– જુગલકીશોર.
કોમેન્ટીકાને એક વીભાગ તરીકે શરુ કરવાની વાતે બેત્રણ ‘પૌષ્ટીક’ અભીપ્રાયો સાંપડ્યા પછી એ અભીપ્રાયોને સાચવીને આગળ વધવાનું જરુરી લાગેલું. વર્ષો પહેલાં કોઈ લખાણ પર થયેલી ચર્ચાઓને અનુસંધાને મારા દ્વારા થયેલી તો ખરી જ પણ અન્યો દ્વારા પણ થયેલી ટીપ્પણીનો સંદર્ભ સાચવીને એ બધીયોને એક નવા લેખરુપે મુકવામાં મજા ને સજા બન્નેની શક્યતા હોઈ શકે છે.
આ વીચારનો માર્યો હું બીજી કોઈ કોમેન્ટીકા અંગે લખવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ એક નાનકડી ઘટના ઘટી ગઈ……દસેક દીવસથી લગભગ બંધ હાલતમાં પડેલું મારું નેટવર્ક કામ કરતું થયું એટલે બાકી નીકળતાં અગત્યનાં કામો પાર પાડવા બેઠો…
આ અગત્યનાં કામોમાંનું એક તે બે કલાક અને એકતાલીસ મીનીટ જેટલા પ્રલંબ ગાળામાં વહેલો વિશાલ મોણપરાના સન્માનનો કાર્યક્રમ !! એમાં મારે ઓનલાઈન હાજર રહેવાનું હતું જ તેને નેટદખલે મારી હાજરી વગરનો કરી દીધો હતો ! મારા જ ઉભા કરેલા કાર્યક્રમમાં હું ન હતો. એટલે જેવું નેટીયું હખણું થયું કે તરત મેં તે વીડીયો આખો જોયો. ને એણે જ…..
હા, એણે જ મને કોમેન્ટીકાના બીજા ભાગ પર સાહીત્યના ભાવરસને બદલે આમ અધવચ્ચે આ નવા લખાણ માટે મજબુર કરી દીધો.
તો હવે આજની આ બીજી કોમેન્ટીકા પર એ વાતે વીચાર –
વીચાર એક તણખો હોય છે. પ્રજ્વલીત અગ્નીમાંથી ચારે દિશામાં ઉડતા રહેતા સ્ફુલ્લીંગો – તણખાઓ – સહેજ દુર જઈને વીલીન થઈ જતા હોય છે. વીચારનું પણ એમ જ થતું જણાય છે. મોટા ભાગના વીચારો તીખારાની જેમ જ, લાગે કે વીલીન થઈ ગયા. પણ સાવ એવું નથી. વીચારનો કોઈ ઝબકારો સહેજસાજ કાર્યવાહી આપણી કને કરાવીને જાણે કે છુટી જતો હોય છે. પણ એ સહેજ સાજ કરેલી કાર્યવાહી ક્યારેક દુર જઈને, દુરગામી પરીણામો લઈ આવતી હોય છે.
વીચારનું તોએવું છે. મનમાં આવ્યો, એને તરત જ પ્રગટ કરી દીધો, કોઈ બે વાક્યો કહી કે લખી નાખ્યાં, બસ પછી ભલે ભુલી જાઓ…પણ તે જ બે વાક્યો ક્યાંક, ક્યારેક કોઈ નવી જ રચના કરી બેસતાં હોય છે.
આટલી લાં…..બી પ્રસ્તાવના કરવા પાછળનું કારણ, કોમેન્ટીકાના આજના લખાણનો એક મહત્ત્વનો વીચાર છે જે મારા મનમાં સતત આવતો રહેલો પણ તેને ફળવા માટે કોઈ નીમીત્ત મળતું નહોતું. ગમે તેમ, પણ એક દીવસ એક જ વાક્યે તે ફુટી નીકળ્યો ! (વોરાસાહેબ ઘણી વાર કહેતા રહે છે કે, “કોમેન્ટ લખો.” “સગવડ મળી છે તો તેનો ઉપયોગ કરો.” આજે એના સંદર્ભે પણ આ વાત.)
એક દીવસ ફેસબુક પર વિજયભાઈ શાહે વિશાલ મોણપરા અંગે લખાણ મુકેલું. મારા મનમાં મુ. રતિકાકા, વિશાલ મોણપરા, હિમાંશુ કિકાણી તથા હિમાંશુ મીસ્ત્રી વ.નાં નામો ને એમનાં મહાકાર્યો રમતાં જ રહેતાં. તે દીવસે વિજયભાઈના લખાણ પર મેં એક જ વાક્ય લખ્યું : ‘વિશાલ મોણપરાનું નેટજગતે સન્માન કરવું જ જોઈએ.’ આ વાક્ય પર બેત્રણ વધુ ટીપ્પણી થઈ પણ ઝાઝું ધ્યાન અપાયું નહીં પણ એ બેચાર ટીપ્પણીઓએ મને ટેકો પુર્યો ને મેં નેટગુર્જરી પર લેખ લખ્યો. એમાં સન્માન કરતાંય બીજા કેટલાક કાર્યક્રમોની વાત હતી. નેટજગતને મળેલી કીબોર્ડની સવલતોનો લાભ લઈને ગુર્જરીની સેવા કરવાની તકોનો તેમાં તીવ્ર ભાવ હતો.
