આજે તા. ૨૧/૨ માતૃભાષા દિવસ !!

જોડણીના નિયમો (સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ)

નિયમ- 1] સંસ્કૃતના તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની.

નિયમ- 2] ભાષામાં તત્સમ તથા તદ્ભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ; રાત્રિ-રાત;દશ-દસ; કાલ-કાળ; નહિ-નહીં; હૂબહૂ-આબેહૂબ; ફર્શ-ફરસ.

નિયમ- 3] જે વ્યંજનાન્ત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ. [આ નિયમ અંગ્રેજી, ફારસી, અરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે.]

નિયમ- 4] પશ્ચાત્, કિંચિત્, અર્થાત્, ક્વચિત્, એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિત્કર; પશ્ચાત્તાપ. [આવા અવ્યયો પછી જ્યારે ‘જ’ આવે ત્યારે તેમને
વ્યંજનાન્ત ન લખવાં. ઉદા. ક્વચિત જ.]

નિયમ- 5] અરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવાં. ઉદા. ખિદમત, વિઝિટ, નજર.

નિયમ- 6] ‘એ’ તથા ‘ઓ’ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દોના ’એ”ઓ’ના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે,તે દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો.ઉદા.કૉફી,ઑગસ્ટ,કૉલમ.

નિયમ- 7] અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ.[નોંધ: શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકો  વાપરી શકાય. ઉદા. અંત-અન્ત; દંડ-દણ્ડ; સાંત-સાન્ત; બૅંક-બૅન્ક.
હશ્રુતિ તથા યશ્રુતિ

નિયમ-8]   બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોર જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહોંચ, જેવા ધાતુઓમાં હ જુદો પાડીને લખવો.

નિયમ-9]   નાનું, મોટું, બીક, સામું, ઊનું, મોર {અવ્યય}, મોં, મોવું (લોટને), જ્યાં, ત્યાં, ક્યારે, ત્યારે, મારું, તારું, તમારું, તેનું, અમારું, આવું, વગેરેમાં હકાર ન દર્શાવવો. ( એટલે કે, હ જ્યાં દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો ત્યાં મુદ્દલ ન દર્શાવવો; ‘હ’ને આગલા અક્ષર સાથે જોડવો નહીં. )

નિયમ-10]  નાહ, ચાહ, સાહ{સાહ-વું = ઝાલવું-પકડવું }, મોહ, લોહ, દોહ, સોહ {સોહ-વું = શોભવું,સોહાવું} એ ધાતુઓ અનિયમિત ગણી તેમનાં દર્શાવ્યાં પ્રમાણે રૂપો લખવાં :
નાહ:- નાહું છું; નાહીએ છીએ; નહાય છે; નાહો છો; નાહ્યો, -હ્યા,-હી,-હ્યું,-હ્યાં; નાહીશ; નાહીશું; નહાશે; નહાશો; નહાત; નહાતો,-તી,તું;નાહનાર; નાહવાનો અથવા નાવાનો; નાહેલો,-લી,-લું; નહા; નહાજે; નાહવું.
ચાહ:- ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છો; ચાહ્યો,-ચાહ્યા,-હી,-હ્યું,-હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચાહત; ચાહતો,-તી,-તું; ચાહનાર; ચાહવાનો; ચાહેલો,-લી,-લું; ચાહ; ચાહજે; ચાહવું.
સાહ:- ( ચાહ પ્રમાણે )
મોહ:- મોહું છું; મોહીએ છીએ; મોહે છે; મોહો છો; મોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં;મોહીશ; મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો,-તી,-તું; મોહનાર; મોહવાનો; મોહેલો,-લી,-લું; મોહ; મોહજે; મોહવું.
લોહ:- { લોહવું=લુછવું}લોહું છું; લોહીએ છીએ; લુહે છે; લુહો છો; લોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; લોહીશ; લોહીશું; લોહશે; લોહશો; લોહત; લોહતો,તી,-તું; લોહનાર; લોહવાનો અથવા લોવાનો; લોહેલો; લોહવું.
લોવડા(રા)વવું; લોવાય; લોવણિયું. {લુછવા પરથી બનતા શબ્દો}
દોહ:- દોહું છું; દોહીએ છીએ; દુહે છે; દુહો છો; દોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; દોહીશ; દોહીશું; દોહશે; દોહશો; દુહત અથવા દોહત; દોહતો,-તી,-તું; દોહનાર; દોહવાનો અથવા દોવાનો; દોહેલો,-લી,-લું; દોહ; દોહજે.
દોવડા(રા)વવું; દોવાવું; દોવણ; દોણી.
કોહ:-  {કોહવું=સડવું }સામાન્યત:મોહ પ્રમાણે.પણ નીચેનાં રૂપો  {નીચે}દર્શાવ્યા પ્રમાણે {લખવાં} :
કોવડા(રા)વવું; કોવાવું; કોવાય; કોહપણ; કોહવાટ.
સોહ:- {સોહવું=શોભવું} મોહ પ્રમાણે.

