– જુગલકીશોર
બે બહેનપણીઓ વર્ષો પછી ભેગી થાય ત્યારે શું કરે એવા સવાલનો જવાબ સામાન્ય રીતે “ગપાટા મારે, બીજું શું ?!” એવો મળે તો નવૈ નૈં. એમાંય કૉલેજજીવન પછી છુટી ગયેલો સંબંધ ૪૮ વરસ એટલે કે અરધી સદી પછી સંધાય ત્યારે બબ્બે પેઢીઓની સાક્ષી બની ચુકેલી બહેનપણીઓ પાસે વાતો કરવા માટેની સામગ્રી કોઈએ પહોંચાડવાની જરુર ન જ હોય ને !
આવી જ એક ઘટના અમેરીકા ને યુકે વચ્ચે એ દી ઓચીંતી જ ઘટી….ભારતથી પાછાં ફરીને નયનાબહેન નામની એક વ્યક્તી પોતાના મોબાઈલમાં ભેગા થયેલા સંદેશાઓ વાંચે છે; તેમાં લખેલું પકડાય છે : “હું દેવિકા બોલું છું. જો આ ફોન નયનાનો હોય તો મને આ નંબર ઉપર ફોન કરે…” ને પછી તો ભાઈને કઉં તે ફોન ઉપર જ જામી ગ્યો વાતુંનો દોર !
એ દોરમાં જ પછી તો સંભારણાંનાં ફુલડાં ગુંથાતાં ગયાં ને એ ફુલગંથણીથી સર્જાતો ગયો સાહીત્યીક પત્રોનો ચંદનહાર ! બ્લૉગ ઉપર પ્રગટતાં ગયાં એ સંભારણાં ને વાતોના તડાકા. ઘણાંને આ લખાણો ગમ્યાં ને એમાંથી જ સર્જાયું “આથમણી કોરનો ઉજાસ” !!
*** *** ***
મારી લોકભારતીના જ વિદ્યાર્થીના નાતે મારા ગુરુભાઈ એવા દેશવિદેશ વચ્ચે શટલીયાની જેમ ફરતા રહેતા, અને વૈશ્વીક ગુજરાતીઓને ભાષાના માધ્યમથી સાંકળતા રહેતા, જાણીતા પુસ્તકવીતરક એવા શ્રી પ્રતાપભાઈ પંડ્યાના સહયોગથી ને મારા બહુ પુરાણા સંબંધી મીત્ર શ્રી બળવંતભાઈ જાનીના સંચાલનથી શરુ થયેલી એક અત્યંત ઉપયોગી સાહીત્યીક પ્રવૃત્તી એવી “ગ્રીડ્સ ડાયસ્પોરા ગ્રંથમાળા”એ અત્યાર સુધીમાં પ્રગટ કરેલાં પાંચ પુસ્તકોમાંની ત્રીજી પુસ્તીકા એટલે આ “આથમણી કોરનો ઉજાસ”. આ પુસ્તીકા એક દી ઓચીંતાં જ શ્રી બળવંતભાઈએ આપી ! દેવિકાબહેને વાત તો કરી જ રાખેલી એટલે રાહ તો હતી જ…..ને એમાં હાથોહાથ તે મેળવવાને બહાને જાનીભાઈને રુબરુ મળવાનુંય ગોઠવાઈ ગયું !
આજની મારી આ વાત એ બન્ને લેખીકાઓ તથા બન્ને મહાનુભાવોને અર્પણ !!
*** *** ***
શું છે આ આથમણી કોરની વાતોમાં ? કેમ એને એક બેઠકે વાંચી લેવાનો સમય કાઢી લેવો પડે છે ?! એવા સવાલોના જવાબો માટે તો પુસ્તકનાં પાનેપાને પ્રગટેલો સાડાચાર દાયકાના વીયોગ પછીનો મેળાપ જાત્તે જ વાંચવો રહ્યો !
મેં એ વાંચ્યો.
એમાં બે દેશોની વાતો છે; એમાં બન્ને દેશોમાં દુરદુર બેઠેલી બે બહેનોની પોતાના મુળ વતનની વાતો છે; સ્વદેશ અને વીદેશની અથવા કહો કે ભારતથી છુટીને એક વારના વીદેશને જ સ્વદેશ બનાવી બેઠેલી બે વ્યક્તીઓ દ્વારા થતી અનેક દેશોની વૈવીધ્યભરી આલંકારીક ભાષામાં થયેલી રજુઆતો છે; અનેક પ્રકારનાં વંચાયેલાં પુસ્તકોના અને કેટલાય લેખકોના (એમાં જુભૈ પણ આવી જાય !) સંદર્ભો છે; ભાષાની અનગીનત ખુબીઓ છે; પત્રોરુપી આયનામાં દેખાતી અને દેખાડાતી અવનવીન સામગ્રી છે; ઘરની, કુટુંબની, કૉલેજની અને થયેલા પ્રવાસોની પણ વાતો છે……
ટુંકમાં કહું તો બે હૈયાં વચ્ચે સ્ફુરી ગયેલાં બે ઝરણાંના ખળખળતા મધુરા જળપ્રવાહનો આ શાબ્દીક વીડીઓ છે !! એ વીડીઓની લીંક શક્ય નથી પણ ઝરણું ઉપલબ્ધ થવું શક્ય છે –
આ સરનામે :
પ્રકાશક પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.
દેવિકા ધ્રુવ : dddhruva1948@yahoo.com
નયના પટેલ : ninapatel147@hotmail.com