શિક્ષણ અને સમાજની અપેક્ષાઓ

સારાંશ :

શિક્ષણનું કામ છે સારા માણસો બનાવીને સમાજને આપવા અને સમાજમાં નવીન વિચારસરણી દ્વારા યોગ્ય નાગરિકોનું ઘડતર કરવું. આથી જ શિક્ષણવિદ રણછોડ શાહ કહે છે કે કોઇ પણ વ્યક્તિને પોતાના સારા કામની નોંધ ગમે છે. વધુ સારા કામને પ્રોત્સાહન મળવું જોઇએ. સમાજને કંઇક પ્રદાન કરવાનું છે. સમાજ શિક્ષણ પાસે એવી આશા રાખીને બેઠો છે કે શિક્ષણ દ્વારા જ યોગ્ય નાગરિકોનું નિર્માણ થશે. સમાજ સદાચારી અને નિર્યસની વિદ્યાર્થીઓની કામના રાખે છે. સમાજ વ્યક્તિ વિકાસ માટે જ્ઞાનની કદર કરે છે. સમાજમાં સારા નાગરિકો વધારીને સમાજ માનવીય અપેક્ષાઓને પૂરી કરે તે વધુ ઇચ્છનીય છે. આજે દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે સમાજમાં મારુ માન વધે. લોકો તેને આદર આપે.વ્યક્તિના કાર્યોની એક આગવી અસર ઊભી થાય. આમાં કેટલાક લોકો સફળ થાય છે તો કેટલાક લોકો નિષ્ફળ નીવડે છે.

પ્રસ્તાવના :

માનવી માટે, સમાજ માટે કે રાષ્ટ્ર માટે કે સમગ્ર વિશ્વ માટે ભાવિનો પાયો શિક્ષણ છે. સમય ખૂબ જ ઝડપથી બદલાઇ રહ્યો છે. ક્ષણે ક્ષણે નવમ્ નવમ્. સર્વત્ર ક્ષણે-ક્ષણે પરિવર્તનો આવી રહ્યા છે. શિક્ષણમાં આવતા પરિણામો સારા કે ખરાબ. આ પરિણામો આખરે સમાજે જ ભોગવવા પડશે. શિક્ષણ અને શિક્ષિત વ્યક્તિ પાસે સમાજ ઘણી આશાઓ રાખીને બેઠો છે. સમાજની અપેક્ષાઓ સંતોષાય એવી શિક્ષણની નીતિ-રીતિ ઘડવાની જરૂર છે.

સમાજની અપેક્ષાઓ :

(૧) શિક્ષક્ત્વની ખોજ

સમાજ સાચા અને સારા શિક્ષકોને ચાહે છે. શિક્ષક્ત્વની ખોજ શિક્ષકે કરવાની છે. શિક્ષણ આપતા આપતા કરે છે. શિક્ષણના અસીમિત વિરાટ સ્વરૂપનું દર્શન કરવું તે શિક્ષકની જીવનભરની યાત્રા છે. એક આરાધના છે. ભગવાન બુદ્ધ અને મહાવીર ભારત દેશની હરતી ફરતી વિદ્યાપીઠ હતી. ટાગોરની આ આરાધના શાંતીનિકેતન જ નહિ પણ વિશ્વ સુધી ફેલાઇ છે. ભગવાન બુદ્ધની કરુણા વિશ્વની શ્રેષ્ઠ કેળવણી છે. અત્યારે વિશ્વમાં અને ખાસ કરીને ભારતીય સમાજ કરુણાના મૂલ્યો શિક્ષણ પદ્ધતિમાં ઇચ્છે છે. ઇસુની આરાધના પ્રેમ સ્વરૂપ્ર જગતમાં વિસ્તરે છે. આ બધા કેળવણી મૂલ્યો આપણે શિક્ષક તરીકે, એક વાલી તરીકે, ભારત દેશના નાગરિક તરીકે, એક સરકારી વહીવટીતંત્રના ભાગરૂપે લાવવા જ પડશે. આ ભારતીય સમાજ શિક્ષણભૂમિને ફરી તક્ષશીલા અને નાલંદા જેવી વિદ્યાપીઠ બનાવવા માટે તીવ્ર આતુર છે.

