છંદપાઠો : ૫ (યતિ–લઘુગુરુ)

NET-પિંગળ : (5)                                        


આ અંકમાં : યતિ / લઘુ-ગુરુ ચર્ચા / ઇન્દ્રવજ્રા-ઉપેન્દ્રવજ્રા-અનુષ્ટુપ.


(પિગળ-4માં બહુ ઉત્સાહ જોવા મળ્યો ! જે લોકો નવા જોડાયાં તેમણે તો પાછલા પાઠો પણ નોટમાં ઉતારી લીધા. કેટલાંકે તો શીખેલા છંદોમાં પંક્તિઓ રચવાની શરુઆત પણ કરી દીધી. આનંદની વાત એ છે કે એકાદ વાર ભૂલ થયા પછી છંદને સાવ શુદ્ધ સ્વરૂપે લખવામાં સૌએ ઘણી ઝડપ બતાવી છે ! છંદને ગાવાની વાત આગળ કરીને એવી પણ માંગણી આવી કે અમને ઓડિયો પર છંદ શીખવાડો ! છંદને ગાતાં શીખવાનું જરૂરી નથી પણ એનું બંધારણ આવડી જાય પછી તે જાતે જ ગાઈ શકાય છે. છતાં ભવિષ્યે એ પણ થાય તો નવાઈ નહીં.)

 

છંદોને ગાવાની વાતના અનુસંધાને એક બહુ જ મઝાની વાત આપણા આદરણીય વિદ્વાન રા.વિ.પાઠક સાહેબે કરી છે. (દલપતરામથી લઈને છેક આજ સુધીમાં એમના જેવું છંદનું ખેડાણ કોઈએ કર્યું નથી. એમનો વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ બૃહત્ પિંગલ  ગુજરાતીનું ઘરેણું છે.)

છંદની પંક્તિમાં વચ્ચે આવતી યતિ એ છંદનો અગત્યનો ભાગ છે. છંદબદ્ધ પંક્તિઓને ગાતી વખતે કે વાંચતી વખતે બે શબ્દો વચ્ચે ક્યાંક ખાલી જગ્યા કે અવકાશ રાખીને લંબાણ કરવામાં આવે છે. આ અવકાશએ જ યતિ છે. રા.વિ. પાઠક કહે છે :
એક વિશેષ તત્ત્વ પણ પિંગળે સ્વીકારવું જોઈએ. તે છે ધ્વનિશૂન્યકાલ’. ચિત્રકાર ચિત્ર રચનામાં જેમ અનેક રંગોનો ઉપયોગ કરે છે ને ચિત્રની ભૂમિકા-ભોંયના પણ રંગોનો ઉપયોગ કરે છે તે જ રીતે ધ્વનિશૂન્યતા પણ ધ્વનિની ભોંય છે. છંદના પઠનમાં વચ્ચે આવતો ધ્વનિશૂન્ય અવકાશ એ પણ છંદનો જ ભાગ છે. શ્લોકાર્ધે, શ્લોકાંતે વિરામ આવવો જ જોઈએ. એ વિરામ એ પણ શ્લોકનું ધ્વનિશૂન્ય અંગ છે. 

લઘુ-ગુરુ ચર્ચા. 

આગળ શરુઆતના પાઠોમાં જોયું તેમ, હ્રસ્વ ઉચ્ચારવાળા અક્ષરો લઘુ ગણાય છે જેની એક માત્રા ગણાય છે. ને દીર્ઘ ઉચ્ચારવાળા અક્ષરો ગુરુ ગણાય છે ને એની બે માત્રા ગણાય છે. કવિને વ્યાકરણની જે કેટલીક છૂટછાટ મળે છે તેમ છંદમાં પણ મળે છે. કવિ લઘુ અક્ષરને ગુરુ તરીકે અને ગુરુ અક્ષરને લઘુ તરીકે પ્રયોજે છે……પરંતુ યાદ રાખો કે પિંગળમાં લઘુ અક્ષરને ગુરુ બનાવીને લંબાવી શકાય છે પરંતુ ગુરુ અક્ષરને લઘુ બનાવીને ટુંકાવી શકાતો નથી. એનું કારણ શું છે તે જાણવું છે ?

