજ – ખેતવાડી, મુંબઈ, લોકલહરી નડીયાદ, ધૂમકેતુ પારીતોષીક (નવચેતન), શબ્દસૃષ્ટિ, જીઈબી જેતપુર, ગુજ. સમાચાર, રાજબુક્સ અમદાવાદ તથા આકાશવાણી વગેરે તરફથી મળતાં રહ્યાં છે.

સર્જનો : કાહેકો મનવા ! (નવલકથા), એક એ પળ (વાર્તાસંગ્રહ),

બાલસાહીત્ય : વીર નર્મદ, નાનો ગોપાલ, દેખ્યું દેખ્યું, વીર બાળક, બીલાડીનો ઘંટ, આપણે સૌ, દાનનું પુણ્ય, મહાન ઘડિયાળી વગેરે…..

––––––––––––––––––––––––––

હવે એમની એક લઘુકથા પણ માણીએ ! :

પ્રતિચ્છવિ

– ભગવત સુથાર

 

તેણે લાલ રંગ હાથમાં લઈ દીવાલ પર મોટું કુંડાળું દોર્યું. આખુંયે કુંડાળું લાલ રંગથી ભરી દીધું. લાલ રંગ નીચે મૂકીને તેણે કાળો રંગ લીધો.

પેલા લાલ કુંડાળાની વચ્ચે કાળું ટપકું કરીને લખ્યું : ‘દાદાની આંખ.’

તેણે સફાળા પાછળ ફરીને જોયું….. કદાચ દાદા જોઈ ગયા તો નથી ને ! તેને દાદાએ વારંવાર આપેલી ધમકી યાદ આવી ગઈ, ‘મૂર્ખા ! બે કાન વચ્ચે જ માથું કરી દઈશ…..’ પણ હવે તો બીક ક્યાં હતી !

કારણ કે દાદાને ઉપાડીને લઈ જતાં જોતાં જ તેણે બાને પૂછેલું તો બા કહે, ‘બાબા, દાદા તો ભગવાનને ઘેર ગયા….’

તેણે ફરીથી પેલા કુંડાળા તરફ જોયું. તેને મનમાં થયું, “પોતે પણ એક દિવસ દાદા બનશે….” માથે પાઘડી ખોસશે, હાથમાં લાકડી લઈને, વાંકો વળી ચાલશે, મોંમાંથી ગંદાં ચોગઠાં કાઢીને પાછાં ગોઠવી દેશે. બાળકો જો આમ દીવાલ બગાડશે તો તેમને ધમકાવતાં કહેશે….‘મૂર્ખા ! બે કાન વચ્ચે માથું કરી નાખીશ.’

વળી એણે લાલ રંગ લઈને બીજું કુંડાળું કર્યું. તેમાં લાલ રંગ ભર્યો ને વચ્ચોવચ કાળું ટપકું બનાવ્યું…..ને લખ્યું…..

‘મારી આંખ.’

––––––––––––––––––––––––––––––––––––––

 

 

 

 

 

6 thoughts on “આકાશવાણીના નાટ્યકાર શ્રી ભગવત સુથાર

 1. કડીના વતની શ્રી ભગવતભાઈ સુથાર મારી માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય કડીના વિદ્યાર્થી હતા. સાહિત્ય રસિક હોવા ઉપરાંત તેઓ સારા ચિત્ર કલાકાર તરીકે એમનો મને પરિચય .લઘુ કથાના જનક કહેવાતા મારા વિદ્યા ગુરુ મોહનલાલ પટેલ ના માર્ગ દર્શન હેઠળ તેઓએ વાર્તા, નવલકથા અને નાટકો ના ક્ષેત્રે નામના પ્રાપ્ત કરી છે.

  ભગવતભાઈના અવસાનના સમાચાર જાણીને દુખ થયું.આવા અદના સાહિત્યકાર અને સહ અધ્યાયી ને હાર્દિક શ્રધાંજલિ

  Like

 2. એમના પુત્ર શ્રી રાજુ ગજ્જરનો પ્રતીભાવ :

  Dear Jugalbhai,

  Its delighting to read the blog on my “Pappa”.
  We always referred to him as pappa . All his memories & feelings we reconstrusted in mind reading the blog.

  Thank you so much this is one of the best “Shradhanjali” someone would give.

  Thank you and Regards,

  Raju Gajjar
  9974051056

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.