શિક્ષણ એ જટિલ, સંકુલ, અનિશ્ચિત, અસ્પસ્ટ, અને સંઘર્ષમય છે તો બીજી તરફ તે આનંદદાયક અને રોમાંચક છે. સાથે સાથે સુખદ, વિસ્મયકારક, અદભૂત, પ્રેમાળ અને નૈતિક કાર્ય છે. શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીની આંખોમાં સમજણની દિપ્તી પથરાય તે રોમાંચક ક્ષણ એટલે શિક્ષકત્વની ખોજ. જેમ જેમ શિક્ષક વિકસતો જાય છે તેમ તેમ શિક્ષણ વધુ સ્પસ્ટ બનતું જાય છે. મનુષ્યની જેમ શિક્ષકના વિકાસની પણ વિવિધ અવસ્થાઓ હોય છે. ઝુઝોવસ્કી શિક્ષણના ત્રણ તબક્કાઓ દર્શાવ્યા છે. શિક્ષક શું ? કેવી રીતે ? અને શા માટે ? એવા ત્રણ પ્રશ્નોની વિચારણા કરે છે. દરેકમાં શિક્ષકત્વ રહેલું છે. ભારતીય સમાજ એવા શિક્ષણ અને શિક્ષકત્વની ખોજ સેવે છે જે વૈશ્વિક સ્તરે ભારતને અર્જુન, એકલવ્ય, કર્ણ, કરતા પણ સવાયા વિદ્યાર્થીઓ પૂરા પાડે. આમ શિક્ષકત્વની ખોજ શું ? થી શરૂ થઇ શી રીતે ? સુધી વિસ્તરી અને શા માટે ? સુધી પહોંચે છે. શિક્ષકત્વની ટોચ પર બિરાજેલો શિક્ષક વિદ્યાર્થીના હૃદય સુધી પહોંચે છે. “  Teaching is the Reaching. “  આપણો સમાજ આ શિક્ષકત્વની ખોજની વિરાટ દર્શનની યાત્રામાં તેની અર્જુન જેવી પ્રતિબદ્ધતા શિક્ષક તરફથી વૈશ્વિક માનવીય અપેક્ષાઓને અકબંધ રાખે છે. વિદ્યાર્થીના રહસ્યોને પામવા એટલે સાચા આદર્શ શિક્ષકત્વની ખોજ.  આથીજ કહેવાયું છે કે “ A bad teacher tells a good teacher explains and a best teacher inspires.  આ સમાજ શિક્ષકના શિક્ષકત્વથીજ સમાજની અપેક્ષાઓ સંતોષી શકશે. આ વાત નિર્વિવાદિત છે.

(૨) સંસ્કાર ઘડતરની જરૂરિયાતનું શિક્ષણ

સમાજ માનવીઓનો સમૂહ છે. સમાજમાં જરૂરી ધારા ધોરણો જળવાઇ રહે તે માટે અમૂલ્ય રત્નો જેવા ગ્રંથો આપણા પ્રાચીન ઋષિઓએ આપ્યા છે. આ ગ્રંથો દ્વારા જીવનને દીપાવવું જોઇએ. શિક્ષણ જ આપણા જીવનને પ્રકાશ આપી દિવ્ય બનાવે છે. આપણા સમાજમાં વ્યવહારિક જ્ઞાન માત્ર અને માત્ર શિક્ષણ દ્વારા જ આપી શકાય છે. જગતનો વ્યવહાર, વિકાસ અને તેમના વિનિમયનું માધ્યમ શિક્ષણ જ છે. સમાજમાં યથાશક્તિ દાન, શિક્ષણ કે આરોગ્ય વિષયક સેવાઓ પણ લોકસંગ્રહના જ કાર્યો છે.

આ સમાજમાં આજનું શિક્ષણ જિંદગીભર વણવપરાયેલી માહિતીનો ભંડાર સમું છે. શિક્ષણનો હેતુ તો જીવનભર માનવીનું ઘડતર થાય તેવા વિચારો આરોપિત થાય તેવી ખેવાના સમાજ રાખે છે. સમાજ માત્ર અને માત્ર માહિતીનું માધ્યમ બનતા અટકાવાવાની અભિલાષા છે. સમાજોપયોગી માહિતી જ્ઞાન બને તેવું જીવન ઘડતર સમાજમાં થાય તે ખૂબ જ જરૂરી છે. શિક્ષણ દ્વારા માહિતીનું યોગ્ય દર્શન થાય તે જરૂરી છે.  સમાજમાં આપણે ધાર્મિક અને વ્યવહારુ શિક્ષણ પદ્ધતિનો સમન્વય થાય તે ખૂબ જ જરૂરી છે. આધુનિક શિક્ષણની કથળેલી પરિસ્થિતિ માટે અનેક પરિબળો પૈકી શિક્ષણ પર સરકારનો અંકુશ. ખાનગી શાળાઓ તગડી ફી લઇને લોકોને લૂંટે છે ત્યારે આ સમાજના લોકો પોતાના બાળકને જવનલક્ષી શિક્ષણ મળે તે ખેવના રાખે છે. સમાજને સંસ્કૃતિથી અળગો રાખ્યા વિના શિક્ષિત બનાવી દિક્ષા મળે તેવી ઇચ્છા લોકો રાખે છે.

