‘માતૃભાષા’ પર શરુ થઈ ચુકી છે છંદના પાઠોની શ્રેણી !

ઘણા સમય પહેલાં નેટગુર્જરી પર છુટક લેખોરુપે છંદોની વાતો થયેલી. આજથી એને નવેસરથી આ વેબસાઈટ ‘મતૃભાષા’ પર મુકતાં આનંદ અનુભવાય છે. આશા છે રસીકોને તે ઉપયોગી જણાશે. (આ સાઈટ http://jjugalkishor.in/ ખોલીને ડાબી બાજુ પર મુકેલી ખાલી જગ્યામાં તમારી ઈમેઈલ આઈડી મુકીને સબ્સ્ક્રાઈબ કરો અને દરેક પાઠને મેઈલથી મેળવો. 

– જુ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––

પ્રાસ્તાવિક – ૧

ચાલો આપણે છંદનું ફરી પ્રચલન કરીએ !                                                 

જુગલકિશોર

 

છંદ શા માટે ?

છંદ અને સ્વચ્છંદ બે શબ્દો છે તો સાવ નોખી જ માટીના, પણ એ બન્નેના વિરોધાભાસને આપણી વાત સમજવા માટે આપણે કામમાં લઈશું.

સ્વચ્છંદ એટલે મનસ્વીપણું. મનફાવે તેમ કરનારું; આડેધડ, અસ્તવ્યસ્ત ને અશિસ્તવાળું એમ કહી શકાય. જ્યારે કાવ્યનો છંદ વ્યવસ્થિતિનું, ગોઠવણીનું, શિસ્તનું, લયબદ્ધતાનું, સુસંવાદિતાનું, સુગ્રથિતતાનું ને અંગ્રેજીમાં જેને હાર્મની કહે છે તે સૌનું પ્રતિનિધિત્વ કરનારો શબ્દ છે.

સત્ય અને શિવને પ્રગટવા માટે સુંદરતાભર્યું પાત્ર હોય તો “સત્યમ્ શિવમ્ સુંદરમ્”નો મંત્ર સાર્થક બને છે.

છંદ એ કાવ્યનું બાહ્યાવરણ તો છે જ પરંતુ તે ઉપરાંત તે કાવ્યમાંના સત્ય–શિવને, કાવ્યના આંતરિક તત્ત્વ – થીમ –ને લયબદ્ધ કરીને, સુગ્રથિત કરીને, સંવાદિતા સ્થાપનારી, હાર્મની ઊભી કરનારી એક શાસ્ત્રીય ‘વ્યવસ્થા’ પણ છે.

વૈદિક સાહિત્ય વૈદિક છંદોમાં પ્રગટ થયું. એ છંદોમાં ગણો પછીથી આવ્યા. પણ પછી તો પિંગળ દ્વારા આપણને છંદોનો ખજાનો મળ્યો અને એક શિસ્તબદ્ધ વ્યવસ્થા વડે કાવ્યમાધુરીનો રસ્તો સાંપડ્યો. જ્યારે છાપખાનાં નહોતાં ને લખવાનીય પૂરી સગવડો પૂરતી નહોતી ત્યારે વૈદિક સાહિત્ય બધું કંઠોપકંઠ સચવાતું હતું. હજારો શ્લોકોને યાદ રાખીને તે સાહિત્ય જીવંત રખાતું હતું. આજે પણ બધી જ સગવડો હોવા છતાં વેદપાઠીઓ વેદગાન દ્વારા વેદોનાં શુદ્ધ ઉચ્ચારણો અને ઉચ્ચારણો દ્વારા પણ પ્રગટતા રહેતા ગૂઢ અર્થોને સાચવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે સો લીટીનો નિબંધ કંઠસ્થ કરી શકાતો નથી પણ એક હજાર પંક્તિનું પદ્ય કંઠસ્થ કરી શકાય છે. છંદ અને છંદો દ્વારા ઊભો થતો લય હજારો શ્લોકોને યાદ રાખવામાં બહુ મોટો ફાળો આપે છે.

આમ કિંમતી સાહિત્યને કંઠોપકંઠ સાચવવામાં છંદોની લયબદ્ધતાએ બહુ મોટો ફાળો આપ્યો છે. આજે કાવ્યમાં છંદોનું ચલણ ઘટતું જાય છે ત્યારે એના વિશે જાણે કે નવેસરથી વિચારવાનું આવ્યું હોય તેમ ગણીને તેને પૂરતું મહત્ત્વ આપવાની જરૂર છે.