નિયમ- 11]  કેટલાક ‘ઢ’ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે. જેમ કે, કહાડવું, વહાડવું. તેમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું.પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં.

નિયમ- 12]  કેટલાક શબ્દોના ઉચ્ચારણમાં ગુજરાતના કેટલાક ભાગમાં યશ્રુતિ થાય છે. ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, લ્યો, દ્યો ઇ. પણ તે લખવામાં દર્શાવવાની જરુર નથી. જાત, આંખ,  લાવ, લો, દો એમ જ લખવું.

તદ્ભવ શબ્દો

નિયમ- 13]  અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્વ કરવું. ઉદા. ચોખ્ખું, ચિઠ્ઠી, પથ્થર, ઝભ્ભો, ઓધ્ધો, સુધ્ધાં, સભ્ભર. પણ ચ્ તથા છનો યોગ હોય તો ચ્છ લખવું, છ્છ નહિ. ઉદા. અચ્છેર,પચ્છમ, અચ્છું.

નિયમ- 14]  કેટલાક શબ્દોમાં (ઉદા. પારણું, બારણું, શેરડી, દોરડું,ખાંડણી, દળવું, ચાળણી,શેલડી) ર, ડ, ળ લને બદલે ય ઉચ્ચાર થાય છે; ત્યાં મૂળ રૂપ જ લખવું.

નિયમ- 15]  અનાદિ ‘શ’ના ઉચ્ચારની બાબતમાં કેટલાક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદા. ડોશી-ડોસી, માશી-માસી, ભેંશ-ભેંસ, છાશ-છાસ, બારશ-બારસ, એંશી-એંસી. આવા શબ્દોમાં શ અને સ નો વિકલ્પ રાખવો.

નિયમ- 16]  શક, શોધ, શું માં રૂઢ શ રાખવો; પણ સાકરમાં સ લખવો.

નિયમ- 17]  વિશે અને વિષે એ બંને રૂપો ચાલે.

નિયમ- 18]  તદ્ભવ શબ્દોમાં અંત્ય ઈ તથા ઉ, સાનુસ્વાર કે નિરનુસ્વાર, એ અનુક્રમે દીર્ઘ અને હ્રસ્વ લખવાં. ઉદા. ઘી; છું; શું; તું; ધણી; વીંછી; અહીં; દહીં; પિયુ; લાડુ; જુદુ.
નોંધ–સામાન્ય રીતે ગુજરાતીમાં રુ {ઉપરાંત રની પાછળ અધવચ્ચે હ્રસ્વ ઉની નિશાની જેને માટે કોમ્પ્યુટરમાં સગવડ નથી ! -જુ.}લખવાનો રિવાજ નથી; રૂ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હ્રસ્વ રુ લખવાનું હોય ત્યાં રુ {અથવા હમણાં મેં કહ્યું તેવો રુ. -જુ.} લખવું. ઉદા. છોકરું, બૈરું {માં બંને હ્રસ્વ રુ લખવા}.

અપવાદ--એકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ઘ લખવો. ઉદા. જૂ, લૂ, થૂ, ભૂ, છૂ. {જોડણીકોશમાં જ ની પાછળ કાનો કરીને પછી [જેમ કે જા] હ્રસ્વ ઉની નીશાની લખવામાં આવે છે પણ કોમ્પ્યુટરમાં એ સગવડ નથી.જુ.}

નિયમ- 19]  અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારનો ઉચ્ચાર પોચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ઘ લખવાં.ઉદા. ઈંડું; હીંડાડ; ગૂંચવાવ; સીંચણિયું; પીંછું; લૂંટ; પૂંછડું; વરસૂંદ; મીંચામણું.