અભિજ્ઞાનશાકુન્તલમ્ નાટકમાં રાજા દુષ્યંત કણ્વ ઋષિના આશ્રમમાં પ્રવેશતાં પહેલાં તેમની અનુમતી લે છે. આમ દરેક રાજ્યસત્તા પર ગુરુઓનો પ્રભાવ જણાઇ આવે છે. જ્યારે આજે શૈક્ષણિક સંકુલો કે આશ્રમોમાં સરકારી નિયમો કે આચાર સંહિતાના નામે વિદ્યાદાતાને પાંગળા બનાવી દીધા છે. આથી કહેવાયું છે કે  “ સા વિદ્યા યા વિમુક્તયે. “ સમાજ ઇચ્છે કે જ્યાં શિક્ષણ જ નિયમોની બેડીઓથી બંધાયેલ હોય ત્યાં જીવનમુક્તિની આશા ઠગારી નીવડે છે. આમ આજે સમાજ દરેક વ્યક્તિ વિદ્યા મળ્યા બાદ મુક્તિની કામના કરે છે. પારદર્શક શિક્ષણની ઇચ્છા સમાજના છેવાડાનો માનવી રાખે છે. ખરેખર તો શિક્ષણ, ધર્મ અને સરકાર આ ત્રણેય ધારાઓ સ્વતંત્ર રીતે કામ કરે  તે રીતે પારદર્શક હોવા જોઇએ.

(૩)  કૃતજ્ઞતાભાવનું સમજનું શિક્ષણ

આજે સમાજમાં ગુરુ અને શિષ્યનો આદરભાવ ઘટતો જાય છે. આ કૃતજ્ઞતાનો આદરભાવ ફરી સમાજમાં જાગૃત થાય એવું સમાજ ઇચ્છે છે. આ ભાવને કારણે જ સમાજ ફરીથી વધુ બળવત્તર બની ઉર્જાવાન બનશે. આ ભાવ પ્રકટ થાય તો સમાજ સંસ્કારશીલ બનશે. જેમકે…

  • “સાચા બોલા હંસો” ગદ્ય ભણાવી દો તો એ માત્ર શિક્ષણનો એક ઉપરછલ્લો ભાવ બની રહે છે પણ વર્ગના બાળકો સાચું બોલવાની પ્રતિજ્ઞા લે આ જ ખરી કેળવણી છે. આપણો સમાજ બસ આવી જ કેળવણી ઇચ્છે છે.
  • “જનની” કાવ્ય તમે એક શિક્ષક તરીકે ભણાવો છો ત્યારે તે શિક્ષણનો એક ભાગ કે પ્રક્રિયા છે. આ કાવ્ય શિખ્યા બાદ બાળક પોતાની માતાને જીવનમાં શ્રેષ્ઠ સ્થાન આપે તે કેળવણી છે. આ સમાજ આવા શિક્ષણને વર્ગમાંથી સમાજ સુધી લઇ જવા ઇચ્છે છે. વિદ્યાર્થીનો માતા પ્રત્યેનો કૃતજ્ઞતાનો ભાવ પ્રકટ થાય તે જરૂરી છે.
  • એક શિક્ષક જ્યારે ‘વૃક્ષ’ વિશે વર્ગમાં બાળકોને ભણાવે કે સમજાવે છે ત્યારે વૃક્ષ આપણને શું શુ આપે છે ? તે બધી વાત વિગતે સમજાવે છે ત્યારે બાળક કે વિદ્યાર્થી વૃક્ષ વિશેના મનોભાવને કૃતજ્ઞતાની દ્રષ્ટિએ જુએ છે. વૃક્ષને ઉછેરીને મોટું કરે તે તેનો કૃતજ્ઞતાનો ભાવ છે.
  • શિક્ષક વર્ગમાં ‘પાણી’ વિશે સમજાવે છે ત્યારે પાણી જ મારા જીવનનો આધાર છે તે સમજે તે જરૂરી છે. માત્ર અને માત્ર H2o સૂત્ર આવડી જાય તે જ અભિપ્રેત નથી. પાણી પ્રત્યે જીવન આધારનો ભાવ પ્રકટ થાય તે જ ખરૂ શિક્ષણ છે.
  • શિક્ષક જ્યારે માટીના પ્રકારો વિશે શીખવે છે ત્યારે માટી જ મારા જીવનનો પર્યાય છે આ વાત શિક્ષક બાળકના જીવનમાં કૃતજ્ઞતાથી ઉતારે તે જ શિક્ષણ સમાજ ઇચ્છે છે. માટી પ્રત્યેનો સંવેદનાભાવ પ્રકટ થાય તે શિક્ષણ સમાજ ઇચ્છે છે.
  • આપણી સંસ્કૃતિમાં સૂર્ય નમસ્કાર શીખવા એ જ જરૂરી નથી. માત્ર એક વ્યાયામ તરીકે આ ક્રિયા નથી. સૂર્ય નમસ્કાર માત્ર શરીર સુદ્રઢ કરવાનું સાધન નથી, પણ સમગ્ર માનવ જાતિનો પ્રાણ સૂર્ય છે. આ વાત કૃતજ્ઞતા શીખવે છે.

