છંદો શીખવા છે ? (૩) : છંદો યાદ રાખવાની ચાવી !

મંદાક્રાંતાની જેમ જ હવે એવો જ જાણીતો છંદ-શીખરીણી લઈએ :

રે પંખીની- ઉપર પથરો-ફેકતા ફેંકી દીધો..  ( ગયા વખતની મંદાક્રાંતાની પંક્તી )

તમોને વીંધી ગૈ-સનન, કરુણા-એ શું પ્રભુની ?  ( યમાનાસાભાલા ગગણવરણોથી શીખરીણી )
( આ વખતે એક ફેરફાર કર્યો છે : પંક્તીની વચ્ચે આડી લીટી આપી છે. આ આડી લીટી એ છંદની પંક્તીમાં વચ્ચે આવતી ‘યતિ’ છે જેની વીગતવાર ચર્ચા હવે પછી યથાસમયે કરીશું. બીજી પંક્તિમાં “સનન, કરુણા-એ શું પ્રભુની”માં અલ્પ વીરામ છે તે પણ યતિ જ છે પરંતુ તે યતિ છંદની યતિ નથી તે યાદ રહે.)

બંને છંદોમાં સરખાપણું : મંદાક્રાંતા અને શીખરીણી બંને અક્ષરમેળ છંદો છે ; બંનેના અક્ષરો 17 છે. બંનેમાં લઘુ અને ગુરુનાં સામટાં આવર્તનો જોવા મળે છે, જેમ કે “ ઉપર પથ (રો ફેંકતા ફેંકી દીધો) સળંગ પાંચ લઘુ અને ” સનન કરુ (ણા એ શું પ્રભુની) પાંચ લઘુ એક સાથે બંને છંદમાં આવે છે. એવી જ રીતે બંનેમાં આરંભે જ ચાર અને પાંચ ગુરુ અનુક્રમે આવે છે. યતિની  બાબતે પણ આ બંને છંદોમાં સરખાપણું છે : બંનેમાં બબ્બે આડી લીટીઓ છે જે બબ્બે યતિઓ બતાવે છે.

હવે પાછા મુળ વાત ઉપર આવી જઈએ. શીખરીણીની ઉપરની પંક્તીમાં પણ ત્રણ ત્રણ અક્ષરે જોડકાં બનાવી દઈએ:
તમોને /વીંધી ગૈ / સનન / કરુણા / એ શું પ્ર / ભુની
હવે છયે જોડકાંને ઓળખો : પ્રથમ જોડકું લગાગા છે. એટલે એ ગણનું નામ ‘યશોદા-ય ગણ થયો. એવી જ રીતે બીજું જોડકું  વીંધીગૈ = ગાગાગા=માતાજી=મ ગણ થયો; ત્રીજું જોડકું સનન =લલલ=નયન=ન ગણ થયો ; કરુણા=લલગા=સવિતા=સ ગણ અને છેલ્લે એશુંપ્ર=ગાલલ=ભારત=ભ ગણ ; છેલ્લા અક્ષરો લગા.

હવે બધાં જ ગણ-જોડકાંના પ્રથમ અક્ષરો લો તો અનુક્રમે થશે : યમનસભલગા. હવે આ છંદને યાદ કરવાની તૈયાર આપેલી પંક્તી યાદ રાખો : યમાનાસાભાલાગગણવરણોથીશીખરીણી. ફરી વાર પ્રેક્ટીસ માટે આખી લીટીને ત્રણના જોડકામાં વહેંચો : યમાના /સાભાલા /ગગણ / વરણો /થીશીખ /રીણી. એટલે ફરી પાછો મંત્ર આવી ગયો ! : “યમનસભ,લગા” !!

હવે આજે એક વાત કાયમ માટે યાદ રાખવાની કરી લઈએ : કોઈ પણ અક્ષરમેળ છંદને યાદ રાખવા અને સમજવા માટે આટલું જોઈએ : (1) કુલ અક્ષરો ; (2) એનું ટુંકું બંધારણ; (3) એની ઉદાહરણ પંક્તી :(4) એમાં આવતી યતીનું સ્થાન. બસ આટલું જ બસ !

હવે આમ જોવા જઈએ તો અક્ષરમેળ છંદોને શીખવાની પુરી ચાવી આપી દીધી !

એ રીતે જોઈએ તો મંદાક્રાંતામાં 1) અક્ષરો,17… 2) બંધારણ, મભનતતગાગા, 3) ઉદાહરણ પંક્તિ,”મંદાક્રાંતા-મભનતતગા-ગાગણોથી રચાયે.” અને છેલ્લે યતીનું સ્થાન 4 અને 10 અક્ષરો પછી. તે જ રીતે શીખરીણીમાં જઈએ તો 1] અક્ષરો-17 ; 2] બંધારણ-યમનસભલગા ; 3] ઉદાહરણ પંક્તી – યમાનાસાભાલા-ગગણવરણોથી-શીખરીણી ; 4] યતી સ્થાન-6 અને 13મી પંક્તીઓ પછી.

આજે આટલું ! જોકે આજની વાત ટુંકમાં પરંતુ ઘણી બધી મહત્ત્વની બાબતો આપી જાય છે, કારણ કે આ ચાવી બધાને લાગુ પાડીને જાતે જ ઘણું બધું જાણી શકાય છે. બાકીનું એક છોટેસે બ્રેક કે બાદ ! (આવતા સપ્તાહે).

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.