છંદના પ્રકારો : – જુગલકિશોર
છંદોના બે મુખ્ય પ્રકારો છે :
૧) અક્ષરમેળ છંદો (અક્ષરોની ગણતરીના આધારે)
૨) માત્રામેળ છંદો (માત્રાઓની સંખ્યાની ગણતરીના આધારે)
નોંધ : છંદોના પ્રકારો પડ્યા છે તે મુખ્યત્વે તો કાવ્યની પંક્તિના માપને આધારે પડ્યા છે ! પંક્તીની લંબાઈ મુખ્યત્વે બે રીતે માપી શકાય છે :
૧) પંક્તિમાં કેટલા અક્ષરો છે તેના આધારે પંક્તિની લંબાઈ તથા
૨) પંક્તિમાં લઘુગુરુની મળીને કુલ કેટલી માત્રા થાય છે તેના આધારે.
અક્ષરની ગણતરીવાળા છંદો. (આગળ આપણે જોઈશું કે તાલની ગણતરીથી પણ પંક્તિને માપવામાં આવતી હોય છે !)
૩) ત્રીજો પણ એક પ્રકાર છે તે ગઝલના છંદોનો. જોકે તે બધા પણ માત્રામેળ છંદો હોય છે પરંતુ તેમાં નીશ્ચીત માત્રાઓના એક કે વધુ સંધીનાં મીશ્રણો અને આવર્તનો થતાં હોય છે અને એમ કરીને મુખ્ય જે ૧૯ છંદો છે તેમાં જુદાજુદા સંધીઓ દ્વારા અસંખ્ય છંદો બન્યા છે. અહીં આપણે ગઝલના છંદોને હાલ તરત ચર્ચામાં લેતાં નથી.)
અક્ષરમેળ છંદો : આ પ્રકારના છંદોને ‘વૃત્ત’ કહે છે. વૃત્ત એટલે અક્ષરમેળ છંદો;
માત્રામેળ છંદો : આ પ્રકારના છંદોને ‘જાતિ’ કહે છે.જાતિ એટલે માત્રામેળ છંદો.
‘વૃત્ત’ અક્ષરમેળ છંદોના બે પેટા વિભાગ છે :
૧) અક્ષરમેળ છંદો અને
૨) રૂપમેળ છંદો.
‘જાતિ’ માત્રામેળના ત્રણ પેટા વિભાગ છે :
૧) માત્રામેળ છંદો
૨) સંખ્યામેળ છંદો
૩) લયમેળ છંદો
‘વૃત્તો’ અક્ષરમેળ :
આ પ્રકારના છંદોમાં (અક્ષરમેળ) અક્ષરોની સંખ્યા નક્કી હોય છે. પણ દરેક અક્ષર (લઘુ કે ગુરુ)નું સ્થાન નક્કી હોતું નથી. ગમે ત્યાં લઘુ કે ગુરુ આવી શકે છે. આ પ્રકારના છંદો ગાયત્રી, અનુષ્ટુપ, ત્રિષ્ટુભ, આખ્યાનકી.
ઉદાહરણ : ગાયત્રી : ત્રણ ચરણ; દરેક ચરણમાં આઠ અક્ષરો.
તત્સવિતુર્ વરેણ્યમ
ભર્ગો દેવસ્ય ધિમહી
ધિયોયોન પ્રચોદયાત્.
ઉદા. અનુષ્ટુપ : ચાર ચરણ; દરેકમાં આઠ અક્ષરો.
धर्मक्षेत्रे कुरुक्षेत्रे
समवेता युयुत्सव
मामका: पांडवाश्चैव
किमकुर्वत संजय
હવે તો માંથી ફક્ત અનુષ્ટુપ જ પ્રચલિત છે. દા.ત. અનુષ્ટુપના પ્રત્યેક ચરણમાં 8 અક્ષરો હોય છે પણ લઘુ કે ગુરુ અક્ષર અહીં જ આવશે તે નક્કી નથી હોતું. એનો અર્થ એ થયો કે આવા છંદોમાં ગણો હોતા નથી. આપણે આઠ પ્રકારના ગણો હવે પછી શીખવાના છીએ. ત્યારે ખ્યાલ આવશે કે, એમાંનો કોઈ ગણ અનુષ્ટુપમાં ન હોય…તેનું કારણ શું હોઈ શકે ?
(કારણ કે અક્ષરનું સ્થાન નક્કી હોય તો જ અને પંક્તિમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય તો જ ગણની રચના થઈ શકે.)
નોંધ : અક્ષરમેળ (કે અક્ષરબંધ) છંદોમાં અક્ષરોની સંખ્યા નક્કી હતી પણ દરેકનું સ્થાન નક્કી નહોતું…..પરંતુ જેમ જેમ છંદોમાં પ્રગતિ થતી ગઈ તેમ તેમ દરેક અક્ષરનું સ્થાન પણ નક્કી થતું ગયું એટલે કે લઘુ કે ગુરુ દરેક અક્ષરનું રૂપ નક્કી થતું ગયું તેથી તેને રૂપમેળ છંદો કહેવાયા !!
આ રૂપમેળ છંદોમાં પણ પાછા બે પ્રકારો છે ! ૧ – યતિવાળા છંદો અને ૨ – યતિ વિનાના છંદો. જે છંદોમાં યતિ હોય છે તેવા છંદો જેમ કે શિખરિણી, મંદાક્રાંન્તા તથા યતિ વિનાના છંદો, જેમ કે વસંતતિલકા, ઇન્દ્રવજ્રા.
યતિ વિશે આપણે હવે પછી જાણીશું.
આ પ્રકારના, રૂપમેળ છંદોમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય જ છે. દા.ત. ઈન્દ્રવજ્રા છંદના ૧૧ અક્ષરો, ઈન્દ્રવંશાના ૧૨ અક્ષરો, વસંતતિલકાના ૧૪, પૃથ્વી–મંદાક્રાંતા–શિખરિણી વગેરેના ૧૭, શાર્દૂલવિક્રીડિતના ૧૯ અને સ્રગ્ધરાના ૨૧ અક્ષરો.
પરંતુ આમાંના દરેક અક્ષર તે લઘુ હોય કે ગુરુ, એનું દરેકનું સ્થાન પણ નક્કી જ હોય છે. અને તે સ્થાન મુજબ પંક્તિમાં દરેક ત્રણ અક્ષરનો એક “ગણ” બને છે. (આ ગણ વિશે વિગતવાર આપણે જાણીશું ત્યારે એની કસરત કરવાની મજા પણ લઈશું !)
(બંને પ્રકારના અક્ષરમેળ છંદોમાંના અક્ષરો લઘુ-ગુરુને લ-ગા એવી સંજ્ઞાથી ઓળખાય છે. લઘુની એક અને ગુરુની બે માત્રા છે.)
છંદોના મુખ્ય બે પ્રકારોમાં જાતિમેળ (માત્રામેળ) છંદો અંગે હવે પછીના હપતે.