આમ આ સમાજને ભવિષ્યમાં ઉપયોગી થાય અને દેશ પ્રત્યે વફાદાર નાગરિકોનું નિર્માણ થાય તે સમાજ ઇચ્છા સેવે છે.

(૪)  શિક્ષણ : વ્યક્તિનિર્માણથી રાષ્ટ્રનિર્માણ સુધીની યાત્રા એ જ સમાજની અપેક્ષા.

જો શિક્ષણનું ચિંતન વ્યવહારિક બને તો જ શિક્ષણ સાર્થક બની શકે છે. શિક્ષણ એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. મર્યાદિત સમયગાળામાં પૂરી કરવાની કોઇ યોજના નથી. અભ્યાસક્રમ પૂરો કરવો એ શિક્ષણ નથી. માત્ર અક્ષરજ્ઞાન આપવું કે માહિતી આપવી તે શિક્ષણ કે ખરી કેળવણી નથી. ડૉક્ટર, ઇજનેર, કે અધિકારી બનાવી દે એ પૂરતું નથી. શિક્ષણની સાર્થકતા માનવને મહામાનવ બનાવવામાં રહેલી છે. માત્ર રોટલો રળવો એ શિક્ષણનો એક ભાગ છે, પણ રોટલાના દરેક કોળિયાને વધારે મીઠો કેમ બનાવવો ? આ જ ખરી કેળવણી છે. શિક્ષણ રોજીરોટી આપે તે સ્વભાવિક છે, પણ જરૂરિયાતમંદને રોજીરોટી અપાવતા શીખવે એ જ વધારે જરૂરી છે. આ જ શિક્ષણ છે. માત્ર વ્યક્તિ નહિ પણ આખા રાષ્ટ્રનું નિર્માણ થાય તે શિક્ષણ સમાજ ઇચ્છે છે.

શિક્ષિત એટલે બંધનોની ક્ષિતિજથી પર જવું તે. કેળવણી સદગુણોને ખીલવીને દુર્ગુણોને દૂર કરી સાચા માનવ બનાવે છે. કેળવણી દુ:ખને દૂર કરે છે. જે માનવી કેળવણી પામે તેની જાગૃતિ પરાકાષ્ઠાએ પહોંચે નહિ તો તે કેળવણી અધૂરી કહેવાય છે. કેળવણી બે પ્રકારે હોય છે. એક આંતરિક કેળવણી અને બીજી બાહ્ય કેળવણી. માનવીમાં રહેલા આંતરિક ગુણો ખીલે તે ખૂબ જ જરૂરી છે. આ બધું આંતરિક કેળવણી દ્વારા જ શક્ય છે. આત્માનો વિકાસ થાય તે માટે આંતરિક કેળવણી ખૂબ જ જરૂરી છે. બાહ્ય કેળવણી માનવીને જગતનું બાહ્ય જ્ઞાન આપે છે. માનવી પોતાની રોજીરોટી કમાઇને પોતાના જીવતરને બીજા માટે સમાજ માટે ઉપયોગી થાય તો જ સમગ્ર સમાજનો વિકાસ થાય છે.