*****     *****     *****

છંદો શું કાવ્યમાં બંધનરૂપ છે ?

કવિતાને ‘કાનની કળા’ કહી છે. કાન તો ગદ્યમાં પણ જરૂરી હોય છે. જાહેરાતના ડ્રાફ્ટ્સનું કે પાટિયાંનું કે પછી સમાચારોનું ગદ્ય પણ કાનનો વિષય છે જ પણ તેમાં કળા પ્રગટતી નથી. કાવ્યમાં જે કળા રહેલી છે તેમાં કાવ્યમાં રહેલો આંતરિક અને બાહ્ય લય પણ કારણભૂત છે. આ બાહ્ય લય આપનારું પ્રધાન તત્ત્વ પંક્તિની શિસ્તબદ્ધ ગોઠવણીમાં રહેલું છે. આ શિસ્તબદ્ધ યોજનારૂપ છંદને બાદ કરીને કાવ્યનો વિચાર કરવાનું સહેલું નથી. પિંગળના છંદો કે જેમાં અક્ષરમેળ ઉપરાંત માત્રામેળ છંદોનો સમાવેશ છે તે સિવાય પણ મધ્યયુગીન પદોમાં, ગીતોમાં, ગરબીઓમાં, ભજનોમાં માત્રા ને તાલના જે નિયમો છે તેણે એ બધી રચનાઓને આટલી ઉંચાઈ અને શાશ્વતી આપી છે.

સામાન્ય રીતે છંદ તરફનો અ–ભાવ બે રીતે પ્રગટ થતો રહેતો હોય છેઃ એક, ‘છંદો અઘરા પડે છે’ અને બીજું, ‘છંદ એક બંધન છે.’ પહેલીમાં નિખાલસતા જણાય છે પણ બીજીમાં કંઈક સોફિસ્ટિકેશન – સુષ્ટુસુષ્ટુ રીત – જણાય છે.

છંદો અઘરા પડે છે એવું ખાસ કરીને અક્ષરમેળ છંદોને કારણે કહેવાતું હોય તેવું લાગશે, કારણ કે ઢગલાબંધ લખાતી ગઝલોમાં માત્રામેળ પ્રકારના જ છંદો લગભગ હોય છે ને તે છંદો સાવ સરળતાથી પ્રયોજાતા હોય છે.

વળી અઘરા પડતા લાગતા છંદોને અવગણીને માનો કે કાવ્યસર્જન કરવામાં આવે તો પણ કાવ્યત્વને પામી જ જવાશે તેની ખાત્રી તો નથી જ. કાવ્યતત્ત્વ કાંઈ સાવ સાધારણ અને સૌને હાથવગું બની રહેનારું તત્ત્વ નથી. વિચાર કે ભાવને સહેલાઈથી ગમે તેમ ગોઠવી દેવા માત્રથી કાવ્યત્વને પામી શકાતું નથી. મારા જેવા પોતાની પદ્યરચનાઓને કાવ્યને બદલે ‘કવીતડાં’ કહીને જ ઓળખાવવાનો આગ્રહ રાખનારને ખબર છે કે કાવ્ય–પદારથ એ ‘ભૂતળ ભક્તિ પદારથ’ની જેમ બહુ મોટી બાબત છે. ને અછાંદસ રચનામાંય છંદના બાહ્ય લયની જેમ આંતરિક લયની જરૂર તો હોય જ છે. ઉત્તમ અછાંદસ રચનાઓમાં પણ જોવા મળતો આંતરિક લય તો કાવ્યનું પાયાનું તત્ત્વ છે. એટલે છંદ ફક્ત અઘરી બાબત હોઈ એનાથી ભાગવાનો કોઈ ખાસ અર્થ નથી.

