છંદપાઠો : ૪ (યતિ અંગે વધુ)

નેટપીંગળ :

ગયે વખતે આપણે બે ખૂબ જાણીતા છંદો જોયા. એ વખતે એક વાતનો ઉલ્લેખ થયો હતો, યતિ અંગેનો..

યતિ એટલે એક પ્રકારનું અટકવું. પંક્તિ ગાઈ શકાતી હોય ત્યારે ગાતાં ગાતાં વચ્ચે અટકવાનું આવે. આ અટકવાનું એટલે અલ્પવિરામ, અર્ધવિરામ વગેરે વિરામચિહ્નોની જેમ અટકવાનું નથી. પરંતુ મંદાક્રાંતાની પંક્તિ બોલીએ ત્યારે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ વચ્ચે અટકવાનું આવે છે,  એક નહીં પણ બે વાર : ‘રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’માં ચાર અક્ષરો પછી અને દસમા અક્ષર પછી સહેજ અટકવાનું થાય છે. શિખરિણીમાં ‘તને મેં ઝંખી છે સતત સહરાની તરસથી’ (ઉપરનો અરધો ખંડ ઉડાડી દીધો છે).માં છઠ્ઠા અક્ષર પછી અટકવાનું અને દસમાં અક્ષર પછી પણ સહેજ અટકવાનું આવે છે. આ બધી યતિઓ છે. (શિખ.ની દસમા અક્ષરની કોમળ યતિ ગણાય છે.)
એક સાથે ચાર કે વધુ લઘુ કે ગુરુ અક્ષરોના ખંડો પડે ત્યારે યતિ આવતી હોય છે. યતિની પહેલાંનો અક્ષર હંમેશાં ગુરુ હોય છે કારણ કે તેને લંબાવવાનો હોય છે. યતિ જ્યાં આવે ત્યાં શબ્દ પૂરો થવાને બદલે શબ્દની વચ્ચે યતિ આવી જાય તો એને યતિભંગ થયો ગણાય છે.(બ.ક.ઠા. તો યતિભંગને દોષ ગણવાને બદલે યતિસ્વાતંત્ર્ય ગણે છે.) યતિની જેમ જ શ્રુતિભંગ, શ્લોકભંગ પણ થતા હોય છે પણ એ બધામાં આપણે અહીં નહીં પડીએ; આપણે તો હજી પંક્તિ જ શરુ કરવાની છે ત્યાં ભંગની વાતની ચિંતા શા માટે ?! (શિક્ષકના હાડકાંનો ભંગ વિદ્યાર્થીઓ કરી નાખે તો !)

અર્થગત યતિ : છંદનો સીધો ભાગ ન હોય એવી પણ એક યતિ છે; અર્થગત યતિ. કવિ પંક્તિમાં જે ભાવ કે વિચાર મૂકે છે તેમાં અર્થને જાળવવા (ગદ્યની જેમ જ) વિરામચિહ્નો મૂકે છે. અહીં આપણે અર્થને જાળવવા અટકવાનું હોય છે. આ અટકવાને છંદની યતિ નહીં કહેવાય.આપણે એમાં પણ નહીં ‘પડીએ’ ! (પડવાથી પણ ભંગ થાય છે-અસ્થિભંગ-!)

કેટલાક જાણીતા છંદો :


વસંતતિલકા : અક્ષરો-14. યતિ નથી.
બંધારણ : ત-ભ-જ-જ+ગા-ગા…….તગણ/ભગણ/જગણ/જગણ/+ ગા, ગા.
“લેખો વસંતતિલકા તભજાજગાગા” એને ત્રણ ત્રણ અક્ષરોમાં છોડો : લેખોવ/સંતતિ/લકાત/ભજાજ/ + ગાગા.
ઉદાહરણ : “તારે ન રૂપ નહિ રંગ સુગંધ, કૈં ના
તારે વસંત પણ ના, બસ અંગ ઓઢી…”

આ છંદ અયતિક છે પણ અર્થગત યતિઓ છે, જોઈ ?

 હું એક જાતે પંક્તિ બનાવી મૂકું છું; સૌ પણ બનાવીને કોમેન્ટમા મૂકે. આ છંદને સમજવો નથી કાંઈ સ્ હેલો.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 

શાર્દૂલ વિક્રીડિત : અક્ષરો – 19.  યતિ એક જ બાર અક્ષરો પછી. બંધારણ : મ-સ-જ-સ-ત-ત+ગા

“ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં.”

એને છોડો ;  ઉગેછે/સુરખી/ભરીર/વિમૃદુ/હેમંત/નોપૂર્વ/માં.

જાતે બનાવેલી મારી પંક્તિ : લાગે છે અહિ માસજાસતતગા શાર્દૂલવિક્રીડિતે

હવે તમે સૌ પણ બનાવીને મૂકો.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

પૃથ્વી : અક્ષર- 17. યતિ નથી. (અગેય અને પ્રમાણમાં અઘરો છંદ.)
બંધારણ : જ-સ-જ-સ-ય+લ,ગા. ”

જસૌ જસયલાગ આ નિયત વર્ણ પૃથ્વી મહીં.”  એને તમે જાતે છોડો.

ઉદાહરણ ” ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !” (આ જાણીતી પંક્તિમાં કવિએ ક્યાં છૂટ લીધી છે ? કહો.)

” પ્રિયે ! કવિત સુંદરી ! નિકટ અંતરંગે રહે.”

મારી પંક્તિ: જુઓ, કવિત આજથી શરુ કરું છું પૃથ્વી મહીં.

તમે પણ બનાવીને મૂકો.

ખાસ નોંધ : છંદનું બાહ્ય કલેવર મહેનતથી સિદ્ધ થઈ શકે પરંતુ આંતરતત્વ (કાવ્યત્વ) પ્રગટતાં વાર લાગે. અત્યારે તો છંદ શીખવા માટે મારીમચડીને પંક્તિઓ બનાવીએ, એમાં ગદ્યાળુપણું જ રહેવાનું. ભલે રહે. એમ જ ટેવાતાં જશું. પછી તો કવિતાસર્જન જ છંદના ઢાળામાં વહેશે.

 “છંદો પી લે, ઉરઝરણ વ્હેશે પછી આપમેળે !!!” (ઉ.જોશીની ક્ષમાયાચના સાથે !)


સૌને શુભેચ્છા સાથે, ઈતિ ચતુર્થોધ્યાય !

– જુગલકીશોર.

 

 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.