(૫)  શિક્ષણ : જીવન જીવવાની કલા અને રાષ્ટ્ર ઘડતર એ જ સમાજની અપેક્ષા.

શિક્ષણ જીવન જીવવાની કલા શીખવે છે તે જ ખરી કેળવણી છે. આ જ શિક્ષણના ધ્યેય છે. શિક્ષણ સતત પરિવર્તનશીલ છે.

  • આપણે ત્રિકોણના બે ખૂણાના માપ પરથી ત્રીજા ખૂણાના માપને શોધી શકીએ છીએ પણ આપણા વડીલ માતા કે પિતાને ઘરની બહાર કાઢતાં સહેજ પણ અચકાતા નથી આ મોટી કરુણતા છે. આમ આપણે આપણા પરિવારમાં હળી-મળી કેમ રહેવું અને સારી રીતે જીવન કેમ જીવવું ? આ જ ખરી કલાનું શિક્ષણ શીખવે છે. આ કલા એટલે જ શિક્ષણ.
  • આપણી ગણિતના ભલભલા સમીકરણ ઉકેલવામાં નંબર મેળવતાં હોય, પણ આપણા પરિવાર કે આસપાસ પડોસમાં રહેલી સમસ્યાને કે મડાગાંઠને ઉકેલી શકતા નથી. આ ઉકેલવાની શક્તિ કે સામર્થ્ય કેળવાય તે જ ખરી કેળવણી છે.
  • આપણે મંગળ ગ્રહ સુધી પહોંચી શક્યા છીએ, મંગળ ગ્રહ સુધી કે અન્ય ગ્રહો પર શું શું છે ? આ વાતની સાબિતી કરી શક્યા છીએ પણ એક બીજાના હૃદય સુધી પહોંચવામાં ધીરજ કે ચેતના ગુમાવી બેઠા છીએ.

ઉપસંહાર :

આમ શિક્ષણ ઉપર રાષ્ટ્રના વિકાસનો આધાર રહેલો છે. રાષ્ટ્રને પરમ વૈભવની ઊંચાઇએ લઇ જવા માટે મજબૂત પાયારૂપે આધારભૂત આદર્શ કેળવણીની જરૂર પડશે. આવી કેળવણીથી જ જીવન નિર્માણ થાય છે. જ્યારે આવી કેળવણીથી નૈતિક શિક્ષણ અને મૂલ્ય શિક્ષણને વધુ ગ્રાહ્ય અને વ્યવહારિક રાખવાની જરૂરિયાત છે. વર્ષો પહેલાના ચારિત્ર્ય ઘડતરના શિક્ષણને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે. આજે ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર ઘડતર તરફ ગતિ કરવાની આપણી નેમ અને ખેવના હોવી જોઇએ.

આમ આજે એકવીસમી સદીમાં આપણી દુનિયા સામે અનેક પડકારો મોં વકાસીને ઊભા છે ત્યારે શિક્ષણને ચેતનવંતુ બનાવવાની જરૂર છે. આમ શિક્ષણ જીવનલક્ષી, સમાજલક્ષી, રાષ્ટ્રલક્ષી અને વિશ્વલક્ષી બની રહે એમાં જ તેની ખરી સાર્થકતા છે. શિક્ષણ સમાજને ઉપયોગી થાય તેવા જ પરિરૂપની જરૂર છે.

સંદર્ભ :

(૧)  શિક્ષકત્વની ખોજ .. ડૉ. જયંત વ્યાસ (૨)  સહિયારી જવાબદારી… ડૉ. રક્ષાબેન દવે (૩)  સમાજ વ્યવસ્થામાં શિક્ષણની જરૂરિયાત.. ડૉ.સુરેશ અવૈયા (૪)  શિક્ષકની વિશ્વસનીયતા… ડૉ. સુરેશભાઇ જે. પ્રજાપતિ (૫) કેળવણી : કર્મ અને મર્મ. …પ્રવીણ મકવાણા

પ્રસ્તુતી : 

પ્રવીણ, કે, મકવાણા આચાર્યશ્રી, આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

અશોક બી.પ્રજાપતિ રિસર્ચ એસોસિયેટ, આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગર. મો. ૯૦૧૬૯૨૨૨૬૫

 

 

 

 

 

 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.