એ લખાણને બહુ સારો પ્રતીસાદ મળ્યો. બીજા લખાણમાં મારાથી કેટલાંક કાર્યોની સુચી મુકાઈ ગઈ. (પાછલી કોમેન્ટીકાઓનો અભ્યાસ કરતો હતો તો જાણવા મળ્યું કે લગભગ આ જ કાર્યસુચી મેં ‘શાણીવાણીનો શબદ’ નામના મારા બ્લૉગ પર પાંચેક વરસ પહેલાં મુકેલી હતી, ને એમાંનું કેટલુંક “કણક મોણ”ના શીર્ષકે ‘ઓપિનિયન’માં પણ છપાયેલું !! )
ટુંકમાં કહીએ તો વીચાર કેટલો જીવતો રહેતો હોય છે, ને ક્યારેક ક્યાં જઈને સ્ફુટતો હોય છે તેનું કાંઈ કહેવાય નહીં. વિશાલના સન્માન નીમીત્તે પ્રગટેલા એ વાક્યનું નસીબ જોરદાર હશે. જુઓ ને, એની જ ચીનગારીમાંથી મુ. રતિકાકાના, આતાજીનાતથા વિશાલના સન્માનથી એ લાંબાગાળાની અપેક્ષા મારી ફળીભુત થઈ.
લાગે કે વાત મારી અહીં પુરી થઈ. પણ ના. હજી આ આખા લખાણની બે વાત બાકી રહી જાય છે !!
પહેલી વાત તે વોરાસાહબની અપેક્ષાની. વાચકો સૌ ફક્ત વાંચીને બેસી ન રહેતાં, કંઈક ને કંઈક કોમેન્ટરુપે મુકે. (કેટલીક કોમેન્ટો લેખકની નબળાઈઓને વધુ મજબુત કરતી હોય છે. એટલે તટસ્થ કોમેન્ટ કરવાનુંય શીખવા જેવું હોય છે.) આપણા સૌની ટીપ્પ્ણીઓ ક્યારેક બહુ મોટાં પરીણામોનું નીમીત્ત બનવા સક્ષમ હોય છે.
તો બીજી વાત કે જેને મેં બેએક સ્થળે પ્રગટ કરી છે તે “નેટજગતના ત્રણ વીભાગોની ઈતીહાસરુપ પુસ્તીકાઓ તૈયાર કરવાની વાત.” આ ક્ષેત્રના જાણકારો, ટૅકનીશીયનોએ કરવા જેવાં કામો :
૧) નેટજગતનો પરીચય અને ઈતીહાસ,
૨) નેટ પર લખાણો મુકવાની વીવીધ સવલતોના પ્રકારો,
૩) ગુજરાતી લખાણો, તેના પ્રકારો, લેખકો વગેરેનો પરીચય તથા
૪) નેટ પર ગુજરાતી લખાતું થયું તેનો ઐતીહાસીક ક્રમ અને તેમાં ભાગ ભજવનારા મહાનુભાવોનાં તે ઐતીહાસીક ને બહુમુલ્ય કાર્યોનો પરીચય–ઈતીહાસ.
કોમેન્ટીકાઓ તરફ સીંહાવલોકન માફક ક્યારેક પાછળ ફરીને દૃષ્ટી કરતાં રહેવું જોઈએ એમ લાગે છે. દરેક બ્લૉગરના ડૅશબોર્ડ પર ટીપ્પણીઓનો ઢગલો પડ્યો જ હશે. એ ટીપ્પ્ણીઓ આપણને ઘણું શીખવી જાય છે. એક ઈ–ઉમાં લખનારા મારા જેવા બલૉગરોને કેટલાક ટીપ્પ્ણીકારોએ ન સહી શકાય તેવી ટીપ્પ્ણીથી નવાજેલા !
એ ટીકાઓમાંથી મેં ધડો લીધો કે ‘આપણું કામ ભાષાના પ્રચારનું છે; આપણા વીચારોને ઠોકી બેસાડવાનું નથી.’ આ સમજ મને મળી આકરી ટીકાઓને કારણે ! “ગાળ તો છે ઘીની નાળ” એવી શીખ મને ભાષાસાહીત્ય પર ૩૦૦થી વધુ લેખો લખવા તરફ ખેંચી ગઈ !!
કોમેન્ટીકાકક્ષ આપણો ચૉરો છે. આ ઓટલા પરીષદે સૌ સક્રીય રીતે મળતાં રહીએ તેવી આશા સાથે વંદના.