અપવાદ–કુંવારું, કુંભાર, કુંવર, સુંવાળું.

નિયમ- 20]  શબ્દોમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઈ કે ઊ જે હોય તે હ્રસ્વ લખવો. અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદા. કિસ્તી, શિસ્ત, ડુક્કર, જુસ્સો, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, જિંગોડી, લુંગી, દુંદ, તુંડાઈ.
     નોંધ – સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી; જી જ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હ્રસ્વ જિ લખવાનું હોય ત્યાં જિ લખવું. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું.

નિયમ- 21]  જ્યાં વ્યત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ( જેમ કે, જુદું, ઉદવું, ડિલ) તેવા બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય ઈ તથા ઊ દીર્ઘ લખવાં. ઉદા. ચૂક, થૂઈ, તૂત, ઝૂલો, ઝીણું, જીનો.
અપવાદ – સુધી, દુખ,જુઓ.
     નોંધ –   મુકાવું,ભુલાવું, મિચાવું, એવાં કર્મણિ રૂપોમાં હ્રસ્વ થાય છે. જુઓ નિયમ 24મો.

નિયમ- 22]  જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ( જેમ કે, ઉપર, ચુગલ, કુરતું, મુગટ, અંગુર ) તેવા બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઇ કે ઉ પછી લઘુ અક્ષર આવે તો તે દીર્ઘ લખવાં, અને ગુરુ અક્ષર આવે તો હ્રસ્વ લખવાં. ઉદા. નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખેડૂત,દુકાળ, સુતાર, તડૂક, કિનારો, ભુલાવ, મિચાવ, તડુકાવ.
અપવાદ – વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા. ગરીબ-ગરીબાઈ; વકીલ-વકીલાત; ચીકણું-ચીકણાઈ,ચીકાશ; મીઠું-મીઠાશ,મીઠાણ; જૂઠું-જૂઠાણું; પીળું-પીળાશ; ઝીણું-ઝીણવટ.
નોંધ – વેધી-વેધિત્વ,અભિમાની-અભિમાનિત્વ, એવા શબ્દો તત્સમ સંસ્કૃત હોઈ ફેરફાર કરવામાં આવે છે.
અપવાદ 2 – કેટલાક શબ્દો બોલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઇ કે ઉ જે હોય તે દીર્ઘ કરવાં. ઉદા. ગોટીલો, દાગીનો, અરડૂસો, દંતૂડી વગેરે.
નોંધ – જેમાં આ જાતનો ભાર નથી આવતો એવા શબ્દો : ટહુકો, ફઉડી, મહુડું.

નિયમ- 23]  ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઇ કે ઉ હ્રસ્વ લખવાં. ઉદા. મિજલસ, ભુલામણું, હિલચાલ, કિલકિલાટ,ખિસકોલી,ટિપણિયો, ટિટિયારો, ટિચકારી.
વિકલ્પ – ગુજરાત-ગૂજરાત.
     નોંધ 1- આ જાતનો શબ્દ સમાસ હોય તો સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર; હીણકમાઉ; પ્રાણીવિદ્યા; સ્વામીદ્રોહ; મીઠાબોલું.
નોંધ 2- કૂદાકૂદ,બૂમાબૂમ, ભુલભુલામણી, એવા દ્વિર્ભાવથી શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી.