બીજી બાજુ, છંદને કાવ્યનું બંધન કહેવામાંય જોખમ તો છે જ ! કેટલાંક બંધન અનિવાર્ય હોય છે ને કેટલાંક સ્વૈચ્છિક હોય છે. છંદને અનિવાર્ય કહો કે સ્વૈચ્છિક કહો, પણ એનું બંધન ખરેખર બંધન તો નથી જ. કાવ્યના ઉદાત્ત કે ભવ્ય છતાં અત્યંત નાજુક એવા ભાવ–વિચારને છંદની સાંકડી અને નિયમબદ્ધ પંક્તિઓમાં નંદવાઈ જવાનો ભય જોનારાને કહીશું કે વિશ્વના મહાન સર્જકોને આ તકલીફ ક્યારેય નડી નથી. જુઓ ને, ૪૦ ફૂટના રસ્તા ઉપર પગે ચાલનારા ઘડીકમાં ભટકાઈ જતા હોય છે ને ૨૦૦થી ૪૦૦ ફૂટના રસ્તા ઉપર પણ વાહનોના અકસ્માતો બનતા રહેતા જ હોય છે એની સામે પેલો બજાણિયો અને એની નાનકડી દીકરી ફક્ત દોઢ ઈંચ પહોળા દોરડા ઉપર કેવા ખેલ ખેલી શકે છે ?! કાવ્યનો સર્જક પણ છંદોના સાંકડા લાગતા કે કહેવાતા માપની અંદર રહીને કેવીકેવી શબ્દલીલાઓ કરી જાણે છે ?!!

 

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે…”

“અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા…!”

રે, પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો !”

“ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ન લાધશે !”

“ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !”

“વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા…”

“સમાધિમાં સ્થિતઃપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?”

“કર્મણ્યે વા ધિકારસ્તે મા ફલેષુ કદાચન”

જેવી અમરતાને વરેલી પંક્તિઓમાં જુઓ (અનુક્રમે) ઝૂલણા, શિખરિણી, મંદાક્રાંતા, ઇન્દ્રવજ્રા, પૃથ્વી, વસંતતિલકા અને અનુષ્ટુપ કેવા ગોઠવાઈ ગયા છે !!!

અને હા, કટાવ જેવા માત્રામેળ છંદના ફક્ત ચાર જ માત્રાના જૂથને બબ્બે શબ્દોની કુલ આઠ જ માત્રાઓમાં પ્રયોજીને શ્રી લાભશંકર ઠાકરે “વરસાદ પછી” નામક એક રચના આપણને આપી છે. ગાગા ગાગાના બબ્બે આવર્તનો વડે તેમણે વરસાદ પછી ભીંજાયેલી રાધીકારૂપ ધરતી, તડકાનો ટુવાલ અને એને છુપાઈને જોઈ રહેલી કૃષ્ણરૂપ કવિની આંખનું જે સચોટ દર્શન કરાવ્યું છે તે આવા સાવ સાદાસીધા છંદનો વૈભવ પ્રગટ કરે છે. આ કાવ્યને વાંચ્યાં પછી કોઈ નહીં કહી શકે કે છંદો બંધનરૂપ હોય છે.

વરસાદ પછી શ્રી લાભશંકર ઠાકર

https://jjkishor.wordpress.com/2007/06/29/rasasvad-15/

અને એક બીજી વાત, એક ખાત્રીરૂપે !

જે કોઈને પણ છંદમાં કાવ્ય રચના કરવી છે તેમને માટે એક નુસખો બતાવી દઉં. રજાને (કે કોઈ પણ) દિવસે સવારથી મંદાક્રાંતા, શિખરિણી, અનુષ્ટુપ કે વસંતતિલકા છંદની કોઈ જાણીતી પંક્તિને જ્યારે પણ સમય મળે ત્યારે રટવા માંડો. એકની એક પંક્તીને દિવસ દરમિયાન રટ્યા જ કરવાની છે ! એ જ પંક્તિનું બંધારણ પણ બને તો રટવાનું સાથે જ રાખવું. જેમ કે –

મંદાક્રાંતાનુઃ ગાગાગાગા, લલલલલગા, ગાલગાગાલગાગા

રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.

શિખરિણીનુઃ લગાગાગાગાગા, લલલલલગા ગાલલલગા

રહ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

વસંતતિલકાનુઃ ગાગાલગાલલલગાલલગાલગાગા

મામ્ પાહિ ઓ ભગવતિ ભવદુ:ખ કાપો.

આ બંધારણ પણ પંક્તિની સાથે જ રટતા જવાનું. મારા તરફથી ખાત્રી છે કે રાતે સૂતાં પહેલાં તમે દસેક લાઈનો જરૂર તે છંદમાં રચી કશો !!

 

––––––––––––––––––––––––––––––––––––––––––

Advertisements

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.