જુઓ : ગુરુ અક્ષરની બે માત્રામાંથી એક માત્રા કરીને ટુંકાવનારું કોઈ તત્ત્વ જ નથી ! (સિવાય કે એ ગુરુ અક્ષરને ઝડપથી વાંચી કે ગાઈ નાખવામાં આવે.) પરંતુ લઘુ અક્ષરને ગુરુ બનાવીને લંબાવવા માટેની પરિસ્થિતિ એક નહીં પણ ત્રણ ત્રણ કારણોસર સર્જાતી હોય છે ! આ ત્રણ નિયમો એવા છે જ્યારે  લઘુ અક્ષરને ગુરુ બનાવીને લંબાવી શકાય છે :
1] : 
લઘુ અક્ષર પછી તરત જ જો જોડાક્ષર-સંયુક્તાક્ષર-આવે તો તેના થડકારાને લીધે જ આગળનો લઘુ પણ ગુરુ બની જાય છે. દા.ત. શક્તિનો શ લઘુ હોવા છતાં  ક્તિના થડકારને લીધે શ ને લંબાવવો પડે છે-એ ઝડપથી બોલી નંખાતો નથી-તેથી તે ગુરુ બની જાય છે.
2] : 
લઘુ અક્ષર ઉપર જો તીવ્ર અનુસ્વાર હોય તો પણ તે ગુરુ બની જાય છે. દા.ત.મુંઝવણશબ્દમાં મું ઉપરનો અનુસ્વાર પોચો-મૃદુ છે પણ મંદાક્રાંતાનો મં તીવ્ર છે. તેથી તે તીવ્ર અનુસ્વારને બે માત્રાનો ગુરુ ગણાય.
3] : 
ચરણાંતે કે શ્લોકાંતે (પંક્તિના છેલ્લા અક્ષર તરીકે) આવતો અક્ષર લઘુ હોય તો પણ એ આપોઆપ ગુરુ જ ગણાય છે. (એનું કારણ એ કે પંક્તિ કે ચરણ સમાપ્ત થાય એટલે બીજી પંક્તિમાં જતાં જતાં જે વાર લાગે એને કારણે છેલ્લો અક્ષર લંબાઈ જાય છે !) દા.ત. યાત્રા કાવ્યસંગ્રહમાંની પંક્તિઓ લઈએ :
ઉગેલી ઝાડીતે બિચ વિલસતું નિર્ઝર લઘુ
સમું લીલી સાડી મહીં ગુપત હૈયું  મધુરવુંમાં ઉપરની પંક્તિ (ચરણ)પાસે બે લીટીનો અર્ધો શ્લોક પુરો થાય છે એટલે પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર શ્લોકાર્ધ ગણાય. ત્યાં એટલે કે અરધા શ્લોકને અંતે આવનાર અક્ષર ઘુ’  લઘુ છે છતાં એ પંક્તિની છેલ્લે આવ્યો તેથી આપોઆપ ગુરુ ગણાય. બીજો શ્લોક જોઈએ :
ધરી હૈયે, બે નો વિરચી ગરવો યોગ, કરુણા
ભર્યાં ભર્ગે  કેવાં ભવન કરિયાં વજ્રિલ ખડાં !
 આ શ્લોકને અર્ધે રસ્તે એટલે કે શ્લોકાર્ધે પંક્તિનો છેલ્લો અક્ષર કરુણાનો ણાગુરુ જ છે. એટલે એ તો ગુરુ જ ગણાય. પરંતુ “કરુણાભર્યાંએક શબ્દ છે તેને તોડીને બીજી પંક્તિમાં લઈ ગયા છે ! આમ એક જ શબ્દને તોડીને લંબાવવાની બાબતને શ્લોકાર્ધે યતિભંગ કર્યો ગણાય. પણ કવિને આવી બહુ છૂટ હોય છે ! એની ચર્ચા ક્યારેક કરીશું.


ઉપરનાં ત્રણ કારણોને લીધે લઘુ અક્ષર પણ ગુરુ બની શકે છેજ્યારે ગુરુ અક્ષરને લઘુ બનાવી શકાતો નથી; સિવાય કે ગાનારો એને જલદી ગાઈનાખીને ટુંકાવે.પણ આવા સમયે એ કાનને ગમતું નથી. (આપણા ગાયક-ભજનિક  હેમંતભાઈ લઘુ અક્ષરને લંબાવીને ગાય કે હિન્દીના કવિઓ મુશાયરામાં લઘુને ખૂબ લંબાવીને ગુરુ બનાવી દે છે ત્યારે તે કાનને રુચતું નથી. 