નિયમ 24]  પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર કલમ 21, 22, 23, 24 પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલ-ભુલામણી;
શીખ-શિખાઉ, શિખામણ; નીકળ-નિકાલ; ઊઠ-ઉઠાવું,ઉઠાડ,ઉઠાવ, ઉઠમણું; મૂક-મુકાણ,મુકાવું,મુકાવવું.
નોંધ 1—  નિયમ 19, 20 પ્રમાણે સાનુસ્વાર ઇ,ઉ વાળા શબ્દોમાં ફેર નહીં થાય. જેમ કે ચૂંથવું, ચૂંથારો, ચૂંથાવું,ચૂંથાવવું; કિંગલાણ*, કિંગલાવું, કિંગલાવવું.
નોંધ 2–  ધાતુના અક્ષરો ગણવામાં તેનું સામાન્ય કૃદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે ઊથલ(વું),મૂલવ(વું),ઉથલાવ(વું), તડૂક(વું),તડુકાવ(વું), તડુકા(વું).
અપવાદ 1— કર્મણિ રૂપોને નિયમ 21માં અપવાદ ગણી હ્રસ્વ કરવાં. જેમ કે મિચા(વું), ભુલા(વું).
અપવાદ 2— ક્રિયાપદનાં કૃદંતરૂપોમાં મૂળ જોડણી જ કાયમ રાખવી. જેમ કે ભૂલનાર, ભૂલેલું; ભુલાવનાર; ભુલાયેલું; મૂકનાર, મૂકેલું;   મુકાયેલું, મુકાવનાર; મુકાવડાવેલું.

નિયમ 25] શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈ ને હ્રસ્વ કરી સ્વરની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદા. દરિયો, કડિયો, રેંટિયો, ફડિયો, ધોતિયું,માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, દિયર,સહિયર, પિયુ.
અપવાદ — પીયો; તથા જુઓ પછીનો નિયમ.
વિકલ્પ — પિયળ-પીયળ.

 નિયમ 26]  વિભક્તિ કે વચનના પ્રત્યયો લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી. ઉદા. નદી-નદીઓ, નદીમાં ઇ. સ્ત્રી-સ્ત્રીઓ, સ્ત્રીને ઇ. ખૂબી-ખૂબીઓ. બારીબારણાં.

નિયમ 27-ક]  કરીએ, છીએ, ખાઈએ, ધોઈએ, સૂઈએ, જોઈએ, હોઈએ, મારીએ, એવાં ક્રિયાપદનાં રૂપો બતાવ્યાં પ્રમાણે લખવાં. પણ થયેલું, ગયેલું, સચવાયેલું, એવાં રૂપો દર્શાવ્યા મુજબ લખવાં.

નિયમ 27-ખ]  જુવો, ધુવો નહિ પણ જુઓ, ધુઓ લખવું. તેમ જ ખોવું, રોવું જેવાં ઓકારાન્ત ધાતુઓમાં ખુઓ, રુઓ લખવું. અને જુએ છે, ધુએ, ખુએ છે, રુએ છે, જોયેલું, જોતું; ખોયેલું, ખોતું; ધોયેલું, ધોતું; વગેરે રૂપો દર્શાવ્યા મુજબ લખવાં.

નિયમ 27-ગ]  સૂવું, પીવું, જેવાં ક્રિયાપદોમાં સૂએ છે, સૂઓ, સૂતું, સૂતેલ, સૂનાર, અને પીએ છે, પીઓ, પીતું, પીધેલ, પીનાર, એ પ્રમાણે લખવું.
—————————–
 *કિંગલાણ=હર્ષનાદ.

નિયમ-28] પૈસો,ચૌટું, પૈડું, રવૈયો એમ લખવું. પણ પાઈ, પાઉંડ, ઊડઈ, સઈ એવા શબ્દો દર્શાવ્યા પ્રમાણે લખવા.

નિયમ-29]  સજા, જિંદગી, સમજ એમાં જ; તથા ગોઝારું,મોઝારમાં ઝ, અને સાંજ-ઝ, મજા-ઝા એમ લખવું.

નિયમ-30]  આમલી-આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તૂંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંલ્લો-ચાંદલો. સાલ્લો-સાડલો એ બંને રૂપો ચાલે.

નિયમ-31]  કહેવડાવવું-કહેવરાવવું, ગવડાવવું-ગવરાવવું, ઉડાડવું-ઉરાડવું, બેસાડવું-બેસારવું, જેવાં જેવાં પ્રેરકરૂપોમાં ડ અને  ર નો વિકલ્પ રાખવો.

નિયમ-32]  કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્રસ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં.

નિયમ-33]  જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય તે શબ્દોની, ઉપરના કોઈ નિયમો અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા. મુજ, તુજ, ટુકડો, ટુચકો, મુજબ,પૂજારી,મુદત, કુમળું,કુસકી, ગુટકો, કુલડી.

===============================

અક્ષરાંકન : જુ.

 

 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.