આજના વર્ગમાં નવા છંદો :

આજના મુખ્ય બે જ છંદો છેઉપજાતિ અને અનુષ્ટુપ. બંને બહુ જ મઝાના છંદો છે ને ટેવાઈ ગયા પછી તો ઉપજાતિમાં વાતચીત પણ કરી શકાય છે ! કવિ દલપતરામ આમ કરી શકતા. તમે વાતચીત તો નહીં પણ પંક્તિઓ તો રચતાં થઈ જ જવાનાં! (મારી શુભેચ્છા અત્યારે જ મોકલી દઉં છું-ટપાલનો ખર્ચ બચે !)

ઇન્દ્રવજ્રા :   અક્ષરો  11. ગણો :  ત-ત-જ+ગા-ગા  યતિ નથી.
                  ઉદાહરણ પંક્તિ : ” ઈલા સ્મરે છે અહીં એક વેળા,
આ ચોતરે આપણ બે  રમેલાં ! (ઈલા કાવ્યો )
યાદ રાખવાની પંક્તિ : તા તા જ/ ગા ગા ગ/ ણ ઇ ન્દ્ર/ વ-જ્રા
                  હોમવર્કની પંક્તિ : “કાવ્યો રચું કેવળ છંદમાં હું
ને છંદને કાવ્યમહીં પ્રયોજું.  

તમે સૌ પણ બનાવો.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ઉપેન્દ્રવજ્રા : અક્ષરો  11.  ગણો :  જ-ત-જ+ગા-ગા    યતિ નથી.
ઇન્દ્ર.અને ઉપેન્દ્ર વચ્ચે ફક્ત એક જ અક્ષરનો ફેર છે:પંક્તિનો પહેલો અક્ષર એકમાં ગુરુ છે ને બીજામાં લઘુ.
 
ઉદા. પંક્તિ : ” દયા હતી ના નહિ કોઇ શાસ્ત્ર
હતી  તહીં  કેવળ માણસાઈ.
 યાદ રાખવાની પંક્તિ :  ઉ/પે/ન્દ્ર/વ/જ્રા/જ/ત/જા/ગ/ગા/થી
                   હોમવર્ક પંક્તિ : પ્ હેલો ગુરુ  તો બસ ઇન્દ્રવજ્રા;
લઘુ પ્રયોજ્યાથી ઉપેન્દ્રવજ્રા !!  (હવે તમારો વારો !)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
અનુષ્ટુપ :  અક્ષરો  8. ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય જ એવો આગ્રહ કે રિવાજ છે.
આ છંદની અનેક વિશેષતાઓ છે :
1]
અક્ષરમેળ છંદ હોવા છતાં લઘુ-ગુરુનાં સ્થાનો નક્કી નથી.
2]
એક પંક્તિનું ચરણ કહેવાય; બે પંક્તિના યુગ્મને શ્લોકાર્ધ કહેવાય
ચાર પંક્તિના સમૂહને શ્લોક કહેવાય ( અનુષ્ટુપ અને બીજા બધામાં પણ આ લાગુ પડે છે.)
3]
પ્રથમ અને ત્રીજી પંક્તિમાં સાતમો અક્ષર ગુરુ અને બીજી-ચોથી પંક્તિઓમાં સાતમો અક્ષર લઘુ હોય તે ઈચ્છનીય ગણાય છે.
4]
આ છંદ અક્ષરમેળ હોવા છતાં એમાં ગણો નથી,કારણ,અક્ષરોનું
સ્થાન નક્કી નથી.
ઉદાહરણ પંક્તિ : ભગવદ્ ગીતાના લગભગ બધા જ શ્લોકો !
“ 
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ?
બોલે,રહે, ફરે કેમ,મુનિ જે સ્થિર બુદ્ધિનો ?”
હોમવર્ક પંક્તિ : છંદોનો છંદ છે વ્હાલો, કવિઓનો અનુષ્ટુપ
સાહિત્યે,સંસ્કૃતે એની જોડના તો બધા  ચુપ !!
ખાસ હોમવર્ક : 1] ઇન્દ્ર.ના છેલ્લા બંને ગુરુની વચ્ચે એક લઘુ મૂકીને 12 અક્ષર થાય
તો એને ઇન્દ્રવંશા અને
2]
ઉપેન્દ્ર.ના છેલ્લા બંને ગુરુની વચ્ચે એક લઘુ મૂકીને વંશસ્થ બને !
3]
બંને નવા છંદ ઇન્દ્રવંશા-વંશસ્થનાં ઉદાહરણ સાથે સમજાવો            

– જુગલકીશોર                